પ્રકરણ ૧૮
‘ઈશ્વરને શોધો અને તે ખરેખર તમને મળશે’
પાઉલ પ્રચાર કરવાની રીતમાં ફેરફાર કરે છે અને લોકોને ગમે એવા વિષય પર વાત કરે છે
પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૬-૩૪ના આધારે
૧-૩. (ક) પાઉલને કેમ એથેન્સમાં સખત ચીડ ચઢે છે? (ખ) પાઉલ પાસેથી શું શીખવા મળે છે?
પાઉલ ગ્રીસના એથેન્સ શહેરમાં છે. એ શહેર જ્ઞાન અને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર છે. અહીં એક જમાનામાં સોક્રેટીસ, પ્લેટો અને એરિસ્ટોટલ જેવા મહાન ફિલસૂફો શીખવતા હતા. અહીંના લોકો ઘણાં દેવી-દેવતાઓને પૂજે છે. મંદિરોમાં, ચોકમાં, રસ્તાઓ પર, જ્યાં જુઓ ત્યાં મૂર્તિઓ જ મૂર્તિઓ છે. એ જોઈને પાઉલને સખત ચીડ ચઢે છે. તે જાણે છે કે સાચા ઈશ્વર યહોવાને મૂર્તિપૂજા વિશે કેવું લાગે છે. (નિર્ગ. ૨૦:૪, ૫) તે પણ પોતાના ઈશ્વર યહોવાની જેમ મૂર્તિઓને ધિક્કારે છે.
૨ બજારમાં પાઉલને એવું કંઈક દેખાય છે, જેનાથી તેમને ઘૃણા થાય છે. શહેરની ઉત્તર-પશ્ચિમ દિશામાં એક મુખ્ય દરવાજો છે અને એની પાસે હર્મેસ દેવતાની સેંકડો મૂર્તિઓ છે. જાતીય અંગો દેખાઈ આવે એ રીતે મૂર્તિઓ બનાવવામાં આવી છે. આખું બજાર મૂર્તિઓથી ખદબદે છે. એવા માહોલમાં પાઉલ કઈ રીતે લોકોને પ્રચાર કરશે? શું તે શાંત રહી શકશે અને લોકોને ગમે એવા વિષય પર વાત કરી શકશે? શું ત્યાં એકેય વ્યક્તિ હશે જે સાચા ઈશ્વરને ઓળખવા માંગતી હોય? શું પાઉલ તેને મદદ કરી શકશે?
૩ પાઉલ એથેન્સના જ્ઞાનીઓ સામે એક પ્રવચન આપે છે. એ પ્રવચન પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૨-૩૧માં નોંધેલું છે. તેમણે લોકો સાથે સમજી-વિચારીને વાત કરી, જેથી તેઓની લાગણીઓને ઠેસ ન પહોંચે. પણ તેમણે પોતાની વાત ખાતરીથી જણાવી. પાઉલ પાસેથી શું શીખવા મળે છે? એક, લોકોને ગમે એવા વિષય પર વાત કરીએ. બે, એ રીતે વાત કરીએ કે લોકો આપણી વાતો પર ઊંડો વિચાર કરે અને યોગ્ય નિર્ણય લે.
તે “બજારમાં” શીખવે છે (પ્રે.કા. ૧૭:૧૬-૨૧)
૪, ૫. પાઉલે એથેન્સમાં કઈ જગ્યાએ પ્રચાર કર્યો? ત્યાં કેવા લોકો હતા?
૪ પાઉલ પ્રચારકાર્યની બીજી મુસાફરીમાં એટલે કે સાલ ૫૦ની આસપાસ એથેન્સ આવ્યા હતા. a સિલાસ અને તિમોથી પણ બેરીઆથી એથેન્સ આવવાના હતા અને પાઉલ તેઓની રાહ જોઈ રહ્યા હતા. એવામાં તેમણે પોતાની રીત પ્રમાણે ‘સભાસ્થાનમાં યહૂદીઓ સાથે ચર્ચા કરી.’ તે “બજારમાં” પણ ગયા, જેથી બીજી પ્રજાના લોકો સાથે વાત કરી શકે. (પ્રે.કા. ૧૭:૧૭) એથેન્સનું બજાર બહુ મોટું હતું અને ૧૨ એકર જેટલી જમીન પર ફેલાયેલું હતું. એ બજાર એક્રોપોલિસ નામની ટેકરી નજીક આવેલું હતું. અહીં લોકો ચીજવસ્તુઓ ખરીદવા-વેચવા આવતા હતા. શહેરમાં કોઈ મોટો બનાવ બને તો લોકો અહીં ભેગા થતા હતા. એક પુસ્તકમાં જણાવ્યું છે કે આ જગ્યાએ શહેરના વેપારીઓ, આગેવાનો, ફિલસૂફો અને લેખકો ભેગા મળતા હતા. અહીં બેસીને લોકો જ્ઞાનની મોટી મોટી વાતો કરતા હતા.
૫ બજારમાં એવા લોકો હતા, જેઓ માટે શાસ્ત્રની વાતો ગળે ઉતારવી બહુ અઘરી હતી. તેઓમાંથી અમુક લોકો એપિક્યૂરી પંથના હતા, તો અમુક સ્ટોઈક પંથના. એ બંને પંથના વિચારો એકબીજાથી એકદમ અલગ હતા. b એપિક્યૂરી પંથના લોકો માનતા હતા કે જીવન આપોઆપ શરૂ થઈ ગયું છે. થોડાક શબ્દોમાં કહીએ તો જીવન વિશે તેઓના આવા સિદ્ધાંતો હતા: “ઈશ્વરથી ડરવાની જરૂર નથી; મરણથી પીડા થતી નથી; આનંદ મેળવવો એ જ જીવનનો એકમાત્ર હેતુ છે; દુષ્ટતા સહન કરી શકાય છે.” બીજી બાજુ, સ્ટોઈક પંથના લોકો માનતા હતા કે સુખી થવા માટે પોતાનું મન જેમ કહે એમ કરવું જોઈએ. તેઓ એમ પણ માનતા હતા કે ઈશ્વર એક પરમ શક્તિ છે, જેનામાં લાગણીઓ અને વિચારવાની ક્ષમતા નથી. ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે, એ શિક્ષણ બંને પંથના લોકો સ્વીકારતા ન હતા. પણ ખ્રિસ્તીઓ માટે તો એ પાયાનું શિક્ષણ છે, જેના વિશે પાઉલ પ્રચાર કરતા હતા. ખરેખર, ખ્રિસ્તીઓના શિક્ષણ અને એ પંથોના શિક્ષણ વચ્ચે આભ-જમીનનો ફરક હતો.
૬, ૭. અમુક ફિલસૂફોએ પાઉલને કેવા ગણ્યા? આજે લોકો આપણી વાત સાંભળીને શું કરે છે?
૬ પાઉલની વાત સાંભળીને મોટા મોટા ગ્રીક ફિલસૂફોને કેવું લાગ્યું? તેઓમાંથી અમુકે પાઉલને “લવારો કરનાર” કહ્યા. ગ્રીક ભાષામાં એ શબ્દનો અર્થ “દાણા ચણનાર” પણ થઈ શકે છે. (પ્રે.કા. ૧૭:૧૮) એક વિદ્વાનનું કહેવું છે: “એ શબ્દ હકીકતમાં એક નાના પક્ષી માટે વપરાતો હતો, જે અલગ અલગ જગ્યાએથી દાણા ચણતું હોય. પછી એ શબ્દ બજારમાં વધેલું-ઘટેલું ખાવાનું અને કચરો ભેગો કરતા લોકો માટે વપરાવા લાગ્યો. સમય જતાં એ શબ્દ એવા માણસો માટે પણ વપરાવા લાગ્યો, જેઓ અવનવી માહિતી તો ભેગી કરતા, પણ પોતે એનો અર્થ સમજતા ન હતા.” એટલે ફિલસૂફો કહેવા માંગતા હતા કે પાઉલ સમજ્યા-વિચાર્યા વગર લોકો પાસેથી સાંભળેલી વાતો જણાવી રહ્યા છે. પણ આપણે આગળ જોઈશું કે પાઉલ એવા કડવા વેણથી નિરાશ ન થયા. એના બદલે તેમણે હિંમતથી સંદેશો જણાવ્યો.
૭ આજે યહોવાના સાક્ષીઓ સાથે એવું જ થાય છે. લોકો ઘણી વાર આપણી શ્રદ્ધાને લીધે આપણું અપમાન કરે છે. દાખલા તરીકે, અમુક શિક્ષકો શીખવે છે કે ઉત્ક્રાંતિવાદ એક હકીકત છે અને ફક્ત બુદ્ધિશાળી લોકો જ એમાં માને છે. તેઓનું કહેવું છે કે ઉત્ક્રાંતિમાં માનતા નથી એ લોકો મૂર્ખ છે. તેઓ ચાહે છે કે લોકો આપણને ડોબા ગણે, કેમ કે આપણે લોકોને બાઇબલમાંથી પુરાવા આપીએ છીએ કે બધું ઈશ્વરે બનાવ્યું છે. જોકે લોકો આપણું અપમાન કરે ત્યારે આપણે નિરાશ થતા નથી. પણ પૂરી ખાતરીથી આપણી શ્રદ્ધાના પક્ષમાં બોલીએ છીએ અને જણાવીએ છીએ કે એક બુદ્ધિશાળી સર્જનહાર છે, જેમનું નામ યહોવા છે.—પ્રકટી. ૪:૧૧.
૮. (ક) પાઉલની વાતો સાંભળીને બીજા અમુક લોકોએ શું કર્યું? (ખ) પાઉલને અરિયોપગસ લઈ જવામાં આવ્યા એનું કારણ શું હોય શકે? (ફૂટનોટ જુઓ.)
૮ પાઉલની વાતો સાંભળીને અમુક લોકોએ એવું પણ કહ્યું કે “તે તો પારકા દેવોનો પ્રચારક લાગે છે.” (પ્રે.કા. ૧૭:૧૮) શું તેઓની વાત સાચી હતી? શું પાઉલ એથેન્સના લોકોને નવા દેવોનો પ્રચાર કરતા હતા? એ જમાનામાં નવા દેવોનો પ્રચાર કરવો જોખમથી ભરેલું હતું. સદીઓ પહેલાં સોક્રેટીસ નામના ફિલસૂફ પર એવો જ આરોપ મૂકવામાં આવ્યો હતો. પછી તેના પર મુકદ્દમો ચાલ્યો હતો અને તેને મોતની સજા થઈ હતી. એટલે જ્યારે એથેન્સના લોકોને પાઉલનું શિક્ષણ અજુગતું લાગ્યું, ત્યારે તેઓ તેમને અરિયોપગસ લઈ ગયા. c ત્યાં તેઓએ પાઉલને પોતાના શિક્ષણ વિશે વધારે સમજાવવાનું કહ્યું. જેઓને શાસ્ત્ર વિશે કંઈ ખબર નથી, તેઓને પાઉલ શું કહેશે?
“હે એથેન્સના લોકો, મેં જોયું છે” (પ્રે.કા. ૧૭:૨૨, ૨૩)
૯-૧૧. (ક) પાઉલે કયા વિષય પર વાત શરૂ કરી? (ખ) આપણે કઈ રીતે પ્રચારમાં પાઉલ જેવું કરી શકીએ?
૯ યાદ કરો કે શહેરમાં મૂર્તિઓને જોઈને પાઉલને ઘણી ચીડ ચઢી હતી. તોપણ તેમણે તરત એવું ન કહ્યું કે મૂર્તિપૂજા કરવી ખોટું છે. તે શાંત રહ્યા અને તેમણે સમજી-વિચારીને પગલાં ભર્યાં, જેથી એથેન્સના લોકો તેમની વાત સાંભળવા તૈયાર થાય. તેમણે તેઓના ગમતા વિષય પર વાત શરૂ કરી. તેમણે કહ્યું: “હે એથેન્સના લોકો, મેં જોયું છે કે બીજા લોકો કરતાં તમે બધી રીતે વધારે ધાર્મિક છો.” (પ્રે.કા. ૧૭:૨૨) પાઉલ એમ કહીને તેઓના વખાણ કરી રહ્યા હતા કે તેઓ ભક્તિભાવવાળા છે. તે જાણતા હતા કે ભલે તેઓની આંખો પર જૂઠા શિક્ષણનો પડદો પડ્યો છે, પણ તેઓમાંથી અમુક લોકોનું દિલ સારું છે અને સત્ય જાણવા માંગે છે. પાઉલને પણ એ સમય યાદ આવ્યો હશે જ્યારે તેમણે અમુક કામો ‘અજાણતાં અને શ્રદ્ધા ન હોવાને લીધે કર્યાં હતાં.’—૧ તિમો. ૧:૧૩.
૧૦ પછી પાઉલે જણાવ્યું કે તેમણે કેમ એથેન્સના લોકોના વખાણ કર્યા. એ લોકોએ એક વેદી બનાવી હતી, જે “અજાણ્યા દેવ માટે” હતી. એક પુસ્તકમાં જણાવ્યું છે: “ગ્રીસ અને બીજા અમુક દેશના લોકોમાં ‘અજાણ્યા દેવો’ માટે વેદીઓ બનાવવાનો રિવાજ હતો. કેમ કે તેઓને ડર હતો કે જો તેઓ અજાણતાં કોઈ દેવની ભક્તિ કરવાનું ભૂલી ગયા હશે, તો તે નારાજ થઈ જશે.” આમ, અજાણ્યા દેવ માટે વેદી બનાવીને એથેન્સના લોકોએ સ્વીકાર્યું કે એવો કોઈ ઈશ્વર છે જેને તેઓ ઓળખતા નથી. આ વેદીનો ઉલ્લેખ કર્યા પછી પાઉલે લોકોનું ધ્યાન પોતાના સંદેશા પર દોર્યું. તેમણે સમજાવ્યું: “તમે જાણ્યા વગર જેમની ભક્તિ કરો છો, તેમને હું તમારી આગળ જાહેર કરું છું.” (પ્રે.કા. ૧૭:૨૩) પાઉલે સાચે જ સમજી-વિચારીને પણ જોરદાર રીતે વાત કરી. તે કોઈ નવા કે પારકા દેવ વિશે પ્રચાર કરી રહ્યા ન હતા, જેમ અમુક લોકોએ આરોપ મૂક્યો હતો. તે તો સાચા ઈશ્વર વિશે સાક્ષી આપી રહ્યા હતા, જેમના વિશે લોકો અજાણ હતા.
૧૧ આપણે કઈ રીતે પ્રચારમાં પાઉલ જેવું કરી શકીએ? આપણે ધ્યાન આપી શકીએ કે શું વ્યક્તિના પહેરવેશથી અથવા તેના ઘરની કોઈ ચીજવસ્તુથી એવું લાગે છે કે તે ધાર્મિક છે. પછી તેને કહી શકીએ: ‘હું જોઈ શકું છું કે તમને ભગવાનમાં ઘણી શ્રદ્ધા છે. હું તમારા જેવા લોકોને જ મળવા આવ્યો છું.’ આમ, તેઓના વખાણ કર્યા પછી તેઓને ગમે એવા કોઈ વિષય પર વાત શરૂ કરી શકીએ. યાદ રાખીએ કે વ્યક્તિ ભલે કોઈ પણ ધર્મ પાળતી હોય, આપણે એવું ન વિચારવું જોઈએ કે તે ક્યારેય બાઇબલનું સત્ય નહિ સ્વીકારે. આપણી પાસે એવાં ઘણાં ભાઈ-બહેનોના દાખલા છે, જેઓ પહેલાં જૂઠા શિક્ષણમાં ડૂબેલાં હતાં.
ઈશ્વર “આપણામાંના કોઈથી દૂર નથી” (પ્રે.કા. ૧૭:૨૪-૨૮)
૧૨. પાઉલે એથેન્સના લોકોને ધ્યાનમાં રાખીને કઈ રીતે ફેરફાર કર્યો?
૧૨ ખરું કે પાઉલે એથેન્સના લોકોને ગમતા વિષય પર વાત શરૂ કરી. જોકે તેઓ પાઉલની વાત ધ્યાનથી સાંભળતા રહે એ માટે તેમણે શું કર્યું? તેમને ખબર હતી કે એ લોકો પાસે ગ્રીક ફિલસૂફીનું સારું જ્ઞાન હતું, પણ શાસ્ત્ર વિશે તેઓ કંઈ જાણતા ન હતા. એટલે તેમણે સાક્ષી આપવા પોતાની રીતમાં ફેરફાર કર્યો. કઈ રીતે? તેમણે સીધેસીધું શાસ્ત્રમાંથી ટાંકવાને બદલે એ માહિતીને પોતાના શબ્દોમાં સમજાવી. તેમણે વાતચીતમાં ‘આપણે’ શબ્દનો ઉપયોગ કર્યો. એમ કરીને તેમણે બતાવ્યું કે તે લોકોનાં વિચારો અને લાગણીઓને સમજે છે. વધુમાં પાઉલે ગ્રીક લેખકોનાં પુસ્તકોમાંથી અમુક બાબતો ટાંકી, જેથી લોકો જોઈ શકે કે તેઓનાં પુસ્તકોમાં પણ એ વિશે લખ્યું છે. હવે પાઉલના આ જોરદાર પ્રવચન પર ધ્યાન આપીએ અને જોઈએ કે તેમણે એ ઈશ્વર વિશે કઈ અમુક મહત્ત્વની વાતો સમજાવી, જેમને એથેન્સના લોકો ઓળખતા ન હતા.
૧૩. બ્રહ્માંડની શરૂઆત વિશે પાઉલે શું જણાવ્યું? એનાથી કઈ વાત સ્પષ્ટ થઈ?
૧૩ ઈશ્વરે આખું બ્રહ્માંડ રચ્યું છે. પાઉલે કહ્યું: “જે ઈશ્વરે દુનિયા અને એમાંની બધી વસ્તુઓ રચી છે, એ તો સ્વર્ગ અને પૃથ્વીના માલિક છે, તે હાથે બનાવેલાં મંદિરોમાં રહેતા નથી.” d (પ્રે.કા. ૧૭:૨૪) આખું બ્રહ્માંડ અને એમાંની બધી વસ્તુઓ આપોઆપ નથી આવી ગયાં. સાચા ઈશ્વરે એ બધું બનાવ્યું છે. (ગીત. ૧૪૬:૬) તે આકાશ અને ધરતીના માલિક છે, તો પછી તે કઈ રીતે માણસોએ બનાવેલાં મંદિરોમાં રહી શકે? તે એથેના કે બીજાં દેવી-દેવતાઓ જેવા નથી, જેઓએ ગૌરવ અને મહિમા મેળવવા મંદિરો અને વેદીઓનો સહારો લેવો પડે છે. (૧ રાજા. ૮:૨૭) પાઉલનો સંદેશો એકદમ સ્પષ્ટ હતો: સાચા ઈશ્વર એટલા મહાન છે, એટલા ગૌરવશાળી છે કે માણસોએ બનાવેલી કોઈ પણ મૂર્તિ તેમની તોલે ન આવી શકે.—યશા. ૪૦:૧૮-૨૬.
૧૪. પાઉલે કઈ રીતે સમજાવ્યું કે ઈશ્વરને માણસોની મદદની જરૂર નથી?
૧૪ ઈશ્વરને માણસોની મદદની જરૂર નથી. એથેન્સના લોકો મૂર્તિઓને મોંઘાં મોંઘાં કપડાં પહેરાવતા હતા, કીમતી ભેટ-સોગાદો અથવા ખાવા-પીવાની વસ્તુઓ ચઢાવતા હતા. તેઓને લાગતું હતું કે મૂર્તિઓને એ બધાની જરૂર છે. પણ કદાચ અમુક ગ્રીક ફિલસૂફો એવું માનતા ન હતા. તેઓ ચોક્કસ પાઉલ સાથે આ વાત પર સહમત થયા હશે: “જાણે [ઈશ્વરને] કશાકની જરૂર હોય એમ તેમને માણસોના હાથની સેવાની જરૂર નથી.” હકીકત તો એ છે કે આખા વિશ્વના સર્જનહારને આપવા માટે માણસો પાસે કશું જ નથી. ઈશ્વર જ તો માણસોને “જીવન, શ્વાસ અને બધી ચીજવસ્તુઓ આપે છે.” માણસો માટે જરૂરી સૂર્યનો તાપ, વરસાદ, ફળદ્રુપ જમીન વગેરે તેમની જ તો દેન છે. (પ્રે.કા. ૧૭:૨૫; ઉત. ૨:૭) એટલે જે ઈશ્વરે માણસોને બધું આપ્યું છે, તેમને માણસોની એકેય વસ્તુની જરૂર નથી.
૧૫. લોકો પોતાના વિચારોમાં ફેરફાર કરી શકે એ માટે પાઉલે શું કર્યું? આપણને પાઉલ પાસેથી કઈ મહત્ત્વની વાત શીખવા મળે છે?
૧૫ ઈશ્વરે માણસોને બનાવ્યા છે. એથેન્સના લોકોને ગ્રીક હોવાનો ઘણો ગર્વ હતો. ગ્રીક ન હોય એવા લોકોને તેઓ નીચા ગણતા હતા. પણ બાઇબલમાંથી શીખવા મળે છે કે આપણે કોઈ દેશ અથવા જાતિને લીધે ઘમંડ ન કરવું જોઈએ. (પુન. ૧૦:૧૭) લોકો પોતાના વિચારોમાં ફેરફાર કરી શકે એ માટે પાઉલે શું કર્યું? તેમણે સમજી-વિચારીને અને કુશળતાથી કહ્યું: “[ઈશ્વરે] એક માણસમાંથી આખી પૃથ્વી પર રહેવા બધી પ્રજાઓ બનાવી.” (પ્રે.કા. ૧૭:૨૬) પાઉલની વાત સાંભળીને લોકો વિચારમાં પડી ગયા હશે. અહીં તે ઉત્પત્તિમાં જણાવેલા પહેલા માણસ આદમની વાત કરી રહ્યા હતા. (ઉત. ૧:૨૬-૨૮) બધા મનુષ્યો આદમમાંથી આવ્યા છે, એટલે કોઈ પણ દેશ કે જાતિ એકબીજાથી ચઢિયાતી નથી. એ હકીકત એથેન્સના લોકો સમજી ગયા હશે. પાઉલ પાસેથી આપણને આ મહત્ત્વની વાત શીખવા મળે છે: આપણે પ્રચારમાં સમજી-વિચારીને વાત કરીએ અને લોકોની લાગણી ન દુભાય એનું ધ્યાન રાખીએ. પણ લોકો નારાજ થશે એ ડરથી ક્યારેય બાઇબલની સાચી વાતોમાં ફેરફાર ન કરીએ.
૧૬. સર્જનહારે માણસોને કેમ બનાવ્યા છે?
૧૬ ઈશ્વર ચાહે છે કે માણસો તેમની નજીક આવે. પાઉલની વાત સાંભળતા ફિલસૂફોએ ચોક્કસ માણસો અને તેઓના અસ્તિત્વ વિશે લાંબી લાંબી ચર્ચા કરી હશે. પણ તેઓને એનો સંતોષકારક જવાબ મળ્યો નહિ હોય. જોકે પાઉલે તેઓને સાફ સાફ જણાવ્યું કે સર્જનહારે માણસોને કેમ બનાવ્યા છે. ઈશ્વર ચાહે છે કે માણસો ‘તેમને શોધે, ખંતથી તેમને શોધે અને તે તેઓને મળશે. હકીકતમાં, તે આપણામાંના કોઈથી દૂર નથી.’ (પ્રે.કા. ૧૭:૨૭) એથેન્સના લોકો જે ઈશ્વર વિશે અજાણ હતા, હવે તેઓ તેમને ઓળખી શકતા હતા અને તેમની નજીક જઈ શકતા હતા. ખરેખર, જે લોકો ઈશ્વરને શોધે છે અને તેમના વિશે શીખવા માંગે છે તેઓથી તે દૂર નથી. (ગીત. ૧૪૫:૧૮) ધ્યાન આપો કે પાઉલે “આપણામાંના કોઈથી” એવા શબ્દો વાપર્યા. એનો અર્થ થાય કે તે પોતાને પણ એવા લોકોમાં ગણતા હતા, જેઓએ ઈશ્વરને ‘ખંતથી શોધવાની’ જરૂર હતી.
૧૭, ૧૮. (ક) માણસોમાં ઈશ્વરને ઓળખવાની ઇચ્છા કેમ હોવી જોઈએ? (ખ) સાંભળનારાઓનું ધ્યાન ખેંચવા પાઉલે શું કર્યું? એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૭ માણસોમાં ઈશ્વરને ઓળખવાની ઇચ્છા હોવી જોઈએ. શા માટે? પાઉલે જણાવ્યું હતું તેમ, “[ઈશ્વર] તરફથી આપણને જીવન મળ્યું છે, આપણે હરી-ફરી શકીએ છીએ અને જીવીએ છીએ.” અમુક વિદ્વાનોનું કહેવું છે કે પાઉલે એ શબ્દો ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીના એક કવિ એપિમેનિડીસની કવિતામાંથી લીધા હતા. તે ક્રીતનો એક પ્રખ્યાત કવિ હતો. જ્યારે પણ એથેન્સના ધાર્મિક રીતરિવાજોની વાત થતી, ત્યારે એ કવિનું નામ અચૂક લેવાતું. માણસોમાં ઈશ્વરને ઓળખવાની ઇચ્છા કેમ હોવી જોઈએ એ વિશે પાઉલે બીજું એક કારણ આપ્યું. તેમણે કહ્યું: “તમારા જ અમુક કવિઓએ કહ્યું છે, ‘આપણે બધાં તેમનાં બાળકો છીએ.’” (પ્રે.કા. ૧૭:૨૮) ઈશ્વરે આ દુનિયાના સૌથી પહેલા માણસને બનાવ્યો હતો અને આપણે બધા તેના જ વંશજો છીએ. એનાથી સ્પષ્ટ થાય છે કે ઈશ્વર અને આપણી વચ્ચે એક ખાસ સંબંધ છે. એટલે આપણે તેમને ઓળખવા જોઈએ, તેમની નજીક જવું જોઈએ. પાઉલે તેમના સાંભળનારાઓનું ધ્યાન ખેંચવા ગ્રીક લખાણોમાંથી સીધેસીધા અમુક શબ્દો ટાંક્યા. e પાઉલની જેમ આપણે પણ ક્યારેક ક્યારેક ઇતિહાસના પુસ્તકો, વિશ્વકોશ અથવા બીજાં અમુક જાણીતાં સાહિત્યમાંથી ટાંકી શકીએ. જેમ કે, આપણે કોઈ જાણીતા પુસ્તકમાંથી અમુક બાબતો ટાંકીને સાબિત કરી શકીએ કે કોઈ રીતરિવાજ અથવા તહેવારની શરૂઆત કઈ રીતે જૂઠા ધર્મોથી થઈ છે.
૧૮ એથેન્સના લોકોને ઈશ્વર વિશે અમુક મહત્ત્વની વાતો સમજાવવા પાઉલે પ્રચારની રીતમાં ફેરફાર કર્યો. તેમણે કુશળતાથી અને સમજી-વિચારીને વાત કરી. એથેન્સના લોકોએ શું કરવાની જરૂર હતી? ધ્યાન આપો કે પાઉલે આગળ શું કહ્યું.
‘દરેક જગ્યાએ લોકો પસ્તાવો કરે’ (પ્રે.કા. ૧૭:૨૯-૩૧)
૧૯, ૨૦. (ક) પાઉલે કઈ રીતે સમજી-વિચારીને જણાવ્યું કે મૂર્તિપૂજા કરવી મૂર્ખતા છે? (ખ) પાઉલનું સાંભળનારાઓએ કયાં પગલાં ભરવાની જરૂર હતી?
૧૯ પાઉલે ફરી એક વાર ગ્રીક લખાણોમાંથી ટાંકીને કહ્યું: “આપણે ઈશ્વરનાં બાળકો હોવાથી, એમ ન વિચારવું જોઈએ કે ઈશ્વર સોના કે ચાંદી કે પથ્થરથી બનેલી કોઈ વસ્તુ જેવા છે. તે માણસોની કલ્પનાથી ઘડેલી કોઈ વસ્તુ જેવા નથી.” (પ્રે.કા. ૧૭:૨૯) જો ઈશ્વરે માણસોને બનાવ્યા હોય, તો પછી માણસોએ બનાવેલી મૂર્તિ કઈ રીતે ઈશ્વર હોય શકે? પાઉલે કેટલી જોરદાર રીતે વાત સમજાવી. તેમણે સરસ કારણ આપ્યું અને સમજી-વિચારીને બતાવ્યું કે મૂર્તિપૂજા કરવી મૂર્ખતા છે. (ગીત. ૧૧૫:૪-૮; યશા. ૪૪:૯-૨૦) ધ્યાન આપો કે પાઉલે આવું ન કહ્યું: “તમારે . . . એમ ન વિચારવું જોઈએ.” એના બદલે તેમણે કહ્યું: “આપણે . . . એમ ન વિચારવું જોઈએ.” એનાથી લોકો માટે પાઉલની વાત માનવી સહેલું થઈ ગયું હશે.
૨૦ પછી પાઉલે સાફ સાફ જણાવ્યું કે તેઓએ કયાં પગલાં ભરવાની જરૂર છે. તેમણે કહ્યું: “અગાઉના સમયમાં લોકોએ અજાણતાં કરેલાં એ કામોને [મૂર્તિપૂજાથી ઈશ્વરને ખુશ કરી શકાય છે એવા વિચારને] ઈશ્વરે ચાલવા દીધાં. પણ તે હવે દરેક જગ્યાએ બધા લોકોને જણાવી રહ્યા છે કે તેઓ પસ્તાવો કરે.” (પ્રે.કા. ૧૭:૩૦) પસ્તાવો શબ્દ સાંભળીને કદાચ અમુક લોકોને નવાઈ લાગી હશે. પણ પાઉલના પ્રવચનથી એ વાત સ્પષ્ટ હતી કે ઈશ્વરે તેઓને જીવન આપ્યું હતું અને તેઓએ ઈશ્વરને પોતાનાં કામોનો હિસાબ આપવો પડશે. અત્યાર સુધી ઈશ્વર તેઓથી ખુશ ન હતા, કેમ કે તેઓ મૂર્તિપૂજા કરતા હતા. પણ હવે તેઓએ મૂર્તિપૂજા છોડવાની હતી, સાચા ઈશ્વરને ઓળખવાના હતા અને તેમની ઇચ્છા પ્રમાણે જીવન જીવવાનું હતું.
૨૧, ૨૨. પાઉલે છેલ્લે કયા દમદાર શબ્દો કહ્યા? એ શબ્દો આજે આપણા માટે પણ કેમ મહત્ત્વના છે?
૨૧ પાઉલે એથેન્સના લોકોને છેલ્લે આ દમદાર શબ્દો કહ્યા: “[ઈશ્વરે] એક દિવસ નક્કી કર્યો છે, જે દિવસે તે પોતે ઠરાવેલા માણસ દ્વારા પૃથ્વી પરના લોકોનો અદ્દલ ઇન્સાફ કરશે. એ માણસને મરણમાંથી જીવતા કરીને તેમણે બધા લોકોને ખાતરી આપી છે કે એ દિવસ ચોક્કસ આવશે.” (પ્રે.કા. ૧૭:૩૧) એ શબ્દોથી એથેન્સના લોકોને જાણવા મળ્યું કે ન્યાયનો દિવસ આવી રહ્યો છે. હવે તેઓ પાસે સાચા ઈશ્વરને ખંતથી શોધવાનું એક બહુ મોટું કારણ હતું. પાઉલે એ ન જણાવ્યું કે ઈશ્વરે કોને ન્યાયાધીશ ઠરાવ્યા છે. પણ તેમણે એ ન્યાયાધીશ વિશે એક ખાસ વાત જણાવી. તેમણે કહ્યું કે એ ન્યાયાધીશ પૃથ્વી પર જીવ્યા હતા, પછી તેમને મારી નાખવામાં આવ્યા હતા અને આખરે ઈશ્વરે તેમને જીવતા કર્યા હતા!
૨૨ પાઉલના એ શબ્દો આજે આપણા માટે પણ ખૂબ મહત્ત્વના છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને મરણમાંથી જીવતા કર્યા છે અને તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું છે. (યોહા. ૫:૨૨) આપણે એ પણ જાણીએ છીએ કે ન્યાયનો દિવસ એક હજાર વર્ષનો છે અને એ ઝડપથી આવી રહ્યો છે. (પ્રકટી. ૨૦:૪, ૬) આપણે ન્યાયના દિવસથી ડરતા નથી, કેમ કે આપણને ખબર છે કે જેઓને વફાદાર ગણવામાં આવશે તેઓને અઢળક આશીર્વાદો મળશે. ઈસુને જીવતા કરવામાં આવ્યા એ અત્યાર સુધીનો સૌથી મોટો ચમત્કાર છે. એનાથી આપણને પાકી ખાતરી મળે છે કે આપણું ભાવિ ઉજ્જવળ હશે.
‘કેટલાક માણસો શિષ્યો બન્યા’ (પ્રે.કા. ૧૭:૩૨-૩૪)
૨૩. પાઉલનું પ્રવચન સાંભળીને લોકોએ શું કર્યું?
૨૩ પાઉલનું પ્રવચન સાંભળીને લોકોએ શું કર્યું? જ્યારે લોકોએ સાંભળ્યું કે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે, ત્યારે “કેટલાક લોકો મશ્કરી કરવા લાગ્યા.” બીજા અમુકે પાઉલની મશ્કરી તો ન કરી, પણ પસ્તાવો કરીને સંદેશો પણ ન સ્વીકાર્યો. તેઓએ આવું કહીને પાઉલની વાત ટાળી દીધી: “અમે એના વિશે બીજી કોઈ વાર સાંભળીશું.” (પ્રે.કા. ૧૭:૩૨) પણ ‘કેટલાક માણસો તેમની સાથે જોડાયા અને શિષ્યો બન્યા. તેઓમાં અરિયોપગસની અદાલતનો ન્યાયાધીશ દિયોનુસિયસ અને દામરિસ નામની એક સ્ત્રી તથા બીજાઓ પણ હતાં.’ (પ્રે.કા. ૧૭:૩૪) આજે આપણને પણ પ્રચારમાં અલગ અલગ પ્રકારના લોકો મળે છે. અમુક આપણી મજાક ઉડાવે છે, તો અમુક પ્રેમથી આપણી વાત ટાળી દે છે. પણ અમુક લોકો ઈશ્વરના રાજ્યનો સંદેશો સાંભળે છે અને શિષ્યો બને છે. એ સમયે આપણને અનેરી ખુશી મળે છે.
૨૪. પાઉલે એથેન્સના લોકોને જે પ્રવચન આપ્યું એમાંથી આપણને શું શીખવા મળ્યું?
૨૪ પાઉલના પ્રવચનમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું. જેમ કે, આપણે શીખ્યા કે કઈ રીતે લોકોને ગમે એવા વિષય પર વાત કરી શકીએ, કઈ રીતે સાબિતીઓ આપીને તેઓને શીખવી શકીએ. વધુમાં આપણે શીખ્યા કે કઈ રીતે લોકોને ધ્યાનમાં રાખીને પ્રચાર કરવાની રીતમાં ફેરફાર કરી શકીએ. અમુક લોકો નમ્ર છે, પણ જૂઠા શિક્ષણને લીધે તેઓની આંખો પર પડદો પડ્યો છે. આપણે શીખ્યા કે એવા લોકો સાથે ધીરજથી અને સમજી-વિચારીને વર્તવું જોઈએ, જેથી તેઓની લાગણીઓને ઠેસ ન પહોંચે. પાઉલ પાસેથી આપણને આ પણ એક મહત્ત્વની વાત શીખવા મળી: લોકો નારાજ થશે એ ડરથી ક્યારેય બાઇબલની સાચી વાતોમાં ફેરફાર ન કરીએ. સાચે જ, પ્રેરિત પાઉલના દાખલા પર ધ્યાન આપવાથી આપણે પ્રચારમાં સારા શીખવનાર બની શકીએ છીએ. આગેવાની લેતા ભાઈઓ પણ મંડળમાં વધારે સારી રીતે શીખવી શકે છે. આમ આપણે લોકોને મદદ કરી શકીશું, જેથી ‘તેઓ ઈશ્વરને શોધી શકે અને તે તેઓને મળે.’—પ્રે.કા. ૧૭:૨૭.
a “ એથેન્સ—જૂના જમાનાનું પ્રખ્યાત શહેર” બૉક્સ જુઓ.
b “ એપિક્યૂરી અને સ્ટોઈક પંથો” બૉક્સ જુઓ.
c અરિયોપગસ એક્રોપોલિસની ઉત્તર-પશ્ચિમે આવેલી એક ઊંચી ટેકરી હતી, જ્યાં મોટા ભાગે એથેન્સના આગેવાનોની અદાલત ભરાતી હતી. “અરિયોપગસ” શબ્દ અરિયોપગસ ટેકરીને અથવા આગેવાનોની અદાલતને રજૂ કરતો હોય શકે. એટલે પાઉલને કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા એ વાતને લઈને વિદ્વાનોમાં મતભેદ છે. અમુક વિદ્વાનોનું કહેવું છે કે પાઉલને અરિયોપગસ ટેકરી પર અથવા એની આસપાસના વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. તો અમુક વિદ્વાનોનું કહેવું છે કે પાઉલને એથેન્સના આગેવાનોની અદાલતમાં લઈ જવામાં આવ્યા હતા, જે કદાચ બજારમાં અથવા બીજી કોઈ જગ્યાએ ભરાઈ હતી.
d કલમમાં ગ્રીક શબ્દ કોસમોસનું ભાષાંતર “દુનિયા” કરવામાં આવ્યું છે. બાઇબલમાં સામાન્ય રીતે આ શબ્દનો અર્થ થાય છે લોકો. પણ ગ્રીક લોકો માટે કોસમોસ શબ્દનો અર્થ થતો હતો બ્રહ્માંડ. પાઉલે એથેન્સમાં ગ્રીક લોકોને ગમે એવા વિષય પર વાત શરૂ કરી હતી. તે ચાહતા હતા કે લોકો તેમની વાત ધ્યાનથી સાંભળતા રહે. એટલે કદાચ પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૪માં બ્રહ્માંડ વિશે વાત કરવા તેમણે કોસમોસ શબ્દનો ઉપયોગ કર્યો.
e પાઉલે સ્ટોઈક પંથના કવિ અરાટસે લખેલી કવિતા ફિનોમિનામાંથી શબ્દો ટાંક્યા હતા. એના જેવા શબ્દો સ્ટોઈક પંથના લેખક ક્લિએન્થીસે લખેલાં હિમ ટૂ ઝિયૂસ નામનાં ભજનોમાં અને બીજા અમુક ગ્રીક લખાણોમાં પણ જોવા મળે છે.