સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૧

“બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું”

“બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું”

પાઉલ ઉત્સાહથી પ્રચાર કરે છે અને વડીલોને સલાહ આપે છે

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧-૩૮ના આધારે

૧-૩. (ક) ત્રોઆસમાં પાઉલની છેલ્લી સાંજે શું બને છે? (ખ) યુતુખસ મરી ગયો ત્યારે પાઉલ શું કરે છે? એ બનાવથી પાઉલ વિશે શું જાણવા મળે છે?

 પાઉલ ત્રોઆસ શહેરમાં છે. તે એક ઘરના બીજા માળે પ્રવચન આપી રહ્યા છે. ઓરડામાં ઘણા દીવાઓ સળગી રહ્યા છે. એના લીધે ધુમાડો ફેલાઈ રહ્યો છે અને ગરમી વધી રહી છે. એ ઓરડો લોકોથી ખીચોખીચ ભરેલો છે. ત્યાં હાજર ભાઈ-બહેનો સાથે પાઉલની આ છેલ્લી સાંજ છે. એટલે તે મોડે સુધી પ્રવચન આપી રહ્યા છે. જોતજોતામાં મધરાત થઈ જાય છે. યુતુખસ નામનો એક યુવાન બારીએ બેસીને પ્રવચન સાંભળી રહ્યો છે. તે ભરઊંઘમાં સરી જાય છે અને બીજા માળથી નીચે પડી જાય છે!

લોકો ફટાફટ નીચે ઊતરે છે. કદાચ લૂક સૌથી પહેલા નીચે ઊતર્યા હશે, કેમ કે તે વૈદ હતા અને યુતુખસની તપાસ કરવા માંગતા હતા. પણ દુઃખની વાત છે કે “લોકોએ તેને ઉપાડ્યો ત્યારે તે મરી ચૂક્યો હતો.” (પ્રે.કા. ૨૦:૯) ત્યાં ખળભળાટ મચી જાય છે. પણ ત્યારે જ પાઉલ એક ચમત્કાર કરે છે. તે નમીને યુતુખસને બાથમાં લે છે અને લોકોને કહે છે: “ચિંતા ન કરો, કેમ કે તે જીવે છે.” હા, પાઉલ એ યુવાનને જીવતો કરે છે!—પ્રે.કા. ૨૦:૧૦.

આ બનાવથી સમજી શકીએ છીએ કે યહોવા પોતાની પવિત્ર શક્તિ દ્વારા કંઈ પણ કરી શકે છે. પાઉલ યુતુખસના મરણ માટે જવાબદાર ન હતા. પણ તે ચાહતા ન હતા કે ભાઈ-બહેનો એ ખાસ સભામાંથી ઉદાસ થઈને પાછા જાય અથવા તેઓની શ્રદ્ધા નબળી પડી જાય. એટલે તેમણે યુતુખસને જીવતો કર્યો. એ ચમત્કાર જોઈને મંડળનાં ભાઈ-બહેનોને ખૂબ દિલાસો મળ્યો અને પ્રચારમાં લાગુ રહેવા તેઓનો ઉત્સાહ વધ્યો. પાઉલ માટે બીજાઓનું જીવન ખૂબ કીમતી હતું. એનાથી આપણને પાઉલના આ શબ્દો યાદ આવે છે: “બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું.” (પ્રે.કા. ૨૦:૨૬) ચાલો જોઈએ કે પાઉલની જેમ આપણે કઈ રીતે બીજાઓનાં જીવનને કીમતી ગણી શકીએ.

‘તે મકદોનિયા જવા નીકળ્યા’ (પ્રે.કા. ૨૦:૧, ૨)

૪. પાઉલે એફેસસમાં કેવા ખતરનાક સંજોગોનો સામનો કર્યો હતો?

આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા કે પાઉલે એફેસસમાં ખૂબ જ ખતરનાક સંજોગોનો સામનો કર્યો હતો. તે પ્રચાર કરતા હતા એટલે આર્તિમિસ દેવીની મૂર્તિ બનાવનારા કારીગરો ગુસ્સાથી સળગી ઊઠ્યા હતા. તેઓએ પાઉલ અને તેમના સાથીઓને પકડવા ટોળું ભેગું કર્યું હતું અને શહેરમાં ધમાલ મચાવી હતી. ધમાલ બંધ થઈ ત્યારે પાઉલે શું કર્યું? પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧માં જણાવ્યું છે: ‘પાઉલે શિષ્યોને બોલાવ્યા અને તેઓને ઉત્તેજન આપ્યું. તેઓને વિદાય કરીને તે મકદોનિયા જવા નીકળ્યા.’

૫, ૬. (ક) પાઉલ મકદોનિયામાં કેટલો સમય રોકાયા હશે? તેમણે ત્યાંનાં ભાઈ-બહેનો માટે શું કર્યું? (ખ) પાઉલને ભાઈ-બહેનો માટે કેવી લાગણી હતી?

મકદોનિયા જતી વખતે પાઉલ ત્રોઆસના બંદરે રોકાયા અને ત્યાં થોડો સમય વિતાવ્યો. પાઉલને આશા હતી કે તિતસ ત્રોઆસ આવશે અને પછી બંને આગળની મુસાફરી સાથે કરશે. એ સમયે તિતસ કોરીંથમાં હતા. (૨ કોરીં. ૨:૧૨, ૧૩) પણ જ્યારે પાઉલને ખ્યાલ આવ્યો કે તિતસ નહિ આવી શકે, ત્યારે તે એકલા મકદોનિયા જવા નીકળ્યા. પાઉલ મકદોનિયામાં કદાચ એક વર્ષથી ઓછું રોકાયા. તેમણે “ત્યાંના શિષ્યોને ઉત્તેજન આપતી ઘણી વાતો કહી.” a (પ્રે.કા. ૨૦:૨) આખરે તિતસ મકદોનિયા પહોંચ્યા અને એક સારી ખબર લાવ્યા. તેમણે જણાવ્યું કે કોરીંથનાં ભાઈ-બહેનોએ પાઉલનો પત્ર વાંચ્યો છે અને એમાં આપેલી સલાહ પાળી છે. (૨ કોરીં. ૭:૫-૭) એ સાંભળીને પાઉલને ઘણી ખુશી થઈ. એટલે તેમણે કોરીંથીઓને બીજો પત્ર લખ્યો, જે આજે બાઇબલમાં જોવા મળે છે.

ધ્યાન આપો કે પાઉલે એફેસસમાં અને પછી મકદોનિયામાં ભાઈ-બહેનોને “ઉત્તેજન” આપ્યું. એનાથી ખ્યાલ આવે છે કે પાઉલને મન ભાઈ-બહેનો ખૂબ વહાલાં હતાં. તે ફરોશીઓ જેવા ન હતા. એ ફરોશીઓ તો પોતાને ખૂબ ચઢિયાતા ગણતા હતા, જ્યારે કે પાઉલ બધાને એકસમાન ગણતા હતા. તે ખુશી ખુશી ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની સેવા કરતા હતા. (યોહા. ૭:૪૭-૪૯; ૧ કોરીં. ૩:૯) પણ અમુક વાર પાઉલે કડક સલાહ આપવી પડી. એવા સમયે તેમણે ભાઈ-બહેનોને નીચા ન દેખાડ્યા, પણ પ્રેમથી સલાહ આપી.—૨ કોરીં. ૨:૪.

૭. આજે વડીલો અને સરકીટ નિરીક્ષકો કઈ રીતે પાઉલ જેવું કરી શકે?

આજે મંડળના વડીલો અને સરકીટ નિરીક્ષકો પાઉલ જેવું કરવાની પૂરી કોશિશ કરે છે. તેઓએ પણ અમુક વાર કોઈ ભાઈ કે બહેનને કડક સલાહ આપવી પડે છે. એવા સમયે તેઓ એ રીતે વાત કરે છે, જેથી એ ભાઈ કે બહેનની શ્રદ્ધા મજબૂત થાય. તેઓ તેમના સંજોગો સમજવાનો પ્રયત્ન કરે છે. દાઝ્યા પર ડામ દેવાને બદલે તેઓ પ્રેમથી ઉત્તેજન આપે છે. એક અનુભવી સરકીટ નિરીક્ષકે જણાવ્યું: “આપણાં મોટા ભાગનાં ભાઈ-બહેનો જે ખરું છે એ કરવા ચાહે છે. પણ તેઓ માટે એમ કરવું હંમેશાં સહેલું હોતું નથી. જીવનની ચિંતાઓ અને મુશ્કેલીઓને લીધે તેઓ નિરાશ થઈ જાય છે. તેઓ એટલા ડરી જાય છે કે તેઓને કંઈ સૂઝ પડતી નથી.” એવામાં જે ખરું છે એ કરવા વડીલો ભાઈ-બહેનોની હિંમત વધારી શકે.—હિબ્રૂ. ૧૨:૧૨, ૧૩.

‘તેમની વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું’ (પ્રે.કા. ૨૦:૩, ૪)

૮, ૯. (ક) પાઉલે કેમ મુસાફરીની યોજના બદલવી પડી? (ખ) કોરીંથના યહૂદીઓ કેમ પાઉલ પાછળ હાથ ધોઈને પડ્યા હતા?

હવે પાઉલ મકદોનિયાથી કોરીંથ ગયા, જ્યાં તે ત્રણ મહિના રોકાયા. b ત્યાંથી તે કિંખ્રિયા જવા માંગતા હતા, જેથી દરિયાઈ માર્ગે સિરિયા જઈ શકે. પછી તે સિરિયાથી યરૂશાલેમ જઈને ગરીબ ભાઈઓને દાન પહોંચાડવા માંગતા હતા. c (પ્રે.કા. ૨૪:૧૭; રોમ. ૧૫:૨૫, ૨૬) પણ અચાનક એવું કંઈક થયું, જેના લીધે તેમણે એ યોજના બદલવી પડી. પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩માં જણાવ્યું છે તેમ, પાઉલને ખબર પડી કે કોરીંથના ‘યહૂદીઓએ તેમની વિરુદ્ધ કાવતરું રચ્યું છે.’

યહૂદીઓ કેમ પાઉલ પાછળ હાથ ધોઈને પડ્યા હતા? એક તો પાઉલ પોતે યહૂદી ધર્મ છોડીને ખ્રિસ્તી બન્યા હતા. બીજું કે તે અગાઉ કોરીંથ આવ્યા હતા ત્યારે, તેમનો સંદેશો સાંભળીને સભાસ્થાનનો મુખ્ય અધિકારી ક્રિસ્પુસ ખ્રિસ્તી બન્યો હતો. (પ્રે.કા. ૧૮:૭, ૮; ૧ કોરીં. ૧:૧૪) એટલું જ નહિ, કોરીંથના યહૂદીઓ પાઉલને અખાયા પ્રાંતના રાજ્યપાલ ગાલિયો આગળ લઈ ગયા હતા. તેઓએ પાઉલ પર નિયમ તોડવાનો આરોપ મૂક્યો હતો. પણ ગાલિયોએ એ આરોપો ગણકાર્યા નહિ. એના લીધે યહૂદીઓનો પારો આસમાને ચઢી ગયો હતો. (પ્રે.કા. ૧૮:૧૨-૧૭) એટલે જ્યારે કોરીંથના યહૂદીઓને ખબર પડી કે પાઉલ કિંખ્રિયા થઈને જવાના છે, ત્યારે તેઓએ એ તક ઝડપી લીધી. તેઓએ પાઉલને મારી નાખવાનું કાવતરું રચ્યું. પછી પાઉલે શું કર્યું?

૧૦. શું પાઉલ ડરપોક હતા એટલે કિંખ્રિયા ન ગયા? સમજાવો.

૧૦ પાઉલ કંઈ સામે ચાલીને મુસીબતમાં પડવા માંગતા ન હતા. તે દાનના પૈસા ભાઈઓ સુધી સાચવીને પહોંચાડવા માંગતા હતા. એ કારણોને લીધે તેમણે નક્કી કર્યું કે તે કિંખ્રિયા નહિ જાય, પણ અંદરના રસ્તેથી પહેલા મકદોનિયા જશે અને પછી ત્યાંથી યરૂશાલેમ જશે. એ મુસાફરી જોખમોથી ભરેલી હતી. એ દિવસોમાં ચોર-લુટારાઓ રસ્તે જતા લોકોને લૂંટી લેતા. મુખ્ય રસ્તાઓ પર રોકાવાની જગ્યા પણ સલામત ન હતી. તોપણ પાઉલને લાગ્યું કે આ રસ્તે પાછા જવું વધારે સારું રહેશે. એ મુસાફરીમાં પાઉલ સાથે અરિસ્તાર્ખસ, ગાયસ, સેકુંદસ, સોપાત્રસ, તિમોથી, ત્રોફિમસ અને તુખિકસ હતા. હાશ, એ મુસાફરીમાં પાઉલ એકલા ન હતા!—પ્રે.કા. ૨૦:૩, ૪.

૧૧. આપણે પ્રચારમાં સાવચેતી રાખવા શું કરી શકીએ? ઈસુએ શું કર્યું હતું?

૧૧ પાઉલની જેમ આપણે પણ પ્રચારમાં સાવચેતી રાખીએ છીએ. અમુક જગ્યાએ એકલા જવું સલામત ન હોય તો, આપણે સમૂહમાં અથવા બબ્બેની જોડીમાં પ્રચાર કરીએ છીએ. પણ સતાવણી થાય ત્યારે શું? આપણે જાણીએ છીએ કે સતાવણી તો થશે જ. (યોહા. ૧૫:૨૦; ૨ તિમો. ૩:૧૨) પણ આપણે સામે ચાલીને મુસીબતો નોતરતા નથી. ધ્યાન આપો કે ઈસુએ શું કર્યું હતું. એકવાર યરૂશાલેમમાં વિરોધીઓએ તેમને મારવા પથ્થર ઉપાડ્યા ત્યારે, “ઈસુ સંતાઈ ગયા અને મંદિરની બહાર નીકળી ગયા.” (યોહા. ૮:૫૯) બીજા એક સમયે યહૂદીઓ તેમને મારી નાખવા માંગતા હતા, એટલે ‘ઈસુએ યહૂદીઓમાં જાહેર રીતે ફરવાનું બંધ કર્યું. તે ત્યાંથી નીકળીને વેરાન પ્રદેશ પાસે આવેલા શહેરમાં ગયા.’ (યોહા. ૧૧:૫૪) આમ, ઈસુએ પોતાનું જીવન બચાવવા બનતું બધું કર્યું, જેથી તે યહોવાની ઇચ્છા પૂરી કરી શકે. આપણે પણ ઈસુ જેવું જ કરીએ છીએ.—માથ. ૧૦:૧૬.

“તેઓને ખૂબ દિલાસો મળ્યો” (પ્રે.કા. ૨૦:૫-૧૨, ફૂટનોટ)

૧૨, ૧૩. (ક) યુતુખસને જીવતો કરવામાં આવ્યો ત્યારે મંડળનાં ભાઈ-બહેનોને કેવું લાગ્યું? (ખ) આપણને બાઇબલની કઈ આશાથી દિલાસો મળે છે?

૧૨ પાઉલ અને તેમના સાથીઓ મકદોનિયા સુધી સાથે ગયા. પછી તેઓ છૂટા પડ્યા અને અલગ અલગ મુસાફરી કરી. એવું લાગે છે કે ત્રોઆસમાં તેઓ પાછા ભેગા મળ્યા. d કલમમાં જણાવ્યું છે: “પાંચ દિવસમાં અમે તેઓની પાસે ત્રોઆસ આવી પહોંચ્યા.” e (પ્રે.કા. ૨૦:૬) ત્રોઆસમાં જ પાઉલે યુતુખસ નામના યુવાનને જીવતો કર્યો હતો. એ બનાવ વિશે આપણે પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા. જરા વિચારો, જ્યારે ભાઈ-બહેનોએ જોયું કે યુતુખસ જીવે છે, ત્યારે તેઓને કેવું લાગ્યું હશે. અહેવાલ જણાવે છે, “તેઓને ખૂબ દિલાસો મળ્યો.”—પ્રે.કા. ૨૦:૧૨, ફૂટનોટ.

૧૩ ખરું કે એવા ચમત્કારો હમણાં નથી થતા. પણ બાઇબલમાં વચન આપ્યું છે કે ગુજરી ગયેલા લોકોને ભાવિમાં ચોક્કસ જીવતા કરવામાં આવશે. (યોહા. ૫:૨૮, ૨૯) એટલે આજે જેઓએ પોતાનાં પ્રિયજનોને મરણમાં ગુમાવ્યાં છે, તેઓને બાઇબલની એ આશાથી “ખૂબ દિલાસો” મળે છે. યુતુખસને મરણમાંથી જીવતો તો કરવામાં આવ્યો, પણ તે ફરીથી બીજા માણસોની જેમ ગુજરી ગયો. (રોમ. ૬:૨૩) પણ નવી દુનિયામાં જે લોકોને જીવતા કરવામાં આવશે, તેઓ પાસે હંમેશાં જીવવાની તક હશે. એટલું જ નહિ, જે લોકો ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે, તેઓને અમર જીવનનું વરદાન મળશે. (૧ કોરીં. ૧૫:૫૧-૫૩) એટલે ભલે આપણે અભિષિક્ત હોઈએ કે ‘બીજાં ઘેટાંના’ લોકોમાંથી હોઈએ, આપણને બધાને બાઇબલની એ આશામાંથી “ખૂબ દિલાસો” મળે છે.—યોહા. ૧૦:૧૬.

“જાહેરમાં અને ઘરે ઘરે” (પ્રે.કા. ૨૦:૧૩-૨૪)

૧૪. પાઉલે એફેસસના વડીલોને શું કહ્યું?

૧૪ પાઉલ અને તેમના સાથીઓ ત્રોઆસથી આસોસ આવ્યા. એ પછી તેઓ મિતુલેની, ખિયોસ, સામોસ અને મિલેતસ ગયા. પાઉલ પચાસમા દિવસના તહેવાર પહેલાં યરૂશાલેમ પહોંચવા માંગતા હતા. એટલે તેમણે નક્કી કર્યું કે આ વખતે એફેસસને બદલે મિલેતસ રોકાશે. પણ તેમને એફેસસના વડીલો સાથે વાત કરવી હતી. એટલે તેમણે સંદેશો મોકલ્યો કે તેઓ મિલેતસ આવે. (પ્રે.કા. ૨૦:૧૩-૧૭) વડીલો મળ્યા ત્યારે પાઉલે કહ્યું: “આસિયા પ્રાંતમાં મેં પગ મૂક્યો એ દિવસથી હું તમારી સાથે કઈ રીતે વર્ત્યો છું, એ તમે સારી રીતે જાણો છો. મેં આપણા માલિકના દાસ તરીકે ઘણી નમ્રતાથી તેમની સેવા કરી છે અને યહૂદીઓનાં કાવતરાંને લીધે મેં ઘણાં આંસુ વહાવ્યાં છે અને સતાવણીઓનો સામનો કર્યો છે. તમારા માટે જે વાતો લાભકારક છે એ કહેવાનું હું ચૂક્યો નથી. તમને જાહેરમાં અને ઘરે ઘરે શીખવતા હું અચકાયો નથી. મેં યહૂદીઓ અને ગ્રીકોને પૂરેપૂરી સાક્ષી આપી છે કે તેઓ ઈશ્વર આગળ પસ્તાવો કરે અને આપણા માલિક ઈસુમાં શ્રદ્ધા મૂકે.”—પ્રે.કા. ૨૦:૧૮-૨૧.

૧૫. ઘર ઘરનો પ્રચાર કરવાથી કયા અમુક ફાયદા થાય છે?

૧૫ પાઉલની જેમ આપણને જ્યાં પણ લોકો મળે ત્યાં સંદેશો જણાવીએ છીએ. જેમ કે બસસ્ટૉપ પર, બજારોમાં અને રસ્તાઓ પર. જોકે પ્રચાર કરવાની આપણી મુખ્ય રીત છે, ઘર ઘરનો પ્રચાર. એ રીતે પ્રચાર કરવાથી કયા ફાયદા થાય છે? એક તો, બધા લોકોને ખુશખબર સાંભળવાની સારી તક મળે છે. એનાથી દેખાઈ આવે છે કે ઈશ્વર ભેદભાવ કરતા નથી. બીજો ફાયદો, નમ્ર લોકોને તેઓના સંજોગો પ્રમાણે વધારે સારી રીતે મદદ કરી શકીએ છીએ. ઘર ઘરનો પ્રચાર કરવાથી આપણને પણ ફાયદા થાય છે. આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. ધીરજનો ગુણ કેળવી શકીએ છીએ. ખરેખર, સાચા ઈશ્વરભક્તો “જાહેરમાં અને ઘરે ઘરે” પ્રચાર કરવા માટે જાણીતા છે.

૧૬, ૧૭. પાઉલે કઈ રીતે જોરદાર હિંમત બતાવી? પાઉલ જેવા બનવા ભાઈ-બહેનો શું કરે છે?

૧૬ પાઉલે એફેસસના વડીલોને જણાવ્યું કે યરૂશાલેમ ગયા પછી તેમના પર કેવા જોખમો આવશે, એ વિશે તે જાણતા નથી. તેમણે કહ્યું: “તોપણ, મારા માટે મારું જીવન મહત્ત્વનું નથી. મારા માટે તો એ મહત્ત્વનું છે કે હું મારી દોડ પૂરી કરું અને મારું સેવાકાર્ય પૂર્ણ કરું. એ સેવાકાર્ય મને માલિક ઈસુ પાસેથી મળ્યું છે, જેથી હું ઈશ્વરની અપાર કૃપાની ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપું.” (પ્રે.કા. ૨૦:૨૪) પાઉલે મુશ્કેલીઓ, ખરાબ તબિયત અને સતાવણીનો સામનો કર્યો. તોપણ તેમણે ઈશ્વરે સોંપેલું કામ હિંમતથી પૂરું કર્યું.

૧૭ આજે આપણાં ભાઈ-બહેનો પણ અલગ અલગ મુશ્કેલીઓનો સામનો કરે છે. અમુક ભાઈ-બહેનો એવા દેશમાં રહે છે, જ્યાં સાક્ષીઓના કામ પર પ્રતિબંધ છે અને સરકાર તેઓની સતાવણી કરે છે. અમુક ભાઈ-બહેનો બીમારી અથવા નિરાશાનો હિંમતથી સામનો કરે છે. બાળકો પર પણ મુશ્કેલીઓ આવે છે. સ્કૂલમાં બીજાં બાળકો તેઓને ખોટાં કામ કરવા લલચાવે છે. ભલે ગમે એવા સંજોગો આવે, એ ભાઈ-બહેનોએ પાઉલની જેમ “ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી” આપવાનો દૃઢ નિર્ણય કર્યો છે.

“તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો” (પ્રે.કા. ૨૦:૨૫-૩૮)

૧૮. પાઉલ કઈ રીતે બધા માણસોના લોહી વિશે નિર્દોષ હતા? એફેસસના વડીલો કઈ રીતે બીજાઓના લોહી વિશે નિર્દોષ રહી શકતા હતા?

૧૮ હવે પાઉલે એફેસસના વડીલોને અમુક જરૂરી સલાહ આપી અને પોતાના દાખલાથી સમજાવ્યું કે તેઓએ શું કરવું જોઈએ. સૌથી પહેલા તેમણે જણાવ્યું કે કદાચ આ તેમની છેલ્લી મુલાકાત હશે. પછી તેમણે કહ્યું: “બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું, . . . કેમ કે ઈશ્વરની ઇચ્છા વિશે કોઈ પણ વાત મેં તમને જણાવવાની બાકી રાખી નથી.” એફેસસના વડીલો પણ પાઉલના દાખલાને અનુસરીને બીજાઓના લોહી વિશે નિર્દોષ રહી શકતા હતા. કઈ રીતે? પાઉલે કહ્યું: “તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો. ઈશ્વરના મંડળની સંભાળ રાખવા પવિત્ર શક્તિએ તમને દેખરેખ રાખનાર તરીકે નીમ્યા છે. એ મંડળને ઈશ્વરે પોતાના દીકરાના લોહીથી ખરીદ્યું છે.” (પ્રે.કા. ૨૦:૨૬-૨૮) પછી પાઉલે તેઓને ચેતવણી આપી કે “ક્રૂર વરુઓ” તેઓની વચ્ચે આવશે અને “શિષ્યોને પોતાની પાછળ ખેંચી જવા આડી-અવળી વાતો કહેશે.” એટલે એફેસસના વડીલોએ શું કરવું જોઈએ એ વિશે પાઉલે કહ્યું: “જાગતા રહો અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી, મેં રાત-દિવસ આંસુઓ વહાવીને તમને બધાને શિખામણ આપી છે. એમાં મેં કોઈ કસર છોડી નથી.”—પ્રે.કા. ૨૦:૨૯-૩૧.

૧૯. પહેલી સદી પૂરી થતા સુધીમાં શું થયું? પછીની સદીઓમાં શું થયું?

૧૯ પહેલી સદી પૂરી થતા સુધીમાં “ક્રૂર વરુઓ” ખ્રિસ્તી મંડળમાં ઊભાં થયાં. આશરે સાલ ૯૮માં પ્રેરિત યોહાને લખ્યું: “હમણાં પણ ઘણા ખ્રિસ્ત-વિરોધીઓ ઊભા થયા છે. . . . તેઓ આપણને છોડીને જતા રહ્યા, કેમ કે તેઓ આપણા જેવા ન હતા. જો તેઓ આપણા જેવા હોત, તો આપણી સાથે રહ્યા હોત.” (૧ યોહા. ૨:૧૮, ૧૯) ત્રીજી સદી આવતા સુધીમાં તો જૂઠા ખ્રિસ્તીઓની સંખ્યા વધવા લાગી અને એક પાદરી વર્ગ ઊભો થયો. પછી ચોથી સદીમાં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈને ખ્રિસ્તના પગલે ચાલવાનો દેખાડો કરનાર સમૂહને ખ્રિસ્તી ધર્મ તરીકે કાનૂની મંજૂરી આપી. એ પાદરીઓ કયા અર્થમાં ‘આડી-અવળી વાતો કહેતા’ હતા? આમ જોવા જઈએ તો તેઓ બાઇબલમાંથી શીખવતા હતા, પણ હકીકતમાં તેઓ બાઇબલના શિક્ષણમાં બીજા ધર્મોનું શિક્ષણ અને રીતરિવાજોની ભેળસેળ કરતા હતા. આજે પણ ચર્ચના લોકો એ જૂઠા શિક્ષણ અને રીતરિવાજો પાળે છે.

૨૦, ૨૧. કોઈ સ્વાર્થ વગર ભાઈ-બહેનોની સેવા કરવા પાઉલે શું કર્યું? આજે વડીલો પાઉલ જેવા બનવા શું કરી શકે?

૨૦ એ ‘ક્રૂર વરુઓએ’ આગળ જતાં ઈશ્વરના ટોળાનો ફાયદો ઉઠાવ્યો. પણ પાઉલ એવા ન હતા. તેમણે પોતાનું ગુજરાન ચલાવવા સખત મહેનત કરી, જેથી મંડળ પર બોજ ન બને. તેમણે કંઈ પણ મેળવવાની આશા વગર ભાઈ-બહેનો માટે ઘણું કર્યું. પાઉલે એફેસસના વડીલોને સલાહ આપી કે તેઓ પણ તેમની જેમ કોઈ પણ સ્વાર્થ વગર ભાઈ-બહેનોની સેવા કરે. તેમણે કહ્યું: ‘તમારે લાચાર લોકોને મદદ કરવી જોઈએ. તમારે માલિક ઈસુએ કહેલા આ શબ્દો પણ યાદ રાખવા જોઈએ: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”’—પ્રે.કા. ૨૦:૩૫.

૨૧ પાઉલની જેમ આજે મંડળના વડીલો પણ કોઈ સ્વાર્થ વગર ભાઈ-બહેનોની સેવા કરે છે. તેઓ ચર્ચના પાદરીઓ જેવા નથી. એ પાદરીઓ તો લોકોને લૂંટીને પોતાનાં ખિસ્સાં ભરે છે. વડીલો જાણે છે કે તેઓને ‘ઈશ્વરના મંડળની સંભાળ રાખવાની’ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ કોઈ પણ લોભ વગર એ જવાબદારી પૂરી કરે છે. પણ જેઓ ઘમંડી છે અને પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણે છે, તેઓનું મંડળમાં કોઈ સ્થાન નથી. જેઓ “પોતાનો જ મહિમા” શોધે છે અને અહંકારી છે, તેઓએ આખરે અપમાન સહેવું પડશે.—નીતિ. ૧૧:૨; ૨૫:૨૭.

“તેઓ બધા ખૂબ રડ્યા.”—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૭

૨૨. એફેસસના વડીલોને કેમ પાઉલ માટે ખૂબ લાગણી હતી?

૨૨ પાઉલ ભાઈઓને દિલથી પ્રેમ કરતા હતા, એટલે એ ભાઈઓને પણ પાઉલ માટે ખૂબ લાગણી હતી. જ્યારે પાઉલના જવાનો સમય થયો, ત્યારે ‘તેઓ બધા ખૂબ રડ્યા અને તેઓએ પાઉલને ભેટીને તેમને પ્રેમથી ચુંબન કર્યું.’ (પ્રે.કા. ૨૦:૩૭, ૩૮) આજે આપણી વચ્ચે પણ એવા ઘણા ભાઈઓ છે, જેઓ પાઉલની જેમ ઈશ્વરના ટોળાને ખૂબ પ્રેમ કરે છે. એ ટોળાની સંભાળ રાખવા તેઓ પોતાનાં સમય-શક્તિ અને ધનસંપત્તિ ખર્ચી નાખે છે. એ ભાઈઓ આપણને ખૂબ વહાલા છે અને આપણે તેઓની દિલથી કદર કરીએ છીએ. આ પ્રકરણથી આપણે જોઈ શક્યા કે પાઉલ માટે બીજાઓનું જીવન ખૂબ કીમતી હતું. એટલે જ તે કહી શક્યા: “બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું.”—પ્રે.કા. ૨૦:૨૬.

b પાઉલ આ સમયે કોરીંથમાં હતા ત્યારે કદાચ તેમણે રોમનોને પત્ર લખ્યો હતો.

d પ્રેરિતોનાં કાર્યો ૨૦:૫, ૬માં લૂક પોતાનો ઉલ્લેખ કરે છે. એનાથી ખ્યાલ આવે છે કે પાઉલ ત્રોઆસ જતી વખતે લૂકને ફિલિપીથી સાથે લેતા ગયા. અમુક સમય પહેલાં પાઉલ જ લૂકને ફિલિપીમાં મૂકીને ગયા હતા.—પ્રે.કા. ૧૬:૧૦-૧૭, ૪૦.

e અગાઉ ફિલિપીથી ત્રોઆસ જવા પાઉલ અને તેમના સાથીઓને બે દિવસ લાગ્યા હતા. પણ આ વખતે તેઓને પાંચ દિવસ લાગ્યા. કદાચ ભારે પવન અને ખરાબ હવામાનને લીધે તેઓને વધારે સમય લાગ્યો હશે.—પ્રે.કા. ૧૬:૧૧.