સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૫

તેઓએ “મંડળોને ઉત્તેજન આપ્યું”

તેઓએ “મંડળોને ઉત્તેજન આપ્યું”

પ્રવાસી નિરીક્ષકો મંડળોની શ્રદ્ધા મક્કમ કરે છે

પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૬–૧૬:૫ના આધારે

૧-૩. (ક) પાઉલે પ્રચારકાર્યની બીજી મુસાફરી માટે કોને પસંદ કર્યા? એ યુવાન વિશે થોડુંક જણાવો. (ખ) આ પ્રકરણમાં શું જોઈશું?

 પ્રેરિત પાઉલ ખાડા-ટેકરાવાળા રસ્તા પર ચાલી રહ્યા છે. વચ્ચે વચ્ચે તે બાજુમાં ચાલતા યુવાન પર નજર નાખે છે. એ યુવાન છે, તિમોથી. તે વીસેક વર્ષના છે અને તેમનામાં ગજબનો ઉત્સાહ છે. આ તિમોથીની પહેલી મુસાફરી છે. તેમના દરેક પગલાથી તેમનું ઘર દૂર થતું જાય છે. દિવસ ઢળતો જાય છે તેમ, લુસ્ત્રા અને ઇકોનિયા શહેર પાછળ છૂટતા જાય છે. આગળની મુસાફરી કેવી હશે? એ વિશે પાઉલને થોડો-ઘણો અંદાજો છે, કેમ કે આ તેમની પ્રચારકાર્યની બીજી મુસાફરી છે. તે જાણે છે કે તેઓએ ડગલે ને પગલે જોખમો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાઉલને થતું હશે કે યુવાન તિમોથી કઈ રીતે એ બધાનો સામનો કરશે.

પણ પાઉલને પૂરો ભરોસો છે કે તિમોથી એ જવાબદારી સારી રીતે નિભાવી શકશે. તિમોથીને પોતાના પર જેટલો ભરોસો છે, એના કરતાં વધારે ભરોસો પાઉલને તિમોથી પર છે. આ મુસાફરીમાં તેઓ શું કરશે? તેઓ મંડળોની મુલાકાત લેશે અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપશે. એ કામમાં તેઓએ પોતાનું દિલ રેડી દેવું પડશે, એકમનના થઈને કામ કરવું પડશે. એટલે પાઉલ સારી રીતે જાણે છે કે આવી મુસાફરીમાં એક યોગ્ય વ્યક્તિ સાથે હોય, એ ખૂબ જરૂરી છે. પાઉલને કેમ એવું લાગે છે? એનું એક કારણ એ હોય શકે કે થોડા સમય પહેલાં જ પાઉલ અને બાર્નાબાસ વચ્ચે એક મોટી તકરાર થઈ હતી અને તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા.

આ પ્રકરણમાં શીખીશું કે જો ભાઈ-બહેનો સાથે મતભેદ થાય, તો આપણે શું કરવું જોઈએ. એ પણ જોઈશું કે પાઉલે કેમ તિમોથીને મુસાફરી માટે પસંદ કર્યા. આપણે સરકીટ નિરીક્ષકોની જવાબદારી વિશે પણ વધારે જાણીશું.

‘ચાલ, હવે પાછા જઈએ અને ભાઈઓને મળીએ’ (પ્રે.કા. ૧૫:૩૬)

૪. પાઉલ કેમ ભાઈ-બહેનોને ફરી મળવા માંગતા હતા?

ગયા પ્રકરણમાં જોઈ ગયા કે પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસ અંત્યોખના મંડળમાં ગયા હતા. તેઓએ સુન્‍નત વિશે નિયામક જૂથનો નિર્ણય જણાવ્યો અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું હતું. એ પછી પાઉલે શું કર્યું? તેમણે બાર્નાબાસને બીજી મુસાફરીની યોજના વિશે જણાવ્યું. પાઉલે કહ્યું: “ચાલ, હવે આપણે પાછા જઈએ અને યહોવાનો સંદેશો જાહેર કર્યો હતો, એ દરેક શહેરમાં ભાઈઓને મળીને તેઓના ખબરઅંતર પૂછીએ.” (પ્રે.કા. ૧૫:૩૬) પાઉલ એ ભાઈ-બહેનોના ફક્ત હાલચાલ પૂછવા માંગતા ન હતા. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકથી ખબર પડે છે કે એ મુસાફરી માટે પાઉલ પાસે બે મહત્ત્વનાં કારણો હતાં. એક, તે નિયામક જૂથે લીધેલા નિર્ણયો મંડળોને જણાવવા માંગતા હતા. (પ્રે.કા. ૧૬:૪) બીજું કારણ, પ્રવાસી નિરીક્ષક તરીકે તે મંડળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા માંગતા હતા અને તેઓની શ્રદ્ધા મજબૂત કરવા માંગતા હતા. (રોમ. ૧:૧૧, ૧૨) આજે યહોવાના સાક્ષીઓનું સંગઠન કઈ રીતે પ્રેરિતોએ બેસાડેલા નમૂનાને અનુસરે છે?

૫. આજે નિયામક જૂથ કઈ રીતે મંડળોને માર્ગદર્શન અને ઉત્તેજન આપે છે?

ઈસુ ખ્રિસ્ત આજે યહોવાના સાક્ષીઓના નિયામક જૂથ દ્વારા બધાં મંડળોને માર્ગદર્શન આપે છે. નિયામક જૂથના અભિષિક્ત ભાઈઓ પત્રો, સભાઓ, છાપેલાં કે ડિજિટલ સાહિત્ય દ્વારા અને બીજી અનેક રીતે મંડળોને માર્ગદર્શન અને ઉત્તેજન આપે છે. વધુમાં, નિયામક જૂથ દરેક મંડળના સંપર્કમાં રહેવા માંગે છે, એટલે સરકીટ નિરીક્ષકોની ગોઠવણ કરવામાં આવી છે. આખી દુનિયામાં નિયામક જૂથે લાયકાત ધરાવતા હજારો વડીલોને સરકીટ નિરીક્ષક તરીકે નીમ્યા છે.

૬, ૭. સરકીટ નિરીક્ષકો શું કરે છે?

આજે સરકીટ નિરીક્ષકો મંડળની મુલાકાત લે છે ત્યારે ભાઈ-બહેનોને સારી રીતે ઓળખવાની કોશિશ કરે છે અને તેઓની શ્રદ્ધા મજબૂત કરે છે. સરકીટ નિરીક્ષકો એ કઈ રીતે કરે છે? તેઓ પાઉલ જેવા ભાઈઓને અનુસરે છે. પાઉલે સાથી પ્રવાસી નિરીક્ષક તિમોથીને કહ્યું હતું: ‘તું સંદેશો જાહેર કર. સમય સારો હોય કે ખરાબ, એ જાહેર કરવામાં ઢીલ ન કર. તું પૂરી ધીરજ રાખીને અને કુશળતાથી શીખવીને લોકોને સુધાર, ઠપકો આપ અને ઉત્તેજન આપ. તું ખુશખબર જણાવતો રહેજે.’—૨ તિમો. ૪:૨,.

એ શબ્દોને ધ્યાનમાં રાખીને આજે સરકીટ નિરીક્ષકો ભાઈ-બહેનો સાથે મળીને અલગ અલગ રીતે પ્રચાર કરે છે. જો સરકીટ નિરીક્ષક પરણેલા હોય તો તેમની પત્ની પણ મંડળ સાથે પ્રચારમાં જાય છે. તેઓને ખુશખબર જણાવવું બહુ ગમે છે અને તેઓ બીજાઓને સારી રીતે શીખવે છે. તેઓનો ઉત્સાહ જોઈને મંડળનાં ભાઈ-બહેનોનો પણ ઉત્સાહ વધે છે. (રોમ. ૧૨:૧૧; ૨ તિમો. ૨:૧૫) સરકીટ નિરીક્ષક અને તેમની પત્ની ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરે છે, તેઓ માટે ઘણું જતું કરે છે. તેઓ ભાઈ-બહેનો માટે પોતાનાં સમય-શક્તિ ખર્ચી નાખે છે. મંડળોની મુલાકાત લેવામાં તેઓ જરાય પાછી પાની કરતા નથી. ભલે હવામાન ખરાબ હોય કે પછી કોઈ વિસ્તાર જોખમોથી ભરેલો હોય, તોપણ તેઓ ત્યાં જાય છે. (ફિલિ. ૨:૩, ૪) સરકીટ નિરીક્ષક બાઇબલને આધારે પ્રવચનો આપીને ભાઈ-બહેનોને ઉત્તેજન આપે છે, તેઓને શીખવે છે અને સલાહ આપે છે. જો સરકીટ નિરીક્ષકોના દાખલા પર ધ્યાન આપીશું અને તેઓ જેવી શ્રદ્ધા કેળવીશું, તો એનાથી આપણું જ ભલું થશે.—હિબ્રૂ. ૧૩:૭.

“મોટી તકરાર થઈ” (પ્રે.કા. ૧૫:૩૭-૪૧)

૮. પાઉલે કહ્યું કે ‘આપણે ભાઈઓને મળવા જઈએ’ ત્યારે બાર્નાબાસને કેવું લાગ્યું?

જ્યારે પાઉલે કહ્યું કે ‘આપણે ભાઈઓને મળવા જઈએ,’ ત્યારે બાર્નાબાસ તેમની સાથે જવા તૈયાર થઈ ગયા. (પ્રે.કા. ૧૫:૩૬) પાઉલ અને બાર્નાબાસે સાથે મળીને ઘણું કામ કર્યું હતું. તેઓ એકબીજાને સારી રીતે સમજતા હતા. તેઓ એ શહેરોનાં ભાઈ-બહેનોને પણ ઓળખતા હતા. (પ્રે.કા. ૧૩:૨–૧૪:૨૮) એટલે તેઓને લાગ્યું કે મુસાફરીમાં સાથે જવું સારું રહેશે. પણ એક મુશ્કેલી ઊભી થઈ. પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૭માં જણાવ્યું છે: “બાર્નાબાસનો નિર્ણય દૃઢ હતો કે યોહાનને પણ સાથે લઈ જવો, જે માર્ક તરીકે ઓળખાતો હતો.” આ શબ્દોથી ખબર પડે છે કે માર્કને સાથે લઈ જવો કે નહિ, એ વિશે બાર્નાબાસ પાઉલને પૂછી રહ્યા ન હતા. પણ તેમણે તો ‘દૃઢ નિર્ણય કર્યો હતો’ કે તે પોતાના ભાઈ માર્કને સાથે લઈ જશે.

૯. પાઉલ કેમ બાર્નાબાસ સાથે સહમત ન હતા?

પાઉલ બાર્નાબાસ સાથે સહમત ન હતા. તે માર્કને ‘સાથે લઈ જવા માંગતા ન હતા, કેમ કે માર્ક પમ્ફૂલિયામાં તેઓને છોડીને જતા રહ્યા હતા અને તેઓ સાથે પ્રચારકામમાં જોડાયા ન હતા.’ (પ્રે.કા. ૧૫:૩૮) પાઉલ અને બાર્નાબાસે પ્રચારકાર્યની પહેલી મુસાફરી કરી ત્યારે માર્ક તેઓની સાથે હતા, પણ તે છેલ્લે સુધી સાથે ન હતા. (પ્રે.કા. ૧૨:૨૫; ૧૩:૧૩) ભાઈઓએ મુસાફરી શરૂ કરી એના થોડા સમયમાં જ, પમ્ફૂલિયામાં માર્ક તેઓને છોડીને પોતાના ઘરે યરૂશાલેમ પાછા જતા રહ્યા હતા. તેમણે કેમ એવું કર્યું એ વિશે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી. કદાચ પાઉલને લાગતું હતું કે માર્કે જે કર્યું એ બરાબર ન હતું. તેમ જ, માર્ક પર ભરોસો કરવો કે નહિ એ વિશે પણ તેમના મનમાં અમુક સવાલો ઊભા થયા હશે.

૧૦. પાઉલ અને બાર્નાબાસ વચ્ચે શું થયું અને એનું કેવું પરિણામ આવ્યું?

૧૦ પણ બાર્નાબાસ એ વાત પર અડી રહ્યા કે તે માર્કને સાથે લઈ જશે. પાઉલ પણ ટસના મસ ન થયા. પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૯માં જણાવ્યું છે: “એ વાતને લઈને બંને વચ્ચે એટલી મોટી તકરાર થઈ કે તેઓ એકબીજાથી જુદા પડી ગયા.” પછી બાર્નાબાસે માર્કને સાથે લીધા અને પોતાના વતન સૈપ્રસ જવા દરિયાઈ મુસાફરી કરી. પાઉલ પોતાની યોજના પ્રમાણે પ્રચારકાર્યની બીજી મુસાફરી માટે નીકળી પડ્યા. કલમમાં જણાવ્યું છે: ‘પાઉલે સિલાસને પસંદ કર્યા અને ભાઈઓએ પ્રાર્થના કરી કે યહોવા પાઉલને અપાર કૃપા બતાવે. પછી તેમણે વિદાય લીધી.’ (પ્રે.કા. ૧૫:૪૦) પાઉલ અને સિલાસ ‘સિરિયા અને કિલીકિયામાં થઈને ગયા અને ત્યાંનાં મંડળોને ઉત્તેજન આપ્યું.’—પ્રે.કા. ૧૫:૪૧.

૧૧. દોસ્તી તૂટી ન જાય એ માટે આપણે શું કરી શકીએ?

૧૧ આ બનાવ યાદ અપાવે છે કે આપણે બધા ભૂલભરેલા છીએ. પાઉલ અને બાર્નાબાસને નિયામક જૂથે પસંદ કર્યા હતા અને મંડળોની મુલાકાત લેવા મોકલ્યા હતા. આગળ જતાં, પાઉલ પણ કદાચ નિયામક જૂથના સભ્ય બન્યા હતા. તોપણ આ કિસ્સામાં બંને ભાઈઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો. પણ શું એના લીધે તેઓની દોસ્તી તૂટી ગઈ? શું તેઓએ આખી જિંદગી એકબીજા માટે મનમાં ખાર ભરી રાખ્યો? ખરું કે બંને ભાઈઓમાં અમુક નબળાઈઓ હતી, પણ તેઓ નમ્ર હતા અને તેઓએ ખ્રિસ્ત ઈસુ જેવું મન કેળવ્યું હતું. એટલે સમય જતાં તેઓ એકબીજાને માફ કરી શક્યા અને ફરીથી દોસ્તી પાકી કરી શક્યા. (એફે. ૪:૧-૩) પછીથી પાઉલ અને માર્કે પણ સાથે મળીને કામ કર્યું હતું. aકોલો. ૪:૧૦.

૧૨. પાઉલ અને બાર્નાબાસની જેમ આજે વડીલો અને સરકીટ નિરીક્ષકોમાં કેવા ગુણો હોવા જોઈએ?

૧૨ પાઉલ અને બાર્નાબાસ વચ્ચે મોટી તકરાર થઈ હતી. પણ એનો અર્થ એ નથી કે તેઓનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. બાર્નાબાસ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતા, હંમેશાં તેઓને મદદ કરતા હતા. એ સ્વભાવને લીધે પ્રેરિતોએ તેમને બાર્નાબાસ નામ આપ્યું હતું, જેનો અર્થ થાય “દિલાસાનો દીકરો.” આમ તો તેમનું ખરું નામ યૂસફ હતું. (પ્રે.કા. ૪:૩૬) પાઉલને પણ બીજાઓની ખૂબ ચિંતા હતી. તે તેઓ સાથે નરમાશથી વર્તતા. (૧ થેસ્સા. ૨:૭, ૮) આજે બધા વડીલોએ અને સરકીટ નિરીક્ષકોએ પાઉલ અને બાર્નાબાસના દાખલાને અનુસરવું જોઈએ. તેઓએ નમ્ર રહેવું જોઈએ. બીજા વડીલો અને મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રેમ અને નરમાશથી વર્તવું જોઈએ.—૧ પિત. ૫:૨, ૩.

“તિમોથીની શાખ સારી હતી” (પ્રે.કા. ૧૬:૧-૩)

૧૩, ૧૪. (ક) તિમોથી કોણ હતા? પાઉલ તેમને ક્યારે અને કઈ રીતે મળ્યા હતા? (ખ) શા માટે પાઉલનું ધ્યાન તિમોથી પર ગયું? (ગ) તિમોથીને કઈ જવાબદારી સોંપવામાં આવી?

૧૩ પાઉલ પ્રચારકાર્યની બીજી મુસાફરી વખતે રોમન સામ્રાજ્યના ગલાતિયા પ્રાંતમાં ગયા. ત્યાં પહેલેથી અમુક મંડળો હતાં. ‘તે દર્બે પહોંચ્યા અને પછી લુસ્ત્રા ગયા.’ કલમમાં જણાવ્યું છે કે ‘ત્યાં તિમોથી નામના એક શિષ્ય હતા. તેમની માતા શ્રદ્ધા રાખનારી યહૂદી સ્ત્રી હતી અને તેમના પિતા ગ્રીક હતા.’—પ્રે.કા. ૧૬:૧. b

૧૪ પાઉલ પ્રચારકાર્યની પહેલી મુસાફરી વખતે આશરે ૪૭ની સાલમાં લુસ્ત્રા આવ્યા હતા. એવું લાગે છે કે એ સમયે તે તિમોથીના કુટુંબને મળ્યા હતા. હવે બે ત્રણ વર્ષ પછી બીજી મુસાફરી વખતે તે ફરીથી લુસ્ત્રા આવ્યા. આ વખતે તેમનું ધ્યાન યુવાન તિમોથી પર ગયું. શા માટે? કેમ કે મંડળના “ભાઈઓમાં તિમોથીની શાખ સારી હતી.” ફક્ત તેમના મંડળમાં જ નહિ, આસપાસનાં મંડળોમાં પણ તેમનું સારું નામ હતું. જેમ કે, ઇકોનિયા મંડળમાં, જે લુસ્ત્રાથી આશરે ૩૦ કિલોમીટર દૂર હતું. (પ્રે.કા. ૧૬:૨) પછી પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે લુસ્ત્રાના વડીલોએ તિમોથીને એક ભારે જવાબદારી સોંપી. તેમણે પાઉલ અને સિલાસ સાથે એક પ્રવાસી નિરીક્ષક તરીકે કામ કરવાનું હતું.—પ્રે.કા. ૧૬:૩.

૧૫, ૧૬. ભાઈઓમાં તિમોથીની શાખ કેમ સારી હતી?

૧૫ તિમોથી કઈ રીતે આટલી નાની ઉંમરે સારું નામ બનાવી શક્યા? શું તેમનો દેખાવ સારો હતો, તે ખૂબ હોશિયાર હતા અથવા તેમનામાં સારી આવડતો હતી એટલે? મોટા ભાગે માણસોનું ધ્યાન સૌથી પહેલા એ બધી બાબતો પર જ જાય છે. એક સમયે શમુએલ પ્રબોધકે પણ એવું જ કર્યું હતું. એટલે યહોવાએ તેમને યાદ અપાવ્યું: “માણસની જેમ ઈશ્વર જોતા નથી. માણસ તો બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા દિલ જુએ છે.” (૧ શમુ. ૧૬:૭) રંગરૂપ કે આવડતને લીધે નહિ, પણ સારા ગુણોને લીધે તિમોથીની ભાઈઓમાં શાખ સારી હતી.

૧૬ વર્ષો પછી પાઉલે પણ તિમોથીના સારા ગુણોના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે તેમની પાસે તિમોથી જેવા સ્વભાવવાળું બીજું કોઈ નથી. વધુમાં, તેમણે જણાવ્યું કે તિમોથી ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરે છે અને મંડળ માટે અથાક મહેનત કરે છે. (ફિલિ. ૨:૨૦-૨૨) તિમોથી વિશે એમ પણ કહેવામાં આવતું હતું કે ‘તેમની શ્રદ્ધા ઢોંગ વગરની’ હતી.—૨ તિમો. ૧:૫.

૧૭. યુવાનો તિમોથી જેવા બનવા શું કરી શકે?

૧૭ આજે ઘણા યુવાનો તિમોથીની જેમ સારા ગુણો કેળવવા મહેનત કરે છે. એમ કરીને તેઓ નાની ઉંમરે જ યહોવા આગળ અને ભાઈ-બહેનો આગળ સારું નામ બનાવે છે. (નીતિ. ૨૨:૧; ૧ તિમો. ૪:૧૫) તેઓની શ્રદ્ધા ઢોંગ વગરની છે. તેઓ ભાઈ-બહેનો સામે સારા હોવાનો દેખાડો કરતા નથી. (ગીત. ૨૬:૪) એટલે તિમોથીની જેમ આ યુવાનો મંડળ માટે કીમતી રત્નો જેવા છે. જ્યારે યુવાનો પ્રકાશક બને છે, યહોવાને સમર્પણ કરે છે અને બાપ્તિસ્મા લે છે, ત્યારે મંડળનાં ભાઈ-બહેનોની ખુશી સમાતી નથી.

“મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં” (પ્રે.કા. ૧૬:૪, ૫)

૧૮. (ક) પ્રવાસી નિરીક્ષક તરીકે પાઉલ અને તિમોથીએ શું કર્યું? (ખ) એનાથી મંડળોને કેવા આશીર્વાદ મળ્યા?

૧૮ પાઉલ અને તિમોથીએ ઘણાં વર્ષો સાથે કામ કર્યું. પ્રવાસી નિરીક્ષક તરીકે તેઓએ અલગ અલગ મંડળોની મુલાકાત લીધી અને નિયામક જૂથે સોંપેલું કામ પૂરું કર્યું. બાઇબલમાં જણાવ્યું છે કે “તેઓ જે પણ શહેરમાં થઈને જતા, ત્યાંના ભાઈઓને યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોએ લીધેલા નિર્ણયો જણાવતા, જેથી તેઓ એ પ્રમાણે કરી શકે.” (પ્રે.કા. ૧૬:૪) મંડળોએ પણ યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોનું માર્ગદર્શન ચોક્કસ પાળ્યું હશે. એટલે જ, “મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.”—પ્રે.કા. ૧૬:૫.

૧૯, ૨૦. આપણે કેમ ‘આગેવાની લેતા’ ભાઈઓનું માર્ગદર્શન પાળવું જોઈએ?

૧૯ જ્યારે આપણે પણ ‘આગેવાની લેતા’ ભાઈઓનું માર્ગદર્શન ખુશી ખુશી પાળીએ છીએ, ત્યારે ઘણા આશીર્વાદ મળે છે. (હિબ્રૂ. ૧૩:૧૭) દુનિયાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે. એટલે “વિશ્વાસુ અને સમજુ ચાકર” પાસેથી આપણને જે કંઈ માર્ગદર્શન મળે, એના પર પૂરું ધ્યાન આપીએ અને એ તરત પાળીએ. (માથ. ૨૪:૪૫; ૧ કોરીં. ૭:૨૯-૩૧) એમ કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત રાખી શકીશું અને દુનિયાના ખરાબ માર્ગોથી દૂર રહી શકીશું.—યાકૂ. ૧:૨૭.

૨૦ એ સાચું છે કે આજે મંડળના વડીલો અને નિયામક જૂથના સભ્યોથી અમુક વાર ભૂલો થઈ જાય છે. એવું પાઉલ, બાર્નાબાસ, માર્ક અને પહેલી સદીના બીજા અભિષિક્ત વડીલોથી પણ થયું હતું. (રોમ. ૫:૧૨; યાકૂ. ૩:૨) પણ આપણે નિયામક જૂથ પર પૂરેપૂરો ભરોસો રાખી શકીએ છીએ. કેમ કે એ જૂથ ઈશ્વરના શબ્દ બાઇબલ પર પૂરો આધાર રાખે છે અને પ્રેરિતોએ જે નમૂનો બેસાડ્યો છે એને વળગી રહે છે. (૨ તિમો. ૧:૧૩, ૧૪) એ જ કારણે આજે મંડળો દિવસે ને દિવસે શ્રદ્ધામાં મક્કમ થઈ રહ્યાં છે.