સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સફળ લગ્‍ન માટે તૈયારી કરવી

સફળ લગ્‍ન માટે તૈયારી કરવી

૧, ૨. (અ) ઈસુએ આયોજનના મહત્ત્વ પર કેવો ભાર મૂક્યો? (બ) ખાસ કરીને કયા ક્ષેત્રમાં આયોજન મહત્ત્વનું છે?

 ક મકાન બાંધવામાં કાળજીભરી તૈયારી જરૂરી બને છે. પાયો નાખવામાં આવે તે પહેલાં, જમીનનો કબજો લેવો પડે છે અને નકશા દોરવામાં આવે છે. તેમ છતાં, બીજું કંઈક મહત્ત્વનું છે. ઈસુએ કહ્યું: “તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?”—લુક ૧૪:૨૮.

એક મકાનના બાંધકામ માટે જે સાચું છે તે સફળ લગ્‍નના બાંધકામ માટે પણ લાગુ પડે છે. ઘણા કહે છેઃ “મારે પરણવું છે.” પરંતુ કેટલા થોભીને કિંમત ગણી જુએ છે? બાઇબલ લગ્‍નની તરફેણમાં બોલે છે તે જ સમયે, એ લગ્‍ન જે પડકારો ફેંકે છે તે તરફ પણ ધ્યાન ખેંચે છે. (નીતિવચન ૧૮:૨૨; ૧ કોરીંથી ૭:૨૮) એ માટે, લગ્‍નનો વિચાર કરનારાઓએ પરણવાના આશીર્વાદો અને કિંમત, એમ બંનેની વાસ્તવિક દૃષ્ટિ રાખવાની જરૂર છે.

૩. શા માટે બાઇબલ લગ્‍ન આયોજન કરનારાઓ માટે મૂલ્યવાન સહાય છે, અને એ આપણને કયા ત્રણ પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરશે?

બાઇબલ મદદ કરી શકે છે. એની સલાહ લગ્‍નની શરૂઆત કરી આપનાર યહોવાહ દેવથી પ્રેરિત છે. (એફેસી ૩:૧૪, ૧૫; ૨ તીમોથી ૩:૧૬) એ પ્રાચીન છતાં તદ્દન અદ્યતન માર્ગદર્શિકામાં મળી આવતા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને, ચાલો આપણે નક્કી કરીએ કે (૧) કોઈ વ્યક્તિ કઈ રીતે કહી શકે કે પોતે લગ્‍ન માટે તૈયાર છે? (૨) કોઈ સાથીમાં શું જોવું જોઈએ? અને (૩) કઈ રીતે સહચર્ય (courtship) આદરણીય રાખી શકાય?

શું તમે લગ્‍ન માટે તૈયાર છો?

૪. સફળ લગ્‍ન જાળવવામાં મહત્ત્વનો ઘટક કયો છે, અને શા માટે?

મકાન બાંધવું ખર્ચાળ હોય શકે, પરંતુ એની લાંબા સમયગાળાની મરામત પણ ખર્ચાળ હોય છે. લગ્‍ન વિષે પણ એમ જ છે. પરણવું એક પૂરો પડકાર છે જ; તેમ છતાં, વર્ષોવર્ષ વૈવાહિક સંબંધ જાળવવાનો પણ વિચાર કરવાનો છે. આવો સંબંધ જાળવવામાં શું સમાયેલું છે? એક મહત્ત્વનો ઘટક પૂરા હૃદયથી વચનબદ્ધ થવું છે. બાઇબલ લગ્‍ન સંબંધનું આ રીતે વર્ણન કરે છેઃ “માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.” (ઉત્પત્તિ ૨:૨૪) ઈસુ ખ્રિસ્તે છૂટાછેડાનો, પુનર્લગ્‍નની શક્યતાવાળો, એકમાત્ર શાસ્ત્રીય પાયો પૂરો પાડ્યો—“વ્યભિચાર,” અર્થાત્‌ લગ્‍ન બહાર ગેરકાયદે જાતીય સંબંધો. (માત્થી ૧૯:૯) તમે લગ્‍નનો વિચાર કરતા હો તો, આ શાસ્ત્રીય ધોરણો લક્ષમાં રાખો. તમે આ ગંભીર વચનબદ્ધતા માટે તૈયાર ન હો તો, તમે લગ્‍ન માટે તૈયાર નથી.—પુનર્નિયમ ૨૩:૨૧; સભાશિક્ષક ૫:૪, ૫.

૫. લગ્‍નની ગંભીર વચનબદ્ધતા કેટલાકને ભય ઉપજાવે છે છતાં, લગ્‍ન કરવાનો ઇરાદો રાખનારાઓએ, એનાથી ભયભીત થવાને બદલે, શા માટે એને ઘણી જ મૂલ્યવાન ગણવી જોઈએ?

ગંભીર વચનબદ્ધતાનો વિચાર ઘણાને ભય ઉપજાવે છે. “અમે આજીવન સાથે બંધાઈ ગયા છીએ એ જાણવાથી, મને જાણે બંધિયાર બની ગયાની, ગોંધાઈ ગયાની, સંપૂર્ણપણે મર્યાદિત બની ગયાની લાગણી થઈ,” એક યુવકે કબૂલ્યું. પરંતુ તમે જેને પરણવા માંગો છો તેને ખરેખર ચાહતા હો તો, તમને વચનબદ્ધતા બોજરૂપ લાગશે નહિ. એને બદલે, એને સલામતીના ઉદ્‍ભવ તરીકે જોવામાં આવશે. લગ્‍નથી ફલિત થતી વચનબદ્ધતાની સભાનતા યુગલમાં અનુકૂળ અને પ્રતિકૂળ સમયે સાથે રહેવાની તથા કોઈ પણ સંજોગોમાં એકબીજાને ટેકો આપવાની ઇચ્છા જાગૃત કરશે. ખ્રિસ્તી પ્રેષિત પાઊલે લખ્યું કે સાચો પ્રેમ “સહનશીલ” છે અને “સઘળું ખમે છે.” (૧ કોરીંથી ૧૩:૪, ૭) “લગ્‍નની વચનબદ્ધતા મને વધુ સલામતીની લાગણી આપે છે,” એક સ્ત્રી કહે છે. “અમારો ઇરાદો સાથે રહેવાનો છે એવું પોતે સ્વીકારીને તથા જગતને જણાવીને મળતો સંતોષ મને ગમે છે.”—સભાશિક્ષક ૪:૯-૧૨.

૬. શા માટે નાની વયે લગ્‍ન કરવા ઉતાવળા ન થવું સૌથી સારું છે?

આવી વચનબદ્ધતા અનુસાર જીવવા માટે પરિપક્વતા જરૂરી બને છે. આમ, પાઊલ સલાહ આપે છે કે ખ્રિસ્તીઓ “ભરયુવાની વટાવી” ન જાય ત્યાં સુધી ન પરણે તે વધારે સારું છે, એ એવો સમયગાળો છે જ્યારે જાતીયતાની લાગણીઓ પ્રબળ હોય છે અને વ્યક્તિની તાગશક્તિને વિકૃત બનાવી શકે છે. (૧ કોરીંથી ૭:૩૬, NW) યુવાન લોકો મોટા થતા જાય છે તેમ ઝડપભેર બદલાતા હોય છે. ઘણી નાની વયે પરણનારા ઘણાને માલૂમ પડ્યું છે કે થોડાંક જ વર્ષ પછી તેઓની, તેમ જ તેઓના સાથીઓની પણ, જરૂરિયાતો અને ઇચ્છાઓ બદલાઈ છે. આંકડાઓ પ્રગટ કરે છે કે તરુણ પરણનારાઓ, થોડોક સમય વધારે રાહ જોયા પછી પરણનારાઓનાં કરતાં, દુ:ખી થવાની ઘણી વધુ શક્યતાઓ છે અને છૂટાછેડા શોધે છે. તેથી પરણવા ઉતાવળા ન થાઓ. પુખ્તવયની એકલી યુવાન વ્યક્તિ તરીકે થોડાંક વર્ષ પસાર કરવાથી, તમને કીમતી અનુભવ મળશે જે તમને યોગ્ય સાથી બનવા વધુ પરિપક્વ અને વધારે સારા લાયકાતવાળા બનાવશે. લગ્‍ન કરવામાં રાહ જોવાથી તમને ખુદ પોતાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી શકે—જે, તમારે તમારા લગ્‍નમાં સફળ સંબંધ વિકસાવવો હોય તો, એક જરૂરિયાત છે.

પહેલાં પોતાને ઓળખો

૭. શા માટે પરણવાનું આયોજન કરનારે પ્રથમ પોતાની તપાસ કરવી જોઈએ?

શું તમને તમે સાથીમાં જે ગુણો ઇચ્છો છો તેની યાદી બનાવવાનું સહેલું લાગે છે? મોટા ભાગનાઓને લાગે છે. તેમ છતાં, તમારા પોતાના ગુણો વિષે શું? તમારામાં કયાં લક્ષણો છે જે તમને સફળ લગ્‍નમાં ફાળો આપવા મદદ કરશે? તમે કેવા પ્રકારના પતિ કે પત્ની બનશો? દાખલા તરીકે, શું તમે મુક્તપણે તમારી ભૂલો કબૂલ કરો છો અને સલાહ સ્વીકારો છો, અથવા શું જ્યારે પણ તમારી ભૂલ બતાવવામાં આવે ત્યારે તમે હંમેશા બચાવ કરો છો? શું તમે સામાન્યપણે આનંદી અને આશાવાદી છો, અથવા શું તમે તરત જ મોં ચઢાવી દો છો, અને વારંવાર ફરિયાદ કરો છો? (નીતિવચન ૮:૩૩; ૧૫:૧૫) યાદ રાખો, લગ્‍ન તમારું વ્યક્તિત્વ બદલશે નહિ. તમે એકલા હતા ત્યારે ઘમંડી, વધારે પડતા સંવેદનશીલ કે વધારે પડતા નિરાશાવાદી હશો તો, લગ્‍ન કર્યા પછી પણ તમે એવા જ રહેશો. બીજાઓ આપણને જુએ છે એ રીતે પોતાને જોવું અઘરું હોવાથી, નિખાલસ વિવેચનો અને સૂચનો માટે શા માટે માબાપને કે કોઈ વિશ્વાસુ મિત્રને પૂછતા નથી? તમને એવા ફેરફારો કરવાની જાણ થાય જે થઈ શકતા હોય તો, લગ્‍નનું પગલું ભરવા પહેલાં એ પર કામ કરો.

કુંવારા હો ત્યારે, એવા ગુણો, ટેવો, અને ક્ષમતાઓ વિકસાવો જે તમને લગ્‍નમાં ઘણા કામ લાગશે

૮-૧૦. બાઇબલ કઈ સલાહ આપે છે જે વ્યક્તિને લગ્‍ન માટે તૈયાર થવામાં મદદ કરશે?

બાઇબલ આપણને દેવના પવિત્ર આત્માને આપણામાં કાર્ય કરવા દેવાનું ઉત્તેજન આપે છે, જેથી આપણે “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ” જેવા ગુણો પેદા કરીએ. એ આપણને આપણી “મનોવૃત્તિઓમાં નવા” થવાનું અને “નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલું છે તે પહેરી” લેવાનું પણ જણાવે છે. (ગલાતી ૫:૨૨, ૨૩; એફેસી ૪:૨૩, ૨૪) તમે હજુ એકલા છો ત્યારે આ સલાહ લાગુ પાડવી, જાણે બેન્કમાં પૈસા મૂક્યા બરાબર છે—જે ભાવિમાં, તમે ખરેખર પરણો ત્યારે, ઘણી જ મૂલ્યવાન સાબિત થશે.

દાખલા તરીકે, તમે સ્ત્રી હો તો, તમારા શારીરિક દેખાવના કરતાં, “અંત:કરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વ”ને વધુ ધ્યાન આપતા શીખો. (૧ પીતર ૩:૩, ૪) વિનય અને મનની નક્કરતા તમને ડહાપણ મેળવવામાં મદદ કરશે, જે સાચો “તેજસ્વી [“સૌંદર્યનો,” NW] મુગટ” છે. (નીતિવચન ૪:૯; ૩૧:૧૦, ૩૦; ૧ તીમોથી ૨:૯, ૧૦) તમે પુરુષ હો તો, સ્ત્રીઓ સાથે માયાળુ અને આદરપૂર્ણ વ્યવહાર રાખતા શીખો. (૧ તીમોથી ૫:૧, ૨) નિર્ણયો લેતા અને જવાબદારીઓ ઉપાડતા શીખો ત્યારે, વિનયી અને નમ્ર બનવાનું પણ શીખો. જોહુકમીવાળું વલણ લગ્‍નમાં મુશ્કેલી ઊભી કરશે.—નીતિવચન ૨૯:૨૩; મીખાહ ૬:૮; એફેસી ૫:૨૮, ૨૯.

૧૦ આ વિસ્તારોમાં મનનું રૂપાંતર કરવું સહેલું નથી છતાં, બધા ખ્રિસ્તીઓએ એના પર કાર્ય કરવું જોઈએ. અને એ તમને વધારે સારા લગ્‍ન સાથી બનવામાં મદદ કરશે.

સાથીમાં શાની અપેક્ષા રાખવી

૧૧, ૧૨. બે વ્યક્તિઓ કઈ રીતે જાણી શકે કે પોતે સુમેળમાં છે કે નહિ?

૧૧ તમે જ્યાં રહો છો ત્યાં શું એવો રિવાજ છે કે વ્યક્તિ પોતાના લગ્‍ન સાથીની પસંદગી પોતે કરે? એમ હોય તો, તમને વિરુદ્ધ જાતિનું કોઈ આકર્ષક લાગે તો, તમે કઈ રીતે આગળ વધશો? પ્રથમ, પોતાને પૂછો, ‘શું મારો ખરેખર પરણવાનો ઇરાદો છે?’ ખોટી અપેક્ષાઓ ઊભી કરી સામી વ્યક્તિની લાગણીઓ સાથે રમવું ઘાતકીપણું છે. (નીતિવચન ૧૩:૧૨) પછી, પોતાને પૂછો, ‘શું હું પરણવાની સ્થિતિમાં છું?’ બંને પ્રશ્નોના જવાબ હકારાત્મક હોય તો, ત્યાર પછી તમે જે પગલું ભરશો તે સ્થાનિક રિવાજ પ્રમાણે જુદું જુદું હશે. કેટલાક દેશોમાં, વ્યક્તિને થોડોક સમય અવલોક્યા પછી, તમે તે વ્યક્તિ પાસે પહોંચી તેની સાથે વધુ પરિચય કેળવવાની ઇચ્છા વ્યક્ત કરી શકો. પ્રત્યુત્તર નકારાત્મક હોય તો, વાંધાજનક તબક્કે પહોંચવા સુધી મંડ્યા ન રહો. યાદ રાખો, સામી વ્યક્તિને પણ આ બાબતમાં નિર્ણય કરવાનો અધિકાર છે. તેમ છતાં, પ્રત્યુત્તર હકારાત્મક હોય તો, તમે હિતકર પ્રવૃત્તિઓમાં ભેગા સમય પસાર કરવાની ગોઠવણ કરી શકો. એ તમને એ જોવાની તક આપશે કે આવી વ્યક્તિ સાથે પરણવું ડહાપણભર્યું છે કે કેમ. * આ તબક્કે તમારે શાની અપેક્ષા રાખવી જોઈએ?

૧૨ એ પ્રશ્નનો જવાબ આપવા માટે, સંગીતનાં બે વાદ્યોની કલ્પના કરો, કદાચ પિઆનો અને ગિટાર. તેઓનો તાલ બરાબર મેળવવામાં આવ્યો હોય તો, બેમાંથી કોઈ પણ એકલું વાદ્ય મધુર સંગીત પેદા કરી શકે. તોપણ, એ વાદ્યો સાથે વગાડવામાં આવે તો શું થાય? હવે તેઓને એકબીજા સાથે તાલમાં લાવવા પડે. તમારા વિષે અને તમારા સંભાવ્ય સાથી વિષે પણ એમ જ છે. તમારામાંના દરેકે પોતાના વ્યક્તિત્વનાં લક્ષણોનો વ્યક્તિગત “તાલ” મેળવવા સખત મહેનત કરી હોય શકે. પરંતુ હવે પ્રશ્ન છેઃ શું તમે એકબીજા સાથે તાલમાં છો? બીજા શબ્દોમાં, શું તમે સુમેળમાં છો?

૧૩. તમારા વિશ્વાસનું સહભાગી ન થતું હોય એવા કોઈક સાથે સહચર્ય કરવું શા માટે બહુ બિનડહાપણભર્યું છે?

૧૩ તમારા બંનેની માન્યતાઓ અને સિદ્ધાંતો સરખા હોય એ મહત્ત્વનું છે. પ્રેષિત પાઊલે લખ્યું: “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો [“અસમાન ઝુંસરીએ ન જોડાઓ,” NW].” (૨ કોરીંથી ૬:૧૪; ૧ કોરીંથી ૭:૩૯) દેવમાં તમારા વિશ્વાસનું સહભાગી થતું ન હોય એવા કોઈક સાથે લગ્‍ન કરવાથી, વધુ શક્ય છે કે તીવ્ર અણબનાવ થાય. બીજી તર્ફે, યહોવાહ દેવ પ્રત્યે પરસ્પર ભક્તિભાવ એકતાનો સૌથી મજબૂત પાયો છે. યહોવાહ ઇચ્છે છે કે તમે સુખી થાવ અને તમે જે વ્યક્તિ સાથે પરણો તેની સાથે શક્ય સૌથી ગાઢ બંધનનો આનંદ માણો. તે ઇચ્છે છે કે તમે તેમની અને એકબીજાની સાથે પ્રેમના ત્રેવડા બંધનમાં આવો.—સભાશિક્ષક ૪:૧૨.

૧૪, ૧૫. શું એક સરખો વિશ્વાસ હોવો જ લગ્‍નમાં એકતાનું ફક્ત એકમાત્ર પાસું છે? સમજાવો.

૧૪ ભેગા દેવની ઉપાસના કરવી એકતાનું સૌથી મહત્ત્વનું પાસું છે તે જ સમયે, વધુ બાબત સંડોવાયેલી છે. એકબીજા સાથે તાલ મેળવવા માટે, તમારા અને તમારા સંભાવ્ય સાથીના ધ્યેયો સરખા હોવા જોઈએ. તમારા ધ્યેયો કયા છે? દાખલા તરીકે, બાળકો હોવાં વિષે તમને બંનેને કેવું લાગે છે? કઈ બાબતો તમારા જીવનમાં પ્રથમ સ્થાને છે? * (માત્થી ૬:૩૩) એક સાચા સફળ લગ્‍નમાં, યુગલ સારા મિત્રો હોય છે અને એકબીજાના સંગાથનો આનંદ માણે છે. (નીતિવચન ૧૭:૧૭) એ માટે, તેઓને સરખી બાબતોમાં રસ હોવો જોઈએ. એમ ન હોય તો, ગાઢ મૈત્રી ટકાવી રાખવી અઘરી છે—લગ્‍ન ટકાવવું તો એનાથી પણ વધુ અઘરું છે. વળી પછી, તમારું સંભાવ્ય સાથી કોઈ ખાસ પ્રવૃત્તિ, જેમ કે પગપાળા પર્યટનનો આનંદ માણતું હોય, અને તમે ન માણતા હો તો, શું એનો એવો અર્થ થાય કે તમારે બંનેએ પરણવું ન જોઈએ? એવું જરૂરી નથી. કદાચ તમે બીજા, વધુ મહત્ત્વના રસના સહભાગી થઈ શકો. વધુમાં, સામી વ્યક્તિ જેનો આનંદ માણતી હોય એવી હિતકર પ્રવૃત્તિઓમાં સહભાગી થઈને તમે તમારા સંભાવ્ય સાથીને આનંદ આપી શકો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

૧૫ ખરેખર, તમે બંને એકબીજાને કેટલા મળતા આવો છો તેના કરતાં, મહદંશે, તમે બંને એકબીજાને કેટલા અનુરૂપ થાવ છો, તેના પરથી સુમેળ નક્કી થાય છે. એવું પૂછવાને બદલે કે, “શું આપણે દરેક બાબતમાં સહમત થઈએ છીએ?” કેટલાક વધારે સારા પ્રશ્નો આ હોય શકેઃ “આપણે અસહમત થઈએ છીએ ત્યારે શું થાય છે? શું આપણે બાબતોની ચર્ચા, એકબીજાને આદર અને ગૌરવ આપીને, શાંતિથી કરી શકીએ છીએ? કે પછી ચર્ચા વારંવાર ઊતરતી કક્ષાની ગરમાગરમ દલીલો બની જાય છે?” (એફેસી ૪:૨૯, ૩૧) તમે પરણવા માંગતા હો તો, એવી વ્યક્તિથી સાવધ રહો જે ઘમંડી અને સ્વમતાગ્રહી હોય, કદી તડજોડ કરવા માંગતી ન હોય, અથવા પોતાની રીતે બાબતો થાય એ માટે સતત માંગણી કરે અને તરકીબ યોજ્યા કરે.

અગાઉથી શોધી કાઢો

૧૬, ૧૭. કોઈ પુરુષ કે સ્ત્રી સંભાવ્ય લગ્‍ન સાથીનો વિચાર કરે ત્યારે, શાની અપેક્ષા રાખી શકે?

૧૬ ખ્રિસ્તી મંડળમાં, જેઓને જવાબદારી સોંપવામાં આવે છે “તેઓની પ્રથમ પારખ થવી જોઈએ.” (૧ તીમોથી ૩:૧૦) તમે પણ આ સિદ્ધાંત લાગુ પાડી શકો. દાખલા તરીકે, કોઈ સ્ત્રી પૂછી શકે, “આ માણસની શાખ કેવી છે? તેના મિત્રો કોણ છે? શું તે આત્મસંયમ બતાવે છે? તે વયોવૃદ્ધ વ્યક્તિઓ સાથે કેવો વ્યવહાર રાખે છે? તે કેવા કુટુંબમાંથી આવે છે? તે તેઓ સાથે પરસ્પર કેવી અસર પાડે છે? પૈસા પ્રત્યે તેનું વલણ કેવું છે? શું તે દારૂમય પીણાઓનો દુરુપયોગ કરે છે? શું તે ક્રોધાવેશી છે, અરે હિંસક પણ બને છે? તેની પાસે મંડળની કઈ જવાબદારીઓ છે, અને તે એ કઈ રીતે હાથ ધરે છે? શું હું તેને ઊંડું માન આપી શકું?”—લેવીય ૧૯:૩૨; નીતિવચન ૨૨:૨૯; ૩૧:૨૩; એફેસી ૫:૩-૫, ૩૩; ૧ તીમોથી ૫:૮; ૬:૧૦; તીતસ ૨:૬, ૭.

૧૭ કોઈ પુરુષ પૂછી શકે, “શું આ સ્ત્રી દેવ માટે પ્રેમ અને આદર બતાવે છે? શું તે ઘરની કાળજી લેવા સક્ષમ છે? તેનું કુટુંબ અમારી પાસે શાની અપેક્ષા રાખશે? શું તે શાણી, ઉદ્યમી, કરકસર કરનારી છે? તે શાના વિષે વાત કરે છે? શું તે બીજાના ભલા માટે સાચી ચિંતા રાખે છે, કે પછી તે આત્મકેન્દ્રિત, અટકચાળી છે? શું તે ભરોસાપાત્ર છે? શું તે શિરપણાને આધીન રહેવા તત્પર છે, કે પછી તે જક્કી, કદાચ બંડખોર પણ છે?”—નીતિવચન ૩૧:૧૦-૩૧; લુક ૬:૪૫; એફેસી ૫:૨૨, ૨૩; ૧ તીમોથી ૫:૧૩; ૧ પીતર ૪:૧૫.

૧૮. સહચર્ય દરમ્યાન ગૌણ નબળાઈઓની ખબર પડે તો, શું લક્ષમાં રાખવું જોઈએ?

૧૮ ભૂલો નહિ કે તમે આદમના અપૂર્ણ વંશજ સાથે વ્યવહાર રાખી રહ્યા છો, રોમાંચક નવલકથાના કોઈ આદર્શરૂપ બનાવાયેલા હીરો કે હીરોઈન સાથે નહિ. દરેકમાં ત્રુટિઓ હોય છે, અને એમાંની કેટલીક જતી કરવી પડશે—તમારી અને તમારા સંભાવ્ય સાથી એમ બંનેની. (રૂમી ૩:૨૩; યાકૂબ ૩:૨) વધુમાં, પારખવામાં આવેલી નબળાઈ પ્રગતિ કરવાની તક પૂરી પાડી શકે. દાખલા તરીકે, ધારો કે સહચર્ય દરમ્યાન તમારે કંઈ દલીલ થઈ. વિચારોઃ એકબીજાને પ્રેમ કરતા અને આદર આપતા લોકો પણ ઘણી વાર અસહમત થાય છે. (સરખાવો ઉત્પત્તિ ૩૦:૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૯.) શું એવું હોય શકે કે તમારે ફક્ત તમારું “મન કબજામાં” થોડુંક વધારે રાખવાની અને બાબતો વધુ શાંતિપૂર્ણ રીતે થાળે પાડતા શીખવાની જરૂર હોય? (નીતિવચન ૨૫:૨૮) શું તમારું સંભાવ્ય સાથી સુધરવાની ઇચ્છા બતાવે છે? શું તમે બતાવો છો? શું તમે ઓછા સંવેદનશીલ, ઓછા રિસાળ બનવાનું શીખી શકો? (સભાશિક્ષક ૭:૯) કોયડા હલ કરતા શીખવાથી પ્રમાણિક સંચાર (communication)ની ઢબ બેસાડી શકાય છે જે, તમે બે પરણો તો, અત્યંત જરૂરી છે.—કોલોસી ૩:૧૩.

૧૯. સહચર્ય દરમ્યાન ગંભીર કોયડા તરી આવે તો, શાણો માર્ગ કયો થશે?

૧૯ તેમ છતાં, તમને ઊંડી વ્યથા આપે એવી બાબતો તમારા ધ્યાન પર આવે તો શું? એવી શંકાઓની કાળજીભરી વિચારણા થવી જોઈએ. તમે ભલે ગમે તેટલો રોમાંચ અનુભવતા હો અથવા તમે પરણવા ભલે ગમે તેટલા આતુર હો છતાં, ગંભીર ક્ષતિઓ પ્રત્યે આંખ આડા કાન ન કરો. (નીતિવચન ૨૨:૩; સભાશિક્ષક ૨:૧૪) જેના માટે તમને ગંભીર વાંધાઓ હોય તેની સાથે સંબંધ ચાલુ ન રાખવો અને એ વ્યક્તિ સાથે કાયમી ધોરણે વચનબદ્ધ ન થવું ડહાપણભર્યું છે.

તમારું સહચર્ય આદરણીય રાખો

૨૦. કઈ રીતે સહચર્ય કરતું યુગલ પોતાની નૈતિક વર્તણૂક ઠપકાથી પર રાખી શકે?

૨૦ તમે તમારું સહચર્ય કઈ રીતે આદરણીય રાખી શકો? પ્રથમ, ખાતરી રાખો કે તમારી નૈતિક વર્તણૂક ઠપકાથી પર હોય. તમે રહેતા હો ત્યાં, શું અપરિણીત યુગલો હાથ પકડે, ચુંબન કરે, કે આલિંગન આપે, એ યોગ્ય વર્તણૂક ગણાય છે? હેતનાં આવાં વક્તવ્યો પ્રત્યે ભલે અણગમો ન પણ બતાવવામાં આવતો હોય, એની પરવાનગી ત્યારે જ અપાવી જોઈએ જ્યારે સંબંધ એટલી હદ સુધી પહોંચ્યો હોય કે લગ્‍નનું આયોજન ચોક્કસ થયું છે. કાળજી રાખો કે હેતનું એ પ્રદર્શન વધીને મલિન વર્તણૂક કે વ્યભિચારમાં ન પરિણમે. (એફેસી ૪:૧૮, ૧૯; સરખાવો ગીતોનું ગીત ૧:૨; ૨:૬; ૮:૫, ૯, ૧૦.) હૃદય કપટી હોવાથી, ઘર, એપાર્ટમેન્ટ, ઊભી રાખેલી બંધ કાર, કે ભૂંડી વર્તણૂક કરવાની તક આપે એવી કોઈ પણ અન્ય જગ્યાએ, તમે બંને પોતાને એકલા પડવા ન દો તો, શાણા સાબિત થશો. (યિર્મેયાહ ૧૭:૯) તમારું સહચર્ય નૈતિક રીતે શુદ્ધ રાખવું સ્પષ્ટ પુરાવો આપે છે કે તમારામાં આત્મસંયમ છે અને બીજું કે તમે સામી વ્યક્તિ માટે નિ:સ્વાર્થ લાગણીને તમારી પોતાની ઇચ્છાની ઉપરવટ મૂકો છો. સૌથી મહત્ત્વનું તો, શુદ્ધ સહચર્ય યહોવાહ દેવને ખુશ કરશે, જે પોતાના સેવકોને મલિનતા અને વ્યભિચારથી દૂર રહેવાની આજ્ઞા આપે છે.—ગલાતી ૫:૧૯-૨૧.

૨૧. સહચર્ય આદરણીય રાખવા માટે કેવો પ્રમાણિક સંચાર જરૂરી હોય શકે?

૨૧ બીજું, આદરણીય સહચર્ય પ્રમાણિક સંચારનો પણ સમાવેશ કરે છે. તમારું સહચર્ય લગ્‍ન તરફ પ્રગતિ કરે તેમ, કેટલીક બાબતોની ખુલ્લી રીતે ચર્ચા કરી લેવાની જરૂર પડશે. તમે ક્યાં રહેશો? શું તમે બંને નોકરી કરશો? તમે બાળકો થાય એવું ઇચ્છો છો? વળી, બાબતો પ્રગટ કરી દેવી સારું છે, કદાચ આપણી ભૂતકાળની બાબત, જે લગ્‍નને અસર કરી શકે. એમાં મોટું દેવું કે ફરજયુક્ત જવાબદારીઓ કે આરોગ્યની બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે તમને કોઈ ગંભીર રોગ હોય અથવા તમારી તબિયત વિષે. HIV (એચઆઇવી, એઈડ્‌સ કરનારા વાયરસ)ના ચેપવાળી ઘણી વ્યક્તિઓ તાત્કાલિક લક્ષણો બતાવતી ન હોવાથી, વ્યક્તિ અથવા કાળજી લેનાર માબાપ, ભૂતકાળમાં જાતીય લંપટતામાં પરોવાયેલી કે રસી દ્વારા ડ્રગ્સનો ઉપયોગ કરનારી વ્યક્તિના એઈડ્‌સ માટે લોહી પરીક્ષણની વિનંતી કરે તો, એ કંઈ ખોટું નહિ કહેવાય. પરીક્ષણ હકારાત્મક પુરવાર થાય અને સામી વ્યક્તિ સંબંધ અટકાવી દેવાનું ઇચ્છે તો, ચેપી વ્યક્તિએ તેને સંબંધ ચાલુ રાખવા દબાણ કરવું જોઈએ નહિ. ખરેખર, અતિ જોખમી જીવનઢબમાં પરોવાયેલી વ્યક્તિ સહચર્ય શરૂ કરવા પહેલાં સ્વેચ્છાથી લોહીનું એઈડ્‌સ પરીક્ષણ કરાવે તે સારું છે.

લગ્‍નપ્રસંગની પાર જોવું

૨૨, ૨૩. (અ) લગ્‍નપ્રસંગની તૈયારી કરતી વખતે કઈ રીતે સમતોલપણું ગુમાવી બેસી શકાય? (બ) લગ્‍નપ્રસંગ અને લગ્‍નનો વિચાર કરતી વખતે, કઈ સમતોલ દૃષ્ટિ જાળવવી જોઈએ?

૨૨ લગ્‍ન પહેલાં આખરી મહિનાઓમાં, તમે બંને લગ્‍નપ્રસંગની ગોઠવણ કરવામાં ઘણા જ વ્યસ્ત રહેવાની શક્યતા છે. તમે વિનયી બનીને ઘણો તણાવ ઘટાડી શકો. ધામધૂમવાળો લગ્‍નપ્રસંગ સગાઓને અને સમાજને ખુશ કરી શકે, પરંતુ એ નવદંપતી અને તેઓનાં કુટુંબોને શારીરિક રીતે નિર્ગત અને આર્થિક રીતે ખુવાર કરી દઈ શકે. થોડાક સ્થાનિક રિવાજો પાળવા વાજબી છે, પરંતુ ગુલામીભરી અને કદાચ હરીફાઈયુક્ત નકલ પ્રસંગનો હેતુ દબાવી દઈ શકે અને કદાચ તમારે માણવો જોઈએ એ આનંદ નષ્ટ કરી નાખી શકે. બીજાઓની લાગણીઓનો પણ વિચાર કરવાનો છે તે જ સમયે, લગ્‍નની મિજબાનીમાં કેવો કાર્યક્રમ થશે એ નક્કી કરવામાં મુખ્યત્વે વર જવાબદાર હોય છે.—યોહાન ૨:૯.

૨૩ યાદ રાખો કે તમારો લગ્‍નપ્રસંગ એક જ દિવસ ચાલે છે, પરંતુ તમારું લગ્‍ન આજીવન ચાલે છે. પરણવાની પ્રક્રિયા પર વધારે પડતી એકાગ્રતા કેળવવાનું ટાળો. એને બદલે, માર્ગદર્શન માટે યહોવાહ પર મીટ માંડો, અને પરિણીત રહેવા માટે અગાઉથી આયોજન કરો. ત્યારે તમે સફળ લગ્‍ન માટે સારી રીતે તૈયાર થયેલા હશો.

^ આ તે દેશોને લાગુ પડશે જ્યાં ખ્રિસ્તીઓ માટે મિલનવાયદો યોગ્ય ગણાય છે.

^ ખ્રિસ્તી મંડળમાં પણ, કેટલાક એવા હોય શકે જેઓ, જાણે કે, સરહદ પર રહેતા હોય. તેઓ, દેવના પૂરા હૃદયના સેવકો બનવાને બદલે, જગતનાં વલણો અને વર્તણૂકના પ્રભાવ નીચે હોય શકે.—યોહાન ૧૭:૧૬; યાકૂબ ૪:૪.