મુશ્કેલી છતાં યહોવાહમાં ભરોસો રાખો
નવમું પ્રકરણ
મુશ્કેલી છતાં યહોવાહમાં ભરોસો રાખો
૧. શા માટે આપણે યશાયાહના સાતમા અને આઠમા અધ્યાય પર મનન કરવું જોઈએ?
યશાયાહનો સાતમો અને આઠમો અધ્યાય બે અલગ અલગ નિર્ણયો વિષે જણાવે છે. યશાયાહ અને આહાઝ બંને યહોવાહ પરમેશ્વરે પસંદ કરેલી પ્રજામાં હતા. બંનેને યહોવાહે સોંપેલું કામ કરવાનું હતું. એકને પ્રબોધક અને બીજાને યહુદાહના રાજા તરીકેની જવાબદારી હતી. બંને જોખમમાં હતા, કેમ કે દુશ્મનો યરૂશાલેમને ઘેરો ઘાલીને બેઠા હતા. જો કે યશાયાહે આ મુશ્કેલ સમયમાં પણ યહોવાહ પર ભરોસો રાખ્યો, જ્યારે કે આહાઝ માણસની બીકથી ઝૂકી ગયો. તેઓએ એવા નિર્ણય શા માટે લીધા? એ જાણવું જરૂરી છે, કેમ કે આજે આપણે પણ જાણે કે દુશ્મનોથી ઘેરાયેલા છે. તેથી, તેઓ યશાયાહના આ બે અધ્યાયો પર વિચાર કરે તો, ઘણો જ લાભ થશે.
નિર્ણય
૨, ૩. યશાયાહ શરૂઆતના શબ્દોમાં શું જણાવે છે?
૨ એક ચિત્રકાર નવું ચિત્ર રૂપરેખાથી શરૂ કરે છે. એ જ રીતે, યશાયાહ બનનાર બનાવોની રૂપરેખા આપીને શરૂઆત કરે છે: “યહુદાહના રાજા ઉઝ્ઝીયાહના દીકરા યોથામના દીકરા આહાઝના સમયમાં અરામનો રાજા રસીન તથા ઈસ્રાએલના રાજા રમાલ્યાહનો દીકરો પેકાહ યરૂશાલેમની સાથે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તે પર ફતેહ પામી શક્યા નહિ.”—યશાયાહ ૭:૧.
૩ આઠમી સદી બી.સી.ઈ.નો સમય હતો. યહુદાહ પર યોથામની જગ્યાએ એનો દીકરો, આહાઝ આવ્યો હતો. અરામના રાજા રસીન અને ઈસ્રાએલના ઉત્તર રાજ્યના રાજા, પેકાહે યહુદાહ પર ભયંકર આક્રમણ કર્યું. આખરે, તેઓ યરૂશાલેમને પણ ઘેરો ઘાલશે. પરંતુ, તેઓ સફળ થશે નહિ. (૨ રાજાઓ ૧૬:૫, ૬; ૨ કાળવૃત્તાંત ૨૮:૫-૮) શા માટે નહિ? આપણે એના વિષે પછીથી શીખીશું.
૪. આહાઝ અને તેના લોકો શા માટે ભયથી કાંપતા હતા?
૪ યુદ્ધની શરૂઆતમાં “દાઊદના વંશના રાજકર્તાને ખબર મળી, કે અરામ એફ્રાઈમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન તથા તેના લોકોનાં મન જેમ વનનાં ઝાડ પવનથી કંપે છે તેમ ગભરાયાં.” (યશાયાહ ૭:૨) ખરેખર, આહાઝ અને તેના લોકો ઘણા જ ગભરાયા, કેમ કે તેઓ વિરુદ્ધ અરામીઓ અને ઈસ્રાએલીઓ એક થઈ ગયા હતા. વળી, તેઓએ લશ્કરો સાથે એફ્રાઈમમાં (ઈસ્રાએલમાં) પડાવ નાખ્યો હતો. તેઓ યરૂશાલેમથી માંડ બે ત્રણ દિવસની કૂચ જેટલે દૂર છે!
૫. આજે યહોવાહના લોકો કઈ રીતે યશાયાહ જેવું જ કાર્ય કરે છે?
૫ યહોવાહ પરમેશ્વર યશાયાહને જણાવે છે: “તું તથા તારો દીકરો શઆર-યાશૂબ ધોબીના ખેતરની સડકે, ઉપલા કુંડના નાળાના છેડા આગળ આહાઝને મળવા જાઓ.” (યશાયાહ ૭:૩) જરા વિચારો કે આવા સમયે રાજાએ યહોવાહના પ્રબોધકની સલાહ શોધવી જોઈએ ત્યારે, પ્રબોધકે રાજાને શોધવા જવું પડે છે! જો કે યશાયાહ જરાય આનાકાની કર્યા વિના યહોવાહનું સાંભળે છે. આજે, યહોવાહના લોકો પણ ખુશીથી એવા લોકોને શોધી રહ્યા છે, જેઓ આ જગતનાં દબાણથી ગભરાયેલા છે. (માત્થી ૨૪:૬, ૧૪) દર વર્ષે હજારો લોકો આ સારા સંદેશની કદર કરે છે અને યહોવાહ તરફ વળે છે, એ જોઈને કેટલો આનંદ થાય છે!
૬. (ક) પ્રબોધક, રાજા આહાઝને દિલાસો આપતો કયો સંદેશો જણાવે છે? (ખ) આજે પરિસ્થિતિ કેવી છે?
૬ યશાયાહને આહાઝ યરૂશાલેમના કોટની બહાર મળી આવે છે. આફત આવી પડવાની હોવાથી, એ રાજા ત્યાં શહેરમાં પૂરતા પાણીની તપાસ કરતો હતો. યશાયાહ તેને યહોવાહનો સંદેશો આપે છે: “સાવધ રહે, ને શાંત થા; બીતો નહિ, ને આ ધુમાતાં ખોયણાં અથવા, [લાકડાં]ના બે છેડાથી, એટલે રસીન તથા અરામના ને રમાલ્યાહના દીકરાના ભારે રોષથી તારૂં મન ભયભીત ન થાય.” (યશાયાહ ૭:૪) એ દુશ્મનોએ યહુદાહ પર આક્રમણ કર્યું ત્યારે, તેઓ ધગધગતી આગ જેવા હતા. હવે, તેઓ ફક્ત ધુમાતાં લાકડાંના બે છેડા થઈ ગયા છે. આહાઝે અરામી રાજા રસીન અને રમાલ્યાહના દીકરા, પેકાહથી ગભરાવાની કોઈ જરૂર ન હતી. આજે પણ એવું જ બની રહ્યું છે. સદીઓથી, કહેવાતા ખ્રિસ્તીઓના પાદરીઓએ સાચા ખ્રિસ્તીઓની સતાવણી કરી છે. જો કે હવે ખ્રિસ્તીરાષ્ટ્ર બળી ગયેલા લાકડાં જેવું થઈ ગયું છે. એનો અંત આવી પહોંચ્યો છે.
૭. યશાયાહ અને તેમના દીકરાના નામ કઈ રીતે આશા આપે છે?
૭ આહાઝના સમયમાં યશાયાહનો સંદેશ જ નહિ, પરંતુ યશાયાહ અને તેમના પુત્રના નામ પણ યહોવાહના ભક્તોને આશા આપતા હતા. ખરું કે યહુદાહ પર જોખમ ઝઝૂમી રહ્યું હતું, પણ પ્રબોધકનું નામ યશાયાહનો અર્થ થતો હતો, “યહોવાહનું તારણ.” એ જણાવતું હતું કે યહોવાહ છુટકારો અપાવશે. યશાયાહને યહોવાહ જણાવે છે કે, તે પોતાના દીકરા શઆર-યાશૂબને સાથે લઈ જાય, જેના નામનો અર્થ થતો હતો, “શેષભાગ જરૂર પાછો ફરશે.” છેવટે, યહુદાહનો વિનાશ થશે ત્યારે પણ, દયાળુ યહોવાહ શેષભાગને વતનમાં પાછા લઈ આવશે.
લડાઈ ફક્ત બે દેશોની નથી
૮. શા માટે યરૂશાલેમ પર થયેલો હુમલો બે રાષ્ટ્રો વચ્ચેની લડાઈથી વધુ હતો?
૮ યશાયાહ દ્વારા યહોવાહ યહુદાહના દુશ્મનોની આખી યોજના જણાવે છે. તેઓ કહે છે: “આપણે યહુદાહ પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ, ને આપણે પોતાને સારૂ તેમાં ભંગાણ પાડીએ, ને ત્યાં ટાબએલના દીકરાને રાજા નીમીએ.” (યશાયાહ ૭:૫, ૬) અરામીઓ અને ઈસ્રાએલીઓએ મળીને મસલત કરી કે, યહુદાહ જીતી લઈને, દાઊદના પુત્ર આહાઝને બદલે પોતાનો શાસક ગાદીએ બેસાડીએ. એ દીવા જેવું સ્પષ્ટ છે કે, યરૂશાલેમ પરનો હુમલો હવે બે રાષ્ટ્રો વચ્ચેના યુદ્ધ કરતાં વધુ છે. ખરેખર, એ તો શેતાન અને યહોવાહની લડાઈ છે. એનું કારણ એ કે, યહોવાહે રાજા દાઊદ સાથે કરાર કર્યો હતો કે, તેનાં વંશજ પરમેશ્વરના લોકો પર રાજ કરશે. (૨ શમૂએલ ૭:૧૧, ૧૬) હવે, યરૂશાલેમ પર બીજો કોઈ રાજા રાજ કરે તો, શેતાનની કેવી જીત થાય! વળી, તે દાઊદની વંશાવળીમાંથી આવનાર કાયમી વારસ, ‘શાંતિના સરદાર’ માટે વિઘ્ન ઊભું કરી, યહોવાહનો હેતુ નિષ્ફળ કરવાનો પ્રયત્ન પણ કરે.—યશાયાહ ૯:૬, ૭.
યહોવાહ હિંમત આપે છે
૯. કયાં વચનોએ આહાઝને તેમ જ આજે આપણને ઉત્તેજન આપવું જોઈએ?
૯ શું અરામ અને ઈસ્રાએલની ચાલ સફળ થશે? ના. યહોવાહ કહે છે: “એવું થશે નહિ, અને તે ધારણાં પાર પડશે નહિ.” (યશાયાહ ૭:૭) યશાયાહ દ્વારા યહોવાહ ફક્ત એટલું જ કહેતા નથી કે, યરૂશાલેમ પરનો હુમલો નિષ્ફળ જશે, પરંતુ એમ પણ જણાવે છે કે, “પાંસઠ વર્ષમાં એફ્રાઈમ નાશ પામશે, ને પ્રજાની ગણતરીમાં રહેશે નહિ.” (યશાયાહ ૭:૮) હા, ૬૫ વર્ષમાં ઈસ્રાએલનું નામનિશાન રહેશે નહિ. * એ ચોક્કસ સમયે એમ થશે એવું સાંભળીને આહાઝને હિંમતવાન થવાની જરૂર હતી. એ જ પ્રમાણે, આજે યહોવાહના લોકોને એ જાણીને ખરેખર હિંમત મળે છે કે, શેતાનના જગતનો અંત આવી પહોંચ્યો છે.
૧૦. (ક) આજે સાચા ખ્રિસ્તીઓ કઈ રીતે યહોવાહનું અનુકરણ કરી શકે? (ખ) યહોવાહ પરમેશ્વરે આહાઝને શું માગવાનું કહ્યું?
૧૦ આહાઝના ચહેરા પર દેખાય આવતું હોવું જોઈએ કે, એને વિશ્વાસ બેસતો ન હતો. તેથી, યશાયાહ દ્વારા યહોવાહ કહે છે કે, “જો તમે વિશ્વાસ રાખશો નહિ, તો તમે સ્થિર થશો નહિ.” યહોવાહ ધીરજ ધરનાર હોવાથી, “આહાઝને ફરીથી કહ્યું.” (યશાયાહ ૭:૯, ૧૦) કેવું સુંદર ઉદાહરણ! આજે ઘણા રાજ્ય સંદેશ સાંભળતા નથી. છતાં, આપણે યહોવાહનું ઉદાહરણ અનુસરીને “ફરીથી” મુલાકાત લેવાનું ચાલુ રાખીશું. પછી, યહોવાહે આહાઝને જણાવ્યું: “તું તારા પોતાને માટે તારા દેવ યહોવાહ પાસેથી ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી, અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.” (યશાયાહ ૭:૧૧) આહાઝ ચિહ્ન માંગે તો, યહોવાહ તે પૂરું પાડશે અને ખાતરી આપશે કે તે દાઊદનાં વંશજનું રક્ષણ જરૂર કરશે.
૧૧. “તારા દેવ,” એમ કહીને યહોવાહ કઈ ખાતરી આપે છે?
૧૧ યહોવાહ જે રીતે વાત કરે છે, એની નોંધ લો: ‘તારા દેવ પાસેથી ચિહ્ન માગ.’ યહોવાહ ખરેખર દયાળુ છે. આહાઝ જૂઠા દેવદેવીઓને પૂજતો હતો અને બીજાં ધિક્કારપાત્ર કામો પણ કરતો હતો. (૨ રાજાઓ ૧૬:૩, ૪) તેમ છતાં, યહોવાહ પોતાને આહાઝના પરમેશ્વર તરીકે ઓળખાવે છે. એ હિંમત આપે છે કે, યહોવાહ આપણને તજી દેતા નથી. તે ભૂલ કરનારાઓ અથવા વિશ્વાસમાં નબળા પડી ગયેલાઓને મદદ કરવા તૈયાર છે. યહોવાહનો આવો પ્રેમ જોઈને, શું આહાઝ તેમની મદદ સ્વીકારે છે?
શંકા કરીને આજ્ઞા તોડી
૧૨. (ક) આહાઝ કેવું વલણ બતાવે છે? (ખ) યહોવાહ પાસે મદદ માંગવાને બદલે, આહાઝ ક્યાં ફાંફાં મારે છે?
૧૨ આહાઝ નકાર કરતા કહે છે: “હું માગીશ નહિ, વળી હું યહોવાહની પરીક્ષા કરીશ નહિ.” (યશાયાહ ૭:૧૨) એવું નથી કે અહીં આહાઝ પુનર્નિયમ ૬:૧૬માંની આજ્ઞા પાળે છે: “તમે યહોવાહ તમારા દેવની પરીક્ષા ન કરો.” સદીઓ પછી, શેતાનના પરીક્ષણના જવાબમાં, ઈસુએ એ નિયમ યાદ કર્યો. (માત્થી ૪:૭) જો કે આહાઝના કિસ્સામાં એવું ન હતું. યહોવાહ તેને સાચી ભક્તિ તરફ ફરવાનું અને પોતે ચિહ્ન દ્વારા તેનો વિશ્વાસ દૃઢ કરવાનું કહી રહ્યા હતા. પરંતુ, આહાઝ રક્ષણ માટે બીજે ફાંફાં મારે છે. શક્ય છે કે, આ સમયે તે આશ્શૂરને પુષ્કળ ધન મોકલી, પોતાના ઉત્તરીય દુશ્મનો સામે મદદ માંગે છે. (૨ રાજાઓ ૧૬:૭, ૮) એ દરમિયાન, અરામી અને ઈસ્રાએલી લશ્કરો યરૂશાલેમને ઘેરો ઘાલે છે.
૧૩. આપણે ૧૩મી કલમમાં કયો ફેરફાર જોઈએ છીએ અને એ શું દર્શાવે છે?
૧૩ રાજાનો અવિશ્વાસ જોઈને, યશાયાહ કહે છે: “હે દાઊદના વંશજો, સાંભળજો; માણસને કાયર કરો છો એ થોડું કહેવાય, કે તમે મારા દેવને પણ કાયર કરવા [અથવા, કંટાળી નાખવા] માગો છો?” (યશાયાહ ૭:૧૩) હંમેશા ના, ના સાંભળીને યહોવાહ પણ કંટાળી જઈ શકે. હવે પ્રબોધક “તમારા દેવ” નહિ, પણ “મારા દેવ” કહે છે, એની પણ નોંધ લો. કેવો ફેરફાર! આહાઝ, યહોવાહને બદલે આશ્શૂરની મદદ શોધે છે. આમ, તે યહોવાહ સાથે ફરીથી સારા સંબંધો બાંધવાની સોનેરી તક ગુમાવી બેસે છે. અમુક લાભ મેળવવા માટે, આપણે કદી પણ આપણી માન્યતાઓમાં તડજોડ ન કરીએ. આમ, આપણે યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવાની દરેક તક ઝડપી લઈએ.
ઈમાનુએલનું ચિહ્ન
૧૪. યહોવાહ પોતે દાઊદ સાથે કરેલા કરારને કઈ રીતે વિશ્વાસુ રહે છે?
૧૪ યહોવાહ, દાઊદ સાથે કરેલા કરાર પ્રત્યે વિશ્વાસુ રહે છે. યહોવાહે ચિહ્ન માગવાનું કહ્યું હતું અને એ આપવામાં આવશે! યશાયાહ જણાવે છે: “તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે; જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે, અને તેનું નામ તે ઈમ્માનૂએલ પાડશે. તે ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં તથા મધ ખાશે. એ છોકરો ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે પહેલાં જે બે રાજાથી તું ભયભીત થાય છે, તેમનો દેશ ઉજ્જડ થશે.”—યશાયાહ ૭:૧૪-૧૬.
૧૫. ઈમાનુએલની ભવિષ્યવાણી કઈ બે બાબતોની ખાતરી આપે છે?
૧૫ એવો કોઈ ડર રાખવાની જરૂર નથી કે દુશ્મનો, દાઊદના વંશમાંથી આવનાર રાજાઓનો અંત લાવશે. ‘ઈમાનુએલ’ એટલે કે “દેવ આપણી સાથે છે.” યહોવાહ દાઊદ સાથેનો કરાર રદ થવા દેશે નહિ, કેમ કે તે યહુદાહ સાથે છે. વળી, યહોવાહ શું કરશે એટલું જ નહિ, પરંતુ ક્યારે કરશે એ પણ આહાઝ અને તેના લોકોને જણાવવામાં આવ્યું. જુઓ, એમ જ બને પણ છે!
૧૬. શા માટે આહાઝના સમયમાં યહોવાહ પરમેશ્વરે ઈમાનુએલની સ્પષ્ટ ઓળખ આપી ન હતી?
૧૬ બાઇબલ જણાવતું નથી કે ઈમાનુએલ કોનું બાળક છે. પરંતુ, યશાયાહના કહ્યા પ્રમાણે, પોતે અને પોતાનાં બાળકો ‘ચિહ્નોને અર્થે’ છે. આ ઈમાનુએલ ચિહ્ન બનવાનો હોવાથી, તે પ્રબોધકનો પુત્ર પણ હોય શકે. (યશાયાહ ૮:૧૮) આહાઝના સમયમાં, યહોવાહ ઈમાનુએલની સ્પષ્ટ ઓળખ આપતા નથી. એનું કારણ એ પણ હોય શકે કે, આવનાર મહાન ઈમાનુએલ વિષે લોકોને ગેરસમજણ ન થાય. એ કોણ હતા?
૧૭. (ક) મહાન ઈમાનુએલ કોણ છે, અને તેમનો જન્મ શું દર્શાવતો હતો? (ખ) “દેવ આપણી સાથે” છે, એમ આજે યહોવાહના લોકો શા માટે પોકારી ઊઠી શકે?
૧૭ યશાયાહના પુસ્તક સિવાય, ઈમાનુએલ નામ ફક્ત માત્થી ૧:૨૩માં જ જોવા મળે છે. માત્થીએ યહોવાહની પ્રેરણા હેઠળ, ઈમાનુએલના જન્મની ભવિષ્યવાણી ઈસુના જન્મને લાગુ પાડી. એ દાઊદના રાજ્યના હક્કદાર વારસ છે. (માત્થી ૧:૧૮-૨૩) પહેલા ઈમાનુએલનો જન્મ એનું ચિહ્ન હતો કે, યહોવાહે દાઊદના વંશને તરછોડી દીધો નથી. એ જ પ્રમાણે, મહાન ઈમાનુએલ, ઈસુનો જન્મ પણ એક ચિહ્ન હતું. એ બતાવતું હતું કે, યહોવાહે માનવીઓને કે દાઊદ સાથે કરેલા પોતાના રાજ્ય કરારને પડતા મૂક્યા નથી. (લુક ૧:૩૧-૩૩) આમ, યહોવાહના મુખ્ય પ્રતિનિધિ તેઓ મધ્યે હતા. તેથી, માત્થી ખરેખર કહી શક્યા કે “દેવ આપણી સાથે” છે. આજે, ઈસુ સ્વર્ગમાં રાજા તરીકે રાજ્ય કરી રહ્યા છે, અને પૃથ્વી પરના પોતાના લોકો સાથે જ છે. (માત્થી ૨૮:૨૦) ખરેખર, યહોવાહના લોકો પાસે એવું પોકારી ઊઠવા કારણ છે કે, “દેવ આપણી સાથે” છે!
બેવફાઈનાં પરિણામ
૧૮. (ક) યશાયાહના હવે પછીના શબ્દો શા માટે આઘાત પમાડે છે? (ખ) જલદી જ, કઈ રીતે બાજી પલટાઈ જવાની હતી?
૧૮ યશાયાહના એ શબ્દો બહુ દિલાસો આપે છે. તેમ છતાં, હવે પછીના શબ્દો વાચકને ગભરાવનારા છે: “એફ્રાઈમ યહુદાહથી જુદો પડ્યો ત્યાર પછી આવ્યા નહોતા એવા દિવસો યહોવાહ તારા પર, તારી પ્રજા પર તથા તારા બાપના કુટુંબ પર લાવશે, એટલે આશ્શૂરના રાજાને લાવશે.” (યશાયાહ ૭:૧૭) હા, આશ્શૂરના રાજા દ્વારા આફત આવી રહી છે. આશ્શૂરના ક્રૂર રાજની કલ્પના કરવાથી આહાઝ અને તેના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હશે. આહાઝે વિચાર્યું કે આશ્શૂર સાથે દોસ્તી કરવાથી, તેઓને ઈસ્રાએલ અને અરામ સામે મદદ મળશે. આશ્શૂરનો રાજા ઈસ્રાએલ અને અરામ પર આક્રમણ કરીને, આહાઝને મદદ પણ કરશે. (૨ રાજાઓ ૧૬:૯) એ જ કારણે, પેકાહ અને રસીનને યરૂશાલેમ પરથી ઘેરો ઊઠાવી લેવો પડે છે. આમ, અરામ અને ઈસ્રાએલ યરૂશાલેમ પર ફતેહ પામી નહિ શકે. (યશાયાહ ૭:૧) જો કે હવે યશાયાહ તેઓને આઘાત પમાડે છે કે, તેઓનો રક્ષક જ ભક્ષક બનશે!—નીતિવચનો ૨૯:૨૫ સરખાવો.
૧૯. આજે ખ્રિસ્તીઓ માટે આ ઐતિહાસિક બનાવ કઈ ચેતવણી પૂરી પાડે છે?
૧૯ આજે ખ્રિસ્તીઓ માટે આ ઐતિહાસિક બનાવ ચેતવણી પૂરી પાડે છે. દબાણ હેઠળ આપણે યહોવાહનું રક્ષણ પડતું મૂકીને, ખ્રિસ્તી સિદ્ધાંતોની તડજોડ કરવા લલચાઈ શકીએ. યશાયાહ આગળ જણાવે છે એમ, એ સાવ મૂર્ખાઈભર્યું ગણાશે. આશ્શૂરીઓનું આક્રમણ દેશ અને તેના લોકોની કેવી હાલત કરશે, એનું વર્ણન પ્રબોધક કરે છે.
૨૦. “માખી” અને “મધમાખી” શું છે, અને તેઓ શું કરશે?
૨૦ યશાયાહ ચાર અલગ અલગ ભાગોમાં ભવિષ્યવાણી કહે છે. એ દરેક ભાખે છે કે “તે દિવસે” એટલે કે, આશ્શૂર આક્રમણ કરશે ત્યારે શું બનશે. “વળી તે દિવસે મિસરની નદીઓના છેડાઓ પર જે માખી છે તેને, આશ્શૂર દેશમાં જે મધમાખી છે તેમને યહોવાહ સીટી વગાડી બોલાવશે, તેઓ આવશે, ને કરાડાવાળી ખીણોમાં, ખડકોની ફાટોમાં, સર્વ કાંટાના છોડવાઓમાં, ને સર્વ બીડોમાં તેઓ બધા ભરાઇ રહેશે.” (યશાયાહ ૭:૧૮, ૧૯) માખી અને મધમાખી જેવા, મિસર અને આશ્શૂરના લશ્કરોનું ધ્યાન વચનના દેશ તરફ દોરવામાં આવશે. આ કંઈ જેવું તેવું આક્રમણ નહિ હોય. એ “માખી” અને “મધમાખી” દેશને ખૂણેખાચરે ભરાઈ રહેશે.
૨૧. આશ્શૂરનો રાજા કઈ રીતે અસ્ત્રા સમાન બનશે?
૨૧ યશાયાહ કહે છે: “તે દિવસે પ્રભુ, નદીને પેલે પારથી ભાડે રાખેલા અસ્ત્રા વડે, એટલે આશ્શૂરના રાજા વડે, માથું ને પગોના વાળ બોડશે; અને તે દાઢી પણ કાઢી નાખશે.” (યશાયાહ ૭:૨૦) હવે ફક્ત આશ્શૂર વિષે જણાવવામાં આવે છે, જે મુખ્ય જોખમ છે. આહાઝ અરામ અને ઈસ્રાએલના વાળ ‘બોડાવવા’ આશ્શૂરના રાજાને ભાડે રાખે છે. જો કે યુફ્રેટિસના છેડાઓથી આવતો એ ‘ભાડે રાખેલો અસ્ત્રો’ યહુદાહ વિરુદ્ધ થઈને, એનું “માથું” બોડે છે, અરે દાઢી પણ કાઢી નાખશે!
૨૨. આશ્શૂરનાં આક્રમણોની અસર બતાવવા યશાયાહ કયાં ઉદાહરણો વાપરે છે?
૨૨ એનું પરિણામ શું આવશે? “તે સમયે માણસ એક વાછરડી ને બે ઘેટી પાળશે; અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે; દેશમાં જેઓ બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં તથા મધ ખાશે.” (યશાયાહ ૭:૨૧, ૨૨) આશ્શૂરીઓ દેશને ‘બોડી’ નાખે છે ત્યારે, વસ્તી એટલી ઘટી જશે કે તેઓને દૂધ પૂરું પાડવા બહુ ઢોર નહિ જોઈએ. ફક્ત “દહીં તથા મધ” ખવાશે, દ્રાક્ષાદારુ, રોટલી કે બીજો કોઈ જ ખોરાક નહિ. યશાયાહ જાણે કે થયેલા વિનાશ પર ભાર મૂકવા માંગતા હોય એમ ત્રણ વાર કહે છે કે જ્યાં બહુમૂલો, ફળદ્રુપ દેશ હતો, ત્યાં હવે કાંટાકંટાળી અને ઝાંખરાં હશે. જે લોકો ત્યાં જશે, તેઓને “બાણ તથા ધનુષ્ય” જોઈશે, જેથી ઝાડીઓમાં સંતાઈ રહેલા જંગલી જાનવરોથી રક્ષણ મળે. સરસ મઝાનાં ખેતરો બળદ અને ઘેટાંને ચરવાની જગ્યા થઈ જશે. (યશાયાહ ૭:૨૩-૨૫) આ ભવિષ્યવાણી આહાઝના સમયમાં જ પૂરી થવાની શરૂઆત થઈ જાય છે.—૨ કાળવૃત્તાંત ૨૮:૨૦.
સો ટકા સાચી ભવિષ્યવાણી
૨૩. (ક) હવે યશાયાહને શું કરવાની આજ્ઞા આપવામાં આવે છે? (ખ) પાટી પરના લખાણની કઈ રીતે ખાતરી કરવામાં આવી?
૨૩ યશાયાહ હવે ફરીથી વર્તમાન પરિસ્થિતિમાં જાય છે. હજુ યરૂશાલેમ અરામ-ઈસ્રાએલના ઘેરામાં છે, એ સમયે યશાયાહ અહેવાલ આપે છે: “વળી યહોવાહે મને કહ્યું, તારે સારૂ મોટી પાટી લઇને તે પર સાધારણ લિપિમાં ‘માહેર-શાલાલ-હાશ-બાઝને સારૂ’ લખ; અને મારી પોતાની તરફથી વિશ્વાસુ સાક્ષીઓની પાસે, એટલે ઉરીયાહ યાજક તથા યબેરેખ્યાના દીકરા ઝખાર્યાહની પાસે સાક્ષી કરાવીશ.” (યશાયાહ ૮:૧, ૨) માહેર-શાલાલ-હાશ-બાઝનો અર્થ થાય છે, “જલદી લૂંટો! તે ઝડપથી લૂંટવા આવે છે.” યશાયાહ મોટી પાટીમાં આ નામ લખી સમાજના બે વિશ્વાસુ સાક્ષીઓને બતાવે છે, જેથી તેઓ પછીથી એની ખાતરી આપી શકે. જો કે બીજું ચિહ્ન પણ આ નામને સાચું ઠરાવશે.
૨૪. માહેર-શાલાલ-હાશ-બાઝના ચિહ્નની યહુદાહ પર કેવી અસર પડવી જોઈએ?
૨૪ હવે, યશાયાહ કહે છે: “પછી હું પ્રબોધિકા પાસે ગયો; તે ગર્ભવતી થઇ, ને તેને દીકરો અવતર્યો. ત્યારે યહોવાહે મને કહ્યું, તેનું નામ માહેર-શાલાલ-હાશ-બાઝ પાડ. કેમકે તે છોકરામાં મારા બાપ, ને મારી મા, એમ કહેવાની સમજણ આવશે, તે પહેલાં દમસ્કનું દ્રવ્ય તથા સમરૂનની લૂંટ આશ્શૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.” (યશાયાહ ૮:૩, ૪) પેલી મોટી પાટી અને નવજાત પુત્ર બંને ચિહ્નરૂપ હશે કે, આશ્શૂર જલદી જ યહુદાહના દુશ્મન, અરામ અને ઈસ્રાએલને લૂંટી લેશે. એ ક્યારે બનશે? આ પુત્ર ‘બાપુ’ અને “મા” જેવા શબ્દો બોલતા શીખે એ પહેલાં એમ બનશે. આવી ભવિષ્યવાણીથી ક્યાં તો લોકોનો ભરોસો દૃઢ થશે, અથવા તેઓ યશાયાહ અને તેમના પુત્રોની મશ્કરી કરશે. ભલે ગમે તે હોય, પણ યશાયાહના પ્રબોધકીય શબ્દો સાચા પડે છે.—૨ રાજાઓ ૧૭:૧-૬.
૨૫. યશાયાહના અને આપણા સમયમાં કઈ બાબતો એકસરખી છે?
૨૫ યશાયાહની વારંવારની ચેતવણીથી આપણે શીખી શકીએ છીએ. પ્રેષિત પાઊલ આપણને જણાવે છે તેમ, એમાં યશાયાહ ઈસુ ખ્રિસ્તને, અને યશાયાહના પુત્રો ઈસુના અભિષિક્ત ખ્રિસ્તીઓને ચિત્રીત કરે છે. (હેબ્રી ૨:૧૦-૧૩) પૃથ્વી પરના પોતાના અભિષિક્ત શિષ્યો દ્વારા ઈસુ સાચા ખ્રિસ્તીઓને આ અઘરા સમયમાં ‘જાગતા રહેવાની’ ચેતવણી આપે છે. (લુક ૨૧:૩૪-૩૬) એ જ સમયે, હઠીલા વિરોધીઓને આવનાર વિનાશની ચેતવણી આપવામાં આવે છે, ભલેને આવી ચેતવણીની મોટે ભાગે મશ્કરી કરવામાં આવે. (૨ પીતર ૩:૩, ૪) યશાયાહની ભવિષ્યવાણીઓ સમયસર પૂરી થઈ. તેથી, આપણને પણ હિંમત મળે છે કે, યહોવાહની ભવિષ્યવાણીઓ જરૂર પૂરી થશે, એમાં વિલંબ થશે નહિ.—હબાક્કૂક ૨:૩.
વિનાશક “પાણી”
૨૬, ૨૭. (ક) યશાયાહ કયા બનાવો વિષે ભાખે છે? (ખ) યશાયાહના શબ્દો આજે યહોવાહના સેવકોને શું જણાવે છે?
૨૬ યશાયાહ કહેવાનું ચાલુ રાખે છે: “આ લોકે શિલોઆહના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડ્યું છે, અને તેઓ રસીન તથા રમાલ્યાહના દીકરાથી આનંદ પામે છે; એ માટે જુઓ પ્રભુ તેઓ પર નદીના જબરા તથા પુષ્કળ પાણીને, એટલે આશ્શૂરના રાજાને, તેના સઘળા ઠાઠમાઠસહિત ચઢાવી લાવશે; તે તેનાં સર્વ નાળાં પર ચઢી આવશે, ને તેના સર્વ કાંઠાઓ પર ફરી વળશે; તે યહુદાહમાં ધસી આવશે; તે ઊભરાઈને આરપાર જશે; તે ગળા સુધી પહોંચશે; અને તેની પાંખોના વિસ્તારથી, હે ઈમ્માનૂએલ, તારો આખો દેશ ભરપૂર થઈ જશે.”—યશાયાહ ૮:૫-૮.
૨૭ ‘આ લોક’ ઈસ્રાએલનું ઉત્તરનું રાજ્ય છે, જેઓ દાઊદ સાથેનો યહોવાહનો કરાર નકારે છે. (૨ રાજાઓ ૧૭:૧૬-૧૮) તેઓને યહોવાહનો કરાર શિલોઆહનું ધીમે ધીમે વહેતું પાણી લાગે છે, જે યરૂશાલેમમાં પાણી પૂરું પાડતું હતું. તેઓ યહુદાહ સાથે કરેલા યુદ્ધથી ઘમંડી બની ગયા છે. પરંતુ એ અપમાનની શિક્ષા જરૂર થશે. યહોવાહ આશ્શૂરને અરામ અને ઈસ્રાએલ પર “ચઢાવી લાવશે,” અથવા જીતી લેવા દેશે. એ જ રીતે, યહોવાહ જલદી જ જૂઠા ધર્મોના સામ્રાજ્ય પર, જગતના હાલના રાજકીય ભાગને ચઢાવી લાવશે. (પ્રકટીકરણ ૧૭:૧૬; દાનીયેલ ૯:૨૬ સરખાવો.) પછી, યશાયાહ કહે છે કે, એ ચઢી આવતું પુષ્કળ “પાણી,” “યહુદાહમાં ધસી આવશે.” તે છેક “ગળા સુધી પહોંચશે,” એટલે કે છેક યરૂશાલેમ સુધી, જ્યાંથી યહુદાહનું શિર, (રાજા) રાજ કરે છે. * એ જ રીતે, આપણા સમયમાં પણ, જૂઠા ધર્મોનો વિનાશ કરનારા યહોવાહના સેવકોને પણ ઘેરી લઈને, “ગળા સુધી પહોંચશે.” (હઝકીએલ ૩૮:૨, ૧૦-૧૬) એનું પરિણામ શું આવશે? યશાયાહના સમયમાં શું થાય છે? શું આશ્શૂરીઓ શહેરની અંદર પહોંચી જઈને યહોવાહના લોકોનું નામનિશાન મીટાવી દે છે? ના, કેમ કે યહોવાહ પોતાના લોકોની સાથે છે.
બીહો મા, “દેવ અમારી સાથે છે”!
૨૮. દુશ્મનોના સખત પ્રયત્નો છતાં, યહોવાહ યહુદાહને કયું વચન આપે છે?
૨૮ યશાયાહ ચેતવણી આપે છે: “હે વિદેશીઓ, [દેવે કરાર કરેલા લોકોના વિરોધીઓ] હંગામો કરો, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે; હે દૂર દેશના સર્વ લોકો, કાન દો; સજ્જ થાઓ, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે; સજ્જ થાઓ, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે. મસલત કરો, અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો, ને તે ફોકટ જશે; કેમકે દેવ અમારી સાથે છે.” (યશાયાહ ૮:૯, ૧૦) અમુક વર્ષો પછી, આહાઝના વિશ્વાસુ પુત્ર હિઝકીયાહના રાજમાં, આ શબ્દો સાચા ઠર્યા. આશ્શૂરીઓ યરૂશાલેમને જોખમરૂપ બન્યા ત્યારે, યહોવાહના સ્વર્ગદૂતે તેઓમાંના ૧,૮૫,૦૦૦ મારી નાખ્યા. ખરેખર, યહોવાહ પોતાના લોકો અને દાઊદના રાજવંશ સાથે હતા. (યશાયાહ ૩૭:૩૩-૩૭) આવનાર આર્માગેદનના યુદ્ધમાં પણ, યહોવાહ મહાન ઈમાનુએલને પોતાના દુશ્મનોનો નાશ કરવા જ નહિ મોકલે, પરંતુ તેમનામાં ભરોસો મૂકનારાને બચાવવા સારું પણ મોકલશે.—ગીતશાસ્ત્ર ૨:૨, ૯, ૧૨.
૨૯. (ક) હિઝકીયાહના સમયના યહુદીઓથી આહાઝના લોકો કઈ રીતે જુદા હતા? (ખ) આજે યહોવાહના સેવકો શા માટે કોઈ પણ ધાર્મિક કે રાજકીય સંગઠનો સાથે જોડાતા નથી?
૨૯ હિઝકીયાહના સમયના યહુદીઓથી ભિન્ન, આહાઝના લોકો યહોવાહમાં ભરોસો મૂકતા નથી. તેઓ તો અરામ-ઈસ્રાએલ સામે થવા, આશ્શૂર સાથે મૈત્રી અથવા ‘કાવતરા’ કરે છે. જો કે યહોવાહનો ‘હાથ’ યશાયાહને “આ લોકના માર્ગ” અથવા લોકપ્રિય માર્ગ વિરુદ્ધ બોલવા પ્રેરે છે. તે ચેતવણી આપે છે: “જેનાથી તેઓ બીએ છે તેનાથી તમે બીશો નહિ, ને ડરશો નહિ. સૈન્યોના દેવ યહોવાહને પવિત્ર માનો; અને તેનાથી બીઓ તથા તેનાથી ડરો.” (યશાયાહ ૮:૧૧-૧૩) એ ધ્યાનમાં રાખીને, આજે યહોવાહના સેવકો કોઈ પણ ધાર્મિક કે રાજકીય સંગઠનો સાથે જોડાવા કે તેઓમાં ભરોસો મૂકવાથી સાવધ રહે છે. યહોવાહના સેવકોને તેમનામાં પૂરેપૂરો ભરોસો છે. જો ‘યહોવાહ આપણા પક્ષમાં છે, તો માણસ આપણને શું કરી શકશે?’—ગીતશાસ્ત્ર ૧૧૮:૬.
૩૦. યહોવાહમાં ભરોસો ન રાખનારાઓ માટે કયું ભાવિ રહેલું છે?
૩૦ યશાયાહ વારંવાર જણાવે છે કે, યહોવાહમાં ભરોસો રાખનારાઓ માટે તે “પવિત્રસ્થાન,” રક્ષણ સાબિત થશે. એનાથી ભિન્ન, તેમનો નકાર કરનારાઓ “ઠોકર ખાઈને પડશે, ને છિન્નભિન્ન થઈ જશે, ને સપડાઈને પકડાશે.” અહીં જે પાંચ ક્રિયાપદો વાપરવામાં આવ્યાં છે, એ યહોવાહમાં ભરોસો ન મૂકનારાનું શું થશે એ વિષે સ્પષ્ટ જણાવે છે. (યશાયાહ ૮:૧૪, ૧૫) પ્રથમ સદીમાં, ઈસુનો નકાર કરનારાઓએ એ જ પ્રમાણે ઠોકર ખાધી અને પડ્યા. (લુક ૨૦:૧૭, ૧૮) આજે, સ્વર્ગમાં રાજગાદીએ બેઠેલા રાજા, ઈસુનો સ્વીકાર ન કરનારનું પણ એવું જ પરિણામ આવશે.—ગીતશાસ્ત્ર ૨:૫-૯.
૩૧. આજે સાચા ખ્રિસ્તીઓ કઈ રીતે યશાયાહ અને તેમનું શિક્ષણ પાળનારા જેવા જ બની શકે?
૩૧ જો કે યશાયાહના સમયમાં કંઈ બધાએ ઠોકર ખાધી નહિ. યશાયાહ કહે છે: “હું સાક્ષી બાંધી દઈશ, શિક્ષણ પર મહોર કરીને મારા શિષ્યોને તે સોંપી દઈશ. યહોવાહ જે યાકૂબનાં સંતાનોથી પોતાનું મુખ ફેરવે છે, તેને માટે હું વાટ જોઈશ, ને તેની રાહ જોઈશ.” (યશાયાહ ૮:૧૬, ૧૭) યશાયાહ અને તેમનું શિક્ષણ પાળનારાઓ યહોવાહના નિયમને વળગી રહેશે. યહોવાહમાં તેઓનો ભરોસો મક્કમ છે. એ સમયે, તેઓ સાથેના બેદરકાર લોકોએ એમ કર્યું નહિ, અને તેથી યહોવાહે તેઓથી પોતાનું મુખ ફેરવી લીધું. ચાલો આપણે યહોવાહમાં ભરોસો રાખનારા જેવા જ બનીએ. તેમ જ, સાચી ભક્તિ માટે તેઓના જેવા જ નિર્ણયને વળગી રહીએ!—દાનીયેલ ૧૨:૪, ૯; માત્થી ૨૪:૪૫; સરખાવો હેબ્રી ૬:૧૧, ૧૨.
“ચિહ્નો તથા અદ્ભુત કૃત્યો”
૩૨. (ક) આજે ‘ચિહ્નો તથા અદ્ભુત કૃત્યો’ કોણ છે? (ખ) શા માટે આપણે જગતથી જુદા જ તરી આવવું જોઈએ?
૩૨ હવે યશાયાહ કહે છે: “જુઓ, હું તથા યહોવાહે જે છોકરા મને આપ્યા છે તેઓ પણ, સિયોન પર્વતમાં વસનાર સૈન્યોના દેવ યહોવાહની પાસેથી મળેલા ઈસ્રાએલમાં ચિહ્નો તથા અદ્ભુત કૃત્યોને અર્થે છીએ.” (યશાયાહ ૮:૧૮) હા, યશાયાહ, શઆર-યાશૂબ, અને માહેર-શાલાલ-હાશ-બાઝ યહુદાહ માટે યહોવાહના હેતુઓના ચિહ્નો છે. આજે, ઈસુ અને તેમના અભિષિક્ત ભાઈઓ પણ ચિહ્નો તરીકે છે. (હેબ્રી ૨:૧૧-૧૩) તેઓ સાથે ‘બીજાં ઘેટાંની’ “મોટી સભા” પણ જોડાય છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪; યોહાન ૧૦:૧૬) ચિહ્ન બીજી બધી વસ્તુઓથી જુદું જ દેખાય આવે તો, એનો હેતુ પૂરો થાય. એ જ પ્રમાણે, સાચા ખ્રિસ્તીઓએ ચિહ્ન તરીકે સફળ થવા, જગતથી જુદા જ તરી આવવું જોઈએ. એમ કરવા તેઓએ યહોવાહમાં પૂરેપૂરો ભરોસો મૂકી, અને તેમના હેતુઓ વિષે હિંમતથી જણાવવું જ જોઈએ.
૩૩. (ક) સાચા ખ્રિસ્તીઓએ શું કરવાનો નિર્ણય કર્યો છે? (ખ) શા માટે સાચા ખ્રિસ્તીઓ બચી જશે?
૩૩ તેથી, ચાલો આપણે જગતનાં નહિ, પણ યહોવાહનાં ધોરણોને વળગી રહીએ. ચિહ્નો તરીકે, અલગ તરી આવો. ‘વધામણી કહેવા અને આપણા પરમેશ્વરના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવાનું’ મહાન યશાયાહ, ઈસુ ખ્રિસ્તને સોંપાયેલું કાર્ય આગળ વધારો. (યશાયાહ ૬૧:૧, ૨; લુક ૪:૧૭-૨૧) ખરેખર, આશ્શૂરનું પૂર પૃથ્વી પર ચઢી આવશે, અરે આપણા ગળા સુધી પહોંચી જશે ત્યારે, સાચા ખ્રિસ્તીઓ ડૂબી નહિ જાય. આપણે બચી જઈશું, કારણ કે “દેવ આપણી સાથે” છે.
[ફુટનોટ્સ]
^ આ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા વિષે વધુ માહિતી માટે શાસ્ત્રવચનો પર સમજણ (અંગ્રેજી), ભાગ ૧, પાન ૬૨, ૭૫૮ જુઓ. એ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રેક્ટ સોસાયટીએ બહાર પાડેલું પુસ્તક છે.
^ આશ્શૂરને એવા પક્ષી સાથે પણ સરખાવવામાં આવ્યું છે, જેની પાંખો ‘આખા દેશને’ ઢાંકી દે છે. તેથી, દેશ ગમે તેટલો વિશાળ બને છતાં, આશ્શૂરનું લશ્કર એના પર છવાઈ જશે.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૦૩ પર ચિત્ર]
યશાયાહ, શઆર-યાશૂબ સાથે આહાઝને યહોવાહનો સંદેશો આપવા ગયા
[પાન ૧૧૧ પર ચિત્ર]
“માહેર-શાલાલ-હાશ-બાઝ” એમ યશાયાહે મોટી પાટી પર શા માટે લખ્યું?