સ્કીપ ટુ કન્ટેન્ટ

નિયામક જૂથ તરફથી પત્ર—૨૦૧૭

નિયામક જૂથ તરફથી પત્ર—૨૦૧૭

વહાલાં ભાઈ-બહેનો:

ઈસવીસન પૂર્વે સાતમી સદીમાં, પ્રબોધક હઝકીએલે એક અદ્ભુત સંદર્શન જોયું હતું. તેમણે એક વિશાળ વાહન જોયું હતું. એ એક સ્વર્ગીય રથ હતો, જેને વિશ્વના માલિક કાબૂમાં રાખે છે. એ રથની એક જોરદાર ખાસિયત હતી. એ વીજળીવેગે આગળ વધતો અને દિશા બદલે ત્યારે તેની ગતિ જરા પણ ધીમી ન થતી.—હઝકી. ૧:૪, ૯, ૧૨, ૧૪, ૧૬-૨૭.

એ સંદર્શન આપણને યાદ અપાવે છે કે યહોવાના સંગઠનનો સ્વર્ગીય ભાગ હંમેશાં આગળ વધતો રહે છે. પણ પૃથ્વી પરના ભાગ વિશે શું? ગયા સેવા વર્ષમાં સંગઠનના પૃથ્વી પરના ભાગમાં અદ્ભુત પ્રગતિ જોવા મળી છે અને યહોવા એને પણ વીજળીવેગે આગળ ધપાવી રહ્યા છે.

અહીં યુનાઈટેડ સ્ટેટ્સમાં, બેથેલ કુટુંબના લોકો ઘણા વ્યસ્ત છે. તેઓ બ્રુકલિનથી નીકળીને વૉરવિકમાં નવા મુખ્યમથકે સ્થાયી થવામાં, બીજી કચેરીઓ અને રહેઠાણોમાં જવામાં અને પ્રચારની નવી સોંપણીમાં જવામાં વ્યસ્ત છે. બીજી શાખાના બેથેલના સભ્યો પણ બાંધકામ, સમારકામ, બે શાખાઓ ભેગી કરવામાં કે પછી નવા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં વ્યસ્ત છે. તમારા વિશે શું? કદાચ તમે સ્થળાંતર નહિ કર્યું હોય, પણ બીજી ઘણી રીતોએ વ્યસ્ત રહ્યા હશો.

દુનિયા ફરતે યહોવાના લોકો સંગઠન સાથે કદમથી કદમ મિલાવવા તનતોડ મહેનત કરે છે. તેઓ અગાઉ ક્યારેય આ કામમાં આટલા વ્યસ્ત ન હતા. એ જોઈને નિયામક જૂથના ભાઈઓના દિલ ખુશીથી ભરાઈ ગયા છે અને તેઓને ઘણું ઉત્તેજન મળ્યું છે. ઘણા લોકો વધુ જરૂર છે ત્યાં સેવા માટે ગયા છે. અમુક બીજી ભાષાના પ્રચાર વિસ્તારમાં ગયા છે. ઘણાએ સાક્ષીકાર્યની નવી રીતો અપનાવવાની કોશિશ કરી છે. કેટલાકે બીજી રીતોએ પોતાનું સેવાકાર્ય વધાર્યું છે. આમ, બધા ઈશ્વરભક્તો જીવનની દોડમાં વફાદારીથી દોડી રહ્યા છે, જેમાં વૃદ્ધો અને અશક્ત ભાઈ-બહેનોનો પણ સમાવેશ થાય છે. આમ, તેઓ યહોવાની સેવામાં આગળ વધતા રહે છે અને શેતાનને જૂઠો સાબિત કરવામાં પોતાનો ભાગ ભજવે છે.—૧ કોરીં. ૯:૨૪.

ખાતરી રાખજો, તમારી મહેનત યહોવાના ધ્યાન બહાર ગઈ નથી. (હિબ્રૂ. ૬:૧૦) તમે ખુશી-ખુશી જે કરો છો, એ અમને ઈબ્રાહીમ અને સારાહની યાદ અપાવે છે. ઈબ્રાહીમ આશરે ૭૫ વર્ષના જ હતા ત્યારે, ખાલદીઓનું શહેર ઉર છોડીને પોતાના કુટુંબ સાથે દૂર કનાન જવા નીકળ્યા. ત્યાં તંબુઓમાં તેમણે જીવનના બાકીના ૧૦૦ વર્ષ કાઢ્યા. તેમણે અને તેમની વહાલી પત્નીએ ખુશીથી ત્યાગ કરવાનું કેવું સુંદર વલણ બતાવ્યું!—ઉત. ૧૧:૩૧; પ્રે.કા. ૭:૨, ૩.

શું તમે એવો ત્યાગ બતાવો છો? આ પડકારજનક સમયમાં વફાદારીથી ટકી રહીને તમે ઈસુએ કહેલા શબ્દો પાળો છો. તેમણે કહ્યું હતું: “એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો; તેઓને પિતા અને પુત્ર અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો.”—માથ. ૨૮:૧૯.

ઈસુએ કહ્યું હતું: “જાઓ.” એ શબ્દ બતાવે છે કે આપણે કામમાં વ્યસ્ત રહીને આગળ વધતા રહેવાનું છે. ખ્રિસ્તના ઉત્સાહી અનુયાયીઓએ ગયા વર્ષમાં ઘણું હાંસલ કર્યું છે, જે જોઈને દિલ ખુશીથી ઊભરાય જાય છે! સર્વ દેશના લોકોને સંદેશો ફેલાવવાનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. સ્પષ્ટ છે, યહોવાનો હાથ એ કામ પર આશીર્વાદ વરસાવી રહ્યો છે.—માર્ક ૧૩:૧૦.

ઘણા લોકો સંદેશો સાંભળી રહ્યા છે. ગયા વર્ષે પ્રકાશકોની સંખ્યા ૮૩,૪૦,૮૪૭ હતી. દર મહિને, આશરે ૧,૦૧,૧૫,૨૬૪ બાઇબલ અભ્યાસો ચલાવવામાં આવ્યા. સ્પષ્ટ છે, સ્વર્ગીય રથ આગળ વધી રહ્યો છે અને તમે પણ! યહોવા તારણનો દ્વાર બંધ કરે એ પહેલાં બાકી રહેલા સમયમાં તમે સારું કામ કરતા રહો.

વર્ષ ૨૦૧૭નું વાર્ષિક વચન એકદમ યોગ્ય છે: “યહોવા પર ભરોસો રાખ અને ભલું કર.” (ગીત. ૩૭:૩) યહોવાની પવિત્ર સેવા કરીને ભલું કરો છો ત્યારે, તમે એ શબ્દો પાળો છો અને યહોવામાં પૂરો ભરોસો બતાવો છો. હંમેશાં યાદ રાખો કે તમે એકલા નથી. ઈસુના આ શબ્દો હિંમત બંધાવે છે: “જુઓ! આ દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”—માથ. ૨૮:૨૦.

ખાતરી રાખજો કે, તમે જે વફાદારીથી સેવા કરો છો એના પર યહોવા આશીર્વાદ વરસાવતા રહેશે. ભલે તમારો ફાળો નાનો હોય કે મોટો, યહોવા માટે મહત્ત્વનું એ છે કે તમે ઉત્તમ અને ખરા ઇરાદાથી આપો છો. એ બધી ભેટોથી તેમનું દિલ ખુશ થાય છે અને તે તમારા પર કૃપા બતાવે છે. (૨ કોરીં. ૯:૬, ૭) તેથી, પ્રેમાળ પિતા યહોવા સાથે ગાઢ દોસ્તી બાંધવા નિયમિત પ્રાર્થના અને બાઇબલનો અભ્યાસ કરતા રહો; તેમજ સભા અને પ્રચારમાં સહભાગી થવા પ્રયત્ન કરતા રહો.

શેતાન પાસે “થોડો જ સમય” રહ્યો છે. એટલે, આપણી વફાદારી તોડવા એ દુષ્ટ બંડખોર દૂતે કમર કસી છે, તે કોઈ પણ હથિયાર અપનાવવા તૈયાર છે. (પ્રકટી. ૧૨:૧૨) યહોવાની નજીક રહેશો તો શેતાન એના દરેક પ્રયાસમાં નિષ્ફળ જશે. (ગીત. ૧૬:૮) અમે તમને પ્રેમ કરીએ છીએ અને આ છેલ્લા દિવસોમાં રાજ્યનાં કામમાં તમે જે ફાળો આપો છો એની અમે ખૂબ કદર કરીએ છીએ.

તમારા ભાઈઓ,

યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ