સ્કીપ ટુ કન્ટેન્ટ

મારી પત્ની તબીથા સાથે પ્રચારમાં

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

હું માનતો કે ઈશ્વર જેવું કંઈ નથી

હું માનતો કે ઈશ્વર જેવું કંઈ નથી
  • જન્મ: ૧૯૭૪

  • દેશ: જર્મન લોકશાહી પ્રજાસત્તાક

  • ભૂતકાળ: નાસ્તિક

મારા વિશે

મારો જન્મ સેક્સોની પ્રાંતના એક નાનકડા ગામડામાં થયો હતો. એ જર્મન લોકશાહી પ્રજાસત્તાકમાં (જીડીઆર) આવેલું હતું. મારાં મમ્મી-પપ્પા ખૂબ પ્રેમાળ હતાં. અમે બધા હળી-મળીને રહેતા. તેઓએ મને સારા સંસ્કાર આપ્યા હતા. એ સમયે જીડીઆરના મોટા ભાગના લોકો સામ્યવાદી હતા. તેઓ માટે ધર્મ જેવું કંઈ હતું જ નહિ. તમને ખબર છે હું શું માનતો? ૧૮ વર્ષનો થયો ત્યાં સુધી હું માનતો કે ઈશ્વર જેવું કંઈ નથી અને સામ્યવાદ જ સાચો રસ્તો છે.

મને સામ્યવાદ ખૂબ ગમતો હતો. કારણ કે એમાં શીખવવામાં આવતું કે બધા લોકો સરખા છે. હું માનતો કે બધી મિલકત સરખા ભાગે વહેંચી દેવી જોઈએ. એનાથી અમીરી-ગરીબી વચ્ચેની જે મોટી ખાઈ છે એ પૂરાઈ જશે. એટલે હું એક સામ્યવાદી યુવા સંગઠનમાં જોડાઈ ગયો અને એમાં પૂરા જોશથી કામ કરવા લાગ્યો. ૧૪ વર્ષની ઉંમરે હું એક યોજના પર કામ કરવા લાગ્યો. હું રદ્દી કાગળને રીસાયકલ કરતો જેથી એને ફરીથી વાપરી શકાય. એનાથી પ્રદૂષણ ફેલાતું નથી અને વાતાવરણ શુદ્ધ રહે છે. મારી મહેનત જોઈને આઉ વિસ્તારના લોકો એટલા ખુશ થઈ ગયા કે ત્યાંના અધિકારીઓએ મને એક ઍવૉર્ડ પણ આપ્યો. હું ખૂબ નાનો હતો છતાં જીડીઆરના મોટા મોટા અધિકારીઓ સાથે મારી ઓળખાણ હતી. એટલે મને થયું કે હું સાચી દિશામાં જઈ રહ્યો છું અને મારું ભવિષ્ય ઉજ્જવળ છે.

એક દિવસ બધું બદલાઈ ગયું. ૧૯૮૯માં બર્લિનની દીવાલ તોડી નાખવામાં આવી અને પૂર્વ યુરોપમાં સામ્યવાદનો અંત આવ્યો. મારી તો રાતોની ઊંઘ ઊડી ગઈ. પછી મને ખબર પડી કે જીડીઆરમાં ખૂબ અન્યાય થતો હતો. જે લોકો સામ્યવાદમાં માનતા ન હતા, તેઓને નીચા ગણવામાં આવતા હતા. એટલે મારા મનમાં ઘણા બધા સવાલો થયા: “આવું કેવી રીતે બની શકે? શું સામ્યવાદમાં બધાને સરખા માનવામાં આવતા ન હતા? શું સામ્યવાદ એક દેખાડો હતો? હું હેરાન-પરેશાન થઈ ગયો.”

એટલે મેં નક્કી કર્યું કે હું મારું પૂરું ધ્યાન ચિત્ર દોરવામાં અને સંગીતમાં લગાવી દઈશ. મારું સપનું હતું કે હું સંગીતકાર અને ચિત્રકાર બનું. સંગીતની તાલીમ લેવા હું એક સ્કૂલમાં ગયો, જેથી હું આગળ જતાં કૉલેજમાં જઈ શકું. મેં મારા બધા સંસ્કારો અભરાઈએ ચઢાવી દીધા. મારે તો બસ મોજમજા કરવી હતી. હું એક જ સમયે ઘણી બધી છોકરીઓ સાથે ડેટિંગ કરતો. આ બધું કરવા છતાંય મને જીવનમાં ખુશીઓ ન મળી. મારી ચિંતાઓ તો એવી ને એવી જ હતી. મારા ચિત્રોમાં પણ એ ચિંતાઓ દેખાઈ આવતી. મારા મનમાં હજુય ઘણા સવાલો હતા, “મારું શું થશે? મારા જીવનનો હેતુ શું છે?”

આખરે મને મારા સવાલોના જવાબ મળ્યા. એ સાંભળીને હું દંગ રહી ગયો. મને જવાબ કઈ રીતે મળ્યા? એક સાંજે હું અમુક વિદ્યાર્થીઓ સાથે ભવિષ્ય વિશે ચર્ચા કરી રહ્યો હતો. ત્યાં મેન્ડી * નામની એક છોકરી પણ હતી. તે યહોવાની સાક્ષી હતી. તેણે મને કહ્યું: “આન્દ્રીઆસ, જો તને તારા સવાલોના જવાબ જોઈતા હોય, તો બાઇબલ વાંચ.”

હું વિચારતો કે વાંચું કે ન વાંચું. પછી થયું, “ચાલ ને, વાંચી જ કાઢું.” મેન્ડીએ મને બાઇબલમાંથી દાનિયેલનો બીજો અધ્યાય બતાવ્યો. એ ભવિષ્યવાણી વાંચીને હું વિચારમાં પડી ગયો. એમાં જગતસત્તાઓ, એટલે કે સરકારો વિશે બતાવ્યું હતું, જે આજે આપણને અસર કરે છે. તેણે મને બીજી પણ ભવિષ્યવાણીઓ બતાવી, જે બતાવતી હતી કે આપણું ભવિષ્ય કેવું હશે. મને મારા જવાબો મળ્યા. પણ પછી મને બીજા સવાલો થયા: “એ ભવિષ્યવાણીઓ કોણે લખી હશે? આટલી સાચી માહિતી કોણ આપી શકે? શું ઈશ્વર છે?”

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું

મેન્ડીએ મને હોર્સ્ટ અને એન્જલિકાને મળાવ્યાં. તેઓ પણ યહોવાના સાક્ષીઓ હતાં. તેઓ મને બાઇબલમાંથી શીખવવા લાગ્યાં. મને ખબર પડી કે ફક્ત યહોવાના સાક્ષીઓ જ ઈશ્વરનું નામ યહોવા વાપરે છે અને બીજાઓને જણાવે છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮; માથ્થી ૬:૯) હું બાઇબલમાંથી શીખ્યો કે યહોવા ઈશ્વર બહુ જ જલદી બધાને આ પૃથ્વી પર જીવન આપવાના છે અને એ પણ હંમેશ માટેનું! બાઇબલમાં લખ્યું છે: “યહોવા પર આશા રાખનારાઓ પૃથ્વીનો વારસો મેળવશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૯) મને એ વાત બહુ ગમી કે જેઓ યહોવાના નિયમો પાળે છે, એ બધાને એવું જીવન મળશે.

યહોવાના નિયમો પાળવા મારા માટે ખૂબ અઘરા હતા. મારે ઘણા ફેરફારો કરવાના હતા. હું મોટો ચિત્રકાર અને સંગીતકાર હતો. એટલે મારામાં ઘમંડ આવી ગયું હતું. મારે નમ્ર બનવાની જરૂર હતી. મારે ખરાબ કામો પણ છોડવાનાં હતાં. એ બધું જરાય સહેલું ન હતું. પણ યહોવાએ મને દયા અને હમદર્દી બતાવી. એ માટે હું યહોવાનો બહુ જ આભાર માનું છું. એ કેટલું સારું કહેવાય કે જેઓ યહોવાના નિયમો પાળવા માંગે છે, તેઓ સાથે તે ધીરજથી વર્તે છે!

હું ૧૮ વર્ષનો થયો ત્યાં સુધી સામ્યવાદમાં માનતો અને નાસ્તિક હતો. પણ બાઇબલમાંથી શીખ્યા પછી મારું જીવન બદલાઈ ગયું. હવે હું ભવિષ્યની ચિંતા કરતો નથી અને મને સાચી દિશા મળી છે. ૧૯૯૩માં હું યહોવાનો સાક્ષી બન્યો. ૨૦૦૦માં મેં તબીથા સાથે લગ્‍ન કર્યાં. તે પણ યહોવાની સાક્ષી છે. લોકોને બાઇબલમાંથી શીખવવા અમે ઘણો સમય આપીએ છીએ. ઘણી વાર અમને એવા લોકો મળે છે જેઓ સામ્યવાદમાં માને છે અને નાસ્તિક છે. હું તેઓને બતાવું છું કે યહોવાને કઈ રીતે જાણી શકાય. એનાથી મને ખૂબ ખુશી મળે છે.

મને કઈ રીતે ફાયદો થયો

મેં યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું, એ મારાં મમ્મી-પપ્પાને જરાય ન ગમતું. પણ તેઓએ જોયું, એની મારા પર સારી અસર થઈ છે. ખુશીની વાત એ છે કે હવે તેઓ બાઇબલ વાંચે છે અને સભાઓમાં આવે છે.

બાઇબલમાં પતિ-પત્નીઓ માટે સરસ સલાહ આપી છે. હું અને તબીથા એ સલાહ પાળીએ છીએ. બાઇબલમાં જણાવ્યું છે કે પતિ-પત્નીએ એકબીજાને વફાદાર રહેવું જોઈએ. એ સલાહ પાળવાથી અમારું લગ્‍નજીવન ખૂબ મજબૂત થયું છે.—હિબ્રૂઓ ૧૩:૪.

હવે મને મારા ભવિષ્ય અને જીવનની ચિંતા નથી સતાવતી. હવે હું એક એવા કુટુંબનો ભાગ છું જે આખી દુનિયામાં ફેલાયેલું છે. એ છે યહોવાના સાક્ષીઓનું કુટુંબ. અમારા કુટુંબમાં શાંતિ અને એકતા છે. હું માનતો હતો કે બધા લોકો એકસમાન છે અને એવું મને યહોવાના સંગઠનમાં જ જોવા મળ્યું.

^ ફકરો. 12 નામ બદલ્યું છે.