સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૧

ઈશ્વર સુંદર ધરતી આપે છે

ઈશ્વર સુંદર ધરતી આપે છે

ઈશ્વર વિશ્વ બનાવે છે. પૃથ્વી પર પહેલો પુરુષ અને સ્ત્રી બનાવે છે. તેઓને રહેવા સુંદર બાગ આપે છે. અમુક આજ્ઞાઓ પણ આપે છે

બાઇબલમાં શરૂઆતના શબ્દો જણાવે છે, ‘ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા.’ (ઉત્પત્તિ ૧:૧) આ થોડા શબ્દો ઘણું કહી જાય છે. એ આપણને સરજનહાર યહોવા વિષે જણાવે છે. આખું બાઇબલ તેમના વિષે ઘણું શીખવે છે. બાઇબલ શરૂઆતમાં એ પણ જણાવે છે કે ઈશ્વર યહોવાએ આખું વિશ્વ બનાવ્યું. પછી ધરતી પર જાતજાતના પશુ-પંખીઓ, ઝાડ-પાન, ફળ-ફૂલ વગેરેનું સરજન કર્યું. બાઇબલ કહે છે કે ઈશ્વરે અમુક દિવસોમાં સુંદર પૃથ્વી બનાવી હતી. પણ એ દરેક દિવસ ચોવીસ કલાકનો નહિ, પણ હજારો વર્ષ લાંબો હતો.

ઈશ્વરે માટીમાંથી સૌથી પહેલો માણસ બનાવ્યો. તેનું નામ આદમ પાડ્યું. ઈશ્વરે પૃથ્વી પર જે કંઈ બનાવ્યું એમાં માણસ સૌથી ચઢિયાતો હતો. કઈ રીતે? પ્રેમ અને ડહાપણ જેવા ઈશ્વરીય ગુણો બતાવી શકે એ રીતે આદમને બનાવ્યો હતો. એટલે બાઇબલ કહે છે કે ઈશ્વરે તેને ‘પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો.’ પછી પૃથ્વી પર એદન નામનો સુંદર બાગ આદમને ઘર તરીકે આપ્યો. એમાં ઈશ્વરે અનેક જાતના સુંદર ફળ-ફૂલો ઉગાડ્યા હતા.

ઈશ્વર જાણતા હતા કે આદમને જીવનસાથીની જરૂર છે. એટલે આદમને ભરઊંઘમાં નાખ્યો, તેની એક પાંસળી લઈને એમાંથી સ્ત્રી બનાવી. તેને પત્ની તરીકે આદમને આપી. એને જોતા જ આદમ બોલી ઊઠ્યો, ‘આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે.’ આદમે તેનું નામ હવા પાડ્યું. પછી ઈશ્વરે કહ્યું: માણસ માબાપથી અલગ થઈને પત્ની સાથે પોતાનું કુટુંબ વસાવશે. તેઓ એકબીજાને વળગી રહેશે.—ઉત્પત્તિ ૨:૨૨-૨૪; ૩:૨૦.

ઈશ્વરે આદમ અને હવાને બે આજ્ઞાઓ આપી. એક, ‘આખી ધરતીને એદન જેવી સુંદર બનાવો. પરિવારથી ધરતી ભરી દો.’ બીજી આજ્ઞા આ હતી, ‘હજારો વૃક્ષોમાં ફક્ત ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાશો નહિ.’ તેઓ એ આજ્ઞા તોડે તો મરણની સજા હતી. (ઉત્પત્તિ ૨:૧૭) યહોવાએ શા માટે આવી આજ્ઞા આપી? તેમને જોવું હતું કે આદમ ને હવા તેમના કહેવા પ્રમાણે જીવવા રાજી છે કે નહિ. તેઓને ઈશ્વર માટે કેટલો પ્રેમ છે. આદમ અને હવા માટે આ આજ્ઞા પાળવી કંઈ મોટી વાત ન હતી. તેઓ ઈશ્વરની જેમ સારા નિર્ણય લઈ શકતા હતા. તન-મનથી પવિત્ર હતા. બાઇબલ કહે છે, ‘ઈશ્વરે જે સર્વ બનાવ્યું એ સૌથી ઉત્તમ’ હતું.—ઉત્પત્તિ ૧:૩૧.

આ માહિતી ઉત્પત્તિ ૧-૨ અધ્યાયમાંથી છે.