સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૮

“પૃથ્વીના છેડા સુધી”

“પૃથ્વીના છેડા સુધી”

પહેલી સદીમાં ઈસુના શિષ્યોએ જે કામ શરૂ કર્યું હતું, એ જ કામ આજે યહોવાના સાક્ષીઓ કરી રહ્યા છે

૧. શરૂઆતના ખ્રિસ્તીઓ અને યહોવાના સાક્ષીઓ વચ્ચે કઈ સમાનતા છે?

 શરૂઆતના ખ્રિસ્તીઓએ પૂરા ઉત્સાહથી ઈશ્વરના રાજ્ય વિશે સાક્ષી આપી. તેઓએ પૂરા દિલથી પવિત્ર શક્તિની મદદ સ્વીકારી અને તરત માર્ગદર્શન પાળ્યું. સતાવણીનો પવન ફૂંકાયો તોપણ તેઓ સાક્ષી આપતા રહ્યા. યહોવાએ પણ તેઓને ભરપૂર આશીર્વાદ આપ્યો. યહોવાના સાક્ષીઓના કિસ્સામાં પણ એ બધું સાચું છે.

૨, ૩. પ્રેરિતોનાં કાર્યો પુસ્તક કઈ રીતે બાઇબલનાં બીજાં પુસ્તકો કરતાં અલગ છે?

પહેલી સદીના ખ્રિસ્તીઓ વિશે તમે અત્યાર સુધી પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં જે વાંચ્યું છે, એનાથી ચોક્કસ તમારી શ્રદ્ધા મજબૂત થઈ હશે. ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું આ પુસ્તક એકદમ અજોડ છે. કેમ કે ફક્ત આ જ પુસ્તકમાં શરૂઆતના ખ્રિસ્તીઓનો ઇતિહાસ જણાવ્યો છે.

પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં ૯૫ લોકોનાં નામ જોવા મળે છે. તેઓ ૩૨ દેશો કે વિસ્તારો, ૫૪ શહેરો અને ૯ ટાપુઓના રહેવાસી હતા. આ પુસ્તકમાં અલગ અલગ લોકોનાં જીવનમાં બનેલા રોમાંચક પ્રસંગો નોંધેલા છે. એ લોકોમાં અમુક સાવ મામૂલી હતા તો અમુક ક્રૂર શાસકો, ધર્મઝનૂની લોકો અને ખ્રિસ્તીઓની સતાવણી કરનારા જુલમી લોકો હતા. પણ સૌથી મહત્ત્વનું તો આ પુસ્તક પહેલી સદીનાં આપણાં ભાઈ-બહેનોને ઓળખવા મદદ કરે છે. તેઓએ આપણા જેવી જ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, તોપણ તેઓ હિંમતથી ખુશખબર જણાવતાં રહ્યાં.

૪. આપણને કેમ એવું લાગે છે કે આપણે પહેલી સદીનાં ભાઈ-બહેનોને એકદમ નજીકથી ઓળખીએ છીએ?

પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં આપણે ઉત્સાહી પ્રેરિતો પિતર અને પાઉલ, વહાલા વૈદ લૂક, ઉદાર બાર્નાબાસ, હિંમતવાન સ્તેફન, દયાળુ ટબીથા અને મહેમાનગતિ બતાવનાર લૂદિયા વિશે જોઈ ગયા. એવાં તો બીજાં ઘણાં વફાદાર ભાઈ-બહેનો આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં જીવી ગયાં. આપણે એ ભાઈ-બહેનોને ક્યારેય નથી મળ્યાં. પણ એવું લાગે છે કે આપણે તેઓને એકદમ નજીકથી ઓળખીએ છીએ. શા માટે? કેમ કે તેઓને એ જ સોંપણી મળી હતી, જે આપણને મળી છે. એ છે પ્રચારકામ. (માથ. ૨૮:૧૯, ૨૦) સાચે જ, આ કામ કરવાનો આપણી પાસે એક અનેરો લહાવો છે.

“પૃથ્વીના છેડા સુધી.”—પ્રેરિતોનાં કાર્યો ૧:૮

૫. ઈસુના શરૂઆતના શિષ્યોએ ક્યાં ક્યાં પ્રચાર કર્યો?

ઈસુએ પોતાના શિષ્યોને આપેલી સોંપણીનો જરા વિચાર કરો. તેમણે કહ્યું હતું: “પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે. તમે યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.” (પ્રે.કા. ૧:૮) પવિત્ર શક્તિથી બળ મેળવીને શિષ્યોએ સૌથી પહેલાં “યરૂશાલેમમાં” સાક્ષી આપી. (પ્રે.કા. ૧:૧–૮:૩) પછી પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે તેઓએ “આખા યહૂદિયા અને સમરૂનમાં” સાક્ષી આપી. (પ્રે.કા. ૮:૪–૧૩:૩) એ પછી તેઓએ “પૃથ્વીના છેડા સુધી” ખુશખબર ફેલાવવાનું શરૂ કર્યું.—પ્રે.કા. ૧૩:૪–૨૮:૩૧.

૬, ૭. પ્રચારકામમાં મદદ કરે એવું આપણી પાસે શું છે, જે પહેલી સદીનાં ભાઈ-બહેનો પાસે ન હતું?

પહેલી સદીનાં ભાઈ-બહેનો પાસે આખું બાઇબલ ન હતું. અરે, જે લોકો વધારે જાણવા માંગતા હતા, તેઓને આપવા કોઈ સાહિત્ય પણ ન હતું. ધ્યાન આપો કે માથ્થીનું પુસ્તક આશરે સાલ ૪૧માં લખવાનું પૂરું થયું. પછી પ્રેરિતોનાં કાર્યો પુસ્તક આશરે સાલ ૬૧માં લખવાનું પૂરું થયું. એ પહેલાં પાઉલે ફક્ત અમુક જ પત્રો લખ્યા હતા. ઘણા યહૂદીઓ ઈસુના શિષ્યો બન્યા એ પહેલાં નિયમિત સભાસ્થાનમાં જતા, જ્યાં હિબ્રૂ શાસ્ત્રવચનો મોટેથી વાંચી સંભળાવવામાં આવતાં. (૨ કોરીં. ૩:૧૪-૧૬) એ શિષ્યોમાંના ઘણા લોકો પાસે હિબ્રૂ શાસ્ત્રવચનોની કોઈ પ્રત ન હતી. એટલે પ્રચારમાં તેઓ ફક્ત એ જ શાસ્ત્રવચનો ટાંકી શકતા હતા જે તેઓએ મોઢે કર્યાં હોય.

જોકે આજે આપણામાંથી મોટા ભાગના લોકો પાસે પોતાનું બાઇબલ છે અને અઢળક સાહિત્ય છે. આપણે ૨૪૦ દેશોમાં અને ઘણી ભાષાઓમાં ખુશખબર જણાવવાનું અને શિષ્યો બનાવવાનું કામ કરીએ છીએ.

પવિત્ર શક્તિની જોરદાર મદદ

૮, ૯. (ક) ઈસુના શિષ્યો પવિત્ર શક્તિની મદદથી શું કરી શક્યા? (ખ) વિશ્વાસુ ચાકર પવિત્ર શક્તિની મદદથી શું કરે છે?

ઈસુએ પોતાના શિષ્યોને સાક્ષી આપવાનું કામ સોંપ્યું ત્યારે તેમણે કહ્યું હતું: “પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે.” એનો અર્થ થાય કે ઈસુના શિષ્યોએ આખી દુનિયામાં તેમના વિશે સાક્ષી આપવા પવિત્ર શક્તિ પર આધાર રાખવાનો હતો. તેઓએ એવું જ કર્યું. પિતર અને પાઉલે પવિત્ર શક્તિની મદદથી લોકોને સાજા કર્યા. તેઓમાંથી દુષ્ટ દૂતો કાઢ્યા. અરે, ગુજરી ગયેલાઓને પણ જીવતા કર્યા. એટલું જ નહિ, પવિત્ર શક્તિની મદદથી જ પ્રેરિતો અને બીજા શિષ્યો એક વધારે મહત્ત્વનું કામ કરી શક્યા. એ કામ હતું લોકોને સાચું જ્ઞાન આપવું, જેથી તેઓ હંમેશ માટેનું જીવન મેળવી શકે.—યોહા. ૧૭:૩.

સાલ ૩૩ના પચાસમા દિવસે ઈસુના શિષ્યો ‘પવિત્ર શક્તિની મદદથી અલગ અલગ ભાષાઓમાં બોલવા લાગ્યા.’ એ કારણે તેઓ “ઈશ્વરનાં મહિમાવંત કાર્યો” વિશે સાક્ષી આપી શક્યા. (પ્રે.કા. ૨:૧-૪, ૧૧) ખરું કે આજે આપણને અલગ અલગ ભાષાઓમાં બોલવાનું વરદાન નથી મળતું. પણ પવિત્ર શક્તિની મદદથી જ વિશ્વાસુ ચાકર અલગ અલગ ભાષાઓમાં સાહિત્ય બહાર પાડે છે. દાખલા તરીકે, દર મહિને ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનની લાખો પ્રત છાપવામાં આવે છે. આપણી વેબસાઇટ jw.org પર ૧,૦૦૦થી પણ વધારે ભાષાઓમાં સાહિત્ય અને વીડિયો છે. એની મદદથી આપણે દરેક દેશ, કુળ અને બોલીના લોકોને “ઈશ્વરનાં મહિમાવંત કાર્યો” વિશે જણાવી શકીએ છીએ.—પ્રકટી. ૭:૯.

૧૦. વર્ષ ૧૯૮૯થી વિશ્વાસુ ચાકરે શાના પર ખાસ ધ્યાન આપ્યું છે?

૧૦ વર્ષ ૧૯૮૯થી વિશ્વાસુ ચાકરે પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલનું ઘણી ભાષાઓમાં ભાષાંતર કરવા પર ખાસ ધ્યાન આપ્યું છે. અત્યાર સુધી ૨૦૦ કરતાં વધારે ભાષાઓમાં એ બાઇબલનું ભાષાંતર કરવામાં આવ્યું છે. એની કરોડો પ્રતો છાપવામાં આવી છે. આગળ પણ બીજી ઘણી ભાષાઓમાં એ છાપવામાં આવશે. એ કામ ઈશ્વર અને તેમની પવિત્ર શક્તિની મદદથી જ થાય છે.

૧૧. ભાષાંતરનું કામ કેટલા મોટા પાયે થઈ રહ્યું છે?

૧૧ આજે ભાષાંતરનું કામ ૧૫૦થી વધારે દેશોમાં થઈ રહ્યું છે અને હજારો સ્વયંસેવકો એ કામ ખુશી ખુશી કરી રહ્યા છે. એ બધું જોઈને આપણને નવાઈ લાગતી નથી. કેમ કે આખી પૃથ્વી પર ફક્ત આ જ એક સંગઠન છે, જે પવિત્ર શક્તિના માર્ગદર્શનથી યહોવા, તેમના રાજ્ય અને ઈસુ વિશે “પૂરેપૂરી સાક્ષી” આપી રહ્યું છે.—પ્રે.કા. ૨૮:૨૩.

૧૨. પાઉલ અને બીજા શિષ્યો કેવી રીતે સાક્ષી આપવાનું કામ કરી શક્યા?

૧૨ જ્યારે પાઉલે પિસીદિયાના અંત્યોખમાં યહૂદીઓ અને બીજી પ્રજાના લોકોને સાક્ષી આપી, ત્યારે “જેઓનું દિલ સારું હતું તેઓએ શ્રદ્ધા મૂકી, જેથી હંમેશ માટેનું જીવન મેળવી શકે.” (પ્રે.કા. ૧૩:૪૮) પ્રેરિતોનાં કાર્યો પુસ્તકના અંતે લૂકે લખ્યું કે પાઉલ ‘કોઈ રોકટોક વગર અને હિંમતથી ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતા રહ્યા.’ (પ્રે.કા. ૨૮:૩૧) પાઉલ ક્યાં સાક્ષી આપી રહ્યા હતા? એ સમયની મહાસત્તાની રાજધાની, રોમમાં. પાઉલ અને બીજા શિષ્યોએ લોકોને પ્રવચન આપવા અને અલગ અલગ રીતોએ સાક્ષી આપવા ખૂબ મહેનત કરી. તેઓ એ કામ પવિત્ર શક્તિની મદદ અને માર્ગદર્શનથી જ કરી શક્યા.

સતાવણી છતાં અડગ

૧૩. આપણી સતાવણી થાય ત્યારે કેમ પ્રાર્થના કરવી જોઈએ?

૧૩ જ્યારે ઈસુના શરૂઆતના શિષ્યોની સતાવણી થઈ, ત્યારે તેઓએ યહોવાને હિંમત માટે કાલાવાલા કર્યા. એનું શું પરિણામ આવ્યું? તેઓ પવિત્ર શક્તિથી ભરપૂર થયા અને હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવવા લાગ્યા. (પ્રે.કા. ૪:૧૮-૩૧) આજે આપણે પણ યહોવા પાસે બુદ્ધિ અને શક્તિ માંગીએ છીએ, જેથી સતાવણીમાં પણ પ્રચાર કરતા રહી શકીએ. (યાકૂ. ૧:૨-૮) યહોવા આપણને પવિત્ર શક્તિ દ્વારા મદદ કરે છે, એટલે જ આપણે પ્રચારકામ કરતા રહી શકીએ છીએ. અરે, સખત વિરોધ, અત્યાચાર કે બીજું કંઈ પણ આપણને રોકી શકતું નથી. સતાવણીમાં પણ ખુશખબર જણાવતા રહેવા પવિત્ર શક્તિ, બુદ્ધિ અને હિંમત માટે યહોવાને પ્રાર્થના કરવી ખૂબ જરૂરી છે.—લૂક ૧૧:૧૩.

૧૪, ૧૫. (ક) “સ્તેફન સાથે જે બન્યું હતું એનાથી ઊભી થયેલી સતાવણીને કારણે” શું થયું? (ખ) આજના સમયમાં કઈ રીતે સાઇબિરિયાના ઘણા લોકોને બાઇબલનું સાચું શિક્ષણ મળ્યું?

૧૪ સ્તેફન પોતાના દુશ્મનોના હાથે મરણ પામ્યા એ પહેલાં તેમણે હિંમતથી સાક્ષી આપી. (પ્રે.કા. ૬:૫; ૭:૫૪-૬૦) તેમના મરણ પછી ખ્રિસ્તીઓની “ભારે સતાવણી” થવા લાગી. એટલે પ્રેરિતો સિવાય બાકીના બધા શિષ્યો યહૂદિયા અને સમરૂનના વિસ્તારોમાં વિખેરાઈ ગયા. જોકે એનાથી કંઈ સાક્ષી આપવાનું કામ અટક્યું નહિ. ફિલિપે સમરૂનમાં “ખ્રિસ્ત વિશે પ્રચાર” કર્યો અને એનાં જોરદાર પરિણામ મળ્યાં. (પ્રે.કા. ૮:૧-૮, ૧૪, ૧૫, ૨૫) વધુમાં બાઇબલમાં લખ્યું છે: “સ્તેફન સાથે જે બન્યું હતું, એનાથી ઊભી થયેલી સતાવણીને કારણે શિષ્યો વિખેરાઈ ગયા હતા. તેઓ છેક ફિનીકિયા, સૈપ્રસ અને અંત્યોખ સુધી ફેલાઈ ગયા હતા. પણ તેઓએ ફક્ત યહૂદીઓને જ સંદેશો જણાવ્યો હતો. જોકે, તેઓમાંથી સૈપ્રસ અને કુરેનીના અમુક શિષ્યો અંત્યોખ ગયા અને ગ્રીક બોલતા લોકોને માલિક ઈસુ વિશેની ખુશખબર જાહેર કરવા લાગ્યા.” (પ્રે.કા. ૧૧:૧૯, ૨૦) ખરું જોતા, સતાવણીને લીધે ખુશખબર દૂર દૂરના વિસ્તારોમાં ફેલાવા લાગી.

૧૫ આજે આપણા સમયમાં પણ એવું જ કંઈક થયું છે. ૧૯૫૦ના દાયકામાં સોવિયેત સંઘમાં રહેતાં હજારો ભાઈ-બહેનોને સાઇબિરિયાના અલગ અલગ વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યાં. પણ એનાં સારાં પરિણામ મળ્યાં. સાક્ષીઓને જ્યાં પણ મોકલવામાં આવ્યા ત્યાં તેઓએ ખુશખબર જણાવી. આમ સાઇબિરિયાના મોટા ભાગના વિસ્તારો સુધી ખુશખબર પહોંચી. જો સરકારે સાક્ષીઓને સાઇબિરિયા મોકલ્યા ન હોત, તો તેઓ પોતે ત્યાં જઈ શક્યા ન હોત. કેમ કે તેઓ પાસે એટલા પૈસા ન હતા કે તેઓ ૧૦,૦૦૦ કિલોમીટરની લાંબી મુસાફરી કરીને ત્યાં પ્રચાર કરવા જાય. એક ભાઈએ કહ્યું: “સરકારી અધિકારીઓને લીધે સાઇબિરિયાના હજારો નમ્ર લોકો સત્ય શીખી શક્યા.”

યહોવાએ આપ્યો ભરપૂર આશીર્વાદ

૧૬, ૧૭. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકથી કઈ રીતે ખબર પડે છે કે સાક્ષી આપવાના કામ પર યહોવાનો આશીર્વાદ હતો?

૧૬ એમાં કોઈ શંકા નથી કે યહોવાએ શરૂઆતના ખ્રિસ્તીઓની મહેનત પર આશીર્વાદ આપ્યો. પાઉલ અને બીજાં ભાઈ-બહેનોએ બી રોપ્યું અને પાણી પાયું, ‘પણ ઈશ્વરે એને વૃદ્ધિ આપી.’ (૧ કોરીં. ૩:૫, ૬) પ્રેરિતોનાં કાર્યો પુસ્તકથી સાફ ખબર પડે છે કે યહોવાના આશીર્વાદથી જ વધારે ને વધારે લોકો સાચું શિક્ષણ મેળવી શક્યા. દાખલા તરીકે, એક અહેવાલમાં જણાવ્યું છે: “ઈશ્વરનો સંદેશો ફેલાતો ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધતી ગઈ.” (પ્રે.કા. ૬:૭) પછી બીજા વિસ્તારોમાં ખુશખબર ફેલાતી ગઈ તેમ, “આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના મંડળ માટે શાંતિનો સમયગાળો શરૂ થયો અને મંડળ દૃઢ થતું ગયું. આખું મંડળ યહોવાનો ડર રાખતું અને પવિત્ર શક્તિથી મળતો દિલાસો મેળવતું રહ્યું અને મંડળમાં વધારો થતો ગયો.”—પ્રે.કા. ૯:૩૧.

૧૭ સિરિયાના અંત્યોખમાં જ્યારે ભાઈ-બહેનોએ હિંમતથી સાક્ષી આપી, ત્યારે યહૂદીઓ અને ગ્રીક લોકોને ખુશખબર સાંભળવાની તક મળી. એનું શું પરિણામ આવ્યું? કલમમાં જણાવ્યું છે: “યહોવાનો હાથ તેઓ પર હતો અને ઘણી મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધા બતાવીને માલિક ઈસુ તરફ ફર્યા.” (પ્રે.કા. ૧૧:૨૧) પ્રચારકામમાં થયેલા વધારા વિશે બીજી એક કલમમાં જણાવ્યું છે: “યહોવાનો સંદેશો ફેલાતો ગયો અને ઘણા લોકો શ્રદ્ધા મૂકવા લાગ્યા.” (પ્રે.કા. ૧૨:૨૪) વધુમાં પાઉલ અને બીજા શિષ્યો બીજી પ્રજાના લોકોને ઉત્સાહથી સાક્ષી આપવા લાગ્યા ત્યારે, “યહોવાનો સંદેશો જોરદાર રીતે ફેલાતો ગયો અને એનો પ્રભાવ વધતો ને વધતો ગયો.”—પ્રે.કા. ૧૯:૨૦.

૧૮, ૧૯. (ક) કેમ કહી શકીએ કે “યહોવાનો હાથ” આપણા પર છે? (ખ) દાખલો આપીને સમજાવો કે યહોવા કઈ રીતે પોતાના ભક્તોની પડખે રહે છે.

૧૮ આજે આપણે પણ પૂરી ખાતરી રાખી શકીએ છીએ કે “યહોવાનો હાથ” આપણા પર છે. એટલે ઘણા લોકો યહોવા વિશે શીખી રહ્યા છે અને સમર્પણ કરીને બાપ્તિસ્મા લઈ રહ્યા છે. એટલું જ નહિ, યહોવાની મદદથી જ આપણે વિરોધ કે સતાવણીનો સામનો કરી શકીએ છીએ. તેમની મદદથી જ આપણે પાઉલ અને પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ પ્રચાર કરતા રહી શકીએ છીએ. (પ્રે.કા. ૧૪:૧૯-૨૧) હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણી દરેક મુશ્કેલીમાં આપણી પડખે રહે છે. તેમના ‘હાથ કાયમ આપણને ઊંચકી રાખે છે.’ (પુન. ૩૩:૨૭) આપણે એ પણ યાદ રાખીએ કે યહોવા પોતાના મહાન નામને લીધે ક્યારેય પોતાના લોકોને તરછોડી નહિ દે.—૧ શમુ. ૧૨:૨૨; ગીત. ૯૪:૧૪.

૧૯ ભાઈ હેરલ્ડ આપ્ટના આ અનુભવ પર ધ્યાન આપો. બીજા વિશ્વયુદ્ધ વખતે પણ તે પ્રચાર કરતા રહ્યા. એટલે નાઝીઓએ તેમને સક્સેનહુસેન જુલમી છાવણીમાં મોકલી દીધા. પછી મે, ૧૯૪૨માં જર્મનીની પોલીસ હેરલ્ડભાઈના ઘરે ગઈ અને તેમની પત્ની એલ્સાની ધરપકડ કરી. તેઓ તેમની નાની દીકરીને પણ લઈ ગયા. એ પછી એલ્સાબહેનને ઘણી અલગ અલગ છાવણીઓમાં મોકલવામાં આવ્યાં. બહેન જણાવે છે, ‘જર્મનીની જુલમી છાવણીમાં વિતાવેલાં વર્ષોએ મને એક મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો છે. જ્યારે તમે આકરી કસોટીમાં હો, ત્યારે યહોવાની પવિત્ર શક્તિ તમને અદ્‍ભુત રીતે દૃઢ કરે છે. મને પોલીસ પકડી ગઈ એ પહેલાં મેં એક બહેનનો પત્ર વાંચ્યો હતો. એ બહેને લખ્યું હતું કે આકરી કસોટીઓમાં યહોવાની પવિત્ર શક્તિથી તેમના મનને શાંતિ મળી હતી. એ વખતે મને સમજાયું નહિ. મને લાગ્યું કે બહેન વાત વધારીને કહે છે. પણ મારા પર તકલીફો આવી ત્યારે મેં અનુભવ્યું કે બહેને જે કહ્યું હતું, એ એકદમ સાચું હતું. યહોવાની શક્તિથી મારા મનને પણ શાંતિ મળી. જો તમે અનુભવ્યું ન હોય તો એ વિશે વિચારવું થોડું અઘરું લાગે. પણ ખરેખર યહોવા મદદ કરે છે.’

પૂરેપૂરી સાક્ષી આપતા રહીએ

૨૦. પાઉલ નજરકેદ હતા ત્યારે તેમણે શું કર્યું? તેમની પાસેથી અમુક ભાઈ-બહેનોને કયું ઉત્તેજન મળે છે?

૨૦ પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં છેલ્લે જણાવ્યું છે કે પાઉલ પૂરા ઉત્સાહથી ‘ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતા રહ્યા.’ (પ્રે.કા. ૨૮:૩૧) તે રોમના એક ઘરમાં નજરકેદ હતા, એટલે તે ઘરે ઘરે જઈને પ્રચાર કરી શકતા ન હતા. પણ જે લોકો તેમને મળવા આવતા તેઓને તે સાક્ષી આપતા હતા. આજે અમુક વહાલાં ભાઈ-બહેનો પણ એક રીતે ઘરમાં કેદ છે. અમુક વધારે હરી-ફરી શકતાં નથી, તો અમુક પથારીવશ છે. બીજાં અમુકે ઢળતી ઉંમર, ખરાબ તબિયત અથવા શરીરમાં તકલીફને લીધે સારસંભાળ રખાતી હોય એવી જગ્યાએ રહેવું પડે છે. આવા સંજોગો હોવા છતાં યહોવા માટે તેઓનો પ્રેમ અને પ્રચાર માટે તેઓનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. આપણે યહોવાને પ્રાર્થના કરી શકીએ કે એ ભાઈ-બહેનોને એવા લોકો મળે, જેઓ ખરેખર યહોવા અને તેમના હેતુ વિશે જાણવા માંગે છે.

૨૧. આપણે કેમ સાક્ષી આપવાના કામમાં જરાય ઢીલ ન કરવી જોઈએ?

૨૧ આપણામાંથી મોટા ભાગના લોકોની તબિયત સારી છે. આપણે ઘરે ઘરે જઈને અને બીજી રીતોએ પ્રચાર કરી શકીએ છીએ. એટલે આપણે “પૃથ્વીના છેડા સુધી” ઈશ્વરના રાજ્યને જાહેર કરવા બનતું બધું કરવું જોઈએ. આ કામમાં આપણે જરાય ઢીલ ન કરવી જોઈએ, કેમ કે આપણે છેલ્લા દિવસોની “નિશાની” સ્પષ્ટ જોઈ શકીએ છીએ. (માથ. ૨૪:૩-૧૪) આપણે જરાય સમય બગાડવો ન જોઈએ. હમણાં આપણી પાસે “ઈશ્વરની સેવામાં પુષ્કળ કામ છે.”—૧ કોરીં. ૧૫:૫૮.

૨૨. યહોવાનો દિવસ આવે ત્યાં સુધી આપણે કયો દૃઢ નિર્ણય કરવો જોઈએ?

૨૨ આપણે “યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે” એની રાહ જોઈએ છીએ. એ દિવસ આવે ત્યાં સુધી દૃઢ નિર્ણય કરીએ કે આપણે હિંમતથી સાક્ષી આપતા રહીશું. (યોએ. ૨:૩૧) આપણા વિસ્તારમાં હજી પણ એવા ઘણા લોકો છે, જેઓ બેરીઆના લોકોની જેમ ‘ઘણી આતુરતાથી સંદેશો સ્વીકારશે.’ (પ્રે.કા. ૧૭:૧૦, ૧૧) એટલે જ્યાં સુધી યહોવા આવું ન કહે, “શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર” ત્યાં સુધી આપણે લોકોને સાક્ષી આપતા રહીએ. (માથ. ૨૫:૨૩) ચાલો, આપણે મન લગાડીને શિષ્યો બનાવવાનું કામ કરીએ અને યહોવાને વફાદાર રહીએ. જો આજે એમ કરીશું, તો યુગોના યુગો સુધી આપણાં દિલમાં એ વાતની ખુશી રહેશે કે આપણે ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપી હતી.