સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફરીથી સુખ-શાંતિ!

ફરીથી સુખ-શાંતિ!

અઠ્ઠાવીસમું પ્રકરણ

ફરીથી સુખ-શાંતિ!

યશાયાહ ૩૫:૧-૧૦

૧. ઘણા ધર્મો શા માટે સુખી જગતની આશા ધરાવે છે?

 “સુખી જગતની ઝંખના માનવનો પીછો છોડતી નથી. એ હૃદયની એક ઊંડી ઇચ્છા છે, જે સદીઓથી ચાલી આવી છે. વ્યક્તિને જીવનમાં સુખ-શાંતિની ઝંખના થતી જ હોય છે.” આમ, ધર્મ પરનો વિશ્વજ્ઞાન કોશ (અંગ્રેજી) કહે છે. આવી ઝંખના કુદરતી છે, કેમ કે બાઇબલ જણાવે છે કે માનવ જીવન એક સુંદર બગીચામાં શરૂ થયું હતું, જેમાં બીમારી અને મરણ ન હતા. (ઉત્પત્તિ ૨:૮-૧૫) એમાં કંઈ નવાઈ નથી કે દુનિયામાં ઘણા ધર્મો સુખી જગતની આશા રાખે છે.

૨. સુખી જગતની ખરી આશા ક્યાંથી મળી શકે છે?

બાઇબલમાં, ઘણી જગ્યાએ આપણે સુંદર પૃથ્વી પર સુખ-શાંતિની આશા વિષે વાંચીએ છીએ. (યશાયાહ ૫૧:૩) દાખલા તરીકે, યશાયાહની ભવિષ્યવાણીના ૩૫માં અધ્યાયમાં એવું વર્ણન કરે છે કે ઉજ્જડ જગ્યાઓમાં સુંદર બગીચા અને ફળોની વાડીઓ થશે. આંધળા દેખતા થાય છે, મૂંગા બોલી શકશે અને બહેરાં સાંભળતા થાય છે. આ આવનાર સુખી જગતમાં કંઈ દુઃખ કે શોક કે મરણ પણ હશે નહિ. ખરેખર, કેટલું અદ્‍ભુત વચન છે! આ શબ્દો કઈ રીતે સમજવા જોઈએ? શું એમાં આજે આપણા માટે આશા છે? આ પ્રશ્નોના જવાબ આપણને યશાયાહના ૩૫માં અધ્યાયમાંથી મળશે.

ઉજ્જડ ધરતી ખીલી ઊઠે છે

૩. યશાયાહની ભવિષ્યવાણી પ્રમાણે, ધરતીમાં કયા ફેરફારો આવશે?

આવનાર સુખી જગત વિષેની યશાયાહની પ્રેરિત ભવિષ્યવાણીની શરૂઆત આ રીતે થાય છે: “અરણ્ય તથા સૂકી ભૂમી હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાહનું ગૌરવ, આપણા દેવનો વૈભવ જોશે.”—યશાયાહ ૩૫:૧, ૨.

૪. ક્યારે અને કઈ રીતે યહુદીઓનું વતન જંગલ જેવું બની જાય છે?

યશાયાહે આ શબ્દો લગભગ ૭૩૨ બી.સી.ઈ.માં લખ્યા હતા. કંઈક ૧૨૫ વર્ષો પછી, બાબેલોનીઓ યરૂશાલેમનો નાશ કરે છે અને યહુદાહના લોકોને ગુલામીમાં લઈ જાય છે. તેઓનું વતન ઉજ્જડ, વસ્તી વિનાનું પડી રહે છે. (૨ રાજાઓ ૨૫:૮-૧૧, ૨૧-૨૬) આ રીતે યહોવાહની ચેતવણી સાચી પડી કે, જો ઈસ્રાએલના લોકો બેવફા બનશે, તો તેઓ ગુલામીમાં જશે. (પુનર્નિયમ ૨૮:૧૫, ૩૬, ૩૭; ૧ રાજાઓ ૯:૬-૮) હેબ્રી લોકો વિદેશીઓના દેશમાં ૭૦ વર્ષ સુધી ગુલામ રહ્યા ત્યારે, તેઓના પોતાના ફળદ્રુપ ખેતરો, વાડીઓની સંભાળ રાખનાર કોઈ ન હતું, એટલે એ બધા જંગલ જેવા બની ગયા હતા.—યશાયાહ ૬૪:૧૦; યિર્મેયાહ ૪:૨૩-૨૭; ૯:૧૦-૧૨.

૫. (ક) કઈ રીતે ધરતી ખીલી ઊઠશે? (ખ) કયા અર્થમાં લોકો “યહોવાહનું ગૌરવ” જોશે?

પરંતુ, યશાયાહ ભાખે છે કે તેઓનો દેશ કાયમ માટે ઉજ્જડ રહેશે નહિ. એ ફરીથી સુંદર બની જશે. તેને “લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે.” * કઈ રીતે એમ બનશે? ગુલામીમાંથી પાછા ફર્યા પછી, યહુદીઓ ફરીથી પોતાના ખેતરો ખેડી અને વાડીઓની સંભાળ રાખી શક્યા. તેથી, તેઓનો દેશ પહેલાંની જેમ ફરીથી ખીલી ઊઠે છે. એનો મહિમા યહોવાહ પરમેશ્વરને મળે છે. ફક્ત તેમની ઇચ્છા અને મદદ તથા આશીર્વાદને કારણે જ, યહુદીઓ આવા સુખનો આનંદ માણી શકે છે. લોકો પોતાના વતનમાં આ ચમત્કારિક ફેરફારો પાછળ યહોવાહનો હાથ છે, એમ માનશે ત્યારે તેઓ “યહોવાહનું ગૌરવ, આપણા દેવનો વૈભવ” જોઈ શકશે.

૬. યશાયાહના શબ્દો કઈ મહત્ત્વની રીતે પૂરા થયા હતા?

જો કે ઈસ્રાએલના ફરીથી ખીલી ઊઠેલા દેશમાં યશાયાહના શબ્દો એક વધારે મહત્ત્વની રીતે પૂરા થઈ રહ્યા છે. આત્મિક રીતે ઈસ્રાએલ ઘણા વર્ષોથી સૂકું, રણ જેવું થઈ ગયું છે. ઈસ્રાએલીઓ બાબેલોનની ગુલામીમાં હતા ત્યારે, શુદ્ધ ભક્તિ પર પ્રતિબંધ હતો. ત્યાં મંદિર ન હતું, વેદી ન હતી કે પછી યાજકોની ગોઠવણ પણ ન હતી. રોજના બલિદાનોના અર્પણ બંધ થઈ ગયા હતા. પરંતુ હવે, યશાયાહ એનાથી જુદું જ ભાખે છે. ઝરૂબ્બાબેલ, એઝરા અને નહેમ્યાહ જેવા સેવકોના માર્ગદર્શન હેઠળ, ઈસ્રાએલના ૧૨ કુળના પ્રતિનિધિઓ પાછા યરૂશાલેમ આવે છે, મંદિર બાંધે છે અને યહોવાહની છૂટથી ભક્તિ કરે છે. (એઝરા ૨:૧, ૨) ખરેખર, આ આત્મિક સુખ-શાંતિ કહેવાય!

ઉત્સાહી બનો

૭, ૮. યહુદી ગુલામોને શા માટે વિશ્વાસની જરૂર હતી અને યશાયાહના શબ્દો કઈ રીતે ઉત્તેજન આપે છે?

યશાયાહના ૩૫માં અધ્યાયમાં ખુશીનો રણકાર છે. પસ્તાવો કરી પાછી ફરેલી પ્રજા માટે, પ્રબોધક બહુ સુંદર ભાવિ જણાવે છે. ખરેખર, તે પૂરા ભરોસા અને વિશ્વાસથી બોલે છે. બે સદીઓ પછી, એ આશીર્વાદો મેળવવાની તૈયારીમાં જ હતા ત્યારે, બંદીવાન યહુદીઓને એવા જ ભરોસાની જરૂર હતી. યશાયાહ દ્વારા યહોવાહ પ્રબોધકીય રીતે તેઓને ઉત્તેજન આપે છે: “ઢીલા હાથોને દૃઢ કરો, અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો. જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહો દૃઢ થાઓ, બીશો મા; જુઓ, તમારો દેવ! વૈર લેવાશે, દેવ તેમને યોગ્ય બદલો આપશે; તે પોતે આવીને તમને તારશે.”—યશાયાહ ૩૫:૩, ૪.

લાંબી ગુલામીના અંતે તેઓએ ઘણું કામ કરવાનું છે. બાબેલોન વિરુદ્ધ વેર વાળવા યહોવાહ, ઈરાનના રાજા કોરેશનો ઉપયોગ કરવાના હતા. હવે, તેણે જાહેર કર્યું કે યરૂશાલેમમાં યહોવાહ પરમેશ્વરની ઉપાસના ફરીથી શરૂ કરવામાં આવે. (૨ કાળવૃત્તાંત ૩૬:૨૨, ૨૩) હજારો હેબ્રી કુટુંબોએ હવે ઘણી તૈયારીઓ કરવાની છે, જેથી તેઓ બાબેલોનથી યરૂશાલેમની કઠિન મુસાફરી કરી શકે. તેઓ યરૂશાલેમ પહોંચશે પછી, તેઓએ ત્યાં જીવન જીવવા પૂરતી સગવડો તરત જ ઊભી કરવાની હતી. તેમ જ, તેઓએ મંદિર અને શહેરનું ફરીથી બાંધકામ કરવાનું મોટું કામ ઉપાડવાનું હતું. બાબેલોનમાંના અમુક યહુદીઓને એ બધું કરવું અશક્ય લાગ્યું હોય શકે. તેમ છતાં, એ નિરાશ થવાનો કે ઢચુપચું થવાનો સમય ન હતો. યહુદીઓએ એકબીજાને ઉત્તેજન આપવાનો અને યહોવાહમાં પૂરો ભરોસો રાખવાનો સમય હતો. તે તેઓને ખાતરી આપે છે કે તેઓ બચી જશે.

૯. પાછા ફરનારા યહુદીઓને કયું વચન આપવામાં આવ્યું?

બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થનારાઓ ખુશી મનાવે એમાં નવાઈ નથી, કેમ કે તેઓ માટે યરૂશાલેમમાં સુંદર ભાવિ રાહ જુએ છે. યશાયાહ ભાખે છે: “ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે.”—યશાયાહ ૩૫:૫, ૬ ક.

૧૦, ૧૧. પાછા ફરેલા યહુદીઓ માટે, યશાયાહના શબ્દો શા માટે આત્મિક અર્થ ધરાવતા હોવા જોઈએ અને તેઓનો શું અર્થ થાય છે?

૧૦ ખરું જોતાં, યહોવાહના મનમાં પોતાના લોકોની આત્મિક હાલતની ચિંતા છે. તેઓ ધર્મત્યાગી બન્યા હતા, એ માટે તેઓને ૭૦ વર્ષોની ગુલામીની સજા મળી. જો કે એ સજા આપીને, યહોવાહે તેઓને આંધળા, બહેરાં, અપંગ કે મૂંગા કરી દીધા ન હતા. તેથી, ઈસ્રાએલની પ્રજાને ફરીથી સુખ-શાંતિનું જીવન આપવા, તેઓની અપંગતા સાજી કરવાની જરૂર ન હતી. પરંતુ, યહોવાહ તેઓને આત્મિક સાજાપણું પાછું આપે છે, જે તેઓએ ગુમાવ્યું હતું.

૧૧ આમ, પસ્તાવો કરનાર યહુદીઓએ આત્મિક સાજાપણું પાછું મેળવ્યું. એટલે કે, યહોવાહના વચનો માટેની તેઓની આત્મિક નજર, સાંભળવાની શક્તિ, આજ્ઞાપાલન અને બોલવાની શક્તિ પાછી મળી. તેઓએ પારખ્યું કે તેઓએ યહોવાહને જ વળગી રહેવાની જરૂર છે. તેઓના સારા વર્તનથી તેઓ પોતાના પરમેશ્વર યહોવાહની સ્તુતિનું “ગાયન કરશે.” અગાઉનો “લંગડો” યહોવાહની ભક્તિ ઉત્સાહ અને પૂરા જોમથી કરે છે. સાંકેતિક રીતે, તે “હરણની પેઠે કૂદશે.”

યહોવાહ પોતાના લોકોને તાજગી આપે છે

૧૨. યહોવાહના આશીર્વાદથી દેશમાં કેટલું પાણી હશે?

૧૨ સુખ-શાંતિવાળી જગ્યાએ પાણી ન હોય એવું ન બને. એદન વાડીમાં પુષ્કળ પાણી હતું. (ઉત્પત્તિ ૨:૧૦-૧૪) ઈસ્રાએલને આપેલો દેશ પણ ‘પાણીનાં વહેળીઆંવાળો, તથા . . . ઝરાઓ તથા જળનિધિઓવાળો દેશ’ હતો. (પુનર્નિયમ ૮:૭) પછી, યોગ્ય રીતે જ, યશાયાહ આ વચનથી તાજગી આપે છે: “અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે. મૃગજળ તે તલાવડી, ને તરસી ભૂમી તે પાણીના ઝરા થઈ જશે; શિયાળોના રહેઠાણમાં તેમને સૂવાને ઠેકાણે, ઘાસની સાથે બરૂ તથા સરકટ ઊગશે.” (યશાયાહ ૩૫:૬ ખ, ૭) ઈસ્રાએલીઓ ફરીથી પોતાના વતનની સંભાળ રાખવા માંડશે ત્યારે, શિયાળો જ્યાં દર કરે, એ ઉજ્જડ જગ્યા તાજી, લીલીછમ થઈ જશે. સૂકી અને ધૂળવાળી જમીન કાદવવાળી બનશે, જેમાં બરૂ તથા પાણીમાં થતી લીલોતરી ઊગી શકે.—અયૂબ ૮:૧૧.

૧૩. વતન પાછી ફરેલી પ્રજા માટે કયું આત્મિક પાણી પુષ્કળ હશે?

૧૩ જો કે એનાથી વધારે અગત્યનું તો સત્યનું આત્મિક પાણી છે. એ પાણીનો, વતન પાછા ફરેલા યહુદીઓ પુષ્કળ આનંદ માણશે. યહોવાહ પોતાના વચનો દ્વારા જ્ઞાન, ઉત્તેજન અને દિલાસો પૂરા પાડશે. વધુમાં, વફાદાર વડીલો અને સરદારો “સૂકી ભૂમિમાં પાણીના નાળા” જેવા બનશે. (યશાયાહ ૩૨:૧, ૨) એઝરા, હાગ્ગાય, યેશૂઆ, નહેમ્યાહ, ઝખાર્યાહ, ઝરુબ્બાબેલ જેવા સેવકો યહોવાહની શુદ્ધ ઉપાસનાને ઉત્તેજન આપતા હતા. ખરેખર તેઓ યશાયાહની ભવિષ્યવાણી પૂરી કરતા જીવતા દાખલા હતા.—એઝરા ૫:૧, ૨; ૭:૬, ૧૦; નહેમ્યાહ ૧૨:૪૭.

“પવિત્રતાનો માર્ગ”

૧૪. બાબેલોનથી યરૂશાલેમની મુસાફરી વિષે જણાવો.

૧૪ જો કે ગુલામી યહુદીઓ શારીરિક અને આત્મિક આશીર્વાદોનો આનંદ માણે, એ પહેલાં તેઓએ બાબેલોનથી યરૂશાલેમની લાંબી અને કઠિન મુસાફરી કરવી પડશે. સીધો માર્ગ લેવાથી, તેઓએ ૮૦૦ કિલોમીટરનો ઉજ્જડ અને ખતરનાક વિસ્તાર પાર કરવાનો હતો. ઓછા ભયવાળો માર્ગ લગભગ ૧,૬૦૦ કિલોમીટરની મુસાફરીનો હતો. તેઓ ગમે એ માર્ગ લે, પણ તેઓએ બધી બાબતોનો સામનો મહિનાઓ સુધી કરવાનો હતો, અને જંગલી પ્રાણીઓ તથા એવા જ માણસોનું પણ જોખમ સહેવાનું હતું. તેમ છતાં, જેઓને યશાયાહની ભવિષ્યવાણીમાં વિશ્વાસ હતો, તેઓ ગભરાતા ન હતા. શા માટે?

૧૫, ૧૬. (ક) વિશ્વાસુ યહુદીઓને પોતાના વતન પાછા ફરતા મુસાફરીમાં, યહોવાહ કયું રક્ષણ પૂરું પાડે છે? (ખ) બીજી કઈ રીતે યહોવાહ યહુદીઓને સલામતીનો માર્ગ પૂરો પાડે છે?

૧૫ યશાયાહ દ્વારા, યહોવાહ વચન આપે છે: “ત્યાં રાજમાર્ગ થશે, અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે; તેમાં થઈને કોઈ પણ અશુદ્ધ જશે નહિ; તે માર્ગ તેના લોકોને માટે થશે; અને મૂર્ખો પણ તેમાં ભૂલા પડશે નહિ. ત્યાં સિંહ દેખાશે નહિ, ને કોઇ પણ હિંસક પ્રાણી ત્યાં આવી ચઢશે નહિ, ત્યાં તેઓ જોવામાં આવશે નહિ; પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.” (યશાયાહ ૩૫:૮, ૯) યહોવાહે પોતાના લોકોને પાછા મેળવી લીધા છે! તેઓ તેમનાથી “ઉદ્ધાર પામેલાઓ” છે અને તે તેઓને ઘર સુધી સલામતી માટે રક્ષણ આપવાની ગેરંટી આપે છે. શું બાબેલોનથી યરૂશાલેમ સુધી કોઈ પથ્થર બેસાડેલો અને દીવાલ બાંધેલો માર્ગ છે? ના. પરંતુ, યહોવાહ પોતાના લોકોનું મુસાફરીમાં એવું રક્ષણ કરવાનું વચન આપે છે કે જાણે તેઓ એવા માર્ગ પર જ હોય એમ લાગશે.—ગીતશાસ્ત્ર ૯૧:૧-૧૬ સરખાવો.

૧૬ યહુદીઓને આત્મિક જોખમોથી પણ રક્ષણ મળશે. સાંકેતિક માર્ગ “પવિત્રતાનો માર્ગ” છે. જેઓ પવિત્ર બાબતોની કદર કરતા નથી કે આત્મિક રીતે અશુદ્ધ છે તેઓ એ માર્ગ પર ચાલવા લાયક નથી. સુખી વતનમાં તેઓની કોઈ જરૂર નથી. જેઓ યોગ્ય છે તેઓને પ્રેરણા આપવામાં આવે છે. તેઓ યહુદાહ અને યરૂશાલેમના દેશપ્રેમને કારણે કે પોતાના કોઈ સ્વાર્થ માટે પાછા ફરતા નથી. આત્મિક-મનવાળા એ યહુદીઓ પાછા ફરવાનું મુખ્ય કારણ જાણે છે: એ દેશમાં યહોવાહની શુદ્ધ ઉપાસના ફરીથી ચાલુ કરવી.—એઝરા ૧:૧-૩.

યહોવાહના લોકો ખુશી મનાવે છે

૧૭. યશાયાહની ભવિષ્યવાણીએ લાંબા સમયથી બંદીવાન થયેલા વફાદાર યહુદીઓને કઈ રીતે દિલાસો આપ્યો?

૧૭ યશાયાહની ભવિષ્યવાણીનો ૩૫મો અધ્યાય ખુશી વિષે જણાવતા પૂરો થાય છે: “યહોવાહના છોડાએલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે; અને તેઓને માથે સદૈવ આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે.” (યશાયાહ ૩૫:૧૦) આ ભવિષ્યવાણી યાદ કરીને, દિલાસો અને આશા મેળવનારા બંદીવાન યહુદીઓ વિચારતા હશે કે, કઈ રીતે એ પૂરી થઈ શકશે. મોટા ભાગે તેઓ ભવિષ્યવાણીની અમુક વિગતો હજુ સમજ્યા નહિ હોય. તેમ છતાં, એ એકદમ સ્પષ્ટ હતું કે તેઓ જરૂર ‘પાછા આવીને સિયોન પહોંચશે.’

૧૮. કઈ રીતે બાબેલોનના શોક અને નિસાસા હવે ખુશી અને આનંદમાં બદલાઈ ગયા?

૧૮ આમ, ૫૩૭ બી.સી.ઈ.માં તેઓ યહોવાહમાં પૂરા ભરોસાથી યરૂશાલેમ પાછા ફરવા ચાર મહિનાની મુસાફરીએ નીકળી પડ્યા. તેઓમાં કંઈક ૫૦,૦૦૦ માણસો (જેમાં ૭,૦૦૦થી વધારે ચાકરો હતા), તેમ જ સ્ત્રીઓ અને બાળકો હતા. (એઝરા ૨:૬૪, ૬૫) ફક્ત થોડા મહિનામાં તો, યહોવાહની વેદી ફરીથી બંધાઈ ગઈ, જેનાથી મંદિરનું ફરીથી બાંધકામ પૂરું કરવાની શરૂઆત થઈ ગઈ. યશાયાહની ૨૦૦ વર્ષ જૂની ભવિષ્યવાણી પૂરી થઈ. બાબેલોનમાંનો લોકોનો શોક અને નિસાસા હવે, સુખ-શાંતિવાળા દેશમાં ખુશી અને આનંદમાં બદલાઈ ગયા. યહોવાહે પોતાનું વચન પાળ્યું છે. તેઓ ફરીથી શાબ્દિક અને આત્મિક એમ બંને રીતે સુખ-શાંતિમાં રહેવા માંડ્યા!

નવી પ્રજાનો જન્મ

૧૯. છઠ્ઠી સદી બી.સી.ઈ.માં યશાયાહની ભવિષ્યવાણી મર્યાદિત રીતે પૂરી થઈ હતી, એમ શા માટે કહી શકાય?

૧૯ ખરું કે છઠ્ઠી સદી બી.સી.ઈ.માં યશાયાહના ૩૫માં અધ્યાયની પરિપૂર્ણતા મર્યાદિત હતી. પોતાના વતન પાછા ફરેલા યહુદીઓનું સુખ લાંબું ટકતું નથી. સમય જતાં, જૂઠું શિક્ષણ અને રાષ્ટ્રવાદ શુદ્ધ ભક્તિને અશુદ્ધ કરે છે. આત્મિક રીતે યહુદીઓ ફરીથી શોક અને નિસાસા નાખે છે. ફરીથી આજ્ઞાપાલન ન કરવાને કારણે, તેઓનો આનંદ પણ લાંબો ટકતો નથી. યહોવાહ પરમેશ્વર આખરે તેઓને પોતાના લોકો તરીકે ત્યજી દે છે. (માત્થી ૨૧:૪૩) આ સર્વ બતાવે છે કે યશાયાહના ૩૫માં અધ્યાયની મહાન પરિપૂર્ણતા બાકી હતી.

૨૦. પ્રથમ સદીમાં કયા નવા ઈસ્રાએલનો જન્મ થયો?

૨૦ યહોવાહના સમયે, બીજા ઈસ્રાએલ, એટલે કે આત્મિક ઈસ્રાએલનો જન્મ થાય છે. (ગલાતી ૬:૧૬) ઈસુએ પૃથ્વી પરના પોતાના સેવાકાર્યમાં આ નવા ઈસ્રાએલના જન્મ માટે તૈયારી કરી. તેમણે શુદ્ધ ભક્તિની ફરીથી શરૂઆત કરી અને તેમના શિક્ષણથી, સત્યનું પાણી ફરીથી વહેવા લાગ્યું. તેમણે શારીરિક અને આત્મિક રીતે બીમાર લોકોને સાજા કર્યા. યહોવાહના રાજ્યનો પ્રચાર થયો તેમ, આનંદ આનંદ છવાઈ રહ્યો. ઈસુનું મરણ થયું અને તેમને સજીવન કરવામાં આવ્યા. એના સાત અઠવાડિયા પછી, મહિમાવાન ઈસુએ ખ્રિસ્તી મંડળ, આત્મિક ઈસ્રાએલની સ્થાપના કરી. જેમાં ઈસુના મૂલ્યવાન લોહીથી ખરીદેલા યહુદીઓ અને બીજાઓ હતા, જેઓ યહોવાહના આત્મિક દીકરાઓ અને ઈસુના ભાઈઓ હતા, તથા તેઓના ઉપર યહોવાહનો પવિત્ર આત્મા રેડાયો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪; રૂમી ૮:૧૬, ૧૭; ૧ પીતર ૧:૧૮, ૧૯.

૨૧. યશાયાહની ભવિષ્યવાણીની અમુક કઈ બાબતો, પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળમાં પરિપૂર્ણ થઈ હોય શકે?

૨૧ પ્રેષિત પાઊલે આત્મિક ઈસ્રાએલીઓને લખતી વખતે, યશાયાહ ૩૫:૩ના શબ્દોનો ઉલ્લેખ કર્યો: “લૂલા થએલા હાથોને તથા અશક્ત થએલા ઘૂંટણોને તમે ફરી સમા કરો.” (હેબ્રી ૧૨:૧૨) આમ, પહેલી સદી સી.ઈ.માં પણ યશાયાહના ૩૫માં અધ્યાયના શબ્દો પૂરા થયા. શાબ્દિક રીતે, ઈસુ અને તેમના શિષ્યોએ ચમત્કાર કરીને આંધળાને દેખતા કર્યા અને બહેરાંને સાંભળતા કર્યા. તેઓએ ‘પાંગળાને ચાલતા’ કર્યા અને મૂંગાને બોલતા કર્યા. (માત્થી ૯:૩૨; ૧૧:૫; લુક ૧૦:૯) વધારે મહત્ત્વનું તો, ન્યાયી લોકો જૂઠા ધર્મમાંથી બહાર નીકળી આવ્યા અને ખ્રિસ્તી મંડળના આત્મિક સુખમાં આનંદ માણવા લાગ્યા. (યશાયાહ ૫૨:૧૧; ૨ કોરીંથી ૬:૧૭) બાબેલોનમાંથી પાછા ફરી રહેલા યહુદીઓની જેમ, આ બચી જનારાને પણ ઉત્સાહી, હિંમતવાન વલણ બતાવવાનું ખૂબ જરૂરી હતું.—રૂમી ૧૨:૧૧.

૨૨. કઈ રીતે સત્ય શોધનારા, સાચા ખ્રિસ્તીઓ આપણા સમયમાં બાબેલોનના ગુલામીમાં ગયા?

૨૨ આપણા સમય વિષે શું? શું યશાયાહની ભવિષ્યવાણી હજુ પૂરી થવાની બાકી છે, જેમાં આજના ખ્રિસ્તી મંડળનો સમાવેશ થતો હોય? હા! પ્રેષિતોના મરણ પછી, અભિષિક્ત ખ્રિસ્તીઓની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ. તેમ જ, જૂઠા ખ્રિસ્તીઓ એટલે “કડવા દાણા” જગતભરમાં વધવા લાગ્યા. (માત્થી ૧૩:૩૬-૪૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૦; ૨ પીતર ૨: ૧-૩) અરે, ૧૯મી સદીમાં, અમુક જણ સાચા દિલથી ખ્રિસ્તીરાષ્ટ્રથી જુદા થયા અને શુદ્ધ ઉપાસના શોધવા લાગ્યા, ત્યારે પણ તેઓની સમજણ ખોટા શિક્ષણથી રંગાયેલી હતી. ઈસુ ૧૯૧૪માં મસીહી રાજા તરીકે રાજ્યાસન પર બેઠા. પરંતુ, એ પછી તરત જ, સત્ય શોધનારા માટે પરિસ્થિતિ બગડવા માંડી. ભવિષ્યવાણીની પરિપૂર્ણતામાં દેશોએ ‘તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતી લીધા.’ આ સાચા ખ્રિસ્તીઓના પ્રચાર કરવાના પ્રયત્નો ચૂપ કરી દેવાયા. હકીકતમાં, તેઓ બાબેલોનની ગુલામીમાં ગયા.—પ્રકટીકરણ ૧૧:૭, ૮.

૨૩, ૨૪. યશાયાહના શબ્દો, ૧૯૧૯થી યહોવાહના લોકોમાં કઈ રીતે પૂરા થઈ રહ્યા છે?

૨૩ જો કે ૧૯૧૯માં બાજી પલટાઈ. યહોવાહે પોતાના લોકોને ગુલામીમાંથી છૂટકારો અપાવ્યો. તેઓ જૂઠું શિક્ષણ છોડી દેવા માંડ્યા, જેનાથી અગાઉ તેઓની ઉપાસના ભ્રષ્ટ થઈ હતી. તેથી, તેઓએ સાજાપણાનો અનુભવ કર્યો. તેઓ આત્મિક સુખ-શાંતિમાં આવ્યા, જે આજે પણ આખી પૃથ્વી પર ફેલાતી રહે છે. આત્મિક રીતે, આંધળા જોતા શીખે છે અને બહેરા સાંભળતા શીખી રહ્યા છે. તેઓ યહોવાહના પવિત્ર આત્માના કાર્યો પ્રત્યે જાગૃત થયા છે અને યહોવાહને વળગી રહેવા માંગે છે. (૧ થેસ્સાલોનીકી ૫:૬; ૨ તીમોથી ૪:૫) હવે, મૂંગા ન હોવાથી, સાચા ખ્રિસ્તીઓ બાઇબલ વિષે બીજાઓને જણાવવા માટે ઉત્સાહી છે. (રૂમી ૧:૧૫) જેઓ આત્મિક રીતે નબળા, અથવા ‘લંગડા’ હતા, તેઓ હવે ઉત્સાહી અને આનંદી છે. સાંકેતિક રીતે, તેઓ ‘હરણની પેઠે કૂદી’ શકે છે.

૨૪ આ ખ્રિસ્તીઓ હવે ‘પવિત્રતાના માર્ગમાં’ ચાલે છે. આ “માર્ગ” મહાન બાબેલોનમાંથી નીકળીને આત્મિક સુખ-શાંતિમાં લઈ જાય છે, અને આત્મિક રીતે શુદ્ધ ઉપાસક માટે એ ખુલ્લો છે. (૧ પીતર ૧:૧૩-૧૬) તેઓ યહોવાહના રક્ષણમાં પૂરો ભરોસો રાખીને, ખાતરી રાખી શકે કે સાચી ઉપાસનાનો નાશ કરવાના, શેતાનના જાનવર જેવા હુમલા નિષ્ફળ જશે. (૧ પીતર ૫:૮) આજ્ઞાપાલન ન કરનારા અને જે કોઈ લાલચું જંગલી પ્રાણીની જેમ વર્તે છે, તેઓ યહોવાહના પવિત્રતાના માર્ગ પર ચાલનારાને ભ્રષ્ટ કરી શકશે નહિ. (૧ કોરીંથી ૫:૧૧) યહોવાહના ઉદ્ધાર પામેલા લોકો, એટલે કે અભિષિક્ત જનો અને “બીજાં ઘેટાં” આવી સલામતીમાં સાચા પરમેશ્વરની ભક્તિ કરવામાં ખુશી મનાવે છે.—યોહાન ૧૦:૧૬.

૨૫. શું યશાયાહના ૩૫મો અધ્યાય તંદુરસ્તીની આશા આપે છે? સમજાવો.

૨૫ ભાવિ વિષે શું? શું યશાયાહની ભવિષ્યવાણી તંદુરસ્તીની આશા આપે છે? હા! પ્રથમ સદીમાં ઈસુ અને તેમના શિષ્યોએ કરેલા ચમત્કારો બતાવે છે કે ભાવિમાં યહોવાહ મોટા પ્રમાણમાં એવું જ કરશે. બાઇબલના ગીતો પૃથ્વી પર શાંતિમાં હંમેશ માટેના જીવન વિષે જણાવે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૧, ૨૯) ઈસુએ સુખી જગતનું વચન આપ્યું હતું. (લુક ૨૩:૪૩) બાઇબલના છેલ્લા પુસ્તકમાં પણ સુખ-શાંતિવાળી પૃથ્વીનું વચન આપવામાં આવ્યું છે. એ સમયે આંધળા, બહેરાં, લંગડા અને મૂંગા શારીરિક રીતે હંમેશ માટે સાજા થશે. શોક અને નિસાસા હંમેશા માટે જતા રહ્યા હશે. ખરેખર, હંમેશ માટે આનંદ આનંદ થઈ રહેશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૬, ૧૭; ૨૧:૨, ૩.

૨૬. આજે આપણને યશાયાહના શબ્દો કેવું ઉત્તેજન આપે છે?

૨૬ આજે આપણે પૃથ્વી પર ફરીથી સુખી જગતની રાહ જોઈએ છીએ તેમ, હમણાં પણ આત્મિક આશીર્વાદોનો આનંદ માણીએ છીએ. આપણે કસોટીઓ હિંમતથી સહન કરીએ છીએ. યહોવાહમાં પૂરા ભરોસાથી, આપણે એકબીજાને હિંમત આપીને આ ઉત્તેજન લઈએ છીએ: “ઢીલા હાથોને દૃઢ કરો, અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો. જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહો દૃઢ થાઓ, બીશો મા.” આપણને આ ભવિષ્યવાણીમાં પૂરો વિશ્વાસ છે: “જુઓ, તમારો દેવ! વૈર લેવાશે, દેવ તેમને યોગ્ય બદલો આપશે; તે પોતે આવીને તમને તારશે.”—યશાયાહ ૩૫:૩, ૪.

[ફુટનોટ]

^ શાસ્ત્રવચનોમાં જૂના જમાનાના લબાનોનની સરખામણી, એદન વાડી સાથે થઈ છે. જેમાં ભૂમિ ફળદ્રુપ અને ફૂલી-ફાલી રહેલી વાડીઓ તેમ જ ઊંચા ઊંચા દેવદારના વૃક્ષો હતા. (ગીતશાસ્ત્ર ૨૯:૫; ૭૨:૧૬; હઝકીએલ ૨૮:૧૧-૧૩) શારોન એનાં ઝરણાં અને એલોન અથવા ઇમારતી લાકડાના જંગલો માટે જાણીતું હતું; કાર્મેલ એની દ્રાક્ષાવાડીઓ, વાડીઓ અને ફૂલોની ચાદર બિછાવેલા ઢોળાવો માટે જાણીતું હતું.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૭૦ પર આખા પાનાનું ચિત્ર]

[પાન ૩૭૫ પર ચિત્રો]

વેરાન ભૂમિ પુષ્કળ પાણીવાળી થશે, જ્યાં બરું અને લીલોતરી થશે

[પાન ૩૭૮ પર ચિત્ર]

ઈસુએ બીમાર લોકોને આત્મિક અને શારીરિક રીતે સાજા કર્યા