સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ન્યાયકરણનો સમય’ હમણાં જ આવશે!

‘ન્યાયકરણનો સમય’ હમણાં જ આવશે!

‘ન્યાયકરણનો સમય’ હમણાં જ આવશે!

બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક કહે છે કે ‘આકાશમાં ઊડતા એક દૂત પાસે સનાતન સુવાર્તા છે. તે મોટે સાદે કહે છે, કે ઈશ્વરથી બીહો ને તેમને મહિમા આપો; કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે.’ (પ્રકટીકરણ ૧૪:૬, ૭) આજે આ દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે. (૨ તીમોથી ૩:૧) નજીકમાં જ ઈશ્વરનો “ન્યાયકરણનો સમય” આવશે. એમાં કોઈ જ શંકા નથી. એ દિવસે યહોવાહ આ દુનિયાના લોકોનો હિસાબ લેશે.

આ જગતે હિંસા અને નફરતની આગમાં યહોવાહના ભક્તોનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ, આ દુષ્ટ જગતનો અંત આવશે ત્યારે, યહોવાહના ભક્તોની ખુશીનો કોઈ પાર નહિ રહે.

આજે આપણે ઈશ્વરનો ડર રાખવો જોઈએ અને તેમની ભક્તિ કરવી જોઈએ. શું તમે એમ કરો છો? ‘હા, હું ઈશ્વરનો ડર રાખું છું,’ એમ કહેવું જ પૂરતું નથી. (માત્થી ૭:૨૧-૨૩; યાકૂબ ૨:૧૯, ૨૦) જો આપણામાં ઈશ્વરની શ્રદ્ધાનો દીવો જલતો હશે, તો દિલોજાનથી તેમની ભક્તિ કરીશું. પછી દુનિયાના રંગે રંગાઈશું નહિ. (નીતિવચનો ૮:૧૩) યહોવાહને જે ગમે એ જ આપણે કરીશું અને જેનાથી તેમને નફરત છે, એનાથી બાર ગાઉ દૂર રહીશું. (આમોસ ૫:૧૪, ૧૫) આપણા લાભ માટે યહોવાહનું માર્ગદર્શન વારંવાર માગીશું. કઈ રીતે? દરરોજ આપણે બાઇબલ વાંચીશું, જેથી યહોવાહની સલાહ પ્રમાણે ચાલી શકીએ. ‘બાઇબલ વાંચવા આજે મારી પાસે સમય નથી,’ એવું કદીયે ન કહીએ. (ગીતશાસ્ત્ર ૬૨:૮; નીતિવચનો ૩:૫, ૬) યહોવાહ વિશ્વના માલિક અને આપણા સરજનહાર છે. તેથી, ચાલો આપણે તન-મનથી યહોવાહની ભક્તિ કરીએ.

પ્રકટીકરણના પુસ્તકમાં દૂતે ‘ન્યાયકરણના સમય’ વિષે પોકાર કર્યો હતો. એ સમય ‘યહોવાહના દિવસ’ તરીકે પણ ઓળખાય છે. લગભગ ૨,૬૧૦ વર્ષ પહેલાં (ઈ.સ. પૂર્વે ૬૦૭) પણ ‘યહોવાહનો દિવસ’ આવ્યો હતો. એ સમયે યહોવાહના જે ભક્તો યરૂશાલેમમાં હતા, તેઓને અનેક વાર ચેતવણી મળી હતી, કે “યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.” (સફાન્યાહ ૧:૧૪) લોકોને બચાવવા અનેક પ્રબોધકોએ ચેતવણી આપી. પણ લોકોએ કાનના પડદા બંધ કરી નાખ્યા. તેઓને લાગ્યું કે ‘અંતને તો હજુ બહુ વાર છે.’ છેવટે એ બેવફા લોકોનો યહોવાહે નાશ કર્યો. યહોવાહનો બીજો એક મહત્ત્વનો “દિવસ” લગભગ ૨,૫૪૩ વર્ષ પહેલાં (ઈ.સ. પૂર્વે ૫૩૯માં) આવ્યો હતો. એ વખતે બાબેલોન શહેરનો નાશ થયો. (યશાયાહ ૧૩:૧,) યહોવાહના પ્રબોધકોએ ત્યાંના લોકોને અનેક વાર ચેતવણી આપી. પણ લોકોએ યહોવાહ પર શ્રદ્ધા ન રાખી. તેઓએ પોતાના દેવ-દેવીઓ અને સિપાઈઓ પર ભરોસો મૂક્યો. તેથી, યહોવાહનો “દિવસ” આવ્યો ત્યારે, એક રાતમાં એ શહેર માદી અને ઈરાનીઓના હાથે પડી ભાંગ્યું.

આપણા સમયમાં યહોવાહનો દિવસ આવશે. આ વખતે યહોવાહનો દિવસ કોઈ એક શહેરને જ નહિ, પણ આખા જગતને અસર કરશે. (૨ પીતર ૩:૧૧-૧૪) જેમ હજારો વર્ષો પહેલાં, બાબેલોન શહેરનો નાશ થયો, તેમ નજીકમાં એવો જ વિનાશ થશે. એના વિષે પ્રકટીકરણ ૧૪:૮ કહે છે કે “એક દૂત આવીને બોલ્યો, કે પડ્યું રે, મોટું બાબેલોન શહેર પડ્યું.” આ બાબેલોન શું છે? આપણા દિવસમાં એ એક શહેર નથી, પણ એક સંસ્થા છે. એમાં સર્વ જૂઠા ધર્મો આવી જાય છે. દુનિયાના જૂઠા ધર્મો છોડીને લોકો યહોવાહને ભજવા માંડ્યા ત્યારે, એ સંસ્થા પડી ભાંગી. હવે એ સંસ્થાના આખરી શ્વાસ ચાલે છે, કેમ કે જગતભરમાં લોકોની આંખ ખૂલી ગઈ છે. લોકો જાણે છે કે એ કેટલી પાપી, ભ્રષ્ટ અને ખૂની છે. હવે સર્વ જૂઠા ધર્મોનો અંત ખૂબ નજીક છે. તેથી, સાંભળો, સાંભળો! એ દિવસ આવી પડે એ પહેલાં ઈશ્વરની આ ચેતવણી સાંભળો: “હે મારા લોક, તેની [મોટું બાબેલોન કહેવાતી સર્વ જૂઠા ધર્મોની સંસ્થા] પાસેથી નીકળી આવો અને તેના પાપના ભાગીદાર ન બનો, નહિ તો તેની સાથે તમે પણ શિક્ષા પામશો. કેમ કે તેનાં પાપોનો ઢગલો આકાશ સુધી પહોંચ્યો છે અને ઈશ્વર તેના ગુનાઓને લીધે તેનો ન્યાય કરવા તૈયાર થયા છે.”—સંદર્શન ૧૮:૪, ૫, IBSI.

સર્વ ધર્મો શા માટે બાબેલોન શહેર જેવા છે? જે ધર્મ યહોવાહને ભજતો નથી, એ બાબેલોન જેવો છે. શા માટે? (પ્રકટીકરણ ૧૭, ૧૮ અધ્યાય) ચાલો આપણે જોઈએ:

• બાબેલોન શહેરમાં બધા ધર્મગુરુઓનો રાજનીતિમાં હાથ હતો. આજે પણ અનેક ધર્મગુરુઓ રાજકારણમાં ભાગ લે છે.

• બાબેલોનમાં ધર્મગુરુઓ લોકોને લડાઈ કરવા ઉશ્કેરતા. આજે, લડાઈમાં જતા સિપાઈઓને ધર્મગુરુઓ આશીર્વાદ આપે છે.

• બાબેલોનમાં ધાર્મિક શિક્ષણ અને રીત-રિવાજોને લીધે લોકોમાં સંસ્કાર જેવું કંઈ હતું જ નહિ. તેઓ મન ફાવે તેમ જીવતા. આજે પણ ઘણા ધર્મો ઈશ્વરે આપેલા સંસ્કારને છોડી દે છે. એટલે જ દેવળ, મંદિર કે મસ્જિદમાં આવતા અનેક લોકો અને ધર્મગુરુઓ ખૂબ પાપી અને અનૈતિક જીવન જીવે છે. તેથી, બાઇબલ જૂઠા ધર્મોને એક વેશ્યા સાથે સરખાવે છે. વેશ્યાની માફક, સર્વ જૂઠા ધર્મો પોતાના ફાયદા માટે કોઈની પણ સાથે કાળાં કામો કરવા તૈયાર છે.

• બાબેલોનમાં ધર્મગુરુઓ વેપાર-ધંધામાં પણ પાછા પડતા નહિ, ધર્મને નામે જાતજાતના ધતિંગ ચાલતા. એટલે ત્યાંનાં મંદિરો પણ ખૂબ ભવ્ય હતાં. બાઇબલ કહે છે કે આજે જૂઠા ધર્મો લાજ-શરમ વગર એશ-આરામમાં જીવે છે. અનેક ધાર્મિક સ્થળો ખૂબ શાનદાર હોય છે. એની સંસ્થાઓ અને ગુરુઓ પણ ખૂબ અમીર હોય છે. ધર્મોના નામે વેપાર-ધંધો ચાલતા હોય છે. જૂઠાં ધાર્મિક શિક્ષણો અને તહેવારોને લીધે કંપનીઓ પણ ધૂમ પૈસો કમાઈ રહી છે.

• બાબેલોનની માફક આજે પણ ધાર્મિક લોકો જંતરમંતરમાં માને છે. બાબેલોનના ધર્મો શીખવતા કે મરણ પછી વ્યક્તિનો આત્મા બીજે ક્યાંક જાય છે અને પછી બીજો જન્મ લે છે. તેઓનાં મંદિરોમાં અનેક દેવ-દેવીઓની મૂર્તિઓ હતી. આજે પણ મંદિરોમાં, ચર્ચોમાં મૂર્તિઓનો કોઈ પાર નથી.

હજારો વર્ષો પહેલાં, ધર્મભ્રષ્ટ લોકોનો નાશ કરવા યહોવાહ બીજા દેશોનો ઉપયોગ કરતા. જેમ કે, ૨,૭૪૪ વર્ષો પહેલાં (ઈ.સ. પૂર્વે ૭૪૦માં) યહોવાહે આશ્શૂરને હાથે સમરૂનનો નાશ કર્યો. ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોન દ્વારા યરૂશાલેમનો નાશ થયો. પછી ફરી ૭૦ની સાલમાં યરૂશાલેમ રૂમી લશ્કરને હાથે પડી ભાંગ્યું. ઈ.સ. પૂર્વે ૫૩૯માં માદી અને ઈરાનીઓને હાથે યહોવાહ બાબેલોનનો નાશ લાવ્યા. પરંતુ, આપણા દિવસોમાં સર્વ ધર્મોનો નાશ કોણ કરશે? બાઇબલ કહે છે કે દુનિયાની સરકારો એક જંગલી જાનવરની જેમ, એ વેશ્યાને ફાડી ખાઈ જશે. શાસ્ત્ર કહે છે કે તેઓ તેને “નગ્‍ન કરશે” અને પછી “અગ્‍નિથી તેને બાળી નાખશે.”—પ્રકટીકરણ ૧૭:૧૬.

શું દુનિયાની સરકારો ખરેખર આ કરશે? હા, કેમ કે ‘ઈશ્વર તેઓના મનમાં’ એવા વિચારો મૂકશે. (પ્રકટીકરણ ૧૭:૧૭) સર્વ જૂઠા ધર્મોનો અંત ધીરે ધીરે નહિ થાય. ના, આંખના એક પલકારામાં એનું નામ-નિશાન મટી જશે!

આપણે શું કરવું જોઈએ? જૂઠા ધર્મોનો અંત આવે એ પહેલાં વિચારો: યહોવાહના લોકો સિવાય, હું બીજી કોઈ ધાર્મિક સંસ્થા સાથે સંગત રાખું છું? હું જગતની કોઈ વિધિઓ કે રિવાજો પાળું છું? હું બીજા ધાર્મિક લોકોની જેમ મન ફાવે તેમ જીવું છું? હું તેઓની જેમ મોજશોખ અને પૈસા પાછળ પાગલ છું? હું બધી વાતે યહોવાહના નિયમો પાળું છું?

યહોવાહનો આશીર્વાદ મેળવવા, આપણે શું કરવું જોઈએ? ફક્ત મીઠી મીઠી બોલીથી નહિ, પણ આપણા જીવનથી બતાવીએ કે જૂઠા ધર્મો સાથે આપણને કોઈ લેવા-દેવા નથી. આપણે ફેરફારો કરવાની જરૂર હોય તો, એવું ન વિચારીએ કે ‘પછી જોઈશું!’ આ દુનિયાનો અંત હમણાં જ આવી જશે. ‘તે મહાન નગર બાબેલોનને એક જ ઝપાટાથી દરિયામાં નાખી દેવામાં આવશે, અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહિ.’—પ્રકટીકરણ ૧૮:૨૧.

આમ, ‘ન્યાયકરણના સમયમાં’ યહોવાહ જૂઠા ધર્મોનો અંત લાવશે. પછી સર્વ દેશની સરકારો, એના નેતાઓ અને બીજા ઘણા લોકોનો પણ અંત લાવશે. શા માટે? કેમ કે તેઓ યહોવાહને અને તેમણે રાજા તરીકે નીમેલા ઈસુને માનતા નથી. (પ્રકટીકરણ ૧૩:૧, ૨; ૧૯:૧૯-૨૧) હજારો વર્ષો પહેલાં, દાનીયેલ ૨:૨૦-૪૫માં યહોવાહે એક સંદેશો આપ્યો. એમાં સોના, ચાંદી, પિત્તળ, લોખંડ અને માટીના એક માણસની વાત થાય છે. એ માણસ બાબેલોનથી છેક આપણા દિવસની સરકારોને રજૂ કરે છે. પછી બાઇબલ કહે છે: “એ રાજાઓના રાજ દરમિયાન સ્વર્ગનો રાજા [યહોવાહ] કદી નાશ ન પામે એવું રાજ્ય સ્થાપશે. તેની ઉપર કદી કોઈ વિજય મેળવી શકશે નહિ.” હા, ‘ન્યાયકરણના સમયમાં’ યહોવાહ “આ સર્વ [માનવ] રાજ્યોને તોડીને ભૂકો કરી નાખશે.” પછી તેમનું રાજ્ય ‘હંમેશને માટે રહેશે.’—દાનિયેલ ૨:૪૪, IBSI.

બાઇબલ કહે છે કે યહોવાહના ભક્તોએ આ દુનિયાથી સાવ અલગ રહેવું જોઈએ. એટલે કે આપણે આ દુનિયાની એવી કોઈ પણ બાબત પર પ્રેમ ન રાખીએ, જે ઈશ્વરથી દૂર લઈ જાય. (૧ યોહાન ૨:૧૫-૧૭) શું તમારું જીવન બતાવે છે કે તમે ફક્ત યહોવાહને જ પ્રેમ કરો છો? શું તમે યહોવાહની ભક્તિને સૌથી મહત્ત્વની ગણો છો?—માત્થી ૬:૩૩; યોહાન ૧૭:૧૬, ૧૭.

[પાન ૧૪ પર બોક્સ]

આ દુનિયાનો અંત ક્યારે આવશે?

“જે ઘડીએ તમે ધારતા નથી તેજ ઘડીએ” ઈસુ આવશે.—માત્થી ૨૪:૪૪.

“તમે જાગતા રહો, કેમકે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી.”—માત્થી ૨૫:૧૩.

યહોવાહ “વિલંબ કરશે નહિ.”—હબાક્કૂક ૨:૩.

[પાન ૧૪ પર બોક્સ]

શું તમે આશીર્વાદોની રાહ જોશો?

જો તમને ખબર હોય કે દુનિયાનો અંત આવવાને હજુ વાર છે, તો તમે શું કરશો? શું તમે થાકી-હારીને એમ કહેશો કે ‘રાત-દિવસ યહોવાહની ભક્તિ કરવાનો શું ફાયદો?’ શું તમે એમ વિચારશો કે ‘હજુ તો અંતને વાર છે, ચાલો સરસ ઘર કે કાર વસાવી લઈએ?’—હેબ્રી ૧૦:૩૬-૩૮.

આપણે યહોવાહને છેતરી શકતા નથી. છેલ્લી ઘડીએ પસ્તાવો કરવાથી કોઈ ફાયદો નહિ થાય. કેટલું સારું કે આપણે અંતની તારીખ જાણતા નથી! ચાલો આપણે સ્વાર્થથી નહિ, પણ પૂરી શ્રદ્ધાથી યહોવાહની ભક્તિ કરતા રહીએ.—યિર્મેયાહ ૧૭:૧૦; હેબ્રી ૪:૧૩.

યહોવાહની ભક્તિ જીવનમાં કાયમ પ્રથમ રાખીએ. આપણે અમીર બનવાના સપના ન જોઈએ, પણ રોજી-રોટી મળે એટલું બસ. (એફેસી ૪:૨૮; ૧ તીમોથી ૬:૭-૧૨) આપણે મોજશોખ કરીશું, પણ દુનિયાના લોકોની માફક એની પાછળ પાગલ થઈશું નહિ. (માર્ક ૬:૩૧; રૂમી ૧૨:૨) આપણે ઈસુની જેમ જ યહોવાહની ભક્તિ કદી છોડીશું નહિ.—ગીતશાસ્ત્ર ૩૭:૪; ૪૦:૮.

શું તમને હંમેશ માટે સુખ-ચેનમાં જીવવું છે? શું તમને યહોવાહના ભરપૂર આશીર્વાદો જોઈએ છે? તો ભલે દુનિયાના અંતની રાહ જોવી પડે, પણ આપણે યહોવાહનો હાથ કદી છોડીએ નહિ.

[પાન ૧૫ પર બોક્સ/ચિત્ર]

આ કોર્ટ કેસમાં કોણ જીતશે?

પરમેશ્વર યહોવાહ અને શેતાન વચ્ચે એક મોટો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. શા માટે આ કેસ ચાલે છે?

એક સ્વર્ગદૂત, આપણા પરમેશ્વર યહોવાહની સામો થયો. તેણે યહોવાહ પર અનેક ખોટા આરોપો મૂક્યા. તેણે આદમ અને હવાને કહ્યું કે ‘તમારે યહોવાહ કહે તેમ જ કરવાની શું જરૂર છે? તે તો બસ નિયમો જ આપ્યા કરશે. તમ-તમારે મન ફાવે તેમ જીવો અને મજા કરો.’ એ ઘડીથી જાણે એક કેસ શરૂ થયો.—ઉત્પત્તિનો બીજો અને ત્રીજો અધ્યાય.

યહોવાહ એ જ સમયે શેતાન, આદમ અને હવાનો નાશ કરી શક્યા હોત. પણ યહોવાહ ન્યાયના ઈશ્વર છે. તેથી, શેતાનને ખુલ્લો પાડવા તેમણે આ કેસ ચાલવા દીધો. એનાથી મનુષ્યો અને સ્વર્ગદૂતો સાફ સાફ જોઈ શકે છે કે કોણ સાચું અને કોણ ખોટું. આ સમય દરમિયાન આપણા પર અનેક દુઃખો આવ્યા છે.

સૌથી મોટી કિંમત તો યહોવાહે પોતે ચૂકવી. મનુષ્યોને પાપ અને મોતના ફાંદામાંથી બચાવવા, તેમણે પોતાના વહાલા પુત્ર ઈસુની કુરબાની આપી દીધી. તેથી, જો આપણે હમણાં યહોવાહ અને ઈસુ પર પૂરી શ્રદ્ધા મૂકીશું, તો આપણને કાયમી જીવનનું વરદાન મળી શકે છે. ભલે આપણે ગુજરી પણ જઈએ, છતાં યહોવાહ આપણને સજીવન કરીને એ વરદાન આપશે.

આ કોર્ટ કેસ હજારો વર્ષોથી ચાલી રહ્યો છે. તમે કોના પક્ષે છો? હમણાં જ નિર્ણય લેવાનો સમય છે! જો આપણે યહોવાહને પક્ષે રહીશું, તો શેતાનના મોં પર તાળું મારી દઈશું. નજીકમાં જ આ કેસનો અંત આવશે. ત્યાર પછી જ, વિશ્વમાં ખરી શાંતિ આવશે.

[ચિત્ર]

દુનિયાની બધી સરકારોનો અંત આવશે