એક પિતા અને બંડખોર પુત્રો
બીજું પ્રકરણ
એક પિતા અને બંડખોર પુત્રો
૧, ૨. યહોવાહ પરમેશ્વરના પુત્રો કઈ રીતે બંડખોર હતા?
એક પ્રેમાળ પિતાની જેમ તેમણે પોતાના બાળકો મોટા કર્યાં. વર્ષો સુધી તેમણે તેઓને ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરા પાડ્યા. તેમણે તેઓને જરૂરી શિસ્ત આપી, પણ કદી વધારે પડતી શિક્ષા કરી ન હતી. એ હંમેશા યોગ્ય અથવા “ન્યાયની રૂએ” કરવામાં આવતી. (યિર્મેયાહ ૩૦:૧૧) તેથી, આપણે કલ્પના કરી શકીએ કે આ પ્રેમાળ પિતાનું દિલ કેટલું દુઃખી થયું હશે, જ્યારે તેમણે કહેવું પડ્યું: “મેં છોકરાંને ઉછેરીને મોટાં કર્યાં છે, પણ તેઓએ તો મારી વિરૂદ્ધ ફિતૂર કર્યું છે.”—યશાયાહ ૧:૨ ખ.
૨ આ બંડખોર પુત્રો યહુદાહના લોકો છે અને દુઃખી પિતા, યહોવાહ પરમેશ્વર છે. કેટલી દુઃખની વાત છે! યહોવાહે યહુદાહના લોકોનું પાલન-પોષણ કર્યું અને તેઓને બીજા દેશો કરતાં ચડિયાતા બનાવ્યા. હા, પ્રબોધક હઝકીએલ દ્વારા યહોવાહ યાદ કરાવે છે: “મેં તને ભરત ભરેલાં વસ્ત્ર પહેરાવ્યાં, ને તારે પગે મિસરી ચામડાની મોજડીઓ પહેરાવી ને તારી કમરે ઝીણા શણના કપડાનો કમરબંધ બાંધ્યો, ને તને રેશમી વસ્ત્ર પહેરાવ્યાં.” (હઝકીએલ ૧૬:૧૦) તોપણ, યહોવાહે જે કર્યું તેની યહુદાહના મોટા ભાગના લોકોએ કદર કરી નહિ. એટલું જ નહિ, પણ તેઓએ બંડ પોકાર્યું અને ‘સામા થયા.’
૩. શા માટે યહોવાહ આકાશ અને પૃથ્વીને યહુદાહના બંડના સાક્ષી બનાવે છે?
૩ એ જ કારણે, યહોવાહ એ બંડખોર પુત્રો વિષે આ રીતે કહેવાનું શરૂ કરે છે: “હે આકાશો, સાંભળો; હે પૃથ્વી, કાન દે; કેમકે યહોવાહ બોલ્યો છે.” (યશાયાહ ૧:૨ ક) સદીઓ પહેલાં પણ આકાશો અને પૃથ્વીએ જાણે સાંભળ્યું હતું. એ સમયે ઈસ્રાએલી લોકોને સ્પષ્ટ ચેતવણી મળી હતી કે, તેઓ આજ્ઞા નહિ પાળે તો શું થશે. મુસાએ કહ્યું: “હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખીને કહું છું, કે યરદન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તમે જાઓ છો, તેમાંથી જલદી તમારો પૂરો નાશ થઈ જશે.” (પુનર્નિયમ ૪:૨૬) હવે, યશાયાહના દિવસમાં પણ યહોવાહ જાણે કે આકાશ અને પૃથ્વીને યહુદાહના બંડના સાક્ષી બનવા કહે છે.
૪. યહોવાહે યહુદાહ સામે કઈ રીતે રજૂ થવાનું પસંદ કર્યું?
૪ આ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે, ગોળ ગોળ વાત કરવી પોષાય એમ ન હતું. તેમ છતાં, યહોવાહ પોતાને યહુદાહ સામે તેઓના માલિક તરીકે નહિ, પણ પ્રેમાળ પિતા તરીકે રજૂ કરે છે. એ ખરેખર દિલને સ્પર્શી જાય છે! યહોવાહ તેઓને વિચારવા પ્રેરે છે. જો તેઓ યહોવાહની જગ્યાએ હોત, જેમના પુત્રો વંઠી ગયા હોય, તો તેઓ કેવા હેરાન-પરેશાન થઈ ગયા હોત? અમુક યહુદી માબાપે એવા સંજોગોનો જરૂર અનુભવ કર્યો હશે. તેથી, એ ઉદાહરણથી તેઓ કંઈક કરવા પ્રેરાઈ શક્યા હોત. પરંતુ હવે યહોવાહ, યહુદાહ સામે કેસ માંડવાના હતા.
મૂંગા જાનવર વધારે વફાદાર
૫. ઈસ્રાએલના લોકો કરતાં, બળદ અને ગધેડાં કઈ રીતે વધારે વફાદાર હતા?
૫ યશાયાહ દ્વારા યહોવાહ કહે છે: “બળદ પોતાના માલિકને ઓળખે છે, ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે; પણ ઈસ્રાએલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી.” (યશાયાહ ૧:૩) * બળદ અને ગધેડો વૈતરું કરનારા પ્રાણીઓ છે અને મધ્ય પૂર્વના લોકો એનાથી પરિચિત હતા. ખરું જોતા, યહુદાહના લોકોને ખબર હતી કે, એવા જાનવર પણ પોતપોતાના માલિકને સારી રીતે ઓળખતા હતા. એક બાઇબલ સંશોધકે મધ્ય પૂર્વના એક ગામમાં સાંજના સમયે જે જોયું એનો વિચાર કરો: “તેઓનાં ટોળાં ગામમાં આવતા જ વિખેરાવા લાગ્યાં. દરેક બળદ પોતાના માલિકને અને તેના ઘર તરફ લઈ જતા રસ્તાને બરાબર જાણતો હતો. એ આડા-અવળાં માર્ગમાં અને સાંકડી ગલીઓમાં આમતેમ ગયો નહિ. ગધેડો તો સીધો બારણામાં થઈને, ‘પોતાના માલિકની ગભાણમાં’ પહોંચી ગયો.”
૬. કઈ રીતે યહુદાહના લોકોએ વગર વિચાર્યું વર્તન કર્યું?
૬ યશાયાહના સમયમાં એવા દૃશ્યો સામાન્ય હતાં. તેથી, યહોવાહનો સંદેશો એક વાત સાફ સાફ જણાવે છે: જાનવર પોતાના માલિક અને પોતાની ગભાણને સારી રીતે જાણતા હતા. તો પછી યહુદાહ પાસે યહોવાહ, પોતાના પરમેશ્વરને છોડી મૂકવાનું કયું બહાનું હોય શકે? ખરેખર, તેઓ જરાય ‘વિચાર કરતા ન’ હતા. જાણે તેઓને ભાન જ ન હતું કે તેઓની સફળતા અને જીવન યહોવાહ પર આધારિત હતા. યહોવાહ હજુ પણ તેઓને “મારા લોક” કહેતા હતા, એ ખરેખર તેમની મહાનતા હતી!
૭. યહોવાહે આપેલા આશીર્વાદોની આપણે કઈ રીતે કદર કરી શકીએ?
૭ આપણે સર્વ બાબતો માટે યહોવાહની ઊંડી કદર કરીએ. તેમ જ, કદી પણ યહુદાહના લોકો જેવા ન બનીએ! એને બદલે, આપણે ગીતશાસ્ત્રના એક લેખક દાઊદે કહ્યું એમ કરીએ: “મારા સંપૂર્ણ હૃદયથી હું યહોવાહની ઉપકારસ્તુતિ કરીશ; હું તારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો પ્રગટ કરીશ.” (ગીતશાસ્ત્ર ૯:૧) યહોવાહ વિષે વધુ શીખતા રહેવાથી આપણે તેમને વધુને વધુ ઓળખી શકીશું, કેમ કે બાઇબલ કહે છે કે, “પરમપવિત્રની ઓળખાણ એજ બુદ્ધિ છે.” (નીતિવચનો ૯:૧૦) તેમણે આપેલા આશીર્વાદો પર મનન કરતા રહેવાથી, આપણે યહોવાહના આભારી થઈશું અને તેમની વધારે કદર કરીશું. (કોલોસી ૩:૧૫) યહોવાહ કહે છે: “જે ઉપકારસ્તુતિનાં અર્પણ ચઢાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે; અને જે પોતાની વર્તણુક નિયમસર રાખે છે, તેને હું દેવનું તારણ દેખાડીશ.”—ગીતશાસ્ત્ર ૫૦:૨૩.
‘ઈસ્રાએલના પવિત્રનું’ ઘોર અપમાન
૮. શા માટે યહુદાહના લોકો “પાપ કરનારી પ્રજા” કહેવાયા?
૮ યશાયાહ કડક શબ્દોથી યહુદાહને કહેવાનું ચાલુ રાખે છે: “અરે! પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોક, પાપ કરનારાં સંતાન, વંઠી ગએલાં છોકરાં; તેઓએ યહોવાહનો ત્યાગ કર્યો છે, તેઓએ ઈસ્રાએલના પવિત્ર દેવને ધિક્કાર્યો છે, તેઓ વિમુખ થઈને પાછા ફરી ગયા છે.” (યશાયાહ ૧:૪) પાપ એટલા વધી જઈ શકે કે જાણે એના બોજ નીચે દબાઈ જવાય. ઈબ્રાહીમના સમયમાં, યહોવાહે સદોમ અને ગમોરાહનાં પાપોને ભારે અથવા “અઘોર” કહ્યાં હતાં. (ઉત્પત્તિ ૧૮:૨૦) યહુદાહના લોકો પણ એવા જ જણાય છે. યશાયાહ કહે છે કે તેઓ “અન્યાયથી લદાએલા લોક, પાપ કરનારાં સંતાન, વંઠી ગયેલાં છોકરાં” છે. હા, તેઓ ઘોર અપરાધી છે. તેઓ પોતાના પિતાથી “વિમુખ થઈને પાછા ફરી ગયા છે,” અથવા હિંદી ઓ.વી. બાઇબલ અનુસાર, “પારકા થઈ ગયા છે.”
૯. ‘ઈસ્રાએલના પવિત્ર દેવ’ શબ્દોનું શું મહત્ત્વ છે?
૯ યહુદાહના લોકો જાણીજોઈને આડા માર્ગે જઈને, ‘ઈસ્રાએલના પવિત્ર દેવનું’ ઘોર અપમાન કરી રહ્યા હતા. ‘ઈસ્રાએલના પવિત્ર દેવ,’ એવા શબ્દો યશાયાહના પુસ્તકમાં લગભગ પચ્ચીસ વાર મળી આવે છે. એનું શું મહત્ત્વ છે? પવિત્ર હોવાનો અર્થ થાય કે એકદમ ચોખ્ખું અને શુદ્ધ હોવું. યહોવાહ પરમેશ્વર તો દરેક રીતે પવિત્ર છે. (પ્રકટીકરણ ૪:૮) મુખ્ય યાજકની પાઘડી પર “યહોવાહને સારૂ પવિત્ર,” એવા લખાણવાળું સોનાનું ચળકતું પતરું હતું. ઈસ્રાએલીઓ એ જોતા ત્યારે, તેઓને એની યાદ અપાવવામાં આવતી. (નિર્ગમન ૩૯:૩૦) આમ, યહોવાહને ‘ઈસ્રાએલના પવિત્ર દેવ’ તરીકે ઉલ્લેખીને, યશાયાહ દર્શાવે છે કે યહુદાહનાં પાપ કેવા હતાં. અરે આ બંડખોરો તો તેઓના બાપદાદાને આપવામાં આવેલી આજ્ઞાનો સામે ચાલીને વિરોધ કરતા હતા: “તમે પોતાને શુદ્ધ કરો, ને તમે પવિત્ર થાઓ; કેમકે હું પવિત્ર છું”!—લેવીય ૧૧:૪૪.
૧૦. આપણે કઈ રીતે ‘ઈસ્રાએલના પવિત્ર દેવનું’ અપમાન કરવાનું ટાળી શકીએ?
૧૦ યહુદાહના લોકોએ ‘ઈસ્રાએલના પવિત્ર દેવને’ આદર આપ્યો નહિ. આજે સાચા ખ્રિસ્તીઓ તરીકે આપણે સતત પ્રયત્ન કરીએ કે આપણે તેઓના જેવા ન બનીએ. એના બદલે આપણા પવિત્ર પરમેશ્વર યહોવાહને પગલે ચાલીએ. (૧ પીતર ૧:૧૫, ૧૬) આપણે “દુષ્ટતાનો દ્વેષ” કરીએ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) જાતીય અનૈતિકતા, મૂર્તિપૂજા, ચોરી, અને દારૂડિયા બનવા જેવી કુટેવો ખ્રિસ્તી મંડળ માટે જોખમી છે. તેથી, જેઓ એ કુટેવો છોડતા નથી, તેઓને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. જેઓ એવી કુટેવો ચાલુ જ રાખે છે અને પસ્તાવો કરીને પાછા ફરતા નથી, તેઓ યહોવાહના રાજ્યના આશીર્વાદોનો પણ આનંદ માણી શકશે નહિ. ખરેખર, એવાં સર્વ આચરણો ‘ઈસ્રાએલના પવિત્ર દેવનું’ ઘોર અપમાન કરે છે.—રૂમી ૧:૨૬, ૨૭; ૧ કોરીંથી ૫:૬-૧૧; ૬:૯, ૧૦.
પગના તળિયાથી માથા સુધી બીમાર
૧૧, ૧૨. (ક) યહુદાહની દયાજનક હાલતનું વર્ણન કરો. (ખ) આપણને શા માટે યહુદાહ પર દયા આવવી ન જોઈએ?
૧૧ હવે, યશાયાહ યહુદાહના લોકોની દયાજનક હાલત વર્ણવે છે: “હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે દ્રોહ કર્યા કરો છો?” બીજા શબ્દોમાં, યશાયાહ તેઓને પૂછે છે: ‘તમે સહન કર્યું એ ઓછું છે કે હજુ પોતાના જ પગ પર કુહાડો મારો છો?’ યશાયાહ કહેવાનું ચાલુ રાખે છે: “આખું માથું રોગિષ્ઠ અને આખું હૃદય નિર્ગત છે. પગના તળિયાથી તે માથા સુધીમાં કોઈ પણ ભાગ સાજો નથી.” (યશાયાહ ૧:૫, ૬ ક) યહુદાહ જાણે કે આખા શરીરે ગંભીર આત્મિક બીમારીમાં સડે છે. કેવી ખરાબ હાલત!
૧૨ શું આપણને યહુદાહના લોકો માટે દયા આવવી જોઈએ? જરાય નહિ! સદીઓ અગાઉ, ઈસ્રાએલની પ્રજાને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ આજ્ઞા નહિ પાળે તો શિક્ષા થશે. તેઓને કહેવામાં આવ્યું હતું: “તારા પગના તળિયાથી તે તારા માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાંથી યહોવાહ તને ઘૂંટણોમાં તથા ટાંટિયામાં મારશે.” (પુનર્નિયમ ૨૮:૩૫) એ જ પ્રમાણે, હવે યહુદાહની હઠીલાઈના એવા જ પરિણામો આવ્યાં હતાં. આ સર્વમાંથી બચી જવા યહુદાહના લોકો પાસે એક જ માર્ગ હતો કે તેઓ યહોવાહની આજ્ઞા પ્રમાણે જીવે.
૧૩, ૧૪. (ક) યહુદાહ પર કેવા પ્રકારના જખમો થયા હતા? (ખ) યહુદાહની દુઃખદ હાલતને કારણે, શું લોકોએ બંડખોર માર્ગ છોડ્યો?
૧૩ યહુદાહની દયાજનક હાલત વિષે યશાયાહ આગળ કહે છે: “કેવળ ઘા, સોળ તથા પાકેલા જખમ છે; તેમને દાબીને તેમાંથી પરૂ કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.” (યશાયાહ ૧:૬ ખ) પ્રબોધક અહીં ત્રણ પ્રકારના જખમો વિષે વાત કરે છે: ઘા (તરવાર અથવા ચપ્પુથી કપાઈ જવાથી થયેલા જખમ), સોળ (માર પડવાથી થયેલા જખમ), અને પાકેલા જખમ (ખુલ્લા ઘા, જે સારા થવાની કોઈ આશા ન હોય). અહીં એ બતાવવામાં આવે છે કે, જાણે કોઈને એટલી બધી શિક્ષા કરવામાં આવી હોય, જેનાથી તેના શરીરનો કોઈ પણ ભાગ બચી ગયો ન હોય. સાચે જ, યહુદાહની હાલત બહુ જ ખરાબ છે.
૧૪ શું આ દુઃખદ હાલતમાં યહુદાહના લોકો પરમેશ્વર તરફ ફરે છે? ના! નીતિવચન ૨૯:૧માં વર્ણન થયેલા બંડખોર જેવા યહુદાહના લોકો છે: “જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.” યહુદાહનો કોઈ ઇલાજ જણાતો નથી. યશાયાહે કહ્યું તેમ ઘામાંથી “દાબીને પરૂ કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.” * એ અર્થમાં, યહુદાહની હાલત એવા જખમો જેવી છે, જે ખુલ્લા હોય, જેને મલમ-પટ્ટી થઈ ન હોય અને ચેપી હોય.
૧૫. આપણે કઈ રીતે આત્મિક બીમારી ટાળી શકીએ?
૧૫ આપણે યહુદાહ જેવા ન બનીએ, એ માટે તેઓના અનુભવમાંથી કંઈક શીખીએ. જેમ આપણે દરેક બીમાર પડીએ છીએ, તેમ આપણામાં એવું કોણ છે, જે દુન્યવી લાલચોનો શિકાર બનતું નથી? લોભ અને અતિશય મોજમઝાની ઇચ્છા આપણાં હૃદયમાં પણ ઘર કરી જઈ શકે. તેથી, આપણે એવું વલણ કેળવવું જોઈએ, જેથી ‘જે ભૂંડું છે તેને ધિક્કારીને, જે સારૂં છે તેને વળગી રહીએ.’ (રૂમી ૧૨:૯) તેમ જ, યહોવાહના પવિત્ર આત્માના ફળો આપણા જીવનમાં કેળવતા રહીએ. (ગલાતી ૫:૨૨, ૨૩) એમ કરવાથી, આપણે યહુદાહની જેમ પગના તળિયાથી માથા સુધી બીમાર થઈશું નહિ.
ઉજ્જડ દેશ
૧૬. (ક) યશાયાહ કઈ રીતે યહુદાહની હાલતનું વર્ણન કરે છે? (ખ) શા માટે અમુક જણ એમ કહે છે કે એ શબ્દો આહાઝના શાસનમાં લખાયા હશે, પણ આપણે એ કઈ રીતે સમજી શકીએ?
૧૬ હવે યશાયાહ યહુદાહ દેશની હાલત વિષે વાત કરે છે. તે જાણે કે યુદ્ધથી વિનાશ થયેલો દેશ જોઈ રહ્યા હોય, એમ કહે છે: “તમારો દેશ ઉજ્જડ થયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે; તમારી જમીન તો પારકાઓ તમારી રૂબરૂ ખાઇ જાય છે, અને પારકાઓએ ખેદાનમેદાન કર્યા જેવી તે ઉજ્જડ થઇ ગઈ છે.” (યશાયાહ ૧:૭) કેટલાક તજજ્ઞો અનુસાર, આ શબ્દો યશાયાહના પુસ્તકની શરૂઆતમાં મળી આવે છે છતાં, એ દુષ્ટ રાજા આહાબના શાસનમાં યશાયાહે લખ્યા હોય શકે. તેઓનો દાવો છે કે, ઉઝ્ઝીયાહનું શાસન એટલું સમૃદ્ધ હતું કે, એ એવા વર્ણનને બંધબેસતું નથી. ખરું કે, યશાયાહનું પુસ્તક બનાવોના ક્રમ પ્રમાણે લખાયું કે કેમ, એ ચોક્કસ કહી શકાય એમ નથી. તેમ છતાં, વિનાશ વિષે યશાયાહના એ શબ્દો પ્રબોધકીય પણ હોય શકે. બાઇબલમાં અન્ય જગ્યાએ ભાવિ બનાવો જાણે બની ગયા હોય, એ રીતે જણાવવામાં આવ્યા છે. ઉપરના શબ્દો કહેતી વખતે, યશાયાહે પણ એ જ રીત અપનાવી હોય શકે. આમ, એ ભવિષ્યવાણી જરૂર પૂરી થશે એવી ખાતરી આપે છે.—પ્રકટીકરણ ૧૧:૧૫ સરખાવો.
૧૭. વિનાશની ભવિષ્યવાણીથી યહુદાહના લોકોને શા માટે આઘાત લાગવો ન જોઈએ?
૧૭ એક વાત સાચી કે યહુદાહના વિનાશના પ્રબોધકીય વર્ણનથી, એ હઠીલા અને આજ્ઞા ન પાળનારા લોકોને આઘાત લાગવો ન જોઈએ. સદીઓ અગાઉ, યહોવાહે તેઓને ચેતવણી આપી હતી કે બંડ કરવાનું પરિણામ શું આવશે. તેમણે કહ્યું હતું: “હું દેશને ઉજ્જડ કરીશ; અને તમારા જે શત્રુઓ તેમાં રહે છે તેઓ એ જોઈને વિસ્મિત થશે. અને હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ, ને તમારી પછવાડે તરવાર તાણીશ; અને તમારો દેશ ઉજ્જડ થઈ જશે, ને તમારાં નગરો વેરાન થશે.”—લેવીય ૨૬:૩૨, ૩૩; ૧ રાજાઓ ૯:૬-૮.
૧૮-૨૦. યશાયાહ ૧:૭, ૮માંના શબ્દો ક્યારે પૂરા થયા, અને કઈ રીતે યહોવાહે “નાનો સરખો શેષ રહેવા દીધો”?
૧૮ યશાયાહ ૧:૭, ૮માંના શબ્દો આશ્શૂરના આક્રમણ સમયે પૂરા થયા. એનાથી ઈસ્રાએલમાં વિનાશ સર્જાયો. યહુદાહમાં પણ ભારે વિનાશ અને આફતો આવી પડ્યા. (૨ રાજાઓ ૧૭:૫, ૧૮; ૧૮:૧૧, ૧૩; ૨ કાળવૃત્તાંત ૨૯:૮, ૯) જો કે યહુદાહનો સમૂળગો નાશ થયો નહિ. યશાયાહ કહે છે: “સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.”—યશાયાહ ૧:૮.
૧૯ એ વિનાશમાંથી “સિયોનની દીકરી,” એટલે યરૂશાલેમ બચી તો જશે. પરંતુ એ જાણે કે દ્રાક્ષાવાડીમાં ઝૂંપડા જેવી અથવા કાકડીનાં ખેતરમાં રખેવાળના માંચડા જેવી હશે. નાઈલ તરફની મુસાફરીમાં, ૧૯મી સદીના એક તજજ્ઞે એવા જ માંચડા જોયા ત્યારે, તેને યશાયાહના શબ્દો યાદ આવ્યા. તેણે એનું વર્ણન કરતા કહ્યું કે જાણે “ઉત્તરીય પવન સામે માત્ર છાપરું પડેલું મળી આવે,” એવા એ દેખાતા હતા. યહુદાહમાં પાક લણાઈ ગયા પછી, એ માંચડાને તૂટી જવા દેવામાં આવતા. જો કે આશ્શૂરના વિજેતા લશ્કર સામે યરૂશાલેમ ભલે નિર્બળ દેખાય, પરંતુ એ બચી જશે.
૨૦ યશાયાહ આ પ્રબોધકીય સંદેશ આમ કહેતા પૂરો કરે છે: “જો સૈન્યોના દેવ યહોવાહે આપણે સારૂ નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાહના જેવા થઈ ગયા હોત.” (યશાયાહ ૧:૯) * શક્તિશાળી આશ્શૂર સામે, આખરે યહોવાહ યહુદાહને મદદ કરશે. સદોમ અને ગમોરાહની જેમ, યહુદાહનું નામનિશાન મટી જશે નહિ. એ બચી જશે.
૨૧. બાબેલોને યરૂશાલેમનો નાશ કર્યા પછી પણ, યહોવાહે શા માટે “નાનો સરખો શેષ રહેવા દીધો”?
૨૧ લગભગ ૧૦૦ કરતાં વધારે વર્ષો પછી, યહુદાહ પર ફરીથી આક્રમણ થાય છે. આશ્શૂર દ્વારા થયેલી શિક્ષાની લોકો પર કોઈ અસર થઈ ન હતી. “તેઓએ દેવના ખેપિયાઓને મશ્કરીમાં ઉડાવ્યા, તેનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાહને પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો, કે કંઈ જ ઉપાય રહ્યો નહિ.” (૨ કાળવૃત્તાંત ૩૬:૧૬) બાબેલોની રાજા નબૂખાદનેસ્સારે યહુદાહ જીતી લીધું, અને આ વખતે ‘દ્રાક્ષાવાડીના માંડવા જેવું’ કંઈ પણ બચ્યું નહિ. હા, યરૂશાલેમનો પણ નાશ થયો. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૭-૨૧) જો કે યહોવાહે “નાનો સરખો શેષ રહેવા દીધો.” યહુદાહ ૭૦ વર્ષો સુધી ગુલામીમાં ગયું. તેમ છતાં, યહોવાહ પરમેશ્વરે ખાતરી કરી કે એ પ્રજા અને ખાસ કરીને દાઊદનો વંશ ચાલુ રહે, જેમાંથી મસીહ આવવાના હતા.
૨૨, ૨૩. પ્રથમ સદીમાં, યહોવાહે શા માટે “નાનો સરખો શેષ રહેવા દીધો”?
૨૨ પ્રથમ સદીમાં, યહોવાહ સાથે કરાર કરેલા ઈસ્રાએલના લોકો આખરી કસોટીમાંથી પસાર થયા. વચન પ્રમાણે મસીહ, ઈસુ આવ્યા ત્યારે, એક સમૂહ તરીકે તેઓએ તેમનો નકાર કર્યો. તેથી, યહોવાહે ઈસ્રાએલનો નકાર કર્યો. (માત્થી ૨૧:૪૩; ૨૩:૩૭-૩૯; યોહાન ૧:૧૧) શું એનાથી પૃથ્વી પર યહોવાહ પરમેશ્વરની કોઈ પણ ખાસ પ્રજા રહી નહિ? પ્રેષિત પાઊલ જણાવે છે કે યશાયાહ ૧:૯ બીજી વાર પણ પૂરું થવાનું હતું. તેમણે સેપ્ટ્યુઆજીંટ અનુવાદમાંથી ટાંકતા લખ્યું: “એમ જ યશાયાહે આગળ પણ કહ્યું હતું, કે જો સૈન્યોના પ્રભુએ આપણે સારૂ બીજ રહેવા દીધું ન હોત, તો આપણે સદોમ તથા ગમોરાહના જેવા થઈ ગયા હોત.”—રૂમી ૯:૨૯.
૨૩ આ વખતે બચી જનારું “બીજ,” અભિષિક્ત ખ્રિસ્તીઓ હતા, જેઓએ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂક્યો. સૌ પ્રથમ, તેઓમાં વિશ્વાસુ યહુદીઓ હતા. પછીથી, વિશ્વાસ કરનારા વિદેશીઓનો પણ તેઓમાં ઉમેરો થયો. આમ, બંને મળીને નવું ઈસ્રાએલ, ‘દેવનું ઈસ્રાએલ’ બન્યું. (ગલાતી ૬:૧૬; રૂમી ૨:૨૯) એ “બીજ” ૭૦ની સાલમાં યહુદી વ્યવસ્થાના વિનાશમાંથી બચી ગયું. આમ, ‘દેવનું ઈસ્રાએલ’ આજે પણ આપણી સાથે છે. હવે, એમાં લાખો વિશ્વાસુ વ્યક્તિઓ જોડાઈ છે. એટલે કે “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા!”—પ્રકટીકરણ ૭:૯.
૨૪. મનુષ્યો પર આવનાર મહાન વિનાશમાંથી બચવા ચાહનાર દરેકે શું કરવાની જરૂર છે?
૨૪ હવે જલદી જ, આ જગત પર આર્માગેદનનું યુદ્ધ આવી પડશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) એ આશ્શૂર કે બાબેલોની લોકોએ યહુદાહ પર કરેલા આક્રમણોથી વધારે આકરું હશે. અરે, ૭૦ની સાલમાં રૂમીઓએ કરેલા યહુદાહના વિનાશ કરતાં પણ મોટું હશે. તેમ છતાં, એમાંથી બચી જનારા હશે. (પ્રકટીકરણ ૭:૧૪) એ કેટલું મહત્ત્વનું છે કે આપણે સર્વ યહુદાહના લોકોને કહેલા યશાયાહના શબ્દો પર ઊંડું મનન કરીએ! એ સમયે, વિશ્વાસુ જનો માટે એનો અર્થ જીવન થયો. આજે પણ વિશ્વાસુ જનો માટે એનો અર્થ એ જ થઈ શકે.
[ફુટનોટ્સ]
^ “ઈસ્રાએલ” અહીં યહુદાહના બે કુળવાળા રાજ્યને દર્શાવે છે.
^ યશાયાહના શબ્દો પોતાના જમાનાની વૈદવિદ્યા બતાવે છે. બાઇબલ સંશોધક ઈ. એચ. પ્લરે નોંધે છે: “ચેપી ઘામાંથી પરુ કાઢવા એને ‘દબાવવો’ પડતો; પછી, હિઝકીયાહના કિસ્સામાં બન્યું એમ (૩૮:૨૧) મલમ-પટ્ટી કરવા માટે, મલમ અથવા કોઈ પ્રકારના તેલ દ્વારા ઘા સાફ કરવામાં આવતો, કદાચ જેમ લુક ૧૦:૩૪માં કરવામાં આવ્યું હતું.”
^ સી. એફ. કીલ અને એફ. ડીલીત્ઝ જૂના કરાર પરનાં વિવેચનો (અંગ્રેજી)માં કહે છે: “અહીં પ્રબોધકની ભવિષ્યવાણીના એક ભાગનો અંત આવે છે. કલમ ૯ અને ૧૦ વચ્ચે રાખવામાં આવેલી જગ્યાથી એ દેખાઈ આવે છે. બે વાક્યો વચ્ચે જગ્યા રાખીને કે ફકરો પાડીને, નાના-મોટા ભાગોને અલગ પાડવાની આ રીત, સ્વર અને શબ્દભારના ઉમેરાથી જૂની છે. તેમ જ, એ ભરોસાપાત્ર રિવાજ પર આધારિત છે.”
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૦ પર ચિત્ર]
સદોમ અને ગમોરાહની જેમ, યહુદાહ હંમેશાં ઉજ્જડ રહેશે નહિ