સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“મારા લોકને દિલાસો આપો”

“મારા લોકને દિલાસો આપો”

ત્રીસમું પ્રકરણ

“મારા લોકને દિલાસો આપો”

યશાયાહ ૪૦:૧-૩૧

૧. યહોવાહ આપણને દિલાસો આપે છે, એની એક રીત કઈ છે?

 યહોવાહ પરમેશ્વર ‘દિલાસો’ આપનાર છે. તે દિલાસો આપે છે એની એક રીત બાઇબલમાં લખાયેલા તેમના વચનો છે. (રૂમી ૧૫:૪, ૫) દાખલા તરીકે, તમારું કોઈ પ્રિયજન મરણ પામે ત્યારે, યહોવાહની નવી દુનિયામાં તેમનું સજીવન થવાની આશા તમને ખરેખર દિલાસો આપી શકે. (યોહાન ૫:૨૮, ૨૯) વળી, યહોવાહના એ વચન વિષે શું, જેમાં તેમણે આ પૃથ્વી પરથી દુષ્ટતાનો અંત લાવીને સુખ-શાંતિથી ભરી દેવાનું કહ્યું છે? શું એ ખરેખર દિલાસો આપતું નથી કે, આવનાર સુંદર બગીચા જેવી પૃથ્વીમાં મરણ પામ્યા વિના આપણને હંમેશ માટે જીવવાની આશા છે?—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩-૫.

૨. યહોવાહના વચનો પર આપણે શા માટે પૂરો ભરોસો રાખી શકીએ?

શું આપણે ખરેખર યહોવાહના વચનોમાં પૂરેપૂરો ભરોસો મૂકી શકીએ? ચોક્કસ, આપણે ભરોસો મૂકી શકીએ! આ વચનો આપનાર પર સો ટકા ભરોસો મૂકી શકાય. તેમની પાસે એમ કરવાની શક્તિ અને ઇચ્છા બંને છે. (યશાયાહ ૫૫:૧૦, ૧૧) એ વિષેનો જીવંત દાખલો આપણને મળી આવે છે. એ યશાયાહ પ્રબોધકને યહોવાહે આપેલા વચનો છે કે તે જરૂર યરૂશાલેમમાં શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ કરશે. ચાલો આપણે એ ભવિષ્યવાણીનો વિચાર કરીએ, જે યશાયાહના ૪૦માં અધ્યાયમાં મળી આવે છે. એમ કરવાથી, વચનોના પાળનાર, યહોવાહમાં આપણો વિશ્વાસ હજુ વધારે દૃઢ થશે.

દિલાસો આપતું વચન

૩, ૪. (ક) યશાયાહ કયા દિલાસાના શબ્દો લખે છે, જેની યહોવાહના લોકોને ભાવિમાં જરૂર પડશે? (ખ) યરૂશાલેમ અને યહુદાહના લોકોને શા માટે બાબેલોનની ગુલામીમાં લઈ જવાશે, અને એ કેટલી લાંબી ચાલશે?

આઠમી સદી બી.સી.ઈ.માં, પ્રબોધક યશાયાહે દિલાસાના વચનો ભાખ્યા, જેની યહોવાહના લોકોને ભાવિમાં જરૂર પડવાની હતી. યશાયાહે રાજા હિઝકીયાહને જણાવ્યું કે યરૂશાલેમનો વિનાશ થશે, અને યહુદી લોકોને બાબેલોન ગુલામીમાં લઈ જવાશે. એ પછી તરત જ, યશાયાહ સુખી જીવનના યહોવાહના વચનો જણાવે છે: “તમારો દેવ કહે છે, કે દિલાસો આપો, મારા લોકને દિલાસો આપો. યરૂશાલેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાહને હાથે પોતાનાં સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે, તે પ્રમાણે તેને પોકારીને કહો.”—યશાયાહ ૪૦:૧, ૨.

યશાયાહના ૪૦માં અધ્યાયનું પહેલું વાક્ય કહે છે, ‘દિલાસો આપો.’ “દિલાસો” શબ્દ યશાયાહનું પુસ્તક જે સંદેશો આપે છે, એનો પ્રકાશ અને આશાના કિરણો ફેલાવે છે. ધર્મત્યાગી યહુદાહ અને યરૂશાલેમના લોકોને ૬૦૭ બી.સી.ઈ.માં ગુલામ બનાવીને બાબેલોન લઈ જવાશે. પરંતુ, એ યહુદી ગુલામો કંઈ બાબેલોની લોકોના હંમેશા માટે ગુલામ રહેશે નહિ. તેઓ તો ફક્ત પોતાની “શિક્ષા” ભોગવી લે, ત્યાં સુધી જ ગુલામી કરશે. એ કેટલા સમય સુધી હશે? પ્રબોધક યિર્મેયાહના કહ્યા અનુસાર ૭૦ વર્ષો સુધી હશે. (યિર્મેયાહ ૨૫:૧૧, ૧૨) એ પછી, યહોવાહ એ પસ્તાવો કરનારા બાકી રહેલાને બાબેલોનથી યરૂશાલેમ પાછા લઈ આવશે. યહુદાહનો વિનાશ થયાના સિત્તેરમા વર્ષે, ગુલામો એ જાણીને કેવો દિલાસો પામશે કે તેઓને અપાયેલા વચન પ્રમાણે છુટકારો હવે બારણા આગળ જ છે!—દાનીયેલ ૯:૧, ૨.

૫, ૬. (ક) બાબેલોનથી યરૂશાલેમની લાંબી મુસાફરી શા માટે યહોવાહનું વચન પૂરું થતા અટકાવી શકશે નહિ? (ખ) યહુદીઓ પોતાના વતનમાં પાછા જશે, એનાથી આજુબાજુની પ્રજાઓ પર કઈ અસર પડશે?

તેઓ જે માર્ગ લે એ પ્રમાણે, બાબેલોનથી યરૂશાલેમની મુસાફરી, લગભગ ૮૦૦થી ૧,૬૦૦ કિલોમીટરની થવાની હતી. શું આ લાંબી મુસાફરી યહોવાહનું વચન પૂરું થતા અટકાવશે? ના, ચોક્કસ નહિ! યશાયાહ લખે છે: “સાંભળો, કોઈ એવું પોકારે છે, કે જંગલમાં યહોવાહનો માર્ગ તૈયાર કરો, અરણ્યમાં આપણા દેવને સારૂ સડક સીધી કરો. સર્વ નીચાણ ઊંચું કરવામાં આવશે, ને સર્વ પર્વત તથા ડુંગર નીચા કરવામાં આવશે; ખડબચડી જગાઓ સરખી, ને ખાડાટેકરા સપાટ મેદાન થઈ જશે; યહોવાહનું ગૌરવ પ્રગટ થશે, ને સર્વ માણસો તે જોશે; કેમકે એ યહોવાહના મુખનું વચન છે.”—યશાયાહ ૪૦:૩-૫.

મુસાફરી શરૂ કરતા પહેલાં, પૂર્વના રાજાઓ મોટે ભાગે માણસોને મોકલીને મોટા પથ્થરો ખસેડાવીને, ડુંગર ખોદાવીને સપાટ કરાવતા, અને માર્ગ તૈયાર કરાવતા હતા. પાછા ફરી રહેલા યહુદીઓ માટે તો જાણે, યહોવાહ પોતે આગળ જશે અને કોઈ પણ નડતર હોય, એ દૂર કરશે. ખરું, આ તો યહોવાહના પસંદ કરાયેલા લોકો છે. તેમ જ, તેઓને વતનમાં પાછા લાવીને પોતાનું વચન પૂરું કરવાથી, યહોવાહને સર્વ દેશોમાં મહિમા મળશે. ભલે તેઓને ગમે કે ન ગમે, પણ આજુબાજુની પ્રજાઓ જાણશે કે યહોવાહ પોતાના વચનો પાળનાર છે.

૭, ૮. (ક) યશાયાહ ૪૦:૩ના શબ્દો પહેલી સદી સી.ઈ.માં કઈ રીતે પૂરા થયા? (ખ) યશાયાહની ભવિષ્યવાણી ૧૯૧૯માં કઈ રીતે મોટા પ્રમાણમાં પૂરી થઈ?

આ ભવિષ્યવાણી ફક્ત છઠ્ઠી સદી બી.સી.ઈ.માં જ પૂરી થઈ ન હતી. એ પહેલી સદી સી.ઈ.માં પણ પૂરી થઈ હતી. યશાયાહ ૪૦:૩ની પરિપૂર્ણતામાં, બાપ્તિસ્મા કરનાર યોહાન ‘અરણ્યમાં પોકાર કરનાર’ હતા. (લુક ૩:૧-૬) યહોવાહથી પ્રેરિત થઈને, યોહાને યશાયાહના શબ્દો પોતાને લાગુ પાડ્યા. (યોહાન ૧:૧૯-૨૩) યોહાને ૨૯ સી.ઈ.થી શરૂઆત કરીને, ઈસુ ખ્રિસ્ત માટે માર્ગ તૈયાર કરવાનું શરૂ કર્યું. * યોહાને અગાઉથી કરેલી જાહેરાતથી લોકોને વચનના મસીહની અપેક્ષા રાખવાનું ઉત્તેજન મળ્યું, જેથી તેઓ તેનું સાંભળે અને તેને અનુસરે. (લુક ૧:૧૩-૧૭, ૭૬) ઈસુ ખ્રિસ્ત દ્વારા, યહોવાહ પરમેશ્વરે પસ્તાવો કરનારાને પાપ અને મરણના બંધનમાંથી છુટકારો આપ્યો, અને તેમના રાજ્યમાં દોરી લાવ્યા. (યોહાન ૧:૨૯; ૮:૩૨) યશાયાહના શબ્દોની મહાન પરિપૂર્ણતા ૧૯૧૯માં થઈ, જ્યારે આત્મિક ઈસ્રાએલના બાકી રહેલાને મહાન બાબેલોનની ગુલામીમાંથી છુટકારો અપાવીને, શુદ્ધ ભક્તિમાં પાછા સ્થાયી કર્યા.

જો કે એની પહેલી પરિપૂર્ણતાનો લાભ મેળવનાર, બાબેલોનના ગુલામ યહુદીઓ વિષે શું? શું તેઓ ખરેખર યહોવાહના વચનમાં ભરોસો મૂકી શકે કે તે તેઓને પોતાના વહાલા વતન પાછા લઈ જશે? હા, તેઓ પૂરો ભરોસો રાખી શકે! હવે, યશાયાહ રોજિંદા જીવનના શબ્દો અને ઉદાહરણો વાપરીને ઉત્તેજન આપતા જણાવે છે કે શા માટે તેઓ પૂરો ભરોસો રાખી શકે કે યહોવાહના વચન સાચા સાબિત થશે.

યહોવાહના વચન સદા ટકે છે

૯, ૧૦. યશાયાહ કઈ રીતે માનવ જીવન સાથે યહોવાહના સદા ટકનાર ‘વચનનો’ તફાવત કરે છે?

સૌ પ્રથમ તો વતનમાં સુખ-શાંતિ લાવવાનું વચન આપનાર, યહોવાહના વચનો સદા ટકે છે. યશાયાહ લખે છે: “પોકાર, એવું કોઈ કહે છે. તેણે પૂછ્યું, કે શું પોકારૂં? સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનું સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે: ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ છે; કેમકે યહોવાહનો વાયુ તે પર વાય છે; લોક ખચીત ઘાસ જ છે. ઘાસ સુકાઇ જાય છે, ફૂલ ચીમળાય છે; પણ આપણા દેવનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે.”—યશાયાહ ૪૦:૬-૮.

૧૦ ઈસ્રાએલીઓ સારી રીતે જાણતા હતા કે, ઘાસ કાયમ માટે ટકતું નથી. ઉનાળામાં સૂર્યનો સખત તડકો લીલાછમ ઘાસને સૂકવી નાખે છે. અમુક રીતે, માનવ પણ ઘાસ જેવો છે, જે આજે છે અને કાલે નથી. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૫, ૧૬; યાકૂબ ૧:૧૦, ૧૧) એવા માનવ જીવન સાથે, યહોવાહના સદા ટકનાર “વચન” કે હેતુનો યશાયાહ તફાવત કરે છે. હકીકતમાં “આપણા દેવનું વચન” સદા ટકે છે. યહોવાહ બોલે છે ત્યારે, કોઈ પણ તેમના વચનો પૂરા થતા અટકાવી શકે એમ નથી.—યહોશુઆ ૨૩:૧૪.

૧૧. આપણે શા માટે ભરોસો રાખી શકીએ કે, યહોવાહ પોતાના લખેલા વચનો જરૂર પૂરા કરશે?

૧૧ આજે આપણી પાસે યહોવાહના વચનો બાઇબલમાં લખેલાં મળી આવે છે. સદીઓ દરમિયાન બાઇબલનો ઘણો જ વિરોધ થયો છે અને હિંમતવાળા ભાષાંતરકારો તથા બીજાઓએ એને બચાવી રાખવા પોતાના જીવ જોખમમાં મૂક્યા છે. તેમ છતાં, બાઇબલ ફક્ત તેઓના કારણે જ ટકી નથી રહ્યું. એ ટકી રહેવાનો સર્વ મહિમા યહોવાહ પરમેશ્વરને જાય છે, જે “જીવંત તથા સદાકાળ રહેનાર” અને પોતાના વચનો સદા ટકાવી રાખનાર છે. (૧ પીતર ૧:૨૩-૨૫) આ વિષે વિચારો: જો યહોવાહ પોતાનું લખાણ ટકાવી રાખે છે, તો શું તે એમાંના વચનો જરૂર પૂરા કરશે એવો ભરોસો આપણે ન રાખી શકીએ?

શક્તિશાળી પરમેશ્વર પ્રેમથી લોકોની સંભાળ રાખે છે

૧૨, ૧૩. (ક) યરૂશાલેમમાં સ્થાયી થવાના વચનમાં શા માટે ભરોસો મૂકી શકાય? (ખ) યહુદી ગુલામો માટે વધામણીના કયા સમાચાર છે અને તેઓ એમાં શા માટે ભરોસો મૂકી શકે?

૧૨ ફરીથી સ્થાયી થવાના વચનમાં ભરોસો મૂકવા માટે યશાયાહ બીજું કારણ આપે છે. શક્તિશાળી પરમેશ્વર વચન આપનાર છે, જે પ્રેમથી પોતાના લોકોની સંભાળ રાખે છે. યશાયાહ આગળ કહે છે: “હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; હે યરૂશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે સાદે પોકાર; પોકાર, બી મા; યહુદાહનાં નગરોને કહે, જુઓ, તમારો દેવ! જુઓ, પ્રભુ યહોવાહ વીરની પેઠે આવશે, ને તેનો ભુજ તેને સારૂ અધિકાર ચલાવશે; તેનું ઇનામ તેની સાથે, ને તેનું પ્રતિફળ તેની આગળ છે. ભરવાડની પેઠે તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.”—યશાયાહ ૪૦:૯-૧૧.

૧૩ બાઇબલના સમયમાં, એવો રિવાજ હતો કે સ્ત્રીઓ જીતની ઉજવણી કરતી, આવનાર છુટકારાની કે યુદ્ધમાં થયેલી જીતના ગીતો ગાતી કે એનો પોકાર કરતી. (૧ શમૂએલ ૧૮:૬, ૭; ગીતશાસ્ત્ર ૬૮:૧૧) યશાયાહ પ્રબોધકીય રીતે જણાવે છે કે યહુદી ગુલામો માટે વધામણીના સમાચાર છે. એ જોરથી પોકારીને, અરે પર્વત પર ચઢી જઈને મોટે સાદે જણાવી શકાય કે યહોવાહ પોતાના લોકોને પોતાના વહાલા વતન યરૂશાલેમ પાછા લઈ આવશે! તેઓ પૂરો ભરોસો રાખી શકે, કેમ કે યહોવાહ “વીરની પેઠે આવશે.” એવું કંઈ જ નથી જે યહોવાહને પોતાના વચનો પૂરા કરતા રોકી શકે.

૧૪. (ક) યશાયાહ ઉદાહરણથી કઈ રીતે બતાવે છે કે યહોવાહ પોતાના લોકોની પ્રેમાળ સંભાળીને લઈ જશે? (ખ) ઘેટાંપાળક પોતાના ઘેટાંની પ્રેમથી સંભાળ રાખે છે, એ કયું ઉદાહરણ બતાવે છે? (પાન ૪૦૫ પરનું બૉક્સ જુઓ.)

૧૪ જો કે આ શક્તિશાળી પરમેશ્વર પ્રેમાળ સ્વભાવના પણ છે. યશાયાહ સુંદર રીતે વર્ણન કરે છે કે કઈ રીતે યહોવાહ પોતાના લોકોને વતન પાછા લઈ આવશે. યહોવાહ પ્રેમાળ ઘેટાંપાળક છે, જે પોતાના ઘેટાંને ભેગા કરે છે અને તેઓને પોતાની “ગોદમાં” ઉપાડી લે છે. “ગોદમાં” ભાષાંતર થયેલો હેબ્રી શબ્દ અહીં બતાવે છે કે કપડાંમાં વીંટાળીને ગોદમાં રાખવું. ઘણી વખત ઘેટાંપાળક, ટોળાની સાથે ચાલી ન શકે એવા નવા જન્મેલાં ઘેટાંને પોતાની ગોદમાં ઊંચકી લેતા. (૨ શમૂએલ ૧૨:૩) આવા દિલને સ્પર્શી જાય એવા ઘેટાંપાળકના જીવન વિષે વિચારતા, યહોવાહના બંદીવાન લોકોને તેમની પ્રેમાળ સંભાળની ખાતરી થઈ હશે, એમાં કોઈ શંકા નથી. ખરેખર, શક્તિશાળી હોવા છતાં તે પ્રેમાળ ઘેટાંપાળક જેવા પરમેશ્વર જરૂર પોતાના વચનો પાળશે, એવો ભરોસો રાખી શકાય!

૧૫. (ક) યહોવાહ ક્યારે “વીરની પેઠે” આવ્યા અને ‘તેમને સારું અધિકાર ચલાવનાર ભુજ’ કોણ છે? (ખ) વધામણીના કયા સમાચાર હિંમતથી જાહેર થવા જોઈએ?

૧૫ યશાયાહના શબ્દો આપણા દિવસો માટે પણ પ્રબોધકીય અર્થ ધરાવે છે. યહોવાહ ૧૯૧૪માં “વીરની પેઠે” આવ્યા અને સ્વર્ગમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. ‘તેમને સારું અધિકાર ચલાવનાર ભુજ,’ તેમનો પુત્ર ઈસુ ખ્રિસ્ત છે, જેમને યહોવાહે પોતાના સ્વર્ગના રાજ્યાસન પર બેસાડ્યા છે. યહોવાહે ૧૯૧૯માં, પોતાના અભિષિક્ત સેવકોને મહાન બાબેલોનના બંધનમાંથી છોડાવ્યા અને તેમણે જીવંત તથા સાચા પરમેશ્વરની શુદ્ધ ભક્તિ પૂરેપૂરી સ્થાપવાની શરૂઆત કરી. આ વધામણીના સમાચાર હિંમતથી, જાણે કે પર્વત પરથી પોકાર કરીને જાહેર કરવાના છે, જેથી એ દૂર દૂર સુધી સંભળાઈ શકે. તેથી, ચાલો આપણે મોટા સાદે અને હિંમતથી બીજાઓને જણાવીએ કે યહોવાહે આ પૃથ્વી પર શુદ્ધ ભક્તિની સ્થાપના કરી છે!

૧૬. આજે યહોવાહ પોતાના લોકોને કઈ રીતે દોરે છે અને તે કેવું ઉદાહરણ પૂરું પાડે છે?

૧૬ યશાયાહ ૪૦:૧૦, ૧૧ના શબ્દો આપણા સમયમાં હજુ વધારે અર્થમાં લાગુ પડે છે. ખરેખર, એ ઘણો દિલાસો આપે છે કે યહોવાહ પોતાના લોકોને પ્રેમથી દોરે છે. જેમ કે ઘેટાંપાળક સમજે છે કે નવા જન્મેલાં ઘેટાં સહિત, અમુક ઘેટાં બીજાં બધાની ઝડપે ચાલી નહિ શકે. એવી જ રીતે, યહોવાહ પોતાના દરેક વિશ્વાસુ સેવકોની મર્યાદા સમજે છે. તેમ જ, પ્રેમાળ ઘેટાંપાળકની જેમ યહોવાહ ખ્રિસ્તી ઘેટાંપાળકો માટે સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. જેમ યહોવાહ પ્રેમથી સંભાળ રાખે છે, તેમ વડીલો પણ ભાઈ-બહેનોની પ્રેમથી કાળજી રાખે છે. તેઓ હંમેશા એ ધ્યાનમાં રાખે કે યહોવાહને ટોળામાંના દરેક પર કેટલી લાગણી છે, જેઓને તેમણે પોતાના પુત્રના લોહીથી ખરીદ્યા છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮.

સર્વશક્તિમાન અને બુદ્ધિશાળી

૧૭, ૧૮. (ક) શા માટે યહુદી ગુલામો યરૂશાલેમમાં સ્થાયી કરવાના યહોવાહના વચનમાં ભરોસો રાખી શકે? (ખ) યશાયાહ કેવા ભયાવહ પ્રશ્નો ઊભા કરે છે?

૧૭ યહુદી ગુલામો યરૂશાલેમમાં પાછા જઈ સ્થાયી થવાના વચનમાં ભરોસો રાખી શકે, કેમ કે યહોવાહ સર્વશક્તિમાન અને બુદ્ધિશાળી છે. યશાયાહ કહે છે: “કોણે પોતાના ખોબાથી પાણી માપ્યાં છે, ને વેંતથી આકાશ માપી આપ્યું છે, ને કોણે માપામાં પૃથ્વીની ધૂળ મવડાવી છે, ને કાંટાથી પર્વતોને તથા ત્રાજવાંથી પહાડોને તોળ્યા છે? કોણે યહોવાહનો આત્મા માપી આપ્યો છે, ને તેનો મંત્રી થઇને તેને કોણે શીખવ્યું? તેણે કોની સલાહ લીધી? કોણે તેને સમજણ આપી, ને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેને જ્ઞાન શીખવ્યું? કોણે તેને બુદ્ધિનો માર્ગ જણાવ્યો?”—યશાયાહ ૪૦:૧૨-૧૪.

૧૮ આ પ્રશ્નો ખરેખર ભયાવહ છે, જેના પર યહુદી ગુલામો વિચાર કરી શકે. શું કોઈ માનવી સમુદ્રની ભરતીને પાછી ઠેલી શકે છે? ના! તેમ છતાં, યહોવાહ માટે તો પૃથ્વી ફરતેના સમુદ્રો જાણે કે તેમના હાથમાં પાણીનું ટીપું હોય એવા છે. * શું કોઈ માનવ વિશાળ, તારાથી ભરેલા આકાશને માપી શકે છે કે પર્વતો અને ડુંગરોનું વજન કરી શકે છે? ના! તોપણ, યહોવાહ આકાશોને એટલી સહેલાઈથી માપી શકે છે કે, જાણે કોઈ માણસ પોતાના વેંતથી કશુંક માપતો હોય. હકીકતમાં, યહોવાહ પર્વતો અને ડુંગરોને ત્રાજવામાં તોળી શકે છે. શું વિશ્વનો કોઈ પણ જ્ઞાની માણસ, યહોવાહને સલાહ આપી શકે કે, આજના સંજોગોમાં તેમણે શું કરવું કે ભાવિમાં શું કરવું, એ વિષે જણાવી શકે છે? ચોક્કસ ના!

૧૯, ૨૦. યહોવાહની મહાનતા પર ભાર મૂકવા, યશાયાહ કેવા ઉદાહરણો વાપરે છે?

૧૯ શું પૃથ્વીના શક્તિશાળી દેશો, યહોવાહને વચનો પૂરા કરવાથી અટકાવી શકશે? યશાયાહ દેશોનું વર્ણન આ રીતે કરીને જવાબ આપે છે: “પ્રજાઓ ડોલમાંથી ટપકતા ટીપા જેવી, ને ત્રાજવાની રજ સમાન ગણાએલી છે; દ્વીપો ઊડી જતી રજકણ જેવા છે. લબાનોન બળતણ પૂરૂં પાડી શકતું નથી, તે પરના પ્રાણીઓ યજ્ઞને સારૂ પૂરતાં નથી. સર્વ પ્રજાઓ તેની આગળ કંઈ વિસાતમાં નથી; તેણે તેઓને શૂન્યરૂપ તથા નહિ જેવી ગણી છે.”—યશાયાહ ૪૦:૧૫-૧૭.

૨૦ યહોવાહની નજરમાં સર્વ પ્રજાઓ કે દેશો જાણે કે ડોલમાંથી ટપકતા પાણીના ટીપા જેવા છે. એ જાણે કે ત્રાજવા પરની રજ કે ધૂળ સમાન છે, જેના વજનની કોઈ જ અસર થતી નથી. * માનો કે કોઈ મોટી વેદી બાંધે, અને એના પર લબાનોનના સર્વ પર્વતો પરના ઝાડ કાપીને એના લાકડા મૂકે. પછી, તે વેદી પર એ પર્વતો પર ચરતા બધા પ્રાણીઓનું બલિદાન ચડાવે. તોપણ, એવા અર્પણોની યહોવાહ પર કોઈ અસર નહિ થાય. જાણે એ ઉદાહરણો પૂરતા ન હોય, એમ યશાયાહ હજુ કડક ભાષા વાપરે છે. તે કહે છે કે સર્વ પ્રજાઓ યહોવાહની નજરમાં “શૂન્યરૂપ તથા નહિ જેવી” છે.—યશાયાહ ૪૦:૧૭.

૨૧, ૨૨. (ક) યહોવાહ અજોડ છે, એના પર યશાયાહ કઈ રીતે ભાર મૂકે છે? (ખ) યશાયાહના સુંદર ઉદાહરણો કયા નિર્ણય પર લાવે છે? (ગ) પ્રબોધક યશાયાહ વિજ્ઞાનની નજરે કયું સત્ય જણાવે છે? (પાન ૪૧૨ પરનું બૉક્સ જુઓ.)

૨૧ યહોવાહની કોઈ જ સરખામણી થઈ ન શકે, એના પર હજુ વધારે ભાર મૂકવા, યશાયાહ સોના, રૂપા કે લાકડાની મૂર્તિઓ બનાવનારની મૂર્ખતા બતાવે છે. એમ વિચારવું કેટલી મૂર્ખતા છે કે એવી કોઈ પણ મૂર્તિ “પૃથ્વી ઉપરના નભોમંડળ પર બિરાજનાર” અને પૃથ્વીના લોકો પર માલિકી ધરાવનાર યહોવાહને દર્શાવી શકે!યશાયાહ ૪૦:૧૮-૨૪ વાંચો.

૨૨ આ આબેહૂબ વર્ણનો એક જ નિર્ણય પર આવે છે કે સર્વશક્તિમાન, બુદ્ધિશાળી અને અજોડ યહોવાહ પરમેશ્વરને પોતાના વચનો પૂરાં કરતા કોઈ જ અટકાવી શકે એમ નથી. યશાયાહના શબ્દોથી બાબેલોનના બંદીવાન યહુદીઓને કેટલો દિલાસો અને ઉત્તેજન મળ્યા હશે, જેઓ પોતાના વતન પાછા જવા આતુર હતા! આજે આપણે પણ પૂરો ભરોસો રાખી શકીએ કે ભાવિ માટેના યહોવાહના વચનો પણ જરૂર પૂરાં થશે.

‘એ બધા કોણે ઉત્પન્‍ન કર્યા છે?’

૨૩. કયા કારણથી યહુદી ગુલામોએ હિંમત રાખવી જોઈએ અને હવે યહોવાહ પોતાના વિષે શું કહેવા માંગે છે?

૨૩ યહુદી ગુલામો હિંમત રાખે એનું બીજું એક કારણ છે. જે છુટકારાનું વચન આપે છે, એ સર્વ વસ્તુઓના સર્જનહાર છે અને મહા સમર્થ અને બળવાન હોવાથી બધી શક્તિ એમની પાસેથી આવે છે. તેમની શક્તિનો પરચો કરાવવા, યહોવાહ પોતાના સર્જનમાં દેખાઈ આવતી શક્તિ તરફ ધ્યાન દોરે છે: “પવિત્ર દેવ પૂછે છે, તમે મને કોની સાથે સરખાવશો, કે હું તેના જેવો ગણાઉં? તમારી દૃષ્ટિ ઊંચી કરીને જુઓ, એ બધા તારા કોણે ઉત્પન્‍ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.”—યશાયાહ ૪૦:૨૫, ૨૬.

૨૪. યહોવાહ કઈ રીતે બતાવે છે કે પોતે અજોડ છે?

૨૪ હવે ઈસ્રાએલના પવિત્ર પરમેશ્વર પોતે પોતાના વિષે કહે છે. પોતે અજોડ છે, એ બતાવવા યહોવાહ તારાઓ અને આકાશ તરફ ધ્યાન દોરે છે. જાણે કોઈ લશ્કરી અધિકારી પોતાના લશ્કરને કાબૂમાં રાખે તેમ, યહોવાહ તારાઓને પોતાના હાથમાં રાખે છે. જો તે તેઓને ભેગા કરે તો, ‘તેમાંનો એકે રહી જતો નથી.’ ભલે તારાઓની સંખ્યા ગણાય નહિ એટલી છે, પણ યહોવાહ એ દરેકને નામથી બોલાવે છે. જાણે કે આજ્ઞા પાળનાર સૈનિક હોય તેમ, તેઓ ઠરાવેલી જગ્યાએ રહે છે અને વ્યવસ્થા જાળવે છે, કેમ કે તેમના આગેવાન “મહા સમર્થ અને બળવાન” છે. તેથી, યહુદી ગુલામો પાસે પૂરો ભરોસો રાખવાનું કારણ છે. સર્જનહાર, જે તારાઓને હુકમ કરનાર છે, તે જરૂર પોતાના સેવકોને મદદ કરવા શક્તિ આપી શકે છે.

૨૫. યશાયાહ ૪૦:૨૬ના આમંત્રણ વિષે આપણને કેવું લાગે છે, અને એની આપણા પર કેવી અસર પડે છે?

૨૫ યશાયાહ ૪૦:૨૬માં યહોવાહે આપેલા આમંત્રણનો કોણ સ્વીકાર નહિ કરશે: “તમારી દૃષ્ટિ ઊંચી કરીને જુઓ”? આજે ખગોળશાસ્ત્રની શોધ ઘણી આગળ વધી ગઈ છે. એની મદદથી આકાશમાંના તારાઓ જાણે કે યશાયાહના સમય કરતાં આજે યહોવાહ વિષે વધારે શીખવે છે. ખગોળશાસ્ત્રીઓ પોતાના ખાસ ટૅલિસ્કોપથી દૂર દૂર સુધી જોઈને અંદાજ કાઢે છે કે વિશ્વમાં નજર પહોંચે છે, એટલામાં જ કંઈક ૧૨૫ અબજ તારામંડળો છે. એમાંના એકની જ વાત કરીએ, જેને આકાશગંગા કહે છે, એમાં અંદાજે ૧૦૦ અબજ કરતાં વધારે તારાઓ છે! આ જાણવાથી, આપણું હૃદય આપણા ઉત્પન્‍નકર્તા માટેના પ્રેમથી ઉભરાઈ આવે છે અને આપણે તેમના વચનોમાં પૂરો ભરોસો મૂકવા પ્રેરાઈએ છીએ.

૨૬, ૨૭. બાબેલોનના ગુલામોની લાગણીનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે અને તેઓને શાની ખબર હોવી જોઈએ?

૨૬ યહોવાહ જાણતા હતા કે વર્ષો સુધી ગુલામીમાં રહેવાથી, યહુદીઓનો ઉત્સાહ ઠંડો પડી જશે. તેથી, તેમણે યશાયાહને આ શબ્દો અગાઉથી લખવા પ્રેરણા આપી: “હે યાકૂબ, તું શા માટે કહે છે, અને હે ઈસ્રાએલ, તું શા માટે બોલે છે, કે મારો માર્ગ યહોવાહથી સંતાડેલો છે, ને મારો ન્યાય મારા દેવના લક્ષમાં નથી? તેં શું નથી જાણ્યું? તેં શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન દેવ છે, પૃથ્વીના દિગંત સુધી ઉત્પન્‍ન કરનાર તે છે; તે નિર્ગત થતો નથી, ને થાકતો પણ નથી; તેની સમજણ અતકર્ય છે.”—યશાયાહ ૪૦:૨૭, ૨૮. *

૨૭ યહોવાહના શબ્દોમાં યશાયાહે, પોતાના વતનથી ઘણે દૂર બાબેલોનમાંના ગુલામોની લાગણીનું વર્ણન કર્યું. અમુકને લાગતું હતું કે તેઓનો “માર્ગ,” પોતાના કઠિન જીવન વિષે યહોવાહ અજાણ છે અથવા એ જોતા નથી. તેઓને લાગતું હતું કે પોતે જે અન્યાય સહન કરે છે, એને વિષે યહોવાહને જરાય પડી નથી. તેઓને યાદ અપાવવામાં આવે છે કે, તેઓ પોતાના અનુભવથી જાણતા હોવા જોઈએ. જો એમ ન હોય, તો લખેલી માહિતીથી તેઓ જાણકાર હોવા જોઈએ. યહોવાહ પોતાના લોકોને છોડાવવા શક્તિમાન છે અને તે એમ કરવા ચાહે છે. તે સનાતન પરમેશ્વર છે અને સમગ્ર પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર છે. તેથી, સર્વ ઉત્પન્‍ન કરેલી વસ્તુઓમાંથી એમની શક્તિ દેખાઈ આવે છે અને તે હજુ ધરાવે છે. તેથી એ શક્તિશાળી બાબેલોન પણ તેની પાસેથી છટકી શકે એમ નથી. એવા શક્તિશાળી યહોવાહ થાકી જઈને પોતાના લોકોને મદદ ન કરે એવું થવા દેશે નહિ. જો કે એવી આશા રાખવામાં આવતી નથી કે તેઓ યહોવાહ વિષે બધુ જ સમજે, કેમ કે તેમની સમજણ તથા બુદ્ધિ ઘણી ઊંડી છે અને એ માનવ સમજની પાર છે!

૨૮, ૨૯. (ક) યહોવાહ પોતાના લોકોને કઈ રીતે યાદ અપાવે છે કે તે તેઓને જરૂર મદદ કરશે? (ખ) યહોવાહ પોતાના સેવકોને જે રીતે શક્તિમાન કરે છે, એ બતાવવા કયું ઉદાહરણ વાપરે છે?

૨૮ યશાયાહ દ્વારા, યહોવાહ નિરાશ થઈ ગયેલા ગુલામોને ઉત્તેજન આપવાનું ચાલુ જ રાખે છે: “નબળાને તે બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્ગત થશે, ને થાકી જશે, અને જુવાનો ઠોકર ખાશે જ; પણ યહોવાહની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની પેઠે પાંખો પ્રસારશે; તેઓ દોડશે, ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”—યશાયાહ ૪૦:૨૯-૩૧.

૨૯ યહોવાહ જ્યારે નબળાને બળ આપવા વિષે વાત કરે છે, ત્યારે તેમના મનમાં ગુલામીમાંથી વતન પાછા ફરનારા લોકોની કઠિન મુસાફરી હોય શકે. યહોવાહ તેઓને યાદ અપાવે છે કે થાકી ગયેલા જે કોઈ તેમની મદદ શોધે છે, તેઓની મદદે દોડી જવાની તેમની ટેવ છે. મનુષ્યોમાંના સૌથી વધારે બળ ધરાવનારા, છોકરા અને યુવાનો થાકી જઈ શકે, અરે થાકને કારણે ઠોકર પણ ખાય શકે. તોપણ, યહોવાહમાં ભરોસો રાખનારાને તેમનું વચન છે કે તેઓને થાક્યા વિના ચાલવાની ને દોડવાની શક્તિ મળશે. યહોવાહ કઈ રીતે પોતાના સેવકોને શક્તિમાન કરશે, એ બતાવવા તે ગરૂડનું ઉદાહરણ વાપરે છે. શક્તિશાળી ગરૂડ કલાકો સુધી ઊંચે ઊંચે ઊડ્યે જાય છે અને જાણે થાકતું જ નથી. * યહોવાહ એવી મદદ આપવા તૈયાર હોવાથી, યહુદી ગુલામોને ગભરાવાની કોઈ જરૂર નથી.

૩૦. યશાયાહના ૪૦માં અધ્યાયની છેલ્લી કલમોમાંથી, આજે સાચા ખ્રિસ્તીઓ કઈ રીતે દિલાસો મેળવી શકે છે?

૩૦ યશાયાહના ૪૦માં અધ્યાયના અંતે આ શબ્દો, ખરેખર આજના દુષ્ટ જગતના છેલ્લા દિવસોમાં રહેતા સાચા ખ્રિસ્તીઓને પણ દિલાસો આપે છે. ઘણા બધા દબાણો અને મુશ્કેલીઓને કારણે ઘણી વખત આપણે નિરાશ થઈ જઈએ છીએ. એ સમયે, એ જાણીને કેટલો દિલાસો મળે છે કે, આપણે જે મુશ્કેલીઓ અને અન્યાય સહન કરીએ છીએ, એ યહોવાહ પરમેશ્વરની નજર બહાર નથી. આપણે ખાતરી રાખી શકીએ કે સર્વ વસ્તુઓ બનાવનાર, જેમની “બુદ્ધિનો પાર નથી,” એ પોતાના સમયે અને પોતાની રીતે સર્વ અન્યાય દૂર કરશે. (ગીતશાસ્ત્ર ૧૪૭:૫, ૬) તેમ છતાં, ત્યાં સુધી આપણે પોતાની જ શક્તિથી સહન કરવાની કોઈ જરૂર નથી. યહોવાહ પરમેશ્વર, જે શક્તિનો અખૂટ ભંડાર છે, એ પોતાના સેવકોને મુશ્કેલીના સમયે સામાન્ય કરતાં વધારે શક્તિ આપી શકે છે.—૨ કોરીંથી ૪:૭.

૩૧. બાબેલોનના યહુદી ગુલામો માટે યશાયાહની ભવિષ્યવાણીમાં કયું વચન હતું, અને આપણે શામાં પૂરેપૂરો ભરોસો રાખી શકીએ?

૩૧ છઠ્ઠી સદી બી.સી.ઈ.માં બાબેલોનમાં ગુલામ થયેલા યહુદીઓની કલ્પના કરો. દૂર દૂર તેઓના વહાલા વતન યરૂશાલેમનું શહેર અને મંદિર ઉજ્જડ પડ્યું છે. તેઓ માટે યશાયાહની ભવિષ્યવાણીમાં પ્રકાશ અને આશાના વચનનો દિલાસો હતો કે યહોવાહ જરૂર તેઓને વતનમાં લઈ જઈને સ્થાયી કરશે! યહોવાહ ૫૩૭ બી.સી.ઈ.માં પોતાના લોકોને તેઓના વતન પાછા લઈ ગયા, આમ તે વચનો પાળનાર સાબિત થયા. આપણે પણ યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખી શકીએ છીએ. યશાયાહની ભવિષ્યવાણીમાં સુંદર રીતે વર્ણવેલા તેમના રાજ્યના વચનો જરૂર પૂરાં થશે. ખરેખર આ આશાનો સંદેશ, સર્વ માટે પ્રકાશ છે!

[ફુટનોટ્‌સ]

^ યશાયાહ ભાખે છે કે યહોવાહ માટે માર્ગ તૈયાર કરો. (યશાયાહ ૪૦:૩) પરંતુ, સુવાર્તાના લેખકો એ ભવિષ્યવાણી લાગુ પાડતા કહે છે કે બાપ્તિસ્મા આપનાર યોહાને ઈસુ ખ્રિસ્ત માટે માર્ગ તૈયાર કર્યો. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોના પ્રેરિત લેખકોએ એમ કહ્યું, કેમ કે ઈસુ પોતાના પિતાના પ્રતિનિધિ છે, અને પોતાના પિતાના નામમાં આવ્યા હતા.—યોહાન ૫:૪૩; ૮:૨૯.

^ એવો અંદાજ કરવામાં આવ્યો છે કે ‘બધા સમુદ્રો ભેગા થઈને લગભગ એક કરોડ ૩૫ લાખ ખરબ (૧.૩૫ x ૧૦૧૮) મેટ્રિક ટન કે પૃથ્વીના કુલ વજનનો લગભગ ૧/૪,૪૦૦ મેટ્રિક ટન થાય છે.’—એન્કાર્ટા ૯૭ એન્સાયક્લોપેડિયા.

^ એક્સપોઝીટર્સ બાઇબલ કૉમેન્ટરી નોંધે છે: “પૂર્વમાં બજારોમાં દુકાનદાર માપવાની ડોલમાં રહેલા પાણીના ટીપાંની કે ફળ વગેરે તોલવાના ત્રાજવા પરની ધૂળની કોઈ ગણતરી કરતા નથી, અરે એ તેઓના ધ્યાન પર પણ આવતા નથી.”

^ યશાયાહ ૪૦:૨૮માંના “સનાતન” શબ્દનો અર્થ થાય, હંમેશાં કે “સદાસર્વકાળ” કેમ કે યહોવાહ ‘સનાતન યુગોના રાજા’ છે.—૧ તીમોથી ૧:૧૭.

^ ગરૂડ ઊંચે આકાશમાં ઓછામાં ઓછી શક્તિ વાપરીને ઊડે છે. તે ઉપર ચડતી ગરમ હવાનો કુશળ રીતે ઉપયોગ કરીને એમ કરે છે.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૪૦૪, ૪૦૫ પર બોક્સ/ચિત્ર]

યહોવાહ, પ્રેમાળ ઘેટાંપાળક

યશાયાહ, યહોવાહ પરમેશ્વરને પ્રેમાળ ઘેટાંપાળક સાથે સરખાવે છે, જે પોતાનાં ઘેટાંને ગોદમાં ઊંચકી લે છે. (યશાયાહ ૪૦:૧૦, ૧૧) યશાયાહ આ સુંદર ઉદાહરણ ઘેટાંપાળકના રોજિંદા જીવનમાંથી લે છે. મધ્યપૂર્વમાં હેર્મોન પર્વતના ઢોળાવો પર હાલના સમયમાં ઘેટાંપાળકને જોનાર એક વ્યક્તિ કહે છે: “દરેક ઘેટાંપાળક પોતાના ટોળા પર નજર રાખતો હતો કે તેઓ બરાબર છે કે કેમ. તેને નવું જન્મેલું ઘેટું દેખાતું ત્યારે, તે તેને પોતાના લાંબા કોટમાં વીંટી દેતો, કેમ કે એ પોતાની મા પાછળ ચાલવા ઘણું નબળું હોય છે. જ્યારે તેની ગોદમાં ઘણાં નાનાં ઘેટાં થઈ જતા ત્યારે, તે તેઓને પોતાના ખભા પર બેસાડતો, અથવા બેગ કે બાસ્કેટમાં મૂકીને ગધેડા પર બેસાડતો. એક વાર તેઓ પોતાની મા પાછળ ચાલી શકે એવા થાય, એટલે તે તેઓને જવા દેતો.” શું એ જાણવું ખરેખર દિલાસો નથી આપતું કે, આપણા પરમેશ્વર પણ આપણી એવી જ પ્રેમાળ સંભાળ રાખે છે?

[પાન ૪૧૨ પર બોક્સ/ચિત્ર]

પૃથ્વીનો આકાર કેવો છે?

જૂના જમાનામાં મોટે ભાગે લોકો માનતા કે પૃથ્વી સપાટ છે. જો કે છઠ્ઠી સદી બી.સી.ઈ.માં ગ્રીક ફિલસૂફ પાઈથાગોરસે એવી માન્યતા બહાર પાડી કે પૃથ્વી ગોળ હોવી જોઈએ. તેમ છતાં, પાઈથાગોરસ કરતાં બે સદી અગાઉ, પ્રબોધક યશાયાહે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, યહોવાહ “પૃથ્વી ઉપરના નભોમંડળ પર બિરાજનાર” છે. (યશાયાહ ૪૦:૨૨) “મંડલ” ભાષાંતર થયેલો હેબ્રી શબ્દ હુઘનો અર્થ “ગોળ” પણ થઈ શકે છે. એ ઘણું રસપ્રદ છે, કેમ કે ફક્ત ગોળાકાર વસ્તુ જ દરેક દિશામાંથી ગોળ દેખાઈ શકે. * આમ, પ્રબોધક યશાયાહે પોતાના સમયની પ્રગતિથી ઘણી વધારે આગળ પડતી માહિતી નોંધી હતી, છતાં એ વૈજ્ઞાનિક રીતે ખરી હતી અને એ જમાનાની દંતકથાઓથી મુક્ત હતી.

[ફુટનોટ]

^ ખરું જોતાં, પૃથ્વી અંડાકાર છે. બંને છેડાએથી જરા દબાયેલી હોય એવી લાગે છે.

[પાન ૪૦૩ પર ચિત્ર]

બાપ્તિસ્મા કરનાર યોહાન ‘અરણ્યમાં પોકાર કરનાર’ હતા