સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ગદર્શન અને રક્ષણ માટે યહોવાહમાં ભરોસો રાખો

માર્ગદર્શન અને રક્ષણ માટે યહોવાહમાં ભરોસો રાખો

સોળમું પ્રકરણ

માર્ગદર્શન અને રક્ષણ માટે યહોવાહમાં ભરોસો રાખો

યશાયાહ ૨૦:૧-૬

૧, ૨. આઠમી સદી બી.સી.ઈ.માં યહોવાહના લોકો પર કયું જોખમ આવી પડ્યું, અને તેઓમાંના મોટા ભાગના રક્ષણ માટે કોની તરફ મીટ માંડતા હતા?

 આપુસ્તકના અગાઉના પ્રકરણોમાં આપણે જોઈ ગયા તેમ, પરમેશ્વરના લોકો આઠમી સદી બી.સી.ઈ.માં, ભયનો સામનો કરી રહ્યા હતા. લોહી તરસ્યા આશ્શૂરીઓ એક પછી બીજા દેશને પાયમાલ કરતા આવતા હતા અને ટૂંક સમયમાં જ તેઓ યહુદાહના દક્ષિણના રાજ્યમાં પણ આવી પહોંચશે. દેશના લોકોએ રક્ષણ માટે કોની તરફ ફરવું જોઈએ? તેઓએ યહોવાહ પરમેશ્વર સાથે કરાર કર્યો હતો. તેથી તેઓને સહાય માટે તેમના પર જ ભરોસો રાખવાની જરૂર હતી. (નિર્ગમન ૧૯:૫, ૬) રાજા દાઊદે પણ એમ જ કર્યું હતું. તેમણે પૂરા ભરોસાથી આમ કહ્યું: “યહોવાહ મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, હા, એ મારો છે.” (૨ શમૂએલ ૨૨:૨) જો કે આઠમી સદી બી.સી.ઈ.માં ઘણા લોકોએ યહોવાહમાં પોતાના ખડક તરીકે જરાય ભરોસો કર્યો ન હતો. તેઓ તો મિસર અને કૂશ તરફ મીટ માંડીને બેઠા હતા. તેઓ એવી આશા રાખીને બેઠા હતા કે આશ્શૂરીઓ આક્રમણ કરશે તો આ બે દેશો તેઓનું રક્ષણ કરશે. પરંતુ, તેઓની એ આશા નકામી હતી.

યહોવાહ પોતાના પ્રબોધક યશાયાહ દ્વારા ચેતવણી આપે છે કે કૂશ અથવા મિસરમાં આશ્રય લેવો વિનાશક સાબિત થશે. પ્રબોધકના પ્રેરિત સંદેશાથી એ સમયના લોકોની જેમ, આપણને પણ યહોવાહમાં ભરોસો રાખવા મહત્ત્વનો બોધપાઠ શીખવે છે.

લોહી તરસ્યો દેશ

૩. આશ્શૂરને પોતાના શક્તિશાળી લશ્કરો પર જે ગર્વ હતું, એનું વર્ણન કરો.

આશ્શૂરીઓ તેઓનાં શક્તિશાળી લશ્કરો માટે જાણીતા હતા. પ્રાચીન શહેરો (અંગ્રેજી) પુસ્તક કહે છે: “તેઓ શક્તિને ભજતા અને મૂર્તિઓને પ્રાર્થના કરતા હતા. સિંહ અને બળદોની આ મોટી પથ્થરોની મૂર્તિઓના પગ કદાવર હતા. આ મૂર્તિઓને શક્તિ, સાહસ અને વિજયના પ્રતીકો ગણવામાં આવતા હતા. એ દેશમાં જાણે લડાઈ કરવી તેઓનો ધંધો હતો અને એના પુરોહિતો હંમેશા લોકોને યુદ્ધ માટે ઉશ્કેરતા હતા.” તેથી, પ્રબોધક નાહૂમ ખરી રીતે જ, આશ્શૂરના પાટનગર નીનવેહનું ‘ખૂની નગર’ તરીકે વર્ણન કરે છે.—નાહૂમ ૩:૧.

૪. આશ્શૂરીઓએ બીજા દેશો પર કઈ રીતે પોતાની ધાક બેસાડી હતી?

આશ્શૂરીઓની લડાઈની રીત ખૂબ જ ક્રૂર હતી. એ સમયનું શિલ્પકામ બતાવે છે કે, આશ્શૂરીઓ પોતાના ગુલામોના નાક અથવા હોઠમાં કડી ભરાવી ખેંચીને લઈ જતા. ભાલા વડે અમુક ગુલામોની આંખો ફોડી નાખતા. એક પ્રાચીન શિલાલેખ બતાવે છે કે એક વાર આશ્શૂરી લશ્કરે જીત મેળવી ત્યારે, તેઓએ ગુલામોના ટુકડે-ટુકડા કરી નાખ્યા અને શહેરની બહાર બે ઢગલા કર્યા, એક તેઓના માથાંનો અને બીજો શરીરના બીજા અવયવોનો. ગુલામ લોકોના બાળકોને તેઓ આગમાં હોમી દેતા હતા. આવી ક્રૂરતાને કારણે સર્વત્ર આશ્શૂરીઓનો ભય વ્યાપી ગયો હતો. એ તેઓના લાભમાં હતું કારણ કે એનાથી કોઈ પણ તેમના લશ્કરનો સામનો કરવાની હિંમત કરતું નહિ.

આશ્દોદ વિરુદ્ધ લડાઈ

૫. યશાયાહના સમયમાં શક્તિશાળી આશ્શૂરી રાજા કોણ હતો અને એના વિષેનો બાઇબલ અહેવાલ કઈ રીતે સાચો સાબિત થયો?

યશાયાહના સમયમાં રાજા સાર્ગોનના રાજમાં આશ્શૂરી સામ્રાજ્ય સામે કોઈ બરોબરી કરી શકતું ન હતું. * ઘણાં વર્ષો સુધી, ટીકાકારો આ રાજા હતો કે નહિ એના વિષે શંકા ઉઠાવતા હતા. એનું કારણ કે તેઓને દુન્યવી લખાણોમાં એના વિષે કોઈ માહિતી મળતી ન હતી. જો કે સમય જતાં, પુરાતત્ત્વ શાસ્ત્રીઓએ સાર્ગોનના મહેલના અવશેષો શોધી કાઢ્યા અને બાઇબલમાં એના વિષે જે અહેવાલ આપવામાં આવ્યો છે એ સાચો સાબિત થયો.

૬, ૭. (ક) સાર્ગોન કયા કારણોસર આશ્દોદ પર હુમલો કરવાનો આદેશ આપે છે? (ખ) આશ્દોદની હાર થવાથી, પલિસ્તીઓના પડોશી દેશો પર કેવી અસર થઈ?

યશાયાહ ટૂંકમાં સાર્ગોનની એક લશ્કરી જીતનું આમ વર્ણન કરે છે: “આશ્શૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે સાલે સેનાધિપતિ આશ્દોદ આવ્યો, ને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું.” (યશાયાહ ૨૦:૧) સાર્ગોન પલિસ્તીઓના આ શહેર, આશ્દોદ પર શા માટે હુમલો કરવાનું કહે છે? એનું એક કારણ એ છે કે, પલિસ્તીઓ મિસરના પક્ષે ગયા હતા અને આશ્દોદ કે જ્યાં ડેગોનનું મંદિર હતું, એ મિસરથી પેલેસ્તાઈનના કિનારાના માર્ગ પર આવેલું હતું. તેથી, એ શહેર યુદ્ધની દૃષ્ટિએ સારું સ્થળ હતું. તેથી, મિસર પર વિજય મેળવવાનું એ પ્રથમ પગલું હતું. વધુમાં, આશ્શૂરીઓનાં લખાણો બતાવે છે કે, આશ્દોદનો રાજા, આઝૂરી આશ્શૂર વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો હતો. તેથી, સાર્ગોન આ બળવાખોર રાજાને હટાવીને તેના નાના ભાઈ, અહીમીટીને રાજગાદી આપે છે. જો કે વાતનો ત્યાં જ અંત આવી જતો નથી. ફરી વાર બંડ ફાટી નીકળે છે અને આ વખતે સાર્ગોન કડક પગલાં લે છે. તે આશ્દોદ પર હુમલો કરવાનો હુકમ ફરમાવે છે અને એને જીતી લેવામાં આવે છે. મોટે ભાગે, યશાયાહ ૨૦:૧ આ જ બનાવની વાત કરે છે.

આશ્દોદની હારથી એના પડોશના દેશો, ખાસ કરીને યહુદાહ પર ભય પ્રસરી જાય છે. યહોવાહ જાણે છે કે, પોતાના લોકો મોટે ભાગે દક્ષિણે આવેલા મિસર કે કૂશના “માણસો” તરફ રક્ષણ માટે મીટ માંડશે. તેથી, યહોવાહ પરમેશ્વર યશાયાહને એક ગંભીર ચેતવણી દર્શાવવા કંઈક કરવાનું કહે છે.—૨ કાળવૃત્તાંત ૩૨:૭, ૮.

“ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે”

૮. યશાયાહ પ્રેરણા હેઠળ કયું પ્રબોધકીય કાર્ય કરે છે?

યહોવાહ પરમેશ્વર યશાયાહને જણાવે છે: “જા, તારી કમર પરથી તાટ ઉતાર, ને તારા પગમાંથી જોડા કાઢ.” યશાયાહ, યહોવાહની આજ્ઞા પાળે છે. “તેમ કરીને તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો.” (યશાયાહ ૨૦:૨) તાટ એવું કાપડ છે કે જેને પ્રબોધકો ચેતવણીનો સંદેશ આપવા માટે ઘણી વાર પહેરતા હતા. એને સંકટના સમયે કે કોઈ આફતનો સંદેશ સાંભળીને પણ પહેરવામાં આવતું હતું. (૨ રાજાઓ ૧૯:૨; ગીતશાસ્ત્ર ૩૫:૧૩; દાનીયેલ ૯:૩) શું યશાયાહ ખરેખર ઉઘાડે શરીરે ફર્યા, એટલે કે શું તેમણે શરીરે કોઈ પણ કપડાં પહેર્યા ન હતા? ના. “ઉઘાડું” ભાષાંતર થયેલા હેબ્રી શબ્દનો અર્થ એ પણ થાય છે કે, સાવ થોડાંક કપડાં પહેરવાં. (૧ શમૂએલ ૧૯:૨૪) તેથી, એમ હોય શકે કે યશાયાહે ફક્ત પોતાનાં ઉપરનાં વસ્ત્રો કાઢી નાખ્યાં હશે, જ્યારે કે સામાન્યપણે અંગવસ્ત્ર પહેરી રાખ્યું હતું. આશ્શૂરીઓના શિલ્પકામમાં ગુલામોને ઘણી વાર આ રીતે વસ્ત્રો પહેરેલા બતાવવામાં આવ્યા છે.

૯. યશાયાહ પ્રબોધકીય રીતે વર્ત્યા, એનો શું અર્થ થતો હતો?

યશાયાહ જે અસાધારણ રીતે વર્તે છે, એનો અર્થ જણાવવામાં આવે છે: “યહોવાહે કહ્યું, મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્‍ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયાહ જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે; તેમ આશ્શૂરનો રાજા મિસરના બંદીવાનોને તથા કૂશના પ્રવાસીઓને, જુવાન તથા વડીલોને, ઉઘાડે શરીરે તથા પગે, નગ્‍નાવસ્થામાં, મિસરને લાજ લાગે એવી રીતે, લઈ જશે.” (યશાયાહ ૨૦:૩, ૪) હા, મિસર અને કૂશના લોકોને ગુલામ બનાવી લઈ જવાશે. એમાંથી કોઈ પણ બચી જશે નહિ. ‘જુવાન તથા વડીલ’ એટલે કે, બાળકો અને ઘરડાં લોકો પાસેથી પણ તેઓનું સર્વસ્વ લઈ લેવાશે અને ગુલામીમાં લઈ જવાશે. આવું અંધકારમય ભાવિ જોતાં, યહોવાહ પરમેશ્વર ઈસ્રાએલીઓને ચેતવણી આપે છે કે, મિસર અને કૂશમાં તેઓ ભરોસો મૂકે એ સાવ નકામો છે. એ દેશોની હારથી ઈસ્રાએલીઓએ પણ ‘નગ્‍નાવસ્થા’ ભોગવવી પડશે, જેનાથી આખરે તેઓને પણ નીચું જોવાનો વારો આવશે!

આશા ભાંગી પડે છે, સુંદરતા જતી રહે છે

૧૦, ૧૧. (ક) યહુદાહના લોકોને ખબર પડશે કે મિસર અને કૂશ આશ્શૂર સામે વિસાતમાં કંઈ જ નથી, ત્યારે તેઓ શું કરશે? (ખ) શા માટે યહુદાહ કદાચ મિસર અને કૂશ પર ભરોસો મૂકવાનું વિચારતા હોય શકે?

૧૦ હવે યહોવાહ પ્રબોધકીય રીતે પોતાના લોકોનું વર્તન બતાવે છે. જેમ તેઓને ખબર પડે છે કે તેઓની આશા, મિસર અને કૂશ તો આશ્શૂર સામે કંઈ જ નથી. “ત્યારે તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે, અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે. તે દિવસે આ કાંઠાનો રહેવાસી કહેશે, કે જુઓ, આપણું આશાસ્પદ, જ્યાં આશ્શૂરના રાજાથી છૂટકો પામવા આપણે સહાયને સારૂ દોડતા હતા, તેની આ દશા છે; તો આપણે હવે કેવી રીતે બચીશું?”—યશાયાહ ૨૦:૫, ૬.

૧૧ મિસર અને કૂશના બળ સાથે સરખાવતા, યહુદાહ તો ફક્ત દરિયાના એક કાંઠા સમાન લાગે છે. કદાચ ‘આ કાંઠાના’ કેટલાક રહેવાસીઓ મિસરની સુંદરતા પર મોહી પડ્યા હોય. એના પ્રભાવશાળી પિરામિડો, એના ઊંચા ઊંચા મંદિરો અને એના વિશાળ રહેઠાણો કે જેને ફરતે ફૂલછોડ અને ફળઝાડના બગીચા, તેમ જ તળાવો હતા. મિસરનાં ભવ્ય બાંધકામો જાણે એ કાયમ ટકી રહેવાનું હોય એવી સાબિતી આપતાં હતાં. ખરેખર, આ દેશનો વિનાશ કઈ રીતે થઈ શકે! એ જ કારણે કદાચ યહુદીઓ કૂશના તીરંદાજો, રથો અને ઘોડેસવારોને જોઈને પ્રભાવિત થયા હોય શકે.

૧૨. યહુદાહે કોનામાં ભરોસો મૂકવાની જરૂર હતી?

૧૨ યશાયાહે આપેલી ચેતવણી અને યહોવાહના પ્રબોધકીય શબ્દોને ધ્યાનમાં લેતા, પરમેશ્વરના લોકોમાંના કોઈ પણ મિસર અને કૂશમાં ભરોસો મૂકવાનું વિચારતા પણ હોય તો, તેઓએ ફરીથી ગંભીરપણે વિચારવાની જરૂર હતી. ખરેખર, મનુષ્ય માત્રમાં ભરોસો મૂકવાને બદલે, યહોવાહમાં ભરોસો મૂકવો કેટલું ડહાપણભર્યું છે! (ગીતશાસ્ત્ર ૨૫:૨; ૪૦:૪) જો કે યહુદાહ આશ્શૂરના રાજાને હાથે ઘણું સહે છે. પછીથી, બાબેલોન દ્વારા એના મંદિર અને પાટનગરનો નાશ થાય છે. તોપણ, મોટા ઝાડને કાપ્યા પછી એનું થડ રહી જાય છે તેમ, “દશાંશ,” “પવિત્ર બીજ” રહી જાય છે. (યશાયાહ ૬:૧૩) નાનું ટોળું યહોવાહને વફાદાર હોવાથી સમય આવશે ત્યારે, યશાયાહનો સંદેશો તેઓનો વિશ્વાસ દૃઢ કરશે!

યહોવાહ પર ભરોસો રાખો

૧૩. આજે યહોવાહના ભક્તો અને તેમનો વિરોધ કરનારા, બંને પર કયા દબાણો છે?

૧૩ મિસર અને કૂશમાં ભરોસો રાખવાની નકામી આશા વિષે યશાયાહની ચેતવણી કંઈ વીતી ગયેલો ઇતિહાસ માત્ર નથી. આજે આપણે એમાંથી મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ છીએ. આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧) આર્થિક આફતો, ગરીબી, રાજકીય ઊથલપાથલ, લોકોમાં અંધાધૂંધી અને નાના-મોટાં યુદ્ધોની ઊંડી અસર પરમેશ્વરના દુશ્મનનો પર જ નહિ, પરંતુ યહોવાહની ભક્તિ કરનારાઓ પર પણ પડે છે. આપણે દરેકે પોતાને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે, ‘હું સહાય માટે કોની તરફ ફરીશ?’

૧૪. શા માટે આપણે ફક્ત યહોવાહમાં જ ભરોસો મૂકવો જોઈએ?

૧૪ આપણી સમસ્યાઓ હલ કરવા, માણસની ચતુરાઈ અને ટેક્નોલૉજીનો ઉપયોગ કરવાની મોટી મોટી વાતો કરનારા, આજના નાણાકીય નિષ્ણાતો, રાજકારણીઓ અને વૈજ્ઞાનિકોથી કેટલાક લોકો અંજાઈ જઈ શકે. પરંતુ બાઇબલ સ્પષ્ટ કહે છે: “રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો સારો છે.” (ગીતશાસ્ત્ર ૧૧૮:૯) શાંતિ અને સલામતી માટેની માણસોની સર્વ યોજનાઓ નિષ્ફળ જશે અને એનું ખરું કારણ પ્રબોધક યિર્મેયાહ સ્પષ્ટ શબ્દોમાં જણાવતા કહ્યું: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”—યિર્મેયાહ ૧૦:૨૩.

૧૫. દુઃખી માણસજાત માટેની એક માત્ર આશા કઈ છે?

૧૫ તેથી, પરમેશ્વરના સેવકો આ જગતના કોઈ પણ બળ કે ડહાપણથી અંજાઈ ન જાય એ ખૂબ જ જરૂરી છે. (ગીતશાસ્ત્ર ૩૩:૧૦; ૧ કોરીંથી ૩:૧૯, ૨૦) આજની દુઃખી માણસજાત માટે એક માત્ર આશા આપણા ઉત્પન્‍નકર્તા, યહોવાહ પરમેશ્વર છે. તેમનામાં ભરોસો મૂકનારાઓનો બચાવ થશે. પરમેશ્વરની પ્રેરણા પામેલા પ્રેષિત યોહાને લખ્યું તેમ, “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”—૧ યોહાન ૨:૧૭.

[ફુટનોટ]

^ ઇતિહાસકારો આ રાજાને સાર્ગોન બીજો કહે છે. એના પહેલાં જે રાજા થઈ ગયો હતો એ આશ્શૂરનો નહિ, પરંતુ બાબેલોનનો હતો. તેને “સાર્ગોન પહેલો” કહેવામાં આવે છે.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦૯ પર ચિત્ર]

આશ્શૂરીઓ કેટલાક બંદીવાનોની આંખો ફોડી નાખતા હતા

[પાન ૨૧૩ પર ચિત્રો]

કેટલાક લોકો મનુષ્યની પ્રગતિથી અંજાઈ જઈ શકે, પરંતુ યહોવાહમાં ભરોસો રાખવામાં જ ડહાપણ છે