સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મસીહના રાજમાં બચાવ અને આનંદ

મસીહના રાજમાં બચાવ અને આનંદ

તેરમું પ્રકરણ

મસીહના રાજમાં બચાવ અને આનંદ

યશાયાહ ૧૧:૧–૧૨:૬

૧. યશાયાહના સમયમાં, યહોવાહના લોકોની ધાર્મિક હાલતનું વર્ણન કરો.

 યશાયાહના સમયમાં, યહોવાહના પોતાના લોકોની ધાર્મિક હાલત બહુ ખરાબ હતી. વિશ્વાસુ રાજાઓ, ઉઝ્ઝીયાહ અને યોથામના રાજમાં પણ ઘણા લોકો મૂર્તિઓને ધૂપ બાળતા હતા. (૨ રાજાઓ ૧૫:૧-૪, ૩૪, ૩૫; ૨ કાળવૃત્તાંત ૨૬:૧,) હિઝકીયાહ રાજા બન્યા ત્યારે, તેમણે દેશમાંથી બઆલની ભક્તિનાં સાધનોનો નાશ કરવો પડ્યો. (૨ કાળવૃત્તાંત ૩૧:૧) તેથી, યહોવાહે પોતાના લોકોને પોતાની ભક્તિ કરવા અરજ કરીને, આવનાર શિસ્ત વિષે ચેતવણી આપી, એમાં કંઈ નવાઈ નથી!

૨, ૩. ભલે લોકો અવિશ્વાસુ હતા છતાં, યહોવાહ પોતાના ભક્તોને કયું ઉત્તેજન આપે છે?

જો કે બધા જ લોકો કંઈ ખરાબ ન હતા. યહોવાહના વિશ્વાસુ પ્રબોધકો અને તેઓનું માનનારા અમુક યહુદીઓ પણ હતા. હવે, યહોવાહે એવા લોકોને દિલાસો આપ્યો. પ્રબોધક યશાયાહે, આશ્શૂરના આક્રમણમાં થનાર યહુદાહની ભયંકર ખરાબી વિષે વર્ણન કર્યું. પછી, તેમને બાઇબલમાંનો એક સુંદર સંદેશ લખવાની પ્રેરણા મળી, જે મસીહના રાજ્યના ભાવિ આશીર્વાદોનું વર્ણન હતું. * યહુદીઓ બાબેલોનના બંદીવાસમાંથી પાછા ફર્યા ત્યારે, આ આશીર્વાદો અમુક પ્રમાણમાં પૂરા થયા. પરંતુ, આજે એ ભવિષ્યવાણી મોટા પ્રમાણમાં પૂરી થઈ રહી છે. ખરું કે, યશાયાહ અને તેમના મિત્રો આ આશીર્વાદો જોવા રહ્યા નથી. પરંતુ, તેઓએ વિશ્વાસથી એની રાહ જોઈ, અને સજીવન થઈને યશાયાહના એ શબ્દોની પરિપૂર્ણતાનો આનંદ માણશે.—હેબ્રી ૧૧:૩૫.

આજે પણ, યહોવાહના લોકોને ઉત્તેજનની જરૂર છે. જગતનો નૈતિક સડો, રાજ્ય સંદેશનો સખત વિરોધ અને પોતાની નબળાઈઓ, સર્વ માટે કસોટીરૂપ બને છે. મસીહ અને તેમના રાજ વિષેનો આ અદ્‍ભુત સંદેશ ખરેખર યહોવાહના લોકોને દૃઢ કરશે, અને કસોટીઓ સહન કરવા મદદ કરશે.

મસીહ, એક કુશળ આગેવાન

૪, ૫. મસીહ વિષે યશાયાહે શું ભાખ્યું, અને માત્થીએ યશાયાહના શબ્દોને કઈ રીતે લાગુ પાડ્યા?

યશાયાહથી ઘણાં વર્ષો અગાઉ, બાઇબલના બીજા હેબ્રી લેખકોએ મસીહ વિષે ભાખ્યું હતું. એ મસીહ, યહોવાહે ઈસ્રાએલમાં મોકલેલા કુશળ આગેવાન હશે. (ઉત્પત્તિ ૪૯:૧૦; પુનર્નિયમ ૧૮:૧૮; ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨, ૨૬) હવે, યહોવાહ પરમેશ્વર યશાયાહ દ્વારા વધુ વિગતો આપે છે: “યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.” (યશાયાહ ૧૧:૧; સરખાવો ગીતશાસ્ત્ર ૧૩૨:૧૧.) “ફણગો” અને ‘ઊગતી ડાળી’ બંને બતાવે છે કે મસીહ યિશાઈના વંશજ હશે, જે તેમના પુત્ર દાઊદ દ્વારા આવશે. દાઊદને ઈસ્રાએલના રાજા તરીકે તેલથી અભિષિક્ત કરવામાં આવ્યા હતા. (૧ શમૂએલ ૧૬:૧૩; યિર્મેયાહ ૨૩:૫; પ્રકટીકરણ ૨૨:૧૬) સાચા મસીહ આવશે ત્યારે, દાઊદના વંશની “ડાળી” સારાં ફળ આપશે.

વચન પ્રમાણે, એ મસીહ ઈસુ છે. ઈસુ “નાઝારી” કહેવાયા ત્યારે, પ્રબોધકોના શબ્દો પૂરા થયા, એવું માત્થીએ લખ્યું. માત્થી ત્યાં યશાયાહ ૧૧:૧ના શબ્દોનો ઉલ્લેખ કરતા હતા. ઈસુ નાઝારેથમાં મોટા થયા હોવાથી, તેમને નાઝારી કહેવામાં આવ્યા. ખરું જોતા, એ નામ યશાયાહ ૧૧:૧માં “ડાળી” માટે વપરાયેલા હેબ્રી શબ્દને મળતું આવે છે. *માત્થી ૨:૨૩; લુક ૨:૩૯, ૪૦.

૬. ભવિષ્યવાણી પ્રમાણે, મસીહ કેવા રાજા હશે?

મસીહ કેવા રાજા હશે? શું મસીહ આશ્શૂર જેવા ક્રૂર, હઠીલા હશે, જેણે ઉત્તર ઈસ્રાએલના દસ-કુળના રાજ્યનો નાશ કર્યો? ના. મસીહ વિષે યશાયાહ કહે છે: “યહોવાહનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે. તે યહોવાહના ભયમાં હરખાશે.” (યશાયાહ ૧૧:૨, ૩ ) મસીહ કંઈ તેલથી નહિ, પણ યહોવાહના પવિત્ર આત્માથી અભિષિક્ત થયેલા છે. ઈસુ બાપ્તિસ્મા પામ્યા એ વખતે એમ બન્યું. યોહાન બાપ્તિસ્મકે યહોવાહના પવિત્ર આત્માને કબૂતરની પેઠે ઈસુ પર ઉતરતા જોયો. (લુક ૩:૨૨) ઈસુ પર યહોવાહનો આત્મા “રહેશે.” એની સાબિતી તે બુદ્ધિ, સમજણ, વિવેક, પરાક્રમ, અને જ્ઞાનથી વર્તીને આપે છે. એક રાજા તરીકે કેવા સુંદર ગુણો!

૭. ઈસુએ પોતાના વિશ્વાસુ શિષ્યોને કયું વચન આપ્યું?

ઈસુના શિષ્યો પણ પવિત્ર આત્મા મેળવી શકે છે. ઈસુએ પોતાના એક પ્રવચનમાં કહ્યું: “જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” (લુક ૧૧:૧૩) તેથી, આપણે યહોવાહ પાસે પવિત્ર આત્મા માગતા અચકાવું જોઈએ નહિ. તેમ જ, આપણે કદી પણ એના સુંદર ગુણો વિકસાવવાનું બંધ કરવું જોઈએ નહિ, જે “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે.” (ગલાતી ૫:૨૨, ૨૩) “જે જ્ઞાન ઉપરથી છે,” એ માટે ઈસુના શિષ્યોની વિનંતી જરૂર સાંભળશે, એવું યહોવાહ વચન આપે છે. એ જ્ઞાન તેઓને મુસીબતોનો સફળતાથી સામનો કરવા મદદ કરશે.—યાકૂબ ૧:૫; ૩:૧૭.

૮. યહોવાહ પરમેશ્વરના ભયમાં, ઈસુએ કઈ રીતે આનંદ માણ્યો?

મસીહ ‘યહોવાહનો ભય’ કઈ રીતે રાખે છે? ખરેખર, ઈસુને યહોવાહની બીક લાગતી હોય કે શાપથી ગભરાતા હોય એવું નથી. એને બદલે, પરમેશ્વર પરના પ્રેમભાવને કારણે, મસીહ ભય રાખે છે. ઈસુની જેમ, પરમેશ્વરનો ભય રાખનાર હંમેશા ‘તેમને ગમતાં કામો’ કરવા આતુર હોય છે. (યોહાન ૮:૨૯) ઈસુ વાણી અને વર્તનથી શીખવે છે કે, દરરોજ યહોવાહનો ભય રાખીને જીવવા કરતાં મોટો આનંદ બીજો કોઈ જ નથી.

ન્યાયી અને દયાળુ ન્યાયાધીશ

૯. ખ્રિસ્તી મંડળમાં ન્યાય કરતા ભાઈઓને ઈસુએ કેવો નમૂનો પૂરો પાડ્યો?

મસીહના ગુણો વિષે યશાયાહ વધુ ભાખે છે: “પોતાની આંખે જોયા પ્રમાણે તે ઈન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ.” (યશાયાહ ૧૧:૩ ) તમારે અદાલતમાં જવાનું હોય તો, તમે એવા ન્યાયાધીશથી હળવાશ પામશો નહિ? સર્વના ન્યાયાધીશ તરીકે, મસીહ પર ખોટી દલીલો, અદાલતી ચાલાકી, અફવા, કે ખોટા પુરાવાઓ, અને ધનદોલતની અસર પડશે નહિ. તે છેતરપિંડી પારખી શકે છે, અને દેખાડાની આરપાર ‘અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યને’ જોઈ શકે છે. (૧ પીતર ૩:૪) ઈસુનું ઉદાહરણ ખ્રિસ્તી મંડળમાં ન્યાય કરતા ભાઈઓ માટે ઉત્તમ નમૂનો છે.—૧ કોરીંથી ૬:૧-૪.

૧૦, ૧૧. (ક) ઈસુ આપણને કઈ રીતે ઠપકો આપે છે? (ખ) ઈસુ દુષ્ટો પર કયો ન્યાયચુકાદો લઈ આવે છે?

૧૦ મસીહના ઉત્તમ ગુણો કઈ રીતે તેમના ન્યાય પર અસર કરશે? યશાયાહ સમજાવે છે: “ન્યાયીપણાથી તે નિરાધારનો ઈન્સાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે; અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે, ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે. ન્યાયીપણું તેનો કમરપટો, ને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.”—યશાયાહ ૧૧:૪, ૫.

૧૧ આપણને સુધારાની જરૂર હોય ત્યારે, લાભ થાય એ રીતે ઈસુ ઠપકો આપે છે. એ ખ્રિસ્તી વડીલો માટે કેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે! એ જ સમયે, દુષ્ટતામાં મંડ્યા રહેનારા આકરી સજા પામશે. યહોવાહ આ જગતનો હિસાબ માગશે ત્યારે, મસીહ પોતાની સત્તાથી સર્વ દુષ્ટોનો ન્યાય કરીને “જુલમીને મારશે.” (ગીતશાસ્ત્ર ૨:૯; સરખાવો પ્રકટીકરણ ૧૯:૧૫.) છેવટે, પૃથ્વીની શાંતિમાં ભંગ પાડવા કોઈ દુષ્ટ બચ્યો હશે નહિ. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) ઈસુ કમરપટા તરીકે ન્યાયીપણું, અને કમરબંધ તરીકે વિશ્વાસુપણું પહેરી એમ કરવા તૈયાર છે.—ગીતશાસ્ત્ર ૪૫:૩-૭.

પૃથ્વીની બદલાયેલી સૂરત

૧૨. બાબેલોનથી વચનના દેશમાં પાછા જવાનું વિચારી રહેલા યહુદીને કઈ બાબતોની ચિંતા થઈ શકે?

૧૨ એક ઈસ્રાએલીની કલ્પના કરો, જેણે હમણાં જ કોરેશના હુકમ વિષે જાણ્યું કે, યહુદીઓ યરૂશાલેમ પાછા જઈને મંદિરનું બાંધકામ કરી શકે. શું એ બાબેલોનની સલામતી મૂકીને પાછો વતનમાં જશે? ઈસ્રાએલીઓ ૭૦ વર્ષોથી ત્યાં ન હોવાથી, ખેતરોમાં હવે કાંટા-કંટાળી ઊગી નીકળ્યા હશે. એમાં શિયાળ, ચિત્તા, સિંહ, અને રીંછ રખડતા થઈ ગયા હશે. એમાં ઝેરી નાગ પણ હશે. હવે, પાછા ફરી રહેલા યહુદીઓએ ખોરાક માટે પાળેલાં જાનવરો પર આધાર રાખવો પડશે. ઘેટાં-બકરાં, ગાય, ભેંસ તેઓને દૂધ, ઊન અને માંસ પૂરા પાડશે, અને બળદ હળ ખેંચવા મદદ કરશે. શું તેઓ લૂંટારાનો શિકાર બનશે? શું બાળકોને સાપ કરડશે? મુસાફરીમાં, તેઓ પર હુમલો થાય તો શું?

૧૩. (ક) યશાયાહ કેવું વર્ણન કરે છે? (ખ) અહીં પ્રાણીઓની બીકથી વધુ સમાયેલું છે, એમ કઈ રીતે કહી શકાય?

૧૩ યહોવાહ ત્યાં કેવા અદ્‍ભુત ફેરફારો લઈ આવશે એનું યશાયાહ વર્ણન કરે છે: “તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે; વાછરડું, સિંહ તથા માતેલાં ઢોર એકઠાં રહેશે; અને નાનું છોકરૂં તેઓને દોરશે. ગાય તથા રીંછ સાથે ચરશે; તેઓનાં બચ્ચાં ભેગાં સૂશે; અને સિંહ ઢોરની પેઠે કડબ ખાશે. ધાવણું બાળક સાપના દર પર રમશે, ને ધાવણ છોડાવેલું છોકરૂં નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમકે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયાહ ૧૧:૬-૯) શું આ શબ્દો દિલને ખુશ કરી નાખતા નથી? નોંધ લો કે, અહીં વર્ણવવામાં આવેલી શાંતિ યહોવાહના જ્ઞાનથી આવે છે. તેથી, જંગલી જાનવરોથી સલામતી મેળવવા કરતાં વધુ સમાયેલું છે. યહોવાહનું જ્ઞાન પ્રાણીઓને નહિ, પરંતુ લોકોને અસર કરશે. ઈસ્રાએલીઓએ વતન પાછા ફરતી વખતે, અથવા વતનમાં જંગલી પ્રાણીઓ કે એવા મનુષ્યોની બીક રાખવાની જરૂર ન હતી.—એઝરા ૮:૨૧, ૨૨; યશાયાહ ૩૫:૮-૧૦; ૬૫:૨૫.

૧૪. યશાયાહ ૧૧:૬-૯ની મહાન પરિપૂર્ણતા કઈ રીતે થાય છે?

૧૪ જો કે આ ભવિષ્યવાણીની મહાન પરિપૂર્ણતા છે. મસીહ ઈસુ ૧૯૧૪માં સ્વર્ગીય સિયોન પર્વતના રાજ્યાસન પર બેઠા. ‘દેવના ઈસ્રાએલના’ બાકી રહેલાઓએ, ૧૯૧૯માં બાબેલોનમાંથી છુટકારાનો અનુભવ કર્યો, અને તેઓએ સાચી ભક્તિ ફરીથી સ્થાપી. (ગલાતી ૬:૧૬) તેથી, એ સુંદર ભાવિની ભવિષ્યવાણી આજના સમયમાં પૂરી થવા માંડી. યહોવાહનું ચોક્સાઈભર્યું “જ્ઞાન” લોકોમાં ફેરફાર લાવે છે. (કોલોસી ૩:૯, ૧૦) અગાઉના ક્રૂર લોકો શાંતિચાહકો બન્યા છે. (રૂમી ૧૨:૨; એફેસી ૪:૧૭-૨૪) આ ભવિષ્યવાણીમાં પૃથ્વી પર જીવવાની આશાવાળા ખ્રિસ્તીઓનો પણ સમાવેશ થાય છે, જેઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેથી, આ બનાવોથી લાખોમાં પરિવર્તન આવ્યું છે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯; યશાયાહ ૬૦:૨૨) તેઓ એવા સમયની રાહ જુએ છે, જ્યારે યહોવાહના મૂળ હેતુ પ્રમાણે, આખી પૃથ્વી સુખી, શાંતિમય બગીચા જેવી બનશે.—માત્થી ૬:૯, ૧૦; ૨ પીતર ૩:૧૩.

૧૫. નવી દુનિયામાં યશાયાહના શબ્દો શાબ્દિક રીતે પૂરા થવાની અપેક્ષા આપણે રાખી શકીએ? સમજાવો.

૧૫ એ સુખી, શાંતિમય પૃથ્વી પર યશાયાહની ભવિષ્યવાણીની શાબ્દિક પરિપૂર્ણતા હશે ખરી? હા, એમ માનવું વાજબી છે. એ ભવિષ્યવાણી પાછા ફરેલા ઈસ્રાએલીઓની જેમ જ, મસીહના રાજમાં રહેનારા લોકોને પણ ભરોસો આપે છે; મનુષ્ય કે જાનવર, કોઈને પણ એકબીજાનો ભય રહેશે નહિ. એદનમાં આદમ અને હવાની જેમ જ, મસીહના રાજ્યમાં પૃથ્વીના સર્વ રહેવાસીઓ શાંતિનો આનંદ માણશે. જો કે શાસ્ત્ર એદન બાગના જીવનની દરેક વિગતો જણાવતું નથી. તેમ જ, ભાવિમાં સુખી પૃથ્વી પર કેવું જીવન હશે એની વિગતો પણ જણાવતું નથી. પરંતુ, આપણે જરૂર ખાતરી રાખી શકીએ કે, રાજા ઈસુ ખ્રિસ્તના પ્રેમાળ રાજમાં, બધું બરાબર હશે.

મસીહ દ્વારા શુદ્ધ ભક્તિ ફરીથી સ્થપાઈ

૧૬. યહોવાહના લોકો માટે ૫૩૭ બી.સી.ઈ.માં, શું ચિહ્‍નરૂપ બન્યું?

૧૬ એદનમાં શેતાને આદમ અને હવા પાસે યહોવાહની આજ્ઞા તોડાવી. એ વખતે, પહેલી વાર શુદ્ધ ભક્તિ પર હુમલો થયો. બની શકે એટલા લોકોને યહોવાહથી દૂર લઈ જવાના શેતાનના પ્રયત્નો આજે પણ ચાલુ જ છે. પરંતુ, યહોવાહ પૃથ્વી પર શુદ્ધ ભક્તિનો અંત લાવવા દેશે નહિ. એમાં તેમના નામનો સવાલ છે, અને તેમના ભક્તોને તે ચાહે છે. તેથી, યશાયાહ દ્વારા તે નોંધપાત્ર વચન આપે છે: “તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.” (યશાયાહ ૧૧:૧૦) દાઊદે પાટનગર બનાવેલું શહેર, યરૂશાલેમ ૫૩૭ બી.સી.ઈ.માં ચિહ્‍નરૂપ સાબિત થયું. વિખેરાયેલા યહુદીઓના વિશ્વાસુ શેષભાગને પાછો બોલાવી, તેઓને મંદિરનું ફરીથી બાંધકામ કરવાનું કહેવામાં આવ્યું.

૧૭. પ્રથમ સદીમાં અને આપણા સમયમાં, ઈસુ કઈ રીતે ‘વિદેશીઓમાં રાજ કરવા ઊભા’ થયા?

૧૭ જો કે ભવિષ્યવાણી કંઈક વધુ જણાવે છે. આપણે જોઈ ગયા તેમ, એ મસીહ, જે સર્વ લોકોના એકમાત્ર આગેવાન છે, તેમના રાજ વિષે જણાવે છે. પ્રેષિત પાઊલે યશાયાહ ૧૧:૧૦નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેમના સમયમાં ખ્રિસ્તી મંડળ સર્વ લોકો માટે હશે. સેપ્ટ્યુઆજીંટ અનુવાદમાંથી આ કલમ ટાંકતા, તેમણે લખ્યું: “વળી યશાયાહ કહે છે, કે યિશાઈની જડ, એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઊભો થવાનો છે, તે થશે; તેના પર વિદેશીઓ આશા રાખશે.” (રૂમી ૧૫:૧૨) વધુમાં, એ ભવિષ્યવાણી હજુ આગળ જાય છે. એ છેક આપણા સમય સુધી આવે છે, જ્યારે લોકો મસીહના અભિષિક્ત ભાઈઓને ટેકો આપીને યહોવાહ માટેનો પોતાનો પ્રેમ બતાવે છે.—યશાયાહ ૬૧:૫-૯; માત્થી ૨૫:૩૧-૪૦.

૧૮. આપણા સમયમાં, કઈ રીતે ઈસુ ચિહ્‍નરૂપ બન્યા છે?

૧૮ આપણા સમયમાં, યશાયાહે જણાવેલો ‘તે સમય,’ ૧૯૧૪માં શરૂ થયો, જ્યારે યહોવાહના સ્વર્ગીય રાજ્યના રાજા તરીકે મસીહને રાજગાદી મળી. (લુક ૨૧:૧૦; ૨ તીમોથી ૩:૧-૫; પ્રકટીકરણ ૧૨:૧૦) એ સમયથી, ન્યાયી સરકારની ઝંખના રાખનાર આત્મિક ઈસ્રાએલ અને સર્વ પ્રજાઓના લોકો માટે, ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ ચિહ્‍ન બન્યા છે. ઈસુ મસીહે ભાખ્યું હતું એમ જ, તેમની દોરવણી હેઠળ રાજ્યનો સંદેશો સર્વ લોકોને જણાવવામાં આવી રહ્યો છે. (માત્થી ૨૪:૧૪; માર્ક ૧૩:૧૦) એ સંદેશની ઊંડી અસર પડે છે. “કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા” અભિષિક્ત શેષભાગ સાથે શુદ્ધ ભક્તિમાં જોડાઈને, મસીહને આધીન થાય છે. (પ્રકટીકરણ ૭:૯) યહોવાહના “પ્રાર્થનાના મંદિરમાં” શેષભાગ સાથે જેમ ઘણા નવા સભ્યો ભેગા થવાનું ચાલુ રાખે છે તેમ, તેઓ મસીહનું “રહેઠાણ,” યહોવાહના મહાન આત્મિક મંદિરના ગૌરવમાં વધારો કરે છે.—યશાયાહ ૫૬:૭; હાગ્ગાય ૨:૭.

લોકો એક બની યહોવાહને ભજે છે

૧૯. કયા બે પ્રસંગોએ યહોવાહે પૃથ્વી પર પોતાના વિખેરાયેલા શેષભાગને ભેગો કર્યો?

૧૯ હવે, યશાયાહ ઈસ્રાએલીઓને યાદ કરાવે છે કે, પહેલાં પણ યહોવાહે તેઓને જુલમી દુશ્મનના હાથમાંથી બચાવ્યા હતા. યહોવાહે તેઓના પૂર્વજોને મિસરની ગુલામીમાંથી છુટકારો અપાવ્યો હતો, એ બનાવ સર્વ વિશ્વાસુ યહુદીઓના દિલમાં રોમાંચ જગાડનારો છે. યશાયાહ લખે છે: “તે સમયે પ્રભુ પોતાના લોકના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશ્શૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનઆરમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે. વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે, ને ઈસ્રાએલના કાઢી મૂકેલાને એકઠા કરશે, ને યહુદાહના વિખેરાઈ ગએલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.” (યશાયાહ ૧૧:૧૧, ૧૨) યહોવાહ પરમેશ્વર ઈસ્રાએલ અને યહુદાહના બાકી રહેલા વિશ્વાસુ જનોને જાણે કે, હાથ પકડીને એ દેશોમાંથી કાઢી લાવશે, જ્યાં તેઓ વિખેરાઈ ગયા છે. તે તેઓને સલામતીમાં પાછા લઈ આવશે. અમુક હદે, ૫૩૭ બી.સી.ઈ.માં એમ બને છે. જો કે એની મહાન પરિપૂર્ણતા કેવી ભવ્ય છે! યહોવાહ પરમેશ્વરે, રાજા ઈસુ ખ્રિસ્તને ૧૯૧૪માં “વિદેશીઓને માટે ધ્વજા” તરીકે ઊભા કર્યા. એ ચિહ્‍ન પાસે ૧૯૧૯માં ‘દેવના ઈસ્રાએલના’ બાકી રહેલા ભેગા થવા માંડ્યા. તેઓ યહોવાહના રાજ્ય હેઠળ શુદ્ધ ભક્તિમાં જોડાવા આતુર હતા. આ અજોડ આત્મિક રાષ્ટ્રમાં “સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકો” સમાયેલા છે.—પ્રકટીકરણ ૫:૯.

૨૦. બાબેલોનથી પાછા ફરેલા યહોવાહના લોકો કઈ એકતાનો આનંદ માણશે?

૨૦ યશાયાહ હવે પાછા ફરેલા લોકોની એકતાનું વર્ણન કરે છે. તે ઉત્તરના રાજ્યની એફ્રાઈમ, અને દક્ષિણના રાજ્યની યહુદાહ તરીકે ઓળખ આપે છે: “વળી એફ્રાઇમની અદેખાઈ મટી જશે, ને યહુદાહને પજવનારાને નાબૂદ કરવામાં આવશે; એફ્રાઈમ યહુદાહની અદેખાઈ કરશે નહિ, ને યહુદાહ એફ્રાઈમને પજવશે નહિ તેઓ ઊડીને પશ્ચિમમાં પલિસ્તીઓની ખાંધ પર ઊતરી પડશે; તેઓ એકઠા થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે; તેઓ અદોમ તથા મોઆબને હસ્તગત કરશે; અને આમ્મોનીઓ તેઓના હુકમ માથે ચઢાવશે.” (યશાયાહ ૧૧:૧૩, ૧૪) યહુદીઓ બે અલગ રાજ્યો તરીકે બાબેલોનથી પાછા નહિ ફરે. ઈસ્રાએલનાં સર્વ કુળના લોકો એક થઈ વતનમાં પાછા ફરશે. (એઝરા ૬:૧૭) તેઓ એકબીજા પ્રત્યે કોઈ પણ વેરઝેર કે દુશ્મનાવટ બતાવશે નહિ. સંપીલા લોકો તરીકે, તેઓ આજુબાજુના દેશોમાંના પોતાના દુશ્મનો સામે વિજયી પુરવાર થશે.

૨૧. આજે યહોવાહના લોકોની એકતા કઈ રીતે અજોડ છે?

૨૧ જો કે ‘દેવના ઈસ્રાએલની’ એકતા તો એથીયે અજોડ છે. એ આત્મિક ઈસ્રાએલનાં સાંકેતિક બાર કુળો લગભગ ૨,૦૦૦ વર્ષોથી એકતાનો આનંદ માણે છે. એ એકતા યહોવાહ માટે અને ખ્રિસ્તી ભાઈ-બહેનો માટેના તેઓના પ્રેમ પર આધારિત છે. (કોલોસી ૩:૧૪; પ્રકટીકરણ ૭:૪-૮) આજે, યહોવાહનું ઈસ્રાએલ અને પૃથ્વી પર જીવવાની આશાવાળા, તેમના સર્વ લોકો મસીહના રાજમાં આખી દુનિયામાં શાંતિ અને એકતાનો આનંદ માણે છે. એવી શાંતિનો અનુભવ ખ્રિસ્તીરાષ્ટ્રનાં ચર્ચોએ સપનામાં પણ કર્યો નહિ હોય. યહોવાહના સાક્ષીઓની ભક્તિમાં શેતાન ખલેલ પહોંચાડે છે ત્યારે, તેઓ એક થઈને તેનો સામનો કરે છે. એકબીજા સાથે હળીમળીને તેઓ પ્રજાઓમાં મસીહી રાજ્યનો પ્રચાર કરી, એ વિષે શીખવવાની ઈસુની આજ્ઞા પાળે છે.—માત્થી ૨૮:૧૯, ૨૦.

નડતરો આંબવામાં આવશે

૨૨. કઈ રીતે યહોવાહ “મિસરના સમુદ્રની જીભ સુકવી નાખશે”, અને “નદી પર પોતાનો હાથ હલાવશે”?

૨૨ બંદીવાસમાંથી પાછા ફરનારા ઈસ્રાએલીઓ માટે, ઘણાં જ નડતરો હતાં. એ નડતરો કઈ રીતે આંબવામાં આવ્યાં? યશાયાહ કહે છે: “યહોવાહ મિસરના સમુદ્રની જીભને સુકવી નાખશે; અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવશે, ને તેને મારીને સાત નાળાં કરશે, અને લોકો જોડા પહેરીને પાર જશે.” (યશાયાહ ૧૧:૧૫) લોકોને નડનારાં સર્વ વિઘ્નો દૂર કરનાર તો યહોવાહ પરમેશ્વર છે. અરે રાતા સમુદ્રની જીભ જેવા નડતરો, (જેમ કે સુએઝનો અખાત) કે ધસમસતી યુફ્રેટિસ નદી, જે પાર કરવી અશક્ય લાગે, એ પણ સૂકવી નાખવામાં આવશે. જેથી, લોકો જાણે કે જોડા કાઢ્યા વિના એમાંથી પસાર થઈ શકે!

૨૩. કઈ રીતે ‘આશ્શૂરમાંથી સડક’ બનશે?

૨૩ મુસાના દિવસમાં, યહોવાહે ઈસ્રાએલ માટે મિસરમાંથી છુટકારાનો અને વચનના દેશમાં જવાનો માર્ગ તૈયાર કર્યો હતો. હવે તે કંઈક એવું જ કરશે: “જેમ ઈસ્રાએલને સારૂ તેના મિસરમાંથી ઉપર આવવાના સમયમાં હતી, તેવી સડક આશ્શૂરમાંથી તેના લોકના શેષને સારૂ થશે.” (યશાયાહ ૧૧:૧૬) યહોવાહ પાછા ફરનારા બંદીવાનોને એવી રીતે દોરશે કે જાણે, ત્યાંથી પોતાના વતન જવા તેઓને માટે સડક હોય. દુશ્મનો તેઓને રોકવા પ્રયાસ કરશે, પરંતુ તેઓના પરમેશ્વર, યહોવાહ તેઓની સાથે છે. આજે, અભિષિક્ત ખ્રિસ્તીઓ અને તેઓના મિત્રો પણ હિંસા અનુભવે છે. પરંતુ, તેઓ હિંમતથી આગળ વધતા જ રહે છે! તેઓ આજના આશ્શૂર, શેતાનના જગતમાંથી બહાર નીકળી આવ્યા છે, અને બીજાઓને પણ એમ જ કરવા મદદ કરે છે. તેઓ જાણે છે કે શુદ્ધ ભક્તિ સફળ થશે અને જરૂર વધશે. એ કોઈ મનુષ્યનું નહિ, પરંતુ યહોવાહનું કાર્ય છે.

મસીહની પ્રજા માટે કાયમી આનંદ!

૨૪, ૨૫. યહોવાહના લોકો કઈ પ્રશંસા અને આભારથી ઊંડી કદર બતાવે છે?

૨૪ યહોવાહના શબ્દો સાચા ઠરવાથી, યશાયાહ આનંદથી લોકોનો હર્ષ વર્ણવે છે: “તે સમયે તું કહેશે, હે યહોવાહ, હું તારી સ્તુતિ કરીશ; જોકે તું મારા પર કોપાયમાન થયો હતો, તોપણ હવે તારો રોષ શમી ગયો છે, ને તું મને દિલાસો આપે છે.” (યશાયાહ ૧૨:૧) યહોવાહના ભટકી ગયેલા લોકોને તેમની કડક શિસ્ત મળે છે. પરંતુ, એ લાભકારક નીવડે છે. એનાથી યહોવાહ સાથે લોકો સારો સંબંધ બાંધી શકે છે, અને શુદ્ધ ભક્તિ ફરીથી સ્થપાય છે. યહોવાહ પોતાના વિશ્વાસુ ભક્તોને ખાતરી આપે છે કે, તે તેઓને બચાવશે. તેથી, યોગ્ય રીતે જ, તેઓ કદર વ્યક્ત કરે છે!

૨૫ સ્થાયી થયેલા ઈસ્રાએલીઓનો યહોવાહમાં ભરોસો પૂરેપૂરો દૃઢ થાય છે, અને તેઓ પોકારી ઊઠે છે: “જુઓ, ઈશ્વર મારૂં તારણ છે; હું તેના પર શ્રદ્ધા રાખીશ, ને બીશ નહિ; કેમકે યહોવાહ દેવ મારૂં સામર્થ્ય તથા મારૂં સ્તોત્ર છે; અને તે મારૂં તારણ થયો છે. ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.” (યશાયાહ ૧૨:૨, ૩) મૂળ ભાષામાં અહીં “યહોવાહ દેવ” માટે “યાહ યહોવાહ” વાપરવામાં આવ્યું છે. હવે, “યાહ યહોવાહ” દ્વારા તારણ મળવાથી તેમના ભક્તો પ્રશંસાના ગીત ગાવા માંડે છે. બાઇબલમાં, પ્રશંસા અને આભારથી ઊંડી કદર બતાવવા, યહોવાહ નામના ટૂંકા રૂપ તરીકે “યાહ” વાપરવામાં આવે છે. “યાહ યહોવાહ,” પરમેશ્વરનું એ બેવડું નામ વાપરવાથી તેમની પ્રશંસા હજુ પણ ખૂબ ખૂબ વધે છે.

૨૬. આજે યહોવાહનાં કાર્યો વિષે કોણ પ્રચાર કરે છે?

૨૬ યહોવાહના ભક્તો એ આનંદ પોતાની પાસે જ રાખી શકતા નથી. યશાયાહ ભાખે છે: “તે દિવસે તમે કહેશો, યહોવાહની ઉપકારસ્તુતિ કરો, તેનું નામ લઈને તેને હાંક મારો, લોકોમાં તેનાં કૃત્યો જાહેર કરો, તેનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો. યહોવાહનાં સ્તોત્ર ગાઓ; તેણે ઉત્તમ કામો કર્યાં છે, એ આખી પૃથ્વીમાં વિદિત થાઓ.” (યશાયાહ ૧૨:૪, ૫) વર્ષ ૧૯૧૯થી, અભિષિક્ત ખ્રિસ્તીઓ અને પછીથી તેમના મિત્રો, “બીજાં ઘેટાં” પણ ‘અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્‍ગુણો પ્રગટ કરી’ રહ્યા છે. એ હેતુ માટે, તેઓ “પસંદ કરેલી જાતિ, . . . પવિત્ર પ્રજા” છે. (યોહાન ૧૦:૧૬; ૧ પીતર ૨:૯) અભિષિક્ત જનો જાહેર કરે છે કે યહોવાહનું પવિત્ર નામ મોટું મનાવાય, અને સમગ્ર પૃથ્વી પર એ જણાવે છે. તેઓ યહોવાહના સર્વ ભક્તોને તેમની જોગવાઈ તરફ દોરે છે, જેથી તેઓ જીવન બચાવી શકે. યશાયાહ કહે છે: “હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમકે ઈસ્રાએલનો પવિત્ર દેવ તારામાં મોટો મનાય છે”! (યશાયાહ ૧૨:૬) ઈસ્રાએલના પવિત્ર પરમેશ્વર ખુદ યહોવાહ છે.

ભરોસાથી ભાવિમાં જોવું

૨૭. ખ્રિસ્તીઓ સારા ભાવિની રાહ જુએ છે તેમ તેઓને શાની ખાતરી છે?

૨૭ આજે, લાખો લોકો ‘વિદેશીઓ માટેની ધ્વજા’ એટલે યહોવાહના રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત પાસે ભેગા થાય છે. તેઓ એ રાજ્યની પ્રજા હોવાને કારણે ખૂબ જ ખુશ છે, અને યહોવાહ તથા તેમના પુત્રને ઓળખવાને એક મોટો લહાવો ગણે છે. (યોહાન ૧૭:૩) તેઓ ખ્રિસ્તી સંગઠનની એકતાનો આનંદ માણે છે. તેમ જ, તેઓ હળીમળીને રહેવાનો પ્રયત્ન કરે છે, જે યહોવાહના ભક્તોનું ચિહ્‍ન છે. (યશાયાહ ૫૪:૧૩) તેઓને ખાતરી થઈ છે કે, “યાહ યહોવાહ” હંમેશા વચન પાળે છે. તેથી, તેઓને ભાવિની આશામાં કોઈ શંકા નથી, અને તેઓ બીજાઓને એ જણાવવાથી બહુ જ ખુશ થાય છે. ચાલો આપણે પૂરા હૃદયથી યહોવાહની ભક્તિ કરીએ, અને બીજાઓને પણ એમ જ કરવા મદદ કરીએ. તેમ જ, આપણે યશાયાહના શબ્દો હૃદયમાં ઊતારી અને યહોવાહના મસીહ દ્વારા તારણનો આનંદ માણીએ!

[ફુટનોટ્‌સ]

^ હેબ્રી શબ્દ મસીઆખમાંથી “મસીહ” શબ્દ આવે છે, જેનો અર્થ થાય, “અભિષિક્ત જન.” એ જ રીતે, ગ્રીકમાં ક્રિસ્તોસ, અથવા “ખ્રિસ્ત” છે.—માત્થી ૨:૪.

^ “ડાળી” માટેનો હેબ્રી શબ્દ નેસ્તર છે, અને “નાઝારી” માટે નોત્સરાય.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫૮ પર ચિત્રો]

મસીહ, રાજા દાઊદ દ્વારા યિશાઈનો “ફણગો” છે

[પાન ૧૬૨ પર આખા પાનાનું ચિત્ર]

[પાન ૧૭૦ પર ચિત્ર]

મૃત સરોવરના વીંટામાં યશાયાહ ૧૨:૪, ૫, આ રીતે મળી આવે છે (પરમેશ્વરનું નામ જણાવવામાં આવ્યું છે)