સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકબીજા પર સાચો પ્રેમ રાખો

એકબીજા પર સાચો પ્રેમ રાખો

એકબીજા પર સાચો પ્રેમ રાખો

‘સર્વનો અંત પાસે આવ્યો છે, તેથી વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો.’—૧ પીતર ૪:૭, ૮.

ઈસુની આખરી રાત હતી. પોતાના મિત્રોની ચિંતા તેમને કોરી ખાતી હતી. તે જાણતા હતા કે શિષ્યોને આપેલી જવાબદારી કંઈ નાની-સૂની નથી. લોકો તેઓને નફરત કરશે. (યોહાન ૧૫:૧૮-૨૦) એ રાતે ઈસુએ અનેક વાર શિષ્યોને “એકબીજા પર પ્રેમ” રાખવાનું કહ્યું.—યોહાન ૧૩:૩૪, ૩૫; ૧૫:૧૨, ૧૩, ૧૭.

ઈસુની સલાહ પીતરના દિલમાં ઊતરી ગઈ. એટલે વર્ષો પછી પીતરે કહ્યું: ‘સર્વનો અંત પાસે આવ્યો છે, તેથી વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો.’ (૧ પીતર ૪:૭, ૮) આજે આપણે આ દુનિયાના “છેલ્લા” દિવસોમાં જીવી રહ્યા છીએ. એટલે પીતરની સલાહ આપણે પણ દિલમાં ઉતારીએ. (૨ તીમોથી ૩:૧) ‘આગ્રહથી પ્રીતિ કરવી’ એટલે શું? કઈ રીતે એવો પ્રેમ રાખી શકાય?

“આગ્રહથી પ્રીતિ” કરવી એટલે શું?

ઘણા લોકો કહેશે કે પ્રેમ તો કુદરતી રીતે જ છલકાઈ આવે છે. પણ પીતર ફક્ત એવા કુદરતી પ્રેમની વાત કરતા ન હતા. પહેલો પીતર ૪:૮માં “પ્રીતિ” માટે તેમણે ગ્રીક શબ્દ અગાપે વાપર્યો હતો. એનો અર્થ દરિયા જેટલો ઊંડો પ્યાર થાય છે. એ કોઈ પણ સ્વાર્થ વગરનો પ્રેમ છે. એની કોઈ સીમા નથી. ઈશ્વર એવો જ પ્રેમ બતાવે છે. એક પુસ્તક કહે છે કે આપણે ચાહીએ તો એવો પ્રેમ બતાવી શકીએ છીએ. પણ આજે મોટે ભાગે લોકો સ્વાર્થના સગાં છે. આપણે ધ્યાન ન રાખીએ તો, આપણે પણ તેઓના જેવા થઈ શકીએ. ચાલો આપણે યહોવાહની જેમ એકબીજાને પ્રેમ બતાવીએ.—ઉત્પત્તિ ૮:૨૧; રૂમી ૫:૧૨.

આપણે બળજબરીથી એકબીજાને પ્રેમ કરવો જોઈએ નહિ. એ તો આપણા દિલમાંથી ઊભરાતો જોઈએ. પીતરે કહ્યું કે આપણે ‘એકબીજાને આગ્રહથી’ પ્રેમ કરવો જોઈએ. *

આગ્રહથી પ્રેમ બતાવવો સહેલું નથી. આપણે બતાવી બતાવીને કેટલો પ્રેમ બતાવીએ? અરે ઘણી વખત મન હારી જાય છે. (૨ કોરીંથી ૬:૧૧-૧૩) પણ આપણે પ્રેમ બતાવવા વારંવાર પ્રયત્ન કરતા રહેવું જોઈએ. શા માટે? ચાલો આપણે એના ત્રણ મુખ્ય કારણો જોઈએ.

એકબીજાને દિલથી પ્રેમ કરો

પહેલું કારણ, “પ્રેમ દેવથી છે.” (૧ યોહાન ૪:૭) યહોવાહ પ્રેમના સાગર છે. તેમના પગલે ચાલવા આપણે પણ એકબીજાને સાચો પ્રેમ બતાવવો જોઈએ. પ્રેષિત યોહાને લખ્યું: ‘પરમેશ્વરે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યો, કે આપણે ઈસુથી જીવીએ. એ પરથી આપણા પર પરમેશ્વરનો પ્રેમ પ્રગટ થયો.’ (૧ યોહાન ૪:૯) યહોવાહે ઈસુને ‘જગતમાં મોકલ્યા,’ જેથી આપણે સત્ય શીખી શકીએ અને યહોવાહનો પ્રેમ ચાખી શકીએ. યહોવાહે પાપી માનવ માટે ઈસુની કુરબાની આપી. જેથી સર્વ ‘જીવી’ શકે. એ વિષે તમને કેવું લાગે છે? યોહાન કહે છે: ‘જો પરમેશ્વરે આપણા પર એવો પ્રેમ રાખ્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.’ (૧ યોહાન ૪:૧૧) યોહાને કહ્યું કે યહોવાહે ‘આપણા પર પ્રેમ રાખ્યો.’ યહોવાહ આપણને બધાને પ્રેમ કરે છે. તો શું આપણે એકબીજાને પ્રેમ કરવો ન જોઈએ?

એકબીજાને પ્રેમ બતાવવાનું બીજું કારણ એ છે કે “સર્વનો અંત પાસે આવ્યો છે.” (૧ પીતર ૪:૭) આપણે બધા કોઈ ને કોઈ વાર તંગીમાં આવી પડીએ છીએ. ત્યારે આપણને એકબીજાના સહારાની વધારે જરૂર છે, કેમ કે “સંકટના વખતો” આવ્યા છે. (૨ તીમોથી ૩:૧) દુનિયાની ઊથલ-પાથલને લીધે આપણા પર ઘણા દબાણો આવે છે. કુદરતી આફતો પણ આવે છે. ઘણા લોકોનો વિરોધ પણ સહેવો પડે છે. આવા દુઃખમાં આપણને સથવારાની જરૂર છે. જો આપણે દિલથી એકબીજાને પ્રેમ કરીશું તો આપણે આ સ્વાર્થી દુનિયામાં સંપીને રહી શકીશું.—૧ કોરીંથી ૧૨:૨૫, ૨૬.

એકબીજાને પ્રેમ કરવાનું ત્રીજું કારણ એ છે કે આપણે “શેતાનને સ્થાન” આપવું નથી. (એફેસી ૪:૨૭) જાણે-અજાણે આપણે અનેક વાર ન બોલવાનું બોલી નાખીએ છીએ. જો આપણે ધ્યાન ન રાખીએ, તો શેતાન આપણી વચ્ચે મોટી દીવાલ ઊભી કરશે. એટલે જ સવાલ ઊભો થાય છે કે ‘જો મને કોઈ ખોટું લગાડે, તો શું હું મંડળથી દૂર રહીશ?’ (નીતિવચનો ૧૨:૧૮) જો આપણે એકબીજાને પ્રેમ કરતા હોઈશું તો મંડળમાં આવવાનું બંધ કરીશું નહિ. પણ ખુલ્લા દિલથી એકબીજાને માફ કરીને, મંડળમાં શાંતિ જાળવી રાખીશું અને સંપીને ‘યહોવાહની સેવા’ કરતા રહીશું.—સફાન્યાહ ૩:૯.

કઈ કઈ રીતે પ્રેમ બતાવવો જોઈએ?

પ્રેમની શરૂઆત તમારા કુટુંબમાં કરો. ઈસુએ કહ્યું કે સર્વ લોકો પોતાના સાચા શિષ્યો જાણીતા હશે કેમ કે તેઓમાં પ્રેમ હશે. (યોહાન ૧૩:૩૪, ૩૫) આપણે મંડળમાં તો પ્રેમ રાખવો જ જોઈએ, પણ પ્રેમની શરૂઆત તમારા કુટુંબમાં કરો. પતિ-પત્ની વચ્ચે પ્રેમનું ઝરણું સદાયે વહેતું રહેવું જોઈએ. માબાપ અને બાળકો વચ્ચે પ્રેમનું બંધન હોવું જોઈએ. એકબીજા સાથે બોલવા-ચાલવામાં એ પ્રેમ વરસવો જોઈએ.

૧૦ પતિ-પત્ની કઈ રીતે એકબીજા પર પ્રેમ રાખી શકે? ચાલો પહેલા પતિનો વિચાર કરીએ. પતિએ પોતાની પત્નીને વહાલ કરવું જોઈએ. બધાની સામે પત્નીના વખાણ કરતા શરમાવું ન જોઈએ. તેણે પત્નીનું સાંભળવું પણ જોઈએ. તેની સાથે દિલથી વાતચીત કરવી જોઈએ. (૧ પીતર ૩:૭) પોતાનો જ વિચાર કરવાને બદલે પતિએ પત્નીનું ધ્યાન રાખવું જોઈએ. તેણે પરમેશ્વર વિષે પણ શીખવવું જોઈએ. (એફેસી ૫:૨૫, ૨૮) ચાલો હવે પત્નીનો વિચાર કરીએ. પત્નીએ પતિને દિલથી પ્રેમ કરવો જોઈએ, અને રાજી-ખુશીથી માન આપવું જોઈએ. પતિ ભૂલો તો કરશે. પણ પત્નીએ હંમેશાં તેમને “આધીન” રહેવું જોઈએ. (એફેસી ૫:૨૨, ૩૩) તે ડગલે ને પગલે પતિને સાથ આપશે. આમ, તેઓ બંને સંપીને યહોવાહની ભક્તિ કરી શકશે.—ઉત્પત્તિ ૨:૧૮; માત્થી ૬:૩૩.

૧૧ માબાપ પોતાની આંખના રતન જેવા બાળકોને કઈ રીતે પ્રેમ બતાવી શકે? સૌ પ્રથમ તો, તેઓએ બાળકનું પાલન-પોષણ કરવું જોઈએ. (૧ તીમોથી ૫:૮) પણ બાળકો માટે ફક્ત રોટી, કપડાં અને મકાન પૂરતા નથી. યહોવાહના ભક્તો બનવા, તેઓને માર્ગદર્શનની જરૂર છે. (નીતિવચનો ૨૨:૬) શું તમે તમારા બાળકોને યહોવાહ વિષે વધુ શીખવો છો? તમે બાળકોને પ્રચારમાં લઈ જાવ છો? શું તમે તેઓને મિટિંગોમાં લઈ જાવ છો? (પુનર્નિયમ ૬:૪-૭) એ ખૂબ મહેનત માગી લે છે. પણ યહોવાહના માર્ગમાં ઉછેરીને તમે તેઓને કીમતી વારસો આપો છો. આમ, તમે તમારા લાડલાઓનું જીવન સફળ બનાવી શકો છો!—યોહાન ૧૭:૩.

૧૨ બાળકો કોમળ છે. તેઓ પ્રેમના ભૂખ્યા છે. શું તમે તેઓને પ્રેમ બતાવો છો? તમારું વહાલું બાળક ઘરમાં મદદ કરે, મંડળમાં કે સ્કૂલમાં કંઈ પણ સારું કામ કરે ત્યારે, તમે શાબાશી આપો છો? કંઈ શિખામણ દેવાની હોય તો શું તમે તેઓ પર ગુસ્સે થઈ જાવ છો? કે પછી પ્રેમથી સમજાવો છો? બાળકોને પ્યારથી સમજાવીને તમે સારા સંસ્કાર રેડી શકશો. તે પોતે જોઈ શકશે કે તમે તેમને ખૂબ ચાહો છો. (એફેસી ૬:૪) આ રીતે ઘરમાં એકબીજા પર પ્રેમ રાખવાથી, પરિવાર પ્યારથી બંધાશે. પછી ભલેને કોઈ પણ તકલીફ ઊભી થાય, તમે બધા સંપથી એનો સામનો કરી શકશો.

૧૩ એકબીજાને ખુલ્લા દિલથી માફ કરીએ. પીતરે “એકબીજા પર આગ્રહથી પ્રીતિ” રાખવાનું કહ્યું. શા માટે? “કેમકે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે.” (૧ પીતર ૪:૮) ‘પાપના પુંજને ઢાંકવાનો’ અર્થ શું? એનો અર્થ એ નથી કે આપણે કોઈ ભાઈ-બહેનનું પાપ ઢાંકી દઈએ. જો આપણે ખરેખર એ ભાઈ કે બહેનને પ્રેમ કરતા હોઈશું તો એવી બાબતો આપણે મંડળના વડીલોને જણાવવી જોઈએ. (લેવીય ૫:૧; નીતિવચનો ૨૯:૨૪) નહિતર એ ભાઈ કે બહેન ફરીથી પાપમાં પડશે અને બીજાને પણ દુઃખી કરશે. જો આપણે વડીલોને ન જણાવીએ તો યહોવાહ આપણને પણ પાપી ગણશે.—૧ કોરીંથી ૫:૯-૧૩.

૧૪ તો પછી, “પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે,” એનો ખરેખર શું અર્થ થાય? એ જ કે આપણે એકબીજાની નાની નાની ભૂલોને પ્રેમથી ઢાંકી દઈએ. આપણે બધા જ ઘણી વાર એકબીજાને મનદુઃખ કરીએ છીએ. (યાકૂબ ૩:૨) પણ આપણે એ ભાઈ કે બહેન વિષે કચકચ કરીશું નહિ. જો આપણે એમ કરીએ, તો આખરે મંડળમાં ભાગલા પડી જશે. (એફેસી ૪:૧-૩) “નિંદા” કરવાને બદલે, ચાલો આપણે એકબીજાને પ્રેમ બતાવીએ. (ગીતશાસ્ત્ર ૫૦:૨૦, IBSI) જેમ એક સુંદર મજાનું ટેબલ-ક્લોથ જૂના બગડેલા ટેબલને ઢાંકી શકે છે, તેમ આપણો પ્રેમ એકબીજાની ભૂલોને ઢાંકી શકે છે.—નીતિવચનો ૧૭:૯.

૧૫ પ્રેમથી આપણે એકબીજાને સુખ-દુઃખમાં સાથ આપીશું. આ દુનિયાની હાલત દિવસે દિવસે બગડતી જાય છે. આપણા ભાઈ-બહેનોની મુસીબતો પણ વધતી જાય છે. આપણને એકબીજાના સાથની જરૂર પડે છે. (૧ યોહાન ૩:૧૭, ૧૮) દાખલા તરીકે, શું મંડળમાં કોઈ બેકાર થઈ ગયું છે? અથવા, કોઈ ગરીબ ભાઈ-બહેન છે? શું આપણે તેઓને મદદ કરી શકીએ? (નીતિવચનો ૩:૨૭, ૨૮; યાકૂબ ૨:૧૪-૧૭) શું મંડળમાં કોઈ ઘરડા ભાઈ-બહેનના ઘરમાં થોડું-ઘણું કામ કરવાની જરૂર છે? શું આપણે તેઓને મદદ કરી શકીએ?—યાકૂબ ૧:૨૭.

૧૬ એવું નથી કે આપણે ફક્ત ઓળખીતા ભાઈ-બહેનોને જ મદદ કરીએ. ઘણા દેશમાં કુદરતી આફતો આવી પડે છે કે લડાઈઓ ફાટી નીકળે છે. એ વખતે આપણા ભાઈ-બહેનો ઘરબાર વગરના થઈ જાય છે. તેઓને ખોરાક, કપડાં વગેરેની ખૂબ જરૂર હોય છે. આપણે તેઓને બને એટલી મદદ કરી શકીએ. કેમ કે આપણે બધા ભાઈ-બહેનો ‘પર પ્રીતિ’ રાખીએ છીએ. (૧ પીતર ૨:૧૭) પહેલી સદીના ખ્રિસ્તીઓની માફક, આપણે પૈસા, કપડાં કે બીજી કોઈ ચીજો મોકલી શકીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૭-૩૦; રૂમી ૧૫:૨૬) આ રીતે આ અંધારી દુનિયામાં, સાચો પ્રેમ હંમેશાં પ્રકાશતો રહેશે.—કોલોસી ૩:૧૪.

૧૭ પ્રેમને લીધે આપણે યહોવાહના રાજ્ય વિષે ખુશખબરી ફેલાવીએ છીએ. ઈસુનો વિચાર કરો. ઈસુ લોકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. પ્રેમથી તેઓને યહોવાહ વિષે શીખવતા હતા. શા માટે? કેમ કે લોકો ઈશ્વરના જ્ઞાન માટે ભૂખ્યા અને તરસ્યા હતા. (માર્ક ૬:૩૪) એ સમયના ધર્મગુરુઓએ લોકોની સત્ય માટેની તરસ છિપાવી ન હતી. પણ ઈસુએ તો ખુલ્લા દિલે તેઓ સામે “દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ” કરી.—લુક ૪:૧૬-૨૧, ૪૩.

૧૮ આજે પણ ઘણા લોકોના જીવનમાં અંધકાર છવાયેલો છે. તેઓ યહોવાહ વિષે કંઈ જાણતા નથી. ઈસુની જેમ આપણે પ્રેમથી યહોવાહ વિષે લોકોને જણાવીએ. (માત્થી ૬:૯, ૧૦; ૨૪:૧૪) આ દુનિયા એના છેલ્લા શ્વાસ લઈ રહી છે. ચાલો આપણે રાજીખુશીથી લોકોને જીવનનો સંદેશો આપતા રહીએ!—૧ તીમોથી ૪:૧૬.

“સર્વનો અંત પાસે આવ્યો છે”

૧૯ પીતરે કહ્યું કે “સર્વનો અંત પાસે આવ્યો છે.” (૧ પીતર ૪:૭) પલભરમાં આ દુનિયા હતી ન હતી થઈ જશે. પણ યહોવાહની નવી દુનિયા હંમેશાં રહેશે. (૨ પીતર ૩:૧૩) આ આરામ કરવાનો સમય નથી. ઈસુએ ચેતવણી આપી: “તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે. કેમકે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે.”—લુક ૨૧:૩૪, ૩૫.

૨૦ ચાલો આપણે આ દુનિયાની છેલ્લી ઘડીઓમાં ‘જાગતા રહીએ.’ (માત્થી ૨૪:૪૨) હંમેશાં ધ્યાન રાખીએ કે આપણે કદીયે શેતાનની લાલચમાં ફસાઈ ન જઈએ. ભલે આ દુનિયામાં દિવસે દિવસે પ્રેમનો દીપ બુઝાતો જાય, છતાં આપણે હંમેશાં એકબીજાને દિલથી પ્રેમ કરીએ. થોડા જ વખતમાં પરમેશ્વર યહોવાહ સુખ-શાંતિ લાવશે. અપાર આશીર્વાદો મેળવવા માટે, ચાલો આપણે કાયમ યહોવાહને વળગી રહીએ!—પ્રકટીકરણ ૨૧:૪, ૫.

[ફુટનોટ]

^ ૧ પીતર ૪:૮માં બીજા બાઇબલ અનુવાદો “હૃદયપૂર્વક,” કે ‘ઉમળકાથી’ પ્રેમ બતાવવાનું કહે છે.

વિચાર કરો

• ઈસુએ તેમની આખરી રાતે શિષ્યોને કઈ સલાહ આપી? પીતરે કઈ રીતે એ સલાહ જીવનમાં ઉતારી? (૧-૨ ફકરા)

• “આગ્રહથી પ્રીતિ કરો” એટલે શું? (૩-૫ ફકરા)

• આપણે કેમ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ? (૬-૮ ફકરા)

• તમે કઈ રીતે એકબીજા પર પ્રેમ બતાવી શકો? (૯-૧૮ ફકરા)

• શા માટે આ આરામ કરવાનો સમય નથી? આપણે શું કરવાનો પાક્કો નિર્ણય લેવો જોઈએ? (૧૯-૨૦ ફકરા)

[પાન ૨૯ પર ચિત્ર]

જો કુટુંબમાં પ્રેમનું બંધન હોય, તો તેઓ કોઈ પણ તકલીફો સંપીને સહન કરશે

[પાન ૩૦ પર ચિત્ર]

પ્રેમને લીધે ભાઈ-બહેનોને સુખ-દુઃખમાં સાથ આપીશું

[પાન ૩૧ પર ચિત્ર]

યહોવાહ વિષે લોકોને જણાવીને આપણે પ્રેમ બતાવીએ છીએ