સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માથ્થી અધ્યાય ૫-૭

માથ્થી અધ્યાય ૫-૭

લોકોનાં ટોળેટોળાં જોઈને ઈસુ પહાડ પર ગયા. તે ત્યાં બેઠા અને શિષ્યો તેમની પાસે આવ્યા. ઈસુ તેઓને શીખવવા લાગ્યા:

“જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

“જેઓ શોક કરે છે તેઓ સુખી છે, કેમ કે તેઓને દિલાસો મળશે.

“જેઓ કોમળ સ્વભાવના છે તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.

   “જેઓને ન્યાય a માટે ભૂખ અને તરસ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ ધરાશે.

“જેઓ દયાળુ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ પર દયા બતાવવામાં આવશે.

“જેઓનું દિલ સાફ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે.

“જેઓ સુલેહ-શાંતિ કરાવે છે b તેઓ સુખી છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરાઓ કહેવાશે.

૧૦ “સાચા માર્ગે ચાલવાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

૧૧ “જ્યારે લોકો મારે લીધે તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે અને જૂઠું બોલીને તમારા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરે, ત્યારે તમે સુખી છો. ૧૨ તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો, કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે. તમારી અગાઉના પ્રબોધકોની પણ તેઓએ આ રીતે સતાવણી કરી હતી.

૧૩ “તમે દુનિયાનું મીઠું છો. પણ જો મીઠું સ્વાદ વગરનું થઈ જાય તો શું એની ખારાશ પાછી લાવી શકાય ખરી? ના! પછી એ કંઈ કામનું રહેતું નથી. એને બહાર ફેંકવામાં આવે છે અને એ લોકોના પગ નીચે કચડાય છે.

૧૪ “તમે દુનિયાનું અજવાળું છો. પહાડ પર વસેલું શહેર છૂપું રહી શકતું નથી. ૧૫ લોકો દીવો સળગાવીને એને ટોપલા નીચે મૂકતા નથી, પણ ઊંચે દીવી પર મૂકે છે. એ દીવો ઘરમાં બધાને અજવાળું આપે છે. ૧૬ એ જ રીતે, તમારું અજવાળું લોકો આગળ પ્રકાશવા દો, જેથી તેઓ તમારાં સારાં કાર્યો જુએ અને સ્વર્ગમાંના તમારા પિતાને મહિમા આપે.

૧૭ “એવું ન વિચારશો કે હું નિયમશાસ્ત્ર c અને પ્રબોધકોનાં લખાણોનો નાશ કરવા આવ્યો છું. હું એનો નાશ કરવા નહિ, પણ એ પૂરાં કરવા આવ્યો છું. ૧૮ હું તમને સાચું કહું છું કે ભલે આકાશ અને પૃથ્વી જતાં રહે, પણ જ્યાં સુધી નિયમશાસ્ત્રમાં લખેલું બધું પૂરું ન થાય, ત્યાં સુધી એનો સૌથી નાનો અક્ષર કે અક્ષરની એક માત્રા પણ જતી રહેશે નહિ. ૧૯ એટલે જે કોઈ એની નાનામાં નાની આજ્ઞાઓમાંથી એક તોડે છે અને લોકોને એવું કરતા શીખવે છે, તે સ્વર્ગના રાજ્યમાં જવાને લાયક ઠરશે નહિ. પણ જે કોઈ એ આજ્ઞાઓ પાળે છે અને બીજાઓને એ પાળવાનું શીખવે છે, તે સ્વર્ગના રાજ્યમાં જવાને લાયક ઠરશે. ૨૦ હું તમને કહું છું કે જો તમારાં કામ શાસ્ત્રીઓ અને ફરોશીઓ d કરતાં વધારે નેક e નહિ હોય, તો તમે કોઈ પણ હિસાબે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ.

  ૨૧ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તમે ખૂન ન કરો. જે કોઈ ખૂન કરે છે, તેણે અદાલતમાં જવાબ આપવો પડશે.’ ૨૨ પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈની વિરુદ્ધ ગુસ્સાની આગમાં સળગતો રહે છે, તેણે અદાલતમાં જવાબ આપવો પડશે. જે કોઈ ખરાબ શબ્દોથી પોતાના ભાઈનું ઘોર અપમાન કરે છે, તેણે સર્વોચ્ચ અદાલતમાં જવાબ આપવો પડશે. જે કોઈ એમ કહે કે ‘તું મહા મૂર્ખ છે!’ તે ગેહેન્‍નાની f આગમાં નંખાવાને લાયક ઠરશે.

૨૩ “એટલે જો તમે વેદી g પાસે અર્પણ લઈને જાઓ અને યાદ આવે કે તમારો ભાઈ તમારાથી નારાજ છે, ૨૪ તો તમારું અર્પણ ત્યાં વેદીની આગળ મૂકી દો. જાઓ, પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો, પછી આવીને તમારું અર્પણ ચઢાવો.

૨૫ “જે કોઈ તમારી વિરુદ્ધ અદાલતમાં ફરિયાદ કરવા જાય, તેની સાથે રસ્તામાં જ બને એટલું જલદી સુલેહ-શાંતિ કરી લો. એવું ન થાય કે તે તમને ન્યાયાધીશને સોંપી દે અને ન્યાયાધીશ તમને સિપાઈને સોંપી દે અને તમને કેદખાનામાં નાખવામાં આવે. ૨૬ હું તમને સાચે જ કહું છું કે તમે એકેએક પાઈ ચૂકવી ન દો ત્યાં સુધી તમારો છુટકારો થવાનો નથી.

૨૭ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તમે વ્યભિચાર ન કરો.’ ૨૮ પણ હું તમને કહું છું: જે માણસ કોઈ સ્ત્રીને વાસનાભરી નજરે જોયા કરે છે, તેણે પોતાના દિલમાં એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો છે. ૨૯ જો તમારી જમણી આંખ તમને પાપ કરાવે, તો તરત એને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર ગેહેન્‍નામાં h નંખાય એના કરતાં તમે શરીરનું એક અંગ ગુમાવો, એ તમારા માટે વધારે સારું છે. ૩૦ જો તમારો જમણો હાથ તમને પાપ કરાવે, તો એને કાપીને તમારાથી દૂર ફેંકી દો. તમારું આખું શરીર ગેહેન્‍નામાં i જાય એના કરતાં તમે શરીરનું એક અંગ ગુમાવો, એ તમારા માટે વધારે સારું છે.

૩૧ “એમ પણ કહેલું હતું કે ‘જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે, તે તેને છૂટાછેડા લખી આપે.’ ૩૨ પણ હું તમને કહું છું કે કોઈ માણસે પોતાની પત્નીને છૂટાછેડા ન આપવા. છૂટાછેડા આપીને તે પત્નીને વ્યભિચારના જોખમમાં મૂકે છે. જે માણસ એવી સ્ત્રીને પરણે, તે પણ વ્યભિચાર કરે છે. જો સ્ત્રીએ વ્યભિચાર j કર્યો હોય તો જ પતિ તેને છૂટાછેડા આપી શકે છે.

૩૩ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: ‘તમે એવા સમ ન ખાઓ જે પાળી ન શકો. યહોવા સામે લીધેલી માનતા પૂરી કરો.’ ૩૪ પણ હું તમને કહું છું: કદી સમ ન ખાઓ. સ્વર્ગના નહિ, કેમ કે એ ઈશ્વરનું રાજ્યાસન છે. ૩૫ પૃથ્વીના પણ નહિ, કેમ કે એ તેમના પગનું આસન છે. યરૂશાલેમના પણ નહિ, કેમ કે એ મહાન રાજાનું શહેર છે. ૩૬ તમે તમારાં માથાના સમ પણ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ કે કાળો કરી શકતા નથી. ૩૭ તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય, કેમ કે એનાથી વધારે જે કહેવામાં આવે છે એ શેતાન તરફથી છે.

૩૮ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત.’ ૩૯ પણ હું તમને કહું છું: દુષ્ટ માણસની સામે ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો. ૪૦ જો કોઈ વ્યક્તિ તમને અદાલતમાં લઈ જઈને તમારો અંદરનો ઝભ્ભો લેવા માંગે, તો તમારો બહારનો ઝભ્ભો પણ તેને આપી દો. ૪૧ જો કોઈ અધિકારી તમને બળજબરીથી એક કિલોમીટર લઈ જાય, તો તેની સાથે બે કિલોમીટર જાઓ. ૪૨ જો કોઈ તમારી પાસે કંઈ માંગે, તો તેને આપો. જો કોઈ તમારી પાસે ઉછીનું k લેવા આવે તો તેનાથી મોં ન ફેરવો.

૪૩ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તમે પોતાના પડોશી l પર પ્રેમ રાખો અને દુશ્મનને નફરત કરો.’ ૪૪ પણ હું તમને કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને જેઓ તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો. ૪૫ આ રીતે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરાઓ બનશો, કેમ કે તે સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે. તે નેક a અને દુષ્ટ લોકો પર વરસાદ વરસાવે છે. ૪૬ જેઓ તમને પ્રેમ કરે છે, તેઓને જ તમે પ્રેમ કરો તો તમને શું ફાયદો? શું કર ઉઘરાવનારા પણ એવું જ નથી કરતા? ૪૭ જો તમે ફક્ત પોતાના ભાઈઓને જ સલામ કરો, તો એમાં શું મોટી વાત? શું બીજી પ્રજાના લોકો પણ એવું જ નથી કરતા? ૪૮ એટલે જેમ સ્વર્ગમાંના તમારા પિતા સંપૂર્ણ છે, તેમ તમે પણ સંપૂર્ણ b થાઓ.

“ધ્યાન રાખો! તમે લોકોને બતાવવા માટે સારાં કાર્યો ન કરો, નહિતર સ્વર્ગમાંના તમારા પિતા પાસેથી તમને કોઈ બદલો નહિ મળે. જ્યારે તમે દાન કરો ત્યારે ઢંઢેરો ન પિટાવો. એવું તો ઢોંગીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે, જેથી લોકો તેઓના વખાણ કરે. હું તમને સાચે જ કહું છું કે તેઓને પૂરો બદલો મળી ચૂક્યો છે. પણ તમે દાન કરો ત્યારે તમારો ડાબો હાથ ન જાણે કે તમારો જમણો હાથ શું કરે છે. એ રીતે તમારું દાન ગુપ્ત રહે. તમારા પિતા, જે બધું જ જોઈ શકે છે એ તમને એનો બદલો આપશે.

“તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગી લોકો જેવા ન બનો. તેઓને સભાસ્થાનોમાં અને મુખ્ય રસ્તાઓનાં નાકાં પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે, જેથી લોકો તેઓને જોઈ શકે. હું તમને સાચે જ કહું છું કે તેઓને પૂરો બદલો મળી ચૂક્યો છે. તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ. દરવાજો બંધ કરીને તમારા પિતાને પ્રાર્થના કરો, જેમને કોઈ જોઈ શકતું નથી. તમારા પિતા, જે બધું જ જોઈ શકે છે તે તમને બદલો આપશે. પ્રાર્થના કરતી વખતે દુનિયાના લોકોની જેમ એકની એક વાતનું રટણ ન કરો. તેઓ ધારે છે કે ઘણા શબ્દો બોલવાથી ઈશ્વર તેઓનું સાંભળશે. પણ તમે તેઓ જેવા ન બનો, કેમ કે તમે માંગો એ પહેલાં તમારા પિતા જાણે છે કે તમને શાની જરૂર છે.

“તમે આ પ્રમાણે પ્રાર્થના કરો:

“‘હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. ૧૦ તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ. ૧૧ આજ માટે જરૂરી રોટલી અમને આપો. ૧૨ જેમ અમે અમારી વિરુદ્ધ પાપ કરનારાઓને માફ કર્યા છે, તેમ તમે પણ અમારાં પાપ માફ કરો. ૧૩ અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ અને શેતાનથી અમને બચાવો.’

૧૪ “જો તમે લોકોના અપરાધો માફ કરશો, તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમને માફ કરશે. ૧૫ પરંતુ જો તમે લોકોના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.

૧૬ “તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની જેમ ચહેરો ઉદાસ ન રાખો. તેઓ પોતાનો ચહેરો પણ સાફ રાખતા નથી, જેથી તેઓએ ઉપવાસ કર્યો છે એવી લોકોને ખબર પડે. હું તમને સાચે જ કહું છું કે તેઓ પૂરી રીતે પોતાનો બદલો મેળવી ચૂક્યા છે. ૧૭ તમે ઉપવાસ કરો ત્યારે તમારાં માથા પર તેલ ચોળો અને તમારો ચહેરો ધોઈ નાખો. ૧૮ એ માટે કે તમે ઉપવાસ કરો છો એની માણસોને નહિ પણ તમારા પિતાને જાણ થાય, જેમને કોઈ જોઈ શકતું નથી. તમારા પિતા, જે બધું જ જોઈ શકે છે એ તમને બદલો આપશે.

૧૯ “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો. ત્યાં એને જીવડાં ખાઈ જાય છે, કાટ નાશ કરે છે અને ચોર ચોરી જાય છે. ૨૦ એને બદલે, તમારા માટે સ્વર્ગમાં ધનદોલત ભેગી કરો. ત્યાં એને જીવડાં ખાતાં નથી, કાટ નાશ કરતો નથી અને ચોર ચોરી જતા નથી. ૨૧ જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું દિલ પણ હશે.

૨૨ “શરીરનો દીવો આંખ છે. જો તમારી આંખ એક જ બાબત પર લાગેલી હશે, c તો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે. ૨૩ જો તમારી આંખ દુષ્ટ કામો પર લાગેલી હશે, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું હશે. જો શરીરને પ્રકાશ આપતી તમારી આંખ જ અંધકારથી ભરેલી હોય, તો તમે કેવા ઘોર અંધકારમાં છો!

૨૪ “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી. તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે. તે એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.

૨૫ “એ માટે હું તમને કહું છું કે તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો કે શું પીશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો. શું ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી નથી? ૨૬ આકાશનાં પક્ષીઓને ધ્યાનથી જુઓ. તેઓ બી વાવતાં નથી, લણતાં નથી કે કોઠારોમાં ભરતાં નથી. તોપણ સ્વર્ગમાંના તમારા પિતા તેઓને ખાવાનું આપે છે. શું તેઓનાં કરતાં તમે વધારે મૂલ્યવાન નથી? ૨૭ તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાનું જીવન એક પળ માટે પણ લંબાવી શકે છે? ૨૮ તમે કપડાંની શું કામ ચિંતા કરો છો? ખેતરનાં ફૂલો પાસેથી શીખો. તેઓ કેવાં ખીલે છે! તેઓ નથી મજૂરી કરતાં કે નથી કાંતતાં. ૨૯ હું તમને કહું છું કે સુલેમાને પણ પોતાની જાહોજલાલીમાં એ ફૂલોમાંના એકના જેવાં સુંદર કપડાં પહેર્યાં નહિ હોય. ૩૦ ખેતરનાં ફૂલછોડ જે આજે અહીં છે અને કાલે આગમાં નંખાશે, એને પણ ઈશ્વર આટલી સુંદર રીતે સજાવે છે. તો પછી હે ઓછી શ્રદ્ધાવાળાઓ, તે શું તમને વધારે સારાં કપડાં નહિ પહેરાવે? ૩૧ એટલે કદી ચિંતા ન કરો કે ‘આપણે શું ખાઈશું?’ અથવા ‘આપણે શું પીશું?’ અથવા ‘આપણે શું પહેરીશું?’ ૩૨ એ બધા પાછળ તો દુનિયાના લોકો દોડે છે. સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે તમને એ બધાની જરૂર છે.

૩૩ “એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે. ૩૪ એટલે તમે આવતી કાલની કદી પણ ચિંતા ન કરો. આવતી કાલે હજુ બીજી ચિંતાઓ હશે. આજના માટે આજની તકલીફો પૂરતી છે.

“બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો, જેથી તમને દોષિત ઠરાવવામાં ન આવે. તમે જે રીતે બીજાઓને દોષિત ઠરાવો છો, એ જ રીતે તમને દોષિત ઠરાવવામાં આવશે. તમે જે માપથી માપી આપો છો, એ જ માપથી તેઓ તમને પણ માપી આપશે. તમે કેમ તમારા ભાઈની આંખમાંનું તણખલું જુઓ છો, પણ તમારી આંખમાંનો ભારોટિયો d જોતા નથી? જો તમારી આંખમાં ભારોટિયો હોય, તો તમારા ભાઈને કેવી રીતે કહી શકો કે ‘તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે’? ઓ ઢોંગીઓ! પહેલા તમારી આંખમાંથી ભારોટિયો કાઢો. પછી તમે સારી રીતે જોઈ શકશો કે તમારા ભાઈની આંખમાંથી તણખલું કઈ રીતે કાઢવું.

“જે પવિત્ર છે એ કૂતરાઓને ન આપો અને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો. એવું ન થાય કે તેઓ એને પગ નીચે ખૂંદે અને સામા થઈને તમને ફાડી ખાય.

“માંગતા રહો અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે. જે કોઈ માંગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે, તેને માટે ખોલવામાં આવશે. તમારામાં એવું કોણ છે, જેની પાસે તેનો દીકરો રોટલી માંગે તો તેને પથ્થર આપશે? ૧૦ અથવા તે માછલી માંગે તો તેને સાપ આપશે? ૧૧ તમે પાપી હોવા છતાં તમારાં બાળકોને સારી ભેટ આપો છો. તો પછી સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ માંગે છે, તેઓને તે સારી વસ્તુઓ આપશે એમાં કોઈ જ શંકા નથી.

૧૨ “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો. નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સાર એ જ છે.

૧૩ “સાંકડા દરવાજાથી અંદર જાઓ, કેમ કે પહોળો દરવાજો અને સરળ રસ્તો વિનાશ તરફ લઈ જાય છે. ઘણા લોકો એ દરવાજામાં થઈને જાય છે. ૧૪ જ્યારે કે સાંકડો દરવાજો અને મુશ્કેલ રસ્તો જીવન તરફ લઈ જાય છે. બહુ થોડા લોકોને એ મળે છે.

૧૫ “જૂઠા પ્રબોધકોથી સાવધ રહેજો. તેઓ ઘેટાંના વેશમાં તમારી પાસે આવે છે. પણ તેઓ અંદરથી તો ભૂખ્યાં અને ખતરનાક વરુઓ જેવા છે. ૧૬ તેઓનાં કાર્યોથી તમે તેઓને ઓળખશો. શું લોકો ક્યારેય કાંટાળા છોડ પરથી દ્રાક્ષ અથવા ઝાડી-ઝાંખરાં પરથી અંજીર તોડે છે? ૧૭ એ જ રીતે, દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે, પણ દરેક સડેલું ઝાડ ખરાબ ફળ આપે છે. ૧૮ સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને સડેલું ઝાડ સારાં ફળ આપી શકતું નથી. ૧૯ જે ઝાડ સારાં ફળ આપતું નથી, એ કપાય છે અને આગમાં નંખાય છે. ૨૦ તમે એ લોકોને તેઓનાં કાર્યોથી ઓળખશો.

૨૧ “મને ‘માલિક, માલિક’ કહેનારા બધા લોકો સ્વર્ગના રાજ્યમાં જશે નહિ. પણ જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ એમાં જશે. ૨૨ એ દિવસે ઘણા મને કહેશે: ‘માલિક, માલિક, શું અમે તમારા નામે ભવિષ્યવાણી કરી ન હતી? તમારા નામે લોકોમાંથી દુષ્ટ દૂતોને કાઢ્યા ન હતા? તમારા નામે ઘણા ચમત્કારો કર્યા ન હતા?’ ૨૩ પણ હું એ સમયે તેઓને સાફ કહી દઈશ: ‘હું તમને જરાય ઓળખતો નથી! ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’

૨૪ “એટલે જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરે છે, તે સમજદાર માણસ જેવો છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. ૨૫ પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો. તોપણ એ ઘર પડ્યું નહિ, કેમ કે એનો પાયો ખડક પર નંખાયો હતો. ૨૬ પણ જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરતો નથી, તે મૂર્ખ માણસ જેવો છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું. ૨૭ પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો અને ઘરને થપાટો લાગી. એ ઘર પડી ગયું અને એનો પૂરેપૂરો નાશ થયો.”

૨૮ ઈસુએ બોલવાનું પૂરું કર્યું ત્યારે, તેમની શીખવવાની રીતથી લોકો દંગ રહી ગયા. ૨૯ ઈસુ તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેની પાસે અધિકાર હોય એ રીતે શીખવતા હતા.

a ખરા અને ખોટા વિશે ઈશ્વરનાં ધોરણોને આધારે જે ખરું હોય એને બાઇબલ ન્યાયી કે નેક કહે છે.

b અથવા, “જેઓ હળી-મળીને રહે છે.”

c બાઇબલનાં પ્રથમ પાંચ પુસ્તકોને ઘણી વાર નિયમશાસ્ત્ર કહેવામાં આવે છે.

d શાસ્ત્રીઓ એટલે નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ એટલે યહૂદી ધર્મગુરુઓ.

e  ૫:૬ની ફૂટનોટ જુઓ.

f યરૂશાલેમની બહાર કચરો બાળવાની જગ્યા. હિન્‍નોમની ખીણનું ગ્રીક નામ, જે પ્રાચીન યરૂશાલેમની દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમમાં આવેલી હતી. એવો કોઈ પુરાવો નથી કે માણસો કે પશુઓને બાળવા કે રિબાવવા માટે ગેહેન્‍નામાં જીવતાં નાખવામાં આવ્યાં હોય. એટલે આ શબ્દ એવી કોઈ અદૃશ્ય જગ્યાને રજૂ કરતો નથી, જ્યાં ગુજરી ગયેલાઓને હંમેશ માટે સળગતી આગમાં રિબાવવામાં આવતા હોય. એના બદલે, ઈસુ અને તેમના શિષ્યોએ હંમેશ માટેનો નાશ એટલે કે સંપૂર્ણ વિનાશ દર્શાવવા ગેહેન્‍ના શબ્દનો ઉપયોગ કર્યો હતો.

g ઊંચો ઢાંચો કે ઓટલો, જેના પર ભક્તિ માટે ધૂપ કે બલિદાનો ચઢાવવામાં આવતાં.

h  ૫:૨૨ની ફૂટનોટ જુઓ.

i  ૫:૨૨ની ફૂટનોટ જુઓ.

j એના માટેનો ગ્રીક શબ્દ પોર્નિયા છે. એનો અર્થ થાય, ઈશ્વરના નિયમ વિરુદ્ધ હોય એવા બધા પ્રકારના જાતીય સંબંધો. જેમ કે, લગ્‍ન બહાર જાતીય સંબંધ, વેશ્યાગીરી, કુંવારા લોકો વચ્ચે જાતીય સંબંધ, સજાતીય સંબંધ અને પ્રાણીઓ સાથે જાતીય સંબંધ.

k એટલે કે, વગર વ્યાજે ઉછીનું લેવું.

l આસપાસ રહેનાર માણસ, ભલે દોસ્ત હોય કે દુશ્મન. બાઇબલ એવા દરેક માણસને પડોશી કહે છે, જે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે બીજાઓને પ્રેમ અને દયાભાવ બતાવે છે.​

a  ૫:૬ની ફૂટનોટ જુઓ.

b એટલે કે, પૂરા દિલથી પ્રેમ કરો.

c અથવા, “જો તમારી આંખ ચોખ્ખી હશે.” મૂળ, “જો તમારી આંખ સાદી હશે.”

d છતને ટેકો આપતો લાકડાનો મોભ.