આ જગતમાંથી કોઈ મદદ નહિ મળે
ચોવીસમું પ્રકરણ
આ જગતમાંથી કોઈ મદદ નહિ મળે
૧, ૨. (ક) યરૂશાલેમના લોકો શા માટે ગભરાઈ ગયા છે? (ખ) યરૂશાલેમના સંજોગો જોતા, કયા પ્રશ્નો પૂછવા યોગ્ય છે?
યરૂશાલેમના લોકો બીકથી થરથર કાંપે છે, અને એનું કારણ છે! એ સમયના શક્તિશાળી સામ્રાજ્ય, આશ્શૂરે “યહુદાહનાં સર્વ કોટવાળાં નગર પર સવારી કરીને તે સર કર્યાં” હતા. (૨ રાજાઓ ૧૮:૧૩, ૧૭) રાજા હિઝકીયાહ અને યરૂશાલેમના લોકો હવે શું કરશે?
૨ દેશના બીજા શહેરો હારી ગયા હોવાથી, હિઝકીયાહ જાણતો હતો કે યરૂશાલેમ આશ્શૂરના શક્તિશાળી લશ્કરો સામે ટકી શકે એમ ન હતું. તેમ જ, આશ્શૂરીઓ હિંસા અને ક્રૂરતા માટે જાણીતા હતા. તેઓનું લશ્કર એટલું નિર્દયી હતું કે ઘણા વિરોધીઓ અમુક વખત તેઓ સામે લડ્યા વિના જ નાસી છૂટતા! યરૂશાલેમને માથે આ સંકટ આવીને ઊભું છે ત્યારે, તે કોની પાસે મદદ માંગશે? શું આશ્શૂરી લશ્કરથી બચી જવાનો કોઈ માર્ગ છે ખરો? વળી, કઈ રીતે યહોવાહના લોકો આ સંકટમાં આવી પડ્યા? આ સવાલોના જવાબ મેળવવા આપણે ઇતિહાસમાં જોવું પડશે કે યહોવાહે પોતાના ખાસ પસંદ કરેલા લોકો સાથે કઈ રીતે વહેવાર કર્યો હતો.
ઈસ્રાએલમાં ધર્મત્યાગ
૩, ૪. (ક) ક્યારે અને કઈ રીતે ઈસ્રાએલી પ્રજાના બે રાજ્યમાં ભાગલા પડ્યા? (ખ) ઉત્તરના દસ કુળના રાજ્યમાં શરૂઆતથી જ યરોબઆમે કેવા કાર્યો કર્યા?
૩ ઈસ્રાએલી લોકોએ મિસર છોડ્યું ત્યારથી દાઊદના પુત્ર, સુલેમાનના મરણ સુધી ૫૦૦ વર્ષ થતા હતા. ઈસ્રાએલના ૧૨ કુળો ફક્ત એ સમય સુધી જ એક પ્રજા તરીકે સાથે હતા. સુલેમાનના મરણ પછી, યરોબઆમે ઉત્તરના દસ કુળોને દાઊદના રાજવંશ સામે બળવો પોકારવા ઉશ્કેર્યા. ત્યારથી, ઈસ્રાએલી પ્રજા બે રાજ્યોમાં વહેંચાઈ ગઈ. આ ૯૯૭ બી.સી. ઈ.માં બન્યું હતું.
૪ ઉત્તરના રાજ્યનો પહેલો રાજા, યરોબઆમ હતો. તે પોતાની પ્રજાને યહોવાહની વિરુદ્ધ દોરી ગયો અને લેવીપુત્રો ન હતા, તેઓને તેણે યાજકો ઠરાવ્યા. તેમ જ, યહોવાહની સાચી ભક્તિને બદલે વાછરડાની ઉપાસના કરીને બહુ મોટું પાપ કર્યું. (૧ રાજાઓ ૧૨:૨૫-૩૩) યહોવાહની નજરમાં એ ખૂબ જ ધિક્કારપાત્ર કાર્યો હતાં. (યિર્મેયાહ ૩૨:૩૦, ૩૫) આ અને બીજા કારણોસર, યહોવાહે ઈસ્રાએલ પર આશ્શૂરને જીતી જવા દીધું. (૨ રાજાઓ ૧૫:૨૯) હોશિયા રાજાએ મિસર સાથે મળી જઈને, આશ્શૂરની ગુલામીમાંથી છૂટવા કાવતરું ઘડ્યું, પણ આખી યોજના નિષ્ફળ ગઈ.—૨ રાજાઓ ૧૭:૪.
ઈસ્રાએલ ખોટી જગ્યાએ મદદ માંગે છે
૫. ઈસ્રાએલ કોની મદદ ચાહે છે?
૫ યહોવાહ પરમેશ્વર ઈસ્રાએલના લોકોને સીધે માર્ગે લાવવા ચાહે છે. * તેથી, તે પ્રબોધક યશાયાહને આ ચેતવણી આપવા મોકલે છે: “અફસોસ છે તેઓને કે જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાએ પર આધાર રાખે છે; અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે; પણ ઈસ્રાએલના પવિત્ર દેવની તરફ તેઓ દૃષ્ટિ કરતા નથી, ને યહોવાહને શોધતા નથી!” (યશાયાહ ૩૧:૧) કેટલું ખરાબ વલણ કહેવાય! ઈસ્રાએલ ઘોડાઓમાં અને લડાઈના ઘોડેસવારોમાં ભરોસો રાખે છે પણ જીવંત પરમેશ્વર, યહોવાહમાં નહિ. ઈસ્રાએલની નજરે મિસરના ઘોડાઓ ઘણા શક્તિશાળી છે. એટલે આશ્શૂરના સૈન્ય સામે તેઓ ખરેખર રક્ષણ પૂરું પાડશે! તેમ છતાં, જલદી જ ઈસ્રાએલના લોકોની આંખો ઉઘડશે કે મિસર સાથે હાથ મિલાવવાનો કોઈ જ ફાયદો નથી.
૬. ઈસ્રાએલે મિસર પાસે મદદ માંગી, એ કઈ રીતે યહોવાહમાં વિશ્વાસની ખામી બતાવતું હતું?
૬ ઈસ્રાએલ અને યહુદાહ બંને, નિયમકરાર હેઠળ યહોવાહ સાથે ખાસ સંબંધમાં આવી તેમના સમર્પિત લોકો બને છે. (નિર્ગમન ૨૪:૩-૮; ૧ કાળવૃત્તાંત ૧૬:૧૫-૧૭) મિસર પાસે મદદ માંગવા દોડી જઈને, ઈસ્રાએલ યહોવાહમાં વિશ્વાસની ખામી બતાવે છે અને એ પવિત્ર કરારના નિયમો તોડીને અનાદર કરે છે. શા માટે? એનું કારણ એ કે કરારની શરતોમાં એક એ પણ હતી કે જો લોકો ફક્ત યહોવાહની જ ભક્તિ કરશે, તો તે જરૂર તેઓનું રક્ષણ કરશે. (લેવીય ૨૬:૩-૮) પોતાના વચન પ્રમાણે જ, વારંવાર યહોવાહ ‘સંકટની વેળાએ તેઓનો કિલ્લો થયા હતા.’ (ગીતશાસ્ત્ર ૩૭:૩૯; ૨ કાળવૃત્તાંત ૧૪:૨, ૯-૧૨; ૧૭:૩-૫, ૧૦) વળી, મુસા જે નિયમ કરારનો મધ્યસ્થ હતો એના દ્વારા, યહોવાહે ઈસ્રાએલના ભાવિ રાજાઓને જણાવ્યું હતું કે તેઓ પોતાને માટે ઘોડાઓ ન વધારે. (પુનર્નિયમ ૧૭:૧૬) આ નિયમ પાળીને, રાજાઓ બતાવી આપવાના હતા કે, તેઓ રક્ષણ માટે “ઈસ્રાએલના પવિત્ર દેવની” મદદ શોધતા હતા. દુઃખની વાત એ છે કે ઈસ્રાએલના રાજાઓને એવો વિશ્વાસ ન હતો.
૭. ઈસ્રાએલીઓના વિશ્વાસની ખામીમાંથી આજે આપણે શું શીખી શકીએ?
૭ એમાં આજે આપણા માટે બોધપાઠ રહેલો છે. ઈસ્રાએલે મિસરમાં ભરોસો મૂક્યો, પણ એનાથી ઘણી જ શક્તિશાળી મદદ યહોવાહ પૂરી પાડી શકે, તેમનામાં નહિ. આજે આપણે પણ યહોવાહમાં નહિ, પરંતુ સમાજમાં મોભ્ભો, બૅંક-બેલેન્સ, લોકોની લાગવગમાં ભરોસો મૂકવા માટે લલચાઈ શકીએ. ખરું કે, કુટુંબમાં પિતા કે પતિને પોતાના કુટુંબને ભરણ-પોષણ પૂરું પાડવા પૈસા કમાવા પડે છે. (૧ તીમોથી ૫:૮) પરંતુ, તેઓ પોતાનો પૂરો ભરોસો એમાં જ મૂકી દેતા નથી. તેમ જ, તેઓ ‘સર્વ પ્રકારના લોભથી દૂર રહીને’ સાવધ રહે છે. (લુક ૧૨:૧૩-૨૧) ફક્ત યહોવાહ પરમેશ્વર જ “સંકટસમયે ગઢ થશે.”—ગીતશાસ્ત્ર ૯:૯; ૫૪:૭.
૮, ૯. (ક) ભલે ઈસ્રાએલની યોજના સારી લાગે છતાં, એનું પરિણામ શું આવશે, અને શા માટે? (ખ) માનવ વચનો અને યહોવાહના વચનોમાં શું ફરક છે?
૮ હકીકતમાં, મિસર સાથે હાથ મિલાવવાની યોજના ઘડનારા ઈસ્રાએલી આગેવાનોની યશાયાહ મશ્કરી કરે છે. હવે, યહોવાહ વિષે યશાયાહ કહે છે: “તથાપિ તે પણ જ્ઞાની છે, ને આફત આણે છે, ને પોતાના શબ્દો મિથ્યા કરતો નથી; અને દુષ્ટોનાં સંતાનોની સામે, ને અન્યાય કરનારાને સહાય કરનારની સામે તે ઊઠે છે.” (યશાયાહ ૩૧:૨) ઈસ્રાએલના આગેવાનો ધારતા હશે કે પોતે બહુ હોંશિયાર છે. પરંતુ, શું વિશ્વ બનાવનારમાં સૌથી વધારે ડહાપણ નથી? આમ જોતા તો ઈસ્રાએલ મિસર પાસેથી મદદ લેવાની યોજના ઘડે છે, એ બહુ સારી લાગે છે. તેમ છતાં, એવી રીતે જગતના રાજ્યોમાં ભરોસો મૂકવો, યહોવાહની નજરમાં વ્યભિચાર છે. (હઝકીએલ ૨૩:૧-૧૦) તેથી, યશાયાહ કહે છે કે યહોવાહ ‘આફત આણશે.’
૯ માનવ વચનોમાં કદી ભરોસો ન મૂકાય અને માનવ રક્ષણ ભરોસાપાત્ર હોતું નથી. જ્યારે કે યહોવાહના ‘શબ્દો મિથ્યા જતા નથી.’ યહોવાહ જે વચન આપે છે, તે જરૂર પૂરું કરે છે. તેમના વચનો પૂરા થયા વિના તેમની પાસે પાછા જતા નથી.—યશાયાહ ૫૫:૧૦, ૧૧; ૧૪:૨૪.
૧૦. મિસર અને ઈસ્રાએલ બંનેનું શું થશે?
૧૦ શું મિસર ઈસ્રાએલને રક્ષણ આપશે એની કોઈ ખાતરી છે? ના. યશાયાહ ઈસ્રાએલને જણાવે છે: “હવે મિસરીઓ તો માણસ છે, તેઓ દેવ નથી; તેમના ઘોડા માંસ છે, તેઓ આત્મા નથી; જ્યારે યહોવાહ પોતાનો હાથ લાંબો કરશે, ત્યારે જે સહાય કરનાર છે તે ઠોકર ખાશે, ને સહાય લેનાર પડી જશે, તેઓનો એકત્ર નાશ થઇ જશે.” (યશાયાહ ૩૧:૩) યહોવાહ આશ્શૂર દ્વારા પોતાનું ન્યાયચુકાદો લઈ આવશે ત્યારે, સહાય કરનાર (મિસર) અને સહાય લેનાર (ઈસ્રાએલ) બંને પડશે અને તેઓનો નાશ થશે.
સમરૂનનો અંત
૧૧. ઈસ્રાએલના પાપનો ઘડો કઈ રીતે ભરાઈ ગયો હતો, અને આખરે શું બને છે?
૧૧ યહોવાહ દયા બતાવીને વારંવાર પોતાના પ્રબોધકોને મોકલે છે. તે ઈસ્રાએલને ઉત્તેજન આપે છે કે પસ્તાવો કરીને શુદ્ધ ઉપાસના કરે. (૨ રાજાઓ ૧૭:૧૩) તેમ છતાં, ઈસ્રાએલના લોકો ફક્ત વાછરડાની જ ભક્તિ નથી કરતા, પણ હવે તો જ્યોતિષ, બઆલની અનૈતિક ઉપાસના અને અશેરાહની મૂર્તિ તથા ઉચ્ચસ્થાનોની ભક્તિ પણ કરતા હતા. અરે, ઈસ્રાએલીઓ તો ભૂતોને બલિદાન ચડાવવા માટે પોતાના પેટના “દીકરા તથા દીકરીઓને તેઓએ અગ્નિમાં થઇને ચલાવ્યાં હતાં.” (૨ રાજાઓ ૧૭:૧૪-૧૭; ગીતશાસ્ત્ર ૧૦૬:૩૬-૩૯; આમોસ ૨:૮) તેથી, ઈસ્રાએલની દુષ્ટતાનો અંત લાવવા માટે યહોવાહે ફેંસલો કર્યો કે “પાણી પરના ફીણની પેઠે સમરૂન, તેના રાજાસહિત, નાશ પામ્યું છે.” (હોશીયા ૧૦:૧, ૭) ઈસ્રાએલના પાટનગર સમરૂન પર ૭૪૨ બી.સી.ઈ.માં આશ્શૂરનું લશ્કર ચડી આવે છે. ત્રણ વર્ષ સુધી ઘેરી લીધા પછી, ૭૪૦ બી.સી.ઈ.માં સમરૂન હારી જાય છે, અને દસ કુળના રાજ્યનું નામનિશાન મટી જાય છે.
૧૨. આજે યહોવાહે કયું કાર્ય સોંપ્યું છે, અને ચેતવણી માનતા નથી તેઓનું શું થશે?
૧૨ આજે યહોવાહે આખા જગતમાં પ્રચાર કરવાનું કાર્ય સોંપ્યું છે જેથી, “સઘળાં માણસોને પસ્તાવો કરવાની” ચેતવણી આપવામાં આવે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૦; માત્થી ૨૪:૧૪) પરંતુ, યહોવાહ જે તારણની આશા આપે છે, એનો નકાર કરનારાઓ “પાણી પરના ફીણ” જેવા થશે, અને ધર્મત્યાગી ઈસ્રાએલીઓની જેમ વિનાશ પામશે. બીજી બાજુ, યહોવાહમાં આશા રાખનારા “દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) તેથી, એમાં જ ડહાપણ છે કે આપણે ઈસ્રાએલના અગાઉના રાજ્યએ કરેલી ભૂલો ન કરીએ! ચાલો આપણે બચાવ માટે, યહોવાહ પરમેશ્વરમાં આપણો પૂરેપૂરો ભરોસો મૂકીએ.
યહોવાહની બચાવવાની શક્તિ
૧૩, ૧૪. સિયોનને યહોવાહ કેવા દિલાસો આપનારા શબ્દો કહે છે?
૧૩ ઈસ્રાએલની દક્ષિણ સીમાથી થોડાક કિલોમીટર દૂર યહુદાહનું પાટનગર યરૂશાલેમ આવેલું છે. યરૂશાલેમના લોકો સારી રીતે જાણે છે કે સમરૂનનું શું થયું હતું. હવે, તેઓને પણ એ જ દુશ્મન ધમકી આપી રહ્યો છે, જેણે ઉત્તરના પાડોશીનું નામનિશાન મીટાવી દીધું. શું તેઓ સમરૂનના વિનાશમાંથી કંઈ પાઠ શીખશે?
૧૪ યશાયાહના હવે પછીના શબ્દો યરૂશાલેમના લોકોને ખૂબ દિલાસો આપે છે. “યહોવાહે મને કહ્યું છે, કે જ્યારે સિંહ તથા સિંહનો બચ્ચો પોતાના શિકાર પર ઘૂરકે છે, ત્યારે જો તેની સામા ભરવાડોનો મોટો જથો બોલાવવામાં આવે, તો તેઓની બૂમ સાંભળીને તે બી જતો નથી, એને તેમના હોકારાથી તે ભયભીત થતો નથી; તેમ સૈન્યોનો યહોવાહ સિયોન પર્વત પર, તથા તેના ડુંગર પર યુદ્ધ કરવાને ઊતરી આવશે.” (યશાયાહ ૩૧:૪) જેમ સિંહ પોતાના શિકાર પર હક્ક જમાવીને ઊભો હોય છે, તેમ યહોવાહ પોતાના પવિત્ર નગર સિયોનનું રક્ષણ કરવા ઊભા થશે. પછી ભલે આશ્શૂરનું સૈન્ય બડાઈ મારે, ધમકી આપે કે ગમે એવા ધમપછાડા કરે, પણ યહોવાહ પરમેશ્વરને પોતાનો હેતુ પૂરો કરતા કોઈ રોકી શકશે નહિ.
૧૫. યહોવાહ કઈ રીતે યરૂશાલેમના લોકોને પ્રેમ અને કોમળતા બતાવે છે?
૧૫ હવે, યહોવાહ જે પ્રેમ અને કોમળતા યરૂશાલેમના લોકો પર રાખે છે એ જુઓ: “ઊડનારાં પક્ષીની પેઠે સૈન્યોનો દેવ યહોવાહ યરૂશાલેમ પર આચ્છાદન કરશે; તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે.” (યશાયાહ ૩૧:૫) પક્ષીઓમાં જે મા હોય છે, તે કોઈ પણ કિંમતે પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરશે. તે બચ્ચાંની ઉપર પાંખો ફેલાવે છે, અને તેની નજર આજુબાજુ ફરતી રહે છે, જેથી કોઈ પણ જોખમ જોતા જ તે કંઈક કરશે. જો શિકારી નજીક આવે, તો તરત જ સામે થઈને તે બચ્ચાંનું રક્ષણ કરશે. એ જ પ્રમાણે, યહોવાહ યરૂશાલેમના લોકોનું આશ્શૂરી શિકારીઓથી પૂરેપૂરું રક્ષણ કરશે.
‘હે ઈસ્રાએલીઓ, પાછા ફરો’
૧૬. (ક) યહોવાહ પોતાના લોકોને શું કરવાનું ઉત્તેજન આપે છે? (ખ) ખાસ કરીને યહુદાહના લોકોનું બંડ વધારે ક્યારે દેખાય આવે છે? સમજાવો.
૧૬ યહોવાહ હવે તેમના લોકોને યાદ કરાવે છે કે તેઓએ પાપ કર્યું છે અને તેઓના ખોટા માર્ગો છોડી દેવાનું ઉત્તેજન આપે છે: “હે ઈસ્રાએલીઓ, જેની સામે તમે ભારે ફિતૂર કરેલું છે, તેની ભણી ફરો.” (યશાયાહ ૩૧:૬) ફક્ત ઈસ્રાએલના દસ કુળનું રાજ્ય જ બંડ કરતું નથી. પરંતુ, યહુદાહના લોકો, “ઈસ્રાએલીઓ” પણ ‘ભારે ફિતૂર કરે’ છે. ખાસ કરીને, યશાયાહ જ્યારે યહોવાહના સંદેશા આપી રહેશે, એના થોડા સમય પછી હિઝકીયાહનો પુત્ર મનાશ્શેહ રાજા બનશે, ત્યારે એ દેખાઈ આવશે. બાઇબલ જણાવે છે તેમ, “મનાશ્શેહે યહુદાહને તથા યરૂશાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચઢાવીને જે પ્રજાઓનો યહોવાહે ઈસ્રાએલપુત્રો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી.” (૨ કાળવૃત્તાંત ૩૩:૯) જરા કલ્પના કરો કે, યહોવાહ વિદેશીઓનો નાશ કરે છે કારણ કે તેઓના દુષ્ટ કામોનો કોઈ પાર નથી હોતો. પરંતુ, યહુદાહના લોકો, યહોવાહ સાથે કરાર કરેલા ખાસ લોકો, એ વિદેશીઓ કરતાં પણ ભૂંડા હતા!
૧૭. મનાશ્શેહના સમયમાં યહુદાહની જેવી હાલત હતી, એવી જ આજે કઈ રીતે છે?
૧૭ મનાશ્શેહના સમયમાં યહુદાહની જે હાલત હતી, એવી જ હાલત ૨૧મી સદીની શરૂઆતમાં પણ છે. આજે જગતમાં ધાર્મિક વેર અને જાતિભેદ વગેરેથી, વધારેને વધારે ભાગલા પડતા જાય છે. કતલ, રિબામણી, બળાત્કાર અને જાતિનો વિનાશ જેવા ભયંકર ગુનાઓનો લાખો લોકો ભોગ બન્યા છે. ખરેખર, એમાં કોઈ શંકા નથી કે બધી પ્રજાઓ અને ખાસ કરીને ખ્રિસ્તીરાષ્ટ્રના લોકો ભારે બળવો પોકારી રહ્યા છે. પરંતુ, આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ હંમેશ માટે દુષ્ટતા ચાલવા દેશે નહિ. શા માટે? એનો જવાબ આપણને યશાયાહના સમયે જે બન્યું એ આપે છે.
યરૂશાલેમનો બચાવ
૧૮. હિઝકીયાહને રાબશાકેહ કેવી ચેતવણી આપે છે?
૧૮ આશ્શૂરના રાજાઓ યુદ્ધમાં મળેલી જીત માટે તેઓના દેવોને મહિમા આપતા હતા. પ્રાચીન પૂર્વ પરનાં લખાણો (અંગ્રેજી) પુસ્તક આશૂરબાનીપાલના લખાણો ધરાવે છે. એમાં એ આશ્શૂરી રાજા દાવો કરે છે કે તેને જેણે માર્ગદર્શન આપ્યું એ “આશૂર, બઆલ, નબો, મહાન દેવો, [તેના] પ્રભુઓ હતા, જેઓ (હંમેશા) [તેની] સાથે લડતા હતા, [જ્યારે તેણે] યુદ્ધમાંના (અનુભવી) સૈનિકોને . . . યુદ્ધમાં હરાવ્યા.” યશાયાહના સમયે, આશ્શૂરી રાજા સાન્હેરીબનો પ્રતિનિધિ, રાબશાકેહ પણ રાજા હિઝકીયાહને સંબોધે છે ત્યારે એવો જ દાવો કરે છે કે યુદ્ધમાં તેના દેવો મદદ કરશે. તે યહુદી રાજાને યહોવાહમાં ભરોસો રાખવા વિરુદ્ધ ચેતવણી આપે છે. તેમ જ, તે જણાવે છે કે કઈ રીતે બીજા દેશોના દેવો શક્તિશાળી આશ્શૂરના લશ્કર સામે ટક્યા નથી, અને પોતાના લોકોને રક્ષણ આપી શક્યા નથી.—૨ રાજાઓ ૧૮:૩૩-૩૫.
૧૯. રાબશાકેહના મહેણાં સાંભળીને હિઝકીયાહ શું કરે છે?
૧૯ રાજા હિઝકીયાહ હવે શું કરશે? બાઇબલ જણાવે છે: “હિઝકીયાહ રાજાએ એ સાંભળ્યું ત્યારે એમ થયું, કે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં, ને પોતાના અંગ પર તાટ પહેરીને તે યહોવાહના મંદિરમાં ગયો.” (૨ રાજાઓ ૧૯:૧) હિઝકીયાહ જાણે છે કે ફક્ત યહોવાહ જ તેને આ કપરી સ્થિતિમાંથી મદદ કરી શકે છે. તે નમ્રપણે યહોવાહ પાસે માર્ગદર્શન લેવા જાય છે.
૨૦. યહુદાહના લોકો માટે યહોવાહ શું કરશે, અને તેઓએ એમાંથી શું શીખવાની જરૂર હતી?
૨૦ યહોવાહ તેમને જરૂરી માર્ગદર્શન આપે છે. પ્રબોધક યશાયાહ દ્વારા તે કહે છે: “તે દિવસે તેઓ દરેક પોતાની સોનારૂપાની મૂર્તિ, કે જે તમારા પોતાના હાથોએ પોતાને સારૂ પાપરૂપ કરી છે, તેઓને ફેંકી દેશે.” (યશાયાહ ૩૧:૭) યહોવાહ પોતાના લોકો માટે લડે છે ત્યારે, સાન્હેરીબના દેવો નકામા સાબિત થશે. આ યહુદાહના લોકોએ કદી ભૂલવું જોઈએ નહિ. એનું કારણ એ કે રાજા હિઝકીયાહ વફાદાર રાજા હતો છતાં, ઈસ્રાએલની જેમ યહુદાહનો દેશ પણ મૂર્તિઓથી ભરેલો હતો. (યશાયાહ ૨:૫-૮) યહુદાહના લોકોએ યહોવાહ પરમેશ્વર સાથે સારો સંબંધ ફરીથી બાંધવો હોય તો, સૌ પ્રથમ પોતાના પાપોનો પસ્તાવો કરવાની અને દરેકે પોતાની નકામી મૂર્તિઓને ફેંકી દેવાની જરૂર હતી.—નિર્ગમન ૩૪:૧૪ જુઓ.
૨૧. યહોવાહ આશ્શૂરીઓનો વિનાશ કરશે, એનું વર્ણન યશાયાહ કઈ રીતે ભાખે છે?
૨૧ હવે, યશાયાહ ભાખે છે કે યહોવાહ પરમેશ્વર યહુદાહના ભયંકર દુશ્મનોની શી હાલત કરશે: “ત્યારે જે તરવાર માણસની નથી તેથી આશ્શૂર પડશે; અને જે તરવાર માણસની નથી તે તેનો સંહાર કરશે; અને તેની આગળથી તે નાસશે, ને તેના જુવાનો વેઠીયા થશે.” (યશાયાહ ૩૧:૮) જ્યારે લડવાનો વખત આવે છે ત્યારે, યરૂશાલેમના લોકોએ પોતાની તરવાર પણ મ્યાનમાંથી કાઢવી પડતી નથી. આશ્શૂરનું મોટા ભાગનું લશ્કર માણસની નહિ, પણ યહોવાહની તરવારથી નાશ પામ્યું. આશ્શૂરી રાજા સાન્હેરીબ તો ‘તેની આગળથી નાસશે.’ હા, તેના ૧,૮૫,૦૦૦ સૈનિકો યહોવાહના દૂતના હાથે માર્યા ગયેલા જોઈને, તે પોતાના દેશમાં પાછો ચાલ્યો ગયો. પછીથી, તે પોતાના દેવ નિસ્રોખની પૂજા કરતો હતો ત્યારે, તેના પોતાના દીકરાઓએ તેનું ખૂન કર્યું.—૨ રાજાઓ ૧૯:૩૫-૩૭.
૨૨. હિઝકીયાહ અને આશ્શૂરી લશ્કરનો કિસ્સો આપણને શું શીખવે છે?
૨૨ હિઝકીયાહ સહિત, કોઈ પણ જાણતું ન હતું કે કઈ રીતે યહોવાહ યરૂશાલેમને આશ્શૂરના લશ્કરના હાથમાંથી છોડાવશે. ખરેખર, હિઝકીયાહ અઘરા સંજોગોમાં જે રીતે વર્ત્યા, એ આજે મુશ્કેલીઓ સહન કરનાર માટે સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. (૨ કોરીંથી ૪:૧૬-૧૮) જુલમી તરીકે જાણીતા આશ્શૂરીઓ જે રીતે યરૂશાલેમને ધમકાવતા હતા, એ જોઈને હિઝકીયાહ ગભરાઈ જાય એમાં કંઈ નવાઈ નથી. (૨ રાજાઓ ૧૯:૩) છતાં પણ, તેમને યહોવાહમાં પૂરો ભરોસો હતો અને તે તેમની મદદ માંગે છે, કોઈ માણસની નહિ. તેમણે જે કર્યું એનાથી યરૂશાલેમ પર કેવો આશીર્વાદ આવ્યો! આજે પણ દબાણો હેઠળ આપણને એવું જ લાગી શકે. ઘણી વખત આપણે ગભરાઈ પણ જઈ શકીએ. તોપણ, આપણી ‘સર્વ ચિંતા તેમના પર નાખીએ’ તો, તે જરૂર આપણી સંભાળ રાખશે. (૧ પીતર ૫:૭) તે આપણા ગભરાટ પર કાબૂ મેળવવા મદદ કરીને આપણા પર દબાણ લાવતી મુશ્કેલી સહન કરવા હિંમત આપશે.
૨૩. કઈ રીતે હિઝકીયાહે નહિ, પણ સાન્હેરીબે ભયથી ગભરાવું પડ્યું?
૨૩ અંતે, હિઝકીયાહે નહિ પણ સાન્હેરીબે ભયના માર્યા ગભરાવું પડ્યું. તે કોની મદદ માંગી શકે? યશાયાહ ભાખે છે: “તેનો ખડક ભયને લીધે જતો રહેશે, ને તેના સરદારો ધ્વજાથી બીશે; યહોવાહ, જેનો અગ્નિ સિયોનમાં, ને જેની ભઠ્ઠી યરૂશાલેમમાં છે, તેનું કહેવું એમ છે.” (યશાયાહ ૩૧:૯) સાન્હેરીબના દેવો, તેનો “ખડક” જેમાં ભરોસો રાખીને તેણે આશરો લીધો હતો, તે નકામા નીકળ્યા. તેઓ જાણે કે ‘ભયને લીધે જતા રહેશે.’ તેમ જ, સાન્હેરીબના રાજકુંવરો પણ કશા કામના ન હતા. તેઓ પણ ભયભીત થઈ ગયા હતા.
૨૪. આશ્શૂરીઓની જે હાલત થઈ, એના પરથી આપણે શું શીખી શકીએ?
૨૪ યશાયાહની આ ભવિષ્યવાણી યહોવાહના કોઈ પણ વિરોધીને સ્પષ્ટ સંદેશો આપે છે. વિશ્વની કોઈ તાકાત યહોવાહના હેતુઓ અટકાવી શકે એમ નથી. (યશાયાહ ૪૧:૧૧, ૧૨) એ જ વખતે, જેઓ યહોવાહને ભજવાનો દાવો કરે છે, પણ સલામતી માટે જગત પાછળ દોડે છે, તેઓને બહુ જ નિરાશ થવું પડશે. જેઓ ‘ઈસ્રાએલના પવિત્ર દેવ યહોવાહને શોધતા નથી,’ તેઓ ‘આફતો’ જોશે. (યશાયાહ ૩૧:૧, ૨) ખરેખર, ફક્ત એક જ સાચો અને કાયમી આશ્રય યહોવાહ પરમેશ્વર છે.—ગીતશાસ્ત્ર ૩૭:૫.
[ફુટનોટ]
^ મોટા ભાગે યશાયાહના ૩૧માં અધ્યાયની પહેલી ત્રણ કલમો ઈસ્રાએલને લાગુ પડે છે. છેલ્લી છ કલમો યહુદાહને લાગુ પડતી હોય એમ લાગે છે.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૩૧૯ પર ચિત્ર]
જગત અને એની વસ્તુઓમાં ભરોસો રાખનારા બહુ નિરાશ થશે
[પાન ૩૨૨ પર ચિત્ર]
સિંહ પોતાના શિકારની ચોકી કરે છે તેમ, યહોવાહ પોતાના પવિત્ર શહેરનું રક્ષણ કરશે
[પાન ૩૨૪ પર ચિત્રો]
જગતમાં ધર્મ અને જાતિભેદના લીધે ભાગલા પડતા જાય છે
[પાન ૩૨૬ પર ચિત્ર]
હિઝકીયાહ મદદ માટે યહોવાહના મંદિરમાં ગયો