પ્રકરણ ૨૫
“હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!”
ખુશખબરના પક્ષમાં બોલીને પાઉલે જોરદાર દાખલો બેસાડ્યો
પ્રેરિતોનાં કાર્યો ૨૫:૧–૨૬:૩૨ના આધારે
૧, ૨. (ક) પાઉલ ક્યાં છે અને તેમની સાથે શું થઈ રહ્યું છે? (ખ) પાઉલે સમ્રાટ પાસે જવાનો નિર્ણય લીધો એ વિશે આપણને કયો સવાલ થઈ શકે?
પાઉલ હજી કાઈસારીઆમાં છે અને સખત પહેરા નીચે છે. બે વર્ષ પહેલાં તે પ્રચારકાર્યની મુસાફરી પૂરી કરીને યહૂદિયા આવ્યા હતા. થોડા દિવસોમાં જ યહૂદીઓએ તેમને મારી નાખવાની ઓછામાં ઓછી ત્રણ વાર કોશિશ કરી હતી. (પ્રે.કા. ૨૧:૨૭-૩૬; ૨૩:૧૦, ૧૨-૧૫, ૨૭) એ દુશ્મનો એકેય વાર સફળ થતા નથી. તોપણ તેઓ પાઉલનો પીછો છોડતા નથી. જ્યારે પાઉલને લાગે છે કે તેમને દુશ્મનોના હાથમાં સોંપી દેવામાં આવશે, ત્યારે તે રોમન રાજ્યપાલ ફેસ્તુસને કહે છે: “હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!”—પ્રે.કા. ૨૫:૧૧.
૨ જોકે આપણને આ સવાલ થઈ શકે: પાઉલે સમ્રાટ પાસે જવાનો નિર્ણય લીધો, એમાં શું યહોવા તેમની સાથે હતા? એ સવાલનો જવાબ જાણવો આપણા માટે ખૂબ જરૂરી છે. કેમ કે આપણે આ છેલ્લા દિવસોમાં ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપીએ છીએ. પાઉલે “ખુશખબરનું રક્ષણ કરવા અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવા” જે કર્યું, એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ.—ફિલિ. ૧:૭.
‘હું ન્યાયાસન આગળ ઊભો છું’ (પ્રે.કા. ૨૫:૧-૧૨)
૩, ૪. (ક) યહૂદીઓએ કેમ એવી વિનંતી કરી કે પાઉલને યરૂશાલેમ લાવવામાં આવે? પાઉલનો જીવ કઈ રીતે બચી ગયો? (ખ) યહોવાએ પાઉલની સંભાળ રાખી તેમ, તે કઈ રીતે આપણી સંભાળ રાખે છે?
૩ ફેસ્તુસ યહૂદિયાનો નવો રાજ્યપાલ બન્યો, એના ત્રણ દિવસ પછી તે યરૂશાલેમ ગયો. a મુખ્ય યાજકો અને યહૂદીઓના મુખ્ય માણસો તેને મળવા ગયા. તેઓએ પાઉલ પર ગંભીર આરોપ મૂક્યા. વિરોધીઓ જાણતા હતા કે આ નવો રાજ્યપાલ કોઈ પણ કિંમતે યહૂદીઓને ખુશ રાખવા માંગે છે. એટલે તેઓએ ફેસ્તુસને અરજ કરી કે પાઉલને યરૂશાલેમ લાવવામાં આવે અને તેમના પર મુકદ્દમો ચલાવવામાં આવે. જોકે એની પાછળ વિરોધીઓની દાનત ખોટી હતી. તેઓએ કાઈસારીઆથી યરૂશાલેમ જતા રસ્તે પાઉલને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. પણ ફેસ્તુસે તેઓની અરજ સ્વીકારી નહિ. તેણે કહ્યું: “તમારા આગેવાનો મારી સાથે [કાઈસારીઆ] આવે અને જો એ માણસે કંઈ ખોટું કર્યું હોય, તો તેના પર આરોપ મૂકે.” (પ્રે.કા. ૨૫:૫) આમ ફરી એક વાર પાઉલનો જીવ બચી ગયો.
૪ યહોવાએ ઈસુ દ્વારા પાઉલની દરેક કસોટીમાં સંભાળ રાખી. દાખલા તરીકે, ઈસુએ એક દર્શનમાં પાઉલને કહ્યું હતું: “હિંમત રાખ!” (પ્રે.કા. ૨૩:૧૧) આજે આપણે પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. વિરોધીઓ આપણને ધાકધમકી આપે છે. યહોવા આપણને કંઈ બધી કસોટીઓમાંથી બચાવતા નથી, પણ એનો હિંમતથી સામનો કરવા બુદ્ધિ અને તાકાત આપે છે. આપણે હંમેશાં ખાતરી રાખી શકીએ કે આપણા પ્રેમાળ ઈશ્વર એવી તાકાત આપશે, જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.”—૨ કોરીં. ૪:૭.
૫. ફેસ્તુસ પાઉલ સાથે કઈ રીતે વર્ત્યો?
૫ અમુક દિવસો પછી ફેસ્તુસ કાઈસારીઆમાં “ન્યાયાસન પર બેઠો.” b તેની સામે પાઉલ અને યરૂશાલેમથી આવેલા યહૂદીઓ ઊભા હતા. એ યહૂદીઓએ પાઉલ પર ગંભીર આરોપ મૂક્યા. પાઉલે પોતાના બચાવમાં કહ્યું: “મેં યહૂદીઓના નિયમશાસ્ત્ર વિરુદ્ધ કે મંદિર વિરુદ્ધ કે સમ્રાટ વિરુદ્ધ કોઈ પાપ કર્યું નથી.” એક વાત તો સાફ છે કે પાઉલ નિર્દોષ હતા અને તેમને કેદમાં રાખવાનું કોઈ કારણ ન હતું. પણ ફેસ્તુસે શું કર્યું? તેણે યહૂદીઓને ખુશ કરવા પાઉલને પૂછ્યું: “શું તું યરૂશાલેમ જઈને ત્યાં મારી હાજરીમાં આનો ન્યાય મેળવવા ચાહે છે?” (પ્રે.કા. ૨૫:૬-૯) કેવી અક્કલ વગરની વાત! જો પાઉલને ફરીથી યરૂશાલેમ લઈ જવામાં આવ્યા હોત, તો દુશ્મનો તેમના ન્યાયાધીશો બની બેઠા હોત. તેઓએ નક્કી પાઉલને મોતને ઘાટ ઉતાર્યા હોત. એ સવાલ પૂછીને ફેસ્તુસે બતાવી આપ્યું કે તેના માટે સાચો ન્યાય કરવાને બદલે લોકોને ખુશ કરવા વધારે મહત્ત્વનું છે. થોડાં વર્ષો પહેલાં બીજા એક રાજ્યપાલ, પોંતિયુસ પિલાતે પણ ઈસુ સાથે એવું જ કર્યું હતું. (યોહા. ૧૯:૧૨-૧૬) આજે પણ અમુક ન્યાયાધીશો લોકોને ખુશ કરવા કદાચ ન્યાય ઊંધો વાળે. એટલે સાચી હકીકત સામે હોવા છતાં અદાલતો આપણી વિરુદ્ધ ચુકાદો આપે ત્યારે આપણને નવાઈ લાગવી ન જોઈએ.
૬, ૭. પાઉલે કેમ સમ્રાટ પાસે ન્યાય માંગ્યો? તેમણે જે કર્યું એમાંથી આપણે શું શીખી શકીએ?
૬ યહૂદીઓને ખુશ કરવા ફેસ્તુસ પાઉલનું જીવન જોખમમાં મૂકી રહ્યો હતો. એટલે પાઉલે રોમન નાગરિકને મળતા હકનો ઉપયોગ કર્યો. તેમણે ફેસ્તુસને કહ્યું: “હું સમ્રાટના ન્યાયાસન આગળ ઊભો છું, જ્યાં મારો ન્યાય થવો જોઈએ. તમે પણ સારી રીતે જાણો છો કે મેં યહૂદીઓનું કંઈ બગાડ્યું નથી. . . . હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!” સામાન્ય રીતે એક વ્યક્તિ સમ્રાટ પાસે ન્યાય માંગે તો તે પોતાના શબ્દો પાછા લઈ શકતી ન હતી. એટલે ફેસ્તુસે ચોખવટ કરી: “તેં સમ્રાટ પાસે ન્યાય માંગ્યો છે, એટલે તું સમ્રાટ પાસે જઈશ.” (પ્રે.કા. ૨૫:૧૦-૧૨) પાઉલે એ સમયના સૌથી મોટા અધિકારી, સમ્રાટ પાસે ન્યાય માંગ્યો હતો. એમ કરીને તેમણે આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. આજે આપણા વિરોધીઓ પણ “કાયદાની આડમાં મુશ્કેલીઓ” ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. (ગીત. ૯૪:૨૦) એવા સમયે આપણે કાયદાનો સહારો લઈને ખુશખબર જણાવવાના આપણા અધિકારનું રક્ષણ કરીએ છીએ. c
૭ આખરે પાઉલને રોમ જઈને પોતાની વાત રજૂ કરવાની તક મળી. પણ એ પહેલાં આશરે બે વર્ષ તેમણે કેદમાં કાઢવા પડ્યા અને એ પણ કોઈ ગુના વગર. જોકે તે રોમ જાય એ પહેલાં બીજો એક અધિકારી તેમને મળવા માંગતો હતો.
‘મેં આજ્ઞા માની’ (પ્રે.કા. ૨૫:૧૩–૨૬:૨૩)
૮, ૯. અગ્રીપા રાજા કેમ કાઈસારીઆ આવ્યો હતો?
૮ અમુક દિવસો પછી અગ્રીપા રાજા અને તેની બહેન બરનિકા કાઈસારીઆ આવ્યાં. d તેઓ ફેસ્તુસને મળ્યાં અને નવા રાજ્યપાલ બનવાની ખુશીમાં તેને ‘શુભેચ્છા પાઠવી.’ એ જમાનામાં એવું કરવાનો રિવાજ હતો. અગ્રીપા ફેસ્તુસ સાથે દોસ્તી કરવા અને રાજકીય સંબંધો મજબૂત કરવા આવ્યો હતો, જેથી આગળ જતાં તેને લાભ થાય.—પ્રે.કા. ૨૫:૧૩, ફૂટનોટ.
૯ ફેસ્તુસે અગ્રીપા રાજાને પાઉલ વિશે જણાવ્યું. અગ્રીપાને તેની વાતમાં રસ પડ્યો. બીજા દિવસે તેઓ બંને “ભારે ઠાઠમાઠથી” આવ્યા અને પાઉલની વાત સાંભળવા ન્યાયાસન પર બેઠા. પણ પાઉલના શબ્દો આગળ તેઓનો ઠાઠમાઠ ફિક્કો પડી ગયો.—પ્રે.કા. ૨૫:૨૨-૨૭.
૧૦, ૧૧. પાઉલે અગ્રીપા સાથે કઈ રીતે વાત કરી? પાઉલે પોતાના ભૂતકાળ વિશે શું જણાવ્યું?
૧૦ પાઉલે ખૂબ આદર સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે સ્વીકાર્યું કે અગ્રીપા રાજા યહૂદીઓના બધા રીતરિવાજો અને તેઓના મતભેદોનો સારો જાણકાર છે. એટલે તેની આગળ પોતાના બચાવમાં બોલવાની તક મળી એ પાઉલ માટે ખુશીની વાત હતી. પછી પાઉલે પોતાના ભૂતકાળ વિશે જણાવ્યું: “અમારા ધર્મના સૌથી ચુસ્ત પંથ પ્રમાણે હું ફરોશી તરીકે જીવતો હતો.” (પ્રે.કા. ૨૬:૫) પાઉલ ફરોશી હતા ત્યારે તેમને ઈશ્વરના આ વચનમાં ભરોસો હતો કે એક મસીહ આવશે. તે અને તેમના વિરોધીઓ ઈશ્વરના એ વચનમાં માનતા હતા. પણ ખ્રિસ્તી બન્યા પછી પાઉલ લોકોને હિંમતથી જણાવવા લાગ્યા કે એ વચન પૂરું થયું છે અને ઈસુ ખ્રિસ્ત જ મસીહ છે. એ કારણે તેમના પર આ મુકદ્દમો ચાલી રહ્યો હતો. પાઉલની વાત સાંભળીને અગ્રીપાને વધારે રસ પડ્યો. e
૧૧ પછી પાઉલે જણાવ્યું કે તે કઈ રીતે ખ્રિસ્તીઓની ક્રૂર રીતે સતાવણી કરતા હતા. તેમણે કહ્યું: “હું પોતે પણ એવું માનતો હતો કે નાઝરેથના ઈસુ વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ. . . . મને [ખ્રિસ્તના શિષ્યો] પર એટલો બધો ગુસ્સો હતો કે હું તેઓની સતાવણી કરવા બીજાં શહેરોમાં પણ જતો.” (પ્રે.કા. ૨૬:૯-૧૧) પાઉલ અહીં મીઠું-મરચું ભભરાવીને વાત કરી રહ્યા ન હતા. ઘણા લોકો જાણતા હતા કે પાઉલે અગાઉ ખ્રિસ્તીઓ પર બહુ જુલમ કર્યો હતો. (ગલા. ૧:૧૩, ૨૩) એટલે અગ્રીપાને થયું હશે, ‘આવો જુલમી માણસ કઈ રીતે બદલાઈ ગયો?’
૧૨, ૧૩. (ક) પાઉલે પોતાના ખ્રિસ્તી બનવા વિશે શું જણાવ્યું? (ખ) પાઉલ કયા અર્થમાં ‘આરને લાત મારી’ રહ્યા હતા?
૧૨ પછી પાઉલે જે કહ્યું એનાથી અગ્રીપાને પોતાના સવાલનો જવાબ મળ્યો હશે. તે કઈ રીતે ખ્રિસ્તી બન્યા એ વિશે તેમણે જણાવ્યું: “હું મુખ્ય યાજકો પાસેથી અધિકાર અને હુકમ લઈને દમસ્ક જતો હતો. હે રાજા, ભરબપોરે રસ્તા પર મેં મારી આસપાસ અને મારી સાથે મુસાફરી કરનારાઓની આસપાસ, આકાશમાંથી સૂર્યથી પણ વધારે તેજસ્વી પ્રકાશ ઝળહળતો જોયો. અમે બધા જમીન પર પડી ગયા અને હિબ્રૂ ભાષામાં મને એક અવાજ સંભળાયો: ‘શાઉલ, શાઉલ, તું કેમ મારા પર જુલમ કરે છે? આરને લાત મારીને તું પોતાને જ નુકસાન પહોંચાડે છે.’ પણ મેં કહ્યું: ‘માલિક, તમે કોણ છો?’ તેમણે કહ્યું: ‘હું ઈસુ છું, જેના પર તું જુલમ કરી રહ્યો છે.’” f—પ્રે.કા. ૨૬:૧૨-૧૫.
૧૩ પાઉલને દર્શન મળ્યું એ પહેલાં તે એક રીતે ‘આરને લાત મારી’ રહ્યા હતા. બાઇબલ સમયમાં ખેડૂતો જાનવરને હાંકવા માટે ખીલી બેસાડેલી લાકડી વાપરતા. એને આર કહેવામાં આવે છે. પણ જો એ જાનવર આરનો વિરોધ કરતું અથવા એને લાત મારતું, તો જાનવરને જ ઈજા થતી. એવી જ રીતે, પાઉલે પણ ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ કામ કરીને પોતાના માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી. તેમણે ઈશ્વર સાથેના પોતાના સંબંધને જોખમમાં મૂક્યો હતો. પણ પાઉલનું દિલ સાફ હતું, તેમને બસ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. (યોહા. ૧૬:૧, ૨) એટલે મરણમાંથી જીવતા થયેલા ઈસુએ પાઉલના વિચારો બદલવા મદદ કરી. તેમણે દમસ્કના રસ્તે પાઉલને દર્શન આપ્યું.
૧૪, ૧૫. પાઉલે પોતાના જીવનમાં કરેલા ફેરફારો વિશે શું કહ્યું?
૧૪ પાઉલે જણાવ્યું કે તેમણે પોતાના જીવનમાં કેટલા મોટા મોટા ફેરફારો કર્યા હતા. તેમણે અગ્રીપાને કહ્યું: “મેં સ્વર્ગમાંથી થયેલા દર્શનની આજ્ઞા માની. હું પહેલા દમસ્ક, પછી યરૂશાલેમ, યહૂદિયાના આખા પ્રદેશમાં અને બીજી પ્રજાઓના લોકો પાસે પણ ગયો. ત્યાં હું સંદેશો આપતો હતો કે તેઓ પસ્તાવો કરે અને પોતાનાં કામોથી પસ્તાવાની સાબિતી આપીને ઈશ્વર તરફ ફરે.” (પ્રે.કા. ૨૬:૧૯, ૨૦) ઈસુએ દર્શનમાં પાઉલને જે કામ સોંપ્યું હતું, એ તે વર્ષો સુધી કરતા રહ્યા. એનું કેવું પરિણામ આવ્યું? જેઓએ પાઉલનો સંદેશો સ્વીકાર્યો તેઓએ પસ્તાવો કર્યો, ખોટાં કામો છોડી દીધાં અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવા લાગ્યા. તેઓ દેશના સારા નાગરિક બન્યા અને કાયદા-કાનૂન પાળવા લાગ્યા.
૧૫ પણ પાઉલના વિરોધીઓને આ બધાથી કંઈ ફરક પડતો ન હતો. પાઉલે કહ્યું: “એટલે યહૂદીઓએ મને મંદિરમાં પકડ્યો અને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. જોકે, ઈશ્વર તરફથી મને જે મદદ મળે છે, એના લીધે હું આ દિવસ સુધી નાના-મોટા સર્વને સાક્ષી આપી રહ્યો છું.”—પ્રે.કા. ૨૬:૨૧, ૨૨.
૧૬. આપણે ન્યાયાધીશો અને અધિકારીઓ સાથે વાત કરતી વખતે કઈ રીતે પાઉલ જેવું કરી શકીએ?
૧૬ આજે કોઈ આપણી શ્રદ્ધા વિશે ખુલાસો માંગે તો, “તેને જવાબ આપવા હંમેશાં તૈયાર” રહીએ. (૧ પિત. ૩:૧૫) કદાચ આપણને પણ કોઈક વાર ન્યાયાધીશો અથવા અધિકારીઓ સામે લઈ જવામાં આવે અને આપણે પોતાની માન્યતા વિશે તેઓને જણાવવું પડે. એવા સમયે આપણે પાઉલ જેવું કરી શકીએ. તેમણે અગ્રીપા અને ફેસ્તુસ સાથે આદરથી વાત કરી. પાઉલે જણાવ્યું કે ખુશખબરને લીધે તેમને અને બીજાઓને કેવા ફાયદા થયા છે. એવી જ રીતે, આપણે પણ આદરથી જણાવી શકીએ કે બાઇબલના શિક્ષણને લીધે આપણું જીવન કઈ રીતે સુધરી ગયું છે. તેમ જ, બીજાઓનાં જીવનમાં પણ કઈ રીતે ખુશીઓ આવી છે. એ બધું સાંભળીને કદાચ ન્યાયાધીશો અને અધિકારીઓનું વલણ બદલાઈ જાય અને તેઓ આપણી સાથે નરમાશથી વર્તે.
“તું મને પણ ખ્રિસ્તી બનવા મનાવી લઈશ” (પ્રે.કા. ૨૬:૨૪-૩૨)
૧૭. પાઉલના શબ્દોની ફેસ્તુસ પર કેવી અસર પડી? ફેસ્તુસની જેમ આજે લોકો શું વિચારે છે?
૧૭ પાઉલના એ જોરદાર શબ્દોની ફેસ્તુસ અને અગ્રીપા પર કેવી અસર પડી? કલમમાં જણાવ્યું છે: ‘પાઉલ પોતાના બચાવમાં એ વાતો કહેતા હતા એવામાં, ફેસ્તુસ ઊંચા અવાજે બોલી ઊઠ્યો: “પાઉલ, તું ગાંડો થઈ ગયો છે! વધારે પડતા જ્ઞાનને લીધે તારું મગજ ચસકી ગયું છે!”’ (પ્રે.કા. ૨૬:૨૪) આજે ઘણા લોકો ફેસ્તુસ જેવું જ વિચારે છે. તેઓને લાગે છે કે આપણે ધડ-માથા વગરની વાતો કરીએ છીએ. ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે એ શિક્ષણ ભણેલા-ગણેલા લોકોને ઘણી વાર સ્વીકારવું અઘરું લાગે છે.
૧૮. પાઉલે ફેસ્તુસને શું જવાબ આપ્યો? અગ્રીપાએ પાઉલને શું કહ્યું?
૧૮ પાઉલે ફેસ્તુસને જવાબ આપ્યો: “માનનીય ફેસ્તુસ, હું ગાંડો નથી થઈ ગયો, પણ સત્ય અને સમજદારીની વાતો કરું છું. રાજા એ બધું સારી રીતે જાણે છે, એટલે હું આટલી છૂટથી તેમની આગળ બોલી શકું છું. . . . રાજા અગ્રીપા, શું તમે પ્રબોધકોમાં માનો છો? હું જાણું છું કે તમે માનો છો.” અગ્રીપાએ કહ્યું: “જો હું તને સાંભળતો રહીશ, તો થોડા સમયમાં તું મને પણ ખ્રિસ્તી બનવા મનાવી લઈશ.” (પ્રે.કા. ૨૬:૨૫-૨૮) આપણે નથી જાણતા કે અગ્રીપાએ એ શબ્દો દિલથી કહ્યા હતા કે નહિ. પણ એક વાત તો સાફ છે, રાજાએ પાઉલની વાતો પર ઊંડો વિચાર કર્યો હતો.
૧૯. અગ્રીપા અને ફેસ્તુસ પાઉલ વિશે કયા નિર્ણય પર આવ્યા?
૧૯ એ પછી અગ્રીપા અને ફેસ્તુસ ઊભા થયા. એનાથી દેખાઈ આવ્યું કે સુનાવણીનો સમય પૂરો થયો હતો. “તેઓ જતાં જતાં એકબીજાને કહેવા લાગ્યા: ‘આ માણસે એવું કંઈ કર્યું નથી, જેના લીધે તેને મરણ કે કેદની સજા ફટકારવામાં આવે.’ અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું: ‘જો આ માણસે સમ્રાટ પાસે ન્યાય માંગ્યો ન હોત, તો આપણે તેને છોડી શક્યા હોત.’” (પ્રે.કા. ૨૬:૩૧, ૩૨) તેઓ સમજી ગયા હતા કે પાઉલ નિર્દોષ છે. કદાચ આ બનાવ પછી તેઓ ખ્રિસ્તીઓ સાથે નરમાશથી વર્ત્યા હશે.
૨૦. શું પાઉલની મહેનત પાણીમાં ગઈ? સમજાવો.
૨૦ પાઉલે ફેસ્તુસ અને અગ્રીપાને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવી. પણ એવું લાગે છે કે બંનેમાંથી કોઈ ખ્રિસ્તી બન્યું નહિ. તો શું એનો અર્થ એ કે પાઉલની મહેનત પાણીમાં ગઈ? ના એવું ન હતું. યહૂદિયાના ‘રાજાઓ અને રાજ્યાપાલોને’ સંદેશો જણાવવો લગભગ અશક્ય હતું, પણ પાઉલને એ તક મળી. (લૂક ૨૧:૧૨, ૧૩) એટલું જ નહિ, પાઉલ કસોટીઓમાં પણ વફાદાર રહ્યા એ વિશે સાંભળીને પહેલી સદીનાં ભાઈ-બહેનોને ઉત્તેજન મળ્યું.—ફિલિ. ૧:૧૨-૧૪.
૨૧. મુશ્કેલીઓ છતાં પ્રચાર કરીએ છીએ ત્યારે કેવાં પરિણામ મળે છે?
૨૧ આજે આપણે કસોટીઓ અને વિરોધ છતાં પ્રચાર કરીએ છીએ ત્યારે એનાં સારાં પરિણામ મળે છે. આપણે એવા અધિકારીઓને સાક્ષી આપી શકીએ છીએ, જેઓને મળવું લગભગ અશક્ય હોય છે. વધુમાં આપણે ધીરજ અને વફાદારીથી કસોટીઓનો સામનો કરીએ છીએ, એ જોઈને ભાઈ-બહેનોને ઉત્તેજન મળે છે. ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપવા તેઓની હિંમત વધે છે.
a “ પોર્કિયુસ ફેસ્તુસ—યહૂદિયાનો રાજ્યપાલ” બૉક્સ જુઓ.
b “ન્યાયાસન” એક ખુરશી હતી, જેના પર બેસીને ચુકાદો સંભળાવવામાં આવતો હતો. એ ન્યાયાસન ઊંચા ઓટલા પર મૂકવામાં આવતું હતું. લોકો માટે એનો અર્થ થતો હતો કે ત્યાંથી લીધેલો દરેક નિર્ણય એકદમ મહત્ત્વનો અને અટલ છે. પિલાતે પણ એવા જ એક ન્યાયાસન પર બેસીને ઈસુના મુકદ્દમાનો ચુકાદો સંભળાવ્યો હતો.
c “ છૂટથી ભક્તિ કરવા અદાલતોમાં અપીલ” બૉક્સ જુઓ.
d “ રાજા હેરોદ અગ્રીપા બીજો” બૉક્સ જુઓ.
e ખ્રિસ્તી તરીકે પાઉલ માનતા હતા કે ઈસુ જ મસીહ છે. પણ યહૂદીઓએ ઈસુનો નકાર કર્યો હતો. એટલે યહૂદીઓ પાઉલને ઈશ્વર-વિરોધી ગણતા હતા.—પ્રે.કા. ૨૧:૨૧, ૨૭, ૨૮.
f પાઉલે જણાવ્યું કે તે “ભરબપોરે” મુસાફરી કરી રહ્યા હતા. એ વિશે બાઇબલના એક વિદ્વાનનું કહેવું હતું, “બપોરના સમયે સખત ગરમી પડતી. એટલે મોટા ભાગે મુસાફરો એ સમયે આરામ કરતા. પણ જો કોઈને ઉતાવળ હોય, તો તે બપોરે પણ મુસાફરી કરતો. આ માહિતીથી ખ્યાલ આવે છે કે પાઉલ પર ખ્રિસ્તીઓની સતાવણી કરવાનું કેટલું ઝનૂન સવાર હતું.”