સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પંદર

ઈશ્વર કેવી ભક્તિ ચાહે છે?

ઈશ્વર કેવી ભક્તિ ચાહે છે?
  • શું બધા ધર્મો એક જ મંજિલે લઈ જાય છે?

  • સાચા ધર્મની ઓળખ શું?

  • ઈશ્વરના ખરા ભક્તો કોણ છે?

૧. ઈશ્વરના કહેવા પ્રમાણે તેમની ભક્તિ કરીશું તો આપણને કેવા આશીર્વાદો મળશે?

ઈશ્વર યહોવા આપણને સુખી જોવા તરસે છે. તે આપણને ખૂબ ચાહે છે. એટલે જ તે આપણને પ્રેમથી જીવનનો માર્ગ બતાવે છે. જો આપણે ઈશ્વરને માર્ગે ચાલીશું, તેમની રીતે ભક્તિ કરીશું, તો સુખી થઈશું. અનેક મુસીબતોથી બચીશું. તેમની કૃપા આપણા પર રહેશે! (યશાયા ૪૮:૧૭) પણ આજે તો દુનિયામાં ઘણા ધર્મો છે. બધા જ ધર્મોનું કહેવું છે કે ‘અમે પણ ઈશ્વરનું જ્ઞાન આપીએ છીએ.’ પણ તમે પોતે બધા ધર્મો પર નજર નાખો. તેઓ બધા ઈશ્વર વિશે કંઈક જુદું જ શીખવે છે.

૨. યહોવાની ભક્તિ કેવી રીતે કરવી, એ જાણવા શું કરવાની જરૂર છે? કયો દાખલો આ સારી રીતે સમજાવે છે?

તમને થશે કે યહોવાને કેવી રીતે ભજવા જોઈએ? એ જાણવા તમારે અનેક ધર્મોમાં ફાંફાં મારવા નહિ પડે. તમારે ફક્ત બાઇબલનું ખરું શિક્ષણ લેવાની જરૂર છે. દાખલા તરીકે, ઘણા દેશોમાં બનાવટી ચલણી નોટો ફેલાઈ ગઈ છે. જો તમારે અસલી-નકલી નોટો જુદી પાડવાની હોય, તો તમે શું કરશો? શું તમે નકલી નોટોની તપાસ કરવા બેસી જશો? ના. એમ તો તમે ઘણો સમય બગાડશો. તમે ફક્ત અસલી નોટો પારખતા શીખશો. એક વાર તમે અસલી નોટની નિશાની પારખતા શીખી જાવ, એટલે નકલી પારખતા વાર નહિ લાગે. એવું જ અસલી અને નકલી ધર્મનું પણ છે. તમે અસલી ધર્મ પારખતા શીખશો, એટલે આસાનીથી નકલી કે જૂઠો ધર્મ પારખી શકશો. એ માણસોએ બનાવેલા ધર્મો છે, જેનું મૂળ શેતાન છે. આ ધર્મો યહોવાની વિરુદ્ધમાં જાય છે. તેઓ બાઇબલનું સનાતન સત્ય શીખવતા નથી.

૩. યહોવાની કૃપા મેળવવા આપણે શું કરવું જોઈએ?

આજે ઘણા માને છે કે બધા જ ધર્મો ઈશ્વર પાસે લઈ જાય છે. પણ બાઇબલ એમ શીખવતું નથી. ‘હું ઈશ્વરને ભજું છું,’ એટલું જ કહેવું પૂરતું નથી. ઈશ્વરભક્ત પાઉલે કહ્યું: ‘તેઓ ઈશ્વરને ઓળખતા હોવાનો દાવો કરે છે, પણ તેઓનું વર્તન તેનો નકાર કરે છે. તેઓ ઢોંગી, આજ્ઞા તોડનારા અને કોઈ પણ સારું કાર્ય કરવાને માટે નકામા છે.’ (તિતસ ૧:૧૬) ઈશ્વરની કૃપા મેળવવા આપણે એ જાણવું જોઈએ કે તે કેવી ભક્તિ ચાહે છે. પછી એ જ પ્રમાણે ઈશ્વરને ભજીએ, એ જ પ્રમાણે જીવીએ. જેઓ એમ નથી કરતા તેઓને ઈસુ ‘ભૂંડું કરનારા’ કહે છે. (માથ્થી ૭:૨૧-૨૩) જેમ નકલી પૈસા નકામા છે, તેમ નકલી ધર્મો નકામા છે. અરે, એ ફક્ત નકામા જ નથી, તમને નુકસાન કરશે. તમારા માટે એ ઘણા જોખમી છે.

૪. ઈસુએ જે બે માર્ગ વિશે જણાવ્યું, એનો શું અર્થ થાય છે? એ બંને માર્ગો ક્યાં લઈ જાય છે?

યહોવા આપણને સુખી જીવનનું વરદાન આપે છે. એવું વરદાન, જેમાં આપણે કદીયે મરીશું નહિ! એ મેળવવા તમારે શું કરવું જોઈએ? યહોવા કહે એવી જ રીતે તેમને ભજો. હમણાંથી એવું જ જીવન જીવો. પણ અફસોસ! આજે ઘણા લોકો એમ કરવા તૈયાર નથી. એટલે જ ઈસુએ કહ્યું: “તમે સાંકડે બારણેથી અંદર પેસો. કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે પહોળો છે, ને તેનું બારણું મોટું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.” (માથ્થી ૭:૧૩, ૧૪) યહોવાનો ધર્મ જીવનના માર્ગે લઈ જાય છે. પણ નકલી ધર્મ વિનાશના માર્ગે લઈ જાય છે. હા, માણસોએ બનાવેલા સર્વ ધર્મોનો નાશ થશે, જે શેતાનથી આવ્યા છે. કેમ? કારણ કે તેઓએ યહોવાનો નકાર કર્યો છે. પણ યહોવા નથી ચાહતા કે કોઈ પણ માણસ જીવન ગુમાવે. તેમની આરઝૂ છે કે સર્વ તેમના વિશે શીખે. તેમની ભક્તિ કરે. એટલે જ તે બધાને હમણાં મોકો આપે છે કે તેઓ જીવનનું વરદાન પસંદ કરે. (૨ પિતર ૩:૯) ઈશ્વરના કહેવા પ્રમાણે તેમને ભજવું ખૂબ જરૂરી છે. એ આપણા માટે જીવન-મરણનો સવાલ છે!

સાચા ધર્મની ઓળખ

૫. સાચો ધર્મ પાળનારાને આપણે કેવી રીતે ઓળખી શકીએ?

‘જીવનમાં લઈ જતો માર્ગ’ તમે કેવી રીતે શોધશો? ઈસુએ કહ્યું હતું કે સાચો ધર્મ પાળનારાના જીવનમાં એ દેખાઈ આવશે. તેમણે કહ્યું: ‘તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. હરેક સારું ઝાડ સારાં ફળ આપે છે.’ (માથ્થી ૭:૧૬, ૧૭) સાચો ધર્મ પાળનારાની શ્રદ્ધા, વાણી અને વર્તન સાચા મોતીની જેમ ચમકી ઊઠશે, અલગ દેખાઈ આવશે. ખરું કે તેઓ પણ બધાની જેમ ભૂલો તો કરે જ છે, પરંતુ સાચા ધર્મના લોકો હળી-મળીને ઈશ્વરના કહેવા પ્રમાણે ચાલવાની કોશિશ કરે છે. ચાલો આપણે એવી છ નિશાનીઓ જોઈએ, જે સાચો ધર્મ પાળનારા લોકોની ઓળખ આપે છે.

૬, ૭. સાચા ધર્મના લોકો બાઇબલ વિશે શું માને છે? ઈસુએ આ વિશે કેવો દાખલો બેસાડ્યો?

ઈશ્વરના ભક્તો જે કંઈ શીખવે છે એ બાઇબલમાંથી જ છે. બાઇબલ તો ઈશ્વરે આપ્યું છે. એ સત્યનું શિક્ષણ આપે છે. ખોટી માન્યતા પારખવા મદદ કરે છે. ભૂલોને સુધારવા મદદ કરે છે. સાચો રસ્તો બતાવે છે. ઈશ્વરભક્તોને સારાં કામો કરવા તૈયાર કરે છે. (૨ તિમોથી ૩:૧૬, ૧૭) ઈશ્વરભક્ત પાઉલે એ સમયના થેસ્સલોનિકી મંડળને લખ્યું: “અમે તમારી પાસે ઈશ્વરનો સંદેશો લાવ્યા ત્યારે તમે તેને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સાંભળ્યો અને તેનો સ્વીકાર કર્યો અને હકીકતમાં તો તે ઈશ્વરનો જ સંદેશો છે.” (૧ થેસ્સાલોનિકી ૨:૧૩) એટલે સાચા ધર્મનું શિક્ષણ માણસના વિચારો પ્રમાણે નહિ, પણ ફક્ત બાઇબલમાંથી જ આવશે. એ ખુદ ઈશ્વરના વિચારો શીખવશે.

ઈસુએ હંમેશાં ઈશ્વરનાં વચનો શીખવ્યાં. તેમણે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે ‘તમારું વચન સત્ય છે.’ (યોહાન ૧૭:૧૭) ઈસુને એમાં પૂરી શ્રદ્ધા હતી. લોકોને પણ એમાંથી જ જ્ઞાન આપ્યું. ઈશ્વરનાં વચનો શીખવતી વખતે ઈસુ ઘણી વાર કહેતા: ‘શાસ્ત્રમાં લખેલું છે.’ (માથ્થી ૪:૪, ૭, ૧૦) આજે પણ ઈશ્વરના ખરા ભક્તો પોતાના વિચારો શીખવતા નથી. તેઓ પૂરા દિલથી માને છે કે બાઇબલ ઈશ્વરની વાણી છે. તેથી તેઓ બાઇબલનું જ શિક્ષણ સર્વને જણાવે છે.

૮. યહોવાની ભક્તિ કરવા તેમના ભક્તો શું કરે છે?

સાચો ધર્મ પાળનારા ઈશ્વર યહોવાને જ ભજે છે. તેમના વિશે સર્વને જણાવે છે. ઈસુએ કહ્યું: ‘તારા પરમેશ્વરનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર.’ (માથ્થી ૪:૧૦) ઈસુએ અહીંયા પુનર્નિયમ ૬:૧૩ની કલમનો વિચાર જણાવ્યો. એમાં પરમેશ્વરની ઓળખ ‘યહોવા’ નામથી થાય છે. એટલે જ સાચા ભક્તો ફક્ત યહોવાને ભજે છે. યહોવાની ભક્તિ કરવા તેઓ સર્વને એકલા ખરા ઈશ્વર વિશે જણાવે છે. તેમનું નામ બધાને જણાવે છે. તે કેવા છે એ જણાવે છે. ગીતશાસ્ત્ર ૮૩:૧૮ કહે છે: ‘સર્વ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે, તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.’ યહોવાને સારી રીતે ઓળખવા ઈસુએ બીજાઓને ઘણી મદદ કરી. તેમણે આપણા માટે સારો દાખલો બેસાડ્યો. તેમણે એક પ્રાર્થનામાં કહ્યું: “જગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે.” (યોહાન ૧૭:૬) એ જ રીતે યહોવાના ભક્તો પણ બીજા લોકોને ખુશી ખુશી તેમના વિશે શીખવે છે. યહોવા આપણા માટે શું કરશે એ પણ જણાવે છે.

૯, ૧૦. ઈશ્વરભક્તો કઈ રીતે એકબીજા પર પ્રેમ રાખે છે?

ઈશ્વરના ભક્તો કોઈ સ્વાર્થ વગર દિલથી એકબીજાને ચાહે છે. ઈસુએ કહ્યું: ‘જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.’ (યોહાન ૧૩:૩૫) પહેલી સદીમાં ઈસુના શિષ્યો એકબીજાને જીવની જેમ ચાહતા. જો લોકોમાં પ્રેમ હશે, તો નાત-જાતના વાડા નહિ રહે. કાળા-ગોરાનો ભેદભાવ નહિ રહે. સર્વ હળી-મળીને રહેશે. એ પ્રેમનું બંધન કદી તૂટશે નહિ! (કલોસી ૩:૧૪) પણ આજે જૂઠા ધર્મોમાં આવું જોવા મળતું નથી. નાત-જાત કે ઊંચ-નીચના ભેદભાવને લીધે લોકો એકબીજાના જાની દુશ્મન બની જાય છે. અરે, એક જ ધર્મની અંદર લોકો એકબીજાને મારી નાખતા જરાય અચકાતા નથી. જ્યારે કે સાચા ધર્મના લોકોમાં એવું જરાય ન ચાલે. એટલે જ બાઇબલ કહે છે: ‘ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો વચ્ચે આ તફાવત છે: જે કોઈ ઈશ્વરનાં ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનો નથી. આપણે એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. આપણે કાઈનના જેવા થવું ન જોઈએ. તે તો દુષ્ટના પક્ષનો હતો અને પોતાના સગા ભાઈનું તેણે ખૂન કર્યું.’—૧ યોહાન ૩:૧૦-૧૨; ૪:૨૦, ૨૧.

૧૦ ખરું કે દિલથી બધા પર પ્રેમ રાખવાનો અર્થ એવો જ નથી કે કોઈનું ખૂન ન કરવું. ખરા ધર્મના લોકો કોઈ પણ સ્વાર્થ વગર, તન-મન-ધનથી એકબીજાને સાથ આપે છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) મુશ્કેલીના સમયમાં એકબીજાને સહારો આપે છે. બધા સાથે ઇમાનદારીથી વર્તે છે. તેઓ બધી રીતે બાઇબલની આ સલાહ મુજબ જીવવાનો પ્રયત્ન કરે છે: ‘આપણે બધાનું સારું કરીએ.’—ગલાતી ૬:૧૦.

૧૧. આપણે કેમ માનવું જોઈએ કે આપણા ઉદ્ધાર માટે યહોવાએ ઈસુને મોકલ્યા?

૧૧ ઈશ્વરભક્તો માને છે કે યહોવાએ આપણને પાપના પંજામાંથી છોડાવવા ઈસુને મોકલ્યા. બાઇબલ કહે છે: “માત્ર તેમની [ઈસુની] મારફતે જ ઉદ્ધાર મળે છે. કારણ, જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી.” (પ્રેષિતોનાં કાર્યો ૪:૧૨) પાંચમા પ્રકરણમાં શીખ્યા તેમ, ઈસુએ પોતાનું જીવન કુરબાન કરી દીધું, જેથી ઈશ્વરભક્તોને પાપ અને મોતમાંથી આઝાદી મળે. (માથ્થી ૨૦:૨૮) ઈસુ હવે તો સ્વર્ગમાં યહોવાના રાજ્યના રાજા છે. જલદી જ તે ધરતી પર રાજ કરશે. આપણે જો હંમેશ માટેના જીવનનું વરદાન ચાહતા હોય, તો ઈસુને પગલે ચાલીએ. તેમનું શિક્ષણ જીવનમાં ઉતારીએ. એટલે જ બાઇબલ કહે છે: ‘ઈસુ પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ ઈસુનું જે માનતો નથી, તે જીવન નહિ જુએ.’—યોહાન ૩:૩૬.

૧૨. સમાજ કે દેશમાં રાજકાજની વાત આવે ત્યારે ઈશ્વરભક્તો શું કરે છે?

૧૨ સાચો ધર્મ પાળનારા સમાજ કે દેશની રાજનીતિમાં માથું મારતા નથી. રોમન ગવર્નર પીલાત આગળ ઈસુનો કેસ ચાલતો હતો. ત્યારે ઈસુએ કહ્યું હતું: ‘મારું રાજ્ય આ જગતનું નથી.’ (યોહાન ૧૮:૩૬) ભલે ઈશ્વરભક્તો ગમે તે દેશમાં રહેતા હોય, તેઓ યહોવાના રાજના નાગરિકો છે. ફક્ત ઈસુને જ રાજા માને છે. તેઓ રાજકારણમાં ભાગ લેતા નથી. કોઈનો પક્ષ લેતા નથી. યુદ્ધોમાં સાથ આપતા નથી. તેઓ કોઈના કામમાં માથું મારતા નથી, ભલેને લોકો કોઈ પાર્ટીમાં જોડાય, નેતા બનવા ચૂંટણી લડે કે વોટ આપે. ઈશ્વરભક્તો ભલે રાજકાજમાં કોઈ ભાગ લેતા નથી, તેઓ દેશના કાયદા-કાનૂન તો પૂરી રીતે પાળે છે. તેઓ બાઇબલની આ આજ્ઞા પાળે છે: ‘દરેક માણસે સરકારોને આધીન રહેવું.’ (રોમન ૧૩:૧) જ્યારે દેશના નિયમો યહોવાના નિયમો તોડે, ત્યારે તેઓ પહેલી સદીના ઈશ્વરભક્તોને પગલે ચાલે છે. તેઓએ કહ્યું હતું: “માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯; માર્ક ૧૨:૧૭.

૧૩. ઈશ્વરભક્તો યહોવાની સરકાર વિશે શું માને છે? એના લીધે તેઓ શું કરે છે?

૧૩ ઈશ્વરભક્તો જાહેર કરે છે કે ફક્ત યહોવાની સરકાર માણસની બધી તકલીફોનો અંત લાવશે. ઈસુએ આમ જણાવ્યું હતું: ‘ઈશ્વરના રાજનો આ શુભસંદેશ આખી દુનિયામાં બધી પ્રજાઓને પ્રગટ કરવામાં આવે, તે પછી જ અંત આવશે.’ (માથ્થી ૨૪:૧૪) આપણાં દુઃખો, આપણી તકલીફો કોઈ નેતા કે રાજા દૂર કરી શકતા નથી. ઈશ્વરભક્તો જાણે છે કે ફક્ત યહોવાની સરકાર આપણને મદદ કરશે. એટલે તેઓ લોકોને પણ એ ખુશખબરી જણાવે છે. (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) ઈસુએ એ જ સરકાર વિશે આમ પ્રાર્થના કરવાનું કહ્યું: ‘તમારું રાજ આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ્થી ૬:૧૦) બાઇબલમાં પહેલેથી લખવામાં આવ્યું છે કે ઈશ્વરની આ સરકાર દુનિયાના ‘બધાં રાજ્યોનો વિનાશ કરશે અને એ કાયમ રહેશે.’—દાનિયેલ ૨:૪૪.

૧૪. સાચા ધર્મની નિશાનીઓ પ્રમાણે આજે કયો ધર્મ એ બધું પાળે છે?

૧૪ આપણે છ નિશાનીઓ જોઈ ગયા. હવે આ સવાલોનો વિચાર કરો: ‘આજે એવો કયો ધર્મ છે, જેના લોકો બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવે છે? કોણ યહોવાનું નામ જાહેર કરે છે? ઈશ્વરની જેમ કયા ધર્મના લોકો કોઈ પણ સ્વાર્થ વગર એકબીજાને ખરો પ્રેમ બતાવે છે? કોણ આજે ઈસુમાં પૂરી શ્રદ્ધા મૂકે છે? સમાજ કે દેશની રાજનીતિમાં કોણ માથું મારતા નથી? કયા લોકો જાહેર કરે છે કે ફક્ત ઈશ્વરની સરકાર આપણી બધી તકલીફો દૂર કરશે? દુનિયાના બધા ધર્મોમાંથી કયો ધર્મ આ બધું કરે છે?’ હકીકતો સાફ સાફ બતાવે છે કે ફક્ત ‘યહોવાના સાક્ષીઓ’ જ આજે આમ કરી રહ્યા છે!—યશાયા ૪૩:૧૦-૧૨.

તમે શું કરશો?

૧૫. ઈશ્વરમાં માનવાની સાથે આપણે બીજું શું કરવું જોઈએ?

૧૫ ઘણા કહેશે, ‘પણ હું તો ઈશ્વરમાં માનું છું.’ ફક્ત ઈશ્વરમાં માનવું જ પૂરતું નથી. બાઇબલ કહે છે કે, ઈશ્વરમાં તો દુષ્ટ દૂતો પણ માને છે. (યાકૂબ ૨:૧૯) પણ તેઓ ઈશ્વરની મરજી પ્રમાણે જીવતા નથી. તેઓ પર ઈશ્વરની કૃપા નથી. ઈશ્વરની કૃપા પામવા તમારે યહોવામાં માનવા સાથે તેમની મરજી પ્રમાણે જીવવું જોઈએ. તેમનો સાચો ધર્મ પાળવો જોઈએ. શેતાનથી આવેલા સર્વ જૂઠા ધર્મો અને એના રીત-રિવાજો છોડી દેવા જોઈએ.

૧૬. કોઈ પણ પ્રકારની જૂઠી ભક્તિ વિશે તમારે શું કરવું જોઈએ?

૧૬ ઈશ્વરભક્ત પાઉલે કહ્યું કે આપણે કોઈ પણ પ્રકારની જૂઠી ભક્તિ ન કરીએ. તેમણે લખ્યું: ‘પ્રભુ કહે છે કે તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ. જે અશુદ્ધ છે તેને અડકો પણ નહિ. આ કરશો તો હું તમારો સ્વીકાર કરીશ.’ (૨ કરિંથી ૬:૧૭; યશાયા ૫૨:૧૧) એટલે યહોવાના ભક્તો જૂઠી ભક્તિને લગતી કોઈ પણ ચીજ-વસ્તુ, રીત-રિવાજ અને માન્યતાથી દૂર રહે છે.

૧૭, ૧૮. ‘મહાન બાબેલોન’ શું છે? શા માટે આપણે જલદી જ ‘તેમાંથી નીકળી જવું’ જોઈએ?

૧૭ બાઇબલ જણાવે છે કે સર્વ નકલી ધર્મો ‘મહાન બાબેલોનમાંથી’ આવ્યા છે. * (પ્રકટીકરણ ૧૭:૫) આ ‘મહાન બાબેલોન’ શું છે? એ નામ, ‘બાબેલોન’ નામના એક મોટા શહેર પરથી પડ્યું. એ શહેર નૂહના જમાનામાં આવેલા જળપ્રલય પછી ઊભું થયું હતું. ત્યાંથી માણસોએ બનાવેલા જૂઠા ધર્મોની શરૂઆત થઈ. આજના ઘણા ધર્મોના રીત-રિવાજો અને શિક્ષણની શરૂઆત ત્યાંથી થઈ હતી. દાખલા તરીકે, બાબેલોનના લોકો ત્રિમૂર્તિની પૂજા કરતા. આજે પણ ઘણા ધર્મો ત્રિમૂર્તિ કે ત્રૈક્યમાં માને છે. એટલે કે ત્રણ દેવતાઓ મળીને એક ભગવાન. પણ બાઇબલ સાફ સાફ શીખવે છે કે એક જ ઈશ્વર છે. ઈસુ ખ્રિસ્ત તેમના પુત્ર છે. (યોહાન ૧૭:૩) બાબેલોનના લોકો એમ પણ માનતા કે વ્યક્તિમાં આત્મા હોય છે. એ મરણ પછી પણ જીવતો રહે છે. અમુક નર્ક જેવી જગ્યાએ પીડા ભોગવે છે. આજે મોટા ભાગના ધર્મો પણ આવું જ શીખવે છે. તેઓ માને છે કે માણસમાં આત્મા છે. અમુક મરણ પછી નર્કમાં રિબાય છે.

૧૮ જૂના જમાનાના બાબેલોન શહેરની ખોટી માન્યતાઓ અને રીત-રિવાજો ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઈ ગયા. એટલે જ બાઇબલ આજના બધા નકલી ધર્મોને ‘મહાન બાબેલોન’ તરીકે ઓળખાવે છે. યહોવાએ પહેલેથી જણાવ્યું છે કે તે અચાનક શેતાનના બધા ધર્મોનો સર્વનાશ કરશે. (પ્રકટીકરણ ૧૮:૮) હવે તમે સમજી શકો કે તમારે શા માટે શેતાનના બધા નકલી ધર્મો ને માન્યતાઓને સાવ છોડી દેવા જોઈએ. હવે થોડો જ સમય બાકી છે. યહોવા ચાહે છે કે તમે તરત ‘તેમાંથી નીકળી જાઓ.’—પ્રકટીકરણ ૧૮:૪.

યહોવાની ભક્તિ કરવાથી, તમે જે કંઈ ગુમાવશો, એનાથી ઘણું વધારે મેળવશો

૧૯. યહોવાની ભક્તિ કરવાથી તમને શું મળશે?

૧૯ એ સહેલું તો નહિ જ લાગે. તમે જૂઠો ધર્મ છોડશો તો બધાને નહિ ગમે. કદાચ સગાં-વહાલાં તમારી સાથે બોલવા-ચાલવાનું પણ બંધ કરી દે. હિંમત રાખો, યહોવા તમને સાથ આપશે. યહોવાની ભક્તિ કરવાથી તમે જે કંઈ ગુમાવશો, એનાથી ઘણું વધારે મેળવશો. ઈસુના શિષ્યોએ પણ તેમને પગલે ચાલવા ઘણું ગુમાવવું પડ્યું. પરંતુ ઈશ્વરના ભક્તોમાં તેઓને ઘણા ભાઈ-બહેનો, મિત્રો મળ્યા. તમે પણ યહોવાને માર્ગે ચાલશો તો તેમના મોટા પરિવારમાં આવશો. તમને લાખો ભાઈ-બહેનો અને મિત્રો મળશે. બધા તમને દિલોજાનથી ચાહશે. અને યહોવાના આવનાર યુગમાં કાયમ જીવવાનો મોકો મળશે. (માર્ક ૧૦:૨૮-૩૦) એની સાથે કદાચ એમ પણ બને કે જે સગાં-સંબંધીઓ, દોસ્તોએ તમને છોડી દીધા હોય, તેઓ પણ બાઇબલમાંથી શીખે. સમય જતાં તેઓ પણ યહોવાના ભક્ત બને.

૨૦. જેઓ ઈશ્વરને ખરી રીતે ભજે છે તેઓની આવતી કાલ કેવી હશે?

૨૦ યહોવા જલદી જ શેતાનના આ દુષ્ટ જગતનો નાશ કરશે. એમાં ફક્ત યહોવાના ભક્તો જ રહેશે. તેઓ પર ઈશ્વરની સરકાર રાજ કરશે. (૨ પિતર ૩:૯, ૧૩) એ જમાનો કેટલો સુખી જમાનો હશે! ત્યારે ફક્ત એક જ ધર્મ હશે. યહોવાનો ધર્મ. શું તમને એકલા ખરા ઈશ્વરની ભક્તિ કરવી છે? તો જે ફેરફારો કરવાની જરૂર હોય, એ અત્યારથી જ કરો. મોડું ન કરશો. આખરે તો તમારા જીવન-મરણનો સવાલ છે!

^ ફકરો. 17 ‘મહાન બાબેલોન’ બીજી અનેક રીતે શેતાનથી આવેલા સર્વ નકલી ધર્મોને રજૂ કરે છે. એ વિશે વધારે જાણવા પાન ૨૧૯-૨૨૦ જુઓ.