સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આશ્શૂરથી બીતા નહિ

આશ્શૂરથી બીતા નહિ

બારમું પ્રકરણ

આશ્શૂરથી બીતા નહિ

યશાયાહ ૧૦:૫-૩૪

૧, ૨. (ક) શરૂઆતમાં યૂનાએ આશ્શૂરીઓને સંદેશો આપવા જવાનો નકાર કર્યો, એ કેમ સમજી શકાય એમ છે? (ખ) નીનવેહના લોકોએ યૂનાનો સંદેશો સાંભળીને શું કર્યું?

 નવમી સદી બી.સી.ઈ.માં અમિત્તાયના દીકરા, પ્રબોધક યૂનાને એક જોખમી કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે આશ્શૂર સામ્રાજ્યના પાટનગર, નીનવેહ જઈને મુશ્કેલ સંદેશ આપવાનો હતો. યહોવાહ પરમેશ્વરે તેમને જણાવ્યું: “ઊઠ, મોટા નગર નીનવેહ જા, ને તેની વિરૂદ્ધ પોકાર કર; કેમકે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે.”—યૂના ૧:૨, ૩.

યૂનાએ પહેલી વાર એ સાંભળ્યું ત્યારે, તે એની વિરુદ્ધ દિશામાં તાર્શીશ નાસી છૂટ્યા. યૂનાએ જે કર્યું, એ એક રીતે જોતા વાજબી લાગી શકે. આશ્શૂરીઓ બહુ જ ક્રૂર હતા. આશ્શૂરના એક રાજાએ દુશ્મનો સાથે જે રીતે વર્તાવ કર્યો, એ સાંભળો: “મેં અધિકારીઓના હાથપગ કાપી નાખ્યા . . . તેઓમાંના ઘણાને જીવતા બાળી મૂક્યા, અને ઘણાને બંદીવાન બનાવી લઈ આવ્યો. કેટલાકના હાથ અને કેટલાકની આંગળીઓ કાપી નાંખી. તેમ જ, બીજાઓના નાક કાપી નાખ્યા.” જો કે આખરે, યૂનાએ જઈને યહોવાહનો સંદેશ આપ્યો ત્યારે, નીનવેહના લોકોએ પસ્તાવો કર્યો. તેથી, એ સમયે, યહોવાહે તેઓ પર દયા બતાવી.—યૂના ૩:૩-૧૦; માત્થી ૧૨:૪૧.

યહોવાહ “દંડ” ઉપાડે છે

૩. યહોવાહના પ્રબોધકની ચેતવણી સાંભળીને, ઈસ્રાએલીઓ કઈ રીતે નીનવેહના લોકોથી જુદો જ માર્ગ અપનાવે છે?

યૂના ઈસ્રાએલીઓને પણ સંદેશો આપે છે. શું તેઓ સુધરે છે? (૨ રાજાઓ ૧૪:૨૫) જરાય નહિ. તેઓ શુદ્ધ ભક્તિ પડતી મૂકે છે. એટલું જ નહિ, પરંતુ તેઓએ “આકાશના સર્વ જ્યોતિમંડળની ભક્તિ કરી હતી, ને બઆલની સેવા કરી હતી.” એ ઉપરાંત, “તેમના દીકરા તથા દીકરીઓને તેઓએ અગ્‍નિમાં થઇને ચલાવ્યાં હતાં, ને તેઓ શકુનવિદ્યા તથા જાદુક્રિયાનો ઉપયોગ કરતા હતા, ને યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કરવા સારૂ પોતાને વેચીને તેને રોષ ચઢાવ્યો હતો.” (૨ રાજાઓ ૧૭:૧૬, ૧૭) યહોવાહ ચેતવણી આપવા પોતાના પ્રબોધકોને મોકલે છે ત્યારે, નીનવેહના લોકોની જેમ, ઈસ્રાએલીઓ પસ્તાવો કરતા નથી. તેથી, યહોવાહ પરમેશ્વર કડક પગલાં લેવાનું નક્કી કરે છે.

૪, ૫. (ક) ‘આશ્શૂરનો’ શું અર્થ થાય છે, અને યહોવાહ એનો “દંડ” તરીકે કઈ રીતે ઉપયોગ કરશે? (ખ) સમરૂન ક્યારે હારી જાય છે?

યૂના નીનવેહ ગયા ત્યાર પછી, અમુક સમય સુધી, આશ્શૂરીઓ ઢીલા પડ્યા. * જો કે આઠમી સદી બી.સી.ઈ.ની શરૂઆતમાં, આશ્શૂર ફરીથી બળવાન બન્યું, અને યહોવાહ એનો અદ્‍ભુત રીતે ઉપયોગ કરે છે. પ્રબોધક યશાયાહ ઈસ્રાએલના ઉત્તરના રાજ્યને યહોવાહની ચેતવણી આપે છે: “અરે આશ્શૂર, તે મારા રોષનો દંડ, ને તેમના હાથમાંનો સોટો તે મારો કોપ છે! અધર્મી પ્રજાની સામે હું તેને મોકલીશ, ને મારા કોપને પાત્ર થએલા લોકની વિરૂદ્ધ તેને આજ્ઞા આપીશ, કે તે લૂંટ કરે, ને શિકાર પકડે, ને તેઓને ગલીઓના કાદવની પેઠે ખૂંદી નાખે.”—યશાયાહ ૧૦:૫, ૬.

ઈસ્રાએલીઓ માટે કેટલું શરમજનક! યહોવાહ તેઓને પાઠ ભણાવવા “આશ્શૂર,” મૂર્તિપૂજક દેશનો “દંડ” તરીકે ઉપયોગ કરે છે. આશ્શૂરનો રાજા શાલ્માનેસેર પાંચમો, ૭૪૨ બી.સી.ઈ.માં ધર્મત્યાગી ઈસ્રાએલના પાટનગર, સમરૂન પર ઘેરો ઘાલે છે. કંઈક ૯૦ મીટરની ઊંચાઈએ ડુંગર પર કુશળ યોજના ઘડીને, સમરૂન લગભગ ત્રણ વર્ષ સુધી દુશ્મનોથી બચી ગયું. પરંતુ, મનુષ્યોની કોઈ યોજના પરમેશ્વરના ધ્યેયમાં આડે આવી શકતી નથી. આખરે, ૭૪૦ બી.સી.ઈ.માં સમરૂનને હરાવીને આશ્શૂરીઓએ જીત મેળવી.—૨ રાજાઓ ૧૮:૧૦.

૬. કઈ રીતે આશ્શૂર, યહોવાહના ધ્યેયથી આગળ નીકળે છે?

યહોવાહ પોતાના લોકોને શિક્ષા આપવા આશ્શૂરનો ઉપયોગ કરે છે, છતાં આશ્શૂરીઓ કંઈ તેમને પોતાના પરમેશ્વર માની લેતા નથી. તેથી, યહોવાહ કહે છે: “પરંતુ [આશ્શૂર] એવો વિચાર કરતો નથી, ને તેના મનની એવી ધારણા નથી; માત્ર વિનાશ કરવો, ને ઘણા દેશોની પ્રજાઓનું નિકંદન કરવું, તેજ તેના મનમાં છે.” (યશાયાહ ૧૦:૭) યહોવાહ પરમેશ્વર આશ્શૂરનો માત્ર હથિયાર તરીકે ઉપયોગ કરવા ઇચ્છે છે. પરંતુ, આશ્શૂરના મનમાં તો કંઈક બીજું જ છે. એ તો આખા જગતને જીતી લેવાના મોટાં મોટાં સપનાં જુએ છે!

૭. (ક) “મારા સઘળા સરદાર રાજાઓ નથી?” એ વિષે સમજાવો. (ખ) આજે યહોવાહ પરમેશ્વરને છોડી જનારે શું યાદ રાખવું જોઈએ?

એક સમયે ઘણાં બિન-ઈસ્રાએલી શહેરોમાં પોતાના રાજાઓ રાજ કરતા હતા. હવે, આશ્શૂરે તેઓ પર જીત મેળવ્યા પછી, તેઓએ એના રાજાને તાબે થવું પડ્યું. તેથી, તે બડાઈ મારી શકતો કે, “મારા સઘળા સરદાર રાજાઓ નથી?” (યશાયાહ ૧૦:૮) દેશોનાં મોટાં મોટાં શહેરોના જૂઠા દેવો પોતાના ભક્તોને વિનાશમાંથી બચાવી શક્યા નહિ. સમરૂનમાં બઆલ, મોલેખ, અને સોનાના વાછરડાંની પૂજા થતી હતી. તેઓ પણ એ શહેરને બચાવી શકશે નહિ. સમરૂને યહોવાહને ત્યજી દીધા હોવાથી, એ કયા મોઢે તેમની મદદ માગી શકે? આજે, યહોવાહ પરમેશ્વરને છોડી જનારાઓ સમરૂનની હાલત યાદ રાખે! તેથી, આશ્શૂરીઓ સમરૂન અને જીતેલાં શહેરો વિષે બડાઈ મારે એમાં કંઈ નવાઈ નથી: “કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદના જેવું નથી? સમરૂન દમસ્ક જેવું નથી?” (યશાયાહ ૧૦:૯) આશ્શૂરની નજરમાં એ બધા જ લૂંટ સમાન છે.

૮, ૯. યરૂશાલેમને જીતવાના સપના જોઈને, આશ્શૂર શા માટે વધારે પડતી બડાઈ મારે છે?

જો કે આશ્શૂર વધારે પડતી બડાઈ હાંકે છે. તે કહે છે: “જેઓની કોતરેલી મૂર્તિઓ યરૂશાલેમ તથા સમરૂનના કરતાં વધારે હતી, તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથ આવ્યાં છે; અને જેમ સમરૂનને તથા તેની મૂર્તિઓને મેં કર્યું, તેમ યરૂશાલેમને તથા તેની મૂર્તિઓને શું હું કરીશ નહિ?” (યશાયાહ ૧૦:૧૦, ૧૧) આશ્શૂરે જીતી લીધેલાં રાજ્યો પાસે યરૂશાલેમ, અરે સમરૂન કરતાં પણ ઘણી વધારે મૂર્તિઓ હતી. તેથી, તે વિચારે છે કે, ‘સમરૂન જેવી જ યરૂશાલેમની હાલત કરતાં, મને કોણ રોકી શકે?’

કેવી બડાઈ! પરંતુ, યહોવાહ તેને યરૂશાલેમ જીતવા દેશે નહિ. ખરું કે, યહુદાહ એની શુદ્ધ ભક્તિમાં કંઈ ચોખ્ખા સોના જેવું ન હતું. (૨ રાજાઓ ૧૬:૭-૯; ૨ કાળવૃત્તાંત ૨૮:૨૪) યહોવાહે ચેતવણી આપી કે, યહુદાહે એના અવિશ્વાસને લીધે આશ્શૂરના આક્રમણમાં ઘણું સહન કરવું પડશે. પરંતુ યરૂશાલેમ બચી જશે. (યશાયાહ ૧:૭, ૮) આશ્શૂરીઓ ચડી આવે છે ત્યારે, હિઝકીયાહ યરૂશાલેમના રાજા છે. હિઝકીયાહ પોતાના પિતા આહાઝ જેવા નથી. હિઝકીયાહે તો પોતાના રાજના પહેલા જ મહિને શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ કરવા મંદિરનાં બારણા ખોલી નાખ્યાં હતાં!—૨ કાળવૃત્તાંત ૨૯:૩-૫.

૧૦. આશ્શૂર વિષે યહોવાહ કયો નિર્ણય લે છે?

૧૦ તેથી, યહોવાહ પરમેશ્વર, યરૂશાલેમ પર હુમલો કરવાની આશ્શૂરની યોજનાને મંજૂરી આપતા નથી. પરંતુ, યહોવાહ એ અભિમાની જગત સત્તાનો હિસાબ ચૂકતે કરવાનો નિર્ણય કરે છે: “પ્રભુ સિયોન પર્વત પર ને યરૂશાલેમ પર પોતાનું સર્વ કામ પૂરૂં કરશે, તે પછી હું આશ્શૂરના રાજાના મનમાં આવેલા અભિમાનને તથા તેની મગરૂબ દૃષ્ટિના ગર્વને જોઈ લઈશ.”—યશાયાહ ૧૦:૧૨.

યહુદાહ અને યરૂશાલેમ પર ચઢાઈ!

૧૧. આશ્શૂરને શા માટે લાગે છે કે, યરૂશાલેમ જીતવું રમત વાત છે?

૧૧ ઉત્તરનું રાજ્ય હારી ગયું, એના આઠ વર્ષ પછી, ૭૪૦ બી.સી.ઈ.માં આશ્શૂરનો નવો રાજા, સાન્હેરીબ યરૂશાલેમ પર ચઢી આવે છે. સાન્હેરીબની ઘમંડી યોજનાનું વર્ણન, યશાયાહ કાવ્યમાં કરે છે: “મેં લોકોની સીમા ખસેડી છે, તેઓના ભંડારોને લૂંટ્યા છે, અને શૂરવીરની પેઠે તખ્તો પર બેસનારાને હેઠે પાડ્યા છે; વળી પક્ષીઓના માળાની પેઠે દેશોનું દ્રવ્ય મારે હાથ આવ્યું છે; તજેલાં ઈંડાંને એકઠાં કરવામાં આવે છે તેવી રીતે મેં આખી દુનિયા એકઠી કરી છે; પાંખ ફફડાવે, મુખ ઉઘાડે, કે ચીંચીં કરે, એવું કોઇ નથી.” (યશાયાહ ૧૦:૧૩, ૧૪) સાન્હેરીબને લાગે છે કે, બીજાં શહેરો હારી ગયાં છે, સમરૂન પણ હતું ન હતું થઈ ગયું છે. તેથી, યરૂશાલેમ જીતવું તો સાવ રમત વાત છે! એ શહેરના લોકો સામનો કરે પણ ખરા, પરંતુ ટકશે નહિ. એના રહેવાસીઓ જલદી જ ચૂં કે ચાં કર્યા વિના હાર માની લેશે! તેમ જ, તજેલા માળામાંથી ઈંડાં વીણી લેવામાં આવે, એમ તેઓનું દ્રવ્ય લૂંટી લેવાશે.

૧૨. યહોવાહ પરમેશ્વર આશ્શૂરની બડાઈને કઈ રીતે જુએ છે?

૧૨ જો કે સાન્હેરીબ જાણે આંધળો હોય એમ લાગે છે. ધર્મત્યાગી સમરૂનને થયેલી શિક્ષા યોગ્ય હતી. પરંતુ, રાજા હિઝકીયાહના રાજમાં યરૂશાલેમ ફરીથી શુદ્ધ ભક્તિનું સ્થાન બની ગયું હતું. કોઈ યરૂશાલેમને આંગળી પણ અડાડે તો, તેઓનું આવી જ બન્યું સમજો. તેથી, યશાયાહ પૂછે છે: “શું કુહાડી તેને વાપરનાર પર સરસાઈ કરે? શું કરવત તેને વાપરનારની સામે બડાઈ કરે? જેમ છડી તેને ઝાલનારાને હલાવે, ને જે લાકડું નથી તેને એટલે માણસને સોટી ઉઠાવે તેમ એ છે!” (યશાયાહ ૧૦:૧૫) આશ્શૂર તો જાણે કઠિયારાની કુહાડી, સુથારની કરવત, કે ભરવાડના હાથમાંની લાકડીની જેમ યહોવાહનું સાધન માત્ર હતું! હવે એક સાધન કઈ રીતે એના વાપરનારની સામે બડાઈ કરી શકે!

૧૩. નીચે આપેલી બાબતો શું છે, અને એનું શું થશે? (ક) “બળવાનો.” (ખ) ‘કાંટા તથા ઝાંખરાં.’ (ગ) ‘તેના વનની શોભા.’

૧૩ આશ્શૂરનું શું થશે? “તે માટે સૈન્યોનો પ્રભુ યહોવાહ તેના બળવાનોમાં નિર્બળતા લાવશે; અને તેના વૈભવમાં અગ્‍નિની જ્વાળા જેવી જ્વાળા પ્રગટાવશે. ઈસ્રાએલનો પ્રકાશ તે અગ્‍નિરૂપ થશે, ને એનો પવિત્ર દેવ તે જ્વાળારૂપ થશે; તે એક દિવસે તેના કાંટા તથા તેનાં ઝાંખરાંને બાળીને ભસ્મ કરશે. વળી તેના વનની તથા તેના ફળદ્રુપ ખેતરની શોભા, આત્મા અને શરીર બન્‍નેને તે નષ્ટ કરશે; અને માંદો માણસ સુકાઇ જાય છે તે પ્રમાણે તે થશે. તેના વનનાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં થઇ જશે કે એક છોકરૂં પણ તેઓને નોંધી શકે.” (યશાયાહ ૧૦:૧૬-૧૯) આમ, યહોવાહ એ આશ્શૂરી ‘દંડને’ કાપી નાખશે, અને આશ્શૂરના ‘બળવાન’ સૈનિકોમાં “નિર્બળતા” લાવશે. તેથી, તેઓ અશક્ત બની જશે! વળી, ‘ઈસ્રાએલના પ્રકાશ’ યહોવાહથી, કાંટા અને ઝાંખરાંની જેમ તેના ભૂમિદળ બળીને ભસ્મ થઈ જશે. ‘તેના વનની શોભા,’ એટલે કે, તેના લશ્કરી અધિકારીઓનો અંત આવશે. યહોવાહ પરમેશ્વર આશ્શૂરીઓનો અંત લઈ આવશે ત્યારે, એટલા ઓછા અધિકારીઓ રહી જશે કે, નાનું છોકરું પણ તેઓને ગણી શકશે!યશાયાહ ૧૦:૩૩, ૩૪ પણ જુઓ.

૧૪. યહુદાહની ભૂમિ પર, ૭૩૨ બી.સી.ઈ.માં, આશ્શૂરી લશ્કરની ચઢાઈનું વર્ણન કરો.

૧૪ જો કે ૭૩૨ બી.સી.ઈ.માં યરૂશાલેમમાં રહેતા યહુદીઓને એમ માનવું બહુ જ અઘરું લાગતું હશે કે, આશ્શૂરનો પરાજય થશે. આશ્શૂરીઓનું મોટું લશ્કર તો સતત નજીક આવતું જતું હતું. યહુદાહમાં હારી ગયેલાં શહેરોનાં નામની યાદી તો સાંભળો: “તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોન . . . મિખ્માશ . . . ગેબા . . . રામાહ . . . શાઊલનું ગિબઆહ . . . ગાલ્લીમ . . . લાઈશાહ . . . અનાથોથ . . . માદમેનાહ . . . ગેબીમ . . . નોબમાં મુકામ કરશે.” (યશાયાહ ૧૦:૨૮-૩૨ ) * છેવટે, લશ્કર યરૂશાલેમથી ફક્ત ૫૦ કિલોમીટર દૂર, લાખીશ સુધી પહોંચી આવે છે. જલદી જ, આશ્શૂરનું લશ્કર શહેર પર ગીધની જેમ મંડરાવા માંડે છે. “સિયોનની દીકરીના પર્વતની સામે, યરૂશાલેમના ડુંગરની સામે તે પોતાની મુક્કી ઉગામશે.” (યશાયાહ ૧૦:૨૮-૩૨ ) હવે, આશ્શૂરીઓને કોણ રોકી શકે?

૧૫, ૧૬. (ક) શા માટે રાજા હિઝકીયાહને દૃઢ વિશ્વાસની જરૂર હતી? (ખ) હિઝકીયાહને કઈ રીતે વિશ્વાસ હતો કે યહોવાહ તેને જરૂર મદદ કરશે?

૧૫ રાજા હિઝકીયાહ પોતાના મહેલમાં ખૂબ જ ચિંતાતુર છે. તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં, અને તાટ ઓઢ્યું. (યશાયાહ ૩૭:૧) તે પ્રબોધક યશાયાહ પાસે માણસો મોકલે છે, જેથી તે યહોવાહને યહુદાહ વિષે પૂછી જુએ. તેઓ તરત જ જવાબ સાથે પાછા ફરે છે: “તારે બીવું નહિ. . . . હું . . . આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.” (યશાયાહ ૩૭:૬, ૩૫) તેમ છતાં, આશ્શૂરીઓ તો જીત મેળવવાની પૂરી ખાતરી રાખતા હતા.

૧૬ ફક્ત વિશ્વાસ એ જ રાજા હિઝકીયાહને આ કટોકટીમાં ટકાવી શકે. વિશ્વાસ તો “અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હેબ્રી ૧૧:૧) એટલે કે, બાબતો આપણી નહિ, પરંતુ પરમેશ્વરની નજરે જોવી. પરંતુ, વિશ્વાસ માટે જ્ઞાન જરૂરી છે. હિઝકીયાહ યહોવાહના આ દિલાસાજનક શબ્દોથી જાણકાર હશે: “હે સિયોનમાં રહેનાર મારા લોક, આશ્શૂરથી બીતા નહિ; . . . થોડી મુદ્દતમાં મારો કોપ સમાપ્ત થશે, ને તેઓનો વિનાશ કરવામાં મારો રોષ સમાપ્ત થશે. ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો, તે રીતે સૈન્યોનો દેવ યહોવાહ તેના પર આફતો લાવશે; તેની સોટી જેમ સમુદ્રમાં મિસર પર ઉગામવામાં આવી હતી તેમ તેઓ પર ઉગામવામાં આવશે.” (યશાયાહ ૧૦:૨૪-૨૬) * ખરું, પરમેશ્વરના લોકો અગાઉ પણ મુસીબતમાં મૂકાયા હતા. હિઝકીયાહના બાપદાદાઓને રાતા સમુદ્ર પાસે, મિસરના લશ્કર સામે કોઈ જ આશા રહી ન હતી. સદીઓ પહેલાં, મિદ્યાન અને અમાલેકીઓ ઈસ્રાએલ પર ચડી આવ્યા ત્યારે, ગિદઓન પર મોટી આફત આવી પડી, કેમ કે તેઓ સામે પોતાના લશ્કરની કોઈ જ વિસાત ન હતી. તોપણ, એ બંને સંજોગોમાં, યહોવાહે પોતાના લોકોને બચાવ્યા હતા.—નિર્ગમન ૧૪:૭-૯, ૧૩, ૨૮; ન્યાયાધીશો ૬:૩૩; ૭:૨૧, ૨૨.

૧૭. આશ્શૂરીઓની ઝૂંસરી કઈ રીતે ‘નાશ પામી,’ અને શા માટે?

૧૭ એ સમયની જેમ જ શું યહોવાહ ફરીથી મદદ કરશે? હા. યહોવાહ વચન આપે છે: “તે સમયે તેનો ભાર તારી ખાંધ પરથી, ને તેની ઝુંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, ને પુષ્ટિને [અથવા, અભિષેક તેલને] લીધે ઝૂંસરી નાશ પામશે.” (યશાયાહ ૧૦:૨૭) પરમેશ્વરના કરારના લોકોની ખાંધ અને ગરદન પરથી આશ્શૂરની “ઝૂંસરી” ઉતારવામાં આવશે, અને એ “નાશ પામશે.” ખરેખર, એમ જ બન્યું! એક જ રાત્રે, યહોવાહના દૂતે ૧,૮૫,૦૦૦ આશ્શૂરીઓને મારી નાખ્યા. બાકી રહેલા આશ્શૂરીઓ હંમેશ માટે યહુદાહ છોડી ગયા. (૨ રાજાઓ ૧૯:૩૫, ૩૬) એમ શા માટે બન્યું? ‘અભિષેક તેલને લીધે.’ એ તેલ, દાઊદની વંશાવળીમાંના રાજા હિઝકીયાહને અભિષિક્ત કરવા વપરાયેલું તેલ હોય શકે. આમ, યહોવાહે પોતાનું વચન પૂરું કર્યું: “કેમકે હું મારી પોતાની ખાતર, તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.”—૨ રાજાઓ ૧૯:૩૪.

૧૮. (ક) શું યશાયાહની ભવિષ્યવાણીની એકથી વધુ પરિપૂર્ણતાઓ છે? સમજાવો. (ખ) આજે કયું સંગઠન પ્રાચીન સમરૂન જેવું છે?

૧૮ યશાયાહનો આ અહેવાલ યહુદાહમાં ૨,૭૦૦ વર્ષ અગાઉ બની ગયો. પરંતુ, આજે પણ એ બનાવોનું ખૂબ જ મહત્ત્વ છે. (રૂમી ૧૫:૪) શું એનો અર્થ એ થાય કે, આ બનાવોના મુખ્ય પાત્રો એટલે કે સમરૂન, યરૂશાલેમ અને આશ્શૂરના રહેવાસીઓ જેવા જ પાત્રો આજે પણ છે? હા. મૂર્તિપૂજક સમરૂનની જેમ, કહેવાતા ખ્રિસ્તીઓ યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરવાનો દાવો કરે છે, પરંતુ તે તો એકદમ ધર્મત્યાગી છે. ખ્રિસ્તી શિક્ષણોના વિકાસ પરના લેખ (અંગ્રેજી)માં, રોમન કૅથલિક પ્રમુખ જોન હેનરી ન્યૂમન કબૂલે છે કે, સદીઓથી કહેવાતા ખ્રિસ્તીઓ જે અગરબત્તી, મીણબત્તી, પવિત્ર જળ, પાદરીઓનો પહેરવેશ, અને મૂર્તિઓનો ઉપયોગ કરે છે, “એ સર્વનું મૂળ મૂર્તિપૂજક ધર્મોમાં છે.” સમરૂનની મૂર્તિપૂજાની જેમ જ, ખ્રિસ્તીરાષ્ટ્રની મૂર્તિપૂજક ભક્તિને પણ યહોવાહ પરમેશ્વર ધિક્કારે છે.

૧૯. ખ્રિસ્તીરાષ્ટ્રને કઈ ચેતવણી આપવામાં આવી છે, અને કોના દ્વારા?

૧૯ યહોવાહના સાક્ષીઓ વર્ષોથી ખ્રિસ્તીરાષ્ટ્રને એ વિષે ચેતવણી આપી રહ્યા છે. દાખલા તરીકે, ૧૯૫૫માં, આખા જગતમાં આ વિષય પર ભાષણ અપાયું હતું, “‘જગતનું અજવાળું’ કોણ છે—ખ્રિસ્તીરાષ્ટ્ર કે ખ્રિસ્તીધર્મ?” એ ભાષણે સ્પષ્ટ સમજાવ્યું કે, ખ્રિસ્તીરાષ્ટ્ર કઈ રીતે સાચા ખ્રિસ્તીધર્મથી દૂર ચાલ્યું ગયું છે. પછી, ઘણા દેશોના પાદરીઓને એ ભાષણની નકલ મોકલવામાં આવી. એક સંગઠન તરીકે, ખ્રિસ્તીરાષ્ટ્ર ચેતવણી સાંભળવામાં નિષ્ફળ ગયું છે. તેથી, એને “દંડ” વડે સજા આપ્યા સિવાય યહોવાહ પાસે કોઈ માર્ગ નથી.

૨૦. (ક) આજનું આશ્શૂર શું છે, અને એનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવશે? (ખ) ખ્રિસ્તીરાષ્ટ્રને કેવી સજા મળશે?

૨૦ યહોવાહ એ બંડખોર ખ્રિસ્તીરાષ્ટ્રને સજા આપવા કોનો ઉપયોગ કરશે? આપણને એનો જવાબ પ્રકટીકરણના ૧૭માં અધ્યાયમાં મળે છે. આપણને ત્યાં “મહાન બાબેલોન” નામની વેશ્યા વિષે જાણવા મળે છે, જે ખ્રિસ્તીરાષ્ટ્ર અને જગતના સર્વ જૂઠા ધર્મોને ચિત્રિત કરે છે. એ વેશ્યા એક કિરમજી રંગના શ્વાપદ પર બેઠેલી છે, જેને સાત માથાં અને દશ શિંગડાં છે. (પ્રકટીકરણ ૧૭:૩, ૫, ૭-૧૨) એ શ્વાપદ સંયુક્ત રાષ્ટ્ર સંઘને રજૂ કરે છે. * પ્રાચીન આશ્શૂરીઓએ સમરૂનનો વિનાશ કર્યો હતો, એમ જ આ કિરમજી રંગનું શ્વાપદ “વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્‍ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્‍નિથી તેને બાળી નાખશે.” (પ્રકટીકરણ ૧૭:૧૬) આમ, આજનું આશ્શૂર (સંયુક્ત રાષ્ટ્રમાંના દેશો) પણ ખ્રિસ્તીરાષ્ટ્રનું નામનિશાન મીટાવી દેશે.

૨૧, ૨૨. પરમેશ્વરના લોકો પર હુમલો કરવા શ્વાપદને કોણ ઉશ્કેરશે?

૨૧ શું યહોવાહના વિશ્વાસુ સાક્ષીઓ પણ મહાન બાબેલોન સાથે નાશ પામશે? ના. યહોવાહ પરમેશ્વર તેઓથી નારાજ નથી. શુદ્ધ ભક્તિ જરૂર ટકશે. જો કે મહાન બાબેલોનનો નાશ કરનાર શ્વાપદ યહોવાહના લોકોનું પણ એમ જ કરવાની ઇચ્છા રાખે છે. આમ, એ શ્વાપદ યહોવાહની નહિ, પરંતુ શેતાનની ઇચ્છા પ્રમાણે કરે છે.

૨૨ જો કે યહોવાહ પરમેશ્વર શેતાનની ઘમંડી યોજના ખુલ્લી પાડે છે: “તે દિવસે તારા [શેતાનના] મનમાં કેટલીક વાતોના વિચાર આવશે, ને તું દુષ્ટ યોજના યોજીને કહેશે, કે હું . . . જેઓ [રક્ષણ આપનાર] કોટ વગર . . . નિરાંતે ને નિર્ભયપણે રહે છે તેમના પર હું ચઢાઈ કરીશ; જેથી હું તેઓને લૂંટી લઉં ને પકડી લઉં.” (હઝકીએલ ૩૮:૧૦-૧૨) શેતાન વિચારશે, ‘દેશોને યહોવાહના સાક્ષીઓ પર પણ હુમલો કરવા કેમ ન ઉશ્કેરવા? તેઓનો શિકાર કરવો સહેલો છે, તેઓને કોઈ રક્ષણ નથી, કે રાજકારણમાં લેવાદેવા નથી. તેઓ સામનો કરશે નહિ. દેખરેખ વિનાના માળામાંથી સહેલાઈથી ઈંડાં ચોરી લઈ શકાય, એમ જ તેઓનો અંત લાવી શકાશે!’

૨૩. આજનું આશ્શૂર ખ્રિસ્તીરાષ્ટ્રને જે કરે છે, એ જ યહોવાહના લોકોને કેમ કરી શકશે નહિ?

૨૩ પરંતુ, અરે દેશો, ચેતજો! તમે યહોવાહના લોકોને આંગળી પણ અડાડશો તો તમારું આવી બનશે! યહોવાહને તેમના લોકો ખૂબ જ વહાલા છે! હિઝકીયાહના સમયમાં યરૂશાલેમ માટે લડ્યા હતા, એમ જ તે ફરીથી કરશે. આજનું આશ્શૂર યહોવાહના ભક્તોનો નાશ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે, યહોવાહ પરમેશ્વર અને તેમના હલવાન, ઈસુ ખ્રિસ્ત સાથે લડાઈમાં ઉતરશે. આશ્શૂર પાસે કોઈ તાકાત નથી કે, તે એ લડાઈ જીતી શકે. બાઇબલ કહે છે કે, “હલવાન તેઓને જીતશે, કેમકે એ પ્રભુઓનો પ્રભુ તથા રાજાઓનો રાજા છે.” (પ્રકટીકરણ ૧૭:૧૪; સરખાવો માત્થી ૨૫:૪૦.) પહેલાંના આશ્શૂરની જેમ જ, કિરમજી રંગનું શ્વાપદ “નાશમાં” જશે. તેથી, એનાથી બીવાની કોઈ જરૂર નથી.—પ્રકટીકરણ ૧૭:૧૧.

૨૪. (ક) ભાવિની તૈયારી માટે, સાચા ખ્રિસ્તીઓએ શું કરવાનો નિર્ણય લીધો છે? (ખ) કઈ રીતે યશાયાહ ભાવિ જણાવે છે? (પાન ૧૫૫ પરનું બૉક્સ જુઓ.)

૨૪ સાચા ખ્રિસ્તીઓ યહોવાહ સાથે ગાઢ સંબંધ રાખે અને તેમની ઇચ્છા જીવનમાં પ્રથમ મૂકે તો, તેઓ ભાવિનો સફળતાથી સામનો કરી શકે. (માત્થી ૬:૩૩) આમ, તેઓએ ‘ભૂંડાઈથી બીવાની જરૂર નથી.’ (ગીતશાસ્ત્ર ૨૩:૪) તેઓ જોઈ શકશે કે, યહોવાહનો હાથ તેઓને સજા કરવા તો નહિ, પરંતુ દુશ્મનો સામે ઢાલ સમાન બનશે. તેઓ આ શબ્દોથી હિંમત મેળવશે: “બીતા નહિ.”—યશાયાહ ૧૦:૨૪.

[ફુટનોટ્‌સ]

^ શાસ્ત્રવચનો પર સમજણ (અંગ્રેજી), ભાગ ૧, પાન ૨૦૩ જુઓ.

^ સ્પષ્ટ સમજણ માટે, યશાયાહ ૧૦:૨૦-૨૭ પહેલાં, યશાયાહ ૧૦:૨૮-૩૨ની ચર્ચા કરવામાં આવી છે.

^ યશાયાહ ૧૦:૨૦-૨૩ની ચર્ચા માટે, પાન ૧૫૫ પર “યશાયાહ આગળ જુએ છે,” બૉક્સ જુઓ.

^ વેશ્યા અને કિરમજી રંગના શ્વાપદની ઓળખ વિષેની વધુ માહિતી વૉચટાવર સોસાયટી દ્વારા પ્રકાશિત, પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે!, પુસ્તકના ૩૪ અને ૩૫માં પ્રકરણમાં મળી આવે છે.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫૫, ૧૫૬ પર બોક્સ/ચિત્રો]

યશાયાહ ભાવિ જણાવે છે

યશાયાહ ૧૦:૨૦-૨૩

યશાયાહનો દશમો અધ્યાય મોટે ભાગે જણાવે છે કે, ઈસ્રાએલને સજા કરવા માટે યહોવાહ કઈ રીતે આશ્શૂરના આક્રમણનો ઉપયોગ કરશે, અને કઈ રીતે યરૂશાલેમનું રક્ષણ કરશે. કલમ ૨૦-૨૩ આ ભવિષ્યવાણીનો ભાગ હોવાથી, એમ માની શકાય કે એની સામાન્ય પરિપૂર્ણતા પણ એ જ સમયે થઈ હોવી જોઈએ. (યશાયાહ ૧:૭-૯ સરખાવો.) જો કે એના શબ્દો દર્શાવે છે કે, આ કલમો ખાસ કરીને પછીથી લાગુ પડે છે, જ્યારે યરૂશાલેમને પણ તેના લોકોનાં પાપ માટે જવાબ આપવો પડે છે.

રાજા આહાઝે સલામતી માટે આશ્શૂરની મદદ મેળવવાનો પ્રયત્ન કર્યો. યશાયાહ ભાખે છે કે, ઈસ્રાએલના બચી ગયેલા લોકો કદી પણ આવી મૂર્ખાઈ ફરીથી કરશે નહિ. યશાયાહ ૧૦:૨૦ કહે છે કે, “યહોવાહ જે ઈસ્રાએલનો પવિત્ર દેવ છે, તેના પર તેઓ ખરા હૃદયથી આધાર રાખશે.” જો કે ૨૧મી કલમ બતાવે છે કે, બહુ થોડા લોકો એમ કરશે, કેમ કે ફક્ત ‘શેષ પાછો આવશે.’ એ આપણને યશાયાહના પુત્ર શઆર-યાશૂબની યાદ અપાવે છે, જે ઈસ્રાએલ માટે ચિહ્‍નરૂપ છે, અને જેના નામનો અર્થ થાય “ફક્ત શેષભાગ પાછો ફરશે.” (યશાયાહ ૭:૩) યશાયાહ ૧૦:૨૨ આવનાર “વિનાશ” વિષે ચેતવણી આપે છે. એ વિનાશ ન્યાયી હશે, કારણ કે એ હઠીલા લોકો સજાને યોગ્ય જ છે. તેથી, દેશના “લોક સમુદ્રની રેતી જેટલા હશે,” પણ એમાંથી માત્ર શેષભાગ જ પાછો ફરશે. કલમ ૨૩ પ્રમાણે, આ વિનાશની અસર આખા દેશમાં થશે. આ વખતે, યરૂશાલેમ પણ બાકી રહેશે નહિ.

યહોવાહે ૬૦૭ બી.સી.ઈ.માં બાબેલોની સામ્રાજ્યનો “દંડ” તરીકે ઉપયોગ કર્યો ત્યારે જે બન્યું, એનું આ કલમો વર્ણન કરે છે. યરૂશાલેમ સહિત, આખો દેશ દુશ્મનો જીતી ગયા. યહુદીઓએ ૭૦ વર્ષ સુધી બાબેલોનના બંદીવાસમાં રહેવું પડ્યું. જો કે ત્યાર પછી, યરૂશાલેમમાં સાચી ભક્તિ ફરીથી સ્થાપવા ફક્ત “શેષ” પાછો ફર્યો.

રૂમી ૯:૨૭, ૨૮માં બતાવ્યા પ્રમાણે, યશાયાહ ૧૦: ૨૦- ૨૩માંની ભવિષ્યવાણી પ્રથમ સદીમાં પણ પરિપૂર્ણ થઈ. (સરખાવો યશાયાહ ૧:૯; રૂમી ૯:૨૯.) પાઊલે સમજણ આપી કે, સાંકેતિક રીતે, યહુદીનો “શેષ” પ્રથમ સદીમાં યહોવાહ પાસે ‘પાછો ફર્યો.’ એટલે કે, થોડાક વિશ્વાસુ યહુદીઓ ઈસુ ખ્રિસ્તના અનુયાયી બન્યા, અને “આત્માથી તથા સત્યતાથી” યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરવા લાગ્યા. (યોહાન ૪:૨૪) પછીથી, એમાં બિન-ઈસ્રાએલીઓનો પણ ઉમેરો થયો, જેઓએ સાંકેતિક રીતે ‘દેવનું ઈસ્રાએલ’ બનાવ્યું. (ગલાતી ૬:૧૬) એ પ્રસંગે, યશાયાહ ૧૦:૨૦માંના શબ્દો પૂરા થયા: યહોવાહ પરમેશ્વરને સમર્પિત પ્રજા ફરીથી કદી પણ તેમને છોડીને મનુષ્ય પાસે સલામતી શોધવા જશે નહિ.

[પાન ૧૪૭ પર ચિત્ર]

સાન્હેરીબ માનતો હતો કે માળામાંથી ઈંડાં વીણી લેવાય તેમ, દેશો જીતી લેવા એ તો રમત વાત છે