પ્રકરણ ૨૩
“મારા બચાવમાં હું જે કહું એ સાંભળો”
પાઉલ ગુસ્સે ભરાયેલા ટોળા અને ન્યાયસભા આગળ હિંમતથી પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
પ્રેરિતોનાં કાર્યો ૨૧:૧૮–૨૩:૧૦ના આધારે
૧, ૨. પ્રેરિત પાઉલ યરૂશાલેમ કેમ આવે છે? તે ત્યાં કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે?
પાઉલ ફરી એક વાર યરૂશાલેમમાં છે. તે સાંકડી ગલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યાં ઘણી ભીડભાડ છે. આ શહેરની વાત જ કંઈક અલગ છે, કેમ કે સદીઓથી આ શહેર યહોવાની ભક્તિ માટે મહત્ત્વનું રહ્યું છે. અહીંના મોટા ભાગના લોકો એ ઇતિહાસ યાદ કરીને પોતાના શહેર પર ઘમંડ કરે છે. પાઉલ જાણે છે કે ઘણા યહૂદી ખ્રિસ્તીઓને પણ એવું જ લાગે છે. તેઓ માટે એ સ્વીકારવું અઘરું છે કે મૂસાનું નિયમશાસ્ત્ર રદ થયું છે અને યહોવાએ ભક્તિ માટે નવી ગોઠવણ કરી છે. એટલે એફેસસથી યરૂશાલેમ આવવાના પાઉલ પાસે બે મહત્ત્વનાં કારણો છે. પહેલું, તે દાનના પૈસા ભાઈ-બહેનો સુધી પહોંચાડવા માંગે છે અને બીજું તે અહીંનાં ભાઈ-બહેનોના વિચારો સુધારવા માંગે છે. (પ્રે.કા. ૧૯:૨૧) પાઉલ જાણે છે કે યરૂશાલેમમાં તેમનો જીવ જોખમમાં હશે, તોપણ તે ભાઈ-બહેનોની મદદ કરવા આવે છે.
૨ યરૂશાલેમમાં પાઉલ કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે? એક મુશ્કેલી તો મંડળની અંદર જ ઊભી થાય છે. અમુક ભાઈઓએ પાઉલ વિશે અફવાઓ સાંભળી હતી અને એને સાચી માની લીધી હતી. જોકે પાઉલ માટે એનાથી પણ મોટી મોટી મુશ્કેલી ખ્રિસ્તના દુશ્મનો ઊભી કરે છે. તેઓ તેમના પર ખોટા આરોપ મૂકે છે, તેમને માર મારે છે અને મારી નાખવાની ધમકી આપે છે. એવા અઘરા સંજોગોમાં પણ પાઉલને પોતાની શ્રદ્ધા વિશે બોલવાની તક મળે છે. તે નમ્રતા, હિંમત અને શ્રદ્ધા બતાવે છે. તેમની પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ.
“તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો” (પ્રે.કા. ૨૧:૧૮-૨૦ક)
૩-૫. (ક) યરૂશાલેમમાં પાઉલ કોને મળવા ગયા? તેમણે તેઓને શું જણાવ્યું? (ખ) પાઉલ વડીલોને મળ્યા એ બનાવમાંથી શું શીખી શકીએ?
૩ પાઉલ અને તેમના સાથીઓ યરૂશાલેમ પહોંચ્યા. પછી બીજા દિવસે તેઓ મંડળના વડીલોને મળવા ગયા. એક સભા રાખવામાં આવી અને એમાં પાઉલની સાથે ‘બધા વડીલો હાજર હતા.’ (પ્રે.કા. ૨૧:૧૮) એ અહેવાલમાં ક્યાંય પ્રેરિતોનો ઉલ્લેખ નથી. કદાચ બધા પ્રેરિતો દુનિયામાં અલગ અલગ જગ્યાએ સેવા આપતા હતા. પણ ઈસુના ભાઈ યાકૂબ યરૂશાલેમમાં જ હતા. (ગલા. ૨:૯) એવું લાગે છે કે તે જ સભાના સંચાલક હતા.
૪ પાઉલે એ વડીલોને સલામ કહી ‘અને પોતાના સેવાકાર્ય દ્વારા ઈશ્વરે બીજી પ્રજામાં જે બધાં કામ કરાવ્યાં હતાં, એ વિશે તે વિગતવાર જણાવવા લાગ્યા.’ (પ્રે.કા. ૨૧:૧૯) પાઉલની વાતો સાંભળીને એ ભાઈઓને ચોક્કસ ઘણી ખુશી થઈ હશે. આજે બીજા દેશોમાં થઈ રહેલા પ્રચારકામના સારા અનુભવો સાંભળીએ છીએ ત્યારે, આપણી પણ ખુશીનો પાર રહેતો નથી.—નીતિ. ૨૫:૨૫.
૫ પાઉલે એ વડીલોને ચોક્કસ જણાવ્યું હશે કે તે યુરોપથી દાન લઈને આવ્યા છે. ત્યાંનાં ભાઈ-બહેનોએ આટલે દૂરથી મદદ મોકલી હતી, એ બતાવતું હતું કે તેઓને યરૂશાલેમનાં ભાઈ-બહેનોની ખૂબ ચિંતા છે. એ વાત વડીલોનાં દિલને સ્પર્શી ગઈ હશે. એટલે “તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.” (પ્રે.કા. ૨૧:૨૦ક) પાઉલ વડીલોને મળ્યા એ બનાવમાંથી શું શીખી શકીએ? આજે પણ ઘણાં ભાઈ-બહેનો આફતનો ભોગ બને છે અથવા તેઓને કોઈ મોટી બીમારી થાય છે. એવા સમયે બીજાં ભાઈ-બહેનો એ દુઃખી ભાઈ-બહેનોની મદદે આવે છે, તેઓ સુધી જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડે છે અને પોતાની વાતોથી ઉત્તેજન આપે છે. ભાઈ-બહેનોનો આવો પ્રેમ જોઈને તેઓનું દિલ કદરથી ઊભરાઈ જાય છે.
ઘણા હજી “ચુસ્ત રીતે નિયમશાસ્ત્ર પાળે છે” (પ્રે.કા. ૨૧:૨૦ખ, ૨૧)
૬. શિષ્યોએ પાઉલ વિશે કઈ અફવાઓ સાંભળી હતી?
૬ હવે વડીલોએ પાઉલને જણાવ્યું કે યહૂદિયામાં શિષ્યોએ તેમના વિશે અમુક અફવાઓ સાંભળી છે. તેઓએ કહ્યું: “જો ભાઈ, યહૂદીઓમાંથી હજારો લોકો શિષ્યો બન્યા છે અને તેઓ બધા ચુસ્ત રીતે નિયમશાસ્ત્ર પાળે છે. પણ તેઓએ તારા વિશે અફવાઓ સાંભળી છે કે તું બીજી પ્રજાઓમાં રહેતા બધા યહૂદીઓને મૂસાના નિયમો ત્યજી દેવાનું શીખવે છે. એટલું જ નહિ, તું તેઓને જણાવે છે કે તેઓ પોતાનાં બાળકોની સુન્નત ન કરાવે અને રીતરિવાજો ન પાળે.” a—પ્રે.કા. ૨૧:૨૦ખ, ૨૧.
૭, ૮. (ક) હજી પણ ઘણા યહૂદી ખ્રિસ્તીઓને શું લાગતું હતું? (ખ) શું એનો એવો અર્થ હતો કે તેઓ યહોવાને વફાદાર ન હતા? સમજાવો.
૭ મૂસાનું નિયમશાસ્ત્ર રદ થયું એને ૨૦થી પણ વધારે વર્ષો થઈ ગયાં હતાં. તોપણ કેમ અમુક ખ્રિસ્તીઓ હજી પણ ચુસ્ત રીતે નિયમશાસ્ત્ર પાળતા હતા? (કોલો. ૨:૧૪) સાલ ૪૯માં પ્રેરિતો અને વડીલોએ યરૂશાલેમમાં એક ખાસ સભા રાખી હતી. પછી તેઓએ બધાં મંડળોને એક પત્ર પણ મોકલ્યો હતો. પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે બીજી પ્રજામાંથી ખ્રિસ્તી બનેલા લોકોએ સુન્નત કરાવવાની અને મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાની જરૂર નથી. (પ્રે.કા. ૧૫:૨૩-૨૯) જોકે એ પત્રમાં યહૂદી ખ્રિસ્તીઓ વિશે કંઈ જણાવ્યું ન હતું. એટલે હવે મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જરૂરી નથી, એ વાત તેઓ સ્પષ્ટ રીતે સમજ્યા ન હતા.
૮ એ યહૂદી ખ્રિસ્તીઓના વિચારો ખોટા હતા, પણ શું એનો એવો અર્થ હતો કે તેઓ યહોવાને વફાદાર ન હતા? ના એવું ન હતું. તેઓ અગાઉ જૂઠાં દેવી-દેવતાઓને ભજતા ન હતા કે ખોટા રીતરિવાજોમાં માનતા ન હતા. તેઓ હમણાં પણ એવું કરી રહ્યા ન હતા. તેઓ તો બસ એ નિયમો પાળી રહ્યા હતા, જે યહોવાએ અગાઉ આપ્યા હતા. એ નિયમો કંઈ ખોટા ન હતા અને એનો દુષ્ટ દૂતો સાથે પણ કોઈ સંબંધ ન હતો. પણ એ નિયમો જૂના કરાર પ્રમાણે હતા અને હવે નવો કરાર અમલમાં આવ્યો હતો. એનો અર્થ થાય કે ખ્રિસ્તીઓએ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે નહિ, પણ યહોવાએ કરેલી નવી ગોઠવણ પ્રમાણે તેમની ભક્તિ કરવાની હતી. ઘણા યહૂદી ખ્રિસ્તીઓ એ વાત પૂરી રીતે સમજ્યા ન હતા. એટલે તેઓએ પોતાના વિચારો સુધારવાની જરૂર હતી. b—યર્મિ. ૩૧:૩૧-૩૪; લૂક ૨૨:૨૦.
“અફવાઓ ખોટી છે” (પ્રે.કા. ૨૧:૨૨-૨૬)
૯. પાઉલે મૂસાના નિયમશાસ્ત્ર વિશે શું શીખવ્યું?
૯ શું પાઉલ વિશેની અફવાઓ સાચી હતી? શું પાઉલ સાચે જ બીજી પ્રજાઓ વચ્ચે રહેતા યહૂદીઓને એવું શીખવતા હતા કે ‘તેઓએ પોતાનાં બાળકોની સુન્નત ન કરાવવી જોઈએ અને રીતરિવાજો ન પાળવા જોઈએ’? પાઉલને બીજી પ્રજાઓ માટે પ્રેરિત પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે હંમેશાં એવું જ શીખવ્યું હતું કે નિયામક જૂથના નિર્ણય પ્રમાણે બીજી પ્રજાના લોકોએ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જરૂરી નથી. એટલું જ નહિ, જેઓ બીજી પ્રજાના ખ્રિસ્તીઓને મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું અને સુન્નત કરાવવાનું દબાણ કરતા હતા, તેઓને તેમણે ખોટા સાબિત કર્યા હતા. (ગલા. ૫:૧-૭) પાઉલ જે શહેરોમાં ગયા ત્યાં તેમણે યહૂદીઓને પણ પ્રચાર કર્યો હતો. જે યહૂદીઓ નમ્ર હતા, તેઓને તેમણે ચોક્કસ સમજાવ્યું હશે કે ઈસુના મરણથી મૂસાનું નિયમશાસ્ત્ર રદ થયું છે. તેમ જ ઈશ્વરની નજરે ન્યાયી સાબિત થવા નિયમશાસ્ત્ર પાળવું જરૂરી નથી.—રોમ. ૨:૨૮, ૨૯; ૩:૨૧-૨૬.
૧૦. પાઉલે કઈ રીતે બતાવ્યું કે તે બીજાઓની લાગણીને માન આપતા હતા?
૧૦ જોકે, અમુક ખ્રિસ્તીઓને હજી પણ એવું લાગતું હતું કે તેઓએ કેટલીક બાબતોમાં મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જોઈએ. જેમ કે, સાબ્બાથના નિયમ વિશે અથવા અમુક ખાવા-પીવાની ચીજવસ્તુઓથી દૂર રહેવા વિશે. પાઉલે તેઓને એમ કરતા રોક્યા નહિ. તેમણે તેઓની લાગણીને માન આપ્યું. (રોમ. ૧૪:૧-૬) વધુમાં, સુન્નત કરાવવી કે નહિ એ વિશે પણ તેમણે નિયમો ન બનાવ્યા. અરે, તેમણે પોતે તિમોથીને કહ્યું હતું કે તે સુન્નત કરાવે, જેથી યહૂદીઓ ઠોકર ન ખાય. કેમ કે અમુક યહૂદીઓને ખબર હતી કે તિમોથીના પિતા ગ્રીક છે. (પ્રે.કા. ૧૬:૩) સુન્નત કરાવવી કે નહિ એનો નિર્ણય દરેક વ્યક્તિએ પોતે લેવાનો હતો. પાઉલે ગલાતિયા પ્રાંતનાં ભાઈ-બહેનોને લખ્યું: “કોઈ માણસે સુન્નત કરાવી હોય કે ન હોય, એનું કોઈ મહત્ત્વ રહેતું નથી, પણ પ્રેમને લીધે બતાવેલી શ્રદ્ધા મહત્ત્વની છે.” (ગલા. ૫:૬) પણ જો કોઈ એવું કહે કે નિયમશાસ્ત્રને આધીન થવા અથવા યહોવાની કૃપા મેળવવા સુન્નત કરાવવી જ જોઈએ, તો એ એકદમ ખોટું હતું. એનાથી દેખાઈ આવતું હતું કે તેનામાં શ્રદ્ધાની ખામી છે.
૧૧. વડીલોએ પાઉલને કયું માર્ગદર્શન આપ્યું? એવું કરતી વખતે પાઉલે કઈ વાતનું ધ્યાન રાખ્યું હશે? (ફૂટનોટ પણ જુઓ.)
૧૧ ખરું કે પાઉલ વિશેની અફવાઓ સાવ ખોટી હતી, તોપણ એને સાંભળીને અમુક યહૂદી ખ્રિસ્તીઓ મૂંઝવણમાં મુકાયા હતા. એટલે યરૂશાલેમના વડીલોએ પાઉલને માર્ગદર્શન આપ્યું: “અમારી સાથે એવા ચાર માણસો છે, જેઓએ માનતા લીધી છે. એ માણસોને તારી સાથે લઈ જા અને તેઓ સાથે તું પણ નિયમ પ્રમાણે પોતાને શુદ્ધ કર. તું તેઓનો ખર્ચો ઉઠાવજે, જેથી તેઓ પોતાનું માથું મૂંડાવે. પછી બધા લોકોને ખબર પડશે કે તું નિયમશાસ્ત્ર પાળે છે અને એ પ્રમાણે ચાલે છે. તેઓને ખ્યાલ આવશે કે તારા વિશે સાંભળેલી અફવાઓ ખોટી છે.” c—પ્રે.કા. ૨૧:૨૩, ૨૪.
૧૨. પાઉલે કઈ રીતે બતાવ્યું કે તે માર્ગદર્શન પાળવા તૈયાર હતા?
૧૨ જો પાઉલે ચાહ્યું હોત તો વડીલોની વાત માનવાની ના પાડી દીધી હોત. તે એવું કહી શક્યા હોત કે આ મુશ્કેલીની જડ અફવાઓ નહિ પણ યહૂદી ખ્રિસ્તીઓ છે, જેઓ નિયમશાસ્ત્રને ચુસ્ત રીતે પાળવા માંગતા હતા. પણ પાઉલ જક્કી ન હતા. તે જાણતા હતા કે વડીલોએ તેમને જે કરવાનું કહ્યું છે, એ ઈશ્વરના સિદ્ધાંતો વિરુદ્ધ નથી. થોડા સમય પહેલાં તેમણે લખ્યું હતું: “હું પોતે નિયમશાસ્ત્રને આધીન નથી, તોપણ નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન રહેનારા જેવો બન્યો, જેથી હું તેઓને જીતી શકું.” (૧ કોરીં. ૯:૨૦) એટલે પાઉલ નમવા તૈયાર હતા અને તેમણે વડીલોની વાત માની. આમ તે “નિયમશાસ્ત્રને આધીન” થયા. પાઉલે આપણા માટે કેટલો જોરદાર દાખલો બેસાડ્યો! આપણે પણ પોતાના મનનું કરવાને બદલે વડીલોને પૂરો સાથ-સહકાર આપીએ, તેઓનું કહેવું માનીએ.—હિબ્રૂ. ૧૩:૧૭.
“આ માણસ જીવવાને લાયક નથી” (પ્રે.કા. ૨૧:૨૭–૨૨:૩૦)
૧૩. (ક) અમુક યહૂદીઓએ કેમ મંદિરમાં ધમાલ મચાવી? (ખ) પાઉલને કઈ રીતે બચાવવામાં આવ્યા?
૧૩ પાઉલ એ ચાર માણસો સાથે મંદિરમાં ગયા. માનતાના દિવસો પૂરા થવા આવ્યા હતા. એવામાં આસિયાથી આવેલા યહૂદીઓની નજર પાઉલ પર પડી. તેઓ પાઉલને મારી નાખવા માંગતા હતા. એટલે તેઓએ મંદિરમાં ધમાલ મચાવી. તેઓએ પાઉલ પર આરોપ મૂક્યો કે તેમણે બીજી પ્રજાના લોકોને મંદિરમાં લાવીને એને અશુદ્ધ કર્યું છે. તેઓએ ટોળાને ભડકાવ્યું. બધા એકસાથે પાઉલ પર તૂટી પડ્યા. જો એ સમયે રોમન સેનાપતિ આવ્યો ન હોત, તો લોકોએ પાઉલને મારી નાખ્યા હોત. પછી એ સેનાપતિએ પાઉલની ધરપકડ કરી. દુઃખની વાત છે કે હવે પાઉલને આઝાદ થતા ચાર કરતાં વધારે વર્ષ લાગશે. જોકે, ધરપકડ પછી પણ પાઉલ કંઈ સલામત ન હતા. સેનાપતિએ ટોળાને પૂછ્યું કે તેઓ કેમ પાઉલને મારી રહ્યા હતા. જવાબમાં ટોળું બૂમો પાડવા લાગ્યું. કોઈ એક વાત કહેતું, તો કોઈ બીજી વાત. આ બધી ગરબડને લીધે સેનાપતિને કંઈ સમજાયું નહિ. લોકો બહુ ઝનૂની બની ગયા હતા, એટલે સૈનિકો પાઉલને ઊંચકીને ત્યાંથી દૂર લઈ ગયા. જ્યારે તેઓ સૈનિકોના રહેઠાણ નજીક પહોંચ્યા, ત્યારે પાઉલે સેનાપતિને કહ્યું: “હું તમને અરજ કરું છું કે મને લોકો આગળ બોલવા દો.” (પ્રે.કા. ૨૧:૩૯) સેનાપતિએ એમ કરવાની મંજૂરી આપી. પછી પાઉલ ડર્યા વગર પોતાની શ્રદ્ધા વિશે જણાવવા લાગ્યા.
૧૪, ૧૫. (ક) પાઉલે યહૂદીઓને શું જણાવ્યું? (ખ) યહૂદીઓ પાઉલ પર ગુસ્સે ભરાયા હતા એનું કારણ જાણવા સેનાપતિએ શું કર્યું?
૧૪ પાઉલે આ રીતે પોતાની વાત શરૂ કરી: “મારા બચાવમાં હું જે કહું એ સાંભળો.” (પ્રે.કા. ૨૨:૧) તેમણે હિબ્રૂમાં વાત કરી, એટલે ટોળું શાંત પડ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે તે કેમ ખ્રિસ્તના શિષ્ય બન્યા. તેમણે એવી અમુક વાતો જણાવી, જેને યહૂદીઓ પોતે ચકાસી શકતા હતા. પાઉલે જણાવ્યું કે તે એક જાણીતા શિક્ષક ગમાલિયેલના ચરણે ભણ્યા હતા અને અગાઉ તે ખ્રિસ્તના શિષ્યોની સતાવણી કરતા હતા. ટોળામાંથી અમુક લોકોને કદાચ એ વાતની ખબર હતી. પછી પાઉલે દમસ્કના રસ્તે બનેલી ઘટના વિશે જણાવ્યું. એકવાર તે પોતાના સાથીઓ જોડે દમસ્ક જઈ રહ્યા હતા. મરણમાંથી જીવતા થયેલા ઈસુએ પાઉલને માર્ગમાં દર્શન આપ્યું અને તેમની સાથે વાત કરી. પાઉલના સાથીઓને પણ પ્રકાશ દેખાયો અને કંઈક અવાજ સંભળાયો. જોકે તેઓ સમજી ન શક્યા કે શું કહેવામાં આવી રહ્યું હતું. (પ્રે.કા. ૯:૭; ૨૨:૯) દર્શનને લીધે પાઉલ આંધળા થઈ ગયા. એટલે તેમના સાથીઓ તેમનો હાથ પકડીને તેમને દમસ્ક લઈ ગયા. દમસ્કમાં અનાન્યા નામના એક ઈશ્વરભક્ત રહેતા હતા, જેમને દમસ્કના યહૂદીઓ ઓળખતા હતા. તેમણે ચમત્કાર કરીને પાઉલને પાછા દેખતા કર્યા.
૧૫ પાઉલે આગળ જણાવ્યું કે તે યરૂશાલેમ પાછા આવ્યા ત્યારે, ઈસુએ તેમને મંદિરમાં એક દર્શન આપ્યું. યહૂદીઓએ જેવી એ વાત સાંભળી કે તેઓનું લોહી ઊકળી ઊઠ્યું. તેઓ જોરજોરથી બૂમો પાડવા લાગ્યા: “આ માણસ જીવવાને લાયક નથી, તેને મારી નાખો!” (પ્રે.કા. ૨૨:૨૨) સેનાપતિએ તરત પોતાના માણસોને કહ્યું કે પાઉલને સૈનિકોના રહેઠાણની અંદર લઈ જાય, નહિ તો લોકો તેમને મારી નાખશે. સેનાપતિ જાણવા માંગતો હતો કે યહૂદીઓ કેમ પાઉલ પર આટલા ગુસ્સે ભરાયા હતા. એટલે તેણે હુકમ આપ્યો કે પાઉલને કોરડા મારવામાં આવે અને તેમની પૂછપરછ કરવામાં આવે. પણ પાઉલે જણાવ્યું કે તે એક રોમન નાગરિક છે. આમ, પાઉલે કાયદા પ્રમાણે મળેલા હકનો ઉપયોગ કર્યો અને પોતાનું રક્ષણ કર્યું. આજે પણ યહોવાના સાક્ષીઓ પોતાની માન્યતાનું રક્ષણ કરવા દેશના કાયદાનો સહારો લે છે. (“ રોમન કાયદા પ્રમાણે મળતી નાગરિકતા” બૉક્સ અને “ આજના સમયના મુકદ્દમા” બૉક્સ જુઓ.) જ્યારે સેનાપતિને ખબર પડી કે પાઉલ રોમન નાગરિક છે, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે માહિતી કઢાવવા બીજી કોઈ રીત અજમાવવી પડશે. તેણે બીજા દિવસે પાઉલને યહૂદીઓની ઉચ્ચ અદાલત એટલે કે ન્યાયસભા આગળ રજૂ કર્યા, જેથી તેમના મુકદ્દમાની સુનાવણી થઈ શકે.
“હું ફરોશી છું” (પ્રે.કા. ૨૩:૧-૧૦)
૧૬, ૧૭. (ક) પાઉલે ન્યાયસભા આગળ બોલવાનું શરૂ કર્યું ત્યારે શું થયું? (ખ) પાઉલે કઈ રીતે નમ્રતા બતાવવામાં સારો દાખલો બેસાડ્યો?
૧૬ પાઉલે ન્યાયસભા આગળ પોતાના બચાવમાં બોલવાનું શરૂ કર્યું: “ભાઈઓ, આજ સુધી હું ઈશ્વર આગળ એકદમ સાફ દિલ રાખીને જીવ્યો છું.” (પ્રે.કા. ૨૩:૧) તે આગળ કંઈ કહે એ પહેલાં તો ‘પ્રમુખ યાજક અનાન્યાએ પાઉલની નજીક ઊભેલા લોકોને હુકમ કર્યો કે તેમને તમાચો મારે.’ (પ્રે.કા. ૨૩:૨) પાઉલનું કેટલું મોટું અપમાન! પ્રમુખ યાજકના મનમાં પાઉલ માટે કેટલું ઝેર ભરેલું હતું, એ સાફ દેખાઈ આવ્યું. તેણે પાઉલની આખી વાત સાંભળ્યા પહેલાં જ તેમને દોષિત જાહેર કરી દીધા. એટલે આપણને પાઉલના આ જવાબથી નવાઈ નથી લાગતી: “ઓ ઢોંગી, ઈશ્વર તને મારશે. તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠો છે, પણ મને મારવાનો હુકમ કરીને તું જ નિયમશાસ્ત્રનો ભંગ કરે છે. શું એ બરાબર છે?”—પ્રે.કા. ૨૩:૩.
૧૭ અમુક લોકોની આંખો પહોળી થઈ ગઈ. પાઉલને તમાચો મારવામાં આવ્યો એટલે નહિ, પણ તેમણે જે કહ્યું એના લીધે લોકો ચોંકી ગયા. તેઓએ પાઉલને પૂછ્યું: “શું તું ઈશ્વરના પ્રમુખ યાજકનું અપમાન કરે છે?” પાઉલે કહ્યું: “ભાઈઓ, હું જાણતો ન હતો કે તે પ્રમુખ યાજક છે. કેમ કે લખેલું છે, ‘તમારા અધિકારી વિરુદ્ધ તમારે ખરાબ બોલવું નહિ.’” d (પ્રે.કા. ૨૩:૪, ૫; નિર્ગ. ૨૨:૨૮) આમ પાઉલે નમ્રતા બતાવવામાં અને નિયમશાસ્ત્રનો આદર કરવામાં સારો દાખલો બેસાડ્યો. પછી પાઉલે ન્યાયાધીશો સાથે વાત કરવા બીજી એક રીત અપનાવી. તે જાણતા હતા કે ન્યાયસભામાં ફરોશીઓ અને સાદુકીઓ હતા. એટલે તેમણે કહ્યું: “ભાઈઓ, હું ફરોશી છું, ફરોશીઓનો દીકરો છું. ગુજરી ગયેલા જીવતા થશે એવી આશાને લીધે મારા પર મુકદ્દમો ચલાવવામાં આવી રહ્યો છે.”—પ્રે.કા. ૨૩:૬.
૧૮. પાઉલે કેમ એવું કહ્યું કે તે એક ફરોશી છે? આપણે કઈ રીતે પ્રચારમાં પાઉલ જેવું કરી શકીએ?
૧૮ પાઉલે કેમ પોતાને ફરોશી કહ્યા? તેમનું કુટુંબ ફરોશી પંથનું હતું અને આ રીતે તે ‘ફરોશીઓના દીકરા’ હતા. એટલે ઘણા લોકો તેમને હજી પણ ફરોશી ગણતા હતા. e પણ ગુજરી ગયેલાઓ વિશે ફરોશીઓની માન્યતા ખોટી હતી. તેઓ માનતા હતા કે વ્યક્તિના મરણ પછી તેના શરીરનો નાશ થઈ જાય છે, પણ આત્માનો નાશ થતો નથી. તેઓ એવું પણ માનતા હતા કે જો નેક વ્યક્તિ ગુજરી જાય, તો તેનો આત્મા નીકળીને બીજા કોઈ મનુષ્યમાં જીવતો રહે છે. પાઉલ એવા ખોટા શિક્ષણમાં જરાય માનતા ન હતા. તે તો ગુજરી ગયેલાઓ વિશે ઈસુએ જે શીખવ્યું હતું એમાં માનતા હતા. (યોહા. ૫:૨૫-૨૯) તોપણ પાઉલ ફરોશીઓ સાથે સહમત થયા, જેઓ માનતા હતા કે મરણ જ વ્યક્તિનો અંત નથી, સાદુકીઓ તો એવું પણ માનતા ન હતા. આપણે પ્રચારમાં પાઉલની આ રીત વાપરી શકીએ. જ્યારે આપણે બીજા ધર્મના લોકો સાથે વાત કરીએ, ત્યારે તેઓને જણાવી શકીએ કે આપણે પણ તેઓની જેમ એક ભગવાનમાં માનીએ છીએ. એ સાચું છે કે તેઓ પોતાનાં દેવી-દેવતાઓમાં માને છે, જ્યારે કે આપણે બાઇબલમાં જણાવેલા ભગવાનમાં માનીએ છીએ. પણ આપણે તેઓની આ વાત સાથે તો સહમત છીએ જ કે એક ભગવાન છે.
૧૯. ન્યાયસભામાં કેમ ફૂટ પડી?
૧૯ પાઉલે જે કહ્યું એનાથી ન્યાયસભામાં ફૂટ પડી. કલમમાં જણાવ્યું છે કે ત્યાં “ઘણી ધમાલ મચી ગઈ અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊભા થયા અને ગુસ્સે ભરાઈને દલીલ કરવા લાગ્યા: ‘અમને આ માણસમાં કોઈ વાંક-ગુનો જોવા મળતો નથી. પણ જો ઈશ્વરની શક્તિએ કે દૂતે તેની સાથે વાત કરી હોય, તો . . . ’” (પ્રે.કા. ૨૩:૯) એ સાંભળીને સાદુકીઓ તરત ભડકી ઊઠ્યા. કેમ કે તેઓ માનતા ન હતા કે દૂતો જેવું કંઈ છે. (“ સાદુકીઓ અને ફરોશીઓ” બૉક્સ જુઓ.) ઝઘડો એટલો વધી ગયો કે રોમન સેનાપતિએ પાઉલને બચાવવા આવવું પડ્યું. (પ્રે.કા. ૨૩:૧૦) જોકે હજી પણ પાઉલના માથે ખતરો ઝઝૂમતો હતો. હવે પાઉલ સાથે શું થશે? એ વિશે આપણે આવતા પ્રકરણમાં જોઈશું.
a એ સમયે યહૂદી ખ્રિસ્તીઓની સંખ્યા ઘણી વધારે હતી. એટલે કદાચ ઘણાં મંડળો સભાઓ માટે ભાઈ-બહેનોનાં ઘરે ભેગાં મળતાં હતાં.
b થોડાં વર્ષો પછી પાઉલે હિબ્રૂઓને એક પત્ર લખ્યો. એ પત્રમાં તેમણે સમજાવ્યું કે નવો કરાર કઈ રીતે જૂના કરાર કરતાં ચઢિયાતો છે. તેમણે જોરદાર કારણો આપીને સાબિત કર્યું કે નવો કરાર અમલમાં આવવાથી જૂનો કરાર રદ થયો છે. એ કારણોની મદદથી યહૂદી ખ્રિસ્તીઓ વિરોધ કરનારા યહૂદીઓનું મોં બંધ કરી શકતા હતા. વધુમાં, જે ખ્રિસ્તીઓ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવા પર ભાર મૂકતા હતા, તેઓનો ભરોસો વધ્યો હશે કે જૂનો કરાર રદ થઈ ગયો છે.—હિબ્રૂ. ૮:૭-૧૩.
c વિદ્વાનોનું કહેવું છે કે એ માણસોએ નાઝીરીવ્રત લીધું હતું. (ગણ. ૬:૧-૨૧) ખરું કે એ વ્રત લેવાની ગોઠવણ મૂસાના નિયમશાસ્ત્રમાં હતી, જે હવે રદ થઈ ગયું હતું. પણ કદાચ પાઉલે વિચાર્યું હશે કે એ માણસોએ યહોવા આગળ માનતા લીધી છે, એટલે એ પૂરી કરવામાં કંઈ ખોટું નથી. એ કારણે પાઉલને લાગ્યું હશે કે તેઓનો ખર્ચો ઉઠાવવામાં અને તેઓ સાથે મંદિરે જવામાં કોઈ વાંધો નથી. આપણે જાણતા નથી કે એ માણસોએ કેવી માનતા લીધી હતી, પણ ઘણી વાર નાઝીરીઓ પોતાનાં પાપ ધોવાઈ જાય એ માટે બલિદાનો ચઢાવતા હતા. આપણે એટલું તો કહી શકીએ કે પાઉલે એવાં બલિદાનો ચઢાવવામાં ભાગ લીધો નહિ હોય. ઈસુએ પોતાનું ખામી વગરનું બલિદાન આપી દીધું હતું અને હવે પાપોની માફી માટે પ્રાણીઓનાં બલિદાનની જરૂર ન હતી. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે પાઉલે એવું કંઈ કર્યું નહિ હોય જેનાથી તેમનું દિલ ડંખે.
d અમુક લોકોનું કહેવું છે કે પાઉલની આંખો નબળી હતી, એટલે તે પ્રમુખ યાજકને ઓળખી શક્યા નહિ. અથવા કદાચ પાઉલ ઘણા સમય પછી યરૂશાલેમ આવ્યા હતા, એટલે તે એ સમયના પ્રમુખ યાજકને જાણતા ન હતા. એવું પણ બની શકે કે પાઉલને ટોળાને લીધે દેખાયું નહિ હોય કે તેમને મારવાનો હુકમ કોણે આપ્યો હતો.
e સાલ ૪૯માં પ્રેરિતો અને વડીલો આ મુદ્દા પર ચર્ચા કરવા ભેગા મળ્યા હતા કે બીજી પ્રજાના લોકોએ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જોઈએ કે નહિ. ત્યાં હાજર કેટલાક શિષ્યો ખ્રિસ્તી બન્યા પછી પણ ફરોશી તરીકે ઓળખાતા હતા, કેમ કે અગાઉ તેઓ ફરોશી પંથના હતા.—પ્રે.કા. ૧૫:૫.