પ્રકરણ ૩
‘તેઓ પવિત્ર શક્તિથી ભરપૂર થયા’
પચાસમા દિવસે પવિત્ર શક્તિ રેડવામાં આવી ત્યારે શું થાય છે?
પ્રેરિતોનાં કાર્યો ૨:૧-૪૭ના આધારે
૧. યરૂશાલેમમાં કેવો માહોલ છે?
યરૂશાલેમની શેરીઓમાં લોકોનો શોરબકોર સંભળાય છે. a જ્યાં જુઓ ત્યાં ભીડ નજરે પડે છે. લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મંદિરની વેદી પરથી ધુમાડો ઉપર ચઢી રહ્યો છે. લેવીઓનાં ગીતો દૂર સુધી સંભળાય છે. તેઓ હાલેલ (ગીતશાસ્ત્ર ૧૧૩થી ૧૧૮) નામનું સ્તુતિગીત ગાઈ રહ્યા છે. લોકો યરૂશાલેમમાં દૂર દૂરના દેશોથી આવ્યા છે. તેઓ એલામ, મેસોપોટેમિયા, કપ્પદોકિયા, પોન્તસ, ઇજિપ્ત અને રોમથી આવ્યા છે. b પણ યરૂશાલેમમાં એવું તો શું છે કે આટલા બધા લોકો ભેગા થયા છે? આજે પચાસમા દિવસનો તહેવાર છે. એને ‘ફસલના પહેલા પાકનો દિવસ’ પણ કહેવામાં આવે છે. (ગણ. ૨૮:૨૬) એ વાર્ષિક તહેવાર જવની કાપણી પૂરી થાય એ પછી અને ઘઉંની કાપણી શરૂ થાય એ પહેલાં ઊજવવામાં આવે છે.
૨. સાલ ૩૩ના પચાસમા દિવસે કઈ અનોખી ઘટના બને છે?
૨ સાલ ૩૩ની ખુશનુમા સવાર છે. લગભગ નવ વાગ્યા છે. એ સમયે એક અનોખી ઘટના બને છે, જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. ઈસુના આશરે ૧૨૦ શિષ્યો એક ઓરડામાં ભેગા થયા છે. અચાનક આકાશમાંથી અવાજ સંભળાય છે. ‘એ અવાજ જોરથી ફૂંકાતા પવન જેવો છે,’ એનાથી આખું ઘર ગાજી ઊઠે છે. (પ્રે.કા. ૨:૨) પછી કંઈક એવું બને છે જે પહેલાં ક્યારેય બન્યું ન હતું. શિષ્યોને અગ્નિની જ્વાળાઓ જેવી જીભો દેખાય છે અને દરેક ઉપર એક એક સ્થિર થાય છે. c બધા શિષ્યો “પવિત્ર શક્તિથી ભરપૂર” થાય છે અને તેઓ અલગ અલગ ભાષાઓ બોલવા લાગે છે. પછી શિષ્યો બહાર જઈને અનેક દેશોમાંથી આવેલા લોકો સાથે તેઓની ભાષામાં વાત કરે છે. લોકો એ જોઈને દંગ રહી જાય છે. તેઓ વિચારે છે, ‘આ બધા તો યહૂદી છે પછી કેમના અમારી ભાષામાં બોલે છે?’ ત્યાં આવેલો ‘દરેક માણસ પોતાની ભાષામાં શિષ્યોને બોલતા સાંભળે છે.’—પ્રે.કા. ૨:૧-૬.
૩. (ક) પચાસમા દિવસનો બનાવ કેમ એક યાદગાર બનાવ છે? (ખ) પિતરે ‘સ્વર્ગના રાજ્યની પહેલી ચાવી’ વાપરી ત્યારે શું થયું?
૩ સાચી ભક્તિના ઇતિહાસનો એ એક યાદગાર બનાવ છે. એનાથી ઈશ્વરનું ઇઝરાયેલ, એટલે કે અભિષિક્ત લોકોના મંડળની શરૂઆત થઈ. (ગલા. ૬:૧૬) એ દિવસે બીજું પણ કંઈક બન્યું. યાદ કરો, ઈસુએ પિતરને ‘સ્વર્ગના રાજ્યની ત્રણ ચાવીઓ’ આપી હતી. એ ચાવીઓથી ત્રણ અલગ અલગ સમૂહના લોકો માટે આશીર્વાદ મેળવવાનો માર્ગ ખુલવાનો હતો. (માથ. ૧૬:૧૮, ૧૯) એ દિવસે પિતરે પ્રવચન આપ્યું ત્યારે પહેલી ચાવી વાપરી. એટલે યહૂદી અને યહૂદી થયેલા લોકો માટે ખુશખબર સ્વીકારવાનો અને પવિત્ર શક્તિ મેળવવાનો માર્ગ ખૂલી ગયો. d તેઓને ઈશ્વરના ઇઝરાયેલનો ભાગ બનવાની તક મળી. આગળ જતાં ખ્રિસ્ત રાજ કરશે ત્યારે તેઓ તેમની સાથે રાજાઓ અને યાજકો તરીકે રાજ કરશે. (પ્રકટી. ૫:૯, ૧૦) થોડા સમય પછી એ લહાવો સમરૂનના લોકોને અને બીજી પ્રજાના લોકોને મળવાનો હતો. સાલ ૩૩ના પચાસમા દિવસે બનેલા યાદગાર બનાવથી આજે ઈશ્વરભક્તોને શું શીખવા મળે છે?
“બધા એક જગ્યાએ ભેગા મળ્યા હતા” (પ્રે.કા. ૨:૧-૪)
૪. સાલ ૩૩ના મંડળની જેમ આજે પણ મંડળમાં શું જોવા મળે છે?
૪ આશરે ૧૨૦ શિષ્યોથી ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ હતી. તેઓ બધા “એક જગ્યાએ” એટલે કે ઉપરના ઓરડામાં ભેગા મળ્યા હતા. તેઓ પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા હતા. (પ્રે.કા. ૨:૧) પણ એ દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં તો શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. કેમ કે હજારો લોકોએ બાપ્તિસ્મા લીધું અને તેઓ મંડળનો ભાગ બન્યા હતા. એ તો બસ એક શરૂઆત હતી. એ સમયથી લઈને આજ સુધી મંડળમાં વધારો થઈ રહ્યો છે. એનું કારણ શું છે? આજે ખ્રિસ્તી મંડળમાં ઈશ્વરભક્તો ‘રાજ્યની ખુશખબર આખી દુનિયામાં જણાવી રહ્યા છે,’ જેથી અંત આવે એ પહેલાં બધી પ્રજાઓને સાક્ષી મળે.—માથ. ૨૪:૧૪.
૫. પહેલી સદીનાં અને આજનાં ભાઈ-બહેનોને ખ્રિસ્તી મંડળથી કેવો આશીર્વાદ મળ્યો છે?
૫ ખ્રિસ્તી મંડળથી બધાં ભાઈ-બહેનોને હિંમત અને ઉત્તેજન મળે છે. આ મંડળની શરૂઆત અભિષિક્તોથી થઈ હતી. સમય જતાં એમાં ‘બીજાં ઘેટાંના’ લોકો પણ ઉમેરાયા. (યોહા. ૧૦:૧૬) રોમના મંડળનાં ભાઈ-બહેનો એકબીજાને મદદ કરવા હંમેશાં તૈયાર રહેતાં હતાં. પાઉલ એ ભાઈ-બહેનોના પ્રેમ વિશે જાણતા હતા, એટલે તેમણે લખ્યું: “હું તમને જોવા તલપી રહ્યો છું, હું તમને ઈશ્વર પાસેથી કોઈ આશીર્વાદ આપવા માંગું છું, જેથી તમે દૃઢ થાઓ. બીજું કંઈ નહિ તો એકબીજાની શ્રદ્ધાથી આપણે અરસપરસ ઉત્તેજન મેળવી શકીએ.”—રોમ. ૧:૧૧, ૧૨.
૬, ૭. બધા દેશના લોકોને ખુશખબર જણાવવા આજે મંડળ શું કરે છે?
૬ આજે પણ મંડળનો એ જ હેતુ છે, જે પહેલી સદીના મંડળનો હતો. એ છે ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવી. ઈસુએ શિષ્યોને એ કામ સોંપતા કહ્યું: “બધા દેશના લોકોને શિષ્યો બનાવો. તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ બધી પાળવાનું તેઓને શીખવો.” (માથ. ૨૮:૧૯, ૨૦) એ કામ સહેલું નથી, પણ એ કરવાથી આપણને અનેરી ખુશી મળે છે.
૭ આજે યહોવાના સાક્ષીઓનું મંડળ એ કામ પૂરું કરી રહ્યું છે. જોકે દુનિયા ફરતે ઘણી ભાષાઓ બોલાય છે અને બધી ભાષામાં ખુશખબર ફેલાવવી સહેલું નથી. તોપણ યહોવાના સાક્ષીઓ ૧,૦૦૦થી વધુ ભાષામાં બાઇબલને લગતું સાહિત્ય બહાર પાડે છે. જો તમે નિયમિત સભામાં જતા હશો, પ્રચાર અને શિષ્યો બનાવવાના કામમાં ભાગ લેતા હશો, તો તમને અનેરી ખુશી થતી હશે. કેમ કે દુનિયામાં બહુ ઓછા લોકોને યહોવાના નામ વિશે પૂરેપૂરી સાક્ષી આપવાનો લહોવા મળ્યો છે અને તમે તેઓમાંથી એક છો.
૮. ભાઈ-બહેનો પાસેથી આપણને કેવી મદદ મળે છે?
૮ યહોવા આજે દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો દ્વારા આપણી હિંમત બંધાવે છે. તેઓની મદદથી આપણે મુશ્કેલ સંજોગોમાં ધીરજ ધરી શકીએ છીએ અને ખુશી ખુશી એ બધું સહન કરી શકીએ છીએ. પાઉલે હિબ્રૂ મંડળનાં ભાઈ-બહેનોને લખ્યું: “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ. જેમ તમારામાંના કેટલાક કરે છે, તેમ ભેગા મળવાનું છોડી ન દઈએ. પણ એકબીજાને ઉત્તેજન આપતા રહીએ અને જેમ જેમ એ દિવસ તમે નજીક આવતો જુઓ છો, તેમ તેમ એ પ્રમાણે વધારે કરતા રહો.” (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) મંડળ યહોવા તરફથી એક અનમોલ ભેટ છે. એના દ્વારા આપણે એકબીજાને ઉત્તેજન આપી શકીએ છીએ. એટલે જરૂરી છે કે આપણે ભાઈ-બહેનોની નજીક રહીએ અને સભાઓમાં ભેગા મળવાનું કદી બંધ ન કરીએ.
“દરેક માણસે પોતાની ભાષામાં શિષ્યોને બોલતા સાંભળ્યા” (પ્રે.કા. ૨:૫-૧૩)
૯, ૧૦. બીજી ભાષા બોલતા લોકોને ખુશખબર જણાવવા અમુક ભાઈ-બહેનો શું કરે છે?
૯ જરા વિચાર કરો, સાલ ૩૩ના પચાસમા દિવસે યહૂદી અને યહૂદી થયેલા લોકોની નવાઈનો પાર નહિ રહ્યો હોય. કેમ કે “દરેક માણસે પોતાની ભાષામાં શિષ્યોને બોલતા સાંભળ્યા.” (પ્રે.કા. ૨:૬) એવું ન હતું કે લોકોને ગ્રીક કે હિબ્રૂ ભાષા આવડતી ન હતી, જે જાણીતી ભાષાઓ હતી. પણ તેઓએ પોતાની ભાષામાં ખુશખબર સાંભળી ત્યારે, એ તેઓનાં દિલને સ્પર્શી ગઈ હશે. આજે આપણે ચમત્કારથી અલગ અલગ ભાષા નથી બોલી શકતા. પણ ઘણાં ભાઈ-બહેનો બીજી ભાષા બોલતા લોકોને પ્રચાર કરે છે. તેઓ એવું કઈ રીતે કરે છે? અમુક ભાઈ-બહેનો નવી ભાષા શીખ્યાં છે, જેથી એ ભાષાના મંડળમાં સેવા કરી શકે અથવા બીજા દેશમાં જઈને સેવા આપી શકે. બીજી ભાષા બોલતાં ભાઈ-બહેનોએ અનુભવ્યું છે કે લોકો તેઓની મહેનતની કદર કરે છે.
૧૦ ચાલો ક્રિસ્ટીનનો દાખલો જોઈએ. તે બીજાં સાત ભાઈ-બહેનો સાથે મળીને ગુજરાતી ભાષા શીખતી હતી. ક્રિસ્ટીનની સાથે એક ગુજરાતી સ્ત્રી કામ કરતી હતી. એકવાર ક્રિસ્ટીને તેને કહ્યું: “કેમ છો?” તે તો જોતી જ રહી ગઈ! તે જાણવા માંગતી હતી કે ક્રિસ્ટીન આટલી અઘરી ભાષા શીખવા કેમ મહેનત કરે છે. એટલે ક્રિસ્ટીનને ખુશખબર જણાવવાની સરસ તક મળી ગઈ. પછી એ સ્ત્રીએ કહ્યું: “તમારા સંદેશામાં કંઈક ખાસ વાત તો હશે જ.”
૧૧. આપણને આવડતી ન હોય એવી ભાષામાં ખુશખબર જણાવવા શું કરી શકીએ?
૧૧ ભલે આપણામાંથી બધા જ બીજી ભાષા શીખી શકતા નથી, પણ અલગ અલગ ભાષા બોલતા લોકોને ખુશખબર ચોક્કસ જણાવી શકીએ છીએ. કઈ રીતે? એક રીત છે JW લેંગ્વેજ ઍપ વાપરી શકીએ. એની મદદથી આપણા વિસ્તારમાં બોલાતી બીજી ભાષામાં નમસ્તે કહેવાનું અને હાલચાલ પૂછવાનું શીખી શકીએ. આપણે એ ભાષાના અમુક શબ્દો શીખી શકીએ, જેથી એ ભાષા બોલતા લોકોને સંદેશો સાંભળવાનું મન થાય. પછી તેઓને jw.org બતાવી શકીએ. એમાંથી તેઓની ભાષામાં વીડિયો અને સાહિત્ય બતાવી શકીએ. પહેલી સદીના શિષ્યોને અલગ અલગ દેશના લોકોને ‘તેઓની ભાષામાં’ ખુશખબર જણાવીને ઘણી ખુશી મળી હતી. આપણે પણ આ બધા સાધનો વાપરીને લોકોને ખુશખબર જણાવીશું તો એવી જ ખુશી મળશે.
‘પિતર ઊભા થયા’ (પ્રે.કા. ૨:૧૪-૩૭)
૧૨. (ક) પચાસમા દિવસે યોએલની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (ખ) શિષ્યોને કેમ ખાતરી હતી કે યોએલની ભવિષ્યવાણી પૂરી થશે?
૧૨ પચાસમા દિવસે યરૂશાલેમમાં અનેક દેશોમાંથી આવેલા લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. તેઓ સાથે વાત કરવા ‘પિતર ઊભા થયા.’ (પ્રે.કા. ૨:૧૪) પિતરે સમજાવ્યું કે શિષ્યોને અલગ અલગ ભાષા બોલવાની ભેટ ઈશ્વર પાસેથી મળી હતી. એનાથી યોએલની ભવિષ્યવાણી પૂરી થઈ. યહોવાએ યોએલ દ્વારા કહ્યું હતું: “હું મારી પવિત્ર શક્તિ દરેક પ્રકારના લોકો પર રેડીશ.” (યોએ. ૨:૨૮) શિષ્યોને પણ પાકી ખાતરી હતી કે એ ભવિષ્યવાણી પૂરી થશે. કેમ કે સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ તેઓને કહ્યું હતું: “હું પિતાને વિનંતી કરીશ અને તે તમને બીજો એક સહાયક આપશે.” પછી ઈસુએ સમજાવ્યું કે એ સહાયક “પવિત્ર શક્તિ” છે.—યોહા. ૧૪:૧૬, ૧૭.
૧૩, ૧૪. પિતરે લોકો સાથે કઈ રીતે વાત કરી? આપણે શું કરી શકીએ?
૧૩ પિતરે પ્રવચનમાં છેલ્લે લોકોને સીધેસીધું કહ્યું: “ઇઝરાયેલની આખી પ્રજા આ વાત નક્કી જાણી લે કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે આપણા માલિક અને ખ્રિસ્ત બનાવ્યા છે.” (પ્રે.કા. ૨:૩૬) ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યા ત્યારે આ ટોળામાંથી મોટા ભાગના લોકો હાજર ન હતા. ઈસુને મારી નાખવામાં તેઓનો કોઈ હાથ ન હતો. પણ તેઓ એ જ પ્રજામાંથી હતા જેઓએ ઈસુને મારી નાખ્યા હતા, એટલે એક રીતે તેઓ પણ જવાબદાર હતા. જોકે, પિતરે તેઓ સાથે આદરથી વાત કરી. તે ચાહતા હતા કે લોકો પસ્તાવો કરવા પ્રેરાય. શું લોકોને પિતરની વાતનું ખોટું લાગ્યું? ના. એ સાંભળીને તેઓનાં “હૃદય વીંધાઈ ગયાં.” તેઓએ પૂછ્યું: “અમારે શું કરવું જોઈએ?” (પ્રે.કા. ૨:૩૭) પિતરે જે રીતે વાત કરી એનાથી તેમની વાત લોકોનાં દિલને સ્પર્શી ગઈ, એટલે કદાચ ઘણા લોકોએ પસ્તાવો કર્યો.
૧૪ આપણે પિતરના પગલે ચાલીએ અને લોકોનાં દિલને સ્પર્શી જાય એ રીતે વાત કરીએ. જો પ્રચારમાં વ્યક્તિ આપણી સાથે એવા વિષય પર વાત કરે જે બાઇબલની વિરુદ્ધ હોય, તો આપણે તેમની સાથે દલીલ ન કરીએ. એના બદલે એવા વિષય પર વાત કરીએ, જેના પર આપણે અને એ વ્યક્તિ સહમત હોય. એમ કરીશું તો બાઇબલનો સંદેશો સારી રીતે જણાવી શકીશું. આપણે પિતરની જેમ લોકો સાથે આદરથી વાત કરીએ છીએ ત્યારે, નમ્ર દિલના લોકો સંદેશો સ્વીકારે છે.
‘તમે બાપ્તિસ્મા લો’ (પ્રે.કા. ૨:૩૮-૪૭)
૧૫. (ક) પિતરે શું કહ્યું અને એનું શું પરિણામ આવ્યું? (ખ) આપણે કેમ કહી શકીએ કે પચાસમા દિવસે લોકોએ ઉતાવળે બાપ્તિસ્મા લીધું ન હતું?
૧૫ જેઓએ પિતરને પૂછ્યું હતું કે તેઓએ શું કરવું જોઈએ, તેઓને પિતરે કહ્યું: ‘તમે પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લો.’ (પ્રે.કા. ૨:૩૮) પરિણામે આશરે ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું. e તેઓએ કદાચ યરૂશાલેમમાં કે એની આસપાસનાં કૂંડોમાં બાપ્તિસ્મા લીધું હતું. શું તેઓએ ઉતાવળે નિર્ણય લીધો હતો? શું એનો એવો અર્થ થાય કે બાઇબલ વિદ્યાર્થીઓએ અથવા યહોવાના સાક્ષીઓનાં બાળકોએ ઉતાવળે બાપ્તિસ્મા લેવું જોઈએ, પછી ભલેને તેઓ એ માટે તૈયાર ન હોય? ના, બિલકુલ નહિ. જરા યાદ કરો, પચાસમા દિવસે જેઓએ બાપ્તિસ્મા લીધું હતું, તેઓ યહૂદી કે યહૂદી થયેલા લોકો હતા. તેઓ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરતા હતા અને યહોવાને સમર્પિત પ્રજાનો ભાગ હતા. તેઓ પૂરા જોશથી યહોવાની ભક્તિ કરતા હતા, એટલે જ તહેવાર ઊજવવા દર વર્ષે આટલી દૂર મુસાફરી કરીને યરૂશાલેમ આવતા હતા. પણ તેઓ એ જાણતા ન હતા કે યહોવાની ઇચ્છા પૂરી કરવામાં ઈસુએ કયો ભાગ ભજવ્યો હતો. એ જાણ્યા પછી તેઓએ બાપ્તિસ્મા લીધું અને ખ્રિસ્તના શિષ્યો તરીકે યહોવાની ભક્તિ ચાલુ રાખી.
૧૬. પહેલી સદીના શિષ્યોએ કઈ રીતે બતાવ્યું કે તેઓ જતું કરવા તૈયાર હતા?
૧૬ એ દિવસે બાપ્તિસ્મા લેનારા લોકો પર યહોવાનો આશીર્વાદ હતો. અહેવાલ જણાવે છે, “જેઓ નવા શિષ્યો બન્યા, તેઓ એક થઈને રહેતા અને દરેક વસ્તુ એકબીજા સાથે વહેંચતા. તેઓ પોતાની જમીન અને માલ-મિલકત વેચી દેતા અને મળેલી રકમને દરેકની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપતા.” f (પ્રે.કા. ૨:૪૪, ૪૫) પહેલી સદીના એ શિષ્યો વચ્ચે પ્રેમ હતો અને તેઓ એકબીજા માટે જતું કરવા તૈયાર હતા. આપણે પણ તેઓ જેવા બનવા માંગીએ છીએ.
૧૭. બાપ્તિસ્મા લેતા પહેલાં એક વ્યક્તિએ કેવાં પગલાં ભરવાં જોઈએ?
૧૭ બાઇબલમાં જણાવ્યું છે કે એક વ્યક્તિએ સમર્પણ અને બાપ્તિસ્મા પહેલાં અમુક પગલાં ભરવાં જોઈએ. સૌથી પહેલા તેણે બાઇબલમાંથી શીખવું જોઈએ. (યોહા. ૧૭:૩) તે જે શીખે એના પર શ્રદ્ધા મૂકવી જોઈએ. અગાઉ વ્યક્તિ જે રીતે જીવન જીવતી હતી એ માટે અફસોસ હોવો જોઈએ અને તેણે દિલથી પસ્તાવો કરવો જોઈએ. (પ્રે.કા. ૩:૧૯) પછી જીવનમાં ફેરફાર કરવા જોઈએ અને યહોવા ખુશ થાય એવાં કામ કરવાં જોઈએ. (રોમ. ૧૨:૨; એફે. ૪:૨૩, ૨૪) એ પગલાં ભર્યાં પછી વ્યક્તિ પ્રાર્થનામાં યહોવાને પોતાનું સમર્પણ કરી શકે છે અને બાપ્તિસ્મા લઈ શકે છે.—માથ. ૧૬:૨૪; ૧ પિત. ૩:૨૧.
૧૮. બાપ્તિસ્મા પામેલા શિષ્યો પાસે કયો લહાવો છે?
૧૮ શું તમે સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું છે અને ઈસુ ખ્રિસ્તના શિષ્ય બન્યા છો? એમ હોય તો તમારી પાસે એક ખાસ લહાવો છે. પહેલી સદીના શિષ્યોની જેમ તમે પણ પૂરેપૂરી સાક્ષી આપી શકો છો અને ઈશ્વરની ઇચ્છા પૂરી કરી શકો છો. એ લહાવા માટે તમે યહોવાનો લાખ લાખ આભાર માનતા હશો!
a “ યરૂશાલેમ—યહૂદીઓ માટે ભક્તિનું ખાસ સ્થળ” બૉક્સ જુઓ.
b “ રોમ—એક મોટા સામ્રાજ્યની રાજધાની,” “ મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં રહેતા યહૂદીઓ” અને “ પોન્તસમાં ખ્રિસ્તી ધર્મ” બૉક્સ જુઓ.
c “જીભો” હકીકતમાં અગ્નિની જ્વાળાઓ ન હતી, પણ એ અગ્નિની જ્વાળાઓ “જેવી” દેખાતી હતી. એટલે કહી શકાય કે દરેક શિષ્ય પર કંઈક ચળકતું દેખાતું હતું જે અગ્નિની જ્વાળાઓ જેવું હતું.
d “ યહૂદી થયેલા લોકો કોણ હતા?” બૉક્સ જુઓ.
e એક જ દિવસમાં આટલા બધા લોકોએ બાપ્તિસ્મા લીધું હોય, એવો આ છેલ્લો બનાવ ન હતો. ૭ ઑગસ્ટ, ૧૯૯૩માં યુક્રેઇનના કીવ શહેરમાં યહોવાના સાક્ષીઓનું એક આંતરરાષ્ટ્રીય મહાસંમેલન રાખવામાં આવ્યું હતું. એમાં ૭,૪૦૨ લોકોએ બાપ્તિસ્મા લીધું હતું. એ માટે ૬ હોજ તૈયાર કરવામાં આવ્યા હતા અને બધાને બાપ્તિસ્મા આપતા સવા બે કલાક લાગ્યા હતા.
f આ ગોઠવણ એવાં ભાઈ-બહેનોની જરૂરિયાતો પૂરી કરવા માટે હતી, જેઓ દૂર દૂરથી આવ્યાં હતાં અને વધારે શીખવા માટે યરૂશાલેમ રોકાઈ ગયાં હતાં. આ ગોઠવણ અમુક સમય માટે જ કરવામાં આવી હતી. ભાઈ-બહેનોએ પોતાની ઇચ્છાથી ખુશી ખુશી દાન આપ્યું હતું. પણ એનો મતલબ એ ન હતો કે તેઓ કોઈ સામ્યવાદી વિચારોને ટેકો આપતાં હતાં.—પ્રે.કા. ૫:૧-૪.