સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

‘પ્રભુભોજન’ ઈશ્વરની કદર કરતો યાદગાર પ્રસંગ

‘પ્રભુભોજન’ ઈશ્વરની કદર કરતો યાદગાર પ્રસંગ

યહોવાના ભક્તોને આજ્ઞા આપવામાં આવી છે કે તેઓ ઈસુના મરણને યાદ કરે. આ પ્રસંગને ‘પ્રભુનું સાંજનું ભોજન,’ સ્મરણપ્રસંગ કે મેમોરિયલ પણ કહેવાય છે. (૧ કરિંથી ૧૧:૨૦) ઈસુના મરણનો દિવસ કેમ ઊજવવો જોઈએ? ક્યારે અને કેવી રીતે એ ઊજવાય છે?

ઈસુએ ૩૩મી સાલમાં, યહૂદીઓના પાસ્ખાપર્વ નામના તહેવારની રાતે આ નવી ઉજવણી શરૂ કરી. યહૂદી કેલેન્ડરમાં પાસ્ખાપર્વ વર્ષમાં એક જ વાર આવતું. નીસાન મહિનાની ચૌદમી તારીખે. એવું લાગે છે કે યહૂદીઓ એ તારીખ નક્કી કરવા વસંત ઋતુના એ દિવસની રાહ જોતા, જ્યારે દિવસ અને રાત બરાબર ૧૨ કલાકના હોય. આ દિવસ પછી, અમાસ બાદ પહેલી વાર ચાંદ દેખાતો (ન્યૂ મૂન). એ નીસાન મહિનાનો પહેલો દિવસ હતો. એના તેર દિવસ પછી પાસ્ખાનો તહેવાર ઊજવાતો.

આ ખાસ દિવસે ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વ ઊજવ્યું હતું. પછી તેમણે યહુદા ઇસ્કારિઓતને બહાર મોકલી આપ્યો અને પોતાના મરણની યાદગીરી માટે એક નવો તહેવાર શરૂ કર્યો. ઈસુના શિષ્યોએ હવેથી વર્ષમાં એક જ વાર પાસ્ખાપર્વને બદલે આ નવી ઉજવણી કરવાની હતી.

એ પ્રસંગ વિશે ઈસુનો એક શિષ્ય માથ્થી કહે છે: ‘ઈસુએ રોટલી લઈને, તથા આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, “લો, ખાઓ; એ મારું શરીર છે.” અને તેમણે પ્યાલો લઈને તથા ઈશ્વરનો ઉપકાર માનીને તેઓને આપીને કહ્યું, “તમે બધા એમાંથી પીઓ. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફી મેળવવા માટે ઘણાઓ માટે રેડવામાં આવે છે.”’—માથ્થી ૨૬:૨૬-૨૮.

અમુક એવું માને છે કે ઈસુએ ત્યારે ચમત્કાર કર્યો. રોટલીને તેમનું માંસ બનાવી નાખ્યું. પ્યાલામાં રહેલા દ્રાક્ષદારૂ કે વાઇનને તેમનું લોહી બનાવી દીધું. પરંતુ ઈસુએ બધાને રોટલી આપી ત્યારે, તેમનું શરીર તો એમનું એમ હતું. શું ઈસુના શિષ્યોએ તેમનું માંસ ખાધું, તેમનું લોહી પીધું? ના. એમ કરીને તો તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડી હોત. ઘોર પાપ કર્યું હોત. (ઉત્પત્તિ ૯:૩, ૪; લેવીય ૧૭:૧૦) ઈસુએ લૂક ૨૨:૨૦માં કહ્યું: “આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.” શું એ પ્યાલો ‘નવો કરાર’ બની ગયો હતો? ના. એ શક્ય જ નથી, કેમ કે એ કરાર તો એક વચન છે. ન જોઈ શકાય, ન અડકી શકાય.

તો પછી, એ રોટલી અને વાઇનનો કોઈ ખાસ અર્થ છે? હા, રોટલી ઈસુના પવિત્ર શરીરને રજૂ કરતી હતી. ઈસુએ પાસ્ખાપર્વના ભોજન પછી બાકી રહેલી એક રોટલી વાપરી હતી. એમાં આથો લાવવા વપરાતું ખમીર કે બીજું કશું જ નાખવામાં આવ્યું ન હતું. (નિર્ગમન ૧૨:૮) ખમીર કે યીસ્ટ, બાઇબલમાં ઘણી વાર પાપ કે ભ્રષ્ટાચારને રજૂ કરે છે. પણ એ રોટલીમાં એવું કંઈ એટલે કંઈ જ ન હતું. એ જ રીતે ઈસુના શરીરમાં કોઈ ખામી કે પાપનો ડાઘ પણ ન હતો. ઈસુએ આ પવિત્ર શરીરને આપણા માટે કુરબાન કરી દીધું.—માથ્થી ૧૬:૧૧, ૧૨; ૧ કરિંથી ૫:૬, ૭; ૧ પિતર ૨:૨૨; ૧ યોહાન ૨:૧, ૨.

લાલ વાઇન કે દ્રાક્ષદારૂ ઈસુના લોહીની નિશાની છે. નવો કરાર જાણે એ લોહીથી લખેલો છે. ઈસુએ કહ્યું કે તેમનું લોહી ‘પાપોની માફી માટે’ રેડવામાં આવ્યું હતું. એનાથી મનુષ્યો જાણે યહોવાની આગળ ઊભા રહી શકે છે, તેમની ભક્તિ કરી શકે છે. ખાસ કરીને, મનુષ્યોમાંથી અમુક લોકો નવા કરારનો ભાગ બની શક્યા. (હિબ્રૂ ૯:૧૪; ૧૦:૧૬, ૧૭) આ નવા કરારને લીધે, યહોવાએ પસંદ કરેલા ૧,૪૪,૦૦૦ ભક્તોને મરણ પછી સ્વર્ગમાં જીવનનું વરદાન મળે છે. ત્યાં તેઓ રાજાઓ અને યાજકો બનીને સેવા કરશે. એનાથી સર્વ મનુષ્યોને આશીર્વાદો મળશે.—ઉત્પત્તિ ૨૨:૧૮; યર્મિયા ૩૧:૩૧-૩૩; ૧ પિતર ૨:૯; પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧-૩.

આ પ્રસંગ ઊજવતી વખતે કોણ રોટલી ખાય છે અને વાઇન પીએ છે? ફક્ત યહોવાના એ જ ભક્તો, જેઓની સાથે તેમણે નવો કરાર કર્યો છે. એટલે કે જેઓ સ્વર્ગમાં જવા પસંદ કરાયેલા છે. કોઈને કઈ રીતે ખબર પડશે કે પોતે તેઓમાંના એક છે? યહોવા પોતે તેઓને પૂરી ખાતરી કરાવે છે. (રોમન ૮:૧૬) યહોવાએ ઈસુ સાથે જે રાજ્ય માટેનો કરાર કર્યો હતો, એમાં પણ તેઓ ભાગીદાર છે.—લૂક ૨૨:૨૯.

યહોવા જેઓને ધરતી પર કાયમ માટે જીવવાનો મોકો આપે છે, તેઓ વિશે શું? તેઓ પણ ઈસુની આજ્ઞા માનીને એ પ્રસંગ ઊજવે છે. પણ તેઓ એ પ્રસંગે રોટલી ખાતા નથી કે વાઇન પીતા નથી. દર વર્ષે નીસાન મહિનાની ચૌદમી તારીખે, સૂરજ આથમી જાય પછી યહોવાના સાક્ષીઓ આ યાદગાર પ્રસંગ ઊજવે છે. ખરું કે આજે દુનિયામાં ફક્ત અમુક હજાર લોકો જ છે, જેઓને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો છે. છતાંયે યહોવાના બધા જ ભક્તો માટે આ પ્રસંગ બહુ મહત્ત્વનો છે. યહોવા પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તે આપણને જે મહાન પ્રેમ બતાવ્યો છે, એની સર્વ લોકો આ પ્રસંગ ઊજવીને કદર કરી શકે છે.—યોહાન ૩:૧૬.