પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
હું ફક્ત પોતાનો જ વિચાર કરતો
જન્મ: ૧૯૫૧
દેશ: જર્મની
ભૂતકાળ: ઘમંડી, પોતાના પર વધારે પડતો ભરોસો
મારા વિશે:
મારો જન્મ પૂર્વ જર્મનીના લાઇપસિક શહેરની નજીક થયો હતો, જે ચેક અને પોલૅન્ડ દેશના સરહદની નજીક છે. હું છ વર્ષનો હતો ત્યારે પપ્પાના કામના લીધે અમારે બીજા દેશ જવું પડ્યું. અમે પહેલા બ્રાઝિલ અને પછી ઇક્વેડોર ગયાં.
૧૪ વર્ષની ઉંમરે મને જર્મનીની એક બોર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવ્યો. મારાં મમ્મી-પપ્પા મારાથી ઘણે દૂર દક્ષિણ અમેરિકામાં રહેતાં હતાં. એટલે મારે જ પોતાનું ધ્યાન રાખવું પડતું. હું પોતાના પર વધારે પડતો ભરોસો કરવા લાગ્યો હતો. મને એ વાતની જરાય પડી ન હતી કે મારાં કામોની બીજાઓ પર કેવી અસર પડશે.
હું ૧૭ વર્ષનો હતો ત્યારે મમ્મી-પપ્પા જર્મની પાછાં આવી ગયાં. શરૂ શરૂમાં તો હું તેઓ સાથે જ રહેતો હતો. પણ તેઓની વાત માનવી મને ખૂબ અઘરું લાગતું, કેમ કે મને બધાં કામો પોતાની રીતે કરવાની આદત હતી. એટલે ૧૮ વર્ષનો થયો ત્યારે મેં ઘર છોડી દીધું.
મારે જાણવું હતું કે જીવનમાં ખુશ કઈ રીતે રહી શકાય. એ જાણવા હું ખૂબ આતુર હતો. એટલે મેં જોયું કે જીવનમાં ખુશ રહેવા અલગ અલગ લોકો શું કરે છે. મેં જાતજાતનાં સંગઠનો પણ શોધ્યાં. આખરે મેં નક્કી કર્યું કે માણસો આ પૃથ્વીનો નાશ કરે એ પહેલાં, હું આ સુંદર પૃથ્વીના ખૂણે ખૂણે જઈ આવું.
મેં એક બાઇક લીધી અને જર્મનીથી આફ્રિકા જવા નીકળી પડ્યો. પણ જલદી જ મારી બાઇક બગડી ગઈ. એને ઠીક કરાવવા મારે યુરોપ પાછું આવું પડ્યું. પછી એક દિવસે હું પોર્ટુગલના દરિયા કાંઠે હતો. મેં નક્કી કર્યું કે હવે બાઇકને બાજુએ મૂકીને હોડીથી મુસાફરી કરું.
હું યુવાન લોકોના એક ટોળામાં જોડાયો, જેઓ એટલાન્ટિક મહાસાગર પાર કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ ટોળામાં હું લૉરી નામની એક છોકરીને મળ્યો, જેની સાથે મેં પછીથી લગ્ન કર્યાં. પહેલા અમે બંને કૅરિબિયન ટાપુઓ પર ગયાં. પછી થોડા સમય માટે પોર્ટો રિકોમાં રહ્યાં અને ત્યાંથી યુરોપ પાછાં આવી ગયાં. અમે એક હોડી ખરીદવા માંગતાં હતાં, જેમાં અમે રહી પણ શકીએ. પણ ફક્ત ત્રણ મહિનામાં જ અમારો પ્લાન ચોપટ થઈ ગયો. મને કહેવામાં આવ્યું કે મારે જર્મનીની સેનામાં ભરતી થવું પડશે.
હું ૧૫ મહિના જર્મનીની સેનામાં હતો. એ સમય દરમિયાન, મેં અને લૉરીએ લગ્ન કર્યાં. અમે અલગ અલગ જગ્યાએ જવાની તૈયારી પણ ચાલુ રાખી. સેનામાં ભરતી થવાના થોડા જ સમય પહેલાં અમે એક હોડીનું માળખું ખરીદ્યું હતું. હું સેનામાં હતો ત્યારે અમે ધીરે ધીરે કરીને એ હોડીને તૈયાર કરવા લાગ્યાં. અમે વિચાર્યું હતું કે એ હોડીમાં રહીશું અને દુનિયા ફરીશું. પછી મારી લશ્કરી સેવા પૂરી થઈ. પણ હોડી હજી તૈયાર થઈ ન હતી. એનું કામ બાકી હતું. એવામાં અમારી મુલાકાત યહોવાના સાક્ષીઓ સાથે થઈ અને અમે બાઇબલમાંથી શીખવા લાગ્યાં.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:
બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે મને લાગતું કે મારે કોઈ ખાસ ફેરફાર કરવાની જરૂર નથી. હું જે સ્ત્રી સાથે રહેતો હતો, તેની સાથે લગ્ન કરી લીધાં હતાં. સિગારેટ પીવાનું પણ છોડી દીધું હતું. (એફેસીઓ ૫:૫) દુનિયા ફરવાની વાત કરીએ તો અમે ઈશ્વરની સૃષ્ટિ નિહાળી રહ્યાં હતાં. મને લાગતું કે એ તો બહુ સારું કામ કહેવાય.
પણ સાચું કહું તો મારે ઘણા ફેરફાર કરવાની જરૂર હતી, ખાસ કરીને મારા સ્વભાવમાં. હું બહુ ઘમંડી હતો અને પોતાના પર વધારે પડતો ભરોસો કરતો હતો. હું હંમેશાં પોતાનામાં જ ડૂબેલો રહેતો, વિચારતો કે મારી પાસે કેટલી બધી આવડતો છે, હું કેટલો સફળ છું. હું ફક્ત પોતાનો જ વિચાર કરતો.
એક દિવસે હું ઈસુએ આપેલો પહાડ પરનો ઉપદેશ વાંચી રહ્યો હતો. (માથ્થી અધ્યાય ૫-૭) શરૂ શરૂમાં તો મને સમજાયું જ નહિ કે ઈસુ કઈ ખુશીની વાત કરી રહ્યા હતા. દાખલા તરીકે, તેમણે કહ્યું કે જેઓ ભૂખ્યા અને તરસ્યા છે, તેઓ ખુશ છે. (માથ્થી ૫:૬) પણ એવું કઈ રીતે બની શકે? જેઓની જીવન જરૂરિયાતો પૂરી થતી નથી, તેઓ કઈ રીતે ખુશ રહી શકે? હું બાઇબલમાંથી શીખતો ગયો તેમ મને સમજાયું કે આપણને ઈશ્વરના માર્ગદર્શનની જરૂર છે અને એ સ્વીકારવાની પણ જરૂર છે. ઈસુએ પણ કહ્યું હતું: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે.”—માથ્થી ૫:૩.
જર્મનીમાં અમે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. પછી, હું અને લૉરી ફ્રાંસ ગયાં અને પછી ઇટાલી ગયાં. અમે જ્યાં પણ જતાં, ત્યાં અમને યહોવાના સાક્ષીઓ મળતા. તેઓનો પ્રેમ અને તેઓ વચ્ચેની એકતા જોઈને મને ખૂબ નવાઈ લાગી. મેં જોયું કે દુનિયાભરના બધા સાક્ષીઓ એકબીજાને ભાઈ-બહેન માને છે અને એક કુટુંબની જેમ રહે છે. (યોહાન ૧૩:૩૪, ૩૫) સમય જતાં, અમે બંનેએ બાપ્તિસ્મા લીધું અને યહોવાના સાક્ષી બન્યાં.
બાપ્તિસ્મા લીધા પછી પણ હું મારા સ્વભાવમાં ફેરફાર કરતો રહ્યો. મેં અને લૉરીએ નક્કી કર્યું કે અમે આફ્રિકાના દરિયા કિનારે જઈશું. ત્યાંથી એટલાન્ટિક મહાસાગર જઈશું. પછી એને પાર કરીને અમેરિકા જઈશું. એટલા મોટા દરિયામાં અમે ફક્ત બે જણ એક નાનકડી હોડીમાં હતાં અને ચારે બાજુ પાણી જ પાણી હતું. એ વખતે મને ખ્યાલ આવ્યો કે આપણા મહાન સર્જનહારની સામે તો હું કંઈ જ નથી. ત્યાં મારી પાસે સમય જ સમય હતો, કારણ કે દરિયાની વચ્ચોવચ અમે કંઈ ખાસ કરી શકતાં ન હતાં. એટલે હું મોટા ભાગનો સમય બાઇબલ વાંચવામાં કાઢતો. મને ખાસ કરીને એ અહેવાલો ગમ્યા, જેમાં ઈસુના પૃથ્વી પરના જીવન વિશે જણાવ્યું છે. ઈસુએ ક્યારેય કોઈ ભૂલ કરી ન હતી. તેમની પાસે એટલી આવડતો હતી કે જેનો હું વિચાર પણ કરી શકતો નથી. છતાં તેમણે કદી પોતાના વખાણ ન કર્યા. તેમણે જીવનભર પોતાના પિતાને મહિમા આપ્યો.
મને અહેસાસ થયો કે ઈશ્વરનું રાજ્ય પહેલા સ્થાને આવવું જોઈએ
મેં ઈસુના દાખલા પર વિચાર કર્યો. મને અહેસાસ થયો કે હું જે વસ્તુઓ કરવા માંગતો હતો એ પહેલા સ્થાને ન આવવી જોઈએ, પણ ઈશ્વરનું રાજ્ય પહેલા સ્થાને આવવું જોઈએ. (માથ્થી ૬:૩૩) હું અને લૉરી અમેરિકા પહોંચ્યાં ત્યારે અમે નક્કી કર્યું કે અમે ત્યાં જ રહીશું અને પૂરા જોશથી ઈશ્વરની ભક્તિ કરીશું.
મને કઈ રીતે ફાયદો થયો:
પહેલાં હું પોતાના પર ભરોસો કરતો હતો. એટલે મારે વિચારવું પડતું કે મારો નિર્ણય યોગ્ય છે નહિ. પણ હવે મને એવું માર્ગદર્શન મળે છે જે કદી ખોટું પડતું નથી, કેમ કે એ ઈશ્વર પાસેથી છે. (યશાયા ૪૮:૧૭, ૧૮) હવે મારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે, કેમ કે હું ઈશ્વરની ભક્તિ કરું છું અને બીજાઓને તેમના વિશે શીખવું છું.
બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે ચાલવાથી અમારું લગ્નજીવન વધારે મજબૂત થયું છે. યહોવા ઈશ્વરે અમને એક સુંદર ઢીંગલી પણ આપી છે, જે નાનપણથી તેમના વિશે શીખે છે અને તેમને પ્રેમ કરે છે.
એવું નથી કે અમારાં જીવનમાં કદી તોફાનો આવ્યાં નથી. પણ યહોવાની મદદથી અમે નિર્ણય લીધો છે કે, કદી હિંમત નહિ હારીએ અને તેમના પર ભરોસો કરતા રહીશું.—નીતિવચનો ૩:૫, ૬.