સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૨

“યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ”

“યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ”

પાઉલ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા મક્કમ હતા, એટલે તે યરૂશાલેમ જાય છે

પ્રેરિતોનાં કાર્યો ૨૧:૧-૧૭ના આધારે

૧-૪. પાઉલ કેમ યરૂશાલેમ જઈ રહ્યા છે? ત્યાં તેમની સાથે શું થશે?

 મિલેતસ બંદર પર ગમગીન માહોલ છે. એફેસસના વડીલો પાઉલ અને લૂકને ભેટીને રડી રહ્યા છે. પાઉલ અને લૂક માટે પણ એ પ્રેમાળ ભાઈઓને આવજો કહેવું સહેલું નથી. તેઓ ભારે હૈયે વહાણ પર ચઢે છે. ભાઈઓએ ખાવા-પીવાની અને જરૂરી ચીજવસ્તુઓ બાંધી આપી છે. પાઉલ અને લૂક યહૂદિયાના ભાઈઓ માટે દાન પણ લઈ જઈ રહ્યા છે. તેઓ બને એટલા જલદી ગરીબ ભાઈ-બહેનો સુધી એ દાન પહોંચાડવા માંગે છે.

પવનથી વહાણનો સઢ ઊંચો થઈ રહ્યો છે. વહાણ ધીરે ધીરે બંદરથી દૂર જઈ રહ્યું છે. પાઉલ, લૂક અને બીજા સાત ભાઈઓ બંદર પર ઊભેલા ઉદાસ ભાઈઓને એકીટસે જોઈ રહ્યા છે. (પ્રે.કા. ૨૦:૪, ૧૪, ૧૫) તેઓ દેખાય છે ત્યાં સુધી, પાઉલ અને તેમના સાથીઓ હાથ હલાવીને આવજો કહેતા રહે છે.

પાઉલે એફેસસના વડીલો સાથે આશરે ત્રણ વર્ષ કામ કર્યું હતું. હવે તે પવિત્ર શક્તિના માર્ગદર્શનથી યરૂશાલેમ જઈ રહ્યા છે. તેમને થોડો ઘણો ખ્યાલ તો છે કે યરૂશાલેમમાં તેમની સાથે શું થશે. થોડા સમય પહેલાં તેમણે એફેસસના વડીલોને કહ્યું હતું: “પવિત્ર શક્તિને આધીન થઈને હું યરૂશાલેમ જવા મુસાફરી કરું છું. ત્યાં મારી સાથે શું થવાનું છે એ હું જાણતો નથી. ખરું કે, એક પછી એક શહેરમાં પવિત્ર શક્તિ વારંવાર મને આ વાતની સાક્ષી આપે છે કે મારા માટે કેદ અને કસોટીઓ રાહ જોઈ રહી છે.” (પ્રે.કા. ૨૦:૨૨, ૨૩) જોખમ હોવા છતાં પાઉલ “પવિત્ર શક્તિને આધીન થઈને” યરૂશાલેમ જવા તૈયાર છે. તેમને લાગે છે કે પવિત્ર શક્તિનું માર્ગદર્શન પાળવું જ જોઈએ. તે પોતે પણ ખુશી ખુશી એ માર્ગદર્શન પાળવા તૈયાર છે. ખરું કે પાઉલને પોતાનો જીવ વહાલો છે, પણ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી તેમના માટે વધારે મહત્ત્વનું છે.

શું તમે પણ પાઉલ જેવું વિચારો છો? જ્યારે આપણે યહોવાને સમર્પણ કરીએ છીએ ત્યારે વચન આપીએ છીએ કે તેમની ઇચ્છા પૂરી કરવી એ જ આપણા જીવનનો હેતુ હશે. એ વચન પાળવા પ્રેરિત પાઉલના દાખલામાંથી ઘણું શીખી શકીએ છીએ.

તેઓને “સૈપ્રસ ટાપુ દેખાયો” (પ્રે.કા. ૨૧:૧-૩)

૫. પાઉલ અને તેમના સાથીઓ ક્યાં ક્યાં થઈને તૂર પહોંચ્યા?

મિલેતસથી પાઉલ અને તેમના સાથીઓનું વહાણ ‘સીધું’ આગળ વધી રહ્યું હતું. વહાણને ક્યાંય પોતાની દિશા બદલવાની જરૂર ના પડી, કેમ કે હવામાન ઘણું સારું હતું. એટલે તેઓ એ જ દિવસે કોસ શહેર પહોંચ્યા. (પ્રે.કા. ૨૧:૧) એવું લાગે છે કે વહાણ એ રાતે કોસ શહેરમાં જ રોકાયું. પછી બીજા દિવસે વહાણ રોદસ અને પાતરા તરફ આગળ વધ્યું. પાતરા શહેર એશિયા માઈનોરના દક્ષિણ કિનારે આવેલું હતું. પાતરામાં પાઉલ અને તેમના સાથીઓ માલ-સામાન લઈ જતા એક મોટા વહાણ પર ચઢ્યા. એ વહાણ તેઓને ફિનીકિયાના તૂર શહેર લઈ ગયું. માર્ગમાં તેઓને ‘સૈપ્રસ ટાપુ દેખાયો, જે તેઓની ડાબી બાજુ હતો.’ (પ્રે.કા. ૨૧:૩) આ અહેવાલમાં લૂકે કેમ સૈપ્રસ ટાપુનો ઉલ્લેખ કર્યો?

૬. (ક) સૈપ્રસ ટાપુ જોઈને પાઉલને કેમ ઉત્તેજન મળ્યું હશે? (ખ) યહોવાએ તમને જે આશીર્વાદો આપ્યા છે, જે રીતે મદદ કરી છે એના પર વિચાર કરવાથી તમને કઈ ખાતરી મળે છે?

મુસાફરી વખતે જ્યારે પાઉલને સૈપ્રસ ટાપુ દેખાયો ત્યારે તેમણે લૂક અને બાકીના સાથીઓને ત્યાંના કિસ્સાઓ જણાવ્યા હશે. આશરે નવ વર્ષ પહેલાં પાઉલ પોતાના પ્રચારકાર્યની પહેલી મુસાફરીમાં ત્યાં ગયા હતા. એ સમયે તેમની સાથે બાર્નાબાસ અને યોહાન માર્ક હતા. તેઓનો ત્યાં એલિમાસ નામના એક જાદુગર સાથે ભેટો થયો હતો. તેણે તેઓના પ્રચારકામનો વિરોધ કર્યો હતો. (પ્રે.કા. ૧૩:૪-૧૨) એ ટાપુ પર જે બન્યું હતું, એ બધું યાદ કરીને પાઉલને ઘણું ઉત્તેજન મળ્યું હશે. તેમની હિંમત વધી હશે કે યરૂશાલેમમાં યહોવા તેમને મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરશે. આપણે પણ વિચાર કરવો જોઈએ કે યહોવાએ આપણને કયા આશીર્વાદો આપ્યા છે અને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરી છે. એનાથી આપણી હિંમત વધશે. પછી આપણને પણ દાઉદની જેમ ખાતરી થશે: “સાચા માર્ગે ચાલનારે ઘણાં દુઃખો સહેવાં પડે છે, પણ યહોવા તેને બધાં દુઃખોમાંથી છોડાવે છે.”—ગીત. ૩૪:૧૯.

“અમે શિષ્યોને શોધી કાઢ્યા” (પ્રે.કા. ૨૧:૪-૯)

૭. તૂર પહોંચ્યા પછી પાઉલ અને તેમના સાથીઓએ શું કર્યું?

પાઉલ જાણતા હતા કે ભાઈ-બહેનો સાથે હળવું-મળવું કેટલું જરૂરી છે. એટલે તે તેઓને મળવા આતુર રહેતા. તૂર પહોંચ્યા પછી પાઉલ અને તેમના સાથીઓએ શું કર્યું? લૂકે લખ્યું, “અમે શિષ્યોને શોધી કાઢ્યા.” (પ્રે.કા. ૨૧:૪) તેઓને ખબર હતી કે તૂરમાં અમુક ભાઈ-બહેનો રહેતાં હતાં. એટલે એ ભાઈઓએ તેઓનાં ઘર શોધી કાઢ્યાં અને તેઓ સાથે રોકાયા. આજે આપણે દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ, આપણને એવાં ભાઈ-બહેનો મળે છે જેઓ દિલથી આપણો આવકાર કરે છે. જે લોકો યહોવાને પ્રેમ કરે છે અને તેમની ભક્તિ કરે છે, તેઓના દોસ્તો આખી દુનિયામાં ફેલાયેલા છે. યહોવાના કુટુંબનો ભાગ હોવાનો કેટલો મોટો આશીર્વાદ!

૮. પ્રેરિતોનાં કાર્યો ૨૧:૪માં જે જણાવ્યું છે એનો શું અર્થ થાય?

પાઉલ અને તેમના સાથીઓ તૂરમાં સાત દિવસ રોકાયા. એ દિવસોમાં શું થયું એ વિશે લૂકે લખ્યું: “[તૂરના ભાઈઓ] પવિત્ર શક્તિની પ્રેરણાથી વારંવાર પાઉલને જણાવતા હતા કે તે યરૂશાલેમમાં પગ ન મૂકે.” (પ્રે.કા. ૨૧:૪) આ કલમ વાંચીને એવું લાગી શકે કે એ ભાઈઓ પવિત્ર શક્તિની પ્રેરણાથી પાઉલને યરૂશાલેમ જતા રોકી રહ્યા હતા. પણ એવું ન હતું. પવિત્ર શક્તિના માર્ગદર્શનથી અગાઉ સ્પષ્ટ થયું હતું કે પાઉલ યરૂશાલેમ જશે અને ઘણાં દુઃખો સહન કરશે. એવું લાગે છે કે એ વાત તૂરના ભાઈઓને પવિત્ર શક્તિની મદદથી ખબર પડી હતી. એટલે એ ભાઈઓએ લાગણીવશ થઈને પાઉલને યરૂશાલેમ જતા રોક્યા હતા, પવિત્ર શક્તિએ નહિ. આપણે તેઓની લાગણી સમજી શકીએ છીએ. તેઓ ઇચ્છતા ન હતા કે પાઉલને ઊની આંચ આવે. પણ પાઉલે યહોવાની ઇચ્છા પૂરી કરવા પોતાનું મન મક્કમ કર્યું હતું. એટલે તે યરૂશાલેમ જવા નીકળી પડ્યા.—પ્રે.કા. ૨૧:૧૨.

૯, ૧૦. (ક) તૂરના ભાઈઓની આજીજી સાંભળીને પાઉલને કયો બનાવ યાદ આવ્યો હશે? (ખ) દુનિયાના મોટા ભાગના લોકોનું વલણ કેવું છે? પણ ઈસુએ શું કહ્યું હતું?

તૂરના ભાઈઓની આજીજી સાંભળીને પાઉલને કદાચ ઈસુના જીવનનો એક બનાવ યાદ આવ્યો હશે. એકવાર ઈસુ પોતાના શિષ્યોને જણાવતા હતા કે તેમણે યરૂશાલેમ જવું પડશે, ઘણું સહન કરવું પડશે અને આખરે તેમને મારી નાખવામાં આવશે. એ સાંભળીને પિતરથી રહેવાયું નહિ એટલે તેમણે ઈસુને કહ્યું: “માલિક, પોતાના પર દયા કરો! તમને એવું કંઈ પણ નહિ થાય.” પણ ઈસુએ તેમને કહ્યું: “મારી પાછળ જા, શેતાન! તું મારા માર્ગમાં નડતર છે. તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.” (માથ. ૧૬:૨૧-૨૩) ઈસુએ દૃઢ નિર્ણય કર્યો હતો કે તે યહોવાની ઇચ્છા પૂરી કરશે અને પોતાનું બલિદાન આપશે. પાઉલે પણ એવો જ દૃઢ નિર્ણય કર્યો હતો. પ્રેરિત પિતરની જેમ તૂરના ભાઈઓનો ઇરાદો તો સારો હતો, પણ તેઓના વિચારો ખોટા હતા. તેઓ એ સમજી ના શક્યા કે પાઉલ યરૂશાલેમ જાય એ ઈશ્વરની ઇચ્છા હતી.

ઈસુના શિષ્યોએ જતું કરવા તૈયાર રહેવું જોઈએ

૧૦ આજે દુનિયાના મોટા ભાગના લોકોનું વલણ કેવું છે? ભલે કોઈ કામ ખૂબ મહત્ત્વનું હોય, પણ જો લોકોને એ અઘરું લાગે તો તેઓ એનાથી દૂર ભાગે છે. ધર્મની જ વાત લઈ લો. લોકોને એવો ધર્મ પાળવો ગમે છે, જેમાં વધારે રોકટોક અને નિયમો ન હોય. પણ ઈસુએ તો કંઈક અલગ જ શીખવ્યું છે. તેમણે પોતાના શિષ્યોને કહ્યું હતું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.” (માથ. ૧૬:૨૪) ઈસુના પગલે ચાલવામાં જ સમજદારી છે અને એમ કરવું યોગ્ય પણ છે. જોકે એ એટલું સહેલું નથી.

૧૧. તૂરના શિષ્યો પાઉલ સાથે કઈ રીતે વર્ત્યા અને કેમ?

૧૧ હવે પાઉલ, લૂક અને બાકીના ભાઈઓ માટે તૂર છોડીને આગળ વધવાનો સમય આવી ગયો હતો. તૂરના ભાઈઓ પાઉલ અને તેમના સાથીઓને છેક દરિયા કિનારે મૂકવા ગયા. ભાઈઓ સાથે સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. એ શિષ્યોએ ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી. પછી તેઓએ પાઉલ અને તેમના સાથીઓને વિદાય કર્યા. એ દૃશ્ય દિલને સ્પર્શી જાય એવું હતું. એનાથી ખબર પડે છે કે તૂરના શિષ્યો પાઉલને કેટલો પ્રેમ કરતા હતા. તેઓ ચાહતા હતા કે પાઉલ પ્રચાર કરતા રહે. પછી પાઉલ, લૂક અને તેઓના સાથીઓ વહાણમાં ટાલેમાઈસ શહેર ગયા. ત્યાં તેઓ ભાઈઓને મળ્યા અને એક દિવસ રોકાયા.—પ્રે.કા. ૨૧:૫-૭.

૧૨, ૧૩. (ક) ફિલિપે ઈશ્વરની સેવામાં કઈ રીતે એક સારો દાખલો બેસાડ્યો? (ખ) આજે પિતાઓ ફિલિપ પાસેથી શું શીખી શકે?

૧૨ લૂકે જણાવ્યું કે એ પછી પાઉલ અને તેમના સાથીઓ કાઈસારીઆ જવા નીકળી પડ્યા. ત્યાં પહોંચીને તેઓ “પ્રચારક ફિલિપના ઘરે ગયા.” a (પ્રે.કા. ૨૧:૮) ફિલિપને મળીને તેઓને ઘણી ખુશી થઈ હશે. વીસેક વર્ષ પહેલાં યરૂશાલેમના નવા મંડળમાં પ્રેરિતોએ ફિલિપને ખોરાકની વહેંચણી કરવાનું કામ સોંપ્યું હતું. ફિલિપે દાયકાઓ સુધી ઉત્સાહથી પ્રચાર કર્યો. યાદ છે, યરૂશાલેમમાં સતાવણીનો પવન ફૂંકાયો ત્યારે ઘણા શિષ્યો દૂર દૂરના વિસ્તારોમાં વિખેરાઈ ગયા હતા. એ સમયગાળામાં ફિલિપ સમરૂન જતા રહ્યા અને ત્યાં પ્રચાર કરવા લાગ્યા. તેમણે ઇથિયોપિયાના અધિકારીને પણ પ્રચાર કર્યો હતો અને બાપ્તિસ્મા આપ્યું હતું. (પ્રે.કા. ૬:૨-૬; ૮:૪-૧૩, ૨૬-૩૮) ફિલિપે વર્ષો સુધી વફાદારીથી ઈશ્વરની સેવા કરી હતી.

૧૩ ફિલિપની પ્રચાર માટેની ધગશ એવી ને એવી જ હતી. તે હજી પણ કાઈસારીઆમાં પૂરી મહેનતથી પ્રચાર કરતા હતા. એટલે જ લૂકે તેમને “પ્રચારક” કહ્યા. લૂકના અહેવાલથી એ પણ જાણવા મળે છે કે ફિલિપની ચાર દીકરીઓ હતી, જેઓ ભવિષ્યવાણી કરતી હતી. b તેઓ ચોક્કસ પોતાના પિતાના સારા દાખલાથી ઘણું શીખી હશે. (પ્રે.કા. ૨૧:૯) બીજી બાજુ ફિલિપે પણ ઘણી મહેનત કરી હશે, જેથી તેમનું કુટુંબ યહોવાને પ્રેમ કરતું રહે અને તેમની સેવા કરતું રહે. આજે પિતાઓ ફિલિપના દાખલાને અનુસરી શકે. જો તેઓ પ્રચારમાં મહેનત કરશે અને બાળકોનાં દિલમાં પ્રચાર માટે હોંશ વધારશે, તો બાળકો તેઓ પાસેથી ઘણું શીખી શકશે.

૧૪. પાઉલે ભાઈ-બહેનો સાથે સમય વિતાવ્યો એનાથી કયો ફાયદો થયો? આજે આપણી પાસે કઈ તકો રહેલી છે?

૧૪ પાઉલ પોતાની મુસાફરીમાં જ્યાં પણ ગયા, ત્યાં તેમણે ભાઈ-બહેનોને શોધી કાઢ્યા અને તેઓ સાથે સમય વિતાવ્યો. એ ભાઈ-બહેનોને પણ મહેમાનગતિ બતાવવામાં ઘણી ખુશી મળી હશે. આ રીતે એકબીજા સાથે સમય વિતાવવાથી તેઓ “અરસપરસ ઉત્તેજન મેળવી” શક્યાં. (રોમ. ૧:૧૧, ૧૨) આજે આપણી પાસે પણ મહેમાનગતિ બતાવવાની ઘણી તકો છે. જેમ કે, આપણું ઘર નાનું હોય તોપણ સરકીટ નિરીક્ષક અને તેમની પત્નીને ઘરે બોલાવીને મહેમાનગતિ બતાવવાથી ઘણું ઉત્તેજન મળે છે.—રોમ. ૧૨:૧૩.

‘હું મરવા પણ તૈયાર છું’ (પ્રે.કા. ૨૧:૧૦-૧૪)

૧૫, ૧૬. આગાબાસે કયો સંદેશો જણાવ્યો? ત્યાં હાજર લોકો પર એની કેવી અસર પડી?

૧૫ પાઉલ ફિલિપના ઘરે હતા ત્યારે બીજા એક મહેમાન આવ્યા. એ મહેમાનનું નામ હતું આગાબાસ. ભાઈ-બહેનો તેમને ઘણું માન આપતા હતા. ફિલિપના ઘરે ભેગા થયેલા લોકો જાણતા હતા કે આગાબાસ પ્રબોધક હતા. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે સમ્રાટ ક્લોદિયસના દિવસોમાં ભયંકર દુકાળ પડશે અને એવું જ થયું. (પ્રે.કા. ૧૧:૨૭, ૨૮) એટલે બધા લોકોનાં મનમાં કદાચ આવા સવાલો થતા હશે: ‘આગાબાસ અહીં કેમ આવ્યા છે? તે કયો સંદેશો જણાવવાના છે?’ બધાની નજર તેમના પર હતી. એવામાં આગાબાસે પાઉલનો કમરપટ્ટો લીધો અને એનાથી પોતાના હાથ-પગ બાંધ્યા. કમરપટ્ટો એક લાંબું કપડું હતું, જેને લોકો પોતાની કમરે બાંધતા અને એમાં પૈસા અને બીજી વસ્તુઓ રાખતા. પોતાના હાથ-પગ બાંધ્યા પછી આગાબાસે બોલવાનું શરૂ કર્યું. સંદેશો ખરેખર ગંભીર હતો. તેમણે કહ્યું: “પવિત્ર શક્તિ કહે છે, ‘આ પટ્ટો જે માણસનો છે, તેને યરૂશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધશે અને બીજી પ્રજાના હાથમાં સોંપી દેશે.’”—પ્રે.કા. ૨૧:૧૧.

૧૬ આ ભવિષ્યવાણીથી સ્પષ્ટ થયું કે પાઉલ ચોક્કસ યરૂશાલેમ જશે. એનાથી એ પણ ખબર પડી કે યરૂશાલેમના યહૂદીઓ તેમને “બીજી પ્રજાના હાથમાં સોંપી દેશે.” એ ભવિષ્યવાણી સાંભળીને ત્યાં હાજર લોકો બેચેન થઈ ગયા. લૂકે જણાવ્યું: “અમે આ સાંભળ્યું ત્યારે, અમે અને ત્યાં હાજર લોકો પાઉલને આજીજી કરવા લાગ્યા કે તે યરૂશાલેમ ન જાય. ત્યારે પાઉલે કહ્યું: ‘આ શું કરો છો? તમે રડીને મારો નિર્ણય કેમ ડગમગાવો છો? હું તો ફક્ત બંધાવા જ નહિ, પણ આપણા માલિક ઈસુના નામને લીધે યરૂશાલેમમાં મરવા પણ તૈયાર છું.’”—પ્રે.કા. ૨૧:૧૨, ૧૩.

૧૭, ૧૮. કેમ કહી શકીએ કે પાઉલનો નિર્ણય મક્કમ હતો? પછી ભાઈઓએ શું કર્યું?

૧૭ આ દૃશ્યની કલ્પના કરો. ફિલિપના ઘરે ભેગા થયેલા ભાઈઓ પાઉલને આજીજી કરે છે કે તે યરૂશાલેમ ન જાય. લૂક પણ એવું જ કરે છે. અરે અમુક તો રડવા લાગે છે. ભાઈ-બહેનોનો પ્રેમ અને ચિંતા પાઉલના દિલને સ્પર્શી ગયાં હશે. પણ તે પ્રેમથી જણાવે છે કે તેઓ તેમના ‘નિર્ણયને ન ડગમગાવે.’ પાઉલનો યરૂશાલેમ જવાનો નિર્ણય મક્કમ છે. તૂરના ભાઈઓને લીધે કે આ ભાઈઓને લીધે તે પોતાનો નિર્ણય બદલતા નથી. તે સમજાવે છે કે તેમના માટે યરૂશાલેમ જવું કેમ મહત્ત્વનું છે. પાઉલે જોરદાર હિંમત બતાવી! ઈસુની જેમ પાઉલે પણ યરૂશાલેમ જવા પીછેહઠ ન કરી. (હિબ્રૂ. ૧૨:૨) શું પાઉલ સામે ચાલીને મોત માંગી રહ્યા હતા? ના, પણ જો તેમણે ખ્રિસ્ત ઈસુના નામને લીધે મરવું પડે તોપણ તે એને મોટું સન્માન ગણતા હતા.

૧૮ ભાઈઓએ શું કર્યું? તેઓએ પાઉલના નિર્ણયને માન આપ્યું. કલમમાં જણાવ્યું છે: ‘જ્યારે તે માન્યા નહિ, ત્યારે અમે આમ કહીને ચૂપ થઈ ગયા: “યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ.”’ (પ્રે.કા. ૨૧:૧૪) ભાઈઓએ પાઉલને રોકવાની કોશિશ તો કરી, પણ પોતાના વિચારો તેમના પર થોપી ન બેસાડ્યા. ખરું કે તેઓ માટે પાઉલની વાત માનવી અઘરી હતી, તોપણ તેઓએ તેમનો નિર્ણય સ્વીકાર્યો. તેઓ સમજી ગયા કે યહોવાની એવી જ ઇચ્છા હતી. પાઉલે એક એવો રસ્તો પસંદ કર્યો હતો, જેની મંજિલ મોત હતી. એટલે જો ભાઈ-બહેનોએ પાઉલને રોકવાની કોશિશ ના કરી હોત, તો તેમના માટે પોતાના નિર્ણયને વળગી રહેવું વધારે સહેલું થઈ ગયું હોત.

૧૯. ભાઈઓ પાઉલ સાથે જે રીતે વર્ત્યા, એમાંથી આપણને કયો બોધપાઠ મળે છે?

૧૯ ભાઈઓ પાઉલ સાથે જે રીતે વર્ત્યા એમાંથી એક મહત્ત્વનો બોધપાઠ મળે છે: જેઓ ઈશ્વરની સેવામાં કંઈક જતું કરી રહ્યા છે, તેઓનો ઇરાદો ક્યારેય નબળો ન પાડીએ. આપણે ફક્ત જીવન-મરણના સંજોગોમાં જ નહિ, બીજા ઘણા સંજોગોમાં એ બોધપાઠ લાગુ પાડી શકીએ છીએ. દાખલા તરીકે એ માબાપનો વિચાર કરો જેઓનાં બાળકો યહોવાની સેવા માટે ઘરથી દૂર જાય છે. પોતાના બાળકથી છૂટા પડવું કયાં માબાપને ગમે! તોપણ તેઓ એવું કંઈ કરતા નથી જેનાથી તેઓનાં બાળકો નિરાશ થઈ જાય. ઇંગ્લૅન્ડમાં રહેતાં ફિલિસબહેનનો વિચાર કરો. તેમની એકની એક દીકરી આફ્રિકામાં મિશનરી તરીકે સેવા કરવા ગઈ. તેમણે પોતાની લાગણીઓ જણાવતા કહ્યું: “મને એ વાતનો ગર્વ હતો કે તે યહોવાની સેવા કરવા જઈ રહી છે. જોકે એ વાતનું દુઃખ પણ હતું કે તે મારાથી દૂર જઈ રહી છે. એ વિશે મેં ઘણી પ્રાર્થના કરી. પણ મેં તેના નિર્ણયને બદલવાની કોશિશ ના કરી, કેમ કે એ તેનો પોતાનો નિર્ણય હતો. મેં જ તો તેને હંમેશાં શીખવ્યું હતું કે ઈશ્વરના રાજ્યને પોતાના જીવનમાં સૌથી પહેલા રાખવું જોઈએ. મારી દીકરીને બીજા દેશમાં સેવા કરતા ૩૦ વર્ષ થઈ ગયાં છે. તે વફાદારીથી યહોવાની સેવા કરી રહી છે. એ માટે હું દરરોજ યહોવાનો અહેસાન માનું છું.” આજે એવાં ઘણાં ભાઈ-બહેનો છે, જેઓ યહોવાની સેવા માટે ઘણું બધું જતું કરે છે. આપણે તેઓનો ઉત્સાહ વધારતા રહીએ, જેથી તેઓ યહોવાની સેવા કરતા રહે.

જેઓ યહોવાની સેવા માટે જતું કરે છે, તેઓનો ઉત્સાહ વધારતા રહીએ

“ભાઈઓએ ખુશીથી અમારો આવકાર કર્યો” (પ્રે.કા. ૨૧:૧૫-૧૭)

૨૦, ૨૧. કઈ રીતે દેખાઈ આવે છે કે પાઉલ હંમેશાં ભાઈ-બહેનો સાથે સમય વિતાવવા માંગતા હતા અને કેમ?

૨૦ તમને યાદ હશે કે પાઉલ અને તેમના સાથીઓ જ્યાં પણ ગયા, ત્યાં તેઓએ ભાઈ-બહેનોને શોધી કાઢ્યા અને તેઓ સાથે સમય વિતાવ્યો. જેમ કે, તૂરમાં તેઓ ભાઈઓ સાથે સાત દિવસ રહ્યા, ટાલેમાઈસમાં એક દિવસ અને કાઈસારીઆમાં ફિલિપના ઘરે અમુક દિવસ રોકાયા. પછી પાઉલ અને તેમના સાથીઓ યરૂશાલેમ જવા નીકળ્યા. કાઈસારીઆના અમુક ભાઈઓ પણ તેઓ સાથે ગયા. પાઉલને એ ભાઈઓ પાસેથી ઘણી હિંમત મળી હશે. યરૂશાલેમ પહોંચીને તેઓ મનાસોનના ઘરે રોકાયા, જે શરૂઆતના શિષ્યોમાંથી એક હતા. લૂકે લખ્યું: “અમે યરૂશાલેમ પહોંચ્યા ત્યારે, ભાઈઓએ ખુશીથી અમારો આવકાર કર્યો.”—પ્રે.કા. ૨૧:૧૭.

૨૧ આખા અહેવાલથી દેખાઈ આવે છે કે પાઉલ હંમેશાં ભાઈ-બહેનો સાથે સમય વિતાવવા માંગતા હતા. તેઓ સાથે હળવા-મળવાથી પાઉલને ઘણું ઉત્તેજન મળ્યું. આજે આપણને પણ ભાઈ-બહેનો પાસેથી એવું જ ઉત્તેજન મળે છે. વધુમાં, પાઉલને આગળ જતાં ખૂંખાર વિરોધીઓનો સામનો કરવા પણ હિંમત મળી, જેઓ તેમને મારી નાખવા માંગતા હતા.