સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૬

“આ પાર મકદોનિયા આવ”

“આ પાર મકદોનિયા આવ”

યહોવાએ સોંપેલું કામ સ્વીકારવાથી અને સતાવણીઓમાં પણ ખુશ રહેવાથી આશીર્વાદો મળે છે

પ્રેરિતોનાં કાર્યો ૧૬:૬-૪૦ના આધારે

૧-૩. (ક) પવિત્ર શક્તિએ પાઉલ અને તેમના સાથીઓને કઈ રીતે દોર્યા? (ખ) આપણે કયા બનાવો પર ધ્યાન આપીશું?

 મકદોનિયાના ફિલિપી શહેરની સ્ત્રીઓનું ટોળું ક્યાંક જઈ રહ્યું છે. તેઓ ચાલતાં ચાલતાં શહેરથી થોડે દૂર ગાંજીટીસ નામની એક નાની નદીના કિનારે પહોંચે છે. તેઓ નદી કિનારે બેસીને હંમેશાંની જેમ ઇઝરાયેલના ઈશ્વર યહોવાને પ્રાર્થના કરે છે. યહોવા તેઓ પર ધ્યાન આપે છે અને તેઓની પ્રાર્થના સાંભળે છે.—૨ કાળ. ૧૬:૯; ગીત. ૬૫:૨.

બીજી બાજુ, ફિલિપીથી આશરે ૮૦૦ કિલોમીટર દૂર પૂર્વમાં પાઉલ, સિલાસ અને તિમોથી ગલાતિયા પ્રાંતના લુસ્ત્રા શહેરમાં છે. તેઓ લુસ્ત્રાથી નીકળે છે અને થોડા દિવસો પછી એક રોમન રાજમાર્ગ પર પહોંચે છે. એ પાકો રસ્તો આસિયા પ્રાંતના ગીચ વસ્તીવાળા વિસ્તાર તરફ લઈ જાય છે. તેઓ એ રસ્તા પર મુસાફરી કરીને એફેસસ અને બીજાં શહેરો જવા માંગે છે, જેથી ત્યાંના હજારો લોકોને ખ્રિસ્ત વિશેની ખુશખબર જણાવી શકે. પણ તેઓ મુસાફરી શરૂ કરે એ પહેલાં તો પવિત્ર શક્તિ તેઓને અટકાવે છે. પવિત્ર શક્તિએ તેઓને કઈ રીતે અટકાવ્યા એ વિશે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી. પણ ટૂંકમાં, તેઓને આસિયા પ્રાંતમાં પ્રચાર કરતા રોકવામાં આવે છે. શા માટે? કેમ કે ઈસુ પવિત્ર શક્તિ દ્વારા પાઉલ અને તેમના સાથીઓને બીજી કોઈ જગ્યાએ દોરી જવા માંગે છે. તે ચાહે છે કે તેઓ એશિયા માઈનોર થઈને એજિયન સમુદ્ર પાર કરે અને ફિલિપી શહેરની બહાર ગાંજીટીસ નદીના કિનારે પહોંચે.

ઈસુએ પાઉલ અને તેમના સાથીઓને મકદોનિયા સુધી પહોંચવા જે રીતે મદદ કરી, એનાથી આપણને ઘણું શીખવા મળે છે. એટલે ચાલો પાઉલની પ્રચારકાર્યની બીજી મુસાફરીના અમુક બનાવો પર ધ્યાન આપીએ. એ મુસાફરી તેમણે આશરે ૪૯ની સાલમાં શરૂ કરી હતી.

“ઈશ્વરે અમને આજ્ઞા કરી છે” (પ્રે.કા. ૧૬:૬-૧૫)

૪, ૫. (ક) પાઉલ અને તેમના સાથીઓ બિથુનિયા પહોંચવાના જ હતા ત્યારે શું થયું? (ખ) પછી તેઓએ કેવો નિર્ણય લીધો? એનું કેવું પરિણામ આવ્યું?

પાઉલ અને તેમના સાથીઓને આસિયા પ્રાંતમાં પ્રચાર કરતા રોકવામાં આવ્યા ત્યારે, તેઓ ઉત્તર તરફ જવા નીકળી પડ્યા. તેઓ બિથુનિયા પ્રાંતનાં શહેરોમાં પ્રચાર કરવા માંગતા હતા. બિથુનિયા જવા તેઓએ કદાચ દિવસો સુધી કાચા રસ્તાઓ પર મુસાફરી કરી હશે. તેઓ ફ્રુગિયા અને ગલાતિયાની વચ્ચેનો વિસ્તાર પાર કરીને ગયા, જ્યાં બહુ થોડા લોકો રહેતા હતા. તેઓ બિથુનિયા પહોંચવાના જ હતા કે ઈસુએ તેઓને પવિત્ર શક્તિ દ્વારા ત્યાં જતા અટકાવ્યા. (પ્રે.કા. ૧૬:૬, ૭) હવે એ ભાઈઓ બરાબરના મૂંઝવણમાં મુકાયા હશે. કેમ કે તેઓને એ તો ખબર હતી કે શાનો પ્રચાર કરવાનો છે અને કઈ રીતે પ્રચાર કરવાનો છે, પણ એ ખબર ન હતી કે ક્યાં પ્રચાર કરવાનો છે. સૌથી પહેલા, તેઓએ આસિયા પ્રાંતમાં પ્રચાર કરવાનું વિચાર્યું, પણ તેઓને ત્યાં જતા રોકવામાં આવ્યા. પછી તેઓએ બિથુનિયા પ્રાંતમાં પ્રચાર કરવાનું વિચાર્યું અને ત્યાં જતા પણ તેઓને રોકવામાં આવ્યા. એ તો એવું હતું કે જાણે તેઓ એક પછી એક દરવાજો ખખડાવતા હતા, પણ તેઓ માટે એ ખોલવામાં આવતો ન હતો. જોકે પાઉલે હાર ન માની. તેમણે મનમાં ગાંઠ વાળી હતી કે જ્યાં સુધી દરવાજો ખોલવામાં નહિ આવે, ત્યાં સુધી તે દરવાજો ખખડાવતા રહેશે. પછી પાઉલ અને તેમના સાથીઓએ એવો નિર્ણય લીધો જે લોકોના ગળે ઊતર્યો નહિ હોય. તેઓ બિથુનિયાથી પશ્ચિમ તરફ વળ્યા અને એક પછી એક શહેર પાર કરીને ૫૫૦ કિલોમીટર ચાલ્યા. આખરે તેઓ ત્રોઆસ બંદર પહોંચ્યા. અહીંથી તેઓ મકદોનિયા જઈ શકતા હતા. (પ્રે.કા. ૧૬:૮) હવે પાઉલે ત્રીજી વાર દરવાજો ખખડાવ્યો અને આ વખતે તકનું દ્વાર ખોલવામાં આવ્યું.

ત્રોઆસમાં પાઉલ, સિલાસ અને તિમોથી સાથે લૂક જોડાયા. લૂકે જણાવ્યું કે આગળ શું બન્યું: “રાતે પાઉલને એક દર્શન થયું. એમાં તેણે મકદોનિયાનો એક માણસ ઊભેલો જોયો. તે વિનંતી કરતો હતો: ‘આ પાર મકદોનિયા આવ અને અમને મદદ કર.’ તેણે દર્શન જોયું પછી, અમે તરત મકદોનિયા જવા તૈયાર થયા. કેમ કે અમે સમજી ગયા કે તેઓને ખુશખબર જણાવવાની ઈશ્વરે અમને આજ્ઞા કરી છે.” a (પ્રે.કા. ૧૬:૯, ૧૦) આખરે પાઉલને ખબર પડી કે ક્યાં પ્રચાર કરવાનો છે. પાઉલને કેટલી ખુશી થઈ હશે કે તેમણે અધવચ્ચે મુસાફરી પડતી ન મૂકી! પછી એ ચારેય ભાઈઓ ત્રોઆસથી મકદોનિયા જવા વહાણમાં ચઢી ગયા.

‘અમે ત્રોઆસથી દરિયાઈ સફર કરી.’—પ્રેરિતોનાં કાર્યો ૧૬:૧૧

૬, ૭. (ક) પાઉલની મુસાફરીમાં જે બન્યું એમાંથી આપણને શું શીખવા મળે છે? (ખ) આપણી સામે પણ નડતરો આવે તો પાઉલની જેમ શું કરી શકીએ?

આ બનાવથી આપણને શું શીખવા મળે છે? ધ્યાન આપો, પાઉલ આસિયા પ્રાંત જવા નીકળ્યા એ પછી જ પવિત્ર શક્તિએ તેમને દોર્યા. પાઉલ બિથુનિયા નજીક પહોંચ્યા એ પછી જ ઈસુએ તેમને માર્ગદર્શન આપ્યું. આખરે પાઉલ ત્રોઆસ પહોંચ્યા એ પછી જ ઈસુએ તેમને દોર્યા. મંડળના શિર તરીકે ઈસુ આપણને પણ કદાચ એ રીતે માર્ગદર્શન આપે. (કોલો. ૧:૧૮) ધારો કે, આપણે અમુક સમયથી પાયોનિયરીંગ કરવાનું અથવા જ્યાં વધારે જરૂર હોય એવી જગ્યાએ જઈને પ્રચાર કરવાનું વિચારતા હોઈએ. પણ ફક્ત વિચાર કરવાને બદલે આપણે પગલાં ભરવાની જરૂર છે. કદાચ એ પછી જ ઈસુ આપણને પવિત્ર શક્તિ દ્વારા માર્ગદર્શન આપે. આપણે એવું કેમ કહી શકીએ? એને સમજવા એક દાખલો લઈએ. જો ગાડી ચાલતી હશે તો જ એક વ્યક્તિ એને ડાબે કે જમણે વાળી શકશે. પણ જો ગાડી એક જગ્યાએ ઊભી હશે, તો એને ડાબે કે જમણે વાળી નહિ શકાય. એવી જ રીતે, જો આપણે પગલાં ભરીશું તો જ ઈસુ આપણને ઈશ્વરની સેવામાં વધારે કરવા માર્ગદર્શન આપશે.

પણ જો આપણી મહેનત રંગ ન લાવે તો શું? શું એવું વિચારીને મહેનત કરવાનું છોડી દઈશું કે ઈશ્વર આપણને પવિત્ર શક્તિ દ્વારા માર્ગદર્શન નથી આપી રહ્યા? ના, એવું કદી ન કરીએ. યાદ કરો કે પાઉલે પણ અનેક નડતરોનો સામનો કર્યો હતો. પણ તે હિંમત ન હાર્યા અને જ્યાં સુધી દરવાજો ખોલવામાં ન આવ્યો, ત્યાં સુધી તે ખખડાવતા રહ્યા. આપણે પણ હિંમત હાર્યા વગર મહેનત કરતા રહીશું તો યહોવા જરૂર ‘એક મોટું દ્વાર ખોલશે.’—૧ કોરીં. ૧૬:૯.

૮. (ક) ફિલિપી શહેર વિશે જણાવો. (ખ) પાઉલે ‘પ્રાર્થના કરવાની જગ્યાએ’ પ્રચાર કર્યો ત્યારે કેવું પરિણામ આવ્યું?

મકદોનિયા પહોંચ્યા પછી પાઉલ અને તેમના સાથીઓ ફિલિપી શહેર ગયા. ત્યાંના લોકોને રોમન નાગરિક હોવાનું ઘણું ઘમંડ હતું. ફિલિપી શહેર રોમ જેવું જ હતું અને ત્યાં નિવૃત્ત રોમન સૈનિકો રહેતા હતા. પાઉલ અને તેમના સાથીઓને લાગ્યું કે શહેરના દરવાજાની બહાર નદી કિનારે “પ્રાર્થના કરવાની જગ્યા હશે.” b એટલે તેઓ સાબ્બાથના દિવસે ત્યાં ગયા. તેઓએ જોયું કે ઘણી સ્ત્રીઓ ત્યાં ઈશ્વરની ભક્તિ કરવા ભેગી મળી હતી. ભાઈઓએ ત્યાં જ બેસીને તેઓને પ્રચાર કર્યો. એ સ્ત્રીઓમાં લૂદિયા નામની એક સ્ત્રી હતી. તે ધ્યાનથી ‘સાંભળી રહી હતી અને યહોવાએ તેનું દિલ પૂરેપૂરું ખોલ્યું.’ એ વાતોની લૂદિયા પર બહુ ઊંડી અસર થઈ. એટલે તેણે અને તેના ઘરના સભ્યોએ બાપ્તિસ્મા લીધું. તે ઘણો આગ્રહ કરીને ભાઈઓને પોતાના ઘરે લઈ ગઈ અને તેઓને રોકાવાનું કહ્યું. cપ્રે.કા. ૧૬:૧૩-૧૫.

૯. આજે ઘણાં ભાઈ-બહેનો પાઉલની જેમ શું કરે છે? તેઓને કેવા આશીર્વાદો મળ્યા છે?

લૂદિયાના બાપ્તિસ્માથી પાઉલ અને તેમના સાથીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હશે. પાઉલને થયું હશે કે ‘આ પાર મકદોનિયા આવવાની’ સોંપણી સ્વીકારીને તેમણે યોગ્ય નિર્ણય લીધો. તેમને એ વાતથી પણ ખુશી થઈ હશે કે લૂદિયા જેવી નમ્ર સ્ત્રીઓની પ્રાર્થનાનો જવાબ આપવા, યહોવાએ તેમનો અને તેમના સાથીઓનો ઉપયોગ કર્યો. આજે પણ ઘણાં યુવાનો, વૃદ્ધો, કુંવારાં અને પરણેલાં ભાઈ-બહેનો વધારે જરૂર હોય એવા વિસ્તારોમાં જઈને પ્રચાર કરે છે. તેઓ સામે ઘણી મુશ્કેલીઓ આવે છે. પણ તેઓને પ્રચારમાં લૂદિયા જેવા લોકો મળે છે ત્યારે, તેઓ બધી મુશ્કેલીઓ ભૂલી જાય છે અને તેઓનું દિલ ખુશીથી ઊભરાઈ જાય છે. શું તમે પણ વધારે જરૂર હોય એવી જગ્યાએ જઈને પ્રચાર કરવા અમુક ફેરફાર કરી શકો? આશીર્વાદો તમારી રાહ જુએ છે! ચાલો એરનભાઈના દાખલા પર ધ્યાન આપીએ. તે યુવાન હતા ત્યારે મધ્ય અમેરિકાના એક દેશમાં સેવા આપવા ગયા. તેમણે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું: “અહીંયા સેવા આપવાથી યહોવા સાથેનો મારો સંબંધ વધારે મજબૂત થયો છે. હું તેમની વધારે નજીક ગયો છું. મને પ્રચારમાં પણ બહુ મજા આવે છે અને હું આઠ બાઇબલ અભ્યાસ ચલાવું છું!” એરનભાઈની જેમ બીજાં ઘણાં ભાઈ-બહેનોને એવા જ અનુભવો થયા છે.

“આ પાર મકદોનિયા આવ અને અમને મદદ કર.” આજે આપણે કઈ રીતે એવું કરી શકીએ?

‘લોકોનાં ટોળાં તેઓની વિરુદ્ધ ભેગાં થયાં’ (પ્રે.કા. ૧૬:૧૬-૨૪)

૧૦. શેતાન અને તેના દુષ્ટ દૂતોએ કઈ રીતે પાઉલ અને તેમના સાથીઓ માટે મુશ્કેલી ઊભી કરી?

૧૦ ખુશખબરને લીધે શેતાન ગુસ્સાથી લાલપીળો થઈ ગયો હશે. કેમ કે એ વિસ્તારમાં શેતાન અને તેના દુષ્ટ દૂતોની મજબૂત પકડ હતી અને હવે લોકો ત્યાં ખુશખબર સ્વીકારી રહ્યા હતા. એટલે આપણને એ જાણીને નવાઈ નથી લાગતી કે શેતાન અને તેના દુષ્ટ દૂતોએ પાઉલ અને તેમના સાથીઓ માટે મુશ્કેલી ઊભી કરી. એક દિવસે પાઉલ અને તેમના સાથીઓ પ્રાર્થના કરવાની જગ્યાએ જતા હતા. એ સમયે એક દાસી તેઓની પાછળ પાછળ આવવા લાગી. તે દુષ્ટ દૂતના કાબૂમાં હતી એટલે ભવિષ્ય ભાખી શકતી હતી. એના લીધે તેના માલિકોને ઘણી કમાણી થતી હતી. તે બૂમો પાડીને કહેતી હતી: “આ માણસો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે અને તમને ઉદ્ધારના માર્ગ વિશે જણાવે છે.” જે દુષ્ટ દૂતે દાસીને કાબૂમાં કરી હતી, કદાચ તે જ આ શબ્દો તેની પાસે બોલાવી રહ્યો હતો, જેથી લોકોને લાગે કે દાસી પણ ઈશ્વર તરફથી બોલી રહી છે. જો એવું ચાલતું રહ્યું હોત તો લોકોનું ધ્યાન ઈસુના સાચા શિષ્યો અને ખુશખબરથી ભટકી ગયું હોત. એટલે પાઉલે એ દાસીમાંથી દુષ્ટ દૂત કાઢી નાખ્યો અને તે ચૂપ થઈ ગઈ.—પ્રે.કા. ૧૬:૧૬-૧૮.

૧૧. દાસીમાંથી દુષ્ટ દૂત કાઢ્યા પછી પાઉલ અને સિલાસ સાથે શું થયું?

૧૧ જ્યારે દાસીના માલિકોએ જોયું કે તેઓનો ધંધો ચોપટ થઈ ગયો છે, ત્યારે તેઓનો પારો આસમાને ચઢી ગયો. તેઓ પાઉલ અને સિલાસને શહેરના ઉચ્ચ અધિકારીઓ પાસે બજારમાં ઘસડીને લઈ ગયા. એ જગ્યાએ અધિકારીઓ રોમન સરકાર તરફથી ન્યાય કરવા ભેગા મળતા હતા અને લોકોના ઝઘડાનો નિવેડો લાવતા હતા. એ અધિકારીઓને રોમન નાગરિક હોવાનું બહુ ઘમંડ હતું અને તેઓ યહૂદીઓને નફરત કરતા હતા. એ વાત દાસીના માલિકો સારી રીતે જાણતા હતા. એટલે તેઓએ કહ્યું: ‘આ માણસોએ આપણા શહેરમાં ઘણી ધાંધલ મચાવી છે. તેઓ યહૂદીઓ છે અને એવા રીતરિવાજો શીખવે છે, જે માનવાની કે પાળવાની આપણને છૂટ નથી, કેમ કે આપણે રોમનો છીએ.’ પછી તો બજારમાં “લોકોનાં ટોળાં એક થઈને તેઓની [પાઉલ અને સિલાસની] વિરુદ્ધ ભેગાં થયાં.” શહેરના ઉચ્ચ અધિકારીઓએ “તેઓને સોટીથી ફટકારવાની આજ્ઞા કરી.” પછી તેઓને કેદખાનામાં નંખાવી દીધા. કેદખાનાના ઉપરીએ તેઓને અંદરની કોટડીમાં પૂરી દીધા અને તેઓના પગ હેડમાં જકડી દીધા. (પ્રે.કા. ૧૬:૧૯-૨૪) એ કોટડીનો દરવાજો બંધ થયો કે તરત અંધકાર છવાઈ ગયો, એટલે સુધી કે પાઉલ અને સિલાસ એકબીજાને બરાબર જોઈ શકતા ન હતા. જોકે, યહોવા તેઓને જોઈ શકતા હતા અને તેઓનું દર્દ સમજી શકતા હતા.—ગીત. ૧૩૯:૧૨.

૧૨. (ક) ઈસુના શિષ્યોને સતાવણી વિશે કેવું લાગતું હતું અને કેમ? (ખ) શેતાન લોકો દ્વારા કઈ અલગ અલગ રીતે આપણી સતાવણી કરે છે?

૧૨ અમુક વર્ષો પહેલાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: ‘તેઓ તમારી સતાવણી કરશે.’ (યોહા. ૧૫:૨૦) એટલે પાઉલ અને તેમના સાથીઓ મકદોનિયા ગયા ત્યારે તેઓ સતાવણી સહેવા તૈયાર હતા. તેઓ પર જુલમ થયો ત્યારે તેઓએ એવું ન વિચાર્યું કે યહોવા તેઓથી નારાજ છે. પણ તેઓ સમજી ગયા કે શેતાન પોતાનો ગુસ્સો તેઓ પર ઠાલવી રહ્યો છે. શેતાને ફિલિપીમાં જે રીતો વાપરી, આજે પણ તે એવી જ રીતો વાપરે છે અને લોકો દ્વારા આપણી સતાવણી કરે છે. જેમ કે, સ્કૂલમાં કે કામ કરવાની જગ્યાએ લોકો આપણા વિશે જૂઠી અફવાઓ ફેલાવે છે અને બીજાઓને આપણી વિરુદ્ધ ભડકાવે છે. અમુક દેશોમાં વિરોધીઓ આપણને અદાલતમાં ઘસડી જાય છે. તેઓ આપણા પર આરોપ મૂકે છે કે ‘યહોવાના સાક્ષીઓ જૂઠું શીખવે છે અને લોકોને સદીઓથી ચાલતી પરંપરાઓ છોડવાનું કહે છે.’ અમુક દેશોમાં આપણાં ભાઈ-બહેનોને માર મારવામાં આવે છે અને તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે. પણ યહોવા એ બધું જોઈ રહ્યા છે.—૧ પિત. ૩:૧૨.

‘મોડું કર્યા વગર બાપ્તિસ્મા લીધું’ (પ્રે.કા. ૧૬:૨૫-૩૪)

૧૩. એવું તો શું બન્યું કે ઉપરીએ કહ્યું: “ઉદ્ધાર મેળવવા મારે શું કરવું જોઈએ?”

૧૩ પાઉલ અને સિલાસ સાથે થોડા કલાકો પહેલાં જે બન્યું હતું, એના આઘાતમાંથી બહાર આવતા તેઓને થોડો સમય લાગ્યો હશે. પણ અહેવાલમાં જણાવ્યું છે કે લગભગ અડધી રાતે તેઓ “પ્રાર્થના કરતા હતા અને ઈશ્વરની સ્તુતિ કરવા ગીત ગાતા હતા.” પછી અચાનક એવો મોટો ધરતીકંપ થયો કે કેદખાનાના પાયા હલી ગયા! કેદખાનાનો ઉપરી જાગી ગયો. તેણે જોયું કે બધાં બારણાં ખુલ્લાં છે ત્યારે, તેના હોશ ઊડી ગયા. તેને લાગ્યું કે કેદીઓ ભાગી ગયા છે. તેને ખબર હતી કે જો એવું થયું હશે, તો તેને ચોક્કસ સજા થશે. એટલે તે “તલવાર કાઢીને આપઘાત કરવા જતો હતો.” પણ પાઉલે મોટેથી બૂમ પાડી: “ના, ના, એવું ના કરીશ. અમે બધા અહીંયા જ છીએ!” એ ઉપરી ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ અને સિલાસ પાસે આવ્યો. તેણે પૂછ્યું: “સાહેબ, ઉદ્ધાર મેળવવા મારે શું કરવું જોઈએ?” પાઉલ અને સિલાસ જાણતા હતા કે તેનો ઉદ્ધાર ફક્ત ઈસુ કરી શકે છે, તેઓ નહિ. એટલે તેઓએ કહ્યું: “માલિક ઈસુમાં શ્રદ્ધા મૂક અને તું તથા તારા ઘરના સભ્યો ઉદ્ધાર મેળવશો.”—પ્રે.કા. ૧૬:૨૫-૩૧.

૧૪. (ક) પાઉલ અને સિલાસે કઈ રીતે કેદખાનાના ઉપરીને મદદ કરી? (ખ) તેઓએ ખુશી ખુશી સતાવણી સહન કરી, એનો તેઓને કેવો આશીર્વાદ મળ્યો?

૧૪ શું કેદખાનાનો ઉપરી ખરેખર જાણવા માંગતો હતો કે ઉદ્ધાર મેળવવા તેણે શું કરવું જોઈએ? પાઉલને તેના ઇરાદા પર જરાય શંકા ન હતી. એ ઉપરી યહૂદી ન હતો અને શાસ્ત્રથી એકદમ અજાણ હતો. ખ્રિસ્તી બનવા તેણે શાસ્ત્રનું મૂળ શિક્ષણ લેવાની અને એના પર શ્રદ્ધા મૂકવાની જરૂર હતી. એટલે પાઉલ અને સિલાસે તેને “યહોવાનો સંદેશો” જણાવ્યો. તેઓ શીખવવામાં એટલા મશગૂલ થઈ ગયા કે પોતાનું દુઃખ-દર્દ ભૂલી ગયા. પણ એ ઉપરીએ જોયું કે તેઓની પીઠ પર ઊંડા ઘા છે. એટલે તેણે તેઓની પાટાપિંડી કરી. પછી તેણે અને તેના ઘરના બધા સભ્યોએ ‘મોડું કર્યા વગર બાપ્તિસ્મા લીધું.’ પાઉલ અને સિલાસે ખુશી ખુશી સતાવણી સહન કરી, એનો તેઓને મોટો આશીર્વાદ મળ્યો!—પ્રે.કા. ૧૬:૩૨-૩૪.

૧૫. (ક) આજે ઘણા યહોવાના સાક્ષીઓ પાઉલ અને સિલાસની જેમ શું કરે છે? (ખ) આપણે કેમ આપણા વિસ્તારના લોકોને વારંવાર મળવું જોઈએ?

૧૫ આજે પણ ઘણા યહોવાના સાક્ષીઓને પોતાની શ્રદ્ધાને લીધે જેલ થાય છે. તેઓ પાઉલ અને સિલાસની જેમ જેલમાં પણ ખુશખબર જણાવે છે અને એનાં તેઓને સારાં પરિણામ મળે છે. દાખલા તરીકે, એક દેશમાં આપણા પ્રચારકામ પર પ્રતિબંધ હતો. એક સમયે એ દેશના ૪૦ ટકા યહોવાના સાક્ષીઓ એવા હતા, જેઓને જેલમાં યહોવા વિશે શીખવા મળ્યું હતું. (યશા. ૫૪:૧૭) ધ્યાન આપો કે મોટા ધરતીકંપ પછી જ કેદખાનાના ઉપરીને સંદેશામાં રસ પડ્યો. આજે પણ અમુક લોકો ઈશ્વરના રાજ્યનો સંદેશો સાંભળવા નથી માંગતા. પણ જ્યારે તેઓનાં જીવનમાં એવું કંઈક બને છે, જે તેઓને હચમચાવી દે છે, ત્યારે તેઓને આપણા સંદેશામાં રસ જાગે છે. એટલે આપણે લોકોને વારંવાર મળીએ છીએ, જેથી તેઓ સંદેશો સાંભળવા તૈયાર હોય ત્યારે તેઓને મદદ કરી શકીએ.

“હવે શું તેઓ અમને છૂપી રીતે મોકલી દેવા માંગે છે?” (પ્રે.કા. ૧૬:૩૫-૪૦)

૧૬. પાઉલ અને સિલાસને ફટકા મારવામાં આવ્યા, એના પછીના દિવસે શું બન્યું?

૧૬ પાઉલ અને સિલાસને ફટકા મારવામાં આવ્યા, એ પછીની સવારે શહેરના ઉચ્ચ અધિકારીઓએ હુકમ આપ્યો કે બંનેને છોડી દેવામાં આવે. પણ પાઉલે કહ્યું: “અમે રોમનો છીએ, છતાં કોઈ મુકદ્દમો ચલાવ્યા વગર તેઓએ અમને જાહેરમાં ફટકા માર્યા અને કેદખાનામાં નાખ્યા. હવે શું તેઓ અમને છૂપી રીતે મોકલી દેવા માંગે છે? ના, અમે નહિ જઈએ! તેઓ પોતે અહીં આવે અને અમને બહાર લઈ જાય.” જ્યારે શહેરના ઉચ્ચ અધિકારીઓને ખબર પડી કે પાઉલ અને સિલાસ રોમન નાગરિક છે, ત્યારે તેઓ “ગભરાઈ ગયા.” d હવે બાજી પલટાઈ ગઈ હતી. જે અધિકારીઓએ જાહેરમાં પાઉલ અને સિલાસને ફટકા મરાવ્યા હતા, હવે તેઓએ જ જાહેરમાં માફી માંગવાની હતી. એ અધિકારીઓએ પાઉલ અને સિલાસને ઘણી વિનંતીઓ કરી અને કહ્યું કે તેઓ ફિલિપી શહેર છોડીને જતા રહે. બંને ભાઈઓએ તેઓની વાત માની. પણ સૌથી પહેલા, તેઓ ફિલિપીના નવા શિષ્યોને મળ્યા અને તેઓને ઉત્તેજન આપ્યું. પછી ત્યાંથી વિદાય લીધી.

૧૭. પાઉલ અને સિલાસના દાખલાથી નવા શિષ્યોને શું શીખવા મળ્યું?

૧૭ પાઉલ અને સિલાસે ચાહ્યું હોત તો શરૂઆતમાં જ કહી શક્યા હોત કે તેઓ રોમન નાગરિક છે. આમ, તેઓ સજાથી બચી શક્યા હોત. (પ્રે.કા. ૨૨:૨૫, ૨૬) પણ એવું કરવાથી ફિલિપીના શિષ્યોને લાગ્યું હોત કે એ ભાઈઓને ખુશખબર માટે દુઃખ સહેવું નથી. વધુમાં, એ શિષ્યો વિશે શું જેઓ રોમન નાગરિક ન હતા? કદાચ તેઓનો વફાદાર રહેવાનો નિર્ણય નબળો પડી ગયો હોત, કેમ કે તેઓ સજાથી બચી શકવાના ન હતા. એટલે પાઉલ અને સિલાસે ચૂપચાપ જુલમ સહન કર્યો. તેઓએ પોતાના દાખલાથી નવા શિષ્યોને શીખવ્યું કે ઈસુના શિષ્યો સતાવણીમાં પણ અડગ રહી શકે છે. પણ પાઉલ અને સિલાસે અધિકારીઓને પછીથી જણાવ્યું કે તેઓ રોમન નાગરિક છે. એટલે શહેરના ઉચ્ચ અધિકારીઓએ જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારવી પડી. હવે બીજી કોઈ વાર ખ્રિસ્તીઓની સતાવણી કરતા પહેલાં તેઓ બે વખત વિચારશે. આ રીતે, ત્યાંના શિષ્યોને અમુક હદે રક્ષણ મળશે.

૧૮. (ક) પાઉલની જેમ આજે વડીલો શું કરે છે? (ખ) “ખુશખબરનું રક્ષણ કરવા અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવા” આજે આપણે શું કરીએ છીએ?

૧૮ આજે વડીલો પાઉલની જેમ બીજાઓ માટે સારો દાખલો બેસાડે છે. તેઓ ભાઈ-બહેનોને કંઈક કરવાનું કહે, એ પહેલાં પોતે એવું કરે છે. આપણે પણ પાઉલની જેમ સમજી-વિચારીને નિર્ણય લઈએ છીએ કે કાયદેસર મળેલા હકનો ક્યારે અને કઈ રીતે ઉપયોગ કરીશું. આપણે છૂટથી ભક્તિ કરી શકીએ એ માટે જરૂર પડ્યે દેશની નાની-મોટી અદાલતો, અરે આંતરરાષ્ટ્રીય અદાલતોમાં પણ મુકદ્દમો લડીએ છીએ. આપણો હેતુ સરકારની નીતિઓ બદલવાનો નથી. પણ જેમ પાઉલે લખ્યું, આપણે “ખુશખબરનું રક્ષણ કરવા અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવા” મુકદ્દમો લડીએ છીએ. તેમણે એ વાત ફિલિપીમાં બનેલા બનાવના આશરે ૧૦ વર્ષ પછી લખી હતી. (ફિલિ. ૧:૭) આજે ભલે આપણે મુકદ્દમો જીતીએ કે હારીએ, આપણે પાઉલ અને તેમના સાથીઓની જેમ મક્કમ નિર્ણય લીધો છે કે ઈશ્વરની પવિત્ર શક્તિ આપણને ‘ખુશખબર જણાવવા’ જ્યાં પણ દોરી જાય, આપણે ત્યાં જઈશું.—પ્રે.કા. ૧૬:૧૦.

b ફિલિપી શહેરમાં સભાસ્થાન ન હતું. એનું એક કારણ એ હોય શકે કે નિવૃત્ત રોમન સૈનિકોને લીધે કદાચ યહૂદીઓને સભાસ્થાન બનાવવાની પરવાનગી ન હતી. બીજું, કદાચ શહેરમાં યહૂદી પુરુષોની સંખ્યા દસ કરતાં ઓછી હતી અને એક સભાસ્થાન ઊભું કરવા ઓછામાં ઓછા દસ યહૂદી પુરુષોનું હોવું જરૂરી હતું.

d રોમન કાયદા પ્રમાણે જો એક રોમન નાગરિક પર કંઈ ખોટું કરવાનો આરોપ હોય, તો સૌથી પહેલા તેનો મુકદ્દમો ચાલતો. આરોપ સાબિત થાય તો જ તેને સજા થતી. કોઈ પણ રોમન નાગરિકને સુનાવણી વગર જાહેરમાં સજા આપી શકાતી ન હતી.