પ્રકરણ ૧૪
“અમે બધાએ એક થઈને નિર્ણય લીધો છે”
નિયામક જૂથે સુન્નત વિશે યોગ્ય નિર્ણય લીધો અને એનાથી મંડળોમાં એકતા જળવાઈ રહી
પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧૩-૩૫ના આધારે
૧, ૨. (ક) પહેલી સદીના નિયામક જૂથ સામે કયા સવાલો ઊભા થાય છે? (ખ) યોગ્ય નિર્ણય લેવા એ ભાઈઓને શાનાથી મદદ મળે છે?
યરૂશાલેમના એક ઓરડામાં પ્રેરિતો અને વડીલો ભેગા મળ્યા છે. તેઓ એકબીજા સામે જોઈ રહ્યા છે, તેઓને ખ્યાલ આવી જાય છે કે હવે સુન્નત વિશે નિર્ણય લેવાની ઘડી આવી પહોંચી છે. આ એક મહત્ત્વનો નિર્ણય છે, કેમ કે સુન્નતના મુદ્દાને લીધે મોટા મોટા સવાલો ઊભા થયા છે. શું ખ્રિસ્તીઓએ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જોઈએ? શું યહૂદી ખ્રિસ્તીઓ અને બીજી પ્રજાના ખ્રિસ્તીઓ વચ્ચે કોઈ ફરક હોવો જોઈએ?
૨ અત્યાર સુધી પ્રેરિતો અને વડીલોએ ઘણા પુરાવા તપાસ્યા છે. તેઓએ શાસ્ત્રની ભવિષ્યવાણી પર અને લોકોની સાક્ષી પર ધ્યાન આપ્યું છે. એ બધાથી સાબિત થાય છે કે યહોવાએ બીજી પ્રજાના લોકોનો સ્વીકાર કર્યો છે. પ્રેરિતો અને વડીલોએ પણ દિલ ખોલીને પોતાના વિચારો જણાવ્યા છે. તેઓ પાસે યોગ્ય નિર્ણય લેવા બધી જ માહિતી છે. યહોવા પોતાની પવિત્ર શક્તિ દ્વારા સાફ માર્ગદર્શન આપી રહ્યા છે કે ભાઈઓએ કયો નિર્ણય લેવો જોઈએ. પણ શું તેઓ એ પ્રમાણે કરશે?
૩. પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૧૫ના અહેવાલ પર ધ્યાન આપવાથી શું શીખવા મળશે?
૩ પવિત્ર શક્તિનું એ માર્ગદર્શન પાળવા નિયામક જૂથના ભાઈઓને ઘણી શ્રદ્ધા અને હિંમતની જરૂર હતી. શા માટે? કેમ કે જો તેઓ એ પ્રમાણે કરશે, તો યહૂદી ધર્મગુરુઓનો ગુસ્સો વધારે ભડકી ઊઠશે. એટલું જ નહિ, મંડળમાં અમુક લોકો પણ તેઓનો વિરોધ કરશે, કેમ કે તેઓ હજુ પણ મૂસાના નિયમશાસ્ત્રને વળગી રહેવા પર ભાર મૂકતા હતા. હવે નિયામક જૂથ શું કરશે? ચાલો એ વિશે પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૧૫માં જોઈએ. આપણે એ પણ જોઈશું કે નિયામક જૂથે કેવાં પગલાં ભર્યાં અને આજે યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ કઈ રીતે એ દાખલાને અનુસરે છે. જ્યારે આપણે પણ કોઈ નિર્ણય લેવાનો થાય અથવા આપણી સામે કોઈ મુશ્કેલી આવે, ત્યારે પહેલી સદીના નિયામક જૂથને અનુસરીએ.
પ્રે.કા. ૧૫:૧૩-૨૧)
‘પ્રબોધકોના શબ્દો પણ સહમત થાય છે’ (૪, ૫. યાકૂબે પ્રબોધકોનાં લખાણમાંથી કયા શબ્દો ટાંક્યા?
૪ ઓરડામાં હાજર લોકો આગળ શિષ્ય યાકૂબ ઊભા થયા અને તેમણે બોલવાનું શરૂ કર્યું. યાકૂબ ઈસુના ભાઈ હતા. a એવું લાગે છે કે યાકૂબ આ સમયે પ્રેરિતો અને વડીલોની સભાના સંચાલક હતા. નિયામક જૂથના બધા ભાઈઓ એક થઈને જે નિર્ણય પર આવ્યા હતા એ વિશે યાકૂબે થોડા શબ્દોમાં કહ્યું: “સિમઓને વિગતવાર જણાવ્યું કે કઈ રીતે ઈશ્વરે પહેલી વાર બીજી પ્રજાઓ તરફ ધ્યાન આપ્યું, જેથી તેઓમાંથી એવા લોકોને બહાર કાઢી લાવે, જેઓ તેમના નામે ઓળખાય. પ્રબોધકોના શબ્દો પણ એ વાત સાથે સહમત થાય છે.”—પ્રે.કા. ૧૫:૧૪, ૧૫.
૫ યાકૂબે સિમઓન, એટલે કે પિતરની વાત સાંભળી. તેમ જ, બાર્નાબાસ અને પાઉલે આપેલા પુરાવાઓ પર ધ્યાન આપ્યું. એ બધાથી તેમને અમુક કલમો યાદ આવી હશે. ચોક્કસ, એ કલમોથી ભાઈઓને સુન્નત વિશે યોગ્ય નિર્ણય લેવા મદદ મળી હશે. (યોહા. ૧૪:૨૬) યાકૂબે કહ્યું: “પ્રબોધકોના શબ્દો પણ એ વાત સાથે સહમત થાય છે.” એ પછી તેમણે આમોસ ૯:૧૧, ૧૨ના શબ્દો ટાંક્યા. આમોસનું પુસ્તક ‘પ્રબોધકોનાં’ લખાણનો ભાગ છે. (માથ. ૨૨:૪૦; પ્રે.કા. ૧૫:૧૬-૧૮) ધ્યાન આપો કે આજે આમોસ ૯:૧૧, ૧૨માં જે શબ્દો જોવા મળે છે એના કરતાં યાકૂબે થોડા અલગ શબ્દો વાપર્યા હતા. શા માટે? બની શકે કે યાકૂબે હિબ્રૂ શાસ્ત્રવચનોનું ગ્રીક ભાષાંતર સેપ્ટુઆજીંટમાંથી એ શબ્દો ટાંક્યા હતા.
૬. ઈશ્વરની ઇચ્છા સમજવા શાસ્ત્રથી કઈ રીતે મદદ મળી?
૬ યહોવાએ આમોસ પ્રબોધક દ્વારા ભવિષ્યવાણી કરી હતી કે તે નક્કી કરેલા સમયે ‘દાઉદનો મંડપ ફરી ઊભો કરશે,’ એટલે કે તે દાઉદના વંશજને રાજ સોંપશે અને મસીહનું રાજ્ય સ્થપાશે. (હઝકિ. ૨૧:૨૬, ૨૭) તો શું એનો એવો અર્થ થાય કે ઇઝરાયેલનો ફરી એક વાર યહોવા સાથે ખાસ સંબંધ હશે? ના એવું નથી. કેમ કે ભવિષ્યવાણીમાં આગળ જણાવ્યું છે કે ‘બીજી પ્રજાઓના લોકોને’ ભેગા કરવામાં આવશે અને ‘તેઓ ઈશ્વરના નામે ઓળખાશે.’ પિતરે થોડી વાર પહેલાં જ સમજાવ્યું હતું કે યહોવાએ “આપણી [યહૂદી ખ્રિસ્તીઓની] અને તેઓની [બીજી પ્રજાના ખ્રિસ્તીઓની] વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી. પણ તેઓની શ્રદ્ધાને લીધે ઈશ્વરે તેઓનાં હૃદયો શુદ્ધ કર્યાં છે.” (પ્રે.કા. ૧૫:૯) બીજા શબ્દોમાં કહીએ તો એ યહોવાની ઇચ્છા હતી કે યહૂદી ખ્રિસ્તીઓ અને બીજી પ્રજાના ખ્રિસ્તીઓ રાજ્યના વારસ બને. (રોમ. ૮:૧૭; એફે. ૨:૧૭-૧૯) બાઇબલની એકેય ભવિષ્યવાણીથી એવું જોવા નથી મળતું કે બીજી પ્રજાના ખ્રિસ્તીઓએ એ લહાવો મેળવવા સુન્નત કરાવવી જોઈએ અથવા યહૂદી બનવું જોઈએ.
૭, ૮. (ક) યાકૂબે બધા સામે શું કહ્યું? (ખ) યાકૂબે કહ્યું કે “હું એવા નિર્ણય પર આવ્યો છું” ત્યારે તેમના કહેવાનો શું અર્થ હતો?
૭ શાસ્ત્રના એ બધા પુરાવાઓ તેમજ પિતર, બાર્નાબાસ અને પાઉલની જોરદાર સાક્ષીને ધ્યાનમાં રાખીને યાકૂબે કહ્યું: “તેથી હું એવા નિર્ણય પર આવ્યો છું કે, ઈશ્વરની ભક્તિ કરવા ચાહતા બીજી પ્રજાના લોકો માટે આપણે મુશ્કેલી ઊભી ન કરીએ. પણ આપણે તેઓને લખીએ કે તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી અને લોહીથી દૂર રહે. જૂના જમાનાથી લઈને આજ સુધી મૂસાનાં લખાણોમાંથી શહેરેશહેર પ્રચાર કરવામાં આવે છે, કેમ કે દરેક સાબ્બાથે સભાસ્થાનોમાં એ મોટેથી વાંચવામાં આવે છે.”—પ્રે.કા. ૧૫:૧૯-૨૧.
૮ યાકૂબે કહ્યું કે “હું એવા નિર્ણય પર આવ્યો છું” ત્યારે તેમના કહેવાનો શું અર્થ હતો? શું તે સભાના સંચાલક તરીકે પોતાનો અધિકાર વાપરી રહ્યા હતા? શું તે બાકીના ભાઈઓ પર પોતાનો નિર્ણય થોપી રહ્યા હતા? જરાય નહિ! “હું એવા નિર્ણય પર આવ્યો છું” માટે જે ગ્રીક શબ્દો વપરાયા છે, એનો અર્થ આ પણ થઈ શકે છે: “હું એવું માનું છું” અથવા “મારા મંતવ્ય પ્રમાણે.” યાકૂબ બધા ભાઈઓ વતી કોઈ નિર્ણય લઈ રહ્યા ન હતા. પણ શાસ્ત્રની વાતો અને સાક્ષીઓના પુરાવા ધ્યાનમાં રાખીને કેવો નિર્ણય લેવો જોઈએ, એ વિશે એક પ્રસ્તાવ મૂકી રહ્યા હતા.
૯. યાકૂબના પ્રસ્તાવ પ્રમાણે કરવાથી કેવા ફાયદા થવાના હતા?
૯ શું યાકૂબનો પ્રસ્તાવ સારો હતો? હા, એ પ્રસ્તાવ પ્રમાણે કરવાથી અમુક ફાયદા થવાના હતા. જેમ કે, બીજી પ્રજાના ખ્રિસ્તીઓ માટે એ ‘મુશ્કેલી ઊભી કરવામાં નહિ આવે’ કે તેઓએ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જોઈએ. (પ્રે.કા. ૧૫:૧૯) બીજો ફાયદો, યહૂદી ખ્રિસ્તીઓની લાગણીઓ પણ નહિ દુભાય, જેઓ વર્ષોથી ‘મૂસાનાં લખાણો દરેક સાબ્બાથે સભાસ્થાનોમાં સાંભળતા હતા.’ b (પ્રે.કા. ૧૫:૨૧) એ નિર્ણયથી યહૂદી ખ્રિસ્તીઓ અને બીજી પ્રજાના ખ્રિસ્તીઓના સંબંધોમાં મીઠાશ આવશે. સૌથી મહત્ત્વનું તો એનાથી યહોવા ઘણા ખુશ થશે, કેમ કે એ નિર્ણય તેમની ઇચ્છા પ્રમાણે હતો. એ બધાં કારણોને લીધે પ્રેરિતો અને વડીલોએ યાકૂબના પ્રસ્તાવ પ્રમાણે કરવાનું નક્કી કર્યું. એક સમયે સુન્નતના મુદ્દાને લીધે મંડળની એકતા અને શાંતિ દાવ પર લાગેલી હતી, પણ ભાઈઓએ કેટલી સરસ રીતે એ મુદ્દાને હાથ ધર્યો! તેઓએ આજના ખ્રિસ્તી મંડળ માટે જોરદાર દાખલો બેસાડ્યો.
૧૦. પહેલી સદીની જેમ આજે નિયામક જૂથ શું કરે છે?
૧૦ ગયા પ્રકરણમાં જોઈ ગયા હતા કે પહેલી સદીની જેમ આજે યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિશ્વના માલિક યહોવા અને મંડળના શિર ઈસુ ખ્રિસ્ત પાસેથી માર્ગદર્શન લે છે. c (૧ કોરીં. ૧૧:૩) એ કઈ રીતે એવું કરે છે? એ વિશે ભાઈ આલ્બર્ટ ડી. શ્રોડરે સમજાવ્યું હતું. તે ૧૯૭૪માં નિયામક જૂથના સભ્ય બન્યા. તેમણે માર્ચ ૨૦૦૬માં પૃથ્વી પરનું પોતાના જીવન પૂરું કર્યું. તેમણે કહ્યું: “દર બુધવારે નિયામક જૂથના ભાઈઓની સભા ભરાય છે. તેઓ સૌથી પહેલા પ્રાર્થના કરે છે અને માર્ગદર્શન માટે યહોવાની પવિત્ર શક્તિ માંગે છે. નિયામક જૂથના ભાઈઓ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે જ્યારે કોઈ મુદ્દો હાથ ધરવામાં આવે કે કોઈ નિર્ણય લેવામાં આવે ત્યારે એ બાઇબલના આધારે હોય.” ભાઈ મિલ્ટન જી. હેન્સલે પણ એવું જ કંઈક કહ્યું હતું. માર્ચ ૨૦૦૩માં તેમણે પૃથ્વી પરનું પોતાનું જીવન પૂરું કર્યું. તે ઘણા લાંબા સમય સુધી નિયામક જૂથના સભ્ય હતા. વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ૧૦૧મા વર્ગના ગ્રેજ્યુએશન વખતે તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું: “શું પૃથ્વી પર એવું કોઈ સંગઠન છે જેનું નિયામક જૂથ મહત્ત્વના નિર્ણય લેતા પહેલાં ઈશ્વરના શબ્દ બાઇબલની સલાહ લે છે?” યહોવાના સાક્ષીઓ સિવાય એવું બીજું કોઈ સંગઠન નથી.
‘પસંદ કરેલા ભાઈઓને મોકલવામાં આવે’ (પ્રે.કા. ૧૫:૨૨-૨૯)
૧૧. નિયામક જૂથનો નિર્ણય કઈ રીતે બધાં મંડળોને જણાવવામાં આવ્યો?
૧૧ યરૂશાલેમમાં નિયામક જૂથે સુન્નતના મુદ્દા વિશે એક થઈને નિર્ણય લીધો. પણ હવે જરૂરી હતું કે એ નિર્ણય બધાં મંડળોને સાફ શબ્દોમાં અને પ્રેમથી જણાવવામાં આવે, જેથી ભાઈ-બહેનો એ નિર્ણયને રાજીખુશીથી સ્વીકારે અને તેઓ વચ્ચે એકતા જળવાઈ રહે. એ નિર્ણય કઈ રીતે જણાવવામાં આવ્યો? બાઇબલમાં જણાવ્યું છે: “પ્રેરિતો અને વડીલોએ આખા મંડળ સાથે ભેગા મળીને નક્કી કર્યું કે તેઓમાંથી પસંદ કરેલા ભાઈઓને પાઉલ અને બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવામાં આવે. તેઓએ બર્સબા નામે ઓળખાતા યહૂદાને અને સિલાસને મોકલ્યા, જેઓ ભાઈઓમાં આગેવાની લેતા હતા.” વધુમાં, એ ભાઈઓના હાથે એક પત્ર પણ મોકલવામાં આવ્યો, જેથી અંત્યોખ, સિરિયા અને કિલીકિયાનાં મંડળોમાં એ વાંચી સંભળાવવામાં આવે.—પ્રે.કા. ૧૫:૨૨-૨૬.
૧૨, ૧૩. (ક) યહૂદા અને સિલાસને મંડળોમાં મોકલવામાં આવ્યા એનાથી કયા ફાયદા થયા? (ખ) નિયામક જૂથના પત્રથી કયા ફાયદા થયા?
૧૨ યહૂદા અને સિલાસ નિયામક જૂથનો નિર્ણય જણાવવા યોગ્ય હતા, કેમ કે તેઓ “ભાઈઓમાં આગેવાની લેતા હતા.” જ્યારે એ ચાર ભાઈઓ મંડળોમાં ગયા ત્યારે ભાઈ-બહેનો શું સમજી ગયાં હશે? એ જ કે તેઓ ફક્ત સુન્નત વિશે ઊભા થયેલા સવાલોના જવાબ આપવા આવ્યા ન હતા, પણ એ વિશે નિયામક જૂથનું સ્પષ્ટ માર્ગદર્શન જણાવવા આવ્યા હતા. ‘પસંદ કરેલા ભાઈઓ’ એટલે કે યહૂદા અને સિલાસની હાજરીથી બીજી પ્રજાના ખ્રિસ્તીઓ અને યરૂશાલેમના યહૂદી ખ્રિસ્તીઓ વચ્ચેનો સંબંધ મજબૂત થયો હશે. સાચે જ, ભાઈઓને મોકલવાની એ ગોઠવણમાં નિયામક જૂથનો પ્રેમ અને ડહાપણ દેખાઈ આવે છે.
૧૩ નિયામક જૂથના પત્રથી કેવા ફાયદા થયા? બીજી પ્રજાના ખ્રિસ્તીઓને સુન્નત વિશે સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું. એ પણ જાણવા મળ્યું કે તેઓએ યહોવાની કૃપા અને આશીર્વાદ મેળવવા શું કરવું જોઈએ. પત્રનો મુખ્ય મુદ્દો હતો: “અમે પવિત્ર શક્તિની મદદથી આ નિર્ણય પર આવ્યા છીએ કે, તમારા પર આ જરૂરી વાતો સિવાય વધારે બોજો ન નાખીએ: મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી અને વ્યભિચારથી દૂર રહો. જો તમે સાવચેત થઈને આ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમારી સંભાળ રાખજો!”—પ્રે.કા. ૧૫:૨૮, ૨૯.
૧૪. યહોવાના લોકો વચ્ચે કેમ સાચી એકતા છે?
૧૪ આખી દુનિયામાં એક લાખથી વધારે મંડળો છે અને ૮૦ લાખ કરતાં વધારે યહોવાના સાક્ષીઓ છે. તેઓ એક જેવું શિક્ષણ મેળવે છે અને એક થઈને કામ કરે છે. પણ આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં લોકોમાં ફૂટ પડી છે, તેઓ વચ્ચે અશાંતિ છે. તો પછી કેમ યહોવાના સાક્ષીઓ વચ્ચે સાચી એકતા જોવા મળે છે? એનું સૌથી મોટું કારણ છે કે મંડળના શિર ઈસુ ખ્રિસ્ત “વિશ્વાસુ અને સમજુ ચાકર” એટલે કે નિયામક જૂથ દ્વારા આપણને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. (માથ. ૨૪:૪૫-૪૭) બીજું કારણ એ છે કે આખી દુનિયામાં બધાં ભાઈ-બહેનો ખુશી ખુશી નિયામક જૂથનું માર્ગદર્શન પાળે છે.
“તેઓને ઘણું ઉત્તેજન મળ્યું અને તેઓ ઘણા ખુશ થયા” (પ્રે.કા. ૧૫:૩૦-૩૫)
૧૫, ૧૬. નિયામક જૂથનું માર્ગદર્શન મેળવીને મંડળના ભાઈઓને કેવું લાગ્યું? નિયામક જૂથે જે નિર્ણય લીધો એનું કેમ સારું પરિણામ આવ્યું?
૧૫ પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં આગળ જણાવ્યું છે કે યરૂશાલેમથી ચાર ભાઈઓ અંત્યોખ પહોંચ્યા ત્યારે, “તેઓએ બધાને ભેગા કર્યા અને તેઓને એ પત્ર આપ્યો.” નિયામક જૂથ તરફથી માર્ગદર્શન મેળવીને ભાઈઓને કેવું લાગ્યું? “પત્ર વાંચીને તેઓને ઘણું ઉત્તેજન મળ્યું અને તેઓ ઘણા ખુશ થયા.” (પ્રે.કા. ૧૫:૩૦, ૩૧) વધુમાં, યહૂદા અને સિલાસે “ઘણાં પ્રવચનો આપીને ભાઈઓને ઉત્તેજન આપ્યું અને તેઓની હિંમત વધારી.” પાઉલ, બાર્નાબાસ અને બીજા ભાઈઓની જેમ યહૂદા અને સિલાસને પણ “પ્રબોધકો” કહેવામાં આવતા હતા. કેમ કે તેઓ લોકો આગળ ઈશ્વરની ઇચ્છા અને તેમના હેતુ જાહેર કરતા હતા.—પ્રે.કા. ૧૩:૧; ૧૫:૩૨; નિર્ગ. ૭:૧, ૨.
૧૬ નિયામક જૂથના નિર્ણય પર યહોવાનો આશીર્વાદ સાફ જોઈ શકાતો હતો. એ નિર્ણયનાં સારાં પરિણામ મળ્યાં, કેમ કે નિયામક જૂથે ઈશ્વરના શબ્દ પ્રમાણે અને પવિત્ર શક્તિની મદદથી યોગ્ય સમયે અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. તેમ જ, એક પ્રેમાળ ગોઠવણ દ્વારા મંડળોને એ નિર્ણય જણાવ્યો હતો.
૧૭. આજે સરકીટ નિરીક્ષકો પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસની જેમ શું કરે છે?
૧૭ પહેલી સદીની જેમ આજે યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ આખી દુનિયાનાં ભાઈ-બહેનોને યોગ્ય સમયે માર્ગદર્શન આપે છે. જ્યારે નિયામક જૂથના ભાઈઓ કોઈ નિર્ણય લે છે, ત્યારે બધાં મંડળોને સ્પષ્ટ શબ્દોમાં એ માર્ગદર્શન જણાવે છે. તેઓ કઈ રીતે એવું કરે છે? એક રીત છે સરકીટ નિરીક્ષકો દ્વારા. એ ભાઈઓ અલગ અલગ મંડળની મુલાકાત લે છે. તેઓ મંડળોને નિયામક જૂથનું માર્ગદર્શન જણાવે છે અને ઉત્તેજન આપે છે. તેઓ પાઉલ અને બાર્નાબાસની જેમ પ્રચારકામમાં ઘણો સમય વિતાવે છે. તેઓ ‘શીખવતા રહે છે અને બીજા ઘણા ભાઈઓ સાથે મળીને યહોવાના સંદેશાની ખુશખબર ફેલાવતા રહે છે.’ (પ્રે.કા. ૧૫:૩૫) યહૂદા અને સિલાસની જેમ તેઓ “ઘણાં પ્રવચનો આપીને ભાઈઓને” ઉત્તેજન આપે છે અને તેઓની હિંમત વધારે છે.
૧૮. ક્યારે મંડળને યહોવાનો આશીર્વાદ મળે છે?
૧૮ આજે દુનિયામાં લોકો વચ્ચે ભાગલા પડ્યા છે, પણ મંડળમાં ભાઈ-બહેનોને સંપ અને શાંતિ જાળવી રાખવા શું મદદ કરી શકે? યાદ કરો કે શિષ્ય યાકૂબે પછીથી લખ્યું હતું: ‘જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ સૌથી પહેલા તો શુદ્ધ, પછી શાંતિપ્રિય, વાજબી, આજ્ઞા પાળવા તૈયાર છે. જેઓ બીજાઓ સાથે સારા સંબંધો જાળવી રાખે છે, તેઓ શાંતિ ફેલાવે છે. પરિણામે, તેઓ નેક કામ કરે છે.’ (યાકૂ. ૩:૧૭, ૧૮) આપણે એ ખાતરીથી નથી કહી શકતા કે યાકૂબે એ શબ્દો લખ્યા ત્યારે તેમને યરૂશાલેમમાં થયેલી નિયામક જૂથની સભા યાદ આવી હશે કે નહિ. પણ પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૧૫થી આપણને એક વાતની ખાતરી તો મળે છે. એ છે કે જ્યારે મંડળમાં ભાઈ-બહેનો વચ્ચે એકતા હોય છે અને તેઓ આગેવાની લેતા ભાઈઓનું માર્ગદર્શન પાળે છે, ત્યારે જ મંડળને યહોવાનો આશીર્વાદ મળે છે.
૧૯, ૨૦. (ક) કઈ રીતે ખબર પડે છે કે અંત્યોખ મંડળમાં શાંતિ અને એકતા હતી? (ખ) હવે પાઉલ અને બાર્નાબાસ કયા કામ પર પૂરું ધ્યાન આપી શક્યા?
૧૯ નિયામક જૂથનો નિર્ણય સાંભળ્યા પછી, અંત્યોખ મંડળમાં ખરેખર શાંતિ અને એકતા હતી. ત્યાંનાં ભાઈ-બહેનોએ યરૂશાલેમથી આવેલા ભાઈઓ સાથે દલીલો ન કરી. એના બદલે યહૂદા અને સિલાસ તેઓની મુલાકાતે આવ્યા એ માટે કદર વ્યક્ત કરી. યહૂદા અને સિલાસ વિશે કલમમાં આગળ જણાવ્યું છે: “તેઓએ થોડો સમય ત્યાં પસાર કર્યો. પછી ભાઈઓએ તેઓને શાંતિથી વિદાય કર્યા અને તેઓ યરૂશાલેમ પાછા આવ્યા.” d (પ્રે.કા. ૧૫:૩૩) જ્યારે યહૂદા અને સિલાસે યરૂશાલેમના ભાઈઓને પોતાની મુસાફરીનો અહેવાલ આપ્યો હશે ત્યારે એ ભાઈઓને ઘણી ખુશી થઈ હશે. યહોવાની અપાર કૃપાથી બંને ભાઈઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શક્યા.
૨૦ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રોકાઈ ગયા. હવે તેઓ પ્રચારકામ પર પૂરું ધ્યાન આપી શક્યા અને એ કામમાં સારી રીતે આગેવાની લઈ શક્યા. આજે સરકીટ નિરીક્ષકો પણ મંડળોની મુલાકાત લેતી વખતે પ્રચારકામમાં આગેવાની લે છે. (પ્રે.કા. ૧૩:૨, ૩) પાઉલ અને બાર્નાબાસની જેમ સરકીટ નિરીક્ષકો પણ યહોવાના લોકો માટે એક આશીર્વાદ છે. યહોવાએ બીજી કઈ રીતે એ બંને જોશીલા ભાઈઓનો ઉપયોગ કર્યો અને તેઓને કેવા આશીર્વાદો આપ્યા? એ વિશે હવે પછીના પ્રકરણમાં જોઈશું.
a “ યાકૂબ—‘ઈસુના ભાઈ’” બૉક્સ જુઓ.
b યાકૂબે સમજી-વિચારીને મૂસાનાં લખાણોનો ઉલ્લેખ કર્યો. એવું આપણે કેમ કહીએ છીએ? કેમ કે એ લખાણોમાં મૂસાને આપેલા નિયમો તો હતા, પણ એની સાથે સાથે એવા અહેવાલો પણ હતા, જેનાથી ખ્યાલ આવે છે કે માણસો માટે યહોવાની ઇચ્છા શું છે. દાખલા તરીકે, ઉત્પત્તિનો અહેવાલ મૂસાના નિયમશાસ્ત્ર કરતાં વર્ષો જૂનો છે. પણ એ અહેવાલથી સાફ જોવા મળે છે કે લોહી, વ્યભિચાર અને મૂર્તિપૂજા વિશે ઈશ્વરના કયા સિદ્ધાંતો છે. (ઉત. ૯:૩, ૪; ૨૦:૨-૯; ૩૫:૨, ૪) એ સિદ્ધાંતો દરેકે પાળવા જોઈએ, પછી ભલે એ યહૂદી હોય કે બીજી પ્રજામાંથી હોય.
c “ નિયામક જૂથ કઈ રીતે કામ કરે છે?” બૉક્સ જુઓ.
d અમુક બાઇબલ ભાષાંતરોમાં કલમ ૩૪માં લખ્યું છે કે સિલાસે અંત્યોખમાં રહેવાનો નિર્ણય લીધો. (પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ. વી.) એવું લાગે છે કે પ્રેરિતોનાં કાર્યો પુસ્તક લખાયું એના થોડા સમય પછી એ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.