યહોવાહ તૂરનું અભિમાન ઉતારે છે
ઓગણીસમું પ્રકરણ
યહોવાહ તૂરનું અભિમાન ઉતારે છે
૧, ૨. (ક) પ્રાચીન તૂર કેવું શહેર હતું? (ખ) યશાયાહે તૂર વિષે શું ભાખ્યું?
તે “પૂરેપૂરૂં ખૂબીદાર” અને “સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ” ધરાવતું હતું. (હઝકીએલ ૨૭:૪, ૧૨) તેના વહાણો દૂર દૂરના દેશોની મુસાફરી કરતા હતા. તે “ભરસમુદ્રમાં પૂર્ણ સમૃદ્ધિવાન” બન્યું, અને તેના ‘પુષ્કળ દ્રવ્યથી તે પૃથ્વીના રાજાઓને ધનાઢ્ય કરતું.’ (હઝકીએલ ૨૭:૨૫, ૩૩) આ વર્ણન ૭મી સદી બી.સી.ઈ.માંના તૂરનું છે, જે ભૂમધ્ય સમુદ્રની છેક પૂર્વે આવેલું ફોનેસિયન શહેર હતું.
૨ તેમ છતાં, હવે તૂરના દિવસો ગણાઈ રહ્યા હતા. હઝકીએલે તેનું વર્ણન કર્યું, એના કંઈક ૧૦૦ વર્ષ પહેલાં, યશાયાહ પ્રબોધકે આ ફોનેસિયન કિલ્લેબંધ શહેરના વિનાશ અને તેના પર આધાર રાખનારાઓ પર જે દુઃખો આવી પડશે, એના વિષે ભાખ્યું. યશાયાહે એ પણ ભાખ્યું કે અમુક સમય પછી, યહોવાહ પરમેશ્વર એ શહેરને ધ્યાન આપશે અને એને ફરીથી સમૃદ્ધિ આપશે. પ્રબોધકના એ શબ્દો કઈ રીતે પૂરા થયા? અને તૂરની જે હાલત થઈ, એના પરથી આપણે શું શીખી શકીએ? તૂર પર શું આવી પડ્યું અને શા માટે એમ બન્યું, એની સમજણ લેવાથી, યહોવાહ અને તેમના વચનોમાં આપણો વિશ્વાસ દૃઢ થશે.
‘હે તાર્શીશનાં વહાણો, વિલાપ કરો!’
૩, ૪. (ક) તાર્શીશ ક્યાં હતું અને તૂર તથા તાર્શીશને શું સંબંધ હતો? (ખ) તાર્શીશ સાથે વેપાર કરનારાઓ શા માટે ‘વિલાપ કરશે’?
૩ “તૂર વિષે દેવવાણી” કરતા યશાયાહે કહ્યું: “હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમકે તે પાયમાલ થયું છે, અને પ્રવેશ કરવાની ગોદી નથી.” (યશાયાહ ૨૩:૧ ક) એમ માનવામાં આવે છે કે તાર્શીશ સ્પેનનો ભાગ હતું, જે ભૂમધ્ય સમુદ્રની છેક પૂર્વે આવેલા તૂરથી ઘણું દૂર હતું. * તેમ છતાં, ફોનિસિયનો કુશળ નાવિક હતા અને તેઓનાં વહાણો મોટાં હોવાથી, એ દરિયાની મુસાફરી માટે યોગ્ય હતા. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે, સૌ પ્રથમ ફોનેસિયનોએ જ ચંદ્ર અને ભરતી વચ્ચેનો સંબંધ જોયો હતો તથા દરિયામાં મુસાફરી કરવા ખગોળશાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેથી, તૂરથી તાર્શીશની લાંબી મુસાફરી તેઓ માટે કોઈ મુશ્કેલ વાત ન હતી.
૪ યશાયાહના સમયે, દૂર આવેલું તાર્શીશ તો તૂર માટે બજાર હતું, જે કદાચ તેના જમાનામાં ધનદોલત ભેગી કરવાની જગ્યા હતું. સ્પેનમાં અઢળક રૂપું, લોઢું, કલાઈ અને બીજા ધાતુની ખાણો હતી. (યિર્મેયાહ ૧૦:૯; હઝકીએલ ૨૭:૧૨ સરખાવો.) “તાર્શીશનાં વહાણો” મોટે ભાગે તાર્શીશ સાથે વેપાર કરવા તૂરથી જતા વહાણો હોય શકે. જેઓ ‘વિલાપ કરશે,’ કારણ કે તેઓની પોતાની ગોદી, અથવા બંદરનો વિનાશ થયો હશે.
૫. તાર્શીશથી આવતા નાવિકોને તૂરના વિનાશ વિષે ક્યારે ખબર પડશે?
૫ નાવિકોને તૂરના વિનાશ વિષે કેવી રીતે ખબર પડશે? યશાયાહ જવાબ આપે છે: “કિત્તીમ દેશથી આવતાં તેઓને એવી ખબર મળે છે.” (યશાયાહ ૨૩:૧ ખ) “કિત્તીમ દેશ” મોટા ભાગે સૈપ્રસનો ટાપુ હોય શકે, જે ફોનેસિયન દરિયાકાંઠાની લગભગ ૧૦૦ કિલોમીટર પશ્ચિમે આવેલો હતો. તાર્શીશથી પૂર્વ તરફ જતાં વહાણો તૂર પહોંચતા પહેલાં રોકાતા એવી આ છેલ્લી જગ્યા હતી. તેથી, તેઓ સૈપ્રસમાં થોભે ત્યારે, તેઓને સમાચાર મળી જશે કે, પોતાના ઘરના બંદરનો વિનાશ થઈ ગયો છે. તેઓ કેવા આઘાત પામશે! ખૂબ દુઃખી થઈને, બીકના માર્યા તેઓ ‘વિલાપ કરશે.’
૬. તૂર અને સીદોનના સંબંધનું વર્ણન કરો.
૬ ફોનેસિયન દરિયાકાંઠાના લોકો પણ શોક કરશે. પ્રબોધક કહે છે: “હે બેટવાસીઓ, છાના રહો; સમુદ્ર પર પર્યટન કરનારા સીદોનના વેપારીઓએ તમને સમૃદ્ધ કર્યા; તમે છાના રહો. જળનિધિ પર શીહોરનું બીજ તથા નીલ નદીની પેદાશ તેની આવક હતી; અને તે વિદેશીઓનું બજાર હતો.” (યશાયાહ ૨૩:૨, ૩) “બેટવાસીઓ” એટલે કે તૂરના પડોશીઓ ભયંકર વિનાશથી ચોંકી જઈને શાંત થઈ જશે. “સીદોનના વેપારીઓ” કોણ છે, જેઓએ આ લોકોને “સમૃદ્ધ કર્યા” છે અને ધનવાન બનાવ્યા છે? મૂળ તૂર તો દરિયાકાંઠાના સીદોનના રહેવાસીઓ હતા, જે ફક્ત ૩૫ કિલોમીટરે ઉત્તર તરફ આવેલું હતું. સીદોનના સિક્કાઓ પર સીદોને પોતાનું વર્ણન તૂરની માતા તરીકે કર્યું હતું. ભલે ધનદોલતમાં તૂર સીદોનથી આગળ નીકળી જવા છતાં, તે ‘સીદોનની દીકરી’ હતું. તેના લોકો પોતાને સીદોનીઓ તરીકે ઓળખાવતા હતા. (યશાયાહ ૨૩:૧૨) તેથી, “સીદોનના વેપારીઓ” શબ્દો કદાચ તૂરના વેપારીઓને સૂચવતા હોય શકે.
૭. સીદોનના વેપારીઓ કઈ રીતે કમાણી કરતા હતા?
૭ વેપારધંધો કરવા માટે ધનવાન સીદોની વેપારીઓ ભૂમધ્ય સમુદ્ર પાર કરતા. તેઓ ઘણી જગ્યાઓએ શીહોરનું બીજ કે અનાજ લઈ જતા, અરે છેક નાઈલ નદીના માર્ગે થઈને મિસર સુધી જતા. (યિર્મેયાહ ૨:૧૮ સરખાવો.) ‘નાઈલ નદીની પેદાશમાં’ મિસરની પેદાશનો પણ સમાવેશ થાય છે. આ રીતે ચીજ-વસ્તુઓનો વેપારધંધો કરીને અદલા-બદલી કરવી, એ દરિયામાં ફરતા વેપારીઓ અને જે દેશો સાથે ધંધો કરતા, તેઓના પણ લાભમાં જ હતું. આમ, સીદોની વેપારીઓ તૂર માટે કમાણી કરતા હતા. ખરેખર, તેઓ તેના વિનાશ પર વિલાપ કરશે!
૮. તૂરના વિનાશની સીદોન પર શું અસર પડશે?
૮ હવે, યશાયાહ સીદોનને આમ કહે છે: “હે સીદોન, તું લજ્જિત થા; કેમકે સમુદ્રે, એટલે સમુદ્રના કિલ્લાએ, આ પ્રમાણે કહ્યું છે, હું પ્રસવવેદના પામી નથી, મેં જણ્યું નથી, જુવાનોને ઉછેર્યા નથી, ને કન્યાઓને મોટી કરી નથી.” (યશાયાહ ૨૩:૪) તૂરના વિનાશ પછી, એનો દરિયાકાંઠો ખાલી અને ઉજ્જડ થઈ જશે. દરિયો જાણે કે રડીને પોકારી ઊઠશે, જેમ કોઈ મા પોતાના બાળકો ગુમાવી બેસે અને એટલી દુઃખી થઈ જાય કે તેઓ હતા જ નહિ એમ કહેવા લાગે. તેની દીકરીને જે થશે, એ કારણે સીદોન ખરેખર શરમાશે.
૯. તૂરના વિનાશ પછી લોકો જે શોક કરશે, એ બીજા કયા બનાવોની ખબર પછીના શોક સાથે સરખાવી શકાય?
૯ અરે, તૂરના વિનાશના સમાચાર તો દૂર દૂર સુધી શોક ફેલાવી દેશે. યશાયાહ કહે છે: “મિસરની ખબરની જેમ જ, તેઓ તૂરની ખબર સાંભળીને ખેદ પામશે.” (યશાયાહ ૨૩:૫, NW) મિસરની ખબર સાંભળીને જે દુઃખ થયું હતું, એના જેવું જ દુઃખ અને શોક ફેલાશે. પ્રબોધક કઈ ખબર વિષે વાત કરતા હતા? બની શકે કે “મિસર વિષે દેવવાણી” પૂરી થયાની ખબર હોય. * (યશાયાહ ૧૯:૧-૨૫) અથવા તો પ્રબોધકનો કહેવાનો અર્થ, મુસાના દિવસોની ખબર હોય, જ્યારે ફારૂનના લશ્કરનો વિનાશ થઈ જવાથી તેઓના હાંજા ગગડી ગયા હતા. (નિર્ગમન ૧૫:૪, ૫, ૧૪-૧૬; યહોશુઆ ૨:૯-૧૧) ભલે ગમે એ હોય, પણ તૂરના વિનાશની ખબર સાંભળનારા અતિશય દુઃખમાં ગરક થઈ જશે. તેઓને દૂર તાર્શીશમાં નાસી જવાની અને શોક કરવાની આજ્ઞા આપવામાં આવે છે: “સમુદ્ર ઓળંગીને તાર્શીશ જાઓ; હે બેટવાસીઓ, વિલાપ કરો.”—યશાયાહ ૨૩:૬.
“પુરાતન” સમયથી આનંદી
૧૦-૧૨. તૂરની ધનદોલત, ઇતિહાસ અને એના પ્રભાવનું વર્ણન કરો.
૧૦ તૂર બહુ જૂના જમાનાનું શહેર છે, આપણને યશાયાહના પ્રશ્ન પરથી ખબર પડે છે: “જેની પ્રાચીનતા પુરાતન છે, . . . તે શું આ તમારી આનંદી નગરી છે?” (યશાયાહ ૨૩:૭ ક) સોર અથવા તૂરનો સમૃદ્ધ ઇતિહાસ છેક યહોશુઆના સમય સુધી જાય છે. (યહોશુઆ ૧૯:૨૯) વર્ષો જતાં, તૂર અલગ અલગ ધાતુની અને કાચની ચીજ-વસ્તુઓ, તથા જાબુંડા રંગ માટે જાણીતું થઈ ગયું. તૂરના જાંબુડી રંગના ઝભ્ભાની મોં માંગી કિંમત મળે, અને તૂરના મોંઘા કપડા પાછળ તો અમીરો ગાંડા થઈ જતા હતા. (હઝકીએલ ૨૭:૭, ૨૪ સરખાવો.) તૂર જમીન માર્ગે થતા વેપાર-ધંધાની પણ જગ્યા હતી, અને માલ લાવવા-મોકલવાનું બંદર પણ હતું.
૧૧ વળી, શહેર લશ્કરીય રીતે પણ જોરાવર હતું. એલ. સ્પ્રાગ દ કેમ્પ લખે છે: “તેઓ વેપારીઓ હતા, સૈનિકો નહિ. તેમ છતાં, ફોનિસયનો પોતાના શહેરોનું રક્ષણ જોરદાર હિંમત અને પીછેહઠ કર્યા વિના કરતા. એ ગુણો અને તેઓના નૌકા સૈન્યની શક્તિથી જ, તૂરના લોકો સૌથી શક્તિશાળી આશ્શૂરી લશ્કર સાથે લડ્યા હતા.”
૧૨ ખરેખર, ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલા જગતમાં તૂરે પોતાનું નામ બનાવ્યું હતું. “જેના પગ પ્રવાસ કરવા સારૂ તેને દૂર લઈ જતા.” (યશાયાહ ૨૩:૭ ખ) ફોનેસિયનો દૂર દૂર સુધી મુસાફરી કરતા, અને વેપારી સ્થળો અને બંદરો ઊભા કરતા. જેમાંથી ઠેરઠેર તેઓનો વસવાટ વધતો. દાખલા તરીકે, આફ્રિકાના ઉત્તર દરિયાકાંઠે આવેલું, કાર્થેજ તૂરનો વસવાટ હતો. સમય જતાં, તે તૂરથી પણ આગળ નીકળી જશે અને ભૂમધ્ય દરિયા કિનારાના જગતમાં સત્તા જમાવવા માટે રોમની સાથે હરીફાઈ કરશે.
તેનું અભિમાન ઊતારવામાં આવશે
૧૩. તૂરની વિરુદ્ધ ભવિષ્યવાણી કરવાની હિંમત વિષે, શા માટે પ્રશ્ન ઊભા થાય છે?
૧૩ તૂરનો ઇતિહાસ અને ધનદોલત જોતા, આ પ્રશ્ન ઊભો થાય છે: “અન્યોને મુગટ પહેરાવનાર તૂર, જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરૂદ્ધ આ કોણે ઠરાવ્યું છે?” (યશાયાહ ૨૩:૮) “મુગટ પહેરાવનાર” એટલે કે પોતાની કોલોનીઓ અને બીજે ઊંચી સત્તા અને સ્થાને, શક્તિશાળી વ્યક્તિઓને નીમનાર શહેર વિરુદ્ધ બોલવાની હિંમત કોની થાય? જેના વેપારીઓ સરદારો હોય અને જેના સોદાગરો પૃથ્વીના માનવંતા હોય, એવી નગરી સામે થવાની તાકાત કોની હોય? મોરીસ કેહાબ, જે બૈરુત, લેબનોનના રાષ્ટ્રીય મ્યુઝિયમના પ્રાચીન ઇતિહાસના અગાઉના સંચાલક હતા, તેમણે કહ્યું: “નવમીથી છઠ્ઠી સદી બી.સી. સુધીનું તૂરનું મહત્ત્વ, વીસમી સદીની શરૂઆતના લંડનના મહત્ત્વ જેટલું હતું.” તેથી, આ શહેરની વિરુદ્ધ કોણ બોલી શકે?
૧૪. તૂર વિરુદ્ધ કોણે ન્યાયચુકાદો જાહેર કર્યો અને શા માટે?
૧૪ પરમેશ્વરનો જવાબ સાંભળીને તૂર કાંપી ઊઠશે. યશાયાહ કહે છે: “સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા, ને પૃથ્વીના સર્વ માનવંતોને હલકા પાડવા માટે સૈન્યોના દેવ યહોવાહે એવું ઠરાવ્યું છે.” (યશાયાહ ૨૩:૯) યહોવાહ પરમેશ્વર શા માટે આ ધનવાન, જૂના શહેર વિરુદ્ધ ન્યાયચુકાદો જાહેર કરે છે? શું તેના લોકો જૂઠા દેવ બઆલના ભક્તો છે? શું સીદોન અને તૂરના રાજા, એથ્બઆલની દીકરી, ઈઝેબેલ સાથેના તૂરના સંબંધને કારણે, જે ઈસ્રાએલના રાજા આહાઝને પરણી અને યહોવાહના પ્રબોધકોને મારી નંખાવ્યા? (૧ રાજાઓ ૧૬:૨૯, ૩૧; ૧૮:૪, ૧૩, ૧૯) એ બંને સવાલના જવાબ છે, ના. તૂરને દોષિત ઠરાવવાનું કારણ તેનું અભિમાન છે. ઈસ્રાએલી લોકો સહિત, બીજા લોકોના ભોગે તે ધનવાન બન્યું છે. નવમી સદી બી.સી.ઈ.માં, યહોવાહે પ્રબોધક યોએલ દ્વારા તૂર અને બીજા શહેરોને કહ્યું: “યહુદાહના વંશજોને તથા યરૂશાલેમના લોકોને તમે ગ્રીસના લોકોને વેચ્યા છે, કે જેથી તમે તેઓને પોતાના દેશથી દૂર કરી શકો.” (યોએલ ૩:૬) શું યહોવાહ બેસીને જોયા કરશે, જ્યારે તૂર તેમના પોતાના લોકોને વેચવાના માલ જેવા કરશે?
૧૫. નબૂખાદનેસ્સાર યરૂશાલેમનો નાશ કરશે ત્યારે, તૂર શું કરશે?
૧૫ તૂર એકસો વર્ષ પછી પણ બદલાશે નહિ. બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારનું લશ્કર ૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમનો નાશ કરે છે ત્યારે, તૂર ખુશ થાય છે: “વાહવાહ, જે નગરી [યરૂશાલેમ] પ્રજાઓનો દરવાજો હતો તે ભાંગી ગઈ છે; તે મારી તરફ વળી છે; હવે તે ઉજ્જડ થઈ છે, માટે હું સમૃદ્ધિવાન થઈશ.” (હઝકીએલ ૨૬:૨) યરૂશાલેમના વિનાશથી લાભ થશે, એવી આશા રાખીને તૂર ખુશ થશે. યહુદાહનું પાટનગર હવેથી ચડિયાતું નહિ હોય, એટલે તેને લાગે છે કે પોતાનો વેપાર-ધંધો વધશે. પરંતુ, પોતાને એવા ‘માનવંતા’ ગણાવનાર, અને ઘમંડી થઈને પોતાના લોકોના દુશ્મનો સાથે ભળી જનારને, યહોવાહ પાઠ ભણાવશે.
૧૬, ૧૭. તૂરનો વિનાશ થશે ત્યારે એના લોકોનું શું થશે? (ફૂટનોટ જુઓ.)
૧૬ તૂર વિરુદ્ધ યહોવાહનો ચુકાદો આગળ જણાવતા યશાયાહ કહે છે: “હે તાર્શીશની દીકરી, નીલ નદીની પેઠે તારા દેશમાં ઊભરાઈ જા; હવે પછી તને પટો બાંધેલો નથી. તેણે પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; યહોવાહે કનાન [અથવા, ફોનેસિયા] વિષે આજ્ઞા આપી છે, કે તેના કિલ્લાઓનો નાશ કરવો. તેણે કહ્યું, જેના પર બલાત્કાર થયો છે એવી સીદોનની કુંવારી દીકરી, તું હવે પછી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; હા, ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”—યશાયાહ ૨૩:૧૦-૧૨.
૧૭ તૂરને શા માટે “તાર્શીશની દીકરી” કહેવામાં આવે છે? કદાચ એ કારણ હોય શકે કે તૂરની હાર થશે, એ પછી તાર્શીશ વધારે શક્તિશાળી શહેર બનશે. * નદીમાં પૂર આવે ત્યારે તેના કાંઠા છલકાય જાય અને આજુબાજુની જમીન પર પાણી ફેલાય જાય એમ, વિનાશ થયેલા તૂરના લોકો વિખેરાઈ જશે. “તાર્શીશની દીકરી” માટેનો યશાયાહનો સંદેશો તૂરની જે બૂરી હાલત થશે, એના પર ભાર મૂકે છે. ખુદ યહોવાહનો હાથ તેની વિરુદ્ધ થયો છે અને તે હુકમ આપે છે. તેમનો નિર્ણય કોઈ બદલી શકતું નથી.
૧૮. તૂરને “સીદોનની કુંવારી દીકરી” શા માટે કહેવામાં આવે છે, અને તેની હાલત કઈ રીતે બદલાઈ જશે?
૧૮ યશાયાહ તૂરને “સીદોનની કુંવારી દીકરી” કહે છે, જે દર્શાવે છે કે કોઈ વિદેશી વિજેતા દ્વારા અગાઉ એની આવી લૂંટ અને નાશ થયો ન હતો. તેમ જ, હજુ પણ તે કોઈની આગળ નમતું જોખતું નથી. (૨ રાજાઓ ૧૯:૨૧; યશાયાહ ૪૭:૧; યિર્મેયાહ ૪૬:૧૧ સરખાવો.) જો કે હવે તેનો વિનાશ થશે અને નાસી છૂટતા શરણાર્થીઓની જેમ, તેના કેટલાક લોકો સમુદ્ર ઓળંગીને કિત્તીમની ફોનેસિયન કોલોનીમાં જશે. પરંતુ, પોતાની ધનદોલત ગુમાવી દીધી હોવાથી, તેઓને ત્યાં પણ ચેન પડશે નહિ.
ખાલદીઓ તેની બૂરી હાલત કરશે
૧૯, ૨૦. તૂર પર જીત મેળવનાર કોણ હશે અને એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?
૧૯ તૂર પર યહોવાહનો ન્યાયચુકાદો કોણ અમલમાં મૂકશે? યશાયાહ જાહેર કરે છે: “જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને અરણ્યવાસીઓને સારૂ વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો. હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમકે તમારો કિલ્લો પાયમાલ થયો છે.” (યશાયાહ ૨૩:૧૩, ૧૪) આશ્શૂરીઓ નહિ, પણ ખાલદીઓ તૂરને જીતી લેશે. તેઓ બુરજો ઊભા કરશે, તૂરમાં રહેવાની જગ્યાને જમીનદોસ્ત કરી નાખશે, અને તાર્શીશના વહાણોના કિલ્લાનો ભૂક્કો બોલાવી દેશે.
૨૦ ભવિષ્યવાણી પ્રમાણે જ, યરૂશાલેમના વિનાશના થોડા જ સમય પછી, તૂર બાબેલોનની સામે થાય છે. નબૂખાદ્નેસ્સાર એ શહેરને ઘેરો ઘાલે છે. પરંતુ, તૂર તો પોતાને અજેય માને છે અને સામે લડે છે. એ સમયે, બાબેલોનના સૈનિકોના માથા ટોપા પહેરીને ‘બોડા થઈ’ ગયા, અને ઘેરો ઘાલવાના સાધનો ઉપાડી ઉપાડીને તેઓના “ખભા છોલાઈ ગયા.” (હઝકીએલ ૨૯:૧૮) નબૂખાદનેસ્સારને એ ઘેરો ઘાલવો ભારે પડ્યો. કિનારા પરના તૂરનો તો વિનાશ થયો, પણ એની દોલત તેના હાથમાંથી છટકી ગઈ. તૂરનો મોટા ભાગનો ખજાનો કિનારાથી લગભગ અડધો માઈલ દરિયામાં આવેલા નાનકડા ટાપુ પર મોકલી દેવામાં આવ્યો હતો. આ ખાલદી રાજા પાસે પૂરતી નૌકાસેના ન હોવાથી, તે પેલો ટાપુ જીતી ન શક્યો. આખરે, ૧૩ વર્ષ પછી તૂર સમજૂતી કરીને શરણે થયું, પણ તે બચી જશે અને બીજી ભવિષ્યવાણીઓ પૂરી થતા જોશે.
“તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે”
૨૧. તૂર કઈ રીતે “વિસારે પડી જશે?”
૨૧ યશાયાહ ભાખવાનું ચાલુ રાખે છે: “તે દિવસે એક રાજાની કારકિર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર વિસારે પડી જશે.” (યશાયાહ ૨૩:૧૫ ક) બાબેલોનીઓ દ્વારા કિનારા પરના શહેરનો નાશ થયા પછી, તૂરનું ટાપુ પરનું શહેર “વિસારે પડી જશે.” ભાખવામાં આવ્યું હતું એમ જ, “એક રાજા” એટલે બાબેલોનના સામ્રાજ્ય દરમિયાન, તૂરના ટાપુનું નાણાકીય જગતમાં કોઈ નામ રહેશે નહિ. યિર્મેયાહ દ્વારા યહોવાહે કરેલી ભવિષ્યવાણીમાં તૂરનો પણ સમાવેશ કર્યો, જેઓને તેમના કોપનો પ્યાલો પીવો પડશે. તે કહે છે: “આ પ્રજાઓ સિત્તેર વર્ષ સુધી બાબેલના રાજાની સેવા કરશે.” (યિર્મેયાહ ૨૫:૮-૧૭, ૨૨, ૨૭) ખરું કે તૂરનો ટાપુ બાબેલોની સત્તા હેઠળ પૂરા ૭૦ વર્ષો સુધી રહેતો નથી, કેમ કે પ૩૯ બી.સી.ઈ.માં બાબેલોન સામ્રાજ્યનો અંત આવે છે. આ ૭૦ વર્ષ તો બાબેલોનની મહાન સત્તાને રજૂ કરે છે, જ્યારે બાબેલોનના રાજવંશે પોતાની સત્તા “દેવના તારાઓ કરતાં” પણ ઊંચી કરી હોવાની બડાઈ હાંકી હતી. (યશાયાહ ૧૪:૧૩) અલગ અલગ દેશો એ સત્તા હેઠળ જુદા જુદા સમયે આવી ગયા. પરંતુ, ૭૦ વર્ષને અંતે એ સત્તા ભાંગી પડશે. એ સમયે, તૂરનું શું થશે?
૨૨, ૨૩. બાબેલોનની સત્તામાંથી છૂટ્યા પછી, તૂરનું શું થશે?
૨૨ યશાયાહ આગળ કહે છે: “તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને વેશ્યાના ગાયન પ્રમાણે થશે. હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, પુષ્કળ ગા, જેથી તું યાદ આવે. સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવાહ તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં દુનિયાનાં સર્વ રાજ્યોની સાથે વેશ્યાનો ધંધો ચલાવશે.”—યશાયાહ ૨૩:૧૫ ખ-૧૭.
૨૩ બાબેલોનનો ૫૩૯ બી.સી.ઈ.માં વિનાશ થયા પછી, ફોનેસિયા માદાય-ઈરાન સામ્રાજ્યનું તાબેદાર રાજ્ય બન્યું. ઈરાની રાજા, કોરેશ બહુ જ ભલો રાજા છે. આ નવા શાસન હેઠળ, તૂર પોતાના અગાઉના કામ ચાલુ રાખશે, અને ફરીથી વેપાર-ધંધામાં દુનિયામાં મહત્ત્વનું સ્થાન મેળવવા સખત મહેનત કરશે. જેમ કે, કોઈ વેશ્યા જે ભૂલાઈ ગઈ હોય અને પોતાના ઘરાક ગુમાવી દીધા હોય, તે નવા ઘરાકો શોધવા શહેરમાં વીણા વગાડતી અને ગીતો ગાતી ભટકતી ફરે. શું તૂર સફળ થશે? હા, યહોવાહ તેને સફળ થવા દેશે. સમય જતાં, આ ટાપુનું શહેર એટલું ધનવાન બની જશે કે, છઠ્ઠી સદી બી.સી.ઈ.ના અંતે, પ્રબોધક ઝખાર્યાહ કહેશે: “તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો, ને ધૂળની પેઠે રૂપાના તથા શેરીના કાદવની પેઠે ચોખ્ખા સોનાના ઢગલા કર્યા.”—ઝખાર્યાહ ૯:૩.
‘તેની કમાણી અર્પણ થશે’
૨૪, ૨૫. (ક) તૂરની કમાણી કઈ રીતે યહોવાહને અર્પણ થઈ? (ખ) તૂરે યહોવાહના લોકોને મદદ કરી છતાં, તેના વિષે તેમણે કઈ ભવિષ્યવાણી ભાખી?
૨૪ હવે પછીના ભાખેલા શબ્દો કેટલા નોંધનીય છે! “તેની કમાઈ તથા તેનો પગાર યહોવાહને અર્પણ થશે; તે ખજાનામાં ભરાશે નહિ, ને રાખી મૂકાશે નહિ; કેમકે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારાને સારૂ થશે, કે તેઓ ધરાઈને ખાય, ને ઉત્તમ વસ્ત્ર પહેરે.” (યશાયાહ ૨૩:૧૮) તૂરની કમાણી કઈ રીતે યહોવાહને અર્પણ કરવાને યોગ્ય બનશે? હકીકતમાં, યહોવાહે એ સર્વ બાબતો પોતાની ઇચ્છા પ્રમાણે થવા દીધી છે, જેથી પોતાના લોકો ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે. આ એ સમયે બને છે, જ્યારે ઈસ્રાએલી લોકો બાબેલોનના બંદીવાસમાંથી પાછા ફરે છે. તૂરના લોકોએ તેઓને મંદિર ફરીથી બાંધવા માટે દેવદારનું લાકડું આપીને સહાય કરી. તેઓએ યરૂશાલેમ સાથે ફરીથી વેપાર-ધંધો ચાલુ કર્યો.—એઝરા ૩:૭; નહેમ્યાહ ૧૩:૧૬.
૨૫ તેમ છતાં, યહોવાહ તૂરની વિરુદ્ધ બીજી ભવિષ્યવાણી કરવા પ્રેરણા આપે છે. ઝખાર્યાહ હવે ધનવાન ટાપુના શહેર વિષે ભાખે છે: “જુઓ, પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે, ને તેના બળને સમુદ્રમાં નાખી દેશે; અને તે અગ્નિથી ભસ્મ થશે.” (ઝખાર્યાહ ૯:૪) એ જુલાઈ ૩૩૨ બી.સી.ઈ.માં પૂરું થયું, જ્યારે મહાન સિકંદરે આ દરિયાની ઘમંડી રાણીને ધૂળ ચાટતી કરી દીધી.
પૈસાનો પ્રેમ અને ઘમંડ ન રાખો
૨૬. યહોવાહે શા માટે તૂરને દોષિત ઠરાવ્યું?
૨૬ યહોવાહ તૂરને તેના અભિમાન માટે દોષિત ઠરાવે છે અને એવા વલણને તે ધિક્કારે છે. યહોવાહ સાત બાબતોને ધિક્કારે છે એમાં “ગર્વિષ્ટ આંખો” પહેલી છે. (નીતિવચનો ૬:૧૬-૧૯) પાઊલે ઘમંડને શેતાન સાથે સરખાવ્યું અને હઝકીએલે વર્ણવેલું ઘમંડી તૂર, શેતાનને વર્ણવે છે. (હઝકીએલ ૨૮:૧૩-૧૫; ૧ તીમોથી ૩:૬) તૂરને શાનું ઘમંડ હતું? હઝકીએલ તૂર વિષે કહે છે કે, “તારી સમૃદ્ધિને લીધે તારૂં મન ગર્વિષ્ઠ થયું છે.” (હઝકીએલ ૨૮:૫) શહેર બસ વેપાર-ધંધો અને પૈસો ભેગો કરવા પાછળ જ પડ્યું હતું. એમાં મળેલી સફળતાએ તૂરને અભિમાની બનાવ્યું હતું. હઝકીએલ દ્વારા, યહોવાહે તૂરના આગેવાનને કહ્યું: “તારૂં મન ઉન્મત્ત થયું છે, ને તેં કહ્યું છે, કે હું દેવ છું, હું . . . દેવના આસનમાં બેઠેલો છું.”—હઝકીએલ ૨૮:૨.
૨૭, ૨૮. મનુષ્ય કઈ જાળમાં ફસાઈ શકે, અને ઈસુએ એ વિષે કયું દૃષ્ટાંત આપ્યું?
૨૭ દેશો કે પ્રજા, અરે કોઈ વ્યક્તિ પણ અભિમાન અને પૈસાના પ્રેમમાં પડી જઈ શકે છે. ઈસુએ એક દૃષ્ટાંત આપ્યું, જે બતાવે છે કે આ કેવી કપટી જાળ છે. એક માણસના ખેતરોમાં સારો પાક થયો. એનાથી ખુશ થઈને, તેણે અનાજ ભરવા મોટા કોઠારો બનાવવાની યોજના ઘડી. તેમ જ, લાંબા સુખી જીવનના સપનામાં ખોવાઈ ગયો. પરંતુ, એ સપનાં પૂરા ન થયા. યહોવાહે તેને કહ્યું: “ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં સિદ્ધ કરી છે તે કોની થશે?” એ જ રાત્રે, તે મરણ પામ્યો અને તેની ધનદોલત તેને કંઈ જ કામ ન આવી.—લુક ૧૨:૧૬-૨૦.
૨૮ ઈસુએ આમ કહીને દૃષ્ટાંત પૂરું કર્યું: “જે પોતાને સારૂ દ્રવ્યનો સંગ્રહ કરે છે, અને દેવ પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.” (લુક ૧૨:૨૧) ધનવાન હોવું અને સારો પાક ઊગે એમાં કંઈ પાપ નથી. પરંતુ, એ માણસનો દોષ એ જ હતો કે તેણે એને જીવનની મુખ્ય બાબત બનાવી. તેણે પૈસાને પોતાનો પરમેશ્વર બનાવી દીધો હતો. ભાવિની યોજના ઘડતી વખતે, યહોવાહ પરમેશ્વરનો તેણે વિચાર પણ કર્યો નહિ.
૨૯, ૩૦. યાકૂબે કઈ રીતે પોતાના પર ભરોસો રાખવા વિરુદ્ધ ચેતવણી આપી?
૨૯ યાકૂબે કડક રીતે એ જ મુદ્દો જણાવ્યો. તેમણે કહ્યું: “હવે ચાલો, તમે કહો છો, કે આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જઈને ત્યાં એક વર્ષભર રહીશું, અને વેપાર કરીને કમાણી કરીશું; તો પણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર જેવા છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદૃશ્ય થાય છે. પણ ઊલટું તમારે તો એમ કહેવું જોઈએ, કે જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું, અને આમ કે તેમ કરીશું.” (યાકૂબ ૪:૧૩-૧૫) પછી, યાકૂબે ધનદોલત અને ઘમંડ વચ્ચેનો સંબંધ બતાવ્યો અને કહ્યું: “તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો; એવી સઘળી બડાઈ ખોટી છે.”—યાકૂબ ૪:૧૬.
૩૦ ખરું કે વેપાર કરવામાં કંઈ પાપ નથી. પાપ તો અભિમાન અને ઘમંડ કરવામાં છે. પૈસાદાર થવાથી પોતે જ બધું છે એમ સમજવું પાપ છે. તેથી જ, નીતિવચનો કહે છે: “મને દરિદ્રતા ન આપ, તેમજ દ્રવ્ય પણ ન આપ.” ગરીબીથી જીવન કડવું ઝેર જેવું બની શકે. પરંતુ, પૈસો વ્યક્તિને યહોવાહનો ઈન્કાર કરાવી શકે, “કે યહોવાહ કોણ છે?”—નીતિવચનો ૩૦:૮, ૯.
૩૧. આપણે પોતાને કેવા પ્રશ્નો પૂછવા જોઈએ?
૩૧ આપણે એવા જગતમાં રહીએ છીએ, જેમાં ઘણા લોભ અને સ્વાર્થના ફાંદામાં ફસાઈ ગયા છે. વધતા જતા વેપાર-ધંધાના વાતાવરણમાં, બસ જ્યાં જુઓ ત્યાં પૈસો જ દેખાય છે. તેથી એક ખ્રિસ્તી તરીકે, આપણે સાવધ રહેવું જોઈએ કે, તૂરના શહેરની જેમ આપણે પણ પૈસાના પ્રેમમાં ન પડીએ. આપણે વિચારી શકીએ કે, શું હું મારો સમય અને શક્તિ એવી રીતે વાપરું છું, જે મને પૈસાનો દાસ બનાવે છે? (માત્થી ૬:૨૪) શું હું મારા કરતાં, જેની પાસે વધારે ધનદોલત છે, તેઓની અદેખાઈ કરું છું? (ગલાતી ૫:૨૬) જો હું ધનવાન હોઉં તો, શું મને એવું લાગે છે કે બીજાના કરતાં મને વધારે માન અને મોભ્ભો મળવો જોઈએ? (યાકૂબ ૨:૧-૯ સરખાવો.) ધનવાન ન હોઉં તો, શું હું કોઈ પણ કિંમતે “ધનવાન થવાની ઇચ્છા” રાખું છું? (૧ તીમોથી ૬:૯) શું હું નોકરી-ધંધામાં એટલો ડૂબેલો રહું છું કે, યહોવાહની સેવા માટે ફક્ત વધ્યો-ઘટ્યો સમય રહે છે? (૨ તીમોથી ૨:૪) શું મને પૈસાનો એટલો પ્રેમ છે કે, હું નોકરી-ધંધામાં યહોવાહના નિયમો વિષે આંખ આડા કાન કરું છું?—૧ તીમોથી ૬:૧૦.
૩૨. યોહાને કઈ ચેતવણી આપી અને એ આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ?
૩૨ આપણે ગરીબ હોઈએ કે ધનવાન, યહોવાહની ભક્તિ આપણા જીવનમાં મુખ્ય હોવી જોઈએ. એ ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે પ્રેષિત યોહાનના શબ્દો કદી ન ભૂલીએ: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી.” (૧ યોહાન ૨:૧૫) ખરું કે આપણે જીવવા માટે પૈસાની જરૂર છે. (૨ થેસ્સાલોનીકી ૩:૧૦) તેથી, આપણે આ ‘જગત સાથે વહેવાર’ કરવો પડે છે, પણ “જગતના વહેવારમાં તલ્લીન થઈ” ન જઈએ. (૧ કોરીંથી ૭:૩૧) આપણે જગત અને તેની વસ્તુઓના પ્રેમમાં પડી ગયા હોઈએ તો, આપણે યહોવાહને ચાહતા નથી. “દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર” શોધવા અને સાથે સાથે યહોવાહની ભક્તિ કરવી, એ શક્ય નથી. * તેમ જ, હંમેશ માટેનું જીવન તો યહોવાહની ઇચ્છા પૂરી કરવાથી જ મળશે.—૧ યોહાન ૨:૧૬, ૧૭.
૩૩. તૂર જે ફાંદામાં ફસાયું, એ આપણે કઈ રીતે ટાળી શકીએ?
૩૩ બીજું બધું ભૂલી જઈને, ધનદોલતની પાછળ પડવાથી તૂર ફાંદામાં ફસાઈ ગયું. તે પુષ્કળ ધનવાન થયું અને અભિમાની બન્યું. તેથી, તેના ઘમંડની શિક્ષા મળી. તેનો દાખલો આજે દેશો તરીકે અને વ્યક્તિ તરીકે આપણને ચેતવણી આપે છે. એના કરતાં તો, પ્રેષિત પાઊલની સલાહ માનવામાં કેટલું ડહાપણ છે! તેમણે ખ્રિસ્તીઓને અરજ કરી કે, “તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે દેવ આપણા ઉપભોગને સારૂ ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે.”—૧ તીમોથી ૬:૧૭.
[ફુટનોટ્સ]
^ કેટલાક તજજ્ઞોએ તાર્શીશને સાર્દિનીયા તરીકે ઓળખાવ્યું છે, જે ભૂમધ્ય સમુદ્રની પશ્ચિમે આવેલો ટાપુ હતો. સાર્દિનીયા પણ તૂરથી ખૂબ દૂર હતો.
^ આ પુસ્તકના પંદરમા પ્રકરણના પાન ૨૦૦-૨૦૭ જુઓ.
^ એમ પણ બની શકે કે તાર્શીશના લોકોને “તાર્શીશની દીકરી” કહેવામાં આવ્યા હોય. એક લખાણ જણાવે છે: “જેમ નાઈલ નદી દરેક દિશામાં વહેતી હોય, એમ તાર્શીશના લોકો હવે મુસાફરી અને વેપાર કરવા મુક્ત હતા.” તેમ છતાં, તૂરના વિનાશથી જે ઘેરો શોક છવાઈ જશે, એના પર ભાર મૂકવામાં આવે છે.
^ “જીવનનો અહંકાર” ભાષાંતર થયેલો ગ્રીક શબ્દ આલાઝોનીઆ છે. જેનું વર્ણન એમ કરવામાં આવે છે કે, “કોઈ આસ્થા વિનાની પોકળ માન્યતા, જેમાં પૃથ્વીની ચીજ-વસ્તુઓ પર ખોટો ભરોસો મૂકવામાં આવે છે.”—થેયર્સની નવી ગ્રીક-અંગ્રેજી ડિક્શનરી.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૫૬ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
યુરોપ
સ્પેન (તાર્રીશનો વિસ્તાર હોય શકે)
ભૂમધ્ય સમુદ્ર
સાર્દિન
સૈપ્રસ
એશિયા
સીદોન
તૂર
આફિકા
મિસર
[પાન ૨૫૦ પર ચિત્ર]
તૂર આશ્શૂરના નહિ, પણ બાબેલોનના હાથમાં જશે
[પાન ૨૫૬ પર ચિત્ર]
તૂરના મુખ્ય દેવતા, મેલ્કાર્તને બતાવતો સિક્કો
[પાન ૨૫૬ પર ચિત્ર]
ફોનેસિયન વહાણનો નમૂનો