સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ અભિમાની લોકોને શરમાવશે

યહોવાહ અભિમાની લોકોને શરમાવશે

પાંચમું પ્રકરણ

યહોવાહ અભિમાની લોકોને શરમાવશે

યશાયાહ ૨:૬–૪:૧

૧, ૨. યશાયાહે પોતાના સમયના યહુદીઓને ભવિષ્યવાણી જણાવી, એમાં આપણને શા માટે ખૂબ જ રસ છે?

 યરૂશાલેમ અને યહુદાહની હાલતથી ત્રાસી જઈને, પ્રબોધક યશાયાહ હવે યહોવાહ તરફ વળે છે. તે કહે છે: “તેં તારા લોકને, એટલે યાકૂબનાં સંતાનોને તજી દીધાં છે.” (યશાયાહ ૨:૬ ) એવું શું બન્યું કે યહોવાહ પરમેશ્વરે પોતે પસંદ કરેલી “ખાસ પ્રજા” છોડી દીધી?—પુનર્નિયમ ૧૪:૨.

યશાયાહે એ સમયના યહુદીઓના અપરાધો ખુલ્લા પાડ્યા, એમાં આપણને ખૂબ જ રસ છે. એનું કારણ એ છે કે, આજે ખ્રિસ્તીરાષ્ટ્રની હાલત યશાયાહના સમય જેવી જ છે. તેઓ પર યહોવાહનો ન્યાયચુકાદો પણ સરખો જ છે. તેથી, યશાયાહની ભવિષ્યવાણીને ધ્યાન આપવાથી, આપણને સ્પષ્ટ સમજણ મળશે કે યહોવાહ કેવી બાબતોને ધિક્કારે છે. તેમ જ, તેમને નાખુશ કરતા આચરણો છોડી દેવા માટે પણ આપણને મદદ મળશે. તેથી, ચાલો આપણે યશાયાહ ૨:૬–૪:૧ માંની યહોવાહની ભવિષ્યવાણી પર ઊંડું મનન કરીએ.

અભિમાનથી તેઓ પગે લાગે છે

૩. યશાયાહ પોતાના લોકોની કઈ ભૂલની કબૂલાત કરે છે?

યશાયાહ પોતાના લોકોની ભૂલ કબૂલ કરતા કહે છે: “તેઓ પૂર્વ તરફના દેશોના રીતરિવાજોમાં મશગૂલ, અને પલિસ્તીઓની પેઠે ધંતરમંતર કરનારા થયા છે, તેઓ પારકાનાં સંતાન સાથે મિત્રાચારી રાખે છે.” (યશાયાહ ૨:૬ ) લગભગ ૮૦૦ વર્ષ અગાઉ, યહોવાહે પોતાના પસંદ કરેલા લોકોને આજ્ઞા આપી હતી: “એવું કોઇ પણ કૃત્ય કરીને તમે પોતાને અશુદ્ધ ન કરો; કેમકે જે દેશજાતિઓને હું તમારી સામેથી કાઢી મૂકવાનો છું, તેઓ એ સર્વ વાતે અશુદ્ધ થઇ છે.” (લેવીય ૧૮:૨૪) યહોવાહ પરમેશ્વરે પોતાની ખાસ પ્રજા વિષે બલઆમ પાસે કહેવડાવ્યું: “ખડકોનાં શિખર પરથી હું તેને જોઉં છું, ને ડુંગરો પરથી તેને દેખું છું; જુઓ, તેઓ અલાહિદા રહેનાર લોક છે, અને દેશજાતિઓ ભેગા તેઓ ગણાશે નહિ.” (ગણના ૨૩:૯, ૧૨) તોપણ, યશાયાહના દિવસ સુધીમાં યહોવાહના પસંદ કરેલા લોકો “પૂર્વ તરફના દેશોના રીતરિવાજોમાં મશગૂલ” થઈ ગયા હતા, જે ખૂબ જ ધિક્કારપાત્ર હતા. યહોવાહ અને તેમના વચનોમાં ભરોસો મૂકવાને બદલે, તેઓ “પલિસ્તીઓની પેઠે ધંતરમંતર કરનારા” થયા હતા. આજુબાજુનાં રાષ્ટ્રોથી અલગ દેખાવાની વાત તો બાજુએ રહી, પણ તેઓ “પારકાનાં સંતાન સાથે મિત્રાચારી” રાખતા હતા, જેઓ યહોવાહના લોકોને ખોટાં આચરણોમાં ખેંચી જતા હતા.

૪. યહોવાહના આભારી થવાને બદલે, ધનદોલત અને લશ્કરી સમૃદ્ધિની યહુદીઓ પર કેવી અસર પડી?

રાજા ઉઝ્ઝીયાહના રાજમાં યહુદાહ પૈસે-ટકે અને લશ્કરીય રીતે સદ્ધર થયું. એની નોંધ લેતા યશાયાહ કહે છે: “તેમનો દેશ સોનારૂપાથી ભરપૂર થયો છે, તેઓના ખજાનાનો પાર નથી; તેમનો દેશ ઘોડાઓથી ભરપૂર છે, અને તેમના રથનો પાર નથી.” (યશાયાહ ૨:૭) શું લોકો એ માટે યહોવાહનો આભાર માને છે? (૨ કાળવૃત્તાંત ૨૬:૧, ૬-૧૫) ના! તેઓએ તો યહોવાહને છોડી મૂક્યા અને ‘પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ,’ જેવા બની ગયા. એનું પરિણામ શું આવ્યું? “તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર થયો છે; પોતાના હાથે કરેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને તેઓ પગે લાગે છે. દરિદ્રી પ્રણામ કરે છે, અને ધનવાન પણ નમે છે; એથી જ તું તેઓને માફ કરીશ નહિ.” (યશાયાહ ૨:૮, ૯) તેઓ જીવંત પરમેશ્વર યહોવાહ તરફ પીઠ રાખી, નિર્જીવ મૂર્તિઓને નમવા લાગ્યા.

૫. મૂર્તિઓને નમવું શા માટે નમ્રતા નથી?

પગે લાગવાનો અર્થ નમ્રતા પણ થઈ શકે. પરંતુ નિર્જીવ વસ્તુઓને નમવું તો સાવ નકામું છે, જે મૂર્તિપૂજકને મૂર્તિ જેવો જ બનાવે છે. યહોવાહ એવું પાપ કઈ રીતે માફ કરે? યહોવાહ તેઓનો ન્યાય કરશે ત્યારે, આ મૂર્તિપૂજકો શું કરશે?

અભિમાન ઉતારવામાં આવશે

૬, ૭. (ક) યહોવાહના ન્યાયકરણના દિવસે, અભિમાની લોકોનું શું થશે? (ખ) યહોવાહ પોતાનો કોપ શાના પર રેડશે અને શા માટે?

યશાયાહ આગળ કહે છે: “યહોવાહના ભયથી, અને તેના માહાત્મ્યના પ્રતાપથી ખડકમાં પેસી જા, ને ધૂળમાં સંતાઈ રહે.” (યશાયાહ ૨:૧૦) પરંતુ સર્વશક્તિમાન યહોવાહથી તેઓને સંતાડી શકે, એટલો મોટો કોઈ ખડક કે કોઈ સંતાવાની જગ્યા નહિ હોય. તે તેઓ પર ન્યાયકરણ લાવશે ત્યારે, “માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઊતારવામાં આવશે, અને એકલો યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે.”—યશાયાહ ૨:૧૧.

“સૈન્યોના દેવ યહોવાહે મુકરર કરેલો દિવસ આવનાર છે; . . . લબાનોનનાં સર્વ મોટાં ને ઊંચાં થએલાં એરેજવૃક્ષો પર, બાશાનનાં સર્વ એલોન ઝાડ પર; સર્વ મોટા પર્વતો પર, સર્વ ઊંચા ટેકરાઓ પર; દરેક ઊંચા કિલ્લા પર, દરેક મોરચાબંધ કોટ પર; તાર્શીશનાં સર્વ વહાણો પર, અને સર્વ મનોરંજક દેખાવો પર” યહોવાહનો કોપ રેડવાનો એ દિવસ છે. (યશાયાહ ૨:૧૨-૧૬) યહોવાહના ક્રોધના એ દિવસે, માણસ જેના પર ગર્વ ધરાવે છે એવા દરેક સંગઠનો અને દરેક દુષ્ટ વ્યક્તિનો હિસાબ ચૂકતે કરવામાં આવશે. આમ, “તે સમયે માણસનો ગર્વ ઉતારવામાં આવશે, અને પુરુષોનું અભિમાન જતું રહેશે; અને એકલો યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે.”—યશાયાહ ૨:૧૭.

૮. ભવિષ્યવાણી પ્રમાણે, ૬૦૭ બી.સી.ઈ.માં કઈ રીતે યરૂશાલેમ પર ન્યાયકરણનો દિવસ આવી પડ્યો?

બાબેલોની રાજા નબૂખાદનેસ્સારે, ૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમનો વિનાશ કર્યો. ભવિષ્યવાણી પ્રમાણે, એ સમયે યહુદીઓ પર ન્યાયકરણ આવી પડ્યું. તેઓએ પોતાના વહાલા વતનને ભડકે બળતું જોયું. એની ભવ્ય ઇમારતો ભાંગી પડી અને એની મોટી દીવાલ જમીનદોસ્ત થઈ ગઈ. યહોવાહનું મંદિર હતું ન હતું થઈ ગયું. ‘યહોવાહે મુકરર કરેલા દિવસે’ તેઓની ધનદોલત કે તેઓનાં સૈન્ય કશું જ બચાવી શક્યા નહિ. તેઓની મૂર્તિઓનું શું થયું? યશાયાહે જેમ ભાખ્યું હતું એમ જ થયું: “મૂર્તિઓ છેક નાબૂદ થઈ જશે.” (યશાયાહ ૨:૧૮) રાજાઓ અને શૂરવીરો સહિત, સર્વ યહુદીઓને બાબેલોન ગુલામીમાં લઈ જવાયા. યરૂશાલેમ ૭૦ વર્ષ સુધી ઉજ્જડ પડી રહેવાનું હતું.

૯. ખ્રિસ્તીરાષ્ટ્ર કઈ રીતે યશાયાહના સમયના યહુદાહ અને યરૂશાલેમ જેવું જ છે?

આજે ખ્રિસ્તીરાષ્ટ્રની હાલત, યશાયાહના સમયના યહુદાહ અને યરૂશાલેમને કેટલી મળતી આવે છે! ખરેખર, ખ્રિસ્તીરાષ્ટ્રે આ જગતનાં રાષ્ટ્રો સાથે અયોગ્ય સંબંધ બાંધ્યો છે. એ યુનાઈટેડ નેશન્સને ટેકો આપવામાં પ્રથમ છે અને બાઇબલ વિરુદ્ધ ઘણા રીતરિવાજો પાળે છે, જેમ કે મૂર્તિપૂજા. ખ્રિસ્તીરાષ્ટ્રના લોકો પૈસાના પ્રેમી છે અને લશ્કરો પર ભરોસો મૂકનારા છે. તેમ જ, શું તેઓ પાદરીઓને મોટાં મોટાં નામો આપીને ઊંચા ગણતા નથી? ખ્રિસ્તીરાષ્ટ્રનું આવું અભિમાન જરૂર ઉતારવામાં આવશે. પરંતુ એ ક્યારે બનશે?

યહોવાહનો આવી રહેલો દિવસ

૧૦. પ્રેષિત પાઊલ અને પ્રેષિત પીતર યહોવાહના કયા દિવસ વિષે જણાવે છે?

૧૦ અગાઉના યરૂશાલેમ અને યહુદાહ પર આવેલા ન્યાયકરણના દિવસ કરતાં, વધુ મહત્ત્વના ‘પ્રભુ [યહોવાહ]ના દહાડા’ વિષે શાસ્ત્રવચનો જણાવે છે. પ્રેષિત પાઊલે યહોવાહની પ્રેરણાથી જણાવ્યું કે યહોવાહનો દિવસ અને રાજા બનેલા ઈસુ ખ્રિસ્તની હાજરી, એક જ સમય છે. (૨ થેસ્સાલોનીકી ૨:૧, ૨) પીતરે એમ જણાવ્યું કે એ દિવસે, “નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે,” એની સ્થાપના થશે. (૨ પીતર ૩:૧૦-૧૩) એ દિવસે જ, યહોવાહ ખ્રિસ્તીરાષ્ટ્ર સહિત, આખા દુષ્ટ જગત પર ન્યાયકરણ લઈ આવશે.

૧૧. (ક) “યહોવાહનો દિવસ” કોણ “સહન કરી” શકશે? (ખ) યહોવાહને કઈ રીતે આપણો આશ્રય બનાવી શકીએ?

૧૧ પ્રબોધક યોએલ કહે છે કે “તે દિવસને માટે અફસોસ! કેમકે યહોવાહનો દિવસ નજીક છે, ને તે સર્વશક્તિમાનની પાસેથી વિનાશરૂપે આવશે.” એ ‘દિવસ’ બહુ જ નજીક હોવાથી, શું દરેકે પોતાની ચિંતા કરવી જોઈએ નહિ? “કોણ તેને સહન કરી શકે?” યોએલ પૂછે છે. પછી જવાબ આપતા કહે છે: “યહોવાહ પોતાના લોકનો આશ્રય થશે.” (યોએલ ૧:૧૫; ૨:૧૧; ૩:૧૬) શું યહોવાહ અભિમાની લોકોના પણ આશ્રય બનશે, જેઓ ધનદોલત, લશ્કરો, અને પોતે બનાવેલા દેવોમાં ભરોસો મૂકે છે? ના, એમ કદી પણ નહિ બને! યહોવાહના પોતાના લોકોએ એમ કર્યું ત્યારે, તેમણે તેઓને પણ પડતા મૂક્યા. તેથી, એ ખૂબ જ જરૂરી છે કે યહોવાહના સર્વ સેવકો ‘નેકીનો માર્ગ શોધે, નમ્રતા શોધે’ અને એમ યહોવાહની ભક્તિને જીવનમાં પ્રથમ મૂકે!—સફાન્યાહ ૨:૨, ૩.

‘ચેણ તથા ચામાચેણ પાસે ફેંકવું’

૧૨, ૧૩. યહોવાહના દિવસે મૂર્તિપૂજકો પોતાની મૂર્તિઓને “ચેણ તથા ચામાચેણની પાસે ફેંકી દેશે,” એ શા માટે યોગ્ય છે?

૧૨ યહોવાહના મહાન દિવસે મૂર્તિપૂજકોની નજરમાં તેઓની મૂર્તિઓ કેવી હશે? યશાયાહ જવાબ આપે છે: “યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે માણસો તેના ભયથી, તથા તેના માહાત્મ્યના પ્રતાપથી ખડકોની ગુફાઓમાં તથા ભૂમિની ખોમાં પેસી જશે. તે દિવસે માણસ . . . સોનારૂપાની મૂર્તિ ચેણ તથા ચામાચેણની પાસે ફેંકી દેશે. જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના ભયથી, તથા તેના માહાત્મ્યના પ્રતાપથી, ખડકોનાં પોલાણમાં ને શિખરોની ફાટોમાં પેસી જશે. તમે માણસની આશા છોડો, કે જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં જ છે; તે શી ગણતરીમાં છે?”—યશાયાહ ૨:૧૯-૨૨.

૧૩ ચેણ જમીનમાં દર બનાવીને અને ચામાચેણ, અથવા ચામાચીડિયું અંધારી ગુફાઓમાં રહે છે. વધુમાં, ચામાચીડિયાનાં ટોળેટોળાં રહેતા હોય, એ જગ્યા એકદમ ગંધાતી હોય છે. મૂર્તિઓ આવી અંધારી અને ગંધાતી જગ્યામાં ફેંકી દેવાને જ યોગ્ય છે. એને ભજનારાઓ યહોવાહના ન્યાયકરણના દિવસે, ગુફાઓ અને ખડકોની ફાટમાં સંતાશે. આમ, મૂર્તિઓ અને એને પૂજનારાઓનો અંત સરખો જ હશે. યશાયાહની ભવિષ્યવાણી પ્રમાણે, ૬૦૭ બી.સી.ઈ.માં મૂર્તિઓ એના ભજનારાઓને કે યરૂશાલેમને નબૂખાદનેસ્સારના હાથમાંથી છોડાવી શકી નહિ.

૧૪. જૂઠા ધર્મોના જગત સામ્રાજ્ય પર આવનાર, યહોવાહના દિવસે લોકો શું કરશે?

૧૪ ખ્રિસ્તીરાષ્ટ્ર સહિત, જૂઠા ધર્મોના જગત સામ્રાજ્ય પર આવનાર યહોવાહના દિવસે લોકો શું કરશે? આખી પૃથ્વી પર બગડતી જતી પરિસ્થિતિ જોઈને, મોટા ભાગના લોકો જાણશે કે તેઓની મૂર્તિઓ નકામી છે. એને બદલે, તેઓ માણસોનાં સંગઠનોમાં આશ્રય શોધશે. એમાં પ્રકટીકરણના ૧૭માં અધ્યાયનું ‘કિરમજી રંગનું શ્વાપદ,’ યુનાઈટેડ નેશન્સ પણ હશે. એ સાંકેતિક જંગલી શ્વાપદના “દશ શિંગડાં” મહાન બાબેલોન, જૂઠા ધર્મોના જગત સામ્રાજ્યનો નાશ કરશે. એ સામ્રાજ્યનો મુખ્ય ભાગ ખ્રિસ્તીરાષ્ટ્ર છે.—પ્રકટીકરણ ૧૭:૩, ૮-૧૨, ૧૬, ૧૭.

૧૫. યહોવાહના ન્યાયકરણના દિવસે કઈ રીતે તે એકલા જ “શ્રેષ્ઠ મનાશે”?

૧૫ ભલે આ “દશ શિંગડાં” મહાન બાબેલોનને બાળીને ભસ્મ કરશે, છતાં એનાથી યહોવાહનો ન્યાયચુકાદો અમલમાં મૂકાશે. મહાન બાબેલોન વિષે, પ્રકટીકરણ ૧૮:૮ કહે છે: “એ માટે એક જ દિવસમાં તેના પર અનર્થો, એટલે મરણ તથા રૂદન તથા દુકાળ, આવશે; અને તેને અગ્‍નિથી બાળી નાખવામાં આવશે; કેમકે તેનો ન્યાય કરનાર પ્રભુ દેવ સમર્થ છે.” તેથી, જૂઠા ધર્મોથી છુટકારો અપાવવાનો મહિમા સર્વશક્તિમાન, યહોવાહને જાય છે. યશાયાહ કહે છે એમ જ, “એકલો યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે. કેમ કે . . . સૈન્યોના દેવ યહોવાહે મુકરર કરેલો દિવસ આવનાર છે.”—યશાયાહ ૨:૧૧ ખ, ૧૨.

‘ભમાવનારા આગેવાનો’

૧૬. (ક) માનવ સમાજ માટે ‘ટેકા તથા રોટલીનો’ અર્થ શું થાય? (ખ) યશાયાહના લોકો પાસેથી “ટેકો તથા રોટલી” લઈ લેવાથી, શું પરિણામ આવશે?

૧૬ માનવ સમાજ માટે “ટેકો તથા રોટલી” મહત્ત્વની જરૂરિયાતો છે. એમાં ખોરાક, પાણી, અને ખાસ કરીને વફાદાર આગેવાનો હોય એ બહુ જરૂરી છે. જેથી, તેઓ લોકોને દોરી શકે અને સમાજનું રક્ષણ કરી શકે. જો કે પ્રાચીન ઈસ્રાએલ વિષે યશાયાહ ભાખે છે: “જાઓ, સૈન્યોનો પ્રભુ યહોવાહ યરૂશાલેમમાંથી તથા યહુદાહમાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઈ લેનાર છે; શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોષી તથા વડીલ; સૂબેદાર તથા પ્રતિષ્ઠિત પુરુષ, મંત્રી તથા નિપૂણ કારીગર તથા ચતુર ઈલમીને તે લઈ લેશે.” (યશાયાહ ૩:૧-૩) બાળકો રાજા બની બેસશે અને મન ફાવે તેમ રાજ ચલાવશે. ફક્ત રાજાઓ જ નહિ, પણ “લોકો એકબીજા પર, . . . જુલમ ગુજારશે; છોકરો વડીલનો, ને નીચ માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.” (યશાયાહ ૩:૪, ૫) છોકરાંને વડીલો પ્રત્યે આદર નહિ હોય અને તેઓનો “તિરસ્કાર કરશે.” જીવન એટલું અઘરું બની જશે કે, લોકો ગમે તેને રાજા બનાવવા તૈયાર થઈ જશે. તેઓ કહેશે: “તારી પાસે વસ્ત્ર છે, ચાલ, તું અમારો અધિપતિ થા, આ ખંડિયેર તારા હાથ નીચે રહો.” (યશાયાહ ૩:૬) પરંતુ તેની પાસે દેશની હાલત સુધારવાની આવડત નથી કે ધન નથી, એમ કહીને તે ના પાડશે: “હું તો સુધારનાર થવાનો નથી; વળી મારા ઘરમાં કંઈ રોટલી નથી, ને કંઈ વસ્ત્ર પણ નથી; તમે મને લોકનો અધિપતિ ઠરાવશો નહિ.”—યશાયાહ ૩:૭.

૧૭. (ક) કઈ રીતે યરૂશાલેમ અને યહુદાહનાં પાપ ‘સદોમ જેવાં’ છે? (ખ) યશાયાહ પોતાના લોકોની હાલત માટે કોને દોષ આપે છે?

૧૭ યશાયાહ ઉમેરે છે: “યરૂશાલેમની પાયમાલી અને યહુદાહની પડતી થઈ છે; કારણ કે વાણીથી અને કરણીથી તેઓ યહોવાહની વિરૂદ્ધ તેની પવિત્ર દૃષ્ટિમાં ખોટું લાગે એમ વર્તે છે. તેઓનો પક્ષપાત તેઓની વિરૂદ્ધ સાક્ષી પૂરે છે; સદોમની પેઠે તેઓ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. અફસોસ છે તેમને! કેમકે તેઓએ પોતે પોતાનું ભૂંડું કર્યું છે.” (યશાયાહ ૩:૮, ૯) સાચા પરમેશ્વરના લોકોએ વાણી અને વર્તનથી, દરેક રીતે તેમની સામે બંડ પોકાર્યું છે. તેઓનાં બેશરમ પાપ સદોમ જેવાં ધિક્કારપાત્ર છે. તેથી, તેઓ યહોવાહ સાથે કરાર-સંબંધમાં છે, છતાં તે પોતાનાં ધોરણોમાં ઢીલ મૂકશે નહિ. “ન્યાયીને ધન્ય છે, તેનું કલ્યાણ થશે; તેઓ પોતાની કરણીનું ફળ ભોગવશે. દુષ્ટને અફસોસ! તેનું અકલ્યાણ થશે; કેમકે તે તેના હાથે કરેલા કૃત્યનું ફળ ભોગવશે. મારા લોક પર તો બાળકો જુલમ કરે છે, ને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. અરે મારા લોક! તમારા અગ્રેસરો તમને ભમાવનારા છે, તેઓએ તમારા ચાલવાના માર્ગ નષ્ટ કર્યા છે.”—યશાયાહ ૩:૧૦-૧૨.

૧૮. (ક) યશાયાહના સમયના વડીલો અને સરદારો પર યહોવાહ કયો ન્યાયચુકાદો જણાવે છે? (ખ) આગેવાનો પર યહોવાહના ન્યાયચુકાદાથી આપણે શું શીખી શકીએ?

૧૮ યહોવાહ યહુદાહના વડીલો અને સરદારોનો ‘ન્યાય કરે’ છે: “તમે તો દ્રાક્ષાવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારાં ઘરોમાં છે. તમે કેમ મારા લોકને છૂંદી નાખો છો, અને દરિદ્રીઓને નીચોવીને હેરાન કરો છો?” (યશાયાહ ૩: ૧૩-૧૫) લોકોનું ભલું કરવાને બદલે, આગેવાનો તેઓને લૂંટે છે. તેઓ જુલમી સત્તાથી પોતાનું પેટ ભરે છે અને ગરીબોના મોંમાથી કોળિયો ઝૂંટવી લે છે. પરંતુ, આ આગેવાનોએ કરેલા જુલમ માટે યહોવાહને હિસાબ આપવો પડશે. આજે જવાબદારી ઉઠાવનારા ભાઈઓ માટે કેવી ચેતવણી! તેઓ હંમેશા સાવધ રહે કે પોતે કદી પણ સત્તાનો લાભ ન ઉઠાવે.

૧૯. ખ્રિસ્તીરાષ્ટ્ર કયા જુલમ અને સતાવણી માટે દોષિત છે?

૧૯ ખ્રિસ્તીરાષ્ટ્ર અને ખાસ કરીને એના આગેવાનોએ લોકો પાસેથી ઘણું પડાવી લીધું છે. તેઓએ લોકો પર જુલમ કર્યો છે અને હજુ એમ કરવાનું ચાલુ જ રાખે છે. એણે યહોવાહના લોકોને અન્યાય કરીને ઘણી સતાવણી કરી છે. એણે યહોવાહના નામને કલંક લગાડ્યું છે. યોગ્ય સમયે, યહોવાહ એના પર પણ ન્યાયકરણ લાવશે.

“સુંદરતાને બદલે ડામ”

૨૦. યહોવાહ, “સિયોનની દીકરીઓ” પર શા માટે દોષ મૂકે છે?

૨૦ યહોવાહ, આગેવાનોનાં પાપ ખુલ્લા પાડીને, હવે સિયોન અથવા યરૂશાલેમની સ્ત્રીઓ તરફ ધ્યાન દોરે છે. “સિયોનની દીકરીઓ” ફેશન માટે છમ છમ કરતા “સાંકળાં,” અથવા ઝાંઝર પહેરે છે. એ સ્ત્રીઓ “ઠમકતી ઠમકતી” ચાલે છે, જાણે કે મોરની ચાલે ચાલી જતી પાતળી નાર જોઈ લો. જો કે એમાં વાંધો શું છે? હા, વાંધો આ સ્ત્રીઓનાં વલણમાં છે. યહોવાહ કહે છે: “સિયોનની દીકરીઓ ગર્વિષ્ટ છે, તેઓ માથું ઊંચું રાખીને, કટાક્ષ મારતી, . . . ચાલે છે.” (યશાયાહ ૩:૧૬) આવા અભિમાનની શિક્ષા જરૂર થશે.

૨૧. યરૂશાલેમ પર યહોવાહના ન્યાયકરણથી યહુદી સ્ત્રીઓ પર કેવી અસર થશે?

૨૧ એ માટે, યહોવાહ એ દેશનો ન્યાય કરશે ત્યારે, આ અભિમાની “સિયોનની દીકરીઓ” બધુ જ ગુમાવશે. તેઓ જેના પર ગર્વ લે છે, એ સુંદરતા પણ ગુમાવી બેસશે. યહોવાહ ભાખે છે: “પ્રભુ સિયોનની દીકરીઓના માથાને ઉંદરીવાળું કરી નાખશે, અને યહોવાહ તેમને ઉઘાડાં કરશે. તેજ દિવસે પ્રભુ કલ્લાંની શોભા લઈ લેશે, માથાબાંધણાં, ચંદનહાર; ઝુમખા, બંગડીઓ, ઘુમટા; મુગટો, સાંકળાં, પટકા, અત્તરદાનીઓ, માદળીઆં; વીંટી, નથ; ઉત્તમ વસ્ત્રો, ઝભાઓ, શાલો, વાટવા; આરસીઓ, બદનો, પાઘડીઓ તથા બુરખાઓ તે બધું લઈ લેવામાં આવશે.” (યશાયાહ ૩:૧૭-૨૩) કેવો આસમાન જમીનનો ફરક પડી ગયો!

૨૨. યરૂશાલેમની સ્ત્રીઓએ શણગારની સાથે સાથે બીજું શું ગુમાવ્યું?

૨૨ ભવિષ્યવાણી આગળ કહે છે: “ત્યારે સુગંધને બદલે દુર્ગંધ થશે; પટકાના બદલામાં દોરડું; ગુંથેલા કેશને બદલે તાલ; ઝભાને બદલે તાટની કછોટી; અને સુંદરતાને બદલે ડામ થશે.” (યશાયાહ ૩:૨૪) યરૂશાલેમની અભિમાની સ્ત્રીઓ, ૬૦૭ બી.સી.ઈ.માં અમીરમાંથી ગરીબ બની ગઈ. તેઓની સ્વતંત્રતા ગઈ અને ગુલામીનો “ડામ” લાગ્યો.

‘તે ખાલી થઈ જશે’

૨૩. યરૂશાલેમ વિષે યહોવાહ શું કહે છે?

૨૩ હવે યરૂશાલેમ શહેર વિષે, યહોવાહ કહે છે: “તારા પુરુષો તરવારથી, ને તારા શૂરવીરો લડાઇમાં પડશે. તેની ભાગળોમાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.” (યશાયાહ ૩:૨૫, ૨૬) યરૂશાલેમના પુરુષો, હા, શૂરવીરો પણ લડાઈમાં માર્યા જશે. શહેરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. “તેની ભાગળોમાં શોક તથા વિલાપ થઈ રહેશે.” યરૂશાલેમ ‘ખાલી થઈ જશે’ અને ઉજ્જડ બનશે.

૨૪. લડાઈમાં માર્યા ગયેલા પુરુષોને કારણે, યરૂશાલેમની સ્ત્રીઓની કેવી બૂરી હાલત થાય છે?

૨૪ લડાઈમાં પુરુષો માર્યા જવાથી, યરૂશાલેમની સ્ત્રીઓની હાલત બૂરી થશે. યશાયાહ આ ભવિષ્યવાણી સમાપ્ત કરતા કહે છે: “તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, અમે અમારી પોતાની રોટલી ખાઈશું અને અમારાં પોતાનાં વસ્ત્ર પહેરીશું; માત્ર તારૂં નામ અમને આપ, અને અમારૂં અપમાન ટાળ.” (યશાયાહ ૪:૧) પુરુષોની એટલી અછત હશે કે, એક જ પુરુષને ઘણી સ્ત્રીઓ પરણવા તૈયાર થશે, જેથી કુંવારી રહી ન જાય અને પોતાનું અપમાન ટાળી શકે. મુસાના નિયમ પ્રમાણે, એ પતિની જવાબદારી હતી કે પત્નીને જોઈતી જરૂરિયાતો પૂરી પાડે. (નિર્ગમન ૨૧:૧૦) જો કે આ સ્ત્રીઓ ‘પોતાની રોટલી અને વસ્ત્ર’ જાતે મેળવીને, પુરુષોને એ ફરજમાંથી મુક્ત કરવા પણ તૈયાર હતી. એક વખતની અભિમાની “સિયોનની દીકરીઓ” કેવી દશામાં આવી પડી!

૨૫. અભિમાની લોકોનું ભાવિ શું છે?

૨૫ યહોવાહ અભિમાની લોકોને જરૂર શરમાવશે. તેમણે ૬૦૭ બી.સી.ઈ.માં અભિમાની બની ગયેલા પોતાના લોકોને ખરેખર શરમાવ્યા. તેઓનું “અભિમાન ઊતારવામાં” આવ્યું. સાચા ખ્રિસ્તીઓ હંમેશા યાદ રાખે કે “દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.”—યાકૂબ ૪:૬.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૫૦ પર ચિત્ર]

યહોવાહના દિવસે મૂર્તિઓ, ધનદોલત અને લશ્કરોએ યરૂશાલેમને બચાવ્યું નહિ

[પાન ૫૫ પર ચિત્ર]

“યહોવાહના દિવસે” જૂઠા ધર્મોના જગત સામ્રાજ્યનો વિનાશ થશે