પ્રકરણ ૫
‘અમારા રાજા તો ઈશ્વર છે, અમે ઈશ્વરની જ આજ્ઞા માનીશું’
પ્રેરિતો બધા જ સાચા ભક્તો માટે દાખલો બેસાડે છે
પ્રેરિતોનાં કાર્યો ૫:૧૨–૬:૭ના આધારે
૧-૩. (ક) પ્રેરિતોને કેમ ન્યાયસભા સામે લાવવામાં આવે છે? તેઓ આગળ કયો મહત્ત્વનો સવાલ ઊભો થાય છે? (ખ) ન્યાયસભાની ધમકીઓ છતાં પ્રેરિતોએ જે કર્યું એ જાણવું કેમ જરૂરી છે?
યહૂદી ન્યાયસભાના ન્યાયાધીશોનો પારો આસમાને ચઢી ગયો છે. a ઈસુના પ્રેરિતો તેઓ સામે ઊભા છે અને હવે તેઓનો મુકદ્દમો ચાલશે. તેઓનો ગુનો શું છે એ પ્રમુખ યાજક અને ન્યાયસભાના અધ્યક્ષ યૂસફ કાયાફાસના શબ્દોથી ખબર પડે છે. તે કડક શબ્દોમાં પ્રેરિતોને કહે છે: “અમે તમને સખત મના કરી હતી કે એ નામે કંઈ શીખવવું નહિ.” કાયાફાસ ઈસુને એટલા ધિક્કારે છે કે તે તેમનું નામ લેવા પણ તૈયાર નથી. તે આગળ જણાવે છે, “તમે આખા યરૂશાલેમને તમારા શિક્ષણથી ગજવી મૂક્યું છે અને એ માણસના લોહીનો આરોપ અમારા માથે નાખવા ચાહો છો.” (પ્રે.કા. ૫:૨૮) તેના શબ્દોમાં એક ચેતવણી છે: ‘પ્રચાર બંધ કરો, નહિ તો આવી બન્યું.’
૨ હવે પ્રેરિતો શું કરશે? તેઓને પ્રચાર કરવાની આજ્ઞા ઈસુએ આપી હતી અને એ અધિકાર યહોવાએ ઈસુને આપ્યો હતો. (માથ. ૨૮:૧૮-૨૦) શું તેઓ માણસોથી ડરીને પ્રચાર કરવાનું બંધ કરી દેશે? કે પછી શું તેઓ હિંમત બતાવશે અને ખુશખબર જણાવવાનું ચાલુ રાખશે? જોકે તેઓ આગળ સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે શું તેઓ ઈશ્વરની આજ્ઞા માનશે કે પછી માણસોની. એ વિશે પ્રેરિતો જરાય ઢચુપચુ નથી. બધા પ્રેરિતો વતી પિતર હિંમતથી અને સાફ શબ્દોમાં જવાબ આપે છે.
૩ સાચા ભક્તો તરીકે એ જાણવું જરૂરી છે કે ન્યાયસભાએ ધમકીઓ આપી તોપણ પ્રેરિતોએ શું કર્યું. આજે આપણને પણ યહોવાએ પ્રચાર કરવાની આજ્ઞા આપી છે. આપણો પણ વિરોધ થઈ શકે છે. (માથ. ૧૦:૨૨) બની શકે કે વિરોધીઓ આપણા કામને અટકાવવાની કોશિશ કરે અથવા એના પર પ્રતિબંધ મૂકે. એવા સમયે આપણે શું કરીશું? ચાલો જોઈએ કે પ્રેરિતો શું કરે છે અને મુકદ્દમા પહેલાં શું થાય છે. એનો વિચાર કરવાથી આપણને વિરોધ છતાં પ્રચારમાં હિંમત બતાવવા મદદ મળશે.
‘યહોવાના દૂતે કેદના દરવાજા ખોલી નાખ્યા’ (પ્રે.કા. ૫:૧૨-૨૧ક)
૪, ૫. કાયાફાસ અને બાકીના સાદુકીઓ કેમ “ઈર્ષાથી સળગી ઊઠ્યા”?
૪ યાદ કરો, ન્યાયસભાએ પિતર અને યોહાનને પહેલી વાર પ્રચાર બંધ કરવાનો હુકમ આપ્યો ત્યારે તેઓએ શું જવાબ આપ્યો હતો? તેઓએ કહ્યું હતું: “અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.” (પ્રે.કા. ૪:૨૦) તેઓએ બીજા પ્રેરિતો સાથે મળીને મંદિરમાં પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. પ્રેરિતો બીમાર લોકોને સાજા કરતા હતા અને લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢતા હતા. આમ તેઓએ મોટા મોટા ચમત્કારો કર્યા હતા. એ બધું તેઓએ “સુલેમાનની પરસાળમાં” કર્યું હતું. એ છતવાળી પરસાળ મંદિરના બહારના આંગણાની પૂર્વ તરફ આવેલી હતી. ત્યાં ઘણા યહૂદીઓ ભેગા થતા હતા. આશ્ચર્યની વાત છે કે પિતરનો પડછાયો પડવાથી પણ ઘણા લોકો સાજા થતા હતા. સાજા થયેલા લોકોમાંથી ઘણાએ ખુશખબર સ્વીકારી હતી. પરિણામે, “માલિક પર શ્રદ્ધા મૂકનારાઓમાં વધારે ને વધારે સ્ત્રી-પુરુષો ઉમેરાતાં ગયાં.”—પ્રે.કા. ૫:૧૨-૧૫.
૫ કાયાફાસ અને બાકીના સાદુકીઓ “ઈર્ષાથી સળગી ઊઠ્યા” અને તેઓએ પ્રેરિતોને કેદમાં નાખી દીધા. (પ્રે.કા. ૫:૧૭, ૧૮) સાદુકીઓનો પારો કેમ આસમાને ચઢી ગયો હતો? કારણ કે પ્રેરિતો શીખવતા હતા કે ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા છે. પણ સાદુકીઓ એવું માનતા ન હતા કે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે. પ્રેરિતો એ પણ શીખવતા હતા કે ફક્ત ઈસુ પર શ્રદ્ધા મૂકવાથી ઉદ્ધાર મળી શકે છે. જો રોમન સરકારને ખબર પડે કે લોકો ઈસુને આગેવાન માને છે, તો સાદુકીઓને ડર હતો કે સરકાર તેઓને સજા કરશે. (યોહા. ૧૧:૪૮) એટલે સાદુકીઓએ વચન લીધું હતું કે તેઓ પ્રેરિતોનાં મોં બંધ કરાવીને જ રહેશે.
૬. યહોવાના ભક્તોની સતાવણી પાછળ મોટા ભાગે કોનો હાથ છે? એ જાણીને કેમ નવાઈ લાગવી ન જોઈએ?
૬ આજે યહોવાના ભક્તોની સતાવણી પાછળ મોટા ભાગના કિસ્સાઓમાં ધર્મગુરુઓનો હાથ છે. તેઓની પહોંચ ઉપર સુધી છે. તેઓ આપણું કામ બંધ કરાવવા સરકારી અધિકારીઓની કાન ભંભેરણી કરે છે. તેમ જ તેઓ ટીવી અને છાપામાં આપણા વિશે અફવાઓ ફેલાવે છે. શું એનાથી આપણને નવાઈ લાગવી જોઈએ? ના. આપણા સંદેશાથી લોકોને ખ્યાલ આવે છે કે ધર્મગુરુઓ જૂઠું શીખવે છે. બાઇબલનું સાચું શિક્ષણ સ્વીકારવાથી નમ્ર દિલના લોકો જૂઠાં શિક્ષણ અને રીતરિવાજથી આઝાદ થાય છે. (યોહા. ૮:૩૨) એટલે ધર્મગુરુઓ આપણને નફરત કરે છે અને આપણી સતાવણી કરે છે.
૭, ૮. દૂતના શબ્દોની પ્રેરિતો પર કેવી અસર પડી? પોતાને કયો સવાલ પૂછવો જોઈએ?
૭ પ્રેરિતો કેદમાં પોતાના મુકદ્દમાની રાહ જોતા હતા. તેઓને કદાચ લાગ્યું હશે કે મોત નક્કી જ છે. (માથ. ૨૪:૯) પણ રાતે એવું કંઈક બન્યું જે તેઓએ સપનામાંય વિચાર્યું નહિ હોય. ‘યહોવાના દૂતે કેદના દરવાજા ખોલી નાખ્યા.’ b (પ્રે.કા. ૫:૧૯) પછી દૂતે કહ્યું: “મંદિરમાં જાઓ અને બધા લોકોને જીવનનો સંદેશો જણાવતા રહો.” (પ્રે.કા. ૫:૨૦) પ્રેરિતોને એ શબ્દોથી ખાતરી મળી કે તેઓ કંઈ જ ખોટું નથી કરી રહ્યા. તેઓને હિંમત પણ મળી કે ભલે કંઈ પણ થઈ જાય, તેઓ પ્રચારકામ બંધ નહિ કરે. હવે તેઓમાં હિંમત અને શ્રદ્ધા છલકાતી હતી. એટલે “પ્રેરિતો સવાર થતાં જ મંદિરે ગયા અને શીખવવા લાગ્યા.”—પ્રે.કા. ૫:૨૧.
૮ આપણે પોતાને પૂછીએ: ‘વિરોધ થાય તો શું હું પ્રેરિતોની જેમ પૂરી હિંમત અને શ્રદ્ધાથી પ્રચારકામ ચાલુ રાખીશ?’ આપણા માટે “ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી” આપવી ખૂબ મહત્ત્વનું છે. એ કામમાં આપણે એકલા નથી, આપણને દૂતોનો સાથ છે. એ વાત યાદ રાખવાથી ઘણી હિંમત મળે છે.—પ્રે.કા. ૨૮:૨૩; પ્રકટી. ૧૪:૬, ૭.
“અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું” (પ્રે.કા. ૫:૨૧ખ-૩૩)
૯-૧૧. ન્યાયસભાએ પ્રચાર બંધ કરવાનું કહ્યું ત્યારે પ્રેરિતોએ શું જવાબ આપ્યો? તેઓએ સાચા ભક્તો માટે કયો દાખલો બેસાડ્યો?
૯ ન્યાયસભામાં કાયાફાસ અને બીજા ન્યાયાધીશો હવે પ્રેરિતોને સજા સંભળાવવા તૈયાર હતા. પણ રાતે જે બન્યું હતું, એ વિશે તેઓને કંઈ ખબર ન હતી. તેઓએ સિપાઈઓને કહ્યું કે કેદીઓને લઈ આવે. પણ પ્રેરિતો ત્યાંથી ગાયબ હતા, એટલે સિપાઈઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હશે! તેઓને સૂઝ પડતી ન હતી કે આવું થયું કેવી રીતે? કેમ કે કેદના દરવાજે તાળાં મારેલાં હતાં અને “પહેરેદારો દરવાજા પાસે ઊભા હતા.” (પ્રે.કા. ૫:૨૩) એવામાં મંદિરના રક્ષકોના અધિકારીને ખબર મળી કે પ્રેરિતો મંદિરમાં હતા. તેઓ ઈસુ ખ્રિસ્ત વિશે સાક્ષી આપી રહ્યા હતા. તેઓ એ જ કામ કરી રહ્યા હતા, જેના લીધે તેઓને કેદ થઈ હતી. રક્ષકોનો અધિકારી અને તેના માણસો ફટાફટ મંદિરમાં ગયા અને પ્રેરિતોને પકડીને ન્યાયસભામાં લઈ આવ્યા.
૧૦ પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા કે ગુસ્સે ભરાયેલા ધર્મગુરુઓએ પ્રેરિતોને સાફ શબ્દોમાં કહ્યું કે પ્રચારકામ બંધ કરી દો. એ સમયે પ્રેરિતોએ શું જવાબ આપ્યો? બધા વતી પિતરે હિંમતથી કહ્યું: “અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.” (પ્રે.કા. ૫:૨૯) આમ પ્રેરિતોએ બધા જ સાચા ભક્તો માટે એક સરસ દાખલો બેસાડ્યો. વર્ષોથી ઈશ્વરભક્તો તેઓના દાખલાને અનુસરતા આવ્યા છે. ખરું કે ઈશ્વરે કહ્યું છે કે આપણે સરકારી અધિકારીઓનું માનીએ, પણ જો તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી કરતા રોકે, તો આપણે તેઓનું નહિ માનીએ. એટલે જો ‘ઉચ્ચ અધિકારીઓ’ પ્રચારકામ પર પ્રતિબંધ મૂકી દે તો આપણે એ કામ બંધ નહિ કરીએ. (રોમ. ૧૩:૧) એવા સમયે આપણે એવી રીતોથી ખુશખબર ફેલાવવાનું ચાલુ રાખીશું, જેનાથી અધિકારીઓની નજરમાં ન આવીએ.
૧૧ પ્રેરિતોનો બેધડક જવાબ સાંભળીને ન્યાયાધીશો ગુસ્સાથી સળગી ઊઠ્યા. તેઓ કોઈ પણ હાલમાં “પ્રેરિતોને મારી નાખવા માંગતા હતા.” (પ્રે.કા. ૫:૩૩) પ્રેરિતોને લાગ્યું હશે કે હવે બચવાની કોઈ જ શક્યતા નથી. પણ ત્યારે જ યહોવાએ તેઓને અજાયબ રીતે મદદ કરી.
પ્રે.કા. ૫:૩૪-૪૨)
“તમે એને અટકાવી નહિ શકો” (૧૨, ૧૩. (ક) ગમાલિયેલે ન્યાયાધીશોને કઈ સલાહ આપી અને પછી તેઓએ શું કર્યું? (ખ) યહોવા આજે પોતાના ભક્તોને કઈ રીતે મદદ કરે છે? (ગ) આપણે “ખરા માર્ગે ચાલવાને લીધે સહેવું પડે” તો શાની ખાતરી રાખી શકીએ?
૧૨ ન્યાયસભામાં ગમાલિયેલ નામનો એક ન્યાયાધીશ પ્રેરિતોના પક્ષમાં બોલવા ઊભો થયો. c “તે નિયમશાસ્ત્રનો શિક્ષક હતો અને લોકો તેને માન આપતા હતા.” બીજા ન્યાયાધીશોમાં પણ તેનું ઘણું માન હશે. એટલે “તેણે પ્રેરિતોને થોડો સમય બહાર લઈ જવાની આજ્ઞા કરી” ત્યારે તેઓએ તેનું સાંભળ્યું. (પ્રે.કા. ૫:૩૪) પછી ગમાલિયેલે ન્યાયાધીશોને અમુક વિરોધીઓના દાખલા આપીને સમજાવ્યું. તેણે કહ્યું કે એ વિરોધીઓ ઊભા તો થયા, પણ તેઓના આગેવાનના મરણ પછી તરત વિખેરાઈ ગયા. તેણે ન્યાયાધીશોને સલાહ આપી કે પ્રેરિતોના આગેવાન ઈસુનું હમણાં જ મરણ થયું છે, એટલે તેઓ થોડી રાહ જુએ. તેણે કહ્યું: “આ માણસોના કામમાં માથું ન મારો, પણ તેઓને જવા દો. કેમ કે જો આ યોજના અથવા કામ માણસો તરફથી હશે, તો એ પડી ભાંગશે. પણ જો એ ઈશ્વર તરફથી હશે, તો તમે એને અટકાવી નહિ શકો. એવું ન બને કે તમે ઈશ્વરની સામે લડનારા સાબિત થાઓ.” (પ્રે.કા. ૫:૩૮, ૩૯) ન્યાયાધીશોએ તેની વાત માની અને શિષ્યોને છોડી મૂક્યા. પણ એ પહેલાં તેઓએ પ્રેરિતોને ફટકા મરાવ્યા અને હુકમ કર્યો: “ઈસુના નામમાં કંઈ કહેવું નહિ.”—પ્રે.કા. ૫:૪૦.
૧૩ આજે પણ યહોવા પોતાના ભક્તોને મદદ કરવા ગમાલિયેલ જેવા અધિકારીઓને ઊભા કરી શકે છે. (નીતિ. ૨૧:૧) યહોવા પોતાની પવિત્ર શક્તિ દ્વારા મોટા મોટા અધિકારીઓ, ન્યાયાધીશો અથવા નિયમ ઘડનારાઓનાં મનમાં ઇચ્છા જગાડી શકે છે, જેથી તેઓ તેમની મરજી પૂરી કરે. (નહે. ૨:૪-૮) પણ બની શકે કે યહોવા હંમેશાં એ રીતે આપણી મદદ ન કરે અને આપણે “ખરા માર્ગે ચાલવાને લીધે સહેવું પડે.” (૧ પિત. ૩:૧૪) જોકે એવા સમયે આપણે બે વાતની ખાતરી રાખી શકીએ છીએ. પહેલી, યહોવા આપણને મુશ્કેલી સહન કરવા તાકાત આપશે. (૧ કોરીં. ૧૦:૧૩) બીજી, વિરોધીઓ ક્યારેય યહોવાના કામને ‘અટકાવી નહિ શકે.’—યશા. ૫૪:૧૭.
૧૪, ૧૫. (ક) પ્રેરિતોને ફટકા મારવામાં આવ્યા પછી તેઓએ શું કર્યું અને કેમ? (ખ) યહોવાના ભક્તો ખુશી ખુશી સતાવણીઓ સહન કરે છે, એનો એક દાખલો આપો.
૧૪ પ્રેરિતોને ફટકા મારવામાં આવ્યા ત્યારે શું તેઓની હિંમત પડી ભાંગી? શું તેઓએ હાર માની લીધી? ના, જરાય નહિ. તેઓ “ન્યાયસભામાંથી આનંદ કરતાં કરતાં નીકળી ગયા.” (પ્રે.કા. ૫:૪૧) તેઓએ ઘણું બધું સહન કર્યું તોપણ તેઓ કેમ ખુશ હતા? તેઓને ફટકા મારવામાં આવ્યા એટલે તેઓ ખુશ ન હતા. પણ યહોવાને વફાદાર રહેવાને લીધે અને ઈસુના પગલે ચાલવાને લીધે તેઓની સતાવણી થઈ, એટલે ખુશ હતા.—માથ. ૫:૧૧, ૧૨.
૧૫ આજે ખુશખબર જણાવવાને લીધે પહેલી સદીના શિષ્યોની જેમ આપણી પણ સતાવણી થાય છે. પણ આપણે એ બધું ખુશી ખુશી સહન કરીએ છીએ. (૧ પિત. ૪:૧૨-૧૪) એવું નથી કે ધમકીઓ સાંભળવામાં, કસોટીઓ સહેવામાં અથવા જેલ જવામાં આપણને મજા આવે છે. પણ આપણે યહોવાને વફાદાર છીએ એટલે અનેરી ખુશી મળે છે. ભાઈ હેનરીક ડોર્નિકનો એવો જ દાખલો છે. તેમણે જુલમી સરકારોના રાજમાં વર્ષો સુધી સતાવણીઓ સહન કરી હતી. ઑગસ્ટ ૧૯૪૪માં અધિકારીઓએ તેમને અને તેમના ભાઈને જુલમી છાવણીમાં મોકલવાનો નિર્ણય લીધો. અધિકારીઓએ કહ્યું: “કોઈ પણ વાત મનાવવા ભલે ગમે એટલા ધમપછાડા કરીએ, એ બંને નહિ માને. તેઓ મોતને પણ ખુશી ખુશી ભેટવા તૈયાર થઈ જશે.” હેનરીકભાઈ કહે છે: “એવું ન હતું કે મારે જીવવું ન હતું. પણ હું સતાવણીઓમાં ખુશ હતો, કેમ કે હું હિંમતથી યહોવાને વફાદાર રહ્યો અને મેં માથું ઊંચું રાખીને બધું સહન કર્યું.”—યાકૂ. ૧:૨-૪.
૧૬. પ્રેરિતોએ કઈ રીતે બતાવ્યું કે તેઓ પૂરેપૂરી સાક્ષી આપવા માંગે છે? પ્રેરિતોની જેમ આપણે પ્રચારની કઈ રીત અપનાવી છે?
૧૬ કેદમાંથી છૂટ્યા પછી પ્રેરિતોએ તરત પ્રચારકામ શરૂ કરી દીધું. તેઓએ જરાય મોડું કર્યું નહિ. તેઓ ડર્યા વગર ‘રોજ મંદિરે અને ઘરે ઘરે ખ્રિસ્ત ઈસુ વિશેની ખુશખબર જાહેર કરતા રહ્યા.’ d (પ્રે.કા. ૫:૪૨) તેઓએ મન મક્કમ કર્યું હતું કે ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપશે. ધ્યાન આપો કે પ્રેરિતો લોકોના ઘરે જઈને સંદેશો જણાવતા હતા, કેમ કે ઈસુએ એ રીતે પ્રચાર કરવાનું કહ્યું હતું. (માથ. ૧૦:૭, ૧૧-૧૪) આમ તેઓએ આખા યરૂશાલેમને પોતાના શિક્ષણથી ગજવી મૂક્યું. આજે યહોવાના સાક્ષીઓએ પ્રેરિતોની રીત અપનાવી છે અને તેઓ ઘરે ઘરે જઈને લોકોને સંદેશો જણાવે છે. આપણા પ્રચાર વિસ્તારમાં આપણે એકેય ઘર ચૂકતા નથી. એનાથી દેખાઈ આવે છે કે આપણે પૂરેપૂરી સાક્ષી આપવા માંગીએ છીએ, જેથી દરેક વ્યક્તિને સંદેશો સાંભળવાની તક મળે. શું યહોવાએ ઘર ઘરના પ્રચારકામ પર આશીર્વાદ આપ્યો છે? હા, ચોક્કસ. અંતના આ સમયમાં લાખો લોકોએ ઈશ્વરના રાજ્યનો સંદેશો સ્વીકાર્યો છે. તેઓમાંથી ઘણા લોકો એવા છે, જેઓના ઘરે પહેલી વાર કોઈ ભાઈ કે બહેને દરવાજો ખટખટાવ્યો હોય અને તેઓને સંદેશો મળ્યો હોય.
“જરૂરી કામ” માટે યોગ્ય માણસો નીમવામાં આવ્યા (પ્રે.કા. ૬:૧-૬)
૧૭-૧૯. ભાઈ-બહેનો વચ્ચે ભાગલા પાડી શકે એવી કઈ મુશ્કેલી ઊભી થઈ? પ્રેરિતોએ કઈ રીતે એ મુશ્કેલીને હાથ ધરી?
૧૭ પહેલી સદીના શિષ્યો સામે બીજી એક મુશ્કેલી આવી. એ મુશ્કેલી યરૂશાલેમના મંડળમાં જ ઊભી થઈ હતી. ઘણાં ભાઈ-બહેનો અલગ અલગ દેશથી આવ્યાં હતાં. તેઓએ યરૂશાલેમમાં બાપ્તિસ્મા લીધું હતું અને વધારે શીખવા ત્યાં રોકાઈ ગયાં હતાં. તેઓની ખાવા-પીવાની અને બીજી જરૂરિયાતો પૂરી કરવા યરૂશાલેમનાં ભાઈ-બહેનોએ ખુશી ખુશી દાન આપ્યું હતું. (પ્રે.કા. ૨:૪૪-૪૬; ૪:૩૪-૩૭) પણ એ સમયે એક મુશ્કેલી ઊભી થઈ. “રોજ ખોરાકની વહેંચણી વખતે” ગ્રીક બોલતી વિધવાઓને “ભાગ મળતો ન હતો.” (પ્રે.કા. ૬:૧) પણ હિબ્રૂ બોલતી વિધવાઓની સારી સંભાળ રાખવામાં આવતી હતી. એ તો ભેદભાવ કહેવાય. એ કંઈ નાનીસૂની વાત ન હતી, ખૂબ નાજુક મુદ્દો હતો. એનાથી મંડળનાં ભાઈ-બહેનો વચ્ચે ભાગલા પડવાનું જોખમ હતું.
૧૮ એ દિવસોમાં પ્રેરિતોથી બનેલા નિયામક જૂથ પાસે મંડળની ભારે જવાબદારી હતી. મંડળમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો હતો. એટલે તેઓ નિર્ણય પર આવ્યા કે “ઈશ્વરની વાતો શીખવવાનું છોડીને ખોરાકની વહેંચણી કરવી” તેઓ માટે યોગ્ય ન હતું. (પ્રે.કા. ૬:૨) તો ઊભી થયેલી મુશ્કેલીને પ્રેરિતોએ કઈ રીતે હાથ ધરી? તેઓએ શિષ્યોને “પવિત્ર શક્તિ અને બુદ્ધિથી ભરપૂર હોય” એવા સાત માણસો શોધવાનું કહ્યું, જેથી તેઓને ખોરાકની વહેંચણી કરવાનું “જરૂરી કામ” સોંપી શકાય. (પ્રે.કા. ૬:૩) આ કામમાં યોગ્ય માણસોની ખૂબ જરૂર હતી કારણ કે એ ફક્ત ખોરાકની વહેંચણી કરવાનું કામ ન હતું. એમાં પૈસાની લેવડ-દેવડ, ખરીદી અને બરાબર હિસાબ રાખવાનું કામ પણ સમાયેલું હતું. જે સાત ભાઈઓની ભલામણ કરવામાં આવી, તેઓનાં ગ્રીક નામ હતાં. એનાથી ગ્રીક બોલતી વિધવાઓ માટે એ ભાઈઓ પર ભરોસો કરવો કદાચ સહેલું બન્યું હશે. પ્રેરિતોને સાત નામો મળ્યાં ત્યારે તેઓએ એ વિશે પ્રાર્થના કરીને વિચાર કર્યો. પછી તેઓએ એ ભાઈઓને ખોરાકની વહેંચણી કરવાનું “જરૂરી કામ” સોંપ્યું. e
૧૯ એ સાત ભાઈઓને ખોરાક વહેંચવાની ભારે જવાબદારી મળી હતી. પણ શું એનો એવો અર્થ થાય કે તેઓને પ્રચાર કરવાની જવાબદારીમાંથી છૂટ મળી ગઈ હતી? ના, એવું ન હતું. સાત ભાઈઓમાં સ્તેફન પણ એક હતા. બાઇબલમાં તેમના વિશે જણાવ્યું છે કે તે ઉત્સાહથી અને હિંમતથી પ્રચાર કરતા હતા. (પ્રે.કા. ૬:૮-૧૦) ફિલિપ પણ એ સાત ભાઈઓમાંથી હતા. તેમને “પ્રચારક” કહેવામાં આવ્યા છે. (પ્રે.કા. ૨૧:૮) એનાથી ખબર પડે છે કે એ સાત ભાઈઓએ મન લગાડીને પ્રચારકામ ચાલુ રાખ્યું હતું.
૨૦. આજે યહોવાના ભક્તોએ પ્રેરિતોની કઈ રીત અપનાવી છે?
૨૦ આજે યહોવાના ભક્તોએ પ્રેરિતોની રીત અપનાવી છે. મંડળની જવાબદારીઓ ઉપાડવા એવા ભાઈઓની ભલામણ કરવામાં આવે છે, જેઓએ ઈશ્વર જેવા વિચારો કેળવ્યા છે અને જેઓ પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતાં ગુણો બતાવે છે. જે ભાઈઓ બાઇબલમાં જણાવેલી લાયકાતો પ્રમાણે યોગ્ય ઠરે, તેઓને નિયામક જૂથના માર્ગદર્શન નીચે વડીલો અથવા સહાયક સેવકો નીમવામાં આવે છે. f (૧ તિમો. ૩:૧-૯, ૧૨, ૧૩) આમ કહી શકીએ કે તેઓ પવિત્ર શક્તિ દ્વારા નીમાયા છે. એ મહેનતુ ભાઈઓના ખભે ઘણી જવાબદારીઓ છે. દાખલા તરીકે, મોટી ઉંમરનાં વફાદાર ભાઈ-બહેનોને મદદની જરૂર હોય તો વડીલો તેઓની સંભાળ રાખવાની ગોઠવણ કરે છે. (યાકૂ. ૧:૨૭) અમુક વડીલો પ્રાર્થનાઘરના બાંધકામમાં અથવા મહાસંમેલનની ગોઠવણો કરવામાં મદદ કરે છે. બીજા અમુક વડીલો હૉસ્પિટલ સંપર્ક સમિતિમાં સેવા આપે છે. વડીલો ભાઈ-બહેનોની ઉત્તેજન આપતી મુલાકાત લેવામાં અને શીખવવાના કામમાં આગેવાની લે છે ત્યારે, સહાયક સેવકો મંડળનાં બીજાં કામોમાં તેઓને મદદ કરે છે. એ બધા યોગ્ય ભાઈઓ મંડળમાં અને સંગઠનમાં ઘણી જવાબદારીઓ ઉપાડે છે. જોકે એની સાથે તેઓ પ્રચારકામ કરતા રહે, એ પણ એટલું જ જરૂરી છે.—૧ કોરીં. ૯:૧૬.
“ઈશ્વરનો સંદેશો ફેલાતો ગયો” (પ્રે.કા. ૬:૭)
૨૧, ૨૨. શાનાથી ખબર પડે છે કે નવા મંડળ પર યહોવાનો આશીર્વાદ હતો?
૨૧ યરૂશાલેમના નવા મંડળે બહારના લોકો તરફથી સતાવણીનો સામનો કર્યો. તેમ જ, મંડળમાં ભાઈ-બહેનો વચ્ચે ભાગલા પડી શકે એવી એક મુશ્કેલીનો સામનો કર્યો. પણ તેઓ યહોવાની મદદથી એ બધી મુશ્કેલીમાંથી પાર ઊતર્યાં. તેઓ પર યહોવાનો આશીર્વાદ સાફ જોઈ શકાય છે. કેમ કે બાઇબલમાં લખ્યું છે: “ઈશ્વરનો સંદેશો ફેલાતો ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધતી ગઈ. ઘણા બધા યાજકોએ પણ શ્રદ્ધા મૂકી.” (પ્રે.કા. ૬:૭) શિષ્યોની સંખ્યામાં વધારો થયો હોય એવો આ એક જ અહેવાલ આપણે જોયો. પણ પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં એવા તો ઢગલેબંધ અહેવાલો છે. (પ્રે.કા. ૯:૩૧; ૧૨:૨૪; ૧૬:૫; ૧૯:૨૦; ૨૮:૩૧) આજે ઘણા દેશોમાં પ્રચારકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. એ અહેવાલો સાંભળીને આપણને ઘણું ઉત્તેજન મળે છે.
૨૨ પહેલી સદીમાં ધર્મગુરુઓ હાથ પર હાથ ધરીને બેસી રહ્યા ન હતા. તેઓએ શિષ્યોની સતાવણી ચાલુ રાખી હતી. બહુ જલદી સતાવણીનું મોજું શિષ્યો પર ફરી વળવાનું હતું. સ્તેફન એના શિકાર બનવાના હતા. એ વિશે હવે પછીના પ્રકરણમાં જોઈશું.
a “ ન્યાયસભા—યહૂદીઓની ઉચ્ચ અદાલત” બૉક્સ જુઓ.
b પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં આશરે ૨૦ વખત દૂતોનો સીધેસીધો ઉલ્લેખ થયો છે. એ પહેલી વાર પ્રેરિતોનાં કાર્યો ૫:૧૯માં જોવા મળે છે. જોકે પ્રેરિતોનાં કાર્યો ૧:૧૦માં પણ દૂતો વિશે વાત થઈ છે. પણ ત્યાં તેઓને ‘સફેદ કપડાં પહેરેલા માણસો’ કહ્યા છે.
c “ ગમાલિયેલ—રાબ્બીઓમાં તેનું બહુ માન હતું” બૉક્સ જુઓ.
d “ ‘ઘરે ઘરે’ પ્રચાર કર્યો” બૉક્સ જુઓ.
e ખોરાકની વહેંચણી કરવાનું “જરૂરી કામ” એક ભારે જવાબદારી હતી. એટલે પસંદ કરાયેલા ભાઈઓમાં એ લાયકાતો હશે, જે વડીલોમાં હોવી જોઈએ. જોકે બાઇબલમાં સીધેસીધું નથી જણાવ્યું કે મંડળમાં ક્યારથી ભાઈઓને વડીલ અથવા દેખરેખ રાખનાર તરીકે નીમવાનું શરૂ થયું.
f પહેલી સદીમાં યોગ્ય ભાઈઓ પાસે વડીલો નીમવાનો અધિકાર હતો. (પ્રે.કા. ૧૪:૨૩; ૧ તિમો. ૫:૨૨; તિત. ૧:૫) આજે નિયામક જૂથ સરકીટ નિરીક્ષકોને નીમે છે. એ સરકીટ નિરીક્ષકો પાસે વડીલો અને સહાયક સેવકો નીમવાની જવાબદારી છે.