સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાંભળો, સાંભળો, જીવ બચાવો!

સાંભળો, સાંભળો, જીવ બચાવો!

સાંભળો, સાંભળો, જીવ બચાવો!

યહુદીઓ અનેક વાર જાણી-જોઈને પરમેશ્વરને ભૂલી ગયા. એટલે ઈસુએ તેઓને ચેતવણી આપી હતી કે યરૂશાલેમ અને મંદિરનો નાશ થશે. પણ ઈસુએ કોઈ તારીખ આપી ન હતી. ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું કે અંત પહેલાં અમુક નિશાની જોવા મળશે. એ જોઈને, તેઓએ જીવ બચાવવા યરૂશાલેમથી નાસી છૂટવું.

એ નિશાની કઈ હતી? ઈસુએ કહ્યું: “જ્યારે યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.” ઈસુએ એમ પણ કહ્યું કે તેઓએ બધું જ છોડી દઈને ‘પહાડો પર નાસી છૂટવું.’ જો તેઓ યરૂશાલેમમાં રહેશે, તો તેઓનું જીવન જોખમમાં હશે.—લુક ૨૧:૨૦, ૨૧; માત્થી ૨૪:૧૫, ૧૬.

હવે દિવસે-દિવસે યહુદી અને રૂમી સરકાર વચ્ચે નફરતની ખીણ ઊંડી થતી ગઈ. છેવટે, ૬૬ની સાલમાં સેસ્તિઅસ ગેલસના હુકમે રૂમી સિપાઈઓ યહુદીઓ પર હુમલો કરવા નીકળી પડ્યા. તેઓએ મંદિરનો કબજો કર્યો. આખા શહેરમાં ખળભળાટ મચી ગયો. યહોવાહના ભક્તોએ ઈસુની ચેતવણી યાદ કરી. તેઓ જોઈ શક્યા કે યરૂશાલેમના લોકોને માથે મોત ઝઝૂમતું હતું. રૂમી સિપાઈઓએ આખા શહેરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. તો પછી ખ્રિસ્તીઓ કઈ રીતે બચી શકે? એક બનાવ બન્યો. છેલ્લો ઘા કરવા જતો સેસ્તિઅસ ગેલસ અચાનક ફોજ લઈને યરૂશાલેમથી ચાલ્યો ગયો! અમુક ઝનૂની યહુદીઓ તેઓની પાછળ પડ્યા. પરંતુ, ઈસુના શિષ્યો આ તક જોઈને તરત જ યરૂશાલેમ અને યહુદાથી ભાગી છૂટ્યા!

પછીના વર્ષે, રૂમી લશ્કરે ફરીથી યરૂશાલેમ પર હુમલો કર્યો. આ વખતે, વેસપેશન અને તેનો પુત્ર તીતસ લશ્કર લઈને આવ્યા અને લડાઈ ફાટી નીકળી. સિત્તેરની સાલમાં રૂમી લશ્કરે યરૂશાલેમને લાકડાની દીવાલથી ઘેરી લીધું. હવે બચવાનો કોઈ માર્ગ ખુલ્લો ન રહ્યો. (લુક ૧૯:૪૩, ૪૪) શહેરની અંદર લોકો એકબીજાને મન ફાવે તેમ મારી નાખવા માંડ્યા. આ કતલમાંથી બચ્યા, તેઓ રૂમી ફોજના ભોગ બન્યા કે ગુલામીમાં ફસાઈ ગયા. આખા શહેર અને મંદિરનો વિનાશ થયો. પ્રથમ સદીના ઇતિહાસકાર જોસેફસે કહ્યું કે ૧૦ લાખથી વધારે યહુદીઓની કતલ થઈ. લગભગ ૪૦ વર્ષ પહેલાં, ઈસુએ એ જ ચેતવણી આપી હતી કે શહેરનો નાશ થશે, મંદિર ફરી કદી બંધાશે નહિ. તેમના શબ્દો સાચા પડ્યા!

જો ખ્રિસ્તીઓએ પણ ઈસુની ચેતવણી સાંભળી ન હોત, તો ૭૦ની સાલમાં તેઓ ગુલામ બન્યા હોત કે જીવ ગુમાવ્યો હોત. તેઓ શહેરમાંથી નાસી છૂટ્યા અને ફરી પાછા ગયા નહિ. એક ઇતિહાસકાર કહે છે કે ખ્રિસ્તીઓ યરૂશાલેમ અને યહુદાથી નાસી ગયા અને યરદન નદીની પૂર્વે પહાડો પર રહેવા ગયા. અમુક પીરાહ જિલ્લામાં રહેવા લાગ્યા. ખરેખર, ચેતવણી સાંભળીને, મોટા ભાગના ખ્રિસ્તીઓ આ કતલમાંથી બચી ગયા!

તમે ચેતવણી સાંભળો છો?

ઘણી વખતે સરકારો કે વૈજ્ઞાનિકો કોઈ આફત વિષે ચેતવણી આપે છે. પછી જો કંઈ ન થાય તો, લોકો બીજી વખત તેઓનું સાંભળતા નથી. પણ આપણે જોયું કે ચેતવણી સાંભળવાથી જીવન બચી શકે છે.

ચીનમાં ૧૯૭૫માં વૈજ્ઞાનિકો અને સરકારોએ ભૂકંપ વિષે ચેતવણી આપી. લોકોએ તરત જ એ ચેતવણી સાંભળી. તેથી, ભૂકંપની મોટી આફતમાં થોડા જ લોકોના જીવ ગયા.

ફિલિપાઈન્સમાં પણ પીનાટુબો જ્વાળામુખી પાસે જ એક ગામ હતું. એપ્રિલ, ૧૯૯૧માં ગામના લોકોએ જોયું કે રેલગાડીના એન્જિનની માફક જ્વાળામુખીમાંથી વરાળ અને રાખ નીકળતી હતી. તરત જ જ્વાળામુખીના વૈજ્ઞાનિકો એ પહાડની તપાસ કરવા માંડ્યા. તેઓએ ચેતવણી આપી કે જ્વાળામુખી ફાટશે. થોડી જ મિનિટોમાં હજારો લોકો ઘર છોડીને પહાડથી દૂર નાસી છૂટ્યા. જૂન ૧૫ની સવારે જાણે એટમ બૉંબ જેવા ધડાકાથી જ્વાળામુખી ફાટ્યો. જાણે કે આકાશમાંથી ધગધગતા અંગારા જેવા પથ્થરો અને રાખ વરસવા લાગ્યા. માઈલો સુધીની જમીન ખલાસ થઈ ગઈ. પરંતુ, ચેતવણી સાંભળીને હજારો લોકોએ જીવ બચાવી લીધા!

આજે બાઇબલ ચેતવણી આપે છે કે આ દુનિયાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. શું તમે બાઇબલમાં આપેલી નિશાનીઓ જોઈ શકો છો? એ મોટા વિનાશમાંથી બચવા શું તમે હમણાં જ યહોવાહ તરફ દોડો છો? શું તમે બીજા લોકોને પણ એ ચેતવણી આપો છો?

[પાન ૨૦ પર ચિત્ર]

પીનાટુબો જ્વાળામુખી ફાટ્યો ત્યારે, ઘણા બચી ગયા કેમ કે તેઓએ ચેતવણી સાંભળી

[પાન ૨૧ પર ચિત્ર]

રૂમી લશ્કરે ૭૦ની સાલમાં યરૂશાલેમનો નાશ કર્યો ત્યારે, ઘણા ખ્રિસ્તીઓ બચી ગયા, કેમ કે તેઓએ ઈસુની ચેતવણી સાંભળી