પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
હું બેઝબૉલ પાછળ પાગલ હતો
-
જન્મ: ૧૯૨૮
-
દેશ: કોસ્ટા રિકા
-
ભૂતકાળ: મને બેઝબૉલ અને જુગાર રમવું ખૂબ ગમતું
મારા વિશે
મારો ઉછેર પોર્ટો લિમોન અને એની આજુબાજુના વિસ્તારમાં થયો છે. આ શહેર એક બંદર છે, જે કોસ્ટા રિકાના પૂર્વ કિનારે આવેલું છે. અમે આઠ ભાઈ-બહેનો છીએ, જેમાં મારો નંબર સાતમો છે. હું આઠ વર્ષનો હતો ત્યારે પપ્પાનું મરણ થયું. ત્યાર પછી મમ્મીએ એકલા હાથે અમારો ઉછેર કર્યો.
મને બેઝબૉલ રમવું ખૂબ ગમતું હતું. (બેટ અને બૉલથી રમાતી એક રમત.) નાનપણમાં હું દરરોજ બેઝબૉલ રમતો. જ્યારે હું ૧૮-૧૯ વર્ષનો હતો, ત્યારે હું એવી ટીમ સાથે રમવા લાગ્યો, જેના ખેલાડીઓ ફક્ત શોખ માટે રમતા હતા. જ્યારે હું ૨૦ વર્ષનો હતો, ત્યારે એક માણસ (જે નવા ખેલાડીઓ શોધે છે) અમારી રમત જોવા આવ્યો. તેણે મને કહ્યું: “શું તારે નિકારાગુઆની ટીમમાં રમવું છે?” પણ એ સમયે મારી મમ્મીની તબિયત સારી ન હતી અને મારે તેમની સંભાળ રાખવાની હતી, એટલે મેં ના પાડી દીધી. થોડા સમય પછી, બીજા એક માણસે મને કોસ્ટા રિકાની રાષ્ટ્રીય બેઝબૉલ ટીમ સાથે રમવા પૂછ્યું. આ વખતે મેં હા પાડી. હું એ ટીમમાં ૧૯૪૯થી ૧૯૫૨ સુધી રમ્યો. હું ક્યુબા, મેક્સિકો અને નિકારાગુઆમાં પણ ઘણી મૅચ રમ્યો. હું બહુ સારું રમતો હતો. એટલે સુધી કે સળંગ ૧૭ મૅચ એક પણ ભૂલ કર્યા વગર રમ્યો હતો. જ્યારે મેદાનમાં મારું નામ ગૂંજતું, ત્યારે મારી ખુશીનો પાર ન રહેતો.
મને એ વાતનો અફસોસ છે કે હું ગંદું જીવન જીવતો હતો. ભલે મારી એક જ ગર્લફ્રેન્ડ હતી, પણ સંબંધો ઘણી સ્ત્રીઓ સાથે હતા. હું ખૂબ દારૂ પણ પીતો હતો. એકવાર તો હું દારૂના નશામાં એટલો ચકચૂર હતો કે સવારે ઊઠ્યો ત્યારે, મને યાદ જ ન હતું કે હું ઘરે કઈ રીતે આવ્યો. એ સિવાય હું જુગાર (ડોમિનો ગેમ) રમતો અને લોટરીની ટિકિટ ખરીદતો.
એ સમયગાળામાં મારી મમ્મી યહોવાની સાક્ષી બની. તે જે શીખતી એ મને પણ કહેતી. પણ એ વખતે મેં તેની વાતો પર બહુ ધ્યાન ન આપ્યું, કેમ કે હું રમતમાં જ ડૂબેલો રહેતો. પ્રેક્ટિસ કરતો ત્યારે મને ખાવા-પીવાનું પણ ભાન ન રહેતું. મારું મન બસ રમતમાં જ હતું. હું બેઝબૉલ પાછળ પાગલ હતો.
હું ૨૯ વર્ષનો હતો ત્યારે એક મૅચમાં બૉલ પકડતી વખતે મને ઘણી ઈજા થઈ. સાજા થયા પછી મેં બધી ટીમ સાથે રમવાનું છોડી દીધું. જોકે, મેં બેઝબૉલ સાથે છેડો ફાડી નાખ્યો ન હતો. હું મારા ઘરની નજીક એક ટીમના ખેલાડીઓને બેઝબૉલ શીખવતો હતો.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું
૧૯૫૭માં હું યહોવાના સાક્ષીઓના સંમેલનમાં ગયો. આ સંમેલન એ જ સ્ટેડિયમમાં હતું, જ્યાં હું પહેલાં બેઝબૉલ રમ્યો હતો. ત્યાં બેસીને મેં જોયું કે યહોવાના સાક્ષીઓ એકબીજા સાથે કેટલા માનથી વર્તે છે. મને થયું કે સાક્ષીઓનો વ્યવહાર એ લોકો કરતાં કેટલો અલગ છે, જેઓ બેઝબૉલ જોવા આવતા હતા. એ જોઈને મેં સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું અને તેઓની સભાઓમાં જવાનું શરૂ કર્યું.
બાઇબલની ઘણી વાતો મારા દિલને સ્પર્શી ગઈ. જેમ કે, ઈસુએ ભાખ્યું હતું કે છેલ્લા દિવસોમાં તેમના શિષ્યો આખી દુનિયામાં રાજ્યની ખુશખબર જણાવશે. (માથ્થી ૨૪:૧૪) મને એ પણ શીખવા મળ્યું કે ઈસુના શિષ્યો પૈસા કમાવા એ કામ કરતા નથી. ઈસુએ કહ્યું હતું, “તમને મફત મળ્યું છે, મફત આપો.”—માથ્થી ૧૦:૮.
બાઇબલમાંથી શીખવાની સાથે સાથે હું એ પણ જોતો કે યહોવાના સાક્ષીઓ બાઇબલ પ્રમાણે જીવે છે કેમ. મેં જોયું કે બીજાઓને ખુશખબર જણાવવા સાક્ષીઓ ખૂબ મહેનત કરે છે. એ મને બહુ જ ગમ્યું. મેં એ પણ જોયું કે સાક્ષીઓ બીજાઓને દિલથી મદદ કરે છે, જેમ ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી હતી. એટલે જ્યારે મેં માર્ક ૧૦:૨૧માં ઈસુના શબ્દો વાંચ્યા, “આવ, મારો શિષ્ય બન,” ત્યારે મને યહોવાના સાક્ષી બનવાનું મન થયું.
પણ એ પગલું ભરતા મને થોડો સમય લાગ્યો. દાખલા તરીકે, ઘણા વર્ષોથી હું એક ખાસ નંબરની રાષ્ટ્રીય લોટરી ખરીદતો હતો. એ મારો “લકી” (શુકનિયાળ) નંબર હતો. પણ બાઇબલમાંથી મને જાણવા મળ્યું કે ઈશ્વર “શુકનના દેવ”ને ભજનારાઓને અને લાલચુ લોકોને નફરત કરે છે. (યશાયા ૬૫:૧૧; કોલોસીઓ ૩:૫) એટલે મેં જુગાર રમવાનું છોડી દીધું. મેં લોટરી ખરીદવાનું બંધ કર્યું, એ પછીના જ રવિવારે મારો “લકી” નંબર જીતી ગયો. લોકોએ મારી સખત મજાક ઉડાવી. તેઓ હાથ ધોઈને મારી પાછળ પડી ગયા જેથી હું ફરી લોટરી ખરીદું. પણ મેં એવું ન કર્યું. હું ફરી ક્યારેય જુગાર ન રમ્યો.
હું હવે ખરાબ આદતો છોડીને સારું જીવન જીવી રહ્યો હતો, એક રીતે “નવો સ્વભાવ” કેળવી રહ્યો હતો. (એફેસીઓ ૪:૨૪) પણ જે દિવસે મેં યહોવાના સાક્ષીઓના સંમેલનમાં બાપ્તિસ્મા લીધું, એ જ દિવસે મારી સામે એક લાલચ આવી. એ સાંજે જ્યારે હું હોટલ પાછો આવ્યો, ત્યારે મારી જૂની પ્રેમિકા મારી રૂમ આગળ રાહ જોઈ રહી હતી. તેણે મને કહ્યું, “ચાલ સેમી, મજા કરીએ.” પણ મેં ઘસીને ના પાડી દીધી. મેં તેને કહ્યું કે હવે હું સેક્સ અને લગ્ન વિશે બાઇબલની આજ્ઞા પાળું છું. (૧ કોરીંથીઓ ૬:૧૮) તેણે કહ્યું, “શું? સેક્સ અને લગ્ન વિશે બાઇબલમાં જે લખ્યું છે એ બધું બકવાસ છે.” પછી તેણે કહ્યું કે તે મારી સાથે ફરી સંબંધ રાખવા માંગે છે. પણ હું ચૂપચાપ મારી રૂમમાં જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો. એ ૧૯૫૮ની વાત છે. મને એ વાતની ખુશી છે કે ત્યારથી લઈને આજ સુધી હું યહોવાને વફાદાર છું.
મને કઈ રીતે ફાયદો થયો
બાઇબલની સલાહ પાળવાથી મને એટલા બધા ફાયદા થયા છે કે હું એના પર આખું પુસ્તક લખી શકું છું. મને સાચા દોસ્તો મળ્યા છે, જીવનમાં સાચો રસ્તો મળ્યો છે અને મારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે.
હું આજે પણ બેઝબૉલ રમું છું, પણ હવે એની પાછળ પાગલ નથી. બેઝબૉલ રમીને હું નામ અને પૈસા કમાયો, પણ એ બધું પળ બે પળમાં જતું રહ્યું. જોકે, યહોવા ઈશ્વર અને તેમના ભક્તો સાથેની મારી દોસ્તીનો અંત ક્યારે નહિ આવે, એ કાયમ રહેશે. બાઇબલ કહે છે: “દુનિયા જતી રહેશે અને એની લાલસા પણ જતી રહેશે, પણ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે હંમેશાં રહેશે.” (૧ યોહાન ૨:૧૭) હવે યહોવા ઈશ્વર અને તેમના ભક્તો મારે મન સૌથી મહત્ત્વના છે.