યહોવાહનો હાથ ઉગામેલો છે
એકવીસમું પ્રકરણ
યહોવાહનો હાથ ઉગામેલો છે
૧. યશાયાહ શા માટે યહોવાહની ઊંડી કદર કરે છે?
યહોવાહ પરમેશ્વર માટે યશાયાહને બહુ જ પ્રેમ છે અને તેમની ભક્તિ કરવાને તે મોટો લહાવો ગણે છે. તે પોકારી ઊઠે છે: “હે યહોવાહ, તું મારો દેવ છે; હું તને મોટો માનીશ, હું તારા નામની સ્તુતિ કરીશ.” પ્રબોધકને શાનાથી મદદ મળે છે, જેથી તે પોતાના સર્જનહારની આવી કદર બતાવે છે? મુખ્ય બાબત તેમને યહોવાહ અને તેનાં કાર્યોનું જ્ઞાન છે. યશાયાહના હવે પછીના શબ્દો એ હકીકત જાહેર કરે છે: “તેં અદ્ભુત કાર્યો કર્યાં છે, તેં વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડ્યા છે.” (યશાયાહ ૨૫:૧) અગાઉ થઈ ગયેલા યહોશુઆની જેમ, યશાયાહને ખબર છે કે યહોવાહ વફાદાર અને ભરોસાપાત્ર છે. તેમ જ, તેમના બધા જ “સંકલ્પો,” એટલે કે તેમના હેતુઓ સાચા ઠર્યા છે.—યહોશુઆ ૨૩:૧૪.
૨. યશાયાહ હવે કયો હેતુ જાહેર કરે છે, અને એ ભવિષ્યવાણી કોને લાગુ પડી શકે?
૨ યહોવાહના હેતુઓમાં, ઈસ્રાએલીઓના દુશ્મનો વિરુદ્ધ જાહેર કરેલા ન્યાયચુકાદાનો પણ સમાવેશ થાય છે. હવે યશાયાહ એમાંનો એક જાહેર કરે છે: “તેં નગરનો ઢગલો કરી નાખ્યો છે; તેં મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે; પરદેશીઓના રાજમહેલને તેં નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ.” (યશાયાહ ૨૫:૨) આ નગર જેનું નામ જણાવાયું નથી, એ શું છે? યશાયાહ કદાચ આર-મોઆબ વિષે વાત કરતા હોય શકે, કેમ કે મોઆબ લાંબા સમયથી યહોવાહના લોકોનું દુશ્મન બન્યું હતું. * અથવા તે બીજા શક્તિશાળી શહેર, બાબેલોન વિષે જણાવતા હોય શકે.—યશાયાહ ૧૫:૧; સફાન્યાહ ૨:૮, ૯.
૩. કઈ રીતે યહોવાહના દુશ્મનો તેમને મહિમા આપશે?
૩ યહોવાહનો હેતુ તેમના દુશ્મનો વિરુદ્ધ પૂરો થશે ત્યારે તેઓ શું કરશે? “તેથી સમર્થ લોક તારો મહિમા ગાશે, ભયંકર પ્રજાઓનું શહેર તારાથી બીશે.” (યશાયાહ ૨૫:૩) એ સમજી શકાય કે સર્વશક્તિમાન પરમેશ્વરના દુશ્મનો તેમનાથી ગભરાશે. પરંતુ, તેઓ કઈ રીતે યહોવાહનો મહિમા ગાશે? શું તેઓ પોતાના જૂઠા દેવોને છોડીને સાચી ભક્તિ કરશે? ભાગ્યે જ એમ બને! એને બદલે, ફારૂન અને નબૂખાદનેસ્સારની જેમ, તેઓને એમ કરવું પડશે ત્યારે જ, તેઓ યહોવાહને મહિમા આપશે.—નિર્ગમન ૧૦:૧૬, ૧૭; ૧૨:૩૦-૩૩; દાનીયેલ ૪:૩૭.
૪. આજે “ભયંકર પ્રજાઓનું શહેર” શું છે અને કઈ રીતે તેણે પણ યહોવાહને મહિમા આપવો પડ્યો?
૪ આજે એ “ભયંકર પ્રજાઓનું શહેર,” “તો જે મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે તે છે.” એટલે કે, “મહાન બાબેલોન,” જે જૂઠા ધર્મોનું જગત છે. (પ્રકટીકરણ ૧૭:૫, ૧૮) એનો મુખ્ય ભાગ ખ્રિસ્તીરાષ્ટ્ર છે. ખ્રિસ્તીરાષ્ટ્રના ધર્મગુરુઓ કઈ રીતે યહોવાહને મહિમા આપે છે? યહોવાહે પોતાના લોકો માટે જે કંઈ અદ્ભુત કાર્યો કર્યા છે, એનો માંડ માંડ સ્વીકાર કરીને તેઓ એમ કરે છે. ખાસ કરીને, ૧૯૧૯માં યહોવાહે પોતાના સેવકોને મહાન બાબેલોનની ગુલામીમાંથી છોડાવ્યા, અને પુષ્કળ કાર્ય કરવા શક્તિમાન કર્યા ત્યારે, આ ધર્મગુરુઓ “ભયભીત થયાં, ને તેઓએ આકાશના દેવની સ્તુતિ કરી.”—પ્રકટીકરણ ૧૧:૧૩. *
૫. યહોવાહમાં પૂરો ભરોસો રાખનારાને, તે કેવું રક્ષણ આપે છે?
૫ ભલે યહોવાહ પોતાના દુશ્મનોને ગભરાવે એવા છે, છતાં તે પોતાની ઉપાસના કરનારા નમ્ર જનોને આશ્રય આપનાર છે. ધર્મગુરુઓ અને રાજનેતાઓ સાચા ભક્તોનો વિશ્વાસ તોડવા ભલે ગમે એ કરે, પણ તેઓ નિષ્ફળ જાય છે. એનું કારણ એ છે કે સાચા ભક્તોનો પૂરો ભરોસો પોતાના પરમેશ્વર યહોવાહમાં છે. આખરે, યહોવાહ પોતાના વિરોધીઓને એવી રીતે શાંત પાડી દેશે, જેમ કે પોતે રણમાં ધગધગતા સૂર્ય પર વાદળની છાયા ફેલાવી દે, અને તોફાનની સામે રક્ષણની દિવાલ ઊભી કરી દે.—યશાયાહ ૨૫:૪, ૫ વાંચો.
‘સર્વ લોકોને મિજબાની’
૬, ૭. (ક) યહોવાહ કેવી મિજબાની આપે છે અને કોના માટે? (ખ) યશાયાહે ભાખેલી મિજબાની ભાવિ માટે શું સૂચવે છે?
૬ એક પ્રેમાળ પિતાની જેમ, યહોવાહ ફક્ત તેમના લોકોનું રક્ષણ જ કરતા નથી, પણ આત્મિક રીતે ભરણપોષણ પણ કરે છે. તેમણે ૧૯૧૯માં પોતાના લોકોને આઝાદ કર્યા. પછી, તેઓને એ જીતની મોટી મિજબાનીમાં પુષ્કળ આત્મિક ખોરાક આપ્યો: “સૈન્યોનો દેવ યહોવાહ સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.”—યશાયાહ ૨૫:૬.
૭ યહોવાહના “પર્વત પર” આ મિજબાની આપવામાં આવશે. આ પર્વત શું છે? એ તો “યહોવાહના મંદિરનો પર્વત” છે, જેના પર “છેલ્લા કાળમાં” સર્વ પ્રજાઓ પ્રવાહની જેમ જશે. એ તો યહોવાહનો “પવિત્ર પર્વત” છે, જેમાં તેમના વફાદાર ઉપાસકો કોઈ નુકસાન કરશે નહિ, અને વિનાશ પણ કરશે નહિ. (યશાયાહ ૨:૨; ૧૧:૯) આ ઉપાસનાના ઊંચા પર્વત પર, યહોવાહ પોતાના વફાદાર ઉપાસકો માટે મોટી મિજબાની કરશે. હમણાં જે પુષ્કળ પ્રમાણમાં આત્મિક મિજબાની મળે છે, એ જ બતાવે છે કે, ભાવિમાં જ્યારે ફક્ત યહોવાહનું રાજ્ય મનુષ્યો પર રાજ કરતું હશે, ત્યારે ખાવા-પીવાની પણ કેવી મિજબાની મળશે! એ સમયે, કોઈ ભૂખે મરશે નહિ. “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૮, ૧૬.
૮, ૯. (ક) મનુષ્યોના કયા બે મોટા દુશ્મનોને દૂર કરવામાં આવશે? સમજાવો. (ખ) યહોવાહ પોતાના લોકોનું મહેણું દૂર કરવા શું કરશે?
૮ યહોવાહે આપેલી મિજબાનીમાં જેઓ હમણાં ભાગ લે છે, તેઓ માટે સુંદર ભવિષ્ય રહેલું છે. યશાયાહના હવે પછીના શબ્દો ધ્યાનથી સાંભળો. પાપ અને મરણને ગૂંગળાવી નાખનાર, “ઘૂંઘટ” અથવા “આચ્છાદાન” સાથે સરખાવીને તે કહે છે: “જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ટનો, તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે [યહોવાહ] નાશ કરશે. તેણે સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવાહ સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.”—યશાયાહ ૨૫:૭, ૮ ક.
૯ ખરેખર, પાપ અને મરણ સદાને માટે જતાં રહેશે! (પ્રકટીકરણ ૨૧: ૩, ૪) તેમ જ, યહોવાહના સેવકોએ હજારો વર્ષોથી જે જૂઠો આરોપ સહન કર્યો છે, એ પણ દૂર કરવામાં આવશે. “આખી પૃથ્વી પરથી તે પોતાના લોકનું મહેણું દૂર કરશે: કેમકે યહોવાહનું વચન એવું છે.” (યશાયાહ ૨૫:૮ ખ) એ કઈ રીતે બનશે? યહોવાહ એ આરોપ કે મહેણાંના મૂળ, શેતાન અને તેના ચેલાઓને જ દૂર કરશે. (પ્રકટીકરણ ૨૦: ૧-૩) ખરેખર, યહોવાહના લોકો પોકારી ઊઠશે: “જુઓ, આ આપણો દેવ છે; આપણે તેની વાટ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવાહ છે; આપણે તેની વાટ જોતા આવ્યા છીએ, તેણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.”—યશાયાહ ૨૫:૯.
ઘમંડી લોકોનો ગર્વ ઊતરશે
૧૦, ૧૧. યહોવાહ મોઆબનું ઘમંડ કેવી રીતે ઊતારશે?
૧૦ યહોવાહ પોતાના લોકોમાંથી નમ્ર જનોને બચાવશે. જો કે ઈસ્રાએલનું પડોશી, મોઆબ ઘમંડી છે અને યહોવાહ અભિમાનને ધિક્કારે છે. (નીતિવચનો ૧૬:૧૮) તેથી, હવે મોઆબનું આવી બન્યું. “યહોવાહનો હાથ આ પર્વત પર થોભશે, ને જેમ ઉકરડાના પાણીમાં ખડ ખૂંદાય છે, તેમ મોઆબ પોતાને ઠેકાણે ખૂંદાશે. જેમ તરનાર તરવા સારૂ હાથ પસારે છે, તે પ્રમાણે તેમાં તે હાથ પસારશે; અને તેના હાથની ચાલાકી છતાં તે તેના ગર્વને ઉતારી નાખશે. તે તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખશે, તેને નીચી પાડીને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.”—યશાયાહ ૨૫:૧૦-૧૨.
૧૧ યહોવાહનો હાથ મોઆબના પર્વત પર “થોભશે.” એનું પરિણામ શું આવશે? ઘમંડી મોઆબ ‘ઉકરડાની જેમ’ ખૂંદાશે અને નાશ પામશે. યશાયાહના સમયમાં, ઉકરડામાં ખડ અથવા ઘાસની સાથે છાણ ભેગું કરીને ખાતર બનાવવા ખૂંદવામાં આવતું હતું. તેથી, ભલે મોઆબની ઊંચી સલામત દિવાલો હોય છતાં, તેનું બધું ઘમંડ ઊતરી જશે એમ યશાયાહ ભાખે છે.
૧૨. શા માટે યહોવાહ ફક્ત મોઆબ પર પોતાનો ન્યાયચુકાદો જાહેર કરે છે?
૧૨ શા માટે યહોવાહ આ ન્યાયચુકાદો ફક્ત મોઆબ પર જ લઈ આવશે? એનું કારણ એ છે કે મોઆબીઓ લોટના વંશજો છે, જે યહોવાહની ઉપાસના કરનાર ઈબ્રાહીમનો ભત્રીજો હતો. તેથી, તેઓ કંઈ યહોવાહના પસંદ થયેલી પ્રજાના પડોશી જ ન હતા, પણ સગાં હતા. તેમ છતાં, તેઓ જૂઠા દેવોની ઉપાસના કરતા અને ઈસ્રાએલ સાથે કટ્ટર દુશ્મનની જેમ વર્તતા હતા. તેથી, તેઓને આ સજા થાય એ યોગ્ય છે. આજે યહોવાહના લોકોના દુશ્મનો પણ મોઆબ જેવા છે. ખાસ કરીને તે ખ્રિસ્તીરાષ્ટ્ર જેવું છે, જે પોતે પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળનો ભાગ હોવાનો દાવો તો કરે છે, પણ આગળ જોયું તેમ તે મહાન બાબેલોનનો મુખ્ય ભાગ બન્યું છે.
તારણનું ગીત
૧૩, ૧૪. આજે યહોવાહના લોકો પાસે કયું “મજબૂત નગર” છે, અને કોણ અંદર પ્રવેશી શકશે?
૧૩ યહોવાહના લોકો વિષે શું? તેઓ યહોવાહની કૃપા અને રક્ષણ મેળવીને ઊંચે સાદે ગીત ગાશે. “તે દિવસે યહુદાહ દેશમાં આ ગીત ગવાશે: અમારૂં એક મજબૂત નગર છે; તેના કોટ તથા મોરચા દેવ તારણને અર્થે ઠરાવી આપશે. ભાગળોને ઉઘાડો, કે સત્યનું પાલન કરનારી ન્યાયી પ્રજા તેમાં પેસે.” (યશાયાહ ૨૬:૧, ૨) ખરું કે આ શબ્દો અગાઉના સમયમાં પૂરા થયા હતા, પરંતુ આજના સમયમાં પણ તેની પરિપૂર્ણતા જોવા મળે છે. યહોવાહની “ન્યાયી પ્રજા,” આત્મિક ઈસ્રાએલને નગર જેવું મજબૂત સંગઠન આપવામાં આવ્યું છે. ખરેખર, આનંદ કરવાનું અને ગીત ગાવાનું મન કેમ ન થાય!
૧૪ આ “નગર” અથવા શહેરમાં કેવા લોકો આવશે? એ ગીતમાંથી જવાબ મળે છે: “દૃઢ મનવાળાને તું [યહોવાહ] શાંત જ રાખીશ; કેમકે તેનો ભરોસો તારા પર છે. યહોવાહ પર સદા ભરોસો રાખો; કેમકે યહોવાહ દેવ સનાતન ખડક છે.” (યશાયાહ ૨૬:૩, ૪) યહોવાહ મદદ કરે છે, એ “દૃઢ મનવાળા” તેમના ન્યાયી નિયમો પાળવા અને તેમનામાં પૂરો ભરોસો રાખવા આતુર લોકો છે. તેઓ જગતના વેપાર-ધંધા, રાજકારણ, અને ધાર્મિક સંગઠનોમાં ભરોસો રાખતા નથી. ફક્ત યહોવાહ જ સલામતીના ભરોસાપાત્ર ખડક છે. યહોવાહમાં પૂરો ભરોસો રાખનારા તેમનું રક્ષણ મેળવે છે અને યહોવાહની શાંતિનો આનંદ માણે છે.—નીતિવચનો ૩:૫, ૬; ફિલિપી ૪:૬, ૭.
૧૫. કઈ રીતે ‘ગર્વિષ્ઠ નગરે’ નીચું જોવું પડ્યું છે, અને કઈ રીતે ‘દીનોના પગ’ તેને ખૂંદે છે?
૧૫ પરંતુ, યહોવાહના દુશ્મનોની કેવી જુદી જ હાલત થાય છે! “તેણે ઉચ્ચસ્થાનમાં રહેનારાઓને ને ગર્વિષ્ઠ નગરને નીચાં નમાવ્યાં છે; તે તેને પાડી નાખે છે, પાડી નાખીને તેને જમીનદોસ્ત કરે છે; તે તેને ધૂળભેગું કરે છે. પગથી તે ખૂંદાશે; હા, દીનોના પગથી, અને કંગાલોના પગથી તે ખૂંદાશે.” (યશાયાહ ૨૬:૫, ૬) ફરીથી યશાયાહ “ગર્વિષ્ઠ નગર” મોઆબની વાત કરતા હોય શકે, અથવા બાબેલોન જેવા કોઈ બીજા શહેરની વાત કરતા હોય શકે, જે બહુ ઘમંડી હતું. પરંતુ, હવે યહોવાહ બાજી હાથમાં લે છે, તે એ ‘ગર્વિષ્ઠ નગરનો’ હિસાબ લેશે અને તેમના ‘દીનો અને કંગાલો’ તેને ખૂંદશે. આજે આ ભવિષ્યવાણી મહાન બાબેલોન, ખાસ કરીને ખ્રિસ્તીરાષ્ટ્રને બરાબર બંધબેસે છે. એ ‘ગર્વિષ્ઠ નગરે’ ૧૯૧૯માં ખરેખર નીચું જોવું પડ્યું, કેમ કે તેણે યહોવાહના લોકોને આઝાદ કરવા પડ્યા. પછી, યહોવાહના લોકોએ પોતાને ગુલામીમાં રાખનારને ખૂંદવાનું શરૂ કર્યું. (પ્રકટીકરણ ૧૪:૮) કઈ રીતે? તેઓ જાહેરમાં જણાવવા માંડ્યા કે યહોવાહ તેનો કેવો ન્યાય કરશે.—પ્રકટીકરણ ૮:૭-૧૨; ૯:૧૪-૧૯.
યહોવાહના “સ્મરણની” અને ન્યાયીપણાની ઇચ્છા રાખવી
૧૬. યશાયાહ ભક્તિ માટેનું કેવું સુંદર ઉદાહરણ બેસાડે છે?
૧૬ એ વિજયી ગીત પછી, યશાયાહ તેમની પોતાની ભક્તિ અને ન્યાયીપણાના પરમેશ્વરની ઉપાસના કરવાથી મળતા ઇનામ વિષે જણાવે છે. (યશાયાહ ૨૬:૭-૯ વાંચો.) પ્રબોધક ‘યહોવાહની વાટ જોવામાં’ અને યહોવાહના “નામ” તથા “સ્મરણની” રાહ જોવામાં સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. યહોવાહનું સ્મરણ અથવા યાદગીરી શું છે? નિર્ગમન ૩:૧૫ કહે છે કે, ‘યહોવાહ, . . . મારૂં નામ સદા એજ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એજ છે.’ યશાયાહ યહોવાહના નામ અને એમાં જે કંઈ સમાયેલું છે, એને ખૂબ ચાહે છે, જેમાં તેમના ન્યાયી ધોરણો અને માર્ગોનો સમાવેશ થાય છે. યહોવાહ માટે એવો જ પ્રેમ કેળવનાર પણ તેમના પુષ્કળ આશીર્વાદોની પૂરી ખાતરી રાખી શકે છે.—ગીતશાસ્ત્ર ૫:૮; ૨૫:૪, ૫; ૧૩૫:૧૩; હોશીયા ૧૨:૫.
૧૭. દુષ્ટો કયા આશીર્વાદોનો આનંદ માણી શકશે નહિ?
૧૭ જો કે બધાને કંઈ યહોવાહના ઊંચા ધોરણો પસંદ નથી. (યશાયાહ ૨૬:૧૦ વાંચો.) દુષ્ટો પર ભલે કૃપા કરવામાં આવે તોપણ, તેઓ “પવિત્ર ભૂમિમાં” પ્રવેશવા ન્યાયીપણું નહિ શીખે, જ્યાં યહોવાહના નૈતિક અને આત્મિક રીતે પવિત્ર સેવકો રહેતા હશે. તેથી, દુષ્ટો “યહોવાહના માહાત્મ્યને જોશે નહિ.” યહોવાહનું નામ પવિત્ર મનાવાશે પછી, મનુષ્યો માટે આવનારા આશીર્વાદોનો આનંદ માણવા તેઓ જીવશે નહિ. અરે, આખી પૃથ્વી ‘પવિત્ર ભૂમિ’ જેવી બની હશે, એ નવી દુનિયામાં પણ કેટલાક યહોવાહની કૃપાની કદર કરશે નહિ. એવા લોકોના નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવશે નહિ.—યશાયાહ ૬૫:૨૦; પ્રકટીકરણ ૨૦:૧૨, ૧૫.
૧૮. યશાયાહના દિવસમાં અમુક જણે કઈ રીતે આંધળા બનવાનું પસંદ કર્યું, અને તેઓએ ક્યારે યહોવાહને ‘જોવું’ પડશે?
૧૮ “હે યહોવાહ, તારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતા નથી; પરંતું તેઓ તારા લોક વિષે તારી ઉત્કંઠા જોઈને શરમાશે; તારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.” (યશાયાહ ૨૬:૧૧) યશાયાહના દિવસોમાં, યહોવાહનો મહિમા થયો હતો, જ્યારે તેમણે પોતાના લોકોને તેઓના દુશ્મનોથી બચાવ્યા હતા. પરંતુ, મોટા ભાગના લોકોએ એ પારખ્યું નહિ. એવા લોકો આત્મિક રીતે આંધળા બનવાનું પસંદ કરે છે. આખરે, યહોવાહનો અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે. એ સમયે તેઓ યહોવાહને ‘જોશે’ અથવા તેઓને તેમની ખબર પડશે. (સફાન્યાહ ૧:૧૮) યહોવાહે પછીથી હઝકીએલને કહ્યું: “ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”—હઝકીએલ ૩૮:૨૩.
યહોવાહ જેને ચાહે છે તેને શિક્ષા કરે છે
૧૯, ૨૦. યહોવાહે પોતાના લોકોને શા માટે અને કઈ રીતે શિક્ષા કરી, તથા એમાંથી કોને લાભ થયો?
૧૯ યશાયાહ જાણે છે કે તેમના લોકો જે સુખ-શાંતિનો આનંદ માણે છે, એ તો યહોવાહનો આશીર્વાદ છે. “હે યહોવાહ, તું અમને શાંતિ આપીશ; કેમકે અમારાં સર્વ કામ પણ તેં અમારે સારૂ કર્યાં છે.” (યશાયાહ ૨૬:૧૨) તેમ જ, યહોવાહે પોતાના લોકો સામે તક મૂકી કે, તેઓ ‘યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશે.’ તેમ છતાં, યહુદાહનો ઇતિહાસ હંમેશા સારો ન હતો. (નિર્ગમન ૧૯:૬) તેના લોકો વારંવાર જૂઠા દેવોની ઉપાસના કરવા લાગતા હતા. તેથી, તેઓને વારંવાર શિક્ષા પણ થતી. જો કે આવી શિક્ષાથી તેઓ માટેનો યહોવાહનો પ્રેમ દેખાય આવતો હતો, કેમ કે “જેના પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે.”—હેબ્રી ૧૨:૬.
૨૦ ઘણી વાર, યહોવાહ પોતાના લોકોને શિક્ષા કરવા બીજા દેશો, અથવા ‘બીજા ધણીઓને’ તેઓ પર રાજ કરવા દેતા હતા. (યશાયાહ ૨૬:૧૩ વાંચો.) યહોવાહ ૬૦૭ બી.સી.ઈ.માં બાબેલોનીઓને પરવાનગી આપે છે કે, તેઓ પોતાના લોકોને ગુલામીમાં લઈ જાય. શું એનાથી લોકોને લાભ થાય છે? ખરું કે દુઃખ સહન કરવામાં કંઈ મઝા આવતી નથી. પરંતુ, જો સહન કરનાર પોતાના દુઃખમાંથી કંઈક શીખે, પસ્તાવો કરે, અને ફક્ત યહોવાહની જ ભક્તિ કરે, તો તેને લાભ થાય છે. (પુનર્નિયમ ૪:૨૫-૩૧) શું કોઈ પણ યહુદીઓ એવો પસ્તાવો બતાવે છે? હા, જરૂર બતાવે છે! યશાયાહ ભાખે છે: “કેવળ તારી સહાયથી અમે તારા નામનું સ્મરણ કરીશું.” યહુદીઓ ૫૩૭ બી.સી.ઈ.માં ગુલામીમાંથી પાછા ફરે છે. પછી, ઘણી વાર તેઓને બીજાં પાપો માટે શિસ્તની જરૂર પડી હતી, પરંતુ તેઓ કદી પણ ફરીથી પત્થરના દેવોને ભજવાના ફાંદામાં પડ્યા નહિ.
૨૧. યહોવાહના લોકોને સતાવનારાની કેવી હાલત થશે?
૨૧ યહુદાહને ગુલામીમાં લઈ જનારાઓ વિષે શું? “મોત પામેલાઓ પાછા ઉઠશે નહિ; તેજ માટે તેં તેમનો ન્યાય કરીને તેમનો નાશ કર્યો છે, ને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.” (યશાયાહ ૨૬:૧૪) બાબેલોને યહોવાહના પસંદ કરેલા લોકો પર જે જુલમ ગુજાર્યો છે, એ માટે એને સહન કરવું પડશે. માદી અને ઈરાનીઓ દ્વારા યહોવાહ ઘમંડી બાબેલોનનો નાશ લઈ આવશે, અને પોતાના લોકોને છુટકારો અપાવશે. એ મહાન નગર, બાબેલોન જાણે મરેલું હોય એવું ગણાશે. આખરે, તેનું નામોનિશાન મટી જશે.
૨૨. આજે, કઈ રીતે યહોવાહના લોકોને આશીર્વાદ મળ્યો છે?
૨૨ આજે, શિસ્ત પામેલું આત્મિક ઈસ્રાએલ ૧૯૧૯માં મહાન બાબેલોનથી આઝાદ થઈને યહોવાહની સેવામાં પાછું લાગી ગયું છે. પૂરી તાજગીથી, અભિષિક્ત ખ્રિસ્તીઓ પ્રચાર કાર્યમાં જોર-શોરથી લાગી ગયા છે. (માત્થી ૨૪:૧૪) યહોવાહે બદલામાં તેઓને વધારો આપીને આશીર્વાદ આપ્યો છે. અરે, ‘બીજાં ઘેટાંનું’ મોટું ટોળું પણ તેઓની સાથે સેવા કરવા માટે ભેગું કર્યું છે. (યોહાન ૧૦:૧૬) “તેં દેશની પ્રજા વધારી છે, હે યહોવાહ, તેં પ્રજા વધારી છે; તેં તારો મહિમા પ્રગટ કર્યો છે; દેશની સીમાઓ તેં વિસ્તારી છે. હે યહોવાહ, સંકટસમયે તેઓ તારી ભણી ફર્યા છે, તારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ તારી પ્રાર્થના કરી છે.”—યશાયાહ ૨૬:૧૫, ૧૬.
‘તેઓ ઊઠશે’
૨૩. (ક) યહોવાહની શક્તિનું પ્રદર્શન ૫૩૭ બી.સી.ઈ.માં કઈ રીતે જોવા મળ્યું હતું? (ખ) વર્ષ ૧૯૧૯માં કઈ રીતે એવો જ અનુભવ જોવા મળ્યો હતો?
૨૩ યશાયાહ હવે ફરીથી યહુદાહની એ હાલત બતાવે છે, જ્યારે તેઓ હજુ બાબેલોનની ગુલામીમાં હતા. તે યહુદાહની સરખામણી એવી ગર્ભવતી સાથે કરે છે, જેને પ્રસવની ઘડી આવી છે પણ મદદ વિના જન્મ આપી શકે તેમ નથી. (યશાયાહ ૨૬:૧૭, ૧૮ વાંચો.) એ મદદ ૫૩૭ બી.સી.ઈ.માં મળે છે અને યહોવાહના લોકો પોતાના વતન પાછા ફરે છે. તેઓ મંદિર ફરીથી બાંધીને સાચી ઉપાસના પૂરા જોશથી ચાલુ રાખવા આતુર છે. હકીકતમાં, એ પ્રજાને જાણે કે મૂએલામાંથી સજીવન કરવામાં આવી છે. “તારાં મરેલાં જીવશે; મારાં મુડદાં ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમકે તારૂં ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.” (યશાયાહ ૨૬:૧૯) યહોવાહની શક્તિનું કેવું પ્રદર્શન! તેમ જ, ૧૯૧૯માં આત્મિક રીતે આ શબ્દો પૂરા થયા ત્યારે, કેવી મહાન રીતે એ જણાયું! (પ્રકટીકરણ ૧૧:૭-૧૧) ખરેખર, આપણે કેટલી આતુરતાથી એ સમયની રાહ જોઈએ છીએ, જ્યારે નવી દુનિયામાં શાબ્દિક રીતે આ શબ્દો પૂરા થશે અને મરણ પામેલા લોકો ‘ઈસુની વાણી સાંભળશે’ અને સજીવન થશે!—યોહાન ૫:૨૮, ૨૯.
૨૪, ૨૫. (ક) કઈ રીતે ૫૩૯ બી.સી.ઈ.માં, યહુદીઓએ સંતાઈ રહેવાની યહોવાહની આજ્ઞા પાળી હોય શકે? (ખ) આજે ‘ઓરડી’ શું દર્શાવતી હોય શકે અને એના પ્રત્યે આપણે કેવું વલણ કેળવવું જોઈએ?
૨૪ જો કે યશાયાહ દ્વારા વચન અપાયેલા આશીર્વાદોનો આનંદ માણવો હોય તો, વિશ્વાસુ સેવકોએ યહોવાહની આજ્ઞા માનવાની જરૂર છે: “ચાલ, મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં પેસ, ને પોતે માંહે રહીને બારણાં બંધ કર; કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે. કેમકે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે તેમને શાસન આપવા સારૂ, યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મારેલાંને ઢાંકી દેશે નહિ.” (યશાયાહ ૨૬:૨૦, ૨૧; સરખાવો સફાન્યાહ ૧:૧૪.) આ ભવિષ્યવાણીની શરૂઆતની પરિપૂર્ણતા ત્યારે થઈ હોય શકે, જ્યારે ૫૩૯ બી.સી.ઈ.માં રાજા કોરેશની આગેવાની હેઠળ, માદી-ઈરાનીઓએ બાબેલોન જીતી લીધું. એક ગ્રીક ઇતિહાસકાર ઝેનોફન પ્રમાણે, કોરેશ બાબેલોનમાં પ્રવેશ્યો ત્યારે, તેણે દરેક જણને પોતપોતાના ઘરોમાં રહેવા હુકમ કર્યો, કેમ કે તેણે પોતાની ઘોડેસવાર સેનાને “હુકમ આપ્યો કે ઘરની બહાર જે કોઈ મળી આવે, તેઓને મારી નાખવા.” આજે, આ ભવિષ્યવાણીમાંની ‘ઓરડીઓ,’ આખા જગતમાં આવેલા યહોવાહના લોકોના હજારો મંડળોને લાગુ પડી શકે. એવા મંડળો આપણા જીવનમાં, હા, ‘મોટી વિપત્તિમાં’ પણ મુખ્ય ભાગ ભજવતા રહેશે. (પ્રકટીકરણ ૭:૧૪) એ કેટલું મહત્ત્વનું છે કે આપણે મંડળ માટે ઉત્તેજનભર્યું વલણ રાખીએ અને નિયમિત રીતે મંડળ સાથે ભેગા મળીએ!—હેબ્રી ૧૦:૨૪, ૨૫.
૨૫ જલદી જ, શેતાનના જગતનો અંત આવશે. એ સમયે, યહોવાહ પોતાના લોકોનું કઈ રીતે રક્ષણ કરશે, એ આપણે હજુ જાણતા નથી. (સફાન્યાહ ૨:૩) તેમ છતાં, આપણે જરૂર જાણીએ છીએ કે આપણે યહોવાહમાં પૂરો ભરોસો રાખીશું, વફાદાર રહીને તેમની આજ્ઞાઓ પાળીશું તો જ, આપણો બચાવ થશે.
૨૬. યશાયાહના સમયમાં અને આપણા સમયમાં ‘લિવયાથાન’ શું છે, અને એ ‘સમુદ્રના અજગરનું’ શું થશે?
૨૬ એ સમય વિષે, યશાયાહ ભાખે છે: “તે દિવસે યહોવાહ પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવયાથાનને, ને ગૂંછળિયા સર્પ લિવયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.” (યશાયાહ ૨૭:૧) પહેલી પરિપૂર્ણતામાં, ‘લિવયાથાન’ એવા દેશોને સૂચવે છે, જ્યાં ઈસ્રાએલીઓ વિખેરાઈ ગયા હતા, જેમ કે બાબેલોન, મિસર અને આશ્શૂર. આ દેશો યહોવાહના લોકોને યોગ્ય સમયે તેઓના વતન પાછા જતા રોકી શકશે નહિ. જો કે આજે લિવયાથાન કોણ છે? તે શેતાન, “જૂનો સર્પ” અને પૃથ્વી પરનું તેનું દુષ્ટ જગત છે, જેનો તે આત્મિક ઈસ્રાએલ સામે લડવા ઉપયોગ કરે છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૦; ૧૩:૧૪, ૧૬, ૧૭; ૧૮:૨૪) ‘લિવયાથાને’ ૧૯૧૯માં યહોવાહના લોકો પરની પોતાની પકડ ગુમાવી અને જલદી જ તેનો અંત આવી જશે, જ્યારે યહોવાહ ‘સમુદ્રમાં રહેતા એ અજગરને મારી નાખશે.’ ત્યાં સુધી, યહોવાહના લોકો વિરુદ્ધ ‘લિવયાથાન’ ગમે એ કરે, પણ સાચી સફળતા મળશે નહિ.—યશાયાહ ૫૪:૧૭.
“આનંદદાયક દ્રાક્ષાવાડી”
૨૭, ૨૮. (ક) યહોવાહની દ્રાક્ષાવાડીએ પૃથ્વીને શાનાથી ભરી દીધી છે? (ખ) યહોવાહ પોતાની દ્રાક્ષાવાડીનું રક્ષણ કઈ રીતે કરે છે?
૨૭ યશાયાહ હવે બીજા એક ગીતથી યહોવાહના આઝાદ થયેલા લોકોના કાર્યોનું સુંદર વર્ણન કરે છે: “તે દિવસે, ‘આનંદદાયક દ્રાક્ષાવાડી!’ સંબંધી ગીત ગાઓ. હું યહોવાહ તેનો રક્ષક છું; પળેપળ હું તેને સિંચું છું; રાતદિવસ હું તેનું રક્ષણ કરૂં છું, રખેને કોઈ તેને ઉપદ્રવ કરે.” (યશાયાહ ૨૭:૨, ૩) આત્મિક ઈસ્રાએલનો શેષભાગ અને તેઓના મહેનતું સંગાથીઓએ ખરેખર પૃથ્વીને આત્મિક ફળોથી ભરપૂર કરી છે. ખરેખર, ઉજવણી કરવાનો અને ગીત ગાવાનો વખત છે! હા, એનો બધો મહિમા યહોવાહ પરમેશ્વરને જાય છે, જેમણે ખૂબ પ્રેમથી પોતાની દ્રાક્ષાવાડીની કાળજી લીધી છે.—યોહાન ૧૫:૧-૮ સરખાવો.
૨૮ હકીકતમાં, યહોવાહનો અગાઉનો ક્રોધ, ખુશીમાં બદલાઈ ગયો છે! “મારામાં ક્રોધ નથી; યુદ્ધમાં ઝાંખરાં તથા કાંટા મારી સામે હોત તો કેવું સારૂં! તો તેમની સામે કૂચ કરીને હું તેઓને એકત્ર બાળી નાખત. નહિ તો તેણે મારો આશરો લેવો, તેણે મારી સાથે સમાધાન કરવું; હા, તેણે મારી સાથે સમાધાન કરવું.” (યશાયાહ ૨૭:૪, ૫) યહોવાહની દ્રાક્ષાવાડી પુષ્કળ પ્રમાણમાં સારાં ફળો આપતી રહે, એ માટે તે દ્રાક્ષાવાડીમાં સડો લગાડતી કોઈ પણ અસરને જાણે કે કાંટા-ઝાંખરાની જેમ કચડીને, અગ્નિથી બાળીને ભસ્મ કરી નાખશે. તેથી, કોઈ પણ ખ્રિસ્તી મંડળની પ્રગતિમાં પગ આડો કરવાની હિંમત ન કરે! એને બદલે, સર્વ ‘યહોવાહનો આશરો લે’ અને તેમની કૃપા તથા રક્ષણ શોધે. એમ કરીને, તેઓ યહોવાહ સાથે સમાધાન કરશે, જે એટલું મહત્ત્વનું છે કે એ યશાયાહ બે વાર જણાવે છે. એનું પરિણામ શું આવશે? “ભવિષ્યમાં યાકૂબની જડ બાઝશે, ઇસ્રાએલને ફૂલ તથા કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીનું પૃષ્ઠ ભરપૂર કરશે.” (યશાયાહ ૨૭:૬) * આ કલમની પરિપૂર્ણતા યહોવાહની શક્તિનો કેવો અદ્દભુત પુરાવો આપે છે! અભિષિક્ત ખ્રિસ્તીઓએ ૧૯૧૯થી પૃથ્વીને “ફળથી,” એટલે કે આત્મિક ખોરાકથી ભરપૂર કરી દીધી છે. તેથી, તેઓ સાથે લાખો બીજાં ઘેટાં જોડાયા છે, જેઓ તેમની સાથે “રાતદહાડો તેની [યહોવાહની] સેવા કરે છે.” (પ્રકટીકરણ ૭:૧૫) આજના ભ્રષ્ટ જગતમાં, એ લોકો યહોવાહના ઊંચા ધોરણો જાળવે છે. યહોવાહ તેઓમાં વધારો કરીને આશીર્વાદ આપવાનું ચાલુ રાખે છે. આપણે કદી પણ એ ‘ફળોનો’ લાભ લેવાનું ચૂકીએ નહિ અને એ વિષે બીજાઓને જણાવીને આપણા લહાવાની કદર બતાવીએ!
[ફુટનોટ્સ]
^ આર-મોઆબનો અર્થ કદાચ મોઆબનું “શહેર” હોય શકે.
^ પ્રકટીકરણ—એની પરાકાષ્ઠા હાથવેંતમાં છે!, પાન ૧૭૦ જુઓ.
^ યશાયાહ ૨૭:૭-૧૩ની ચર્ચા પાન ૨૮૫ પરના બૉક્સમાં કરવામાં આવી છે.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૮૫ પર બોક્સ]
“મોટું રણશિંગડું” આઝાદી જાહેર કરે છે
યહોવાહ ૬૦૭ બી.સી.ઈ.માં પોતાના વંઠી ગયેલા લોકોને શિક્ષા કરે છે ત્યારે, યહુદાહનું દુઃખ વધી જાય છે. (યશાયાહ ૨૭:૭-૧૧ વાંચો.) પ્રજાએ કરેલાં પાપો એટલા વધી ગયા હતા કે એ પ્રાણીનાં બલિદાનોથી માફ થાય એમ ન હતા. તેથી, જાણે ઘેટાં કે બકરાંને વિખેરી નાખવા માટે જોરથી બૂમ પાડવામાં આવે અથવા ‘તોફાની વાયુ’ બધું વેરવિખેર કરી નાખે તેમ, યહોવાહ ઈસ્રાએલને તેઓના વતનમાંથી કાઢી મૂકે છે. એ પછી, નિર્બળ લોકો પણ, એટલે સાંકેતિક રીતે સ્ત્રીઓ પણ દેશમાં જે બચી ગયું હશે, એનો લાભ લેશે.
જો કે યહોવાહનો સમય આવે છે, જ્યારે તે પોતાના લોકોને ગુલામીમાંથી છોડાવશે. તે તેઓને એવી રીતે આઝાદ કરશે, જેવી રીતે ખેડૂત જેતુન ઝાડ પરનાં ફળ ઝૂડે છે, અથવા જાણે કે એને ઝાડ પરથી આઝાદ કરે છે. “તે દિવસે યહોવાહ ફ્રાત નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી અનાજને ઝૂડશે, ને, હે ઈસ્રાએલપુત્રો, તમને એકેએકને એકઠા કરવામાં આવશે. વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશ્શૂર દેશમાં જેઓ ખોવાએલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરૂશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાહનું ભજન કરશે.” (યશાયાહ ૨૭:૧૨, ૧૩) કોરેશે ૫૩૯ બી.સી.ઈ.માં જીત મેળવ્યા પછી, તેણે હુકમ બહાર પાડ્યો. એમાં તેણે આશ્શૂર અને મિસર સહિત, પોતાના સામ્રાજ્યમાંના સર્વ યહુદીઓને આઝાદ કર્યા. (એઝરા ૧:૧-૪) જાણે કે, “મોટું રણશિંગડું” વગાડીને, યહોવાહના લોકોની આઝાદી જાહેર કરતું ખુશીનું ગીત ગવાતું હોય, એમ બન્યું.
[પાન ૨૭૫ પર ચિત્રો]
“નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની”
[પાન ૨૭૭ પર ચિત્ર]
બાબેલોન પોતાના બંદીવાનોના પગ તળે ખૂંદાશે
[પાન ૨૭૮ પર ચિત્ર]
“તારી પોતાની ઓરડીમાં પેસ”