પ્રકરણ ૯
“ઈશ્વર પક્ષપાત કરતા નથી”
સુન્નત ન થયેલા બીજી પ્રજાના લોકોને ખુશખબર સાંભળવાની તક મળે છે
પ્રેરિતોનાં કાર્યો ૧૦:૧–૧૧:૩૦ના આધારે
૧-૩. પિતરને કયું દર્શન થયું? એ દર્શનનો અર્થ સમજવો આપણા માટે કેમ જરૂરી છે?
સાલ ૩૬ની આ વાત છે. પાનખરની ઋતુ છે. બપોરનો કૂણો તાપ પિતર પર પડી રહ્યો છે. પિતર હમણાં યાફા શહેરમાં છે. તે દરિયા કિનારે આવેલા એક ઘરના ધાબા પર પ્રાર્થના કરી રહ્યા છે. એ ઘર સિમોનનું છે. સિમોન ચામડાનું કામ કરે છે. એવું કામ કરનારા લોકો સાથે હળવા-મળવાનું, રહેવાનું અમુક યહૂદીઓને જરાય પસંદ ન હતું. a પણ પિતર થોડા દિવસોથી સિમોનના ઘરે રોકાયા છે. એનાથી ખબર પડે છે કે તેમના દિલમાં કોઈ ભેદભાવ નથી. તે જાણે છે કે યહોવા ઈશ્વર પક્ષપાત કરતા નથી અને તે બધા લોકોને એકસમાન ગણે છે. બહુ જલદી તેમને ઈશ્વરના એ ગુણ વિશે એક જોરદાર બોધપાઠ મળવાનો છે.
૨ પ્રાર્થના કરતાં કરતાં પિતરને એક દર્શન થાય છે. દર્શનમાં તે એવું કંઈક જુએ છે, જેનાથી કોઈ પણ યહૂદી હેરાન-પરેશાન થઈ જાય. તે આકાશમાંથી એક મોટી ચાદર જેવું કંઈક નીચે આવતા જુએ છે. એમાં એવાં ઘણાં પ્રાણીઓ છે, જે નિયમશાસ્ત્ર પ્રમાણે અશુદ્ધ છે. પછી તેમને એક અવાજ સંભળાય છે, જે તેમને એ પ્રાણીઓ મારીને ખાવાનું કહે છે. પિતર જવાબ આપે છે: “મેં કદી અપવિત્ર અને અશુદ્ધ વસ્તુ ખાધી નથી.” એક વાર નહિ, પણ ત્રણ વાર એવું થાય છે અને દરેક વખતે તેમને કહેવામાં આવે છે: “ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે એને અપવિત્ર કહીશ નહિ.” (પ્રે.કા. ૧૦:૧૪-૧૬) એ દર્શનથી પિતર મૂંઝવણમાં પડી જાય છે. પણ બહુ જલદી તેમની એ મૂંઝવણ દૂર થવાની છે.
૩ એ દર્શનનો અર્થ સમજવો આપણા માટે પણ ખૂબ જરૂરી છે. કેમ કે એનાથી જાણવા મળશે કે માણસો વિશે યહોવા શું વિચારે છે. જો આપણે યહોવા જેવું વિચારીશું, તો બધા લોકોને ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપી શકીશું. પણ ચાલો જોઈએ કે દર્શન પહેલાં અને પછી કયા બનાવો બન્યા હતા.
તે ‘હંમેશાં ઈશ્વરને કરગરીને પ્રાર્થના કરતા હતા’ (પ્રે.કા. ૧૦:૧-૮)
૪, ૫. કર્નેલિયસ કોણ હતા? તે પ્રાર્થના કરતા હતા ત્યારે શું થયું?
૪ આ દર્શનના એક દિવસ પહેલાં, કર્નેલિયસ નામના માણસને પણ ઈશ્વર પાસેથી દર્શન મળ્યું હતું. એ વિશે પિતર કંઈ જાણતા ન હતા. કર્નેલિયસ યાફાથી આશરે ૫૦ કિલોમીટર દૂર કાઈસારીઆમાં રહેતા હતા. તે રોમન સેનામાં એક મોટા અધિકારી હતા. ‘તે ઘણા ધાર્મિક હતા.’ b તે પોતાના કુટુંબની સારી સંભાળ રાખતા હતા. કલમમાં જણાવ્યું છે કે ‘તે અને તેમના ઘરના બધા લોકો ઈશ્વરનો ડર રાખતા હતા.’ તે યહૂદી થયેલા લોકોમાંથી ન હતા, પણ સુન્નત ન થયેલા બીજી પ્રજાના લોકોમાંથી હતા. તોપણ તે ગરીબ યહૂદીઓને ખૂબ દયા બતાવતા હતા. તેઓને પૈસેટકે અને જરૂરી ચીજવસ્તુઓ આપીને મદદ કરતા હતા. આ નેક માણસ ‘હંમેશાં ઈશ્વરને કરગરીને પ્રાર્થના કરતા હતા.’—પ્રે.કા. ૧૦:૨.
૫ કર્નેલિયસ બપોરના ત્રણેક વાગ્યે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમને એક દર્શન થયું. દર્શનમાં દૂતે તેમને કહ્યું: “ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તું ગરીબોને જે મદદ કરે છે એના પર તેમણે ધ્યાન આપ્યું છે.” (પ્રે.કા. ૧૦:૪) પછી દૂતે તેમને કહ્યું કે તે માણસો મોકલીને પ્રેરિત પિતરને ઘરે બોલાવે. તેમણે એવું જ કર્યું. કર્નેલિયસને એવી તક મળવાની હતી, જે આજ સુધી સુન્નત ન થયેલા બીજી પ્રજાના લોકોને મળી ન હતી. તેમને ઉદ્ધારનો સંદેશો સાંભળવાની તક મળવાની હતી.
૬, ૭. (ક) યહોવા નમ્ર લોકોની પ્રાર્થના સાંભળે છે, એનો અનુભવ જણાવો. (ખ) એવા અનુભવોથી શું સાબિત થાય છે?
૬ આજે પણ ઘણા લોકો ઈશ્વરને ઓળખવા પ્રાર્થના કરે છે. શું ઈશ્વર એવા નમ્ર લોકોની પ્રાર્થના સાંભળે છે? ચાલો એક અનુભવ પર ધ્યાન આપીએ. આલ્બેનિયામાં એક બહેન ઘર ઘરના પ્રચારમાં એક સ્ત્રીને મળ્યાં. તેમણે એ સ્ત્રીને એક ચોકીબુરજ આપ્યું, જેમાં બાળકોના ઉછેર વિશે એક લેખ હતો. c સ્ત્રીએ કહ્યું: “તમે નહિ માનો, હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારી દીકરીઓનો સારો ઉછેર કરવા તે મને મદદ કરે. અને જુઓ, તેમણે તમને મોકલ્યા! મને લાગે છે કે આ ચોપડી મારા માટે જ છે.” પછી એ સ્ત્રીએ અને તેમની દીકરીઓએ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. આગળ જતાં તેમના પતિ પણ શીખવા લાગ્યા.
૭ શું આવા અનુભવો ક્યારેક જ થાય છે? ના! દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓને આવા ઘણા અનુભવો થયા છે અને થતા રહે છે. પણ આ બધું કંઈ એમ જ બનતું નથી. એ અનુભવોથી સાબિત થાય છે કે યહોવા એવા લોકોની પ્રાર્થના સાંભળે છે, જેઓ તેમને ઓળખવા માંગે છે. (૧ રાજા. ૮:૪૧-૪૩; ગીત. ૬૫:૨) એ પણ સાબિત થાય છે કે દૂતો આપણને પ્રચારમાં સાથ આપે છે.—પ્રકટી. ૧૪:૬, ૭.
‘પિતર મૂંઝવણમાં હતા’ (પ્રે.કા. ૧૦:૯-૨૩ક)
૮, ૯. ઈશ્વરે પવિત્ર શક્તિ દ્વારા પિતરને કયું માર્ગદર્શન આપ્યું? પિતરે શું કર્યું?
૮ ‘પિતર મૂંઝવણમાં હતા’ કે તેમણે જે દર્શન જોયું એનો શું અર્થ થતો હતો. તે ધાબા પર એ વિશે વિચારતા હતા એવામાં કર્નેલિયસના માણસો ઘરના દરવાજે આવીને ઊભા રહ્યા. (પ્રે.કા. ૧૦:૧૭) પિતરે હમણાં જ ત્રણ વાર એવા પ્રાણીઓ ખાવાની ના પાડી હતી, જે નિયમશાસ્ત્ર પ્રમાણે અશુદ્ધ હતા. તો હવે પિતર શું કરશે? શું તે આ માણસો સાથે એવી વ્યક્તિના ઘરે જશે જે યહૂદી નથી? ઈશ્વરે પવિત્ર શક્તિ દ્વારા પિતરને આ માર્ગદર્શન આપ્યું: “જો! ત્રણ માણસો તને શોધે છે. ઊઠ અને નીચે જા. કોઈ શંકા કર્યા વગર તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે.” (પ્રે.કા. ૧૦:૧૯, ૨૦) પિતરે જે દર્શન જોયું, એનાથી તેમને ઈશ્વરનું માર્ગદર્શન પાળવા ચોક્કસ મદદ મળી હશે.
૯ એ માણસોએ પિતરને જણાવ્યું કે એક દૂતે કર્નેલિયસ સાથે વાત કરી હતી, એટલે તેઓ તેમને લેવા આવ્યા છે. એ સાંભળીને પિતરે તેઓને અંદર બોલાવ્યા અને “પોતાના મહેમાન તરીકે રાખ્યા.” (પ્રે.કા. ૧૦:૨૩ક) પિતરે જે કર્યું એનાથી દેખાઈ આવે છે કે તેમણે ઈશ્વરના વિચારો પ્રમાણે પોતાના વિચારોમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું હતું.
૧૦. આજે યહોવા પોતાના લોકોને કઈ રીતે દોરે છે? આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૦ આજે યહોવા કઈ રીતે પોતાના લોકોને દોરે છે? પોતાના હેતુ વિશે સમયે સમયે માર્ગદર્શન આપીને. (નીતિ. ૪:૧૮) તે પોતાની પવિત્ર શક્તિ દ્વારા ‘વિશ્વાસુ અને સમજુ ચાકરને’ માર્ગદર્શન આપે છે. (માથ. ૨૪:૪૫) અમુક વાર બાઇબલના કોઈ સત્ય વિશે આપણી સમજણમાં ફેરફાર થાય છે અથવા સંગઠનની કામ કરવાની રીતમાં કોઈ ફેરફાર થાય છે. એ સમયે આ સવાલો પર વિચાર કરીએ: ‘એવા ફેરફારો થાય ત્યારે શું હું મારા વિચારો તરત બદલું છું? પવિત્ર શક્તિ દ્વારા મળતું માર્ગદર્શન ખુશી ખુશી પાળું છું?’
પિતરે “તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી” (પ્રે.કા. ૧૦:૨૩ખ-૪૮)
૧૧, ૧૨. કાઈસારીઆ પહોંચીને પિતરે શું કર્યું? પિતરને કઈ ખાતરી થઈ ગઈ?
૧૧ પિતરે દર્શન જોયું એના પછીના દિવસે, તે કર્નેલિયસના ત્રણ માણસો અને યાફાના “છ [યહૂદી] ભાઈઓ” સાથે કાઈસારીઆ જવા નીકળ્યા. (પ્રે.કા. ૧૧:૧૨) કાઈસારીઆમાં કર્નેલિયસ પિતરની રાહ જોતા હતા. તેમણે “પોતાનાં સગાં-વહાલાં અને નજીકના મિત્રોને” પોતાના ઘરે ભેગાં કર્યાં હતાં. કદાચ તેઓ યહૂદી ન હતાં. (પ્રે.કા. ૧૦:૨૪) પછી પિતરે એવું કંઈક કર્યું, જે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. તેમણે એવા માણસના ઘરે પગ મૂક્યો, જે સુન્નત ન થયેલી બીજી પ્રજામાંથી હતા. એ વિશે પિતરે કર્નેલિયસને કહ્યું: “તમે સારી રીતે જાણો છો કે એક યહૂદી માટે બીજી જાતિના લોકોની સંગત રાખવી કે હળવું-મળવું નિયમ વિરુદ્ધ છે. છતાં, ઈશ્વરે મને દેખાડ્યું કે મારે કોઈ માણસને અપવિત્ર કે અશુદ્ધ કહેવો નહિ.” (પ્રે.કા. ૧૦:૨૮) પિતર સમજી ગયા કે દર્શનથી ઈશ્વર તેમને એ શીખવવા માંગતા ન હતા કે તેમણે શું ખાવું કે શું ન ખાવું. પણ તે શીખવવા માંગતા હતા કે પિતરે ‘કોઈ પણ માણસને અપવિત્ર કહેવો નહિ,’ પછી ભલેને તે યહૂદી ન હોય.
૧૨ કર્નેલિયસના ઘરમાં ભેગા થયેલા લોકો પિતરને સાંભળવા આતુર હતા. કર્નેલિયસે પિતરને કહ્યું: ‘યહોવાએ જે જણાવવાની તમને આજ્ઞા કરી છે, એ બધું સાંભળવા અમે બધા લોકો ઈશ્વર આગળ ભેગા થયા છીએ.’ (પ્રે.કા. ૧૦:૩૩) જરા વિચારો, તમને પ્રચારમાં કોઈ આવું કહે તો તમને કેટલી ખુશી થશે! પિતરે આ દમદાર શબ્દોથી પોતાની વાત શરૂ કરી: “હવે હું ખરેખર સમજું છું કે ઈશ્વર પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.” (પ્રે.કા. ૧૦:૩૪, ૩૫) પિતરને ખાતરી થઈ ગઈ કે ઈશ્વર કોઈ જાતિ, દેશ કે રંગ જોતા નથી, પણ બધાને એકસરખા ગણે છે. પછી પિતરે ઈસુના સેવાકાર્ય, તેમના મરણ અને તેમના જીવતા થવા વિશે વાત કરી.
૧૩, ૧૪. (ક) સાલ ૩૬માં બીજી પ્રજાના લોકો ખ્રિસ્તી બન્યા ત્યારે શું દેખાઈ આવ્યું? (ખ) આપણે કેમ લોકોને જોઈને તેઓ વિશે પહેલેથી કંઈ ધારી ન લેવું જોઈએ?
૧૩ પછી એવું કંઈક બન્યું જે પહેલાં ક્યારેય બન્યું ન હતું: ‘પિતર હજુ તો વાત કરતા હતા એવામાં બીજી પ્રજાઓના આ લોકો’ પર પવિત્ર શક્તિ આવી. (પ્રે.કા. ૧૦:૪૪, ૪૫) બાપ્તિસ્મા પહેલાં કોઈને પવિત્ર શક્તિ મળી હોય, એવો બાઇબલમાં આ એક જ બનાવ નોંધેલો છે. પિતર સમજી ગયા કે યહોવાએ બીજી પ્રજાના લોકોનો સ્વીકાર કર્યો છે. એટલે તેમણે “બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી.” (પ્રે.કા. ૧૦:૪૮) આમ, સાલ ૩૬માં બીજી પ્રજાના લોકો ખ્રિસ્તી બન્યા ત્યારે, સાફ દેખાઈ આવ્યું કે યહૂદી પ્રજાએ યહોવાની ખાસ કૃપા ગુમાવી દીધી હતી. (દાનિ. ૯:૨૪-૨૭) એ સમયે પિતરે “સ્વર્ગના રાજ્યની” ત્રીજી અને છેલ્લી ‘ચાવી’ વાપરી. (માથ. ૧૬:૧૯) એનાથી સુન્નત ન થયેલા બીજી પ્રજાના લોકોને અભિષિક્ત બનવાનો લહાવો મળ્યો.
૧૪ આપણે જાણીએ છીએ કે “ઈશ્વર પક્ષપાત કરતા નથી.” (રોમ. ૨:૧૧) તે ચાહે છે કે “બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય.” (૧ તિમો. ૨:૪) એટલે ખુશખબર જણાવીએ ત્યારે, લોકોનો દેખાવ જોઈને પહેલેથી તેઓ વિશે કંઈ ધારી ન લઈએ. ઈસુએ આપણને આજ્ઞા આપી છે કે આપણે ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપીએ. એટલે આપણી જવાબદારી છે કે લોકોનો દેશ, ભાષા, ધર્મ કે દેખાવ જોયા વગર બધાને પ્રચાર કરીએ.
“તેઓ ચૂપ થઈ ગયા અને ઈશ્વરને મહિમા” આપવા લાગ્યા (પ્રે.કા. ૧૧:૧-૧૮)
૧૫, ૧૬. (ક) અમુક યહૂદી શિષ્યોને પિતરની કઈ વાતનું ખોટું લાગ્યું હતું અને કેમ? (ખ) પિતરે તેઓને કઈ રીતે સમજાવ્યું કે તેમણે જે કર્યું એમાં કંઈ ખોટું ન હતું?
૧૫ પિતર યરૂશાલેમના ભાઈઓને કાઈસારીઆમાં જે બન્યું એ જણાવવા ખૂબ આતુર હતા. એટલે તે યરૂશાલેમ જવા નીકળ્યા. પણ એવું લાગે છે કે પિતર ત્યાં પહોંચે એ પહેલાં તો યરૂશાલેમમાં વાત ફેલાઈ ગઈ હતી કે બીજી પ્રજાના લોકોએ “ઈશ્વરનો સંદેશો સ્વીકાર્યો છે.” પિતર યરૂશાલેમ પહોંચ્યા કે તરત “સુન્નતમાં માનનારા લોકો પિતરની ટીકા કરવા લાગ્યા.” તેઓને ખોટું લાગ્યું હતું, કેમ કે પિતર ‘એવા માણસોના ઘરે ગયા હતા, જેઓની સુન્નત થયેલી ન હતી અને તેઓ સાથે જમ્યા હતા.’ (પ્રે.કા. ૧૧:૧-૩) તેઓ એ વાતથી નારાજ ન હતા કે બીજી પ્રજાના લોકો ઈસુના શિષ્યો બન્યા હતા. પણ તેઓનું કહેવું હતું કે બીજી પ્રજાના લોકોએ યહોવાના ભક્તો બનવું હોય તો, નિયમશાસ્ત્ર પાળવું જોઈએ અને સુન્નત કરાવવી જોઈએ. શું બધા માટે એ સ્વીકારવું સહેલું હતું કે હવે મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જરૂરી નથી? ના, અમુક યહૂદી શિષ્યો d માટે એ અઘરું હતું.
૧૬ પિતરે એ શિષ્યોને કઈ રીતે સમજાવ્યું કે તેમણે જે કર્યું એમાં કંઈ ખોટું ન હતું? એનો જવાબ આપણને પ્રેરિતોનાં કાર્યો ૧૧:૪-૧૬માં મળે છે. પિતરે તેઓને આ ચાર પુરાવા આપીને સમજાવ્યું કે ઈશ્વરે તેમને બીજી પ્રજાના લોકોના ઘરે મોકલ્યા હતા: (૧) તેમને ઈશ્વર તરફથી દર્શન થયું હતું (કલમો ૪-૧૦); (૨) તેમને ઈશ્વરની પવિત્ર શક્તિ દ્વારા આજ્ઞા મળી હતી (કલમો ૧૧, ૧૨); (૩) દૂતે કર્નેલિયસ સાથે વાત કરી હતી (કલમો ૧૩, ૧૪) અને (૪) બીજી પ્રજાના લોકોને પવિત્ર શક્તિ મળી હતી. (કલમો ૧૫, ૧૬) છેલ્લે પિતરે આ જોરદાર સવાલથી પોતાની વાત પૂરી કરી: “આપણે માલિક ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકી હોવાથી ઈશ્વરે આપણને જે [પવિત્ર શક્તિનું] દાન આપ્યું છે, એ જ દાન તેમણે તેઓને પણ આપ્યું છે. તો પછી ઈશ્વરને અટકાવનાર હું કોણ?”—પ્રે.કા. ૧૧:૧૭.
૧૭, ૧૮. (ક) પિતરની વાત સાંભળીને યહૂદી શિષ્યોએ કયો નિર્ણય લેવાનો હતો? (ખ) આજે મંડળમાં એકતા જાળવી રાખવી કેમ અઘરું બની શકે છે? આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૭ પિતરની વાત સાંભળ્યા પછી એ શિષ્યોએ એક મોટો નિર્ણય લેવાનો હતો. શું તેઓ પૂરેપૂરી રીતે ભેદભાવ દૂર કરીને આ નવા શિષ્યોને પોતાનાં ભાઈ-બહેનો તરીકે સ્વીકારશે? કલમમાં જણાવ્યું છે: “આ વાત સાંભળી ત્યારે, તેઓ [એટલે કે પ્રેરિતો અને બીજા યહૂદી શિષ્યો] ચૂપ થઈ ગયા અને ઈશ્વરને મહિમા આપતા કહેવા લાગ્યા: ‘સાચે જ, ઈશ્વરે બીજી પ્રજાના લોકોને પણ પસ્તાવો કરવાની તક આપી છે, જેથી તેઓને જીવન મળે.’” (પ્રે.કા. ૧૧:૧૮) એ ભાઈ-બહેનોએ પોતાના વિચારોમાં ફેરફાર કર્યો. એના લીધે મંડળમાં એકતા જળવાઈ રહી.
૧૮ આજે પણ એકતા જાળવી રાખવી ક્યારેક અઘરું બની શકે છે. કેમ કે યહોવાના ભક્તો “દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી” આવે છે. (પ્રકટી. ૭:૯) ઘણાં મંડળોમાં ભાઈ-બહેનો અલગ અલગ જગ્યાએથી છે. તેઓની ભાષા અને ઉછેર એકદમ અલગ છે. એટલે આપણે આ સવાલો પર વિચાર કરીએ: ‘શું મારા દિલમાં ભેદભાવની જરા પણ છાંટ જોવા મળે છે? ભલે આજે દુનિયામાં લોકો દેશ, જાતિ કે સમાજને લીધે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા હોય, પણ શું મેં નક્કી કર્યું છે કે હું ભાઈ-બહેનો સાથે એવું ક્યારેય નહિ કરું?’ જોકે આપણામાં પણ ભેદભાવની લાગણી આવી શકે છે. યાદ કરો કે બીજી પ્રજાના લોકો ઈસુના શિષ્યો બન્યા એનાં થોડાં વર્ષો પછી કેફાસે (એટલે કે પિતરે) શું કર્યું હતું. અમુક યહૂદી ખ્રિસ્તીઓને લીધે પિતર બીજી પ્રજાના લોકોથી ‘દૂર દૂર રહેવા લાગ્યા’ હતા. એટલે પાઉલે પિતરના વિચારો સુધારવા પડ્યા. (ગલા. ૨:૧૧-૧૪) આપણે ખાસ ધ્યાન રાખીએ કે ક્યારેય કોઈની સાથે ભેદભાવ ન કરી બેસીએ. અરે, એવો વિચાર પણ મનમાં ન આવવા દઈએ!
પ્રે.કા. ૧૧:૧૯-૨૬ક)
‘ઘણી મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધા બતાવી’ (૧૯. અંત્યોખમાં યહૂદી શિષ્યોએ કોને ખુશખબર જણાવવાનું શરૂ કર્યું અને એનું શું પરિણામ આવ્યું?
૧૯ શું હવે ઈસુના શિષ્યો સુન્નત ન થયેલા બીજી પ્રજાના લોકોને ખુશખબર જણાવશે? ધ્યાન આપો કે થોડા સમય પછી સિરિયાના અંત્યોખમાં શું બન્યું. e એ શહેરમાં ઘણા યહૂદીઓ રહેતા હતા. ત્યાં યહૂદીઓ અને યહૂદી ન હોય એવા લોકો વચ્ચે સારા સંબંધો હતા. એટલે પ્રચાર કરવા માટે એ સારો વિસ્તાર હતો. અંત્યોખમાં અમુક યહૂદી શિષ્યોએ “ગ્રીક બોલતા લોકોને” ખુશખબર જણાવવાનું શરૂ કર્યું. (પ્રે.કા. ૧૧:૨૦) એ ગ્રીક બોલતા લોકોમાં યહૂદીઓ અને સુન્નત ન થયેલા બીજી પ્રજાના લોકોનો સમાવેશ થતો હતો. યહોવાએ પ્રચારકામ પર પુષ્કળ આશીર્વાદો આપ્યા અને ‘ઘણી મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધા બતાવી.’—પ્રે.કા. ૧૧:૨૧.
૨૦, ૨૧. બાર્નાબાસે કઈ રીતે બતાવ્યું કે તે નમ્ર હતા? તેમની જેમ આપણે પ્રચારકામમાં કઈ રીતે નમ્રતા બતાવી શકીએ?
૨૦ અંત્યોખમાં ખેતરો કાપણી માટે તૈયાર હતા, એટલે યરૂશાલેમના મંડળે બાર્નાબાસને અંત્યોખ મોકલ્યા. ત્યાં ઘણા બધા લોકોને સંદેશામાં રસ હતો. એટલે બાર્નાબાસ માટે એકલા હાથે બધું સંભાળવું અઘરું હતું. બાર્નાબાસને મદદ કરવા શાઉલ સૌથી યોગ્ય વ્યક્તિ હતા, કેમ કે તે આગળ જતાં બીજી પ્રજાઓ માટે પ્રેરિત બનવાના હતા. (પ્રે.કા. ૯:૧૫; રોમ. ૧:૫) પણ શું બાર્નાબાસે એવું વિચાર્યું કે ‘શાઉલ અંત્યોખ આવશે તો મને કોઈ નહિ પૂછે?’ ના, તે નમ્ર હતા. તે જાણતા હતા કે તેમને મદદની જરૂર હતી. એટલે તે શાઉલને શોધવા તાર્સસ ગયા અને તેમને અંત્યોખ લઈ આવ્યા. એક વર્ષ સુધી તેઓએ ભેગા મળીને ત્યાંનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું.—પ્રે.કા. ૧૧:૨૨-૨૬ક.
૨૧ આપણે કઈ રીતે પ્રચારકામમાં નમ્રતા બતાવી શકીએ અને પોતાની હદ પારખી શકીએ? આપણા બધામાં અલગ અલગ આવડતો છે, પણ એની સાથે સાથે અમુક નબળાઈઓ પણ છે. દાખલા તરીકે, અમુક ભાઈ-બહેનો ઘર ઘરનો પ્રચાર અને તક મળે ત્યારે પ્રચાર સારી રીતે કરી શકે છે. પણ તેઓને ફરી મુલાકાત કરવી અથવા બાઇબલ અભ્યાસ શરૂ કરવો અઘરું લાગે છે. જો તમને પણ ફરી મુલાકાત કરવી કે બીજી કોઈ રીતે પ્રચાર કરવો અઘરું લાગતું હોય, તો ભાઈ-બહેનોની મદદ લો. એમ કરશો તો સારી રીતે લોકોને શીખવી શકશો અને પ્રચારકામમાં વધારે ખુશી મળશે.—૧ કોરીં. ૯:૨૬.
‘ભાઈઓને રાહત’ મોકલવામાં આવી (પ્રે.કા. ૧૧:૨૬ખ-૩૦)
૨૨, ૨૩. અંત્યોખના ખ્રિસ્તીઓએ કઈ રીતે બતાવ્યું કે તેઓ ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરે છે? આજે યહોવાના ભક્તો કઈ રીતે તેઓના દાખલાને અનુસરે છે?
૨૨ “ઈશ્વરના માર્ગદર્શનથી સૌથી પહેલી વાર શિષ્યો અંત્યોખમાં ખ્રિસ્તીઓ કહેવાયા.” (પ્રે.કા. ૧૧:૨૬ખ) એ શિષ્યો ખ્રિસ્તને પગલે ચાલતા હતા. એટલે તેઓ માટે એ નામ એકદમ બરાબર હતું. પણ બીજી પ્રજાના લોકો ખ્રિસ્તીઓ બન્યા ત્યારે શું યહૂદી ખ્રિસ્તીઓ અને તેઓ વચ્ચે પ્રેમ અને સંપ હતો? હા, ચોક્કસ! ધ્યાન આપો કે આશરે સાલ ૪૬માં યહૂદિયામાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે શું બન્યું. f એ દિવસોમાં દુકાળની સૌથી વધારે અસર ગરીબોને થતી હતી. કેમ કે તેઓ પાસે કોઈ બચત કે વધારાનો ખોરાક ન હતો. ભારે દુકાળ પડ્યો ત્યારે યહૂદિયાનાં ભાઈ-બહેનોએ વધારે સહન કરવું પડ્યું, કેમ કે તેઓમાંથી મોટા ભાગનાં બહુ ગરીબ હતાં. અંત્યોખના યહૂદી અને બીજી પ્રજાના ખ્રિસ્તીઓને એ વાતની ખબર પડી ત્યારે, તેઓએ ‘યહૂદિયામાં રહેતા ભાઈઓને રાહત મોકલી આપી.’ (પ્રે.કા. ૧૧:૨૯) એનાથી દેખાઈ આવે છે કે અંત્યોખના ખ્રિસ્તીઓ પોતાનાં ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરતા હતા.
૨૩ આજે પણ યહોવાના ભક્તો વચ્ચે પ્રેમ અને એકતા જોવા મળે છે. જ્યારે આપણને ખબર પડે છે કે આપણા વિસ્તારનાં કે બીજા કોઈ દેશનાં ભાઈ-બહેનો મુસીબતમાં છે, ત્યારે આપણે તરત મદદનો હાથ લંબાવીએ છીએ. જેમ કે, કોઈ વિસ્તારમાં તોફાન, ધરતીકંપ કે સુનામી જેવી કુદરતી આફતો આવે ત્યારે શાખા સમિતિ જરાય મોડું કર્યા વગર રાહત સમિતિઓની ગોઠવણ કરે છે. એનાથી આફતનો ભોગ બનેલાં ભાઈ-બહેનોને જરૂરી મદદ મળે છે. એ બધી ગોઠવણો બતાવે છે કે આપણે ભાઈ-બહેનોને સાચો પ્રેમ કરીએ છીએ.—યોહા. ૧૩:૩૪, ૩૫; ૧ યોહા. ૩:૧૭.
૨૪. પિતરને દર્શનમાંથી જે બોધપાઠ મળ્યો, એ આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ?
૨૪ યહોવાએ પિતરને યાફામાં એક દર્શન બતાવ્યું. એમાંથી પિતરને સરસ બોધપાઠ મળ્યો કે યહોવા પક્ષપાત કરતા નથી. તે ચાહે છે કે બધા લોકોને પૂરેપૂરી સાક્ષી આપવામાં આવે, પછી ભલે તેઓ કોઈ પણ ભાષા, દેશ કે જાતિના હોય. આજે આપણે પણ એ વાત હંમેશાં મનમાં રાખવા માંગીએ છીએ. એટલે ચાલો, સંદેશો સાંભળવા તૈયાર હોય એ દરેકને ખુશખબર જણાવીએ અને તેઓને યહોવાના ભક્ત બનવાની તક આપીએ.—રોમ. ૧૦:૧૧-૧૩.
a ચામડાનું કામ કરતા લોકોએ પ્રાણીઓનાં મડદાંને અને એની ખાલને અડકવું પડતું હતું. ચામડું બનાવવા તેઓ ચીતરી ચઢે એવી અમુક ચીજવસ્તુઓનો પણ ઉપયોગ કરતા હતા, જેમ કે કૂતરાનું મળ. એટલે અમુક યહૂદીઓ તેઓને નીચા ગણતા હતા. તેઓ ચાહતા ન હતા કે ચામડું બનાવનારાઓ મંદિરમાં આવે. વધુમાં એવા લોકોએ શહેરની સરહદથી ઓછામાં ઓછા ૨૦ મીટર દૂર પોતાનો વેપાર કરવાનો હતો. કદાચ એ કારણે સિમોનનું ઘર “દરિયા કિનારે” હતું.—પ્રે.કા. ૧૦:૬.
b “ કર્નેલિયસ અને રોમન સેના” બૉક્સ જુઓ.
c નવેમ્બર ૧, ૨૦૦૬ ચોકીબુરજ પાન ૪-૭ પર આ લેખ આવ્યો હતો: “બાળકોને સારી રીતે ઉછેરવાં માટે ઉપયોગી સલાહ.”
d જે યહૂદી લોકો ઈસુના શિષ્યો બન્યા, એટલે કે ખ્રિસ્તીઓ બન્યા, તેઓને યહૂદી શિષ્યો અથવા યહૂદી ખ્રિસ્તીઓ કહેવામાં આવ્યા.
e “ સિરિયાનું અંત્યોખ” બૉક્સ જુઓ.
f યહૂદી ઇતિહાસકાર જોસેફસે પોતાના પુસ્તકમાં લખ્યું કે સમ્રાટ ક્લોદિયસ રાજ કરતો હતો એ સમયગાળામાં, એટલે કે સાલ ૪૧-૫૪માં આ ભયંકર દુકાળ પડ્યો હતો.