યહોવાહની વાટ જુઓ
ત્રેવીસમું પ્રકરણ
યહોવાહની વાટ જુઓ
૧, ૨. (ક) યશાયાહનો ૩૦મો અધ્યાય શાના વિષે જણાવે છે? (ખ) હવે આપણે કયા પ્રશ્નોનો વિચાર કરીશું?
યશાયાહના ત્રીસમા અધ્યાયમાં, આપણે દુષ્ટ લોકો વિરુદ્ધ યહોવાહની હજુ વધારે ભવિષ્યવાણીઓ સાંભળીએ છીએ. તેમ છતાં, યશાયાહની આ ભવિષ્યવાણીમાં યહોવાહના એવા ગુણો વિષે વાત કરવામાં આવી છે, જે દિલને સ્પર્શી જાય છે. ખરું જોતાં, યહોવાહના ગુણોનું એવી સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે, જાણે એમ જ લાગે કે યહોવાહ આપણી સાથે જ છે. આપણને તેમનો અવાજ સંભળાય છે અને જાણે તે હાથ પકડીને આપણને દોરે છે.—યશાયાહ ૩૦:૨૦, ૨૧, ૨૬.
૨ તેમ છતાં યશાયાહના ભાઈઓ, યહુદાહના ધર્મત્યાગી લોકો યહોવાહ તરફ ફરવા તૈયાર નથી. એને બદલે, તેઓને મનુષ્યોમાં ભરોસો મૂકવાનું સારું લાગે છે. યહોવાહને આ વિષે કેવું લાગે છે? કઈ રીતે યશાયાહની આ ભવિષ્યવાણી આજે આપણને યહોવાહની વાટ જોવા મદદ કરે છે? (યશાયાહ ૩૦:૧૮) ચાલો આપણે જોઈએ.
મૂર્ખતા અને મોત
૩. યહોવાહ કઈ યોજના ખુલ્લી પાડે છે?
૩ અમુક વખતથી, યહુદાહના આગેવાનો યોજના ઘડી રહ્યા છે, જેથી આશ્શૂરની ગુલામી સહેવી ન પડે. પરંતુ, યહોવાહ એ જોઈ રહ્યા હતા. હવે, તે તેઓની યોજના ખુલ્લી પાડે છે: “યહોવાહે કહેલું છે, અફસોસ છે બળવાખોર છોકરાઓને! તેઓ યોજના કરે છે, પણ મારી નહિ; તેઓ પાપ પર પાપ ઉમેરવા સારૂ પેયાર્પણ રેડે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ; તેઓ . . . મિસરમાં ચાલ્યા જાય છે!”—યશાયાહ ૩૦:૧, ૨.
૪. કઈ રીતે યહોવાહના બળવાખોર લોકોએ તેમની જગ્યા મિસરને આપી છે?
૪ એ છૂપી વાત બહાર પડી ગઈ ત્યારે, એ આગેવાનોને કેવો ઝટકો લાગ્યો હશે! મિસર મુસાફરી કરીને તેની સાથે દોસ્તી બાંધવા જવું એ ફક્ત આશ્શૂરની દુશ્મની જ વહોરી લેતું ન હતું, પરંતુ યહોવાહ વિરુદ્ધ બળવો પણ હતો. રાજા દાઊદના સમયમાં, લોકો યહોવાહને પોતાનું સામર્થ્ય માનતા અને તેમની “પાંખોની છાયાનો આશ્રય” લેતા હતા. (ગીતશાસ્ત્ર ૨૭:૧; ૩૬:૭) હવે, ‘તેઓ ફારૂનના બળથી બળવાન થવા મિસરની છાયામાં શરણ મેળવવા જાય છે!’ (યશાયાહ ૩૦:૨) તેઓએ યહોવાહની જગ્યા મિસરને આપી છે! કેટલી બેવફાઈ!—યશાયાહ ૩૦:૩-૫ વાંચો.
૫, ૬. (ક) મિસર સાથે હાથ મિલાવવા કેમ મોટી ભૂલ છે? (ખ) યહોવાહના લોકોની અગાઉની કઈ મુસાફરી, મિસર તરફની આ મુસાફરીની મૂર્ખતા પર ભાર મૂકે છે?
૫ મિસરની મુસાફરી ફક્ત સામાન્ય મુલાકાત હતી, અને યોજેલી ન હતી, એવા સૂચનનો જાણે જવાબ આપતા હોય એમ યશાયાહ જણાવે છે: “દક્ષિણનાં પશુઓ વિષે દેવવાણી. દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ . . . ગધેડાંની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની ખૂંધ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.” (યશાયાહ ૩૦:૬ ક) દેખીતું છે કે તેઓની મુસાફરીની સારી તૈયારી થઈ હતી. ઊંટો અને ગધેડાના ટોળાંની ગોઠવણ થઈ હતી, જેના પર દ્રવ્ય તથા ખજાનો મૂકવામાં આવ્યો હતો. એ લઈને તેઓ એવા જંગલમાંથી જાય છે, જ્યાં સિંહો તથા ઘણા ઝેરી સાપો હતા. આખરે તેઓ પોતાની મંઝિલે આવી પહોંચે છે અને તેઓ બધો ખજાનો મિસરીઓને ધરે છે. તેઓ એમ માને છે કે, જાણે એ આપીને તેઓ રક્ષણ ખરીદી રહ્યા છે. જો કે યહોવાહ કહે છે: “તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે . . . જાય છે. પણ મિસરની સહાય વૃથા છે, તેની સહાય નકામી છે; તે માટે મેં તેનું નામ ‘બેસી રહેનારી રાહાબ’ પાડ્યું છે.” (યશાયાહ ૩૦:૬ ખ-૭) “રાહાબ” ‘સમુદ્રનો અજગર’ મિસરને દર્શાવે છે. (યશાયાહ ૫૧:૯, ૧૦) તે વચન તો ઘણા આપે છે, પણ એકેય પાળતું નથી. યહુદાહ એની સાથે હાથ મિલાવીને મોટી ભૂલ કરી રહ્યું હતું.
૬ યશાયાહ તેઓની મુસાફરીનું વર્ણન કરે છે તેમ, તેમના સાંભળનારાને મુસાના દિવસની એવી જ મુસાફરી યાદ આવી હશે. તેઓના બાપદાદાઓ એ જ “ભયંકર અરણ્યમાં” ચાલ્યા હતા. (પુનર્નિયમ ૮:૧૪-૧૬) જો કે મુસાના સમયમાં ઈસ્રાએલીઓ મુસાફરી કરી, મિસરથી દૂર જતા હતા અને ગુલામીમાંથી મુક્ત થયા હતા. આ વખતે, તેઓ મિસર તરફ મુસાફરી કરે છે અને હકીકતમાં તેઓની ગુલામીમાં જઈ રહ્યા છે. કેવી મૂર્ખતા બતાવે છે! આપણે કદી પણ એવી મૂર્ખતા ન કરીએ, જે આપણી આત્મિક આઝાદીને બદલે ગુલામીમાં લઈ જાય!—ગલાતી ૫:૧ સરખાવો.
પ્રબોધકના સંદેશનો વિરોધ
૭. યહોવાહ શા માટે યશાયાહ પાસે યહુદાહને આપેલી પોતાની ચેતવણી લખાવી લે છે?
૭ યહોવાહે જે સંદેશો હમણાં જ યશાયાહને આપ્યો, એ તેને લખી લેવાનું કહે છે, “જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.” (યશાયાહ ૩૦:૮) યહોવાહ, પોતાના બદલે માણસમાં ભરોસો મૂકવાને મંજૂરી આપતા નથી, એ આપણી અને ભાવિની પેઢી માટે લખી લેવું જ જોઈએ. (૨ પીતર ૩:૧-૪) પરંતુ, એ લખી લેવા પાછળ બીજું પણ કારણ હતું. “આ લોક દંગાખોર, લબાડ છોકરા છે, તેઓ યહોવાહનું શિક્ષણ સાંભળવાને ચહાતા નથી એવા છોકરાઓ છે;” (યશાયાહ ૩૦:૯) એ લોકો યહોવાહની સલાહ માનવા તૈયાર ન હતા. તેથી, એ જરૂર લખી લેવું જોઈએ, જેથી તેઓ પછીથી એમ ન કહે કે તેઓને ચેતવણી મળી ન હતી.—નીતિવચનો ૨૮:૯; યશાયાહ ૮:૧, ૨.
૮, ૯. (ક) કઈ રીતે યહુદાહના આગેવાનો યહોવાહના પ્રબોધકોને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે? (ખ) યશાયાહે કઈ રીતે બતાવી આપ્યું કે પોતે કંઈ ગભરાય એવા ન હતા?
૮ હવે યશાયાહ લોકોના બંડખોર વલણ માટે ઉદાહરણ આપે છે. “તેઓ દ્રષ્ટાઓને કહે છે, કે તમે દર્શન કરશો મા; અને પ્રબોધકોને કહે છે, કે તમે અમને સત્ય વાતો કહેશો નહિ, પણ અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, ઠગાઈનો પ્રબોધ કરો.” (યશાયાહ ૩૦:૧૦) યહુદાહના આગેવાનો વિશ્વાસુ પ્રબોધકોને સત્ય ન બોલવાનો હુકમ કરે છે. એને બદલે, ‘મીઠી મીઠી વાતો, ઠગાઈ’ અથવા જૂઠાણું બોલવાનું કહે છે. આમ, તેઓ બતાવી આપે છે કે તેઓને ફક્ત મનગમતી વાતો જ સાંભળવી હતી. તેઓને વખાણ સાંભળવા હતા, દોષ નહિ. તેઓનું કહેવું હતું કે, જો કોઈ પ્રબોધક તેઓને મનપસંદ પ્રબોધ નહિ કરે તો, તેણે તેઓના ‘માર્ગમાંથી નીકળી જવું, રસ્તા પરથી બાજુએ ખસી જવું.’ (યશાયાહ ૩૦:૧૧ ક) પ્રબોધકે તેઓને ગમતી વાત કહેવી અથવા તો પ્રબોધ જ ન કરવો!
૯ યશાયાહના વિરોધીઓ કહે છે: “અમારી સંમુખથી ઈસ્રાએલના પવિત્ર દેવને દૂર કરો.” (યશાયાહ ૩૦:૧૧ ખ) તેઓ યશાયાહને “ઈસ્રાએલના પવિત્ર દેવ,” યહોવાહના નામે બોલવાનું બંધ કરવા કહે છે! હવે તો તેઓને એ નામ પણ ગમતું નથી, કેમ કે યહોવાહના ઊંચા ધોરણો તેઓને ખુલ્લા પાડે છે. યશાયાહ હવે શું કરશે? તે જાહેર કરે છે: “ઈસ્રાએલનો પવિત્ર દેવ એવું કહે છે.” (યશાયાહ ૩૦:૧૨ ક) જરા પણ અચકાયા વિના, યશાયાહ એ જ શબ્દો કહે છે, જે તેમના વિરોધીઓ ધિક્કારે છે. યશાયાહ ગભરાતા નથી. આજે આપણા માટે કેવું સુંદર ઉદાહરણ! યહોવાહનો સંદેશો જાહેર કરવાની વાત આવે છે ત્યારે, આપણે કદી પણ ડરવું જોઈએ નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૭-૨૯) યશાયાહની જેમ, આપણે જાહેર કરતા રહેવું જોઈએ કે, ‘યહોવાહે આમ કહ્યું છે’!
બંડના પરિણામો
૧૦, ૧૧. યહુદાહના બંડના કેવા પરિણામ આવશે?
૧૦ યહુદાહે યહોવાહના શબ્દનો નકાર કર્યો છે, પણ તે જૂઠાણું અને “કુટીલતા” પર ભરોસો મૂકે છે. (યશાયાહ ૩૦:૧૨ ખ) એનું પરિણામ શું આવશે? તેઓ ચાહે છે, એમ યહોવાહ તેઓને છોડી મૂકશે નહિ, પણ તેઓનું નામ મીટાવી દેશે! યશાયાહ હવે ઉદાહરણ દ્વારા ભાર મૂકે છે તેમ, એ વિનાશ ઝડપી અને પૂરેપૂરો હશે. લોકોનો બંડ જાણે કે “ઊંચી ભીંતમાં પહોળી પડેલી ફાટ જેવો છે, જેથી તે પળવારમાં અકસ્માત્ તૂટી પડે છે.” (યશાયાહ ૩૦:૧૩) જેવી રીતે ઊંચી દિવાલની પહોળી ફાટ વધતા, આખરે તે તૂટી પડે છે, એવી જ રીતે, યશાયાહના સમયના લોકોનો વધતો જતો બંડ દેશનો વિનાશ લઈ આવશે.
૧૧ બીજા ઉદાહરણથી, યશાયાહ આવનાર વિનાશ કેવો પૂરેપૂરો હશે એ બતાવે છે: “કુંભારનું હાંલ્લું ફૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાંગી નાખશે, ને દયા રાખ્યા વગર તેના ચૂરેચૂરા એવી રીતે કરશે, કે એના કકડામાંથી ચુલામાંથી આગ લેવા સારૂ, ને ટાંકામાંથી પાણી કાઢવા સારૂ ઠીકરૂં સરખુંએ મળશે નહિ.” (યશાયાહ ૩૦:૧૪) યહુદાહનો વિનાશ એવો પૂરેપૂરો હશે કે કામની કોઈ પણ વસ્તુ બચશે નહિ. અરે, હાલ્લું કે માટલાનું મોટું ઠીકરું પણ નહિ બચે, જેનાથી ચુલામાંથી અંગારા લઈ શકાય કે ટાંકામાંથી પાણી કાઢી શકાય. કેવો શરમજનક અંત આવ્યો! આજે, સાચી ઉપાસના સામે બંડ કરનારાનો પણ એવો જ ઝડપી અને પૂરેપૂરો અંત આવશે.—હેબ્રી ૬:૪-૮; ૨ પીતર ૨:૧.
યહોવાહની મદદનો નકાર
૧૨. યહુદાહના લોકો કઈ રીતે વિનાશથી બચી શકે?
૧૨ જો કે યશાયાહનો સંદેશો સાંભળનારાને વિનાશ પામવાની જરૂર નથી. તેઓને હજુ આશા છે. પ્રબોધક સમજાવે છે: “પ્રભુ યહોવાહ ઈસ્રાએલનો પવિત્ર દેવ કહે છે, કે પાછા ફરવાથી ને શાંત રહેવાથી તમે તારણ પામશો; શાંત રહેવાથી તથા શ્રદ્ધા રાખવાથી તમને સામર્થ્ય મળશે.” (યશાયાહ ૩૦:૧૫ ક) યહોવાહ પોતાના લોકોનો બચાવ કરવા તૈયાર છે. પરંતુ, શરત એ છે કે જો તેઓ ‘શાંત રહે’ અથવા માનવ શક્તિમાં તારણ માટે ફાંફાં ન મારે. તેમ જ, “શ્રદ્ધા રાખે” અથવા માણસની બીક રાખવાને બદલે યહોવાહની રક્ષણ કરવાની શક્તિમાં ભરોસો મૂકે તો એમ બને. “પણ” યશાયાહ લોકોને કહે છે, “તમે એમ કરવા ચાહ્યું નહિ.”—યશાયાહ ૩૦:૧૫ ખ.
૧૩. યહુદાહના આગેવાનો કોનામાં ભરોસો મૂકે છે અને શું એ ભરોસો સફળ થાય છે?
૧૩ પછી, યશાયાહ વધારે સમજાવે છે: “ઊલટું તમે કહ્યું, કે ના, અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના; તે માટે તમે નાસશો જ; અને તમે કહ્યું, કે અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના; તે માટે જેઓ તમારી પાછળ પડનારા છે તેઓ પણ વેગવાન થશે.” (યશાયાહ ૩૦:૧૬) યહુદાહના લોકો માને છે કે યહોવાહ નહિ, પણ વેગવાન ઘોડા તેઓને બચાવશે. (પુનર્નિયમ ૧૭:૧૬; નીતિવચનો ૨૧:૩૧) જો કે પ્રબોધક એનાથી અલગ જ જણાવે છે કે, તેઓનો ભરોસો છેતરામણો છે કેમ કે તેઓના દુશ્મનો તેમને પકડી પાડશે. ભલે પોતે સંખ્યામાં ઘણા હશે તોપણ, એ કામ નહિ આવે. “એકની ધમકીથી એક હજાર નાસી જશે; પાંચની ધમકીથી તમે નાસી જશો.” (યશાયાહ ૩૦:૧૭ ક) યહુદાહના સૈન્યો ફક્ત થોડાક જ દુશ્મનોની બૂમ સાંભળીને ગભરાઈ જશે અને નાસી છૂટશે. * અંતે, ફક્ત થોડા જ “માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા, ને ડુંગર પર નિશાનના જેવા” બચી જશે. (યશાયાહ ૩૦:૧૭ ખ) ભવિષ્યવાણી પ્રમાણે જ, ૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમનો નાશ થયો ત્યારે, ફક્ત શેષભાગ બચ્યો.—યિર્મેયાહ ૨૫:૮-૧૧.
ઠપકાની સાથે સાથે દિલાસો
૧૪, ૧૫. અગાઉના યહુદાહના લોકોને અને આજે આપણને યશાયાહ ૩૦:૧૮ના શબ્દો કયો દિલાસો આપે છે?
૧૪ યશાયાહને સાંભળનારા લોકોના કાનમાં આ ગંભીર શબ્દોના હજુ પડઘા પડતા હતા ત્યારે, સંદેશાનો સાદ બદલાય છે. આફતના સમાચારને બદલે આશીર્વાદનું વચન સંભળાય છે. “તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની વાટ જોશે, ને તમારા પર રહેમ કરવા સારૂ તે ઉચ્ચસ્થાને બેસશે; કેમકે યહોવાહ ન્યાયીનો દેવ છે; જેઓ તેની વાટ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.” (યશાયાહ ૩૦:૧૮) કેવા દિલાસો આપતા શબ્દો છે! યહોવાહ માયાળુ પિતા હોવાથી તે પોતાનાં બાળકોને મદદ કરવા ઝંખે છે. તે ઉદારતાથી દયા બતાવે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩; યશાયાહ ૫૫:૭.
૧૫ યહોવાહની દયાથી, ૬૦૭ બી.સી.ઈ.ના યરૂશાલેમના વિનાશમાંથી યહુદી શેષભાગ બચી ગયો. વળી, ૫૩૭ બી.સી.ઈ.માં વચનના દેશમાં થોડા યહુદીઓ પાછા ફરી શક્યા. તેઓને આ દિલાસો આપતા શબ્દો લાગુ પડે છે. જો કે પ્રબોધકના શબ્દો આજે આપણને પણ દિલાસો આપે છે. આપણને ખાતરી આપવામાં આવે છે કે, યહોવાહ જરૂર આપણા માટે પગલાં ભરશે અને આ દુષ્ટ જગતનો નાશ કરશે. વફાદાર ઉપાસકો ભરોસો રાખી શકે કે ‘ન્યાયીના દેવ,’ યહોવાહ જરૂર હોય, એનાથી એક પણ દિવસ વધારે શેતાનના જગતને ચાલવા દેશે નહિ. તેથી, ‘તેમની વાટ જુએ છે, તેઓને’ ખુશી મનાવવા ઘણાં કારણો છે.
યહોવાહ પ્રાર્થના સાંભળીને લોકોને દિલાસો આપે છે
૧૬. યહોવાહ નિરાશ લોકોને કઈ રીતે દિલાસો આપે છે?
૧૬ જો કે અમુક જણ નિરાશ થઈ ગયા હોય શકે, કેમ કે તેમણે ધાર્યું હતું એટલો જલદી છુટકારો આવ્યો નહિ. (નીતિવચનો ૧૩:૧૨; ૨ પીતર ૩:૯) તેઓ યશાયાહના હવે પછીના શબ્દોમાંથી દિલાસો મેળવી શકે, જેમાં યહોવાહના ખાસ ગુણ પર ભાર મૂકવામાં આવ્યો છે. “હે યરૂશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ; તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે; તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.” (યશાયાહ ૩૦:૧૯) યશાયાહ અહીં ખૂબ કોમળતા બતાવે છે. તે ૧૮મી કલમના બહુવચન “તમારા” પરથી, ૧૯મી કલમમાં એકવચન “તારા” ઉપયોગ કરે છે. યહોવાહ નિરાશ લોકોને દિલાસો આપે છે ત્યારે, તે દરેકને વ્યક્તિગત મદદ આપે છે. એક પિતા તરીકે, તે પોતાના નિરાશ દીકરાને એમ નથી પૂછતા કે, ‘તું તારા ભાઈ જેવું કામ કેમ નથી કરતો?’ (ગલાતી ૬:૪) એને બદલે, તે દરેકનું ધ્યાનથી સાંભળે છે. વળી, ‘તે સાંભળતાં જ ઉત્તર આપશે.’ ખરેખર, કેવો દિલાસો મળે છે! નિરાશ થઈ ગયેલી વ્યક્તિ યહોવાહને પ્રાર્થના કરશે તો, જરૂર ઉત્તેજન મેળવી શકશે.—ગીતશાસ્ત્ર ૬૫:૨.
યહોવાહના વચનો વાંચીને તેમનું સાંભળો
૧૭, ૧૮. સંકટના વખતે પણ, યહોવાહ કેવી રીતે માર્ગદર્શન આપે છે?
૧૭ યશાયાહ આગળ કહેવાનું ચાલુ રાખે છે તેમ, પોતાના સાંભળનારાને યાદ કરાવે છે કે દુઃખો તો જરૂર આવશે. લોકોને “સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી” મળશે. (યશાયાહ ૩૦:૨૦ ક) દુશ્મનોના હાથ નીચે તેઓ જે સંકટ અને વિપત્તિ અનુભવશે, એ તેઓને રોટલી તથા પાણીની જેમ યાદ રહી જશે. તેમ છતાં, યહોવાહ નમ્ર જનોને બચાવવા તૈયાર છે. “તારો શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તારી આંખો તારા શિક્ષકને જોશે. જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.”—યશાયાહ ૩૦:૨૦ ખ, ૨૧.
૧૮ યહોવાહ પરમેશ્વર મહાન શિક્ષક છે. તેમના જેવા કોઈ બીજા શિક્ષક નથી. જો કે લોકો કઈ રીતે તેમને “જોશે” કે “સાંભળશે”? યહોવાહ પોતાને પોતાના પ્રબોધકો દ્વારા પ્રગટ કરે છે, જેઓના શબ્દો બાઇબલમાં લખેલા છે. (આમોસ ૩:૬, ૭) આજે, વિશ્વાસુ ઉપાસકો બાઇબલ વાંચે છે ત્યારે, જાણે કે પિતા જેવો યહોવાહનો અવાજ તેઓને જણાવે છે કે, આ માર્ગે ચાલો. તેમ જ, એ માર્ગે ચાલવા તેઓની વર્તણૂક સુધારવા અરજ કરે છે. આપણે દરેકે ધ્યાનથી સાંભળવું જોઈએ, જ્યારે યહોવાહ આપણી સાથે બાઇબલ અને એના પર આધારિત સાહિત્ય દ્વારા બોલે, જે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા આપવામાં આવે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) ચાલો, આપણે દરેક બાઇબલ વાંચીને, એ પ્રમાણે જીવીએ કેમ કે ‘એમાં આપણું જીવન છે.’—પુનર્નિયમ ૩૨:૪૬, ૪૭; યશાયાહ ૪૮:૧૭.
ભાવિના આશીર્વાદોનું મનન કરો
૧૯, ૨૦. મહાન શિક્ષક, યહોવાહના માર્ગે ચાલનારા માટે કયા આશીર્વાદો રહેલા છે?
૧૯ મહાન શિક્ષક, યહોવાહના શિક્ષણ પ્રમાણે ચાલનારા પોતાની મૂર્તિઓને ફેંકી દેશે, તેઓને અશુદ્ધ વસ્તુઓની જેમ ગણશે. (યશાયાહ ૩૦:૨૨ વાંચો.) પછી, એ લોકો અદ્ભુત આશીર્વાદોનો આનંદ માણશે. એ આશીર્વાદોનું વર્ણન યશાયાહ ૩૦:૨૩-૨૬માં યશાયાહે લખી લીધું છે. એ આનંદી ભવિષ્યવાણીની પહેલી પરિપૂર્ણતા ૫૩૭ બી.સી.ઈ.માં યહુદીઓનો શેષભાગ ગુલામીમાંથી પાછો ફર્યો ત્યારે થઈ. આજે, એ ભવિષ્યવાણી આપણને અદ્ભુત આશીર્વાદો જોવા મદદ કરે છે. જે આશીર્વાદો મસીહ હમણાં આત્મિક રીતે સુખી જગતમાં લાવે છે અને ભાવિમાં સુંદર બગીચા જેવી પૃથ્વી પર લઈ આવશે.
૨૦ “જે ભૂમિમાં તું તારૂં બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં અનાજ ઉત્પન્ન કરશે, અને તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે; તે દિવસે તારાં ઢોર મોટા બીડમાં ચરશે. ભૂમિ ખેડનાર બળદ તથા ગધેડા સલુણો તથા સારી પેઠે ઊપણેલો ચારો હશે તે ખાશે.” (યશાયાહ ૩૦:૨૩, ૨૪) ‘પૌષ્ટિક અનાજ’ જે સારા પોષણવાળું હશે, એ લોકોનો રોજનો ખોરાક હશે. ભૂમિની પેદાશ એટલી બધી હશે કે જાનવરોને પણ એનો લાભ મળશે. ઢોરઢાંક પણ “સલૂણો” ચારો, જે ખાસ પ્રસંગો માટે રાખેલો હોય છે એ ખાશે. એ “સારી પેઠે ઊપણેલો” ચારો હશે, જે રીતથી લોકોના ખાવાનું અનાજ સાફ કરવામાં આવતું. અહીં યશાયાહ કેવી સુંદર માહિતી આપે છે, જે વફાદાર મનુષ્યો માટેના યહોવાહના આશીર્વાદોની પુષ્કળતા બતાવે છે!
૨૧. આવનાર આશીર્વાદોની પુષ્કળતાનું વર્ણન કરો.
૨૧ “સર્વ ઊંચા પર્વત પર ને સર્વ ઊંચા ડુંગર પર નાળાં ને પાણીના પ્રવાહો વહેશે.” (યશાયાહ ૩૦:૨૫ ક) * યશાયાહ સુંદર શબ્દચિત્ર રજૂ કરીને, યહોવાહના આશીર્વાદોની પુષ્કળતા પર ભાર મૂકે છે. પાણીની કોઈ કમી નહિ રહે, જે ખાસ જરૂરિયાત છે. એ ફક્ત સપાટ જમીન પર જ નહિ વહે, પણ દરેક પર્વત પર, હા, “સર્વ ઊંચા પર્વત પર ને સર્વ ઊંચા ડુંગર પર” વહેશે. તેમ જ, ભૂખ જૂના જમાનાની વાત થઈ જશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) વળી, હવે પ્રબોધક પર્વતો કરતાં પણ ઊંચી બાબતો પર ધ્યાન દોરે છે. “ચંદ્રને અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે, ને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે; યહોવાહ પોતાના લોકના ઘાને પાટો બાંધશે, ને તેના જખમનો ઘા સાજો કરશે તે દિવસે એમ થશે.” (યશાયાહ ૩૦:૨૬) આ સુંદર ભવિષ્યવાણી કેવો રોમાંચ પમાડે છે! યહોવાહનું ગૌરવ એના પૂરા તેજથી પ્રકાશશે. યહોવાહના વફાદાર સેવકોએ કદી પણ અનુભવ કર્યો નહિ હોય એવા સાતગણા આશીર્વાદો તેઓને મળશે.
ન્યાયચુકાદો અને આનંદ
૨૨. વફાદાર લોકો માટે જે આશીર્વાદો આવનાર છે, એના બદલે દુષ્ટ લોકો માટે યહોવાહે શું રાખ્યું છે?
૨૨ હવે ફરીથી યશાયાહના સંદેશનો સૂર બદલાય છે. તે કહે છે, “જુઓ,” જાણે એ રીતે તે સાંભળનારાનું ધ્યાન ખેંચવા માંગતા હોય. “યહોવાહનું નામ બળતા રોષ તથા ગોટેગોટા ઊડતા ધુમાડા સાથે આઘેથી આવે છે; તેના હોઠો કોપથી ભરેલા છે, ને તેની જીભ બળતા અગ્નિ સરખી છે.” (યશાયાહ ૩૦:૨૭) અત્યાર સુધી, યહોવાહ શાંત રહ્યા છે અને પોતાના લોકોના દુશ્મનોને મન ફાવે તેમ કરવા દીધું છે. પરંતુ, હવે તે જાણે ધીમે ધીમે નજીક આવતા તોફાન અને ગર્જનાની જેમ આવે છે, અને ન્યાય કરશે. “તેના શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી સરખો છે, જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકનાં મોંમાં ભ્રાંતિકારક લગામ ઘાલવામાં આવશે.” (યશાયાહ ૩૦:૨૮) યહોવાહના લોકોના દુશ્મનો ‘ઊભરાતી નદીથી’ ઘેરાઈ જશે, ‘ચાળણીથી’ આમ તેમ ચળાશે અને ‘લગામથી’ કાબૂમાં લેવાશે. તેઓનો વિનાશ થશે.
૨૩. આજે આપણી માટે “મનમાં આનંદ” કરવાના કયાં કારણો છે?
૨૩ ફરીથી યશાયાહના સંદેશનો સૂર બદલાય છે, અને તે વફાદાર ઉપાસકોના સુખનું વર્ણન કરે છે, જેઓ એક દિવસ પોતાના વતન પાછા ફરશે. “પર્વની રાત્રે જેમ ગાનતાન થાય છે તેમ તમે ગાયન કરશો; અને યહોવાહના પર્વત પર ઈસ્રાએલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની પેઠે તમે મનમાં આનંદ કરશો.” (યશાયાહ ૩૦:૨૯) આજે, સાચા ખ્રિસ્તીઓ પણ એવી જ રીતે “મનમાં આનંદ” કરે છે, જેમ તેઓ શેતાનના જગત પર આવનાર ન્યાયચુકાદાની અપેક્ષા રાખે છે. તેમ જ, યહોવાહ ‘તારણના ખડકનું’ રક્ષણ તેમના પર છે અને તેમના રાજ્ય દ્વારા જે આશીર્વાદો આવશે, એની આશામાં તેઓ આનંદ કરે છે.—ગીતશાસ્ત્ર ૯૫:૧.
૨૪, ૨૫. યશાયાહની ભવિષ્યવાણી કઈ રીતે આશ્શૂરના આવનાર ન્યાયચુકાદા પર ભાર મૂકે છે?
૨૪ આ આનંદના સમાચાર જણાવ્યા પછી, યશાયાહ પોતાના મૂળ વિષય ન્યાયચુકાદો, અને યહોવાહનો કોપ કોના પર હશે એ વિષે જણાવે છે. “યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે, ને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જ્વાળાથી, આંધીથી, મુસળધાર વરસાદથી તથા કરાથી તે પોતાના ભુજનું ઊતરી પડવું દેખાડશે. કેમકે યહોવાહની વાણીથી આશ્શૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.” (યશાયાહ ૩૦:૩૦, ૩૧) આ રીતે વર્ણન કરીને, યહોવાહ આશ્શૂરનો ન્યાય કરશે, એ હકીકત પર યશાયાહ ભાર મૂકે છે. ખરું જોતાં, યહોવાહ સામે ઊભા રહીને, તેમનો ન્યાયચુકાદો તેના પર આવતો દેખતા આશ્શૂર થરથર કાંપશે.
૨૫ પ્રબોધક આગળ કહે છે: “યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો હરેક ફટકો ડફ તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે. કેમકે પૂર્વકાળથી દફનસ્થાન તૈયાર કરી રાખેલું છે; હા, તે રાજાને સારૂ તૈયાર કરેલું છે; તેણે તેને ઊંડું તથા પહોળું કર્યું છે; એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડાં છે; યહોવાહનો શ્વાસ ગંધકના પ્રવાહની પેઠે તેને સળગાવે છે.” (યશાયાહ ૩૦:૩૨, ૩૩) “દફનસ્થાન,” એટલે કે મૂળ ભાષામાં જેને હિન્નોમની ખીણમાંનું તોફેથ કહેવામાં આવ્યું છે, એ બાળવા માટેની સાંકેતિક જગ્યા છે. આશ્શૂરને ત્યાં નાખવામાં આવશે એમ જણાવીને, યશાયાહ ભાર મૂકે છે કે આશ્શૂરનો કેવો અચાનક અને પૂરેપૂરો વિનાશ થશે.—૨ રાજાઓ ૨૩:૧૦ સરખાવો.
૨૬. (ક) આશ્શૂર વિરુદ્ધ યહોવાહનો ન્યાયચુકાદો આજે કઈ રીતે લાગુ પડે છે? (ખ) આજે ખ્રિસ્તીઓ કઈ રીતે યહોવાહની વાટ જુએ છે?
૨૬ ખરું કે આ ન્યાયચુકાદાનો સંદેશો આશ્શૂર વિરુદ્ધ છે, છતાં યશાયાહની એ ભવિષ્યવાણી ભાવિ વિષે પણ જણાવે છે. (રૂમી ૧૫:૪) યહોવાહ ફરીથી જાણે કે દૂરથી આવશે, અને પોતાના લોકો પર જુલમ કરનારા પર પૂર, અને ધરતીકંપ લાવવા, તેઓને લગામથી કાબૂમાં રાખશે. (હઝકીએલ ૩૮:૧૮-૨૩; ૨ પીતર ૩:૭; પ્રકટીકરણ ૧૯:૧૧-૨૧) હા, એ દિવસ જલદી જ આવે! ત્યાં સુધી ખ્રિસ્તીઓ આતુરતાથી છુટકારાની રાહ જુએ છે. તેઓ યશાયાહના ૩૦માં અધ્યાયના આબેહૂબ શબ્દો પર મનન કરીને હિંમત મેળવે છે. આ શબ્દો યહોવાહના ભક્તોને ઉત્તેજન આપે છે કે, તેઓ પ્રાર્થના કરવાના લહાવાની કદર કરે, બાઇબલ વાંચીને એ પ્રમાણે જીવે, અને યહોવાહના રાજ્યના આશીર્વાદો પર મનન કરે. (ગીતશાસ્ત્ર ૪૨:૧, ૨; નીતિવચનો ૨:૧-૬; રૂમી ૧૨:૧૨) આમ, યશાયાહના શબ્દો આપણ સર્વને ઉત્તેજન આપે છે કે, યહોવાહની વાટ જુઓ.
[ફુટનોટ્સ]
^ નોંધ લો કે, જો યહુદાહ વિશ્વાસુ રહ્યું હોત, તો પરિસ્થિતિ આનાથી એકદમ અલગ જ હોત.—લેવીય ૨૬:૭, ૮.
^ યશાયાહ ૩૦:૨૫ ક વાંચે છે: “કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે.” એ ભવિષ્યવાણી પહેલી વાર ત્યારે પૂરી થઈ હોય શકે, જ્યારે બાબેલોન હાર્યું. એનાથી ઈસ્રાએલી લોકો માટે યશાયાહ ૩૦:૧૮-૨૬માં ભાખેલા આશીર્વાદોનો આનંદ માણવાનું શક્ય બન્યું. (ફકરો ૧૯ જુઓ.) એ આર્માગેદનના વિનાશ વિષે પણ જણાવતું હોય શકે, જે નવી દુનિયામાં આ આશીર્વાદોની મહાન પરિપૂર્ણતા શક્ય બનાવશે.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૩૦૫ પર ચિત્રો]
મુસાના સમયમાં, ઈસ્રાએલીઓ મિસરથી નીકળી આવ્યા. યશાયાહના સમયમાં યહુદાહ મદદ માટે મિસર જાય છે
[પાન ૩૧૧ પર ચિત્ર]
“સર્વ ઊંચા પર્વત પર ને સર્વ ઊંચા ડુંગર પર નાળાં ને પાણીના પ્રવાહો વહેશે”
[પાન ૩૧૨ પર ચિત્ર]
યહોવાહ “બળતા રોષ તથા ગોટેગોટા ઊડતા ધુમાડા સાથે” આવશે