વધારે માહિતી
શું આપણે તહેવારો ઊજવવા જોઈએ?
આજે જુદા જુદા દેશોમાં ઘણા તહેવારો ઊજવાય છે. પરંતુ બાઇબલ એવા તહેવારો મનાવવા વિશે કંઈ જણાવતું નથી. તો પછી એ તહેવારો આવ્યા ક્યાંથી? જો તમે કોઈ લાઇબ્રેરીમાં જઈ શકો, તો અમુક શોધખોળ કરી શકશો. તમે જ્ઞાનકોશ કે બીજાં પુસ્તકોમાંથી જુદા જુદા તહેવારો વિશે જાણી શકશો. ચાલો આપણે અમુક વિષય જોઈએ.
ઈસ્ટર. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા આમ કહે છે: બાઇબલના “નવા કરારમાં એની કોઈ સાબિતી નથી કે ખ્રિસ્તીઓએ ક્યારેય ઈસ્ટરનો તહેવાર ઊજવ્યો હોય.” તો ઈસ્ટરની શરૂઆત ક્યાંથી થઈ? શેતાનથી આવેલા ધર્મમાંથી. લોકો માને છે કે ઈસુ સજીવન થયા, એની ખુશીમાં ઈસ્ટરનો તહેવાર મનાવવામાં આવે છે. પરંતુ એના રીત-રિવાજોને સાચા ખ્રિસ્તી ધર્મ સાથે કંઈ લેવા-દેવા નથી. જેમ કે, ઈસ્ટર તહેવારનું એક ચિહ્ન ‘સસલું’ છે,
જેને ‘ઇસ્ટર બન્ની’ કહેવાય છે. એના વિશે ધ કૅથલિક એન્સાઇક્લોપીડિયા કહે છે: ‘સસલું ફળદ્રુપતાને બતાવે છે અને એ માણસોથી ઊતરી આવેલા ધર્મની એક નિશાની છે.’નવું વર્ષ. બધા દેશો જુદી જુદી તારીખે પોતાના રિવાજો મુજબ નવું વર્ષ ઊજવે છે. નવા વર્ષની ઉજવણી ક્યારથી શરૂ થઈ? ધ વર્લ્ડ બુક એન્સાઇક્લોપીડિયા કહે છે: “રોમન રાજા જુલિયસ સીઝરે ઈસવીસન પૂર્વે ૪૬માં પહેલી જાન્યુઆરીને નવા વર્ષના દિવસ તરીકે નક્કી કર્યો. રોમન લોકોએ એ દિવસ જેનુસ નામના દેવને અર્પણ કર્યો. એ દેવ ફાટકો, દરવાજા અને કોઈ પણ વસ્તુની શરૂઆત માટે જવાબદાર હતો. એ દેવને બે મોઢાં હતાં, એક આગળ જુએ ને બીજું પાછળ. જાન્યુઆરી મહિનાનું નામ પણ જેનુસ પરથી જ આવે છે.” આ સાબિતી બતાવે છે કે નવા વર્ષની ઉજવણી બાઇબલમાંથી નહિ, પણ જૂઠા ધર્મોમાંથી આવી છે.
વેલેન્ટાઈન ડે. ધ વર્લ્ડ બુક એન્સાઇક્લોપીડિયા કહે છે: ‘વેલેન્ટાઈનનો દિવસ બે જુદા જુદા ખ્રિસ્તી શહીદોનો દિવસ હતો. એ દિવસે લોકોની મહેફિલ જામતી. બંને શહીદોના નામ વેલેન્ટાઈન હતા. પણ આજે વેલેન્ટાઈનનો દિવસ જે રીતે ઊજવાય છે, એ પહેલાંના રોમન લુપરકેલિયા નામના તહેવાર પરથી હોઈ શકે. એ તહેવાર દર ફેબ્રુઆરીની પંદરમી તારીખે ઊજવાતો. એ રોમન દેવી “જૂનો” અને “પાન” દેવના નામમાં ઊજવાતો. “જૂનો” સ્ત્રીઓ અને લગ્નની દેવી મનાતી હતી. “પાન,” કુદરતનો દેવ મનાતો હતો.’
બીજા તહેવારો. બધા જ તહેવારો વિશે અહીં વાત કરવી શક્ય નથી. પરંતુ જે તહેવારો કોઈ મનુષ્ય કે કોઈ સંસ્થાને માન-મોભો આપતા હોય, એનાથી યહોવા નારાજ થાય છે. (યર્મિયા ૧૭:૫-૭; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૨૫, ૨૬) કોઈ પણ તહેવારનું મૂળ જાણવું બહુ મહત્ત્વનું છે. એનાથી ખબર પડશે કે એ યહોવાને માર્ગે ચાલવા મદદ કરે છે કે એનાથી દૂર લઈ જાય છે. (યશાયા ૫૨:૧૧; પ્રકટીકરણ ૧૮:૪) આ પુસ્તકનું સોળમું પ્રકરણ બાઇબલના અમુક સિદ્ધાંતો જણાવે છે. એના પરથી તમે જોઈ શકશો કે તહેવારો વિશે ઈશ્વરના વિચારો શું છે. પછી તમે નક્કી કરી શકો કે તમારે એવા તહેવારો ઊજવવા કે નહિ.