પ્રકરણ ૬
સ્તેફન—“ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર”
સ્તેફને હિંમતથી ન્યાયસભા આગળ સાક્ષી આપી, એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ
પ્રેરિતોનાં કાર્યો ૬:૮–૮:૩ના આધારે
૧-૩. (ક) સ્તેફન કેવા સંજોગોનો સામનો કરે છે અને એમાં તે કઈ રીતે વર્તે છે? (ખ) આપણે કયા સવાલોના જવાબ મેળવીશું?
સ્તેફન યહૂદીઓની ઉચ્ચ અદાલત આગળ ઊભા છે. એ અદાલત એક ભવ્ય હૉલમાં રાખવામાં આવતી હતી, જે કદાચ યરૂશાલેમના મંદિરની નજીક હતો. ત્યાં આજે સ્તેફનની સુનાવણી છે. દર વખતની જેમ ૭૧ ન્યાયાધીશો પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે. બધા ન્યાયાધીશોની નજર ઈસુના શિષ્ય સ્તેફન પર છે. એ ન્યાયાધીશો દેશના મોટા મોટા અધિકારીઓ છે. સમાજમાં તેઓનો ઘણો દબદબો છે. મોટા ભાગના ન્યાયાધીશોને મન તેમની કોઈ વિસાત નથી. વધુમાં આ ન્યાયસભા પ્રમુખ યાજક કાયાફાસે બોલાવી છે. થોડા મહિનાઓ પહેલાં આ અદાલતે ઈસુ ખ્રિસ્તને મોતની સજા ફટકારી ત્યારે, કાયાફાસ જ એનો અધ્યક્ષ હતો. શું આવી પરિસ્થિતિમાં સ્તેફન ડરી જાય છે?
૨ હમણાં સ્તેફનનો ચહેરો કંઈક અલગ જ દેખાય છે. ન્યાયાધીશોને સ્તેફનનો ચહેરો ‘દૂતના ચહેરા જેવો દેખાય છે.’ (પ્રે.કા. ૬:૧૫) જ્યારે દૂતો યહોવાનો સંદેશો જણાવતા હતા, ત્યારે તેઓ ડર્યા વગર અને શાંત રહીને સંદેશો જણાવતા હતા. હમણાં સ્તેફન એવું જ અનુભવી રહ્યા છે. અરે, તેમના દુશ્મનો પણ એ શાંતિ તેમના ચહેરા પર સાફ જોઈ શકે છે. આવા અઘરા સંજોગોમાં કોઈનો પણ પસીનો છૂટી જાય, પણ સ્તેફન કેમ આટલા શાંત છે?
૩ એનો જવાબ જાણવાથી આપણને ઘણું શીખવા મળશે. જોકે બીજા અમુક સવાલોના જવાબ જાણવા પણ જરૂરી છે. જેમ કે, સ્તેફનને કેમ ન્યાયસભા આગળ લાવવામાં આવ્યા હતા? એ પહેલાં પણ તેમણે કઈ રીતે પોતાની શ્રદ્ધા વિશે જણાવ્યું હતું? આપણે કઈ રીતે સ્તેફનના દાખલાને અનુસરી શકીએ?
‘તેઓએ લોકોને ઉશ્કેર્યા’ (પ્રે.કા. ૬:૮-૧૫)
૪, ૫. (ક) સ્તેફનથી કઈ રીતે મંડળને મદદ મળી હતી? (ખ) સ્તેફન “ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર” હતા, એનો શું અર્થ થાય?
૪ ગયા પ્રકરણમાં જોઈ ગયા તેમ, સ્તેફનથી નવા મંડળને ઘણી મદદ મળી હતી. તે સાત નમ્ર ભાઈઓમાંથી એક હતા, જેઓએ પ્રેરિતોને મદદનો હાથ લંબાવ્યો હતો. બીજી એક વાત પર ધ્યાન આપો. સ્તેફનને ઈશ્વર તરફથી ઘણી ભેટ મળી હતી, તોપણ તે નમ્ર રહ્યા. પ્રેરિતોનાં કાર્યો ૬:૮માં લખ્યું છે કે તેમને ઈશ્વર પાસેથી “ચમત્કારો અને અદ્ભુત કામો” કરવાની શક્તિ મળી હતી, જે અમુક પ્રેરિતોને જ મળી હતી. કલમમાં એ પણ જણાવ્યું છે કે તે “ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર” હતા. એનો શું અર્થ થાય?
૫ “ઈશ્વરની કૃપા” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે, એનો અર્થ એ પણ થઈ શકે કે સ્તેફન દયા અને કરુણાથી ભરપૂર હતા. એનાથી ખ્યાલ આવે છે કે તે કોમળ સ્વભાવના હતા અને બીજાઓ સાથે નરમાશથી વર્તતા હતા. તે પોતાનાં વાણી-વર્તનથી લોકોનું દિલ જીતી લેતા હતા. તે જે રીતે શીખવતા હતા, એનાથી લોકોને ભરોસો બેસતો હતો કે તે સાચા દિલથી શીખવે છે અને એ માનવાથી તેઓને ફાયદો થશે. કલમમાં એ પણ જણાવ્યું છે કે સ્તેફન ‘ઈશ્વરની શક્તિથી’ ભરપૂર હતા. એનો અર્થ થાય કે તેમના પર પવિત્ર શક્તિ કામ કરતી હતી અને તે એના માર્ગદર્શન પ્રમાણે ચાલતા હતા. તેમનામાં ઘણી આવડતો હતી અને તેમને ઈશ્વર પાસેથી ભેટો મળી હતી, તોપણ તે ઘમંડથી ફૂલાઈ ન ગયા. તે હંમેશાં યહોવાને મહિમા આપતા હતા. લોકો સાથેના વ્યવહારમાં તેમનો પ્રેમ દેખાઈ આવતો હતો. એ બધું તેમના વિરોધીઓને આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. એટલે તેઓ તેમને દુશ્મન ગણતા હતા.
૬-૮. (ક) વિરોધીઓએ સ્તેફન પર કયા બે આરોપ મૂક્યા? તેઓએ એવા આરોપ કેમ મૂક્યા? (ખ) આજે ઈશ્વરભક્તોએ સ્તેફનના દાખલા પર કેમ ધ્યાન આપવું જોઈએ?
૬ સ્તેફનને ન્યાયસભામાં લાવવામાં આવ્યા એ પહેલાં શું બન્યું હતું? અમુક માણસો સ્તેફનની વિરુદ્ધ ઊભા થયા હતા અને તેઓએ તેમની સાથે દલીલ કરી હતી. પણ ‘તેઓ સ્તેફન સામે ટકી શક્યા નહિ, કેમ કે તે બુદ્ધિથી અને પવિત્ર શક્તિની મદદથી બોલતા હતા.’ a એટલે તેઓનો પિત્તો ગયો અને તેઓએ ‘ખાનગીમાં અમુક માણસોને ઉશ્કેર્યા,’ જેથી તેઓ સ્તેફન પર ખોટા આરોપ મૂકે. ‘તેઓએ લોકોને, વડીલોને અને શાસ્ત્રીઓને પણ ઉશ્કેર્યા,’ એટલે સ્તેફનને જબરજસ્તી ન્યાયસભામાં લાવવામાં આવ્યા. (પ્રે.કા. ૬:૯-૧૨) વિરોધીઓએ સ્તેફન પર આ બે આરોપ મૂક્યા હતા: તે ઈશ્વરની નિંદા કરતા હતા અને મૂસાની નિંદા કરતા હતા. પણ તેઓએ એવા આરોપ કેમ મૂક્યા?
૭ વિરોધીઓ કહેતા હતા કે સ્તેફન યરૂશાલેમના “પવિત્ર મંદિર” વિરુદ્ધ બોલીને ઈશ્વરની નિંદા કરતા હતા. (પ્રે.કા. ૬:૧૩) તેઓ એ પણ કહેતા હતા કે સ્તેફન મૂસાએ શીખવેલા રીતરિવાજો બદલી રહ્યા હતા. એના આધારે તેઓ આરોપ લગાવતા હતા કે સ્તેફન નિયમશાસ્ત્ર વિરુદ્ધ ગયા હતા અને મૂસાની નિંદા કરતા હતા. એ આરોપ ગંભીર હતા, કેમ કે એ સમયમાં યહૂદીઓ માટે મંદિર, મૂસાનું નિયમશાસ્ત્ર અને એમાં ઉમેરેલા રીતરિવાજો સૌથી મહત્ત્વનાં હતાં. એટલે તેઓને લાગતું હતું કે સ્તેફન તેઓ માટે બહુ મોટો ખતરો છે અને તેમને મોતની સજા થવી જ જોઈએ.
૮ દુઃખની વાત છે કે આજે પણ લોકો ધર્મના નામે અલગ અલગ પેંતરા અજમાવીને ઈશ્વરભક્તોની સતાવણી કરે છે. તેઓ ઘણી વાર સરકારી અધિકારીઓને આપણી વિરુદ્ધ ઉશ્કેરે છે. જ્યારે લોકો આપણા વિશે આડી-અવળી વાતો કરે અથવા ખોટા આરોપ મૂકે, ત્યારે આપણે શું કરવું જોઈએ? ચાલો સ્તેફનના દાખલા પર ધ્યાન આપીએ, એમાંથી ઘણું શીખવા મળશે.
પ્રે.કા. ૭:૧-૫૩)
સ્તેફને ‘મહિમાવંત ઈશ્વર’ વિશે હિંમતથી સાક્ષી આપી (૯, ૧૦. બાઇબલમાંથી ભૂલો શોધનારા લોકો શું કહે છે? આપણે કયા બે આરોપ યાદ રાખવા જોઈએ અને કેમ?
૯ પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા કે વિરોધીઓએ સ્તેફન પર એક પછી એક આરોપ મૂક્યા ત્યારે તે શાંત રહ્યા. તેમના ચહેરા પર દૂતના ચહેરા જેવી શાંતિ દેખાતી હતી. વિરોધીઓના આરોપ સાંભળ્યા પછી કાયાફાસે સ્તેફનને પૂછ્યું: “શું આ વાતો સાચી છે?” (પ્રે.કા. ૭:૧) હવે જવાબ આપવાનો વારો સ્તેફનનો હતો. તે એક જોરદાર પ્રવચન આપે છે.
૧૦ બાઇબલમાંથી ભૂલો શોધનારા અમુક લોકો કહે છે કે ન્યાયસભામાં સ્તેફને લાંબું પ્રવચન આપ્યું, પણ એકેય વાર પોતાના આરોપ ખોટા પુરવાર ન કર્યા. પણ સાચી વાત એ છે કે સ્તેફને સારી રીતે જવાબ આપ્યો. એમાંથી આપણે શીખી શકીએ છીએ કે કોઈ આપણી પાસે ખુશખબર વિશે “ખુલાસો માંગે” તો કઈ રીતે જવાબ આપવો. (૧ પિત. ૩:૧૫) આપણે જોયું કે સ્તેફન પર બે આરોપ મૂકવામાં આવ્યા હતા. પહેલો, તે મંદિર વિરુદ્ધ બોલીને ઈશ્વરની નિંદા કરતા હતા. બીજો, નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલીને મૂસાની નિંદા કરતા હતા. એ આરોપો યાદ રાખીશું તો સમજી શકીશું કે તેમણે કેટલી સરસ રીતે આરોપને ખોટા સાબિત કર્યા. તેમણે ઇઝરાયેલના ઇતિહાસના ત્રણ સમયગાળા વિશે વાત કરી હતી અને અમુક મહત્ત્વના મુદ્દા પર ભાર મૂક્યો હતો. ચાલો એક એક કરીને એ સમયગાળા વિશે જોઈએ.
૧૧, ૧૨. (ક) સ્તેફને કેમ ઇબ્રાહિમનો દાખલો આપ્યો? (ખ) સ્તેફને કેમ યૂસફ વિશે વાત કરી?
૧૧ કુળપિતાઓનો સમયગાળો. (પ્રે.કા. ૭:૧-૧૬) સ્તેફને પોતાના પ્રવચનની શરૂઆત ઇબ્રાહિમના દાખલાથી કરી. કેમ કે ઇબ્રાહિમની અજોડ શ્રદ્ધાને લીધે યહૂદીઓ તેમને ખૂબ માન આપતા હતા. આમ સ્તેફને એવા વિષયથી શરૂઆત કરી, જેમાં તેમના વિરોધીઓ સહમત હોય. તેમણે જણાવ્યું કે ‘મહિમાવંત ઈશ્વર’ યહોવાએ સૌથી પહેલા ઇબ્રાહિમને મેસોપોટેમિયામાં દર્શન આપ્યું હતું. (પ્રે.કા. ૭:૨) એ સમયે ઇબ્રાહિમ વચનના દેશમાં પરદેશી તરીકે રહેતા હતા. તેમની પાસે ન તો મંદિર હતું, ન તો મૂસાનું નિયમશાસ્ત્ર. છતાં તે યહોવાને વફાદાર રહ્યા. તો પછી કોઈ વ્યક્તિ કઈ રીતે કહી શકે કે યહોવાને વફાદાર રહેવા મંદિર અને નિયમશાસ્ત્ર હોવું જરૂરી છે?
૧૨ સ્તેફને ઇબ્રાહિમના વંશજ યૂસફ વિશે પણ વાત કરી. કારણ કે ન્યાયસભામાં હાજર લોકોની નજરમાં તેમનું ઘણું માન હતું. સ્તેફને તેઓને યાદ અપાવ્યું કે યૂસફ નેક હતા તોપણ તેમના ભાઈઓએ, એટલે કે ઇઝરાયેલના કુળોના પિતાઓએ તેમની સતાવણી કરી હતી અને તેમને ગુલામીમાં વેચી દીધા હતા. પણ યહોવાએ દુકાળ વખતે યૂસફ દ્વારા ઇઝરાયેલના કુટુંબને બચાવ્યું હતું. સ્તેફન સ્પષ્ટ જોઈ શકતા હતા કે યૂસફ અને ઈસુમાં ઘણી સમાનતા છે, પણ તે એ વિશે કંઈ કહેતા નથી. તે જાણતા હતા કે એ કહેવાથી તેમના વિરોધીઓ ભડકી ઊઠશે અને તેમની પૂરી વાત નહિ સાંભળે.
૧૩. મૂસાની નિંદા કરવાના આરોપને સ્તેફને કઈ રીતે ખોટો સાબિત કર્યો? તેમણે કયા મહત્ત્વના મુદ્દા પર લોકોનું ધ્યાન દોર્યું?
૧૩ મૂસાનો સમયગાળો. (પ્રે.કા. ૭:૧૭-૪૩) હવે સ્તેફને પ્રવચનમાં મૂસા વિશે વાત કરવાનું શરૂ કર્યું અને તેમના વિશે ઘણી વાતો જણાવી. તે સમજી-વિચારીને એમ કરે છે કારણ કે ન્યાયસભાના મોટા ભાગના ન્યાયાધીશો સાદુકીઓ હતા. તેઓ મૂસાએ લખેલાં પુસ્તકો સિવાય બાઇબલના બીજા કોઈ પુસ્તકમાં માનતા ન હતા. યાદ રાખીએ કે સ્તેફન પર મૂસાની નિંદા કરવાનો આરોપ હતો. મૂસા વિશે વાત કરીને તેમણે બતાવી આપ્યું કે તેમના દિલમાં મૂસા અને નિયમશાસ્ત્ર માટે ઘણું માન હતું. આમ તેમણે પોતાના પર લાગેલો આરોપ ખોટો સાબિત કર્યો. (પ્રે.કા. ૭:૩૮) તેમણે એ પણ જણાવ્યું કે મૂસા ૪૦ વર્ષના હતા ત્યારે તે જેઓને બચાવવા માંગતા હતા, તેઓએ જ તેમનો નકાર કર્યો હતો. એના આશરે ૪૦ વર્ષ પછી એ લોકોએ ઘણી વાર મૂસાની આગેવાની સામે બળવો પોકાર્યો. b એ બધું જણાવીને સ્તેફન એક મહત્ત્વના મુદ્દા પર લોકોનું ધ્યાન દોરવા માંગતા હતા. એ મુદ્દો હતો કે ઈશ્વરના લોકોએ વારંવાર એવા માણસોને નકારી કાઢ્યા, જેઓને યહોવાએ આગેવાની લેવા નીમ્યા હતા.
૧૪. સ્તેફને મૂસાનો દાખલો આપીને બીજા કયા મુદ્દા વિશે જણાવ્યું?
૧૪ સ્તેફને પોતાના સાંભળનારાઓને મૂસાએ કરેલી એક ભવિષ્યવાણી યાદ અપાવી. મૂસાએ જણાવ્યું હતું કે ઈશ્વર તેમના જેવા એક પ્રબોધક ઊભા કરશે. તે કોણ હશે અને લોકો તેમની સાથે કઈ રીતે વર્તશે? એનો જવાબ સ્તેફને તરત આપવાને બદલે પ્રવચનના અંતે આપ્યો. પણ તેમણે બીજો એક મહત્ત્વનો મુદ્દો જણાવ્યો. એ મુદ્દો કયો હતો? જ્યારે યહોવાએ મૂસા સાથે બળતા ઝાડવા પાસે વાત કરી ત્યારે તેમણે એ જગ્યાને પવિત્ર ઠરાવી. એનાથી મૂસા શીખ્યા કે યહોવા કોઈ પણ જગ્યાને પવિત્ર કરી શકે છે. તો શું એમ કહી શકાય કે યહોવાની ભક્તિ કોઈ એક ખાસ જગ્યાએ જ થવી જોઈએ, જેમ કે યરૂશાલેમના મંદિરમાં? ચાલો જોઈએ કે સ્તેફને શું જવાબ આપ્યો.
૧૫, ૧૬. (ક) સ્તેફને કેમ મંડપ વિશે વાત કરી? (ખ) સુલેમાનના મંદિર વિશે જણાવીને સ્તેફને કઈ મહત્ત્વની વાત સમજાવી?
૧૫ મંડપ અને મંદિર. (પ્રે.કા. ૭:૪૪-૫૦) સ્તેફને ન્યાયસભાને યાદ અપાવ્યું કે યરૂશાલેમનું મંદિર બનાવવામાં આવ્યું, એ પહેલાં યહોવાએ મૂસાને મંડપ બનાવવાની આજ્ઞા કરી હતી. એ મંડપ ભક્તિ માટે વપરાતો હતો અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતો હતો. ખુદ મૂસા એ મંડપમાં ભક્તિ કરતા હતા. એટલે કોણ એવું કહી શકે કે મંદિર કરતાં મંડપનું મહત્ત્વ ઓછું હતું?
૧૬ સુલેમાને યરૂશાલેમમાં મંદિર બાંધ્યું પછી તેમણે પ્રાર્થનામાં એક મહત્ત્વની વાત જણાવી હતી. સ્તેફને એ વિશે કહ્યું: “સર્વોચ્ચ ઈશ્વર હાથે બનાવેલાં મંદિરોમાં રહેતા નથી.” (પ્રે.કા. ૭:૪૮; ૨ કાળ. ૬:૧૮) યહોવા પોતાનો હેતુ પૂરો કરવા મંદિરનો ઉપયોગ કરી શકે છે, પણ એનો અર્થ એ નથી કે મંદિર વગર યહોવાનો હેતુ પૂરો નહિ થાય. એટલે ઈશ્વરભક્તોએ ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે યહોવાની ભક્તિ માટે કોઈ ખાસ જગ્યા કે ઇમારત હોવી જરૂરી છે. સ્તેફને એ મુદ્દાને જોરદાર રીતે પૂરો કર્યો. તેમણે યશાયાના પુસ્તકમાંથી ટાંક્યું: “યહોવા કહે છે, આકાશ મારી રાજગાદી છે, પૃથ્વી મારા પગનું આસન છે. તમે મારા માટે કેવું મંદિર બાંધશો? મારી રહેવાની જગ્યા ક્યાં રાખશો? શું એ બધું મારા હાથની રચના નથી?”—પ્રે.કા. ૭:૪૯, ૫૦; યશા. ૬૬:૧, ૨.
૧૭. (ક) સ્તેફનના પ્રવચનથી કઈ રીતે સાબિત થાય છે કે વિરોધીઓના વિચારો ભૂલભરેલા હતા? (ખ) તેમની વાતોથી કઈ રીતે દેખાઈ આવે છે કે તેમના પર લગાવેલા આરોપ ખોટા હતા?
૧૭ આપણે જોયું કે સ્તેફને પોતાના પ્રવચનથી સાબિત કર્યું હતું કે તેમના વિરોધીઓના વિચારો ભૂલભરેલા હતા. તેમણે સમજાવ્યું હતું કે યહોવા કશાથી બંધાયેલા નથી, રીતરિવાજો કે સંજોગોથી પણ નહિ. તે એવા ઈશ્વર છે જે ફેરફાર કરે છે અને પોતાનો હેતુ પૂરો કરવા કોઈ પણ રસ્તો કાઢી શકે છે. સ્તેફનના સાંભળનારાઓ મંદિરને ખૂબ પ્રેમ કરતા હતા અને રીતરિવાજોને પણ, જેને તેઓ વર્ષોથી પાળતા હતા. તેઓ એ પ્રેમમાં એટલા આંધળા થઈ ગયા હતા કે ઈશ્વરે મંદિર અને નિયમશાસ્ત્ર કેમ આપ્યું હતું, એ જ તેઓ ભૂલી ગયા હતા. સ્તેફન જાણે તેઓને પૂછી રહ્યા હતા: “જો તમારે મંદિર અને નિયમશાસ્ત્ર માટે આદર બતાવવો હોય તો યહોવાની આજ્ઞા પાળવા સિવાય બીજું શું સારું હોય શકે?” સ્તેફને કહેલી વાતોથી દેખાઈ આવે છે કે તેમના પર લગાવેલા આરોપ ખોટા હતા. કેમ કે તે બધી રીતે યહોવાની આજ્ઞા પાળતા હતા.
૧૮. સ્તેફનના દાખલામાંથી શું શીખી શકીએ?
૧૮ સ્તેફન પાસેથી શું શીખવા મળે છે? સ્તેફન શાસ્ત્રના સારા જાણકાર હતા. આપણે પણ બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. એમ કરીશું તો “સત્યનો સંદેશો યોગ્ય રીતે” શીખવી શકીશું. (૨ તિમો. ૨:૧૫) સ્તેફન પાસેથી એ પણ શીખવા મળે છે કે આપણે લોકો સાથે સમજી-વિચારીને અને પ્રેમથી વાત કરવી જોઈએ. સ્તેફનના સાંભળનારાઓ તેમના કટ્ટર દુશ્મન હતા, તોપણ બની શકે ત્યાં સુધી સ્તેફને એવા વિષયો પર વાત કરી, જેમાં તેઓ સહમત હતા અને જે તેઓ માટે મહત્ત્વના હતા. વધુમાં, તેમણે મોટા અધિકારીઓ સાથે આદરથી વાત કરી અને તેઓને “પિતા સમાન વડીલો” કહ્યા. (પ્રે.કા. ૭:૨) આપણે પણ પ્રચારમાં લોકો સાથે “નરમાશથી અને પૂરા આદર સાથે” વાત કરવી જોઈએ.—૧ પિત. ૩:૧૫.
૧૯. સ્તેફને ન્યાયસભા આગળ કઈ રીતે હિંમતથી યહોવાના ન્યાયનો સંદેશો જણાવ્યો?
૧૯ ખરું કે આપણે લોકો સાથે નરમાશથી વાત કરીએ છીએ. પણ લોકોને ખોટું લાગશે એ ડરથી બાઇબલનો સંદેશો જણાવવામાં પીછેહઠ નથી કરતા અથવા લોકોને ખુશ કરવા ન્યાયના સંદેશામાં ફેરફાર નથી કરતા. એ વિશે સ્તેફનના દાખલામાંથી ઘણું શીખી શકીએ છીએ. સ્તેફને ન્યાયસભા આગળ ઘણા પુરાવાઓ રજૂ કર્યા પણ તેમણે જોયું કે હઠીલા ન્યાયાધીશો પર એની કોઈ અસર ન થઈ. એટલે પવિત્ર શક્તિની મદદથી સ્તેફને ડર્યા વગર તેઓના મોં પર જણાવ્યું કે તેઓ એકદમ તેઓના બાપદાદાઓ જેવા છે, જેઓએ યૂસફ, મૂસા અને બીજા પ્રબોધકોને નકારી કાઢ્યા હતા. (પ્રે.કા. ૭:૫૧-૫૩) વધુમાં એ ન્યાયાધીશોએ મસીહને મારી નાખ્યા હતા. તેમના આવવા વિશે મૂસાએ અને બીજા બધા પ્રબોધકોએ ભવિષ્યવાણી કરી હતી. ખરેખર, તેઓએ નિયમશાસ્ત્રની વિરુદ્ધ જવામાં કોઈ કચાશ રાખી ન હતી.
“માલિક ઈસુ, હું મારું જીવન તમને સોંપું છું” (પ્રે.કા. ૭:૫૪–૮:૩)
૨૦, ૨૧. સ્તેફનની વાત સાંભળીને ન્યાયસભાએ શું કર્યું? યહોવાએ કઈ રીતે સ્તેફનની હિંમત બંધાવી?
૨૦ સ્તેફને રજૂ કરેલી હકીકતોને ન્યાયસભાના ન્યાયાધીશો જૂઠી સાબિત કરી શક્યા નહિ. એટલે તેઓ ગુસ્સાથી સળગી ઊઠ્યા, બૂમબરાડા પાડવા લાગ્યા અને દાંત કચકચાવવા લાગ્યા. સ્તેફન સમજી ગયા હતા કે માલિક ઈસુ પર દયા બતાવવામાં આવી ન હતી, એવી જ રીતે તેમના પર પણ દયા બતાવવામાં નહિ આવે.
૨૧ હવે સ્તેફન સાથે જે થવાનું હતું એ બધું સહન કરવા તેમને હિંમતની જરૂર હતી. એટલે યહોવાએ તેમને દર્શન બતાવ્યું. દર્શનમાં તેમણે ઈશ્વરનો મહિમા જોયો અને ઈસુને યહોવાના જમણા હાથે ઊભેલા જોયા. જ્યારે સ્તેફને ન્યાયાધીશોને દર્શન વિશે જણાવ્યું, ત્યારે તેઓએ પોતાના કાન પર હાથ મૂકી દીધા. તેઓએ કેમ એવું કર્યું? કેમ કે થોડા સમય પહેલાં આ જ અદાલત આગળ ઈસુએ કહ્યું હતું કે તે મસીહ છે અને જલદી જ પિતા પાસે જઈને તેમના જમણા હાથે બેસશે. (માર્ક ૧૪:૬૨) એ દર્શનથી સાબિત થયું કે ઈસુની વાત સાચી હતી. એ પણ સાબિત થયું કે આ જ ન્યાયસભાએ મસીહને મારી નંખાવ્યા હતા. દર્શન વિશે સાંભળ્યા પછી બધા જ સ્તેફન પર ધસી આવ્યા અને તેમને બહાર લઈ જઈને પથ્થરે મારી નાખ્યા. c
૨૨, ૨૩. સ્તેફને જીવનની છેલ્લી ઘડીઓમાં ઈસુની જેમ શું કર્યું? આજે ઈશ્વરભક્તોને સ્તેફનની જેમ કયો ભરોસો છે?
૨૨ સ્તેફન જીવનની છેલ્લી ઘડીઓમાં પોતાના માલિક ઈસુની જેમ શાંત રહ્યા. તેમણે યહોવા પર પૂરો ભરોસો રાખ્યો. તેમણે પોતાના ખૂનીઓને માફ કરી દીધા. તેમણે કહ્યું: “મારા માલિક ઈસુ, હું મારું જીવન તમને સોંપું છું.” કદાચ સ્તેફને એ શબ્દો એટલા માટે કહ્યા, કેમ કે હજુ પણ તે દર્શનમાં ઈસુને યહોવા પાસે ઊભેલા જોતા હતા. ઈસુએ કહેલા આ શબ્દો યાદ કરીને સ્તેફનને ચોક્કસ હિંમત મળી હશે: “ગુજરી ગયેલા લોકોને જીવતા કરનાર અને તેઓને જીવન આપનાર હું છું.” (યોહા. ૧૧:૨૫) આખરે તે ઈશ્વરને મોટા અવાજે પોકારી ઊઠ્યા: “યહોવા, આ પાપનો દોષ તેઓના માથે નાખશો નહિ.” એટલું કહીને તે મરણની ઊંઘમાં સૂઈ ગયા.—પ્રે.કા. ૭:૫૯, ૬૦.
૨૩ સ્તેફન ઈસુના પહેલા એવા શિષ્ય હતા જેમને વિરોધીઓએ મારી નાખ્યા હતા. (“ ‘શહીદ’ અને ‘સાક્ષી’” બૉક્સ જુઓ.) પણ દુઃખની વાત છે કે વિરોધીઓએ મારી નાખ્યા હોય એવા તે છેલ્લા શિષ્ય ન હતા. ત્યારથી લઈને આજ સુધી ધર્મ અને રાજકારણના ઝનૂની લોકોએ અને બીજા વિરોધીઓએ યહોવાના અમુક વફાદાર ભક્તોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પણ આપણે સ્તેફનની જેમ યહોવા પર પૂરો ભરોસો રાખીએ છીએ. આજે ઈસુ રાજા છે અને પિતાએ તેમને ઘણો અધિકાર આપ્યો છે, એટલે આપણને પાકી ખાતરી છે કે મોતની ઊંઘમાં સૂઈ ગયેલા શિષ્યોને ઈસુ ચોક્કસ ઉઠાડશે.—યોહા. ૫:૨૮, ૨૯.
૨૪. સ્તેફનને મારી નાખવામાં આવી રહ્યા હતા ત્યારે શાઉલ શું કરતા હતા? સ્તેફનના મરણની શું અસર પડી?
૨૪ જ્યારે લોકો સ્તેફનને પથ્થરથી મારતા હતા, ત્યારે શાઉલ નામના યુવાન એ બધું જોઈ રહ્યા હતા. સ્તેફનનું ખૂન કરવામાં તેમની પણ સહમતી હતી. તે સ્તેફનને મારી નાખનારાઓના કપડાં સાચવતા હતા. એના થોડા સમય પછી શાઉલે શિષ્યોની આકરી સતાવણી કરવાનું શરૂ કર્યું. પણ શું સ્તેફનના મરણથી શિષ્યો ડરી ગયા? ના, જરાય નહિ. ચાલો જોઈએ કે સ્તેફનના મરણની શું અસર પડી. શિષ્યોને જીવનના છેલ્લા શ્વાસ સુધી યહોવાને વફાદાર રહેવા હિંમત મળી. સ્તેફનના મરણના થોડા સમય પછી શાઉલ ઈસુના શિષ્ય બન્યા અને પછી તે પાઉલ નામથી ઓળખાયા. પાઉલને પસ્તાવો હતો કે સ્તેફનના મરણ પાછળ તેમનો પણ હાથ હતો. (પ્રે.કા. ૨૨:૨૦) તેમણે કહ્યું: “હું ઈશ્વરની નિંદા કરનાર, જુલમી અને ઉદ્ધત માણસ હતો.” (૧ તિમો. ૧:૧૩) પાઉલ જીવ્યા ત્યાં સુધી તેમને સ્તેફન અને તેમના પ્રવચનની વાતો ચોક્કસ યાદ રહી હશે. આપણે એવું કેમ કહી શકીએ? કેમ કે પાઉલે પોતાના અમુક પ્રવચન અને પત્રોમાં એ મુદ્દા સમજાવ્યા, જે સ્તેફને તેમના પ્રવચનમાં જણાવ્યા હતા. (પ્રે.કા. ૭:૪૮; ૧૭:૨૪; હિબ્રૂ. ૯:૨૪) સમય જતાં, પાઉલે સ્તેફનના દાખલાને અનુસરીને શ્રદ્ધા અને હિંમત બતાવી. આપણા વિશે શું? શું આપણે પણ સ્તેફનના દાખલાને અનુસરીશું, જે “ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર” હતા?
a એમાંથી અમુક માણસો ‘આઝાદ કરાયેલા માણસોના સભાસ્થાનમાંથી’ હતા. તેઓ કદાચ એવા યહૂદીઓ હતા, જેઓ રોમન રાજમાં અગાઉ ગુલામ હતા અને પછીથી આઝાદ થયા હતા. અથવા કદાચ એવા લોકો હતા, જેઓ અગાઉ ગુલામ હતા અને આઝાદ થયા પછી યહૂદી બન્યા હતા. એ વિરોધીઓમાંથી અમુક લોકો કિલીકિયાના હતા, જ્યાંથી તાર્સસના શાઉલ હતા. અહેવાલમાં જણાવ્યું નથી કે કિલીકિયાના જે વિરોધીઓ સ્તેફન સામે ટકી ન શક્યા એમાં શાઉલ હતા કે નહિ.
b સ્તેફને મૂસા વિશે એવી વાતો જણાવી જે બાઇબલમાં બીજે ક્યાંય જોવા નથી મળતી. જેમ કે, મૂસાએ ઇજિપ્તમાં કયું શિક્ષણ લીધું હતું, તે પહેલી વાર ઇજિપ્તમાંથી નાસી ગયા ત્યારે તેમની કેટલી ઉંમર હતી અને મિદ્યાનમાં તે કેટલાં વર્ષો પરદેશી તરીકે રહ્યા હતા.
c રોમના કાયદા-કાનૂન પ્રમાણે કદાચ ન્યાયસભા પાસે મોતની સજા સંભળાવવાનો અધિકાર ન હતો. (યોહા. ૧૮:૩૧) એવું લાગે છે કે સ્તેફનને મારી નાખવાનો હુકમ ન્યાયસભાએ આપ્યો ન હતો, પણ ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમને મારી નાખ્યા હતા.