દુનિયામાં શું ચાલી રહ્યું છે?
દુનિયામાં શું ચાલી રહ્યું છે?
ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે દુનિયાના અંતે લડાઈઓ, ભૂખમરો, બીમારીઓ અને ધરતીકંપો વધી જશે.—માત્થી ૨૪:૧-૮; લુક ૨૧:૧૦, ૧૧.
આખા જગત પર ૧૯૧૪થી મોટી આફતો આવી પડી છે. ફક્ત દેશો વચ્ચે જ નહિ, પણ દેશની અંદર પણ લડાઈઓ ફાટી નીકળે છે. રાજનીતિ, ધર્મ, કે નાત-જાતમાં એકબીજા પ્રત્યે નફરતને લીધે હજારોની કતલ થાય છે. અરે, હવે આતંકવાદીઓ પણ લોહીની નદીઓ વહેવડાવે છે!
ભલે વૈજ્ઞાનિકોએ ખૂબ પ્રગતિ કરી છે, છતાં કરોડો લોકો ભૂખે ટળવળે છે. દુઃખની વાત છે કે લાખો ભૂખ્યા પેટે રાતે સૂઈ તો જાય છે, પણ સવાર જોતા નથી.
વર્ષો પહેલાં, જો કોઈને રોગ થયો હોય તો, એ ફક્ત એક ગામ કે શહેરના લોકોમાં જ ફેલાતો. પણ આજે બીમારીઓ ઝેરી હવાની જેમ બધે ફેલાય છે. દાખલા તરીકે, ૧૯૧૯માં સ્પેનિશ ફ્લૂ ફાટી નીકળ્યો. એના લીધે દુનિયામાં આશરે ૨ કરોડ ૧૦ લાખ લોકોએ જાન ગુમાવ્યો. આજે એઈડ્ઝનો રોગ પૃથ્વીની ચારે બાજુએ ફેલાઈ રહ્યો છે. અનેક દેશોમાં ટીબી, મેલેરિયા, ટાયફોઈડ, કોલેરા જેવી બીમારીઓ નાના-મોટાને ભરખી લે છે.
ઘણી વખત વૈજ્ઞાનિકો જાણે છે કે ધરતીકંપો ક્યાં થશે, પણ એ જાણતા નથી કે ક્યારે. દર વર્ષે હજારો નાના મોટા ધરતીકંપો ગામોના ગામો કે શહેરોને નાશ કરી નાખે છે.
લગભગ ૧,૯૦૦ વર્ષ પહેલાં બાઇબલમાં લખાયું: ‘આ વાતો યાદ રાખ! અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે. માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, બડાશ મારનારા, અને અભિમાની બની જશે. તેઓ બીજાની નિંદા કરશે, માતાપિતાને આધીન નહીં રહે, કદર નહીં કરનારા, નાસ્તિક હશે. તેઓ દયા વગરના, બદલો લેનારા, અફવા ફેલાવનારા, સંયમ નહિ રાખનારા, ઘાતકી, અને સત્યનો નકાર કરનારા હશે. તેઓ દગો દેનારા, અવિચારી, અભિમાનથી ફૂલાઈ ગયેલા અને ઈશ્વર પર પ્રેમ કરવાને બદલે પૈસાને ચાહનારા હશે. ધાર્મિક હોવાનો ઢોંગ કરશે. આવા પ્રકારના માણસોથી દૂર રહે.’—૨ તીમોથી ૩:૧-૫, પ્રેમસંદેશ.
તો પછી, શું આપણે ખરેખર આ દુનિયાના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા નથી?
આજે મોટા ભાગના લોકો પૈસાના પ્રેમી છે, સ્વાર્થના સગાં છે, અભિમાનથી ફૂલાઈ ગયેલા છે. તમે પોતે એ જોયું હશે.
શું આજે લોકોમાં એકબીજા માટે સાચો પ્રેમ છે? જરાય નહિ! આજે તો દોસ્તો પણ એકબીજાને દગો દે છે.
આજે ઘણાં માબાપ કહેશે કે ‘બાળકો સાવ બગડી ગયા છે. માબાપનું કોણ માને છે!’ આવું આખી દુનિયામાં થાય છે.
આજે લોકો દિન-રાત મોજશોખના નશામાં જ જીવે છે. તેઓમાં ભલાઈનો છાંટોય નથી.
બાઇબલ બતાવે છે કે આ દુનિયાનાં પાપનો ઘડો ભરાઈ ગયો છે.
શું આ સિવાય બાઇબલ બીજી કોઈ સાબિતી આપે છે કે દુનિયા છેલ્લા શ્વાસ લઈ રહી છે? હા, લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યો આખા જગતમાં ઈશ્વરના રાજની ખુશખબરી ફેલાવશે. (માત્થી ૨૪:૧૪) આજે એ ખુશખબરી આખી પૃથ્વી પર પહોંચી ગઈ છે!
બાઇબલ વિષયો પર ચર્ચા કરતું ચોકીબુરજ મૅગેઝિન બતાવે છે કે યહોવાહ વિશ્વના રાજા છે અને તે નજીકમાં દુનિયા પર મોટા ફેરફારો લાવશે. આ મૅગેઝિન આશરે ૧૫૦ ભાષાઓમાં છપાય છે!
યહોવાહના રાજ વિષે જણાવવા તેમના ભક્તો દર વર્ષે ૧૦૦ કરોડથી વધારે કલાકો આપે છે!
યહોવાહના સાક્ષીઓ લગભગ ૪૦૦ ભાષાઓમાં બાઇબલ વિષેનાં અનેક પુસ્તકો-પુસ્તિકાઓ છાપે છે. અરે, કોઈ વાર તો ગણ્યા-ગાંઠ્યા લોકો જ કોઈ ટાપુ પર કે જંગલમાં રહેતા હોય છે. તેમ છતાં સાક્ષીઓ મહેનતથી એવા લોકોને ખુશખબરી જણાવવા જાય છે. હવે ૨૩૫થી પણ વધારે દેશોમાં યહોવાહના સાક્ષીઓ લોકોને બાઇબલ વિષે શીખવે છે.
પરંતુ, સાક્ષીઓ લોકોનો ધર્મ બદલતા નથી. તેઓ બસ યહોવાહનો સંદેશો જાહેર કરે છે. અમુક લોકો તો એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. આખરે તો લોકોની પોતાની મરજી છે. તમારા વિષે શું? તમને પરમેશ્વર યહોવાહ વિષે વધારે શીખવું ગમશે? શું તમે તેમની પૂરા દિલથી ભક્તિ કરવા ચાહો છો?—લુક ૧૦:૨૫-૨૭; પ્રકટીકરણ ૪:૧૧.
નજીકમાં જ, યહોવાહ આ દુષ્ટ દુનિયાનો હિસાબ લેશે. પછી યહોવાહના ભક્તો સુંદર પૃથ્વી પર હંમેશાં સુખચેનમાં જીવશે!—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯.
[પાન ૬ પર બોક્સ]
દુનિયાનો અંત એટલે શું?
એનો અર્થ એ નહિ કે આ પૃથ્વીનો નાશ થશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; ૧૦૪:૫; યશાયાહ ૪૫:૧૮.
યહોવાહ પાપી લોકોનું નામનિશાન મીટાવી નાખશે.—નીતિવચનો ૨:૨૧, ૨૨.
યહોવાહના ભક્તો પૃથ્વી પર સદા સુખચેનમાં જીવતા રહેશે.—યોહાન ૩:૧૬, ૩૬; ૧ યોહાન ૨:૧૭.
[પાન ૭ પર બોક્સ/ચિત્ર]
બાઇબલ ક્યાંથી આવ્યું?
બાઇબલ લેખકોએ અનેક વાર લખ્યું કે “યહોવાહ, એવું કહે છે.” (યશાયાહ ૪૩:૧૪; યિર્મેયાહ ૨:૨) ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું કે ‘જે વાતો હું તમને કહું છું તે મારા પોતાના તરફથી નથી કહેતો; પણ બાપ કહે છે.’ (યોહાન ૧૪:૧૦) ‘પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.’ એટલે એમાં માણસના નહિ, પણ યહોવાહના જ વિચારો છે.—૨ તિમોથી ૩:૧૬, IBSI.
યુનાઇટેડ બાઇબલ સોસાયટી પ્રમાણે, હવે બાઇબલ ૨,૨૦૦થી પણ વધારે ભાષાઓમાં મળે છે. અરે, હમણાં સુધીમાં ૪૦૦ કરોડથી વધારે બાઇબલ છપાઈ ચૂક્યા છે. કોઈ પુસ્તક એટલું જાણીતું ને માનીતું નથી! બાઇબલ જાણે ઈશ્વરનો પત્ર છે. સર્વ નાત-જાતના લોકો પોત-પોતાની ભાષામાં એ વાંચી શકે છે.
બાઇબલ ઈશ્વર તરફથી જ છે. એ જાણવા માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું સર્વ લોકો માટેનું પુસ્તક વાંચો.
જો તમે બાઇબલ વાંચો અને શ્રદ્ધા રાખો કે એ યહોવાહનું વચન છે, તો તમારા પર આશીર્વાદોનો પાર નહિ રહે!
[પાન ૮ પર બોક્સ/ચિત્રો]
યહોવાહનું રાજ્ય શું છે?
દરેક દેશ પર રાજ કરવા માટે કોઈ હોય છે. એવી જ રીતે યહોવાહ વિશ્વના રાજા છે અને તેમની સરકાર સ્વર્ગમાંથી આપણા પર રાજ કરે છે.—યિર્મેયાહ ૧૦:૧૦, ૧૨.
યહોવાહે ઈસુને રાજ સોંપ્યું છે. (પ્રકટીકરણ ૧૧:૧૫) ઈસુએ પૃથ્વી પર પણ પોતાની શક્તિનો નમૂનો બતાવ્યો હતો. તોફાન, પવન અને દરિયા પર તે કાબૂ રાખી શકતા હતા. રોગીઓને સાજા કરી શકતા હતા. ગુજરી ગયેલાને પણ જીવતા કરી શકતા હતા! (માત્થી ૯:૨-૮; માર્ક ૪:૩૭-૪૧; યોહાન ૧૧:૧૧-૪૪) હજારો વર્ષો પહેલાં, બાઇબલમાં લખાયું કે યહોવાહ ઈસુને ‘સત્તા, મહિમા તથા રાજ્ય’ આપશે. પછી ‘બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો’ ઈસુના માર્ગદર્શન પ્રમાણે ચાલશે. (દાનીયેલ ૭:૧૩, ૧૪) સ્વર્ગમાંથી ઈસુ હમણાં રાજ કરે છે.
[પાન ૭ પર ચિત્રો]
જગતભરમાં યહોવાહ વિષે ખુશખબરી ફેલાઈ રહી છે