સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઓગણીસ

ઈશ્વરના પ્રેમની છાયામાં રહો

ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • યહોવાને દિલથી ચાહવાનો અર્થ શું થાય?

  • આપણે કઈ રીતે ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકીએ?

  • યહોવાની છાયામાં રહેવાથી આપણને કેવા આશીર્વાદો મળશે?

શું તમે દુનિયાના તોફાનોમાં યહોવાનો આશરો લેશો?

૧, ૨. આજે આપણને કોની છાયામાં આશરો મળી શકે?

કલ્પના કરો કે તમે બજારમાં ગયા છો. અચાનક આકાશમાં કાળાં કાળાં વાદળાં ઘેરાવા લાગે છે. વીજળીના ચમકારા થાય, ગર્જના થાય. પછી ભારે તોફાન સાથે વરસાદ તૂટી પડે. તમે આમ-તેમ આશરો શોધો છો. ઘણા લોકો એક દુકાનના છાપરા નીચે ઊભા છે. તરત તમે ત્યાં દોડી જાવ છો. હાશ! હવે તમે સલામત છો, ભીંજાશો નહિ. હવે તમારા જીવમાં જીવ આવ્યો!

આજે દુનિયામાં જાણે તોફાની મોસમ છે. દુનિયાની હાલત દિવસે દિવસે બગડતી જ જાય છે. પણ આ ખતરનાક તોફાનમાંથી તમે બચી શકો છો. એક આશરો છે જ્યાં તમે એકદમ સલામત રહેશો. તમને થશે ક્યાં? બાઇબલ જણાવે છે: “હું યહોવા વિશે કહીશ, ‘તે મારો આશ્રય તથા કિલ્લો છે; એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.’”—ગીતશાસ્ત્ર ૯૧:૨.

૩. યહોવાની છાયામાં આશરો લેવા આપણે શું કરવું જોઈએ?

જરા વિચારો. તમે યહોવા પરમેશ્વર, વિશ્વના માલિકની છાયામાં આશરો મેળવી શકો છો! તેમની શક્તિનો કોઈ પાર નથી. એવી કોઈ મુસીબત નથી, જેમાં યહોવા મદદ ન કરી શકે. ભલે આપણે બીમાર હોઈએ, તે આપણને સાજા કરશે. અરે, મરણ પામીએ તોપણ જીવતા કરશે! તો પછી, યહોવાની છાયામાં આશરો લેવા આપણે શું કરવું જોઈએ? આપણે તેમના પર પૂરી શ્રદ્ધા મૂકીએ. બાઇબલ કહે છે, ‘ઈશ્વરના પ્રેમની છાયામાં રહો.’ (યહૂદા ૨૧, સંપૂર્ણ) આપણે યહોવા સાથે પ્રેમનો એવો નાતો બાંધીએ, જે કદીયે તૂટે નહિ. પણ આપણે ઈશ્વર સાથે કઈ રીતે એવો નાતો બાંધી શકીએ?

યહોવાનો ઉપકાર કદી ન ભૂલીએ

૪, ૫. તમે કઈ કઈ રીતે યહોવાનો પ્રેમ જોઈ શકો છો?

યહોવાની છાયામાં આવવા માટે પહેલા તો એ વિચારો કે તેમણે આપણા પર કઈ કઈ રીતે પ્રેમ વરસાવ્યો છે. આ પુસ્તકમાંથી આપણે શીખ્યા કે યહોવાએ આપણા માટે સુંદર પૃથ્વી બનાવી. એને રંગબેરંગી ઝાડ-પાન, ફૂલ-ફળથી સજાવી. જાત-જાતનાં પશુ-પંખીઓનું સર્જન કર્યું. જીભને ચટાકો લાગે એવો પુષ્કળ ખોરાક આપ્યો. પાણી આપ્યું. બીજી અનેક કુદરતી ભેટો યહોવાએ આપણને આપી છે. બાઇબલ આપ્યું, જેથી આપણે ઈશ્વરને ઓળખી શકીએ, તેમની ભક્તિ કરી શકીએ. બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વરનું નામ શું છે; તે કેવા છે; શા માટે તેમણે ઈસુને ધરતી પર મોકલ્યા; ઈસુએ કેમ દુઃખો સહેવા પડ્યા; કેમ મરવું પડ્યું. (યોહાન ૩:૧૬) આપણા માટે યહોવાએ મોટી કિંમત ચૂકવી. એનાથી જ આપણને સદા સુખચેનમાં જીવવાનો મોકો મળ્યો છે.

આપણા માટે ઈશ્વરે બીજી એક ગોઠવણ પણ કરી છે. એ છે તેમની સરકાર. એ સરકાર સ્વર્ગમાં છે. ઈસુના એક હુકમથી એ સરકાર ધરતી પરથી બધું જ દુઃખ દૂર કરશે. ધરતીને સ્વર્ગ જેવી બનાવી દેશે. જરા એની કલ્પના તો કરો. એવી સુંદર પૃથ્વી જેના પર તમે હંમેશ માટે, હા હંમેશ માટે સુખચેનમાં જીવી શકશો! (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) યહોવા આપણને હમણાં પણ સુખી થવા માટે માર્ગદર્શન આપે છે. પ્રાર્થનામાં આપણે ગમે ત્યારે તેમની સાથે વાત કરી શકીએ છીએ. આ તો અમુક જ રીતો છે, જે બતાવે છે કે યહોવાએ આપણા પર કેટલો પ્રેમ વરસાવ્યો છે!

૬. યહોવાનો પ્રેમ જોઈને તમને કેવું લાગે છે?

હવે યહોવાનો એવો પ્રેમ જોઈને આપણે શું કરીશું? કદાચ કોઈ કહેશે કે ‘હું યહોવાને દિલોજાનથી ચાહીશ.’ શું તમારા દિલમાં પણ એવો જ પ્રેમ છલકાય છે? ઈસુએ કહ્યું કે સર્વ નિયમોમાં આ નિયમ સૌથી મહત્ત્વનો છે: ‘તારા ઈશ્વર યહોવા પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર.’ (માથ્થી ૨૨:૩૭) શું તમારા હૃદયમાં ફક્ત પ્રેમની લાગણી હોય એ જ પૂરતું છે?

૭. સમજાવો કે દિલમાં યહોવા માટે પ્રેમની લાગણી હોય એટલું જ પૂરતું નથી.

ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા, તેમની સાથે પ્રેમનો નાતો બાંધવા, દિલમાં પ્રેમ તો હોવો જ જોઈએ. પણ એ તો શરૂઆત જ છે. એક દાખલો લો. સફરજનનું ઝાડ નાનકડા બીમાંથી ઊગે છે. એટલે સફરજનનું બી જરૂરી છે. પરંતુ કોઈ તમારી પાસે સફરજન માંગે તો, તમે એનું બી તો નહિ જ આપો, ખરું ને? એવી જ રીતે યહોવા માટે માત્ર પ્રેમની લાગણી હોવી જ પૂરતી નથી. એ તો સફરજનના બીની જેમ શરૂઆત છે. એના સારાં ફળો આવવા જોઈએ. યહોવા પર ઉભરાતો પ્રેમ આપણા જીવનમાં દેખાઈ આવવો જોઈએ. (માથ્થી ૭:૧૬-૨૦) એટલે જ બાઇબલ કહે છે, ‘ઈશ્વર પર પ્રેમ રાખવો, એટલે તેમની આજ્ઞાઓનું પાલન કરવું. તેમની આજ્ઞાઓ પાળવી બહુ અઘરી નથી.’—૧ યોહાન ૫:૩.

૮, ૯. યહોવા પરનો આપણો પ્રેમ કઈ રીતે બતાવી શકીએ?

આપણે રાજી-ખુશીથી યહોવાનું કહેવું માનીએ, એ પ્રમાણે જીવીએ ત્યારે તેમને ખરો પ્રેમ બતાવીએ છીએ. આપણા દિલમાં યહોવા માટે પ્રેમ હશે તો, તેમની આજ્ઞાઓ પાળવી અઘરી નહિ લાગે. તેમના નિયમો ભારરૂપ નથી. એ પાળવાથી આપણું જ ભલું થાય છે. એ આપણા જીવનને ખુશીઓથી ભરી દે છે. (યશાયા ૪૮:૧૭, ૧૮) વર્ષોનાં વર્ષો યહોવાને માર્ગે ચાલતા રહીને, આપણે બતાવીએ છીએ કે તેમનો અહેસાન ભૂલ્યા નથી. પણ મોટા ભાગના લોકોને તેમના પ્રેમની કંઈ પડી નથી. ઈસુએ દસ કોઢિયાઓને સાજા કર્યા હતા, એ બનાવનો વિચાર કરો. એમાંથી ફક્ત એક જ ઈસુ પાસે પાછો આવ્યો અને તેમની કદર કરી. તેમનો આભાર માન્યો. બીજા નવ કોઢિયા તો ઈસુને ભૂલી ગયા. આપણે તેઓના જેવા નહિ, પણ ઈસુ પાસે પાછો આવ્યો એ માણસ જેવા બનીએ!—લૂક ૧૭:૧૨-૧૭.

તો પછી, યહોવાની આજ્ઞાઓ કઈ છે જે આપણે દિલથી પાળવી જોઈએ? આપણે આ પુસ્તકમાં ઘણી આજ્ઞાઓની ચર્ચા કરી છે. પણ ચાલો આપણે અમુક ફરીથી જોઈ જઈએ. ઈશ્વરની આજ્ઞાઓ પાળવાથી તેમની સાથે પ્રેમનો પાકો નાતો બાંધવા મદદ મળે છે. એ રીતે તેમની છાયામાં આશરો લઈએ છીએ.

યહોવા માટેના પ્રેમને ખીલવા દો

૧૦. શા માટે યહોવાનું જ્ઞાન લેતા રહેવું જોઈએ?

૧૦ યહોવાને માર્ગે ચાલતા રહેવા તેમનું જ્ઞાન લેવાનું કદી બંધ ન કરો. ધારો કે તમે કડકડતી ઠંડીમાં બહાર તાપણું કરીને બેઠા છો. શું તમે એ આગ ધીમે ધીમે હોલવાઈ જવા દેશો? ના. તમે એમાં લાકડાં કે એવું બળતણ નાખતા રહેશો, જેથી આગ સળગતી રહે. તમને ગરમી મળતી રહે. જો આગ હોલવાઈ જશે, તો તમે ઠંડીમાં ઠૂંઠવાઈ જશો! જેમ લાકડાં આગને સળગતી રાખે, તેમ ‘ઈશ્વરનું જ્ઞાન’ તેમના માટેના પ્રેમની આગ સળગતી રાખે છે.—નીતિવચનો ૨:૧-૫.

જેમ આગ માટે બળતણ જોઈએ, તેમ યહોવા માટે પ્રેમની આગ સળગતી રાખવા તેમનું જ્ઞાન જોઈએ

૧૧. ઈસુના શિક્ષણની શિષ્યો પર કેવી અસર થઈ?

૧૧ ઈસુ પોતાના શિષ્યો માટે પણ એમ જ ચાહતા હતા. એટલે જ ઈસુએ સજીવન થયા પછી પોતાના બે શિષ્યોને એક વાર મદદ કરી. તેઓને સમજાવ્યું કે હિબ્રૂ શાસ્ત્રમાં લખેલાં વચનો કઈ રીતે તેમનામાં પૂરાં થયાં હતાં. એ સાંભળીને શિષ્યોને કેવું લાગ્યું? બાઇબલ કહે છે: ‘તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “તે રસ્તે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્ર સમજાવતા હતા ત્યારે આપણા અંતર ઝળાંઝળાં નહોતાં થઈ જતાં?”’—લૂક ૨૪:૩૨, સંપૂર્ણ.

૧૨, ૧૩. (ક) ઈશ્વર માટે મોટા ભાગના લોકોના પ્રેમને શું થયું છે? (ખ) તમારો પ્રેમ ઠંડો ન પડી જાય એ માટે શું કરશો?

૧૨ તમે બાઇબલનું શિક્ષણ લેવા માંડ્યા ત્યારે, તમને પણ એવી જ ખુશી થઈ હશે. જાણે હૈયામાં ઈશ્વર માટે પ્રેમની આગ લાગી હશે! ઘણાને એવું જ લાગ્યું છે. પણ સમય જાય તેમ, એ આગ સળગતી રાખવામાં નહિ આવે તો હોલવાઈ જશે. એ પોતાની મેળે સળગતી નહિ રહે. એ માટે મહેનત કરવી પડશે. આપણે એવા લોકો નથી બનવું જેઓ વિશે ઈસુએ કહ્યું: ઈશ્વર માટે ‘ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.’ (માથ્થી ૨૪:૧૨) યહોવા અને બાઇબલ માટેના તમારા પ્રેમની આગ હોલવાઈ ન જાય, એ માટે તમે શું કરશો?

૧૩ એક તો યહોવા પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિશેનું જ્ઞાન લેતા રહો. (યોહાન ૧૭:૩) બાઇબલમાંથી જે કંઈ શીખો, એના પર વિચાર કરો. આવા સવાલ પૂછો: ‘આ મને યહોવા વિશે શું શીખવે છે? યહોવાની તન-મનથી ભક્તિ કરવા એ મને કઈ રીતે મદદ કરે છે?’ (૧ તિમોથી ૪:૧૫) એનાથી તમારા દિલમાં હોંશ વધતી જશે અને યહોવા માટેના પ્રેમની આગ સળગતી રહેશે.

૧૪. યહોવા માટેના પ્રેમની આગ સળગતી રાખવા પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?

૧૪ યહોવા માટેના પ્રેમની આગ સળગતી રાખવા રોજ પ્રાર્થના કરવી પણ બહુ જરૂરી છે. (૧ થેસ્સલોનિકી ૫:૧૭) આપણે ૧૭મા પ્રકરણમાં શીખ્યા કે પ્રાર્થના યહોવા તરફથી એક આશીર્વાદ છે. મોટે ભાગે તમે તમારા જિગરી દોસ્ત કે ખાસ બેનપણી સાથે વાતો કરતા ધરાતા નથી. એ જ રીતે, તમે રોજ પ્રાર્થનામાં યહોવાને તમારા સુખ-દુ:ખની બધી વાત કરી શકો છો. એનાથી યહોવા સાથેનો તમારા નાતો હજુયે પાકો થશે. પણ પ્રાર્થનાઓ કંઈ જપની જેમ જપવાની નથી હોતી. પોપટની જેમ બસ એકની એક વાત રટ્યા કરવાની નથી. બે મિત્રો એકબીજા સાથે કરે છે તેમ, યહોવા આગળ દિલ ખોલીને વાત કરો. એક બાળક પિતા સાથે માનથી વાત કરે, તેમ વાત કરો. (ગીતશાસ્ત્ર ૬૨:૮) બાઇબલ વાંચવું, એના પર વિચાર કરવો અને પ્રાર્થના કરવી, આ ત્રણેય બહુ જરૂરી છે. એનાથી આપણે યહોવાના પ્રેમની છાયામાં આશરો મેળવીશું.

યહોવાની ભક્તિ કરવાથી તમે સુખી થશો

૧૫, ૧૬. યહોવાના રાજ્યનો પ્રચાર કરવો, એ કેમ મોટો આશીર્વાદ છે?

૧૫ યહોવાની ભક્તિ કરવા આપણે બાઇબલનું શિક્ષણ લઈએ છીએ. પ્રાર્થના કરીએ છીએ. એ આપણે પોતાને માટે કરીએ છીએ. પણ ચાલો હવે જોઈએ કે યહોવાની ભક્તિમાં આપણે એવું શું કરી શકીએ, જેનાથી બીજાને ફાયદો થાય. તમે જે શીખો છો, એના વિશે શું કોઈ ઓળખીતાને વાત કરી છે? તમે યહોવા વિશે જે કંઈ શીખ્યા છો એ બીજાઓને જણાવો ત્યારે, તમે તેમના રાજ્યની ખુશખબર જણાવો છો. (માથ્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) જો બીજાઓને આ રીતે બાઇબલની ખુશખબર જણાવી હોય, તો તમે યહોવાની ભક્તિમાં એક મહત્ત્વનું કામ કરો છો. ખુશખબર જણાવવાનું આ કામ તો યહોવા પાસેથી એક મોટો આશીર્વાદ છે.—લૂક ૧:૭૪, ૭૫.

૧૬ ઈશ્વરભક્ત પાઉલે ખુશખબર જણાવવાના આ કામને એક ખજાના સાથે સરખાવ્યું. (૨ કરિંથી ૪:૭) શા માટે? લોકોને યહોવા વિશે બીજે ક્યાંથી શીખવા મળશે? આપણે લોકો માટે એનાથી વધારે સારું કામ શું કરી શકીએ? એનાથી એક તો આપણે વિશ્વના માલિક યહોવાની ભક્તિ કરીએ છીએ. બીજું કે આપણને એવા આશીર્વાદો મળશે, જે દુનિયાના બીજા કોઈ કામથી નહિ મળે. ખુશખબર ફેલાવીને આપણે બીજા લોકોને પણ મદદ કરીએ છીએ. એનાથી તેઓ પણ યહોવાના પ્રેમની છાયામાં આશરો મેળવી શકે, તેમની ભક્તિ કરી શકે. સુખચેન આપતા જીવનમાર્ગ પર ચાલી શકે. એ રીતે કોઈને મદદ કરીને જે સંતોષ મળે છે, એટલો બીજા કયાં કામથી મળશે? યહોવા વિશે, તેમની સરકાર વિશે પ્રચાર કરીએ ત્યારે, આપણી પોતાની શ્રદ્ધા વધે છે. યહોવા માટે વધારે પ્રેમ જાગે છે. તે કદી પણ આપણી ભક્તિ ભૂલી જતા નથી. (હિબ્રૂ ૬:૧૦) યહોવાની આવી ભક્તિ કરવાથી, આપણે હંમેશાં તેમના પ્રેમની છાયામાં રહીશું.—૧ કરિંથી ૧૫:૫૮.

૧૭. આજે પ્રચાર કરવો કેમ બહુ જરૂરી છે?

૧૭ ઈશ્વરની સરકારનો પ્રચાર કરવો બહુ જ જરૂરી છે. એટલે બાઇબલ કહે છે: ‘તું સુવાર્તા પ્રગટ કર.’ એમાં જ મંડ્યો રહેજે. (૨ તિમોથી ૪:૨) આપણે કેમ આ પ્રચાર કામ જોર-શોરથી કરવું જોઈએ? બાઇબલ કહે છે: ‘યહોવાનો ન્યાય કરવાનો દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.’ (સફાન્યા ૧:૧૪) જલદી જ યહોવા દુનિયામાંથી બધા દુષ્ટ લોકોનો વિનાશ કરશે. એટલે સારા હોય કે દુષ્ટ, દરેક લોકોને એની ચેતવણી આપવાની જરૂર છે! તેઓએ જાણવાની જરૂર છે કે યહોવા એકલા જ ઈશ્વર છે, તેમની જ ભક્તિ કરવી જોઈએ. આ દુષ્ટ દુનિયાનો અંત ચોક્કસ આવશે, એમાં જરાય ‘મોડું થશે નહિ.’—હબાકુક ૨:૩.

૧૮. શા માટે આપણે યહોવાને ભજવા તેમના ભક્તો સાથે ભેગા મળવું જોઈએ?

૧૮ યહોવા ચાહે છે કે તમે તેમના ભક્તો સાથે મળીને આરાધના કરો. એટલે જ બાઇબલ કહે છે: ‘આપણે એકબીજાની કાળજી રાખીએ, મદદ કરીએ અને પ્રેમ બતાવીએ તથા સારાં કાર્યો કરીએ. કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ. એને બદલે, પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ, તેમ આપણે એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ.’ (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) આપણે યહોવાના ભક્તો સાથે મળીએ છીએ ત્યારે, ઈશ્વરનો ઉપકાર માનવાનો અને તેમને ભજવાનો સરસ મોકો મળે છે. યહોવાના ભક્તો સાથે ભેગા મળવાનું ચૂકશો નહિ. એનાથી આપણે ભક્તિમાં એકબીજાની હોંશ વધારીએ છીએ.

૧૯. મંડળમાં એકબીજા વચ્ચે પ્રેમનો નાતો કઈ રીતે પાકો થઈ શકે?

૧૯ આપણે યહોવાના ભક્તો સાથે હળીએ-મળીએ ત્યારે, મંડળમાં એકબીજા વચ્ચે પ્રેમ વધે છે. એકબીજા સાથેનો નાતો પાકો થાય છે. યહોવાહ આપણામાં સારા ગુણો જુએ છે. આપણે પણ બીજાઓમાં સારા ગુણો જોવા જોઈએ. પાંચેય આંગળીઓ સરખી નથી હોતી તેમ, આપણે બધા એક સરખા નથી. સત્યના માર્ગ પર કોઈ ઝડપથી પ્રગતિ કરે છે, તો કોઈ ધીમેથી. આપણે બધાય કંઈ કેટલીયે ભૂલો કરીએ છીએ. તો પછી, બીજા પાસેથી મોટી મોટી આશા ન રાખીએ. (કલોસી ૩:૧૩) જેઓ દિલથી યહોવાની સેવા કરે છે, તેઓ સાથે હળો-મળો. તેઓના પાકા મિત્ર બનવાથી તમારી શ્રદ્ધા ને ભક્તિ, દિવસે-દિવસે ખીલતા જશે. યહોવાના પ્રેમની છાયામાં રહેવા, તેમના ભક્તો સાથે મળીને તેમને ભજો. પૂરી શ્રદ્ધાથી યહોવાની ભક્તિ કરનારાને તે કેવું ઇનામ આપે છે?

‘ખરેખરું જીવન’ મેળવો

૨૦, ૨૧. ‘ખરેખરું જીવન’ શું છે અને તમારી આશા કઈ છે?

૨૦ યહોવા પોતાના ભક્તોને જીવનનું વરદાન ઇનામમાં આપે છે. પણ કેવું જીવન? આપણે હમણાં પણ જીવીએ છીએ, કેમ કે આપણે શ્વાસ લઈએ છીએ અને ખાઈએ-પીએ છીએ. કદાચ તમે એવું પણ બોલી ઊઠ્યા હશો કે “આવું જીવન હોય તો પછી બીજું શું જોઈએ!” પરંતુ બાઇબલ બતાવે છે કે આજે કોઈ માણસ ખરેખરું જીવન જીવતો નથી.

યહોવા તમને ‘ખરેખરું જીવન’ આપે છે. શું તમે લેશો?

૨૧ બાઇબલ આપણને અરજ કરે છે: ‘જે ખરેખરું જીવન છે તે મેળવો.’ (૧ તિમોથી ૬:૧૯) એ બતાવે છે કે આપણે હમણાં ‘ખરેખરું જીવન’ જીવતા નથી. પણ યહોવા એવું જીવન જલદી જ આપશે. એ કેવું હશે? આવનાર સોનેરી યુગમાં સુંદર ધરતી પર એ જીવન મળશે. ત્યારે કોઈ બીમાર નહિ થાય, કોઈને ઘડપણ નહિ આવે. આપણે બધા સુખચેનમાં જીવીશું. થોડાં વર્ષો નહિ, યુગોના યુગો, જેની કોઈ ગણતરી જ નહિ હોય. એ જીવન ‘ખરેખરું જીવન’ હશે! પછી આપણે યહોવાની દિલની તમન્ના હતી, એવા જ જીવનની મજા માણીશું.—૧ તિમોથી ૬:૧૨.

૨૨. તમે કઈ રીતે ‘ખરેખરું જીવન’ જીવી શકો?

૨૨ આપણે ‘ખરેખરું જીવન’ જીવવા શું કરવાની જરૂર છે? પાઉલ અરજ કરે છે કે ‘સારું કરો. સારાં કાર્યો કરવામાં ધનવાન બનો.’ (૧ તિમોથી ૬:૧૮) આપણે બાઇબલમાંથી જે કંઈ શીખીએ, એ પાળીએ. એ જ પ્રમાણે જીવીએ. પણ શું પાઉલ એમ કહેવા માંગતા હતા કે આપણે ફક્ત સારાં કાર્યો કરીને ‘ખરેખરું જીવન’ મેળવી શકીએ? ના. એ જીવનનું વરદાન તો ફક્ત યહોવાની ‘કૃપા’થી મળે છે. (રોમન ૫:૧૫) પોતાના ભક્તોને એવું જીવન આપવાની યહોવાની દિલની તમન્ના છે. તે ચાહે છે કે આપણે બધા ‘ખરેખરું જીવન’ જીવીએ. જેઓ ઈશ્વરની ભક્તિ કરે છે, તેમના પ્રેમની છાયામાં રહે છે, તેઓને યહોવા હંમેશાં સુખ-શાંતિમાં જીવવાનું વરદાન આપશે!

૨૩. હમણાંથી જ યહોવાના પ્રેમની છાયામાં કેમ રહેવું જોઈએ?

૨૩ આપણે દરેક હવે વિચારીએ કે ‘બાઇબલ શીખવે છે એમ જ હું ઈશ્વરની ભક્તિ કરું છું?’ જો દરેક દિવસને અંતે આપણે એનો જવાબ ‘હા’ આપી શકીએ, તો આપણે ઈશ્વરને માર્ગે, જીવન માર્ગે ચાલીએ છીએ; યહોવાના પ્રેમની છાયામાં છીએ. તે આપણો આશરો બનશે. યહોવા પોતાના ભક્તોને આ દુષ્ટ દુનિયામાંથી બચાવશે. પછી આવનાર સોનેરી યુગમાં આપણે જીવી શકીશું. એ દિવસે ખુશીના આંસુઓ વહેશે! કેટલું સારું કે આ દુષ્ટ દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે, ઘણા લોકોએ યહોવાને માર્ગે ચાલવાનો નિર્ણય લીધો છે. જો તમે પણ હમણાં જ એવો નિર્ણય લેશો, તો તમને ‘ખરેખરું જીવન’ મળશે. પછી આપણે બધા કાયમ, હા સદાને માટે આશીર્વાદો, આશીર્વાદો ને આશીર્વાદોનો આનંદ માણીશું!