સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૪

“હિંમત રાખ!”

“હિંમત રાખ!”

પાઉલ એક ખતરનાક કાવતરાથી બચી જાય છે અને ફેલિક્સ આગળ પોતાના બચાવમાં બોલે છે

પ્રેરિતોનાં કાર્યો ૨૩:૧૧–૨૪:૨૭ના આધારે

૧, ૨. પાઉલની યરૂશાલેમમાં સતાવણી થાય છે ત્યારે, તેમને કેમ નવાઈ નથી લાગતી?

 પાઉલને યરૂશાલેમમાં ગુસ્સે ભરાયેલા ટોળાથી બચાવી લેવામાં આવે છે. પણ તેમને ફરી એક વાર કેદ થાય છે. પાઉલને આ બધાથી જરાય નવાઈ નથી લાગતી. કેમ કે તેમને ખબર હતી કે યરૂશાલેમમાં “કેદ અને કસોટીઓ” તેમની રાહ જોઈ રહી છે. (પ્રે.કા. ૨૦:૨૨, ૨૩) પાઉલ એ જાણતા ન હતા કે આગળ જતાં તેમની સાથે શું થશે. પણ તે એટલું તો જાણતા હતા કે ઈસુના નામને લીધે તેમણે ઘણું સહેવું પડશે.—પ્રે.કા. ૯:૧૬.

ખ્રિસ્તી મંડળમાં અમુક પ્રબોધકોએ પણ પાઉલને ચેતવ્યા હતા કે વિરોધીઓ તેમને બાંધશે અને “બીજી પ્રજાના હાથમાં સોંપી દેશે.” (પ્રે.કા. ૨૧:૪, ૧૦, ૧૧) હાલમાં જ યહૂદીઓના એક ટોળાએ પાઉલને મારી નાખવાની કોશિશ કરી હતી. પછી યહૂદી ન્યાયસભાના સભ્યો વચ્ચે પાઉલને લઈને મોટો ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો હતો કે તેઓ જાણે પાઉલના “ટુકડે-ટુકડા કરી નાખશે” એવું લાગતું હતું. હવે પાઉલ કેદમાં છે અને રોમન સૈનિકોના પહેરા નીચે છે. (પ્રે.કા. ૨૧:૩૧; ૨૩:૧૦) તેમના પર ઘણા મુકદ્દમા ચાલશે અને અનેક આરોપ મુકાશે. એ બધાનો સામનો કરવા પાઉલને ઉત્તેજનની ખૂબ જરૂર પડશે.

૩. પ્રચારકામ કરતા રહેવા આપણને ક્યાંથી ઉત્તેજન મળે છે?

આપણે જાણીએ છીએ કે છેલ્લા દિવસોમાં “જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે, તેઓ બધાની સતાવણી થશે.” (૨ તિમો. ૩:૧૨) એટલે પ્રચારકામ કરતા રહેવા આપણને પણ સમયે સમયે ઉત્તેજનની જરૂર પડે છે. “વિશ્વાસુ અને સમજુ ચાકર” સાહિત્ય અને સભાઓ દ્વારા આપણને યોગ્ય સમયે ઉત્તેજન અને હિંમત આપે છે. (માથ. ૨૪:૪૫) એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ! યહોવાએ વચન આપ્યું છે કે દુશ્મનો ક્યારેય તેમના બધા સેવકોનું નામનિશાન મિટાવી નહિ શકે, પ્રચારકામ પણ બંધ કરાવી નહિ શકે. (યશા. ૫૪:૧૭; યર્મિ. ૧:૧૯) પણ પ્રેરિત પાઉલ વિશે શું? શું કોઈએ તેમને ઉત્તેજન આપ્યું? જો હા, તો કઈ રીતે? પછી તેમણે શું કર્યું?

પાઉલને ‘મારી નાખવાનું કાવતરું’ નિષ્ફળ ગયું (પ્રે.કા. ૨૩:૧૧-૩૪)

૪, ૫. પાઉલને કઈ રીતે ઉત્તેજન મળ્યું? કેમ કહી શકીએ કે પાઉલને એકદમ યોગ્ય સમયે એ ઉત્તેજન મળ્યું?

પાઉલને ન્યાયસભામાંથી બચાવવામાં આવ્યા હતા એ રાતે “માલિક ઈસુએ પાઉલ પાસે ઊભા રહીને કહ્યું: ‘હિંમત રાખ! જેમ યરૂશાલેમમાં તું મારા વિશે પૂરી સાક્ષી આપતો આવ્યો છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવાની છે.’” (પ્રે.કા. ૨૩:૧૧) પાઉલને એ ઉત્તેજનની ખૂબ જ જરૂર હતી. એનાથી તેમને ખાતરી મળી કે વિરોધીઓ તેમનો એકેય વાળ વાંકો નહિ કરી શકે. તે સહીસલામત રોમ પહોંચશે અને ઈસુ વિશે સાક્ષી આપશે.

“૪૦ કરતાં વધારે માણસો પાઉલ પર હુમલો કરવા સંતાઈને બેઠા છે.”—પ્રેરિતોનાં કાર્યો ૨૩:૨૧

ઈસુએ એકદમ યોગ્ય સમયે પાઉલને ઉત્તેજન આપ્યું હતું. કેમ કે પછીના જ દિવસે ૪૦ કરતાં વધારે યહૂદી માણસોએ એક “કાવતરું ઘડ્યું. તેઓએ સોગંદ લીધા કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે, ત્યાં સુધી ખાશે કે પીશે નહિ.” ધ્યાન આપો કે યહૂદીઓએ એક “કાવતરું ઘડ્યું” હતું અને એ માટે “સોગંદ લીધા” હતા. એનાથી ખબર પડે છે કે તેઓ કોઈ પણ ભોગે પાઉલને મારી નાખવા માંગતા હતા. તેઓ માનતા હતા કે જો તેઓનું કાવતરું નિષ્ફળ જશે, તો તેઓ પર શ્રાપ આવશે. (પ્રે.કા. ૨૩:૧૨-૧૫) તેઓએ કયું કાવતરું ઘડ્યું? સૌથી પહેલા તેઓ એવો દેખાડો કરશે કે તેઓ પાઉલના મુકદ્દમાની પૂરેપૂરી તપાસ કરવા માંગે છે. એ માટે તેઓ પાઉલને ન્યાયસભા આગળ લાવવાની માંગણી કરશે. પછી તેઓ રસ્તામાં ક્યાંક સંતાઈને બેસશે અને પાઉલ પર હુમલો કરીને તેમને મારી નાખશે. તેઓની આ યોજનાને મુખ્ય યાજકો અને વડીલોએ મંજૂરી આપી.

૬. પાઉલને યહૂદીઓના કાવતરા વિશે કઈ રીતે ખબર પડી? આજે યુવાનોને પાઉલના ભાણિયા પાસેથી શું શીખવા મળે છે?

પણ પાઉલના ભાણિયાને એ કાવતરા વિશે જાણ થઈ અને તેણે પાઉલને એ વાતની ખબર આપી. પાઉલે તેને કહ્યું કે તે રોમન સેનાપતિ ક્લોદિયસ લુસિયાસને બધું જણાવી દે. (પ્રે.કા. ૨૩:૧૬-૨૨) બાઇબલમાં પાઉલના ભાણિયાનું નામ નથી જણાવ્યું. પણ આજે ઘણા યુવાનો તેની જેમ ભાઈ-બહેનોનું રક્ષણ કરવા પોતાનો જીવ જોખમમાં મૂકે છે. તેમ જ, રાજ્યનાં કામોને આગળ વધારવા પોતાનાથી બનતું બધું કરે છે. યહોવાને એવા યુવાનો ખૂબ વહાલા છે.

૭, ૮. ક્લોદિયસ લુસિયાસે પાઉલનું રક્ષણ કરવા શું કર્યું?

ક્લોદિયસ લુસિયાસ ૧,૦૦૦ માણસોની ટુકડીનો સેનાપતિ હતો. તેને જેવી આ કાવતરા વિશે ખબર પડી કે તરત તેણે ૪૭૦ માણસોની ટુકડી બનાવવાનો હુકમ આપ્યો. એ ટુકડીમાં સૈનિકો, ઘોડેસવારો અને ભાલાધારી સૈનિકો હતા. તેઓને જણાવવામાં આવ્યું કે પાઉલને રાતોરાત યરૂશાલેમથી કાઈસારીઆ લઈ જાય અને રાજ્યપાલ ફેલિક્સના હાથમાં સોંપી દે. a કાઈસારીઆ, રોમન પ્રાંત યહૂદિયાની રાજધાની હતું. એ શહેરમાં ઘણા યહૂદીઓ રહેતા હતા. પણ ત્યાં મોટા ભાગની વસ્તી બીજી પ્રજાના લોકોની હતી. કાઈસારીઆ યરૂશાલેમથી એકદમ અલગ હતું. ત્યાં શાંતિ અને વ્યવસ્થા હતી, જ્યારે કે યરૂશાલેમમાં લોકો બીજા ધર્મના લોકોને નફરત કરતા હતા અને એના લીધે અવાર-નવાર હુલ્લડો ફાટી નીકળતા હતા. કાઈસારીઆ રોમન સેનાનું મુખ્યમથક પણ હતું.

ક્લોદિયસ લુસિયાસે રોમન નિયમ પ્રમાણે રાજ્યપાલ ફેલિક્સને એક પત્ર મોકલ્યો અને એમાં બધી માહિતી જણાવી. તેણે લખ્યું કે યહૂદીઓ પાઉલને “મારી નાખવાના હતા,” પણ તે રોમન નાગરિક છે એવી ખબર પડી ત્યારે તેણે પાઉલને બચાવ્યા. તેણે એમ પણ જણાવ્યું કે તેના મતે પાઉલે “મરણ કે કેદની સજા” ભોગવવી પડે એવું કંઈ કર્યું નથી. તેણે એ પણ લખ્યું કે તે કેમ પાઉલને ફેલિક્સ પાસે મોકલી રહ્યો છે. યહૂદીઓએ પાઉલ વિરુદ્ધ એક કાવતરું ઘડ્યું હતું, એટલે ક્લોદિયસ ચાહતો હતો કે ફેલિક્સ ફરિયાદીઓનું સાંભળે અને પાઉલનો ન્યાય કરે.—પ્રે.કા. ૨૩:૨૫-૩૦.

૯. (ક) ક્લોદિયસ કઈ રીતે પાઉલના અધિકારોની વિરુદ્ધ ગયો? (ખ) પાઉલની જેમ આપણે પણ શા માટે દેશના નાગરિક તરીકે મળતા અધિકારોનો ઉપયોગ કરવો પડે?

શું ક્લોદિયસે પત્રમાં જે લખ્યું હતું એ બધું સાચું હતું? ના! કદાચ તે રાજ્યપાલ ફેલિક્સ સામે પોતાને સારો દેખાડવા માંગતો હતો. પત્રમાં તેણે લખ્યું હતું કે પાઉલ રોમન નાગરિક હતા, એટલે તેણે પાઉલને બચાવ્યા હતા. તેની એ વાત સાવ ખોટી હતી. વધુમાં એ પણ લખ્યું ન હતું કે તેણે પાઉલને “બે સાંકળથી બાંધવાનો” હુકમ કર્યો હતો અને પછીથી ‘કોરડા મારીને પાઉલની પૂછપરછ કરવાનો’ હુકમ કર્યો હતો. (પ્રે.કા. ૨૧:૩૦-૩૪; ૨૨:૨૪-૨૯) એમ કરીને તે પાઉલના રોમન નાગરિક તરીકેના અધિકારની વિરુદ્ધ ગયો હતો. આજે પણ શેતાન વિરોધીઓની ધાર્મિક લાગણી ભડકાવે છે અને આપણી સતાવણી કરે છે. બની શકે કે દેશના કાયદા-કાનૂન પ્રમાણે આપણને છૂટથી ભક્તિ કરવાનો અધિકાર હોય, પણ વિરોધીઓ એમ કરતા રોકે. એવા સમયે આપણે પાઉલ જેવું કરી શકીએ. આપણે દેશના નાગરિક તરીકે મળતા અધિકારોનો ઉપયોગ કરી શકીએ અને કાયદાનો સહારો લઈને પોતાનું રક્ષણ કરી શકીએ.

“હું ખુશીથી મારા બચાવમાં બોલું છું” (પ્રે.કા. ૨૩:૩૫–૨૪:૨૧)

૧૦. પાઉલ પર કયા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા?

૧૦ પાઉલના ફરિયાદીઓ યરૂશાલેમથી કાઈસારીઆ આવે ત્યાં સુધી, તેમને “હેરોદના મહેલમાં પહેરા નીચે” રાખવામાં આવ્યા. (પ્રે.કા. ૨૩:૩૫) પાંચ દિવસ પછી પ્રમુખ યાજક અનાન્યા, તેર્તુલુસ નામનો વકીલ અને કેટલાક વડીલો આવ્યા. તેર્તુલુસ ફેલિક્સનું દિલ જીતવા માંગતો હતો. એટલે તેણે સૌથી પહેલા વખાણ કરતા કહ્યું કે ફેલિક્સે યહૂદીઓ માટે ઘણું કર્યું છે. b પછી તે મુદ્દા પર આવ્યો. તેણે પાઉલ વિશે કહ્યું: “આ માણસ બધી આફતોનું મૂળ છે. તે આખી દુનિયાના બધા યહૂદીઓને બળવો કરવા ઉશ્કેરે છે. તે નાઝારી પંથનો આગેવાન છે. તેણે મંદિરને અપવિત્ર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, એટલે અમે તેને પકડ્યો.” બીજા યહૂદીઓ પણ “પાઉલનો વિરોધ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ વાતો સાચી છે.” (પ્રે.કા. ૨૪:૫, ૬,) સરકાર વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા, એક ખતરનાક પંથના આગેવાન હોવું અને મંદિરને અપવિત્ર કરવું, એ બધા ગંભીર આરોપ હતા. એના લીધે મોતની સજા મળી શકતી હતી.

૧૧, ૧૨. પાઉલે પોતાના પર લાગેલા આરોપ કઈ રીતે ખોટા સાબિત કર્યા?

૧૧ પાઉલને બોલવાની મંજૂરી મળી. તેમણે સૌથી પહેલા કહ્યું: “હું ખુશીથી મારા બચાવમાં બોલું છું.” પછી તેમણે સાફ સાફ જણાવ્યું કે તેમના પર લાગેલા આરોપ ખોટા છે. તેમણે ન તો મંદિરને અપવિત્ર કર્યું હતું, ન તો યહૂદીઓને બળવો કરવા ઉશ્કેર્યા હતા. તેમણે જણાવ્યું કે તે તો “ઘણાં વર્ષો” યરૂશાલેમથી દૂર હતા. તે હમણાં જ “દાન” લઈને યરૂશાલેમ આવ્યા હતા, કેમ કે દુકાળ અને સતાવણીને લીધે ખ્રિસ્તીઓ ભારે તંગીમાં હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મંદિરમાં પગ મૂકતા પહેલાં તેમણે મૂસાના નિયમો પ્રમાણે પોતાને “શુદ્ધ” કર્યા હતા અને તે “હંમેશાં ઈશ્વર અને માણસો આગળ શુદ્ધ મન રાખવા સખત પ્રયત્ન” કરતા હતા.—પ્રે.કા. ૨૪:૧૦-૧૩, ૧૬-૧૮.

૧૨ પાઉલે એ વાત તો કબૂલ કરી કે તેમના ફરિયાદીઓ ‘જે માર્ગને પંથ કહેતા હતા,’ એ પ્રમાણે તે પોતાના બાપદાદાઓના ઈશ્વરની ભક્તિ કરતા હતા. જોકે તેમણે ભાર મૂક્યો કે તે ‘નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી બધી વાતો’ માનતા હતા. એટલું જ નહિ, તેમના અમુક વિરોધીઓની જેમ તેમને ભરોસો હતો કે “સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” પછી પાઉલે વિરોધીઓ સામે પડકાર ફેંક્યો કે જો તેઓએ લગાવેલા આરોપ સાચા હોય તો એને સાબિત કરે. તેમણે કહ્યું: “અહીં હાજર માણસો જણાવે કે તેઓએ ન્યાયસભામાં મારો ન્યાય કર્યો ત્યારે, તેઓને મારામાં કયો દોષ દેખાયો હતો. તેઓ મારા પર એક જ વાતનો આરોપ મૂકી શકે એમ છે. હું ન્યાયસભા આગળ પોકારી ઊઠ્યો હતો: ‘ગુજરી ગયેલા જીવતા થશે એવી આશાને લીધે મારા પર મુકદ્દમો ચલાવવામાં આવી રહ્યો છે!’”—પ્રે.કા. ૨૪:૧૪, ૧૫, ૨૦, ૨૧.

૧૩-૧૫. અધિકારીઓ સામે હિંમતથી સાક્ષી આપવા વિશે પાઉલ પાસેથી શું શીખવા મળે છે?

૧૩ આજે પણ વિરોધીઓ કદાચ આપણા પર ખોટા આરોપ મૂકે. તેઓ કહે કે આપણે દેશદ્રોહી છીએ, લોકોને ઉશ્કેરીએ છીએ અથવા એક “ખતરનાક પંથના” સભ્યો છીએ. તેઓ કદાચ આપણને અધિકારીઓ સામે લઈ જાય. એ સમયે આપણે શું કરી શકીએ, એ વિશે પાઉલ પાસેથી ઘણું શીખવા મળે છે. પાઉલે તેર્તુલુસની જેમ રાજ્યપાલ જોડે મીઠી મીઠી વાતો કરીને તેમની ચાપલૂસી ન કરી. જ્યારે લોકો તેમના પર ખોટા આરોપ મૂકી રહ્યા હતા, ત્યારે તે શાંત રહ્યા અને આદરથી વર્ત્યા. પછી પાઉલનો બોલવાનો વારો આવ્યો ત્યારે, તેમણે સમજી-વિચારીને પણ સ્પષ્ટ વાત કરી. જેમ કે, તેમણે કહ્યું કે ‘આસિયા પ્રાંતના જે યહૂદીઓએ’ તેમના પર મંદિરને અપવિત્ર કરવાનો આરોપ મૂક્યો હતો, તેઓએ તો નિયમ પ્રમાણે ત્યાં હાજર રહેવું જોઈતું હતું. પણ તેઓનો કોઈ અતોપતો ન હતો.—પ્રે.કા. ૨૪:૧૮, ૧૯.

૧૪ પણ માનવું પડે, પાઉલની એક વાત તો જોરદાર હતી. આવા સંજોગોમાં પણ તેમણે પોતાની શ્રદ્ધા વિશે સાક્ષી આપવામાં પાછી પાની ન કરી. તેમણે ફરી એક વાર ગુજરી ગયેલાઓના જીવતા થવા વિશે વાત કરી. થોડા સમય પહેલાં એને લઈને ન્યાયસભામાં મોટો ઝઘડો થયો હતો, એ યાદ કરીને તે ડરી ન ગયા. (પ્રે.કા. ૨૩:૬-૧૦) પણ તેમણે પોતાના બચાવમાં એ આશા વિશે કેમ જણાવ્યું? કેમ કે પાઉલ ઈસુ વિશે સાક્ષી આપતા હતા અને જણાવતા હતા કે ઈસુ મરણમાંથી જીવતા થયા છે. વિરોધીઓ એ સ્વીકારવા જરાય તૈયાર ન હતા. (પ્રે.કા. ૨૬:૬-૮, ૨૨, ૨૩) હા, ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે અને ખાસ કરીને ઈસુને જીવતા કરવામાં આવ્યા છે, એમાં માનવાને લીધે જ પાઉલ સામે આ સંજોગો ઊભા થયા હતા.

૧૫ પાઉલની જેમ આપણે પણ નીડર બનીને સાક્ષી આપી શકીએ છીએ અને ઈસુના આ શબ્દોથી હિંમત મેળવી શકીએ છીએ: “તમે મારા શિષ્યો છો એટલે બધા લોકો તમારો ધિક્કાર કરશે. પણ જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે તેનો જ ઉદ્ધાર થશે.” શું આપણે ચિંતા કરવી જોઈએ કે અધિકારીઓ સામે શું કહીશું? ના. ઈસુએ ખાતરી આપી હતી: “જ્યારે તેઓ તમને અદાલતમાં લઈ જાય, ત્યારે પહેલેથી ચિંતા ન કરશો કે અમે શું કહીશું. એ સમયે પવિત્ર શક્તિ જે જણાવે એ બોલજો, કેમ કે બોલનાર તમે નહિ પણ પવિત્ર શક્તિ છે.”—માર્ક ૧૩:૯-૧૩.

“ફેલિક્સ ગભરાયો” (પ્રે.કા. ૨૪:૨૨-૨૭)

૧૬, ૧૭. (ક) પાઉલના કિસ્સામાં ફેલિક્સે શું કર્યું? (ખ) ફેલિક્સ કેમ ગભરાયો હશે? તોપણ તે કેમ પાઉલને બોલાવતો રહ્યો?

૧૬ રાજ્યપાલ ફેલિક્સે અગાઉ પણ ખ્રિસ્તીઓના શિક્ષણ વિશે સાંભળ્યું હતું. બાઇબલમાં જણાવ્યું છે કે “ફેલિક્સ સત્યના માર્ગ વિશે [શરૂઆતના ખ્રિસ્તી ધર્મ વિશે] બરાબર જાણતો હતો, એટલે તેણે એ લોકોને ટાળવા માટે કહ્યું: ‘લશ્કરી ટુકડીનો સેનાપતિ લુસિયાસ અહીં આવશે ત્યારે, હું તમારા મુકદ્દમાનો ફેંસલો કરીશ.’ તેણે લશ્કરી અધિકારીને હુકમ કર્યો કે આ માણસને પહેરા નીચે રાખવામાં આવે, પણ તેને થોડીક છૂટછાટ આપવી. તેના મિત્રોને તેની મદદ કરતા રોકવા નહિ.”—પ્રે.કા. ૨૪:૨૨, ૨૩.

૧૭ કેટલાક દિવસો પછી, ફેલિક્સ પોતાની પત્ની દ્રુસિલાને લઈને આવ્યો, જે યહૂદી હતી. તેઓએ પાઉલને બોલાવ્યા અને તેમની પાસેથી “ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા રાખવા વિશે સાંભળ્યું.” (પ્રે.કા. ૨૪:૨૪) પણ જ્યારે પાઉલે ‘સત્યના માર્ગ, સંયમ અને આવનાર ન્યાયચુકાદા વિશે વાત કરી, ત્યારે ફેલિક્સ ગભરાયો.’ કદાચ તેનું દિલ ડંખ્યું હશે, કેમ કે તેણે પોતાના જીવનમાં ઘણાં ખરાબ કામો કર્યાં હતાં. એટલે તેણે આમ કહીને પાઉલને પાછા મોકલી દીધા: “હમણાં જા, મારી પાસે સમય હશે ત્યારે હું તને ફરી બોલાવીશ.” એ પછી ફેલિક્સે ઘણી વાર પાઉલને બોલાવ્યા. જોકે તે સત્યની વાતો જાણવા નહિ, પણ પૈસા મેળવવાની આશાને લીધે તેમને બોલાવતો હતો.—પ્રે.કા. ૨૪:૨૫, ૨૬.

૧૮. પાઉલે કેમ “સત્યના માર્ગ, સંયમ અને આવનાર ન્યાયચુકાદા” વિશે વાત કરી?

૧૮ પાઉલે કેમ “સત્યના માર્ગ, સંયમ અને આવનાર ન્યાયચુકાદા” વિશે વાત કરી? યાદ કરો કે ફેલિક્સ અને તેની પત્ની પોતે જાણવા માંગતાં હતાં કે “ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા રાખવા” તેઓએ શું કરવું જોઈએ. પાઉલ જાણતા હતા કે એ લોકો વ્યભિચાર જેવાં ગંદાં કામો કરતા હતાં, ક્રૂર હતાં અને બીજાઓ સાથે અન્યાય કરતા હતાં. એટલે પાઉલે કંઈ પણ છુપાવ્યા વગર જણાવ્યું કે ઈસુના શિષ્ય બનવા શું કરવું જોઈએ. તેમની વાતોથી સાફ દેખાઈ આવ્યું કે ફેલિક્સ અને તેની પત્ની ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવતાં ન હતાં. તેઓ સમજી ગયાં હશે કે તેઓએ પોતાની વાતો, વિચારો અને કામોનો ઈશ્વરને હિસાબ આપવો પડશે. તેઓ એ પણ સમજી ગયાં હશે કે જો ફેલિક્સ પાઉલનો ન્યાય કરવા બેઠો હોય, તો ફેલિક્સનો ન્યાય કરવાવાળું પણ કોઈક છે, એ છે ઈશ્વર પોતે. એટલે ફેલિક્સ પાઉલની વાત સાંભળીને “ગભરાયો,” એ જાણીને આપણને નવાઈ નથી લાગતી.

૧૯, ૨૦. (ક) પ્રચારમાં આપણને કેવા લોકો મળી શકે? એવા લોકો મળે ત્યારે આપણે શું કરવું જોઈએ? (ખ) કઈ રીતે ખબર પડે છે કે ફેલિક્સને પાઉલ માટે કોઈ હમદર્દી ન હતી?

૧૯ આપણને પણ પ્રચારમાં કદાચ ફેલિક્સ જેવા લોકો મળે. શરૂઆતમાં આપણને લાગે કે તેઓને સંદેશામાં બહુ રસ છે. પણ કદાચ પછીથી ખબર પડે કે તેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલવા નથી માંગતા. આપણે એવા લોકોને મદદ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ, કેમ કે આપણે જાણતા નથી કે તેઓનો ઇરાદો શું છે. જોકે આપણે પાઉલની જેમ પ્રેમથી ઈશ્વરનાં ધોરણો વિશે સમજાવી શકીએ. શું ખબર સત્ય તેઓનાં દિલને અસર કરી જાય અને તેઓ ફેરફાર કરે! પણ જો દેખાઈ આવે કે તેઓ ખોટાં કામ છોડવાં નથી માંગતા અને ફેરફાર કરવા નથી માંગતા, તો આપણે તેઓને તેઓના હાલ પર છોડી દેવા જોઈએ. આપણે એવા લોકોને શોધવા જોઈએ જેઓ ખરેખર સત્ય જાણવા માંગે છે.

૨૦ ફેલિક્સ વિશે શું? થોડા સમય પછી તેનો ઇરાદો સાફ દેખાઈ આવ્યો. કલમમાં જણાવ્યું છે: “આમ ને આમ બે વર્ષ વીતી ગયાં. પછી ફેલિક્સની જગ્યાએ પોર્કિયુસ ફેસ્તુસ આવ્યો. ફેલિક્સ યહૂદીઓને ખુશ કરવા માંગતો હતો, એટલે તેણે પાઉલને કેદમાં જ રાખ્યો.” (પ્રે.કા. ૨૪:૨૭) ફેલિક્સ સારી રીતે જાણતો હતો કે ‘સત્યના માર્ગે’ ચાલતા લોકો દેશદ્રોહી ન હતા અને સરકારનો વિરોધ કરતા ન હતા. (પ્રે.કા. ૧૯:૨૩) તે એ પણ જાણતો હતો કે પાઉલે રોમન સરકારનો કોઈ નિયમ તોડ્યો ન હતો. તોપણ તેણે પાઉલને કેદમાં રાખ્યા, કેમ કે તે “યહૂદીઓને ખુશ કરવા માંગતો હતો.” એનાથી ખબર પડે છે કે ફેલિક્સને પાઉલ માટે કોઈ જ હમદર્દી ન હતી.

૨૧. પોર્કિયુસ ફેસ્તુસ રાજ્યપાલ બન્યો એ પછી પાઉલ સાથે શું બન્યું? પાઉલને કઈ વાતથી અડગ ઊભા રહેવા મદદ મળી?

૨૧ પ્રેરિતોનાં કાર્યો ૨૪મા અધ્યાયની છેલ્લી કલમમાં આપણે જોયું કે પાઉલ કેદમાં હતા ત્યારે, ફેલિક્સની જગ્યાએ પોર્કિયુસ ફેસ્તુસ રાજ્યપાલ બન્યો. એ પછી પાઉલને એક પછી એક અધિકારીઓના હાથમાં સોંપવામાં આવ્યા અને તેમના મુકદ્દમાની સુનાવણી થઈ. આ હિંમતવાન પ્રેરિતને “રાજાઓ અને રાજ્યપાલો સામે લઈ” જવામાં આવ્યા. (લૂક ૨૧:૧૨) આપણે આગળ જોઈશું કે તેમણે સમ્રાટને પણ સાક્ષી આપી, જે એ સમયનો સૌથી શક્તિશાળી અધિકારી હતો. એવા સમયે પણ પાઉલની શ્રદ્ધા જરાય ડગી નહિ. તેમને ઈસુના શબ્દોથી હંમેશાં અડગ ઊભા રહેવા મદદ મળી. એ શબ્દો હતા: “હિંમત રાખ!”

b તેર્તુલુસે ફેલિક્સનો આભાર માન્યો અને કહ્યું કે તેના લીધે દેશના લોકો ‘સુખચેનથી જીવે છે.’ પણ હકીકત કંઈક જુદી જ હતી. અગાઉના કોઈ રાજ્યપાલ કરતાં ફેલિક્સના રાજમાં સૌથી વધારે અશાંતિ હતી. તેર્તુલુસની આ વાત પણ ખોટી હતી કે ફેલિક્સે કરેલી યોજનાઓને લીધે દેશમાં સુધારા થઈ રહ્યા હતા અને એ માટે યહૂદીઓ ‘ખૂબ આભારી’ હતા. મોટા ભાગના યહૂદીઓ તો ફેલિક્સને નફરત કરતા હતા. કેમ કે તેણે તેઓનું જીવવું હરામ કરી નાખ્યું હતું અને બળવો દાબી દેવા તેઓ સાથે ક્રૂર રીતે વર્ત્યો હતો.—પ્રે.કા. ૨૪:૨, ૩.