સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે ઘર કઈ રીતે ચલાવી શકો?

તમે ઘર કઈ રીતે ચલાવી શકો?

૧. શા માટે આજે ઘર ચલાવવું આટલું અઘરું બની શકે?

 “આ જગતનું દૃશ્ય બદલાતું રહે છે.” (૧ કોરીંથી ૭:૩૧, NW) એ શબ્દો ૧,૯૦૦ કરતાં વધુ વર્ષો અગાઉ લખવામાં આવ્યા હતા, અને એ આજે કેટલા સાચા છે! બાબતો બદલાતી રહે છે, ખાસ કરીને કૌટુંબિક જીવનને લગતી બાબતો. આજથી ૪૦ કે ૫૦ વર્ષ પહેલાં જે સામાન્ય કે પ્રણાલિગત ગણાતું હતું તે આજે ઘણી વાર સ્વીકાર્ય હોતું નથી. એને કારણે, સફળતાપૂર્વક ઘર ચલાવવું પ્રચંડ પડકારો રજૂ કરી શકે. તથાપિ, શાસ્ત્રીય સલાહ સાંભળવામાં આવે તો, તમે એ પડકારો ઝીલી શકો છો.

તમારી આવકમાં રહીને જીવો

૨. કુટુંબમાં કયા આર્થિક સંજોગો તણાવ પેદા કરે છે?

આજે ઘણા લોકો સાદા, કુટુંબ-કેન્દ્રિત જીવનથી સંતુષ્ટ રહ્યા નથી. વેપારી જગત વધુ ને વધુ ચીજવસ્તુઓ પેદા કરે છે અને જનતાને લલચાવવાના પ્રયત્નરૂપે તેની જાહેરાતની કુશળતાનો ઉપયોગ કરે છે તેમ, લાખો પિતાઓ અને માતાઓ કામ પર ઘણા કલાકો વિતાવે છે જેથી તેઓ એ ચીજવસ્તુઓ ખરીદી શકે. અન્ય લાખો મુઠ્ઠીભર ખાવાનું મેળવવા રોજ-બ-રોજની લડત લડી રહ્યા છે. તેઓએ અગાઉ કરતાં ઘણો વધુ સમય કામ પર વિતાવવો પડે છે, કદાચ બે નોકરી કરવી પડે છે, જેથી તેઓ ફક્ત જરૂરિયાતો ખરીદી શકે. વળી બીજાઓ નોકરી મળતા ખુશ થાય છે, કેમ કે બેકારી વિસ્તૃત ફેલાયેલો કોયડો છે. હા, આધુનિક કુટુંબ માટે જીવન હંમેશા સહેલું હોતું નથી, પરંતુ બાઇબલ સિદ્ધાંતો સંજોગોનો સૌથી સારો ઉપયોગ કરવા માટે કુટુંબોને મદદ કરી શકે છે.

૩. પ્રેષિત પાઊલે કયો સિદ્ધાંત સમજાવ્યો, અને એ લાગુ પાડવાથી ઘર સફળ રીતે ચલાવવામાં કઈ રીતે મદદ મળી શકે?

પ્રેષિત પાઊલે આર્થિક દબાણોનો અનુભવ કર્યો. એને હાથ ધરવામાં, તે એક મૂલ્યવાન પાઠ શીખ્યો, જેની સમજ તે પોતાના મિત્ર તીમોથીને લખેલા પત્રમાં આપે છે. પાઊલ લખે છેઃ “આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી; પણ આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.” (૧ તીમોથી ૬:૭, ૮) સાચું, કુટુંબને ફક્ત ખોરાક અને કપડાં કરતાં વધુની જરૂર હોય છે. એને રહેવા માટે સ્થળ પણ જરૂરી હોય છે. બાળકોને શિક્ષણની જરૂર હોય છે. અને દવાખાનાનાં બીલ અને બીજા ખર્ચા પણ હોય છે. એમ હોવા છતાં, પાઊલના શબ્દોનો સિદ્ધાંત લાગુ પડે છે. આપણે આપણી ઇચ્છાઓમાં મહાલવા કરતાં, આપણી જરૂરિયાતો પૂરી કરવાથી સંતુષ્ટ રહીશું તો, જીવન વધારે સહેલું બનશે.

૪, ૫. પૂર્વવિચાર અને આયોજન ઘર ચલાવવામાં કઈ રીતે મદદ કરી શકે?

બીજો એક મદદરૂપ સિદ્ધાંત ઈસુના એક દૃષ્ટાંતમાં મળે છે. તેમણે કહ્યું: “તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?” (લુક ૧૪:૨૮) ઈસુ અહીં પૂર્વવિચાર, અગાઉથી આયોજન કરવાનો ઉલ્લેખ કરે છે. આપણે આગલા પ્રકરણમાં જોયું કે એક યુવાન યુગલ પરણવાનો વિચાર કરે છે ત્યારે એ કઈ રીતે મદદરૂપ નીવડે છે. અને લગ્‍ન પછી, ઘર ચલાવવામાં પણ એ મદદરૂપ નીવડે છે. આ વિસ્તારમાં પૂર્વવિચારમાં, બજેટ હોવાનો સમાવેશ થાય છે, અર્થાત્‌ પ્રાપ્ય ભંડોળનો સૌથી શાણો ઉપયોગ કરવામાં અગાઉથી આયોજન કરવું. એ રીતે કુટુંબ ખર્ચનું નિયંત્રણ કરી શકે છે, દરરોજ કે દર સપ્તાહે જરૂરી ચીજવસ્તુઓના ખર્ચ પેટે પૈસા અલગ રાખે છે, અને પોતાની આવક બહાર જીવતું નથી.

કેટલાક દેશોમાં, આવું બજેટ બનાવવાનો અર્થ બિનજરૂરી ખરીદીઓ માટે ઊંચા વ્યાજે પૈસા ઉધાર લેવાની ઉત્કટ ઇચ્છાનો વિરોધ કરવો થઈ શકે. અન્ય દેશોમાં, એનો અર્થ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં સખત અંકુશ રાખવો થઈ શકે. (નીતિવચન ૨૨:૭) એનો અર્થ ઇચ્છા થઈ જાય તે ખરીદવાનો—જરૂરિયાતો અને પરિણામોનો વિચાર કર્યા વિના પળવારમાં કંઈક ખરીદી લેવાનો—વિરોધ કરવો પણ થઈ શકે. વધુમાં, બજેટ સ્પષ્ટ કરશે કે જુગાર, તમાકુનું ધૂમ્રપાન, અને અતિશય પીવામાં સ્વાર્થીપણે પૈસા બગાડવા કુટુંબની આર્થિક પરિસ્થિતિને હાનિ પહોંચાડે છે, તેમ જ એ બાઇબલ સિદ્ધાંતો વિરુદ્ધ જાય છે.—નીતિવચન ૨૩:૨૦, ૨૧, ૨૯-૩૫; રૂમી ૬:૧૯; એફેસી ૫:૩-૫.

૬. જેઓને ગરીબીમાં જીવવું પડે છે તેઓને કયાં શાસ્ત્રીય સત્યો મદદ કરે છે?

તેમ છતાં, જેઓને બળજબરીપૂર્વક ગરીબીમાં રહેવા ધકેલવામાં આવ્યા છે તેઓનું શું? એક બાબત છે કે, તેઓને એ જણાવીને દિલાસો આપી શકાય કે આ જગતવ્યાપી કોયડો ફક્ત હંગામી છે. ઝડપભેર આવી રહેલી નવી દુનિયામાં, યહોવાહ ગરીબી અને સાથે માણસજાત માટે દુ:ખ પેદા કરનાર અન્ય સર્વ દૂષણો દૂર કરશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧, ૧૨-૧૬) તે દરમ્યાન, સાચા ખ્રિસ્તીઓ, ભલે તેઓ ઘણા ગરીબ કેમ ન હોય, સદંતર નિરાશ થઈ જતા નથી, કેમ કે તેઓને યહોવાહના વચનમાં વિશ્વાસ છેઃ “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” તેથી, એક વિશ્વાસી ખાતરીપૂર્વક કહી શકેઃ “પ્રભુ [“યહોવાહ,” NW] મને સહાય કરનાર છે; હું બીહિશ નહિ.” (હેબ્રી ૧૩:૫, ૬) આ કપરા દિવસોમાં, યહોવાહે પોતાના ઉપાસકોને, તેઓ તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવે છે અને પોતાનાં જીવનમાં તેમના રાજ્યને પ્રથમ મૂકે છે ત્યારે, ઘણી રીતોએ ટેકો આપ્યો છે. (માત્થી ૬:૩૩) તેઓની મોટી સંખ્યા, પ્રેષિત પાઊલના શબ્દોમાં આમ કહેતા, સાક્ષી આપી શકેઃ “ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું; હરપ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને, તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૨, ૧૩.

બોજના સહભાગી થવું

૭. ઈસુના કયા શબ્દો, લાગુ પાડવામાં આવે તો, સફળ રીતે ઘર ચલાવવામાં મદદ કરશે?

ઈસુએ પોતાના પાર્થિવ સેવાકાર્યના અંત તરફ કહ્યું: “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૯) કુટુંબમાં એ સલાહ લાગુ પાડવાથી ઘર ચલાવવામાં પુષ્કળ મદદ મળે છે. આખરે, આપણી સાથે કુટુંબના રહેઠાણમાં સહભાગી થઈ રહેલા—પતિઓ અને પત્નીઓ, માબાપ અને બાળકો—સિવાય આપણા સૌથી નજીકના, સૌથી વહાલા પડોશીઓ બીજા કોણ છે? કુટુંબના સભ્યો કઈ રીતે એકબીજા માટે પ્રેમ બતાવી શકે?

૮. કુટુંબમાં પ્રેમ કઈ રીતે વ્યક્ત થઈ શકે?

એક રીત એ છે કે કુટુંબનું દરેક સભ્ય ઘરકામનો પોતાનો ભાગ કરે. આમ, બાળકોને વસ્તુઓનો ઉપયોગ કર્યા પછી ઠેકાણે મૂકવાનું શીખવવાની જરૂર છે, પછી તે કપડાં હોય કે રમકડાં. રોજ સવારે પથારી સુઘડ કરવામાં સમય અને પ્રયત્ન લાગી શકે, પરંતુ એ ઘર ચલાવવામાં મોટી મદદ છે. અલબત્ત, કેટલીક નજીવી, હંગામી અસ્તવ્યસ્તતા અનિવાર્ય છે, પરંતુ ઘર વાજબીપણે સુઘડ રાખવામાં, તેમ જ જમ્યા પછી સફાઈ કરવામાં, બધા ભેગા કામ કરી શકે. આળસ, સ્વચ્છંદીપણું, અને કચકચવાળા, અધકચરા આત્માની દરેક પર નકારાત્મક અસર પડી શકે. (નીતિવચન ૨૬:૧૪-૧૬) બીજી તર્ફે, આનંદી, સ્વૈચ્છિક આત્માથી કૌટુંબિક જીવન સુખી થાય છે. “ખુશીથી આપનારને દેવ ચાહે છે.”—૨ કોરીંથી ૯:૭.

૯, ૧૦. (અ) ઘણી વાર ઘરની સ્ત્રી પર કયો બોજ રહે છે, અને એ કઈ રીતે હળવો કરી શકાય? (બ) ઘરકામની કઈ સમતોલ દૃષ્ટિ સૂચવવામાં આવે છે?

વિચારણા અને પ્રેમ એવી પરિસ્થિતિ ઊભી થતા અટકાવશે જે કેટલાંક ઘરોમાં ગંભીર કોયડો હોય છે. માતાઓ પ્રણાલિગતપણે ગૃહજીવનનો મુખ્ય આધાર રહી છે. તેઓએ બાળકોની કાળજી લીધી છે, ઘર સાફ રાખ્યું છે, કુટુંબનાં કપડાં ધોયાં છે, અને ખોરાક ખરીદ્યો તથા રાંધ્યો છે. કેટલાક દેશોમાં, સ્ત્રીઓએ રિવાજ પ્રમાણે ખેતરોમાં કામ કર્યું છે, ઉત્પાદનનું બજારમાં વેચાણ કર્યું છે, અથવા કુટુંબના બજેટમાં અન્ય રીતોએ ફાળો આપ્યો છે. અગાઉ જ્યાં એ રિવાજ ન હતો ત્યાં પણ, જરૂરિયાતે લાખો પરિણીત સ્ત્રીઓને ઘર બહાર નોકરી શોધવાની ફરજ પાડી છે. આ ભિન્‍ન વિસ્તારોમાં સખત મહેનત કરતી પત્ની અને માતા પ્રશંસાપાત્ર છે. બાઇબલમાં વર્ણવેલી “સદ્‍ગુણી સ્ત્રી”ની માફક, તેના દિવસો ઉદ્યમીપણાથી ભરેલા હોય છે. “તે આળસની રોટલી ખાતી નથી.” (નીતિવચન ૩૧:૧૦, ૨૭) જો કે, એનો અર્થ એવો નથી થતો કે ઘરમાં ફક્ત સ્ત્રી જ કામ કરે. પતિ અને પત્ની બંનેએ આખો દિવસ ઘર બહાર કામ કર્યા પછી, પતિ અને આખું કુટુંબ આરામ કરે એ દરમ્યાન શું ઘરકામનો બોજ એકલી પત્નીએ જ ઊઠાવવો જોઈએ? નિશ્ચે નહિ જ. (સરખાવો ૨ કોરીંથી ૮:૧૩, ૧૪.) તેથી, ઉદાહરણ તરીકે, માતા રસોઈ કરે તો, કુટુંબના બીજા સભ્યો તૈયારીરૂપે ટેબલ ગોઠવવામાં, કેટલીક ખરીદી કરવામાં, કે ઘરમાં ચોતરફ થોડીક સફાઈ કરવામાં મદદ કરે તો, તે આભારી થશે. હા, બધા જવાબદારીના સહભાગી થઈ શકે.—સરખાવો ગલાતી ૬:૨.

૧૦ કોઈ કહેશેઃ “હું જ્યાં રહું છું ત્યાં પુરુષો આવી બાબતો કરતા નથી.” એ સાચું હોય શકે, પરંતુ શું એ બાબતનો થોડો વિચાર કરવો સારું નહિ થશે? યહોવાહ દેવે કુટુંબની શરૂઆત કરી ત્યારે, તેમણે એવી આજ્ઞા આપી ન હતી કે અમુક કામ ફક્ત સ્ત્રીઓ જ કરશે. એક પ્રસંગે, યહોવાહના ખાસ સંદેશવાહકોએ વિશ્વાસુ માણસ ઈબ્રાહીમની મુલાકાત લીધી ત્યારે, મુલાકાતીઓ માટે ખાણું તૈયાર કરવામાં અને પીરસવામાં તે વ્યક્તિગત રીતે સહભાગી થયો. (ઉત્પત્તિ ૧૮:૧-૮) બાઇબલ સલાહ આપે છેઃ “પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.” (એફેસી ૫:૨૮) દિવસના અંતે, પતિ થાકી જાય અને આરામ કરવા માંગે તો, શું એ શક્ય નથી કે પત્નીને પણ એમ જ, કદાચ એનાથી પણ વધારે, લાગે? (૧ પીતર ૩:૭) તો પછી, પતિ ઘરમાં મદદ કરે એ યોગ્ય અને પ્રેમાળ નહિ થશે શું?—ફિલિપી ૨:૩, ૪.

૧૧. ઈસુએ ઘરના દરેક સભ્ય માટે કઈ રીતે સારું ઉદાહરણ બેસાડ્યું?

૧૧ ઈસુ દેવને ખુશ કરનાર અને પોતાના સોબતીઓને સુખ આપનારનું સૌથી સારું ઉદાહરણ છે. ઈસુ કદી પરણ્યા ન હતા છતાં, તે પતિઓ માટે, તેમ જ પત્નીઓ અને બાળકો માટે, સારું ઉદાહરણ છે. તેમણે પોતા વિષે કહ્યું: “માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને,” અર્થાત્‌, બીજાઓની સેવા કરવા, “આવ્યો છે.” (માત્થી ૨૦:૨૮) જેમાં બધા સભ્યો આવું વલણ કેળવે છે તે કુટુંબો કેવાં આનંદપૂર્ણ હોય છે!

સ્વચ્છતા—શા માટે આટલી મહત્ત્વની?

૧૨. યહોવાહની સેવા કરનારાઓ પાસે તે શું ઇચ્છે છે?

૧૨ ઘર ચલાવવામાં મદદ કરી શકે તેવો બીજો બાઇબલ સિદ્ધાંત ૨ કોરીંથી ૭:૧માં મળી આવે છે. ત્યાં આપણે વાંચીએ છીએઃ “આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ.” આ પ્રેરિત શબ્દો પાળનારાઓ યહોવાહને સ્વીકાર્ય છે, જે પોતે “શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા” ઇચ્છે છે. (યાકૂબ ૧:૨૭) અને તેઓનાં ઘરકુટુંબો સંકળાયેલા લાભો મેળવે છે.

૧૩. શા માટે સ્વચ્છતા ઘર ચલાવવામાં મહત્વની છે?

૧૩ દાખલા તરીકે, બાઇબલ આપણને ખાતરી આપે છે કે એવો દિવસ આવશે જ્યારે રોગ અને માંદગી રહેશે નહિ. તે સમયે, “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪; પ્રકટીકરણ ૨૧:૪, ૫) જો કે, તદપર્યંત, દરેક કુટુંબે વખતોવખત માંદગીનો સામનો કરવો પડે છે. અરે પાઊલ અને તીમોથી પણ માંદા પડ્યા હતા. (ગલાતી ૪:૧૩; ૧ તીમોથી ૫:૨૩) જો કે, તબીબી નિષ્ણાતો કહે છે કે ઘણી માંદગી અટકાવી શકાય છે. શાણા કુટુંબો દૈહિક અને આત્મિક મલિનતાઓ ટાળે તો, કેટલીક અટકાવી શકાય એવી માંદગીઓમાંથી બચે છે. કઈ રીતે બચી શકાય તે આપણે વિચારીએ.—સરખાવો નીતિવચન ૨૨:૩.

૧૪. કઈ રીતે નૈતિક શુદ્ધતા કુટુંબને માંદગીમાંથી બચાવી શકે?

૧૪ આત્માની શુદ્ધતામાં નૈતિક શુદ્ધતાનો સમાવેશ થાય છે. સુપ્રસિદ્ધ છે તેમ, બાઇબલ ઉચ્ચ નૈતિક ધોરણોને પ્રોત્સાહન આપે છે અને લગ્‍ન બહાર કોઈ પણ પ્રકારનો જાતીય સંબંધ દોષિત ગણે છે. “વ્યભિચારીઓ, . . . લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ, . . . એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ.” (૧ કોરીંથી ૬:૯, ૧૦) આજના પતિત જગતમાં રહેતા ખ્રિસ્તીઓ માટે આ કડક ધોરણો પાળવાં બહુ જ મહત્ત્વનું છે. એમ કરવું દેવને ખુશ કરે છે, અને એ એઈડ્‌સ, સિફલિસ, ગોનોરિયા, અને ક્લેમિડિયા (chlamydia) જેવા જાતીયતાથી વહન થતા રોગોથી કુટુંબનું રક્ષણ કરવામાં મદદ પણ કરે છે.—નીતિવચન ૭:૧૦-૨૩.

૧૫. બિનજરૂરી માંદગી કરી શકે એવી દૈહિક શુદ્ધતાના અભાવનું ઉદાહરણ આપો.

૧૫ ‘દેહની સર્વ મલિનતાથી પોતાને શુદ્ધ રાખવાથી’ કુટુંબને અન્ય માંદગીઓમાંથી રક્ષવામાં મદદ મળે છે. ઘણા રોગો દૈહિક શુદ્ધતાના અભાવને કારણે થાય છે. એક આગવું ઉદાહરણ ધૂમ્રપાનની કુટેવ છે. ધૂમ્રપાન કરવું ફેફસાં, કપડાં, અને ખુદ હવા બગાડે છે એટલું જ નહિ, પરંતુ એ લોકોને માંદા પણ પાડે છે. દર વર્ષે લાખો લોકો મરણ પામે છે કારણ કે તેઓ તમાકુનું સેવન કરતા હતા. એનો વિચાર કરો; દર વર્ષે, લાખો લોકોએ ‘દેહની મલિનતા’ ટાળી હોત તો માંદા પડ્યા ન હોત અને અકાળે અવસાન પામ્યા ન હોત!

૧૬, ૧૭. (અ) યહોવાહે આપેલા કયા નિયમે ઈસ્રાએલીઓને અમુક માંદગીથી રક્ષણ આપ્યું? (બ) પુનર્નિયમ ૨૩:૧૨, ૧૩ પાછળનો સિદ્ધાંત બધાં ઘરોમાં કઈ રીતે લાગુ પાડી શકાય?

૧૬ બીજું ઉદાહરણ વિચારો. આશરે ૩,૫૦૦ વર્ષ અગાઉ, દેવે ઈસ્રાએલના રાષ્ટ્રને તેઓની ઉપાસના અને, અમુક માત્રામાં તેઓનું રોજિંદુ જીવન, સંગઠિત કરવા, પોતાનું નિયમશાસ્ત્ર આપ્યું. એ નિયમશાસ્ત્રે આરોગ્યના કેટલાક પાયારૂપ નિયમો સ્થાપીને રાષ્ટ્રને રોગથી રક્ષણ આપવા મદદ કરી. એવો એક નિયમ માનવ મળમૂત્રના નિકાલને લગતો હતો, જેને છાવણીથી દૂર યોગ્યપણે દાટવાનાં હતાં જેથી લોકો રહેતા હતા તે વિસ્તાર તેનાથી પ્રદૂષિત ન થાય. (પુનર્નિયમ ૨૩:૧૨, ૧૩) એ પ્રાચીન નિયમ હજુ પણ સારી સલાહ છે. આજે પણ લોકો એ ન અનુસરવાથી માંદા પડે છે અને મરણ પામે છે. *

૧૭ એ ઈસ્રાએલી નિયમ પાછળ રહેલા સિદ્ધાંતના સુમેળમાં, કુટુંબનું સ્નાનગૃહ અને જાજરૂ વિસ્તાર—રહેઠાણની અંદર હોય કે બહાર—સ્વચ્છ અને જંતુમુક્ત રાખવાં જોઈએ. જાજરૂ વિસ્તાર ચોખ્ખો અને ઢાંકેલો રાખવામાં નહિ આવે તો, ત્યાં માખ ભેગી થશે અને ઘરના અન્ય વિસ્તારોમાં—અને આપણે ખાઈએ છીએ તે ખોરાક પર—જંતુ ફેલાવશે! વધુમાં, બાળકો અને મોટાઓએ આ વિસ્તારની મુલાકાત લીધા પછી હાથ ધોવા જોઈએ. નહિતર, તેઓ પોતાની સાથે જંતુ લાવશે. એક ફ્રેન્ચ ડોક્ટર અનુસાર, હાથ ધોવા એ “અમુક પાચનતંત્રના, શ્વસનના, કે ચામડીના ચેપોના અટકાવ માટે હજુ પણ એક સૌથી સારી બાંયધરી છે.”

દવા ખરીદવા કરતાં વસ્તુઓ ચોખ્ખી રાખવી સસ્તું પડે છે

૧૮, ૧૯. ગરીબીવાળા લત્તાઓમાં પણ ઘર ચોખ્ખું રાખવા માટે કયાં સૂચનો આપવામાં આવ્યાં છે?

૧૮ સાચું, ગરીબીવાળા લત્તાઓમાં સ્વચ્છતા એક પડકાર છે. એ લત્તાથી પરિચિત એક વ્યક્તિએ સમજાવ્યું: “સખત ગરમ આબોહવા સફાઈનું કામ બમણું અઘરું બનાવે છે. ધૂળનાં તોફાનો ઘરમાંની દરેક તીરાડમાં કથ્થાઈ દળ ભરી દે છે. . . . શહેરોમાં, તેમ જ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં, પાંગરતી વસ્તી પણ આરોગ્યનાં જોખમો ઊભાં કરે છે. ખુલ્લી ગટરો, નિકાલ ન કરાયેલા કચરાના ઢગલા, ગંદા જાહેર જાજરાં, રોગવાહક ઉંદરો, વંદા, અને માખ સામાન્ય દૃશ્યો બની ગયાં છે.”

૧૯ આવી પરિસ્થિતિમાં સ્વચ્છતા જાળવવી અઘરી છે. તેમ છતાં, એ પ્રયત્ન કરવા પાત્ર છે. સાબુ અને પાણી અને થોડુંક વધારે કામ, દવા તથા દવાખાનાનાં બીલ કરતાં સસ્તાં છે. તમે આવા પર્યાવરણમાં રહેતા હો તો, શક્ય હોય ત્યાં સુધી, તમારું પોતાનું ઘર અને આંગણું સ્વચ્છ તથા પશુના છાણથી મુક્ત રાખો. તમારા ઘરે જવાનો રસ્તો ચોમાસામાં કાદવવાળો થઈ જતો હોય તો, શું તમે કાદવ ઘરમાં ન જાય માટે કાંકરા કે પથ્થર નાખી શકો? જોડાં કે સેન્ડલનો ઉપયોગ થતો હોય તો, પહેરનાર ઘરમાં પ્રવેશે તે પહેલાં શું એ બહાર કાઢી શકે? વળી, તમારે તમારો પાણી પુરવઠો બગડવાથી મુક્ત રાખવો જ જોઈએ. અંદાજ કાઢવામાં આવે છે કે વર્ષે આશરે ૨૦ લાખ મરણો ગંદા પાણી અને નબળી ગટર વ્યવસ્થા સાથે સંકળાયેલાં છે.

૨૦. ઘર ચોખ્ખું રાખવું હોય તો, કોણે જવાબદારીના સહભાગી થવું જ જોઈએ?

૨૦ ચોખ્ખું ઘર દરેક પર આધાર રાખે છે—માતા, પિતા, બાળકો, અને મુલાકાતીઓ. કેન્યામાં આઠ બાળકોની એક માતાએ કહ્યું: “બધાં પોતાનો ભાગ ભજવવાનું શીખ્યાં છે.” ચોખ્ખું, સુઘડ ઘર આખા કુટુંબનું સારું પ્રતિબિંબ પાડે છે. એક સ્પેનિશ કહેવત જણાવે છેઃ “ગરીબી અને સ્વચ્છતા વચ્ચે કોઈ વિગ્રહ નથી.” વ્યક્તિ બંગલામાં, એપાર્ટમેન્ટમાં, સામાન્ય ઘરમાં, કે ઝૂંપડીમાં રહેતી હોય, સ્વચ્છતા એક તંદુરસ્ત કુટુંબની ચાવી છે.

ઉત્તેજનથી આપણે પાંગરીએ છીએ

૨૧. નીતિવચન ૩૧:૨૮ના સુમેળમાં, ઘરમાં સુખ લાવવામાં શામાંથી મદદ મળશે?

૨૧ સદ્‍ગુણી સ્ત્રીની ચર્ચા કરતી વખતે, નીતિવચનનું પુસ્તક કહે છેઃ ‘તેનાં છોકરાં ઊઠીને તેને ધન્યવાદ દે છે; અને તેનો ધણી પણ તેનાં વખાણ કરે છે.’ (નીતિવચન ૩૧:૨૮) તમે તમારા કુટુંબના સભ્યની છેલ્લે ક્યારે પ્રશંસા કરી હતી? ખરેખર, આપણે વસંતઋતુના છોડ જેવા છીએ જે થોડીક ઉષ્મા અને ભેજ મળતાની સાથે ખીલવા તૈયાર હોય છે. આપણા કિસ્સામાં, આપણને પ્રશંસાની ઉષ્માની જરૂર હોય છે. એ જાણવાથી પત્નીને મદદ મળે છે કે તેનો પતિ તેની સખત મહેનત અને પ્રેમાળ કાળજીની કદર કરે છે અને તે તેને ગૃહિત માની લેતો નથી. (નીતિવચન ૧૫:૨૩; ૨૫:૧૧) અને પત્ની પોતાના પતિની ઘર બહાર અને ઘરની અંદરની સખત મહેનતની પ્રશંસા કરે છે ત્યારે આનંદ થાય છે. બાળકો પણ, તેઓનાં માબાપ ઘરે, શાળામાં, કે ખ્રિસ્તી મંડળમાં તેઓના પ્રયત્નો માટે તેઓની પ્રશંસા કરે છે ત્યારે, આનંદથી ખીલી ઊઠે છે. અને થોડોક આભાર કેટલી સિદ્ધિ હાંસલ કરે છે! આટલું કહેવામાં શું ખર્ચ થાય છેઃ “તમારો આભાર”? કંઈ જ નહિ, તોપણ કૌટુંબિક ઉમંગમાં એનો બદલો બહુ મોટો થઈ શકે છે.

૨૨. ઘર “મક્કમપણે સ્થાપિત” થાય માટે શું જરૂરી છે, અને એ કઈ રીતે મેળવી શકાય?

૨૨ ઘણાં કારણોસર, ઘર ચલાવવું સહેલું નથી. છતાં, એ સફળતાપૂર્વક થઈ શકે છે. બાઇબલ નીતિવચન કહે છેઃ “જ્ઞાન [“ડહાપણ,” NW] વડે ઘર બંધાય છે; બુદ્ધિ [“નિર્ણાયકતા,” NW] વડે તે સ્થિર [“મક્કમપણે સ્થાપિત,” NW] થાય છે.” (નીતિવચન ૨૪:૩) કુટુંબમાં બધા દેવની ઇચ્છા શીખવાની ખંત રાખે અને પોતાનાં જીવનમાં લાગુ પાડે તો, ડહાપણ અને નિર્ણાયકતા મેળવી શકાય છે. એક સુખી કુટુંબ ખરેખર પ્રયત્ન કરવા યોગ્ય છે!

^ મરડો—એક સામાન્ય રોગ જે ઘણા બાળમરણોનું કારણ બને છે—કઈ રીતે ટાળી શકાય એની માર્ગદર્શિકામાં, વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છેઃ “જાજરૂ ન હોય તોઃ મળમૂત્ર ઘરથી દૂર કરો, અને બાળકો રમતાં હોય તે વિસ્તારથી દૂર કરો, અને પાણી પુરવઠાથી ઓછામાં ઓછું ૧૦ મીટર દૂર કરો; મળ માટીથી ઢાંકી દો.”