સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨

“તમે મારા સાક્ષી થશો”

“તમે મારા સાક્ષી થશો”

ઈસુએ કઈ રીતે પોતાના શિષ્યોને પ્રચારકામમાં આગેવાની લેવા તૈયાર કર્યા?

પ્રેરિતોનાં કાર્યો ૧:૧-૨૬ના આધારે

૧-૩. (ક) ઈસુ આકાશમાં ગયા એ બનાવ વિશે જણાવો. (ખ) એ બનાવથી કેવા સવાલો થઈ શકે?

 પ્રેરિતો અમુક અઠવાડિયાં પહેલાં ઈસુના મરણને લીધે દુઃખી હતા. પણ હવે ઈસુ જીવતા થયા છે, એ જાણીને તેઓની ખુશીનો પાર નથી. પાછલા ૪૦ દિવસોમાં ઈસુ તેઓને ઘણી વાર દેખાયા. એ દરમિયાન તેમણે પ્રેરિતોને ઘણી વાતો શીખવી અને તેઓની હિંમત વધારી. તેઓને ઈસુનો સાથ એટલો ગમે છે કે તેઓ નથી ચાહતા કે ઈસુ તેઓને છોડીને જાય. પણ આ વખતે ઈસુ તેઓને છેલ્લી વાર મળે છે.

ઈસુ પ્રેરિતો સાથે જૈતૂન પર્વત પર ઊભા છે. તે તેઓને સલાહ-સૂચનો આપે છે અને તેઓ તેમની એકેએક વાત ધ્યાનથી સાંભળે છે. પછી ઈસુ પોતાની વાત પૂરી કરે છે. તે પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપે છે. એ જ સમયે તે પૃથ્વી પરથી આકાશમાં ચઢવા લાગે છે. પ્રેરિતો તેમને એકીટસે જુએ છે. જોતજોતામાં એક વાદળ તેમને ઢાંકી દે છે. હવે ઈસુ દેખાતા નથી, તોપણ પ્રેરિતો ઊભા ઊભા આકાશ તરફ તાકીને જોયા કરે છે.—લૂક ૨૪:૫૦; પ્રે.કા. ૧:૯, ૧૦.

પ્રેરિતોનું આખું જીવન બદલાઈ જાય છે, કેમ કે માલિક ઈસુ સ્વર્ગમાં જતા રહ્યા છે. તો હવે પ્રેરિતો શું કરશે? આપણે ખાતરી રાખી શકીએ કે ઈસુએ જે કામ શરૂ કર્યું હતું એ તેઓ ચાલુ રાખશે. ઈસુએ તેઓને એ ખાસ કામ માટે કઈ રીતે તૈયાર કર્યા અને તેઓએ એ કામ કઈ રીતે પૂરું કર્યું? આપણે એ બનાવમાંથી શું શીખી શકીએ? એ સવાલોના જવાબ આપણને પ્રેરિતોનાં કાર્યોનાં પહેલા અધ્યાયમાંથી મળે છે.

“ઘણા પુરાવા” આપ્યા (પ્રે.કા. ૧:૧-૫)

૪. લૂકે પ્રેરિતોનાં કાર્યો પુસ્તકની શરૂઆત કઈ રીતે કરી?

લૂકે પ્રેરિતોનાં કાર્યો પુસ્તક થિયોફિલ નામના માણસને સંબોધીને લખ્યું હતું. તેમણે લૂકનું પુસ્તક એ જ માણસને લખ્યું હતું. a તેમણે લૂકનું પુસ્તક જે બનાવોથી પૂરું કર્યું, એ બનાવોથી પ્રેરિતોનાં કાર્યોના પુસ્તકની શરૂઆત કરી. પણ એ બનાવો માટે તેમણે પ્રેરિતોનાં કાર્યોમાં થોડા અલગ શબ્દો વાપર્યા અને થોડી વધારે માહિતી આપી. આમ, કહી શકાય કે લૂકના પુસ્તકમાં જે બનાવો વિશે જણાવ્યું છે, એ પછીના બનાવો વિશે પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં માહિતી છે.

૫, ૬. (ક) શિષ્યોની શ્રદ્ધા મજબૂત રહે એ માટે ઈસુએ શું કર્યું? (ખ) આજે આપણી શ્રદ્ધા કયા નક્કર પુરાવાને આધારે છે?

શિષ્યોની શ્રદ્ધા મજબૂત રહે એ માટે ઈસુએ શું કર્યું? પ્રેરિતોનાં કાર્યો ૧:૩માં લખ્યું છે: “ઈસુએ પ્રેરિતોને ઘણા પુરાવા આપીને બતાવ્યું કે તે જીવે છે.” “ઘણા પુરાવા” માટે ગ્રીક ભાષામાં જે શબ્દ વપરાયો છે, એ આખા બાઇબલમાં ફક્ત ‘વહાલા વૈદ’ લૂકે વાપર્યો છે. (કોલો. ૪:૧૪) એ જમાનામાં એ શબ્દ વૈદોનાં લખાણમાં જોવા મળતો હતો અને એનો અર્થ થતો હતો કે પુરાવો એકદમ સચોટ અને ભરોસાપાત્ર છે. ઈસુએ પોતાના વિશે એવા જ નક્કર પુરાવા આપ્યા. તેમને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા એ પછી તે ઘણી વાર પોતાના શિષ્યોને દેખાયા. અમુક વાર તે એક બે શિષ્યોને, તો અમુક વાર બધા પ્રેરિતોને દેખાયા. એક સમયે તો તે ૫૦૦ કરતાં વધારે શિષ્યોને દેખાયા. (૧ કોરીં. ૧૫:૩-૬) સાચે જ, ઈસુએ નક્કર પુરાવા આપીને સાબિત કર્યું કે તેમને જીવતા કરવામાં આવ્યા છે!

આજે સાચા ભક્તોની શ્રદ્ધા પણ નક્કર પુરાવાને આધારે છે. શું આપણી પાસે પુરાવો છે કે ઈસુ પૃથ્વી પર જીવ્યા હતા, આપણાં પાપો માટે મરણ પામ્યા હતા અને તેમને જીવતા કરવામાં આવ્યા હતા? હા છે. એ બનાવો લોકોએ નજરોનજર જોયા હોય, એવા અનેક પુરાવા બાઇબલમાં છે. જો આપણે બાઇબલનો સારો અભ્યાસ કરીશું અને એને સમજવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીશું, તો આપણી શ્રદ્ધા વધારે મજબૂત થશે. યાદ રાખીએ, પાકી શ્રદ્ધા નક્કર પુરાવા પર આધાર રાખે છે. આંખ બંધ કરીને ભરોસો કરવાથી એવી શ્રદ્ધા કેળવી નહિ શકીએ. હંમેશ માટેનું જીવન મેળવવા પાકી શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે.—યોહા. ૩:૧૬.

૭. ઈસુના પ્રચારનો મુખ્ય વિષય કયો હતો અને એમાંથી આપણે શું શીખી શકીએ?

પુરાવા આપવાની સાથે સાથે ઈસુએ “ઈશ્વરના રાજ્ય વિશે વાતો” જણાવી. દાખલા તરીકે, તેમણે એ ભવિષ્યવાણીઓનો અર્થ સમજાવ્યો જેમાં જણાવ્યું હતું કે મસીહે દુઃખ સહીને મરવું પડશે. (લૂક ૨૪:૧૩-૩૨, ૪૬, ૪૭) ઈસુએ મસીહ તરીકેની પોતાની ભૂમિકા વિશે સમજાવ્યું ત્યારે પણ તેમણે ઈશ્વરના રાજ્ય પર ખાસ ભાર મૂક્યો, કેમ કે તેમને એ રાજ્યના રાજા પસંદ કરવામાં આવ્યા હતા. ઈશ્વરનું રાજ્ય એ હંમેશાં ઈસુના પ્રચારનો મુખ્ય વિષય હતો. આજે ઈસુના શિષ્યોના પ્રચારનો મુખ્ય વિષય પણ એ જ છે.—માથ. ૨૪:૧૪; લૂક ૪:૪૩.

“પૃથ્વીના છેડા સુધી” (પ્રે.કા. ૧:૬-૧૨)

૮, ૯. (ક) પ્રેરિતોનાં મનમાં કયા બે ખોટા વિચારો હતા? (ખ) ઈસુએ કઈ રીતે તેઓના વિચારો સુધાર્યા? એનાથી સાચા ભક્તોને શું શીખવા મળે છે?

જૈતૂન પર્વત પર પ્રેરિતોની ઈસુ સાથે આ છેલ્લી મુલાકાત હતી. તેઓ ઈસુ પાસેથી કંઈક જાણવા આતુર હતા. એટલે તેઓએ પૂછ્યું: “માલિક, શું તમે આ સમયે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપી રહ્યા છો?” (પ્રે.કા. ૧:૬) એ સવાલથી ખબર પડે છે કે તેઓનાં મનમાં બે ખોટા વિચારો ચાલી રહ્યા હતા. એક, તેઓને લાગતું હતું કે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી ઈશ્વરનું રાજ્ય બનશે. બે, તેઓ આશા રાખતા હતા કે ઈશ્વરનું રાજ્ય “આ સમયે,” એટલે કે તરત જ શરૂ થશે. ઈસુએ તેઓના વિચારો કઈ રીતે સુધાર્યા?

ઈસુ જાણતા હતા કે પ્રેરિતોનો એક ખોટો વિચાર તો બહુ જલદી દૂર થઈ જશે અને એવું જ થયું. દસ દિવસ પછી તેઓએ પોતાની નજરે નવી પ્રજા, એટલે કે ઈશ્વરનું ઇઝરાયેલ બનતા જોઈ. એ સમયથી ઇઝરાયેલી પ્રજા યહોવાની પસંદ કરેલી પ્રજા ન રહી. ઈસુએ તેઓનો બીજો ખોટો વિચાર સુધારવા પ્રેમથી સલાહ આપી: “એ સમયો અથવા દિવસો વિશે તમારે જાણવાની જરૂર નથી. એ સમયો અને દિવસો ઠરાવવાનો અધિકાર પિતાએ પોતાની પાસે રાખ્યો છે.” (પ્રે.કા. ૧:૭) એટલે કહી શકાય કે ફક્ત યહોવા પાસે નક્કી કરવાનો અધિકાર છે કે એ દિવસ અને ઘડી ક્યારે આવશે. ઈસુએ પોતાના મરણના થોડા દિવસ પહેલાં જણાવ્યું કે તે પોતે પણ એ “દિવસ અને ઘડી” વિશે કંઈ જાણતા નથી, “પિતા સિવાય કોઈ જાણતું નથી.” (માથ. ૨૪:૩૬) આજે સાચા ભક્તોએ ચિંતા ન કરવી જોઈએ કે દુનિયાના અંતનો દિવસ અથવા ઘડી ક્યારે આવશે, કેમ કે એ તેઓના અધિકારમાં નથી.

૧૦. પ્રેરિતોના સવાલથી તેઓ વિશે કઈ વાત જાણવા મળે છે? આપણે કેમ જાગતા રહેવું જોઈએ?

૧૦ ભલે પ્રેરિતોના વિચારો ખોટા હતા, પણ આપણે તેઓ વિશે મનમાં ખોટી છાપ ઊભી ન કરવી જોઈએ. તેઓએ તો શ્રદ્ધાનો જોરદાર દાખલો બેસાડ્યો છે. ઈસુએ તેઓને સુધાર્યા ત્યારે તેઓએ નમ્રતાથી પોતાના વિચારોમાં ફેરફાર કર્યો. પ્રેરિતોના સવાલથી તેઓ વિશે એક સારી વાત જાણવા મળે છે. તેઓ સજાગ હતા અને એ પુરાવા ધ્યાનથી શોધતા હતા, જેનાથી ખબર પડે કે યહોવા આગળ જતાં શું કરવાના છે. આમ તેઓએ ઈસુની આ સલાહ માની જે તે વારંવાર આપતા હતા: “જાગતા રહો.” (માથ. ૨૪:૪૨; ૨૫:૧૩; ૨૬:૪૧) આપણે પણ પ્રેરિતોની જેમ જાગતા રહેવું જોઈએ. ખાસ કરીને, આજે આપણે “છેલ્લા દિવસોમાં” જીવીએ છીએ એટલે એમ કરવું ખૂબ જરૂરી છે.—૨ તિમો. ૩:૧-૫.

૧૧, ૧૨. (ક) ઈસુએ પ્રેરિતોને કયું કામ સોંપ્યું હતું? (ખ) ઈસુએ પ્રેરિતોને પ્રચારની આજ્ઞા આપતા પહેલાં કેમ પવિત્ર શક્તિ વિશે જણાવ્યું?

૧૧ ઈસુએ પ્રેરિતોને યાદ અપાવ્યું કે તેઓ માટે કયું કામ સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. તેમણે કહ્યું: “પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે. તમે યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.” (પ્રે.કા. ૧:૮) ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા એ વિશે પ્રેરિતોએ ક્યાં ક્યાં પ્રચાર કરવાનો હતો? સૌથી પહેલા, યરૂશાલેમમાં જ્યાં ઈસુને મારી નાખવામાં આવ્યા હતા. એ પછી આખા યહૂદિયામાં, સમરૂનમાં અને દૂર દૂરના વિસ્તારો સુધી પ્રચાર કરવાનો હતો.

૧૨ ઈસુએ પ્રેરિતોને પ્રચાર કરવાની આજ્ઞા આપી. પણ એ પહેલાં તેમણે યાદ અપાવ્યું કે તે તેઓને મદદ કરવા પવિત્ર શક્તિ મોકલશે. મૂળ ભાષામાં પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં ૪૦થી વધારે વખત ‘પવિત્ર શક્તિનો’ ઉલ્લેખ થયો છે. આ પુસ્તકમાં વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે કે પવિત્ર શક્તિ વગર આપણે યહોવાની ઇચ્છા પૂરી કરી શકતા નથી. એટલે આપણે એ માટે યહોવાને વારંવાર પ્રાર્થના કરવી જોઈએ. (લૂક ૧૧:૧૩) આજે આપણને પહેલાં કરતા વધારે પવિત્ર શક્તિની જરૂર છે.

૧૩. આજે પ્રચારકામ કેટલા મોટા પાયે થઈ રહ્યું છે? આપણે કેમ એ કામમાં બનતું બધું કરવું જોઈએ?

૧૩ “પૃથ્વીના છેડા સુધી” પ્રચાર કરવામાં આવશે એ ભવિષ્યવાણી પહેલી સદી કરતાં આજે મોટા પાયે પૂરી થઈ રહી છે. આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા કે યહોવાના સાક્ષીઓ પૃથ્વીના ખૂણે ખૂણે જઈને લોકોને ખુશીથી પ્રચાર કરે છે, કેમ કે યહોવાની ઇચ્છા છે કે દરેક પ્રકારના લોકો તેમના રાજ્યની ખુશખબર સાંભળે. (૧ તિમો. ૨:૩, ૪) તમે પણ આ જીવન બચાવનાર કામમાં ભાગ લેવા બનતું બધું કરતા હશો. એ કામમાં ભાગ લઈને તમને અનેરી ખુશી મળતી હશે, એવી ખુશી જેની તોલે બીજું કંઈ ન આવે. એ કામ પૂરું કરવા યહોવા તમને જરૂરી બળ આપશે. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં આ બે બાબતો શીખવા મળશે: પ્રચારમાં સારાં પરિણામ મળે એ માટે કેવી રીતો વાપરવી જોઈએ અને પ્રચાર માટે કેવું વલણ રાખવું જોઈએ.

૧૪, ૧૫. (ક) ખ્રિસ્ત કઈ રીતે પાછા આવશે એ વિશે દૂતોએ શું કહ્યું અને તેઓ શું કહેવા માંગતા હતા? (ફૂટનોટ પણ જુઓ.) (ખ) આપણે કેમ એવું માનીએ છીએ કે ખ્રિસ્ત જે રીતે ગયા હતા, “એ જ રીતે” પાછા આવ્યા?

૧૪ આ પ્રકરણની શરૂઆતમાં આપેલો બનાવ યાદ કરો. ઈસુ પૃથ્વી પરથી સ્વર્ગમાં જઈ રહ્યા હતા. પછી એક વાદળે તેમને ઢાંકી દીધા. હવે તે ૧૧ પ્રેરિતોને દેખાતા ન હતા, તોપણ તેઓ ઊભા રહીને આકાશ તરફ જોઈ રહ્યા હતા. એવામાં બે દૂતો તેઓ પાસે આવ્યા. એ દૂતોએ પ્રેમથી તેઓને ઠપકો આપ્યો અને કહ્યું: “ઓ ગાલીલના માણસો, તમે કેમ આકાશ તરફ જોઈ રહ્યા છો? આ ઈસુ, જેમને તમારી પાસેથી ઉપર આકાશમાં લઈ લેવામાં આવ્યા છે, તેમને જે રીતે તમે આકાશમાં જતા જોયા, એ જ રીતે તે પાછા આવશે.” (પ્રે.કા. ૧:૧૧) ઘણા ધર્મો શીખવે છે કે ઈસુ જે રૂપમાં ગયા, એ જ રૂપમાં તે પાછા આવશે. પણ દૂતો એવું કહેવા માંગતા ન હતા. આપણે કેમ એવું માનીએ છીએ?

૧૫ ધ્યાન આપો કે દૂતોએ પ્રેરિતોને કહ્યું કે ઈસુ “એ જ રીતે” પાછા આવશે. તેઓએ એવું ન કહ્યું કે ઈસુ એ જ રૂપમાં, એટલે કે માણસના રૂપમાં પાછા આવશે. b ઈસુ કઈ રીતે સ્વર્ગમાં ગયા? તે સ્વર્ગમાં જતા હતા ત્યારે પ્રેરિતો થોડી વાર સુધી તેમને જોઈ શક્યા. પછી એક વાદળે તેમને ઢાંકી દીધા. દૂતોએ પ્રેરિતો સાથે વાત કરી ત્યાં સુધી તો ઈસુ અદૃશ્ય થઈ ગયા હતા. એ સમયે ઈસુના શિષ્યોમાંથી અમુક પ્રેરિતો જ સમજી શક્યા કે તે પૃથ્વી પરથી સ્વર્ગમાં પોતાના પિતા પાસે જઈ રહ્યા છે. દૂતોએ કહ્યું હતું કે ખ્રિસ્ત એ જ રીતે પાછા આવશે અને એવું જ થયું. આજે બાઇબલની મદદથી અમુક લોકો પારખી શક્યા છે કે ઈસુ પાછા આવ્યા છે, એટલે કે તે ઈશ્વરના રાજ્યના રાજા તરીકે રાજ કરે છે. (લૂક ૧૭:૨૦) આપણે પણ એ સાબિતીઓ પર ધ્યાન આપીએ, જેનાથી ખબર પડે છે કે ઈસુ રાજ કરે છે. તેમ જ, બીજાઓને એ વિશે જણાવીએ, જેથી તેઓ વહેલી તકે યહોવાની ભક્તિમાં જોડાઈ શકે.

“કોને પસંદ કર્યો છે એ જણાવો” (પ્રે.કા. ૧:૧૩-૨૬)

૧૬-૧૮. (ક) પ્રેરિતોનાં કાર્યો ૧:૧૩, ૧૪માંથી સભાઓ વિશે શું શીખવા મળે છે? (ખ) ઈસુની મા મરિયમ પાસેથી શું શીખવા મળે છે? (ગ) આજે સભાઓ આપણા માટે કેમ મહત્ત્વની છે?

૧૬ ઈસુ સ્વર્ગમાં ગયા પછી પ્રેરિતો “આનંદ કરતાં કરતાં યરૂશાલેમ પાછા ફર્યા.” (લૂક ૨૪:૫૨) શું પ્રેરિતોએ એ સૂચનો પાળ્યાં જે ઈસુએ જતા પહેલાં આપ્યાં હતાં? પ્રેરિતોનાં કાર્યો ૧:૧૩, ૧૪માં જણાવ્યું છે કે તેઓ “ઉપરના ઓરડામાં” ભેગા થયા. આ કલમોમાંથી ભેગા મળવા વિશે અમુક સરસ બાબતો શીખવા મળે છે. એ જમાનામાં પેલેસ્ટાઈનનાં મોટા ભાગનાં ઘરોમાં ઉપર એક ઓરડો હતો. એ ઓરડામાં જવા ઘરની બહાર દાદરા હતા. શિષ્યો જે “ઉપરના ઓરડામાં” ભેગા થયા હતા એ કદાચ પ્રેરિતોનાં કાર્યો ૧૨:૧૨માં જણાવેલું ઘર હોય શકે, જે માર્કની માનું હતું. એ એક સામાન્ય ઓરડો હતો જ્યાં શિષ્યો શાંતિથી ભેગા મળી શકતા હતા. ત્યાં કોણ કોણ હતા અને તેઓએ શું કર્યું?

૧૭ ધ્યાન આપો કે ત્યાં ફક્ત પ્રેરિતો કે પુરુષો જ ન હતા, “અમુક સ્ત્રીઓ” પણ હતી. તેઓમાં ઈસુની મા મરિયમ પણ હતાં. બાઇબલમાં આ છેલ્લી વાર તેમનો ઉલ્લેખ થયો છે. એ જાણીને ઘણું ઉત્તેજન મળે છે કે તે નમ્ર બનીને બીજાં ભાઈ-બહેનો સાથે યહોવાની ભક્તિ કરતા હતાં. તે એવું બતાવવાની કોશિશ કરતા ન હતાં કે તે બીજાઓથી ચઢિયાતાં છે. તે એ વાતથી ખુશ હશે કે તેમના બીજા ચાર દીકરાઓ તેમની સાથે છે, કેમ કે અગાઉ તેઓ ઈસુમાં માનતા ન હતા. (માથ. ૧૩:૫૫; યોહા. ૭:૫) ઈસુનું મરણ થયું અને તેમને જીવતા કરવામાં આવ્યા એ પછી તેઓએ ઈસુ પર શ્રદ્ધા મૂકી હતી.—૧ કોરીં. ૧૫:૭.

૧૮ શિષ્યોએ ભેગા મળીને શું કર્યું? કલમમાં જણાવ્યું છે કે “તેઓ બધા એકમનથી સતત પ્રાર્થના કરતા હતા.” (પ્રે.કા. ૧:૧૪) ભક્તિ માટે ભેગા મળવું એ ઈશ્વરભક્તો માટે હંમેશાંથી મહત્ત્વનું રહ્યું છે. આપણે સભાઓમાં ભેગા મળીને એકબીજાની હિંમત વધારીએ છીએ. ત્યાં આપણને જરૂરી સલાહ-સૂચનો મળે છે. સૌથી ખાસ તો આપણે ભેગા મળીને પિતા યહોવાની ભક્તિ કરીએ છીએ. સભાઓમાં કરેલી પ્રાર્થનાઓ અને આપણાં સ્તુતિગીતો સાંભળીને યહોવા બહુ ખુશ થાય છે અને એમ કરવું આપણા માટે જરૂરી પણ છે. સભાઓથી આપણને ઉત્તેજન મળે છે, એટલે ચાલો ક્યારેય ભેગા મળવાનું પડતું ન મૂકીએ.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.

૧૯-૨૧. (ક) પિતર ફરીથી યહોવાના કામમાં આવ્યા, એમાંથી શું શીખવા મળે છે? (ખ) યહૂદાની જગ્યાએ નવા પ્રેરિતને કેમ પસંદ કરવામાં આવ્યા? જે રીતે પસંદગી કરવામાં આવી એમાંથી શું શીખવા મળે છે?

૧૯ હવે શિષ્યો સામે એક મહત્ત્વનો મુદ્દો ઊભો થયો હતો. પ્રેરિત પિતરે એ મુદ્દો બધા આગળ રજૂ કર્યો. (કલમો ૧૫-૨૬) આ એ જ પિતર છે જેમણે થોડાં અઠવાડિયાં પહેલાં ત્રણ વખત ઈસુને ઓળખવાની ના પાડી હતી. (માર્ક ૧૪:૭૨) કેટલી ખુશીની વાત છે કે પિતર ફરીથી યહોવાના કામમાં આવી રહ્યા હતા. આપણે બધા પાપ કરી બેસીએ છીએ, પણ યાદ રાખીએ કે યહોવા ‘ભલા છે.’ જે લોકો સાચો પસ્તાવો કરે છે તેઓને તે ‘માફ કરવા તૈયાર છે.’—ગીત. ૮૬:૫.

૨૦ પિતર સમજી શક્યા કે યહૂદા ઇસ્કારિયોતની જગ્યાએ પ્રેરિત તરીકે બીજા કોઈની પસંદગી થવી જોઈએ. પણ એ કોણ હશે? એવી વ્યક્તિ જે ઈસુના સેવાકાર્યની શરૂઆતથી છેક સુધી તેમની સાથે રહી હોય અને જેણે ઈસુને મરણમાંથી જીવતા થયેલા જોયા હોય. (પ્રે.કા. ૧:૨૧, ૨૨) ઈસુએ પણ વચન આપ્યું હતું: “મારી પાછળ આવનારા તમે ૧૨ રાજ્યાસનો પર બેસીને ઇઝરાયેલનાં ૧૨ કુળોનો ન્યાય કરશો.” (માથ. ૧૯:૨૮) વધુમાં બાઇબલમાં જણાવ્યું છે કે નવા યરૂશાલેમમાં “પાયાના ૧૨ પથ્થરો” હશે. એ બતાવે છે કે યહોવા ચાહતા હતા કે ભાવિમાં ૧૨ પ્રેરિતો નવા યરૂશાલેમનો પાયો બને. તેમ જ, તેઓ એવી વ્યક્તિઓમાંથી હોય, જેઓ ઈસુના સેવાકાર્ય દરમિયાન તેમની સાથે ચાલ્યા હતા. (પ્રકટી. ૨૧:૨, ૧૪) આમ યહોવાની મદદથી પિતર સમજી શક્યા કે ગીતશાસ્ત્ર ૧૦૯:૮ની ભવિષ્યવાણી યહૂદાને લાગુ પડતી હતી. ત્યાં લખ્યું છે: “દેખરેખ રાખનાર તરીકેની જવાબદારી કોઈ બીજો લઈ લે.”

૨૧ નવા પ્રેરિતની પસંદગી કઈ રીતે થઈ? ચિઠ્ઠીઓ નાખીને. બાઇબલ સમયમાં પસંદગી કરવાની એ એક સામાન્ય રીત હતી. (નીતિ. ૧૬:૩૩) ચિઠ્ઠીઓ નાખવા વિશે બાઇબલમાં નોંધેલો આ છેલ્લો બનાવ છે. શિષ્યો પર પવિત્ર શક્તિ રેડવામાં આવી ત્યારથી કદાચ પસંદગી માટે એ રીત વાપરવાનું બંધ થયું. નવા પ્રેરિત માટે કેમ ચિઠ્ઠીઓ નાખવામાં આવી? એનો જવાબ આપણને પ્રેરિતોની પ્રાર્થનામાંથી મળે છે: “ઓ યહોવા, તમે બધા લોકોનાં દિલ જાણો છો. તમે આ બંનેમાંથી કોને પસંદ કર્યો છે એ જણાવો.” (પ્રે.કા. ૧:૨૩, ૨૪) પ્રેરિતો ચાહતા હતા કે યહોવા એ પસંદગી કરે. ચિઠ્ઠીઓ નાખીને માથ્થિયાસની પસંદગી કરવામાં આવી. ઈસુએ જે ૭૦ શિષ્યોને પ્રચાર માટે મોકલ્યા હતા, તેઓમાં કદાચ માથ્થિયાસ પણ હતા. આમ માથ્થિયાસ “બાર” પ્રેરિતોમાંના એક ગણાયા. cપ્રે.કા. ૬:૨.

૨૨, ૨૩. આપણે કેમ વડીલોને આધીન રહેવું જોઈએ?

૨૨ આ પ્રસંગથી જોવા મળે છે કે ઈશ્વરના લોકો સંગઠિત હોય એ ખૂબ જરૂરી છે. આજે પણ મંડળમાં દેખરેખ રાખવા જવાબદાર ભાઈઓને પસંદ કરવામાં આવે છે. એ પસંદગી કરતી વખતે વડીલો બાઇબલમાં આપેલી લાયકાતો ધ્યાનથી તપાસે છે. વધુમાં તેઓ માર્ગદર્શન માટે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગે છે. એટલે મંડળનાં ભાઈ-બહેનો પૂરેપૂરી રીતે માને છે કે વડીલની પસંદગી પવિત્ર શક્તિથી જ થઈ છે. આપણે વડીલોને આધીન રહેવું જોઈએ અને તેઓની વાત માનવી જોઈએ. એમ કરવાથી મંડળ પ્રેમ અને એકતાની દોરથી બંધાયેલું રહે છે.—હિબ્રૂ. ૧૩:૧૭.

આપણે દેખરેખ રાખનાર ભાઈઓને આધીન રહીએ છીએ અને તેઓની વાત માનીએ છીએ

૨૩ ઈસુ જીવતા થયા પછી શિષ્યોએ તેમની સાથે સમય વિતાવીને ઘણી હિંમત મેળવી હતી. તેમ જ, ઈશ્વરભક્તોને સંગઠિત કરવા જે ફેરફારો કરવામાં આવ્યા એનાથી તેઓનો ઉત્સાહ વધ્યો હતો. હવે તેઓ ભાવિમાં થનારી એક રોમાંચક ઘટના માટે તૈયાર હતા. એ ઘટના કઈ હતી? એ વિશે આપણે હવે પછીના પ્રકરણમાં જોઈશું.

a લૂકના પુસ્તકમાં લૂકે “માનનીય થિયોફિલ,” કહીને સંબોધન કર્યું હતું. એટલે અમુક લોકોને લાગે છે કે થિયોફિલ કદાચ કોઈ મોટા અધિકારી હતા અને લૂકનું પુસ્તક લખાયું ત્યારે તે ઈસુના શિષ્ય ન હતા. (લૂક ૧:૧) પણ પ્રેરિતોનાં કાર્યોમાં લૂક “વહાલા થિયોફિલ” કહીને સંબોધન કરે છે. અમુક વિદ્વાનોનું માનવું છે કે લૂકનું પુસ્તક વાંચીને તે ઈસુના શિષ્ય બન્યા હશે. એટલે પ્રેરિતોનાં કાર્યો પુસ્તક લખતી વખતે લૂકે ખિતાબ વાપરવાને બદલે એ રીતે સંબોધન કર્યું જાણે તે એક ભાઈ હોય.

b મૂળ ભાષામાં અહીં ગ્રીક શબ્દ મોરફી વાપરવામાં નથી આવ્યો, જેનો અર્થ થાય “રૂપ.” પણ ગ્રીક શબ્દ ત્રોપોસ વાપરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય “રીત.”

c પછીથી પાઉલને બીજી ‘પ્રજાઓ માટે પ્રેરિત’ તરીકે પસંદ કરવામાં આવ્યા. જોકે તે ક્યારેય ૧૨ પ્રેરિતોમાંના એક ન ગણાયા. (રોમ. ૧૧:૧૩; ૧ કોરીં. ૧૫:૪-૮) પાઉલને એ ખાસ લહાવો ન મળ્યો, કેમ કે ઈસુના સેવાકાર્ય દરમિયાન તે તેમની સાથે ન હતા.