યહોવાહ પોતાનો ક્રોધ દેશો પર રેડે છે
સત્તાવીસમું પ્રકરણ
યહોવાહ પોતાનો ક્રોધ દેશો પર રેડે છે
૧, ૨. (ક) યહોવાહ વેર વાળશે, ત્યારે આપણે શાની ખાતરી રાખી શકીએ? (ખ) વેર વાળીને યહોવાહ શું સિદ્ધ કરશે?
યહોવાહ પરમેશ્વર ફક્ત પોતાના વિશ્વાસુ સેવકો સાથે ધીરજ રાખે છે. પરંતુ, એટલું જ નહિ, તે પોતાના હેતુની સુમેળમાં પોતાના દુશ્મનો સાથે પણ ધીરજ રાખે છે. (૧ પીતર ૩:૧૯, ૨૦; ૨ પીતર ૩:૧૫) યહોવાહના દુશ્મનો એની કદર ન પણ કરતા હોય. એથી તેઓને એવું લાગતું હોય કે તેમનામાં કંઈ કરવાની શક્તિ નથી અથવા કંઈ કરવા ચાહતા નથી. તેમ છતાં, યશાયાહનો ૩૪મો અધ્યાય જણાવે છે તેમ, યહોવાહ હંમેશાં પોતાના દુશ્મનો પાસેથી જવાબ માંગશે. (સફાન્યાહ ૩:૮) ટૂંક સમય માટે, યહોવાહે કોઈ રોક-ટોક વિના પોતાના લોકોનો અદોમ અને બીજા દેશોને વિરોધ કરવા દીધો. પરંતુ, યહોવાહ પોતાના યોગ્ય સમયે તેઓનો બદલો લેશે. (પુનર્નિયમ ૩૨:૩૫) એ જ પ્રમાણે, તેમના પોતાના સમયે, યહોવાહ આજના દુષ્ટ જગત પર વેર વાળશે, જેઓ તેમની સર્વોપરિતાનો વિરોધ કરે છે.
૨ યહોવાહ વેર વાળશે, એનો મુખ્ય હેતુ એ છે કે તેમની સર્વોપરિતા સાબિત થશે અને તેમના નામને મહિમા મળશે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૩-૧૮) તે બદલો વાળીને પોતાના સેવકોને પણ દોષમુક્ત કરશે અને સાબિત કરશે કે તેઓ જ પોતાના સાચા સેવકો છે. તેમ જ તે તેઓને અઘરા સંજોગોમાંથી પણ છોડાવશે. વળી, યહોવાહ જ્યારે બદલો લે છે, ત્યારે એ હંમેશા તેમના ન્યાયના સુમેળમાં જ હોય છે.—ગીતશાસ્ત્ર ૫૮:૧૦, ૧૧.
હે દેશો, કાન દો
૩. યહોવાહ દેશોને યશાયાહ દ્વારા કયું આમંત્રણ આપે છે?
૩ અદોમ પર વેર વાળવા પર ધ્યાન દોરતા પહેલાં, યશાયાહ દ્વારા યહોવાહ સર્વ દેશોને આમંત્રણ આપે છે: “હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો, તમે કાન દો; પૃથ્વી તથા તે પર જે કંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળે.” (યશાયાહ ૩૪:૧) યહોવાહની સામે થનારા દેશો વિરુદ્ધ, પ્રબોધક વારંવાર બોલ્યા છે. હવે, તે તેઓની વિરુદ્ધના સર્વ આરોપોની સમીક્ષા કરવા જઈ રહ્યા છે. શું આ સર્વ ચેતવણીઓનો આપણા માટે કંઈ અર્થ રહેલો છે?
૪. (ક) યશાયાહ ૩૪:૧ પ્રમાણે, દેશોને શું આમંત્રણ મળ્યું છે? (ખ) યહોવાહ દેશો પર પોતાનું ન્યાયકરણ લઈ આવશે, એનાથી શું એ સાબિત થાય છે કે તે ક્રૂર છે? (પાન ૩૬૩ પરનું બૉક્સ જુઓ.)
૪ હા, વિશ્વના સર્વોપરીને આ આખા દુષ્ટ જગત વિરુદ્ધ તકરાર છે. તેથી, “લોકો” અને ‘પૃથ્વીને’ બોલાવવામાં આવે છે, જેથી તેઓ યહોવાહનો સંદેશો સાંભળે, જે તે આખી પૃથ્વીમાં ફેલાવે છે. ગીતશાસ્ત્ર ૨૪:૧ની ભાષામાં, યશાયાહ કહે છે કે આખી પૃથ્વી પર આ સંદેશો ફેલાઈ જશે. એ ભવિષ્યવાણી આજે પૂરી થાય છે, જ્યારે યહોવાહના સાક્ષીઓ “પૃથ્વીના છેડા સુધી” પ્રચાર કરી રહ્યા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) જો કે દેશોએ કાન દઈને સાંભળ્યું નથી. તેઓએ આવનાર વિનાશ વિષેની કોઈ ચેતવણીઓ પર ધ્યાન આપ્યું નથી. પરંતુ, એ કંઈ યહોવાહને પોતાના શબ્દો પૂરા કરતા રોકશે નહિ.
૫, ૬. (ક) યહોવાહ દેશોને શાનો જવાબ માંગવા બોલાવે છે? (ખ) કઈ રીતે ‘પર્વતો તેમના લોહીથી ઓગળી જશે’?
૫ હવે ભવિષ્યવાણી યહોવાહની વિરુદ્ધ જનારા દેશોના વિનાશનું વર્ણન કરે છે. પછીથી યહોવાહના લોકો માટેની ઉજ્જવળ આશાના વર્ણન કરતાં, એ તદ્દન જુદું છે. (યશાયાહ ૩૫:૧-૧૦) યશાયાહ કહે છે: “સર્વ પ્રજાઓ પર ને તેનાં સર્વ સૈન્યો પર યહોવાહને ક્રોધ ચઢ્યો છે; તેણે તેઓને વિનાશ પામવા નિર્માણ કર્યા છે, તેઓને સંહારને આધીન કર્યા છે. તેમનાં મારી નંખાએલાં નાખી દેવામાં આવશે, ને તેમનાં મુડદાંઓ દુર્ગંધ મારશે, ને પર્વતો તેમના લોહીથી ઓગળી જશે.”—યશાયાહ ૩૪:૨, ૩.
૬ દેશોની પ્રજાઓના રક્તદોષ તરફ ધ્યાન દોરવામાં આવે છે. એ સર્વમાં, આજે ખ્રિસ્તીરાષ્ટ્રના દેશો સૌથી વધારે રક્તદોષી છે. બે વિશ્વયુદ્ધો અને બીજાં ઘણાં નાના યુદ્ધોમાં, તેઓએ પૃથ્વીને લોહીથી રંગી દીધી છે. આ સર્વ રક્તદોષ માટે, જવાબ માંગવાનો ખરો હક્ક કોનો છે? ખરેખર, બીજા કોઈ નહિ, પણ જીવન આપનાર યહોવાહ પરમેશ્વરનો છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) યહોવાહનો નિયમ ધોરણ બેસાડે છે: ‘તારે જીવને બદલે જીવ આપવો.’ (નિર્ગમન ૨૧:૨૩-૨૫; ઉત્પત્તિ ૯:૪-૬) આ નિયમ પ્રમાણે જ, તે દેશોની પ્રજાઓનું લોહી વહેવા દેશે, જે તેઓનું મરણ લાવશે. તેઓનો અંતિમ સંસ્કાર કરવામાં નહિ આવે, એટલે તેઓમાંથી દુર્ગંધ આવશે, જે ખરેખર શરમજનક મોત કહેવાય! (યિર્મેયાહ ૨૫:૩૩) વેરના બદલામાં માંગવામાં આવેલું લોહી એટલું બધું હશે, કે જાણે એ પર્વતોને ઓગાળી નાખશે. (સફાન્યાહ ૧:૧૭) બાઇબલ અમુક વાર સરકારોને પર્વતો સાથે સરખાવે છે. જગતના દેશો પોતાના લશ્કરોનો પૂરેપૂરો વિનાશ જોઈને, પોતાની સરકારોને જાણે ઓગળી જતા જોશે.—દાનીયેલ ૨:૩૫, ૪૪, ૪૫; પ્રકટીકરણ ૧૭:૯.
૭. ‘આકાશો’ શું છે અને “આકાશોનાં સર્વ સૈન્યો” શું છે?
૭ ફરીથી, આબેહૂબ કલ્પના કરીને યશાયાહ કહે છે: “આકાશોનાં સર્વ સૈન્યો પીગળી જશે, ને આકાશો ઓળિયાની પેઠે લપેટાશે; અને દ્રાક્ષાવેલા પરથી પાંદડું સુકાઈને ખરી પડે છે ને અંજીરી પરથી પાંદડાં સુકાઈને લોપ થાય છે, તે પ્રમાણે તેમનાં સર્વ સૈન્યો નાશ પામશે.” (યશાયાહ ૩૪:૪) “આકાશોનાં સર્વ સૈન્યો” શબ્દોનો અર્થ તારાઓ અને ગ્રહો થતો નથી. પાંચમી અને છઠ્ઠી કલમો જણાવે છે કે એ ‘આકાશોમાં’ ન્યાયકરણની તરવાર લોહી પીને ચકચૂર થઈ છે. તેથી, એ માનવને લગતી કોઈ ચીજનું ચિહ્ન હોવું જોઈએ. (૧ કોરીંથી ) હા, અધિકારીઓ તરીકેના તેઓના ઊંચા સ્થાનને કારણે, મનુષ્યોની સરકારોને આકાશ સાથે સરખાવી છે, જેઓ માનવ સમાજ પર શાસન કરે છે. ( ૧૫:૫૦રૂમી ૧૩:૧-૪) તેથી, “આકાશોનાં સર્વ સૈન્યો” મનુષ્યોની સર્વ સરકારોને દર્શાવે છે.
૮. કઈ રીતે સાંકેતિક આકાશો “ઓળિયાની” જેવા સાબિત થશે અને તેઓના ‘સૈન્યોનું’ શું થશે?
૮ જાણે વિનાશ પામનાર વસ્તુની માફક, એ “સૈન્યો પીગળી જશે.” (ગીતશાસ્ત્ર ૧૦૨:૨૬; યશાયાહ ૫૧:૬) આપણી નજરે જોઈએ છીએ એ આકાશ વળેલું દેખાય છે, જેમ કે પહેલાંના જમાનામાં વીંટાઓ હતા, જેની અંદરની બાજુએ લખવામાં આવતું. એ વીંટાનું લખાણ વાંચક વાંચી લે એટલે એને વીંટીને એક બાજુ મૂકી દેવામાં આવતો. એ જ પ્રમાણે “આકાશો ઓળિયાની પેઠે લપેટાશે,” એટલે કે માનવ સરકારોનો અંત જરૂર આવશે. તેઓના ઇતિહાસના અંતે પહોંચીને, તેઓનો આર્માગેદનમાં અંત આવશે. તેઓના શૂરવીર “સૈન્યો” દ્રાક્ષાવેલા પરના પાંદડાની માફક અને સૂકાએલા અંજીરની જેમ ખરી પડશે. તેઓનો જમાનો એક ઇતિહાસ બની ગયો હશે.—પ્રકટીકરણ ૬:૧૨-૧૪ સરખાવો.
વેર વાળવાનો દિવસ
૯. (ક) અદોમનો ઉદ્ભવ શું છે અને ઈસ્રાએલ તથા અદોમ વચ્ચે કેવા સંબંધ વિકસે છે? (ખ) અદોમ વિષે યહોવાહ કયો ફેંસલો કરે છે?
૯ હવે ભવિષ્યવાણી યશાયાહના સમયના એક દેશ, અદોમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અદોમના લોકો એસાવ (અદોમ)ના વંશજો છે, જેણે પોતાનું જયેષ્ઠપણું પોતાના જોડિયા ભાઈ, યાકૂબને ફક્ત દાળ અને રોટલીને માટે વેચી દીધું. (ઉત્પત્તિ ૨૫:૨૪-૩૪) હવે, એસાવની જગ્યાએ યાકૂબને જયેષ્ઠપણાના લાભ મળ્યા, એટલે તે તેના ભાઈને ધિક્કારવા લાગ્યો. પછીથી, જોડિયા ભાઈઓના વંશજ હોવા છતાં, અદોમની પ્રજા અને ઈસ્રાએલની પ્રજા દુશ્મનો બન્યા. યહોવાહના લોકો વિરુદ્ધ દુશ્મની રાખવાને કારણે અદોમ તેમનો કોપ વહોરી લે છે, જે હવે કહે છે: “મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે; જુઓ, તે અદોમને, ને મારાથી શાપિત થએલા લોકને શાસન કરવા માટે ઊતરશે. યહોવાહની તરવાર લોહીથી ભરપૂર છે, તે મેદથી, હલવાન તથા બકરાંના લોહીથી, બકરાના ગુર્દાના મેદથી ઊંજાએલી છે; કેમકે બોસ્રાહમાં યહોવાહનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટો વધ છે.”—યશાયાહ ૩૪:૫, ૬.
૧૦. (ક) યહોવાહ “આકાશમાં” તરવાર વીંઝશે ત્યારે, તે કોને નીચે પાડી નાખશે? (ખ) યહુદાહ પર બાબેલોનીઓએ હુમલો કર્યો ત્યારે, અદોમે શું કર્યું?
૧૦ અદોમનો વિસ્તાર ઊંચાણના પર્વતોવાળો છે. (યિર્મેયાહ ૪૯:૧૬; ઓબાદ્યાહ ૮, ૯, ૧૯, ૨૧) તોપણ, યહોવાહ ‘આકાશમાંથી’ ન્યાયકરણની તરવાર વીંઝશે ત્યારે, આ કુદરતી રક્ષણ તેને બચાવી શકશે નહિ અને અદોમના શાસકો ઊંચેથી નીચે પડશે. અદોમ લશ્કરી રીતે એકદમ શક્તિશાળી છે અને દેશનું રક્ષણ કરવા તેના લશ્કરો હથિયાર લઈ ઊંચા પર્વતોમાં કૂચ કરે છે. પરંતુ, યહુદાહ પર બાબેલોની સૈન્યો હુમલો કરે છે ત્યારે, શક્તિશાળી અદોમે તેને કોઈ મદદ કરી નહિ. એને બદલે, યહુદાહના રાજ્યને વિનાશ થતો જોઈને તે તો ખુશ થયું, અને તેના દુશ્મનોને હજુ ઉશ્કેરતું હતું. (ગીતશાસ્ત્ર ૧૩૭:૭) અરે, અદોમ તો જીવ લઈને નાસી છૂટતા યહુદીઓની પાછળ પડ્યું અને તેઓને બાબેલોનીઓના હાથમાં સોંપ્યા. (ઓબાદ્યાહ ૧૧-૧૪) અદોમીઓ ઈસ્રાએલનો ખાલી પડેલો દેશ કબજે કરી લેવાની યોજના ઘડતા અને યહોવાહની વિરુદ્ધ બડાઈ હાંકતા હતા.—હઝકીએલ ૩૫:૧૦-૧૫.
૧૧. યહોવાહ અદોમીઓના કપટી કાર્યોનો કેવો બદલો લેશે?
૧૧ અદોમ, ભાઈની સાથે દુશ્મન જેવો વહેવાર કરે છે, એ જોઈને શું યહોવાહ આંખ આડા કાન કરશે? ના, તે અદોમ વિષે ભાખે છે: “જંગલી ગોધાઓ, બળદો તથા આખલાઓ એ બધા સાથે નીચે આવશે; અને તેમની ભૂમિ લોહીથી તરબોળ થશે, ને તેમની ધૂળ મેદથી મિશ્રિત થશે.” (યશાયાહ ૩૪:૭) યહોવાહ એ દેશના નાના-મોટા લોકોને સાંકેતિક જંગલી ગોધાઓ અને બળદો તરીકે ઓળખાવે છે, જેમ કે ઘેટું અને બકરો. આ રક્તદોષી દેશની ભૂમિ પોતાના લોકોના લોહીથી તરબોળ થશે, જ્યારે યહોવાહ ન્યાયની “તરવાર” વીંઝશે.
૧૨. (ક) યહોવાહ અદોમને સજા કરવા માટે કોનો ઉપયોગ કરે છે? (ખ) પ્રબોધક ઓબાદ્યાહ અદોમ વિષે શું ભાખે છે?
૧૨ યહોવાહ અદોમને સજા કરશે, કેમ કે તેણે પૃથ્વી પરના તેમના સંગઠન, સિયોનની સાથે કપટ કર્યું છે. એના વિષે ભવિષ્યવાણી કહે છે: “તે યહોવાહનો વૈર વાળવાનો દિવસ છે, સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.” (યશાયાહ ૩૪:૮) યરૂશાલેમનો ૬૦૭ બી.સી.ઈ.માં વિનાશ થયો. એના થોડા સમય બાદ, યહોવાહે પોતાનું વેર અદોમીઓ પર વાળવાનું શરૂ કર્યું. એ માટે તેમણે બાબેલોનના રાજા, નબૂખાદનેસ્સારનો ઉપયોગ કર્યો. (યિર્મેયાહ ૨૫:૧૫-૧૭, ૨૧) બાબેલોનના સૈન્યો અદોમની વિરુદ્ધ થયા પછી, અદોમીઓને કોઈ બચાવી શકે એમ ન હતું! એ પર્વતોવાળા દેશ પર “બદલો લેવાનું વર્ષ” હતું. યહોવાહ પ્રબોધક ઓબાદ્યાહ દ્વારા ભાખે છે: “તારા ભાઈ યાકૂબ ઉપર જુલમ ગુજાર્યાને લીધે તું લજ્જિત થશે, ને તું સદાને માટે નષ્ટ થશે. . . . જેવું તેં બીજાઓને કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે; તારી કરણીનું ફળ તારે ભોગવવું પડશે.”—ઓબાદ્યાહ ૧૦, ૧૫; હઝકીએલ ૨૫:૧૨-૧૪.
ખ્રિસ્તીરાષ્ટ્રનું અંધકારમય ભાવિ
૧૩. આજે અદોમ જેવું કોણ છે અને શા માટે?
૧૩ આજે પણ અદોમના જેવું જ વલણ ધરાવતું એક સંગઠન છે. એ કયું સંગઠન છે? યહોવાહના ઉપાસકોનો વિરોધ કરીને, તેઓને સતાવવામાં આજે કોણ આગેવાની લે છે? શું એ ખ્રિસ્તીરાષ્ટ્ર અને એના પાદરીઓ નથી? હા! ખ્રિસ્તીરાષ્ટ્ર પોતાને પર્વતોની જેમ આ જગતમાં ઊંચે સ્થાને મૂકવા ચાહે છે. તે માનવ જગતમાં મોટી મોટી પદવીઓ પર હોવાનો દાવો કરે છે અને તેના ધર્મો મહાન બાબેલોનનો મુખ્ય ભાગ છે. પરંતુ, પોતાના લોકો વિરુદ્ધ તેણે કરેલાં કાર્યો માટે, યહોવાહે આજના અદોમ પાસેથી “બદલો લેવાનું વર્ષ” નક્કી કર્યું છે.
૧૪, ૧૫. (ક) અદોમ અને ખ્રિસ્તીરાષ્ટ્ર બંનેનું શું થશે? (ખ) બળતો ડામર અને હંમેશા ઊંચે ચઢતો ધુમાડો શું બતાવે છે, પણ એનો શું અર્થ થતો નથી?
૧૪ તેથી, યશાયાહની ભવિષ્યવાણીનો હવે પછીનો ભાગ વિચારીએ તેમ, આપણે ફક્ત અગાઉના અદોમ વિષે જ નહિ, પણ ખ્રિસ્તીરાષ્ટ્ર વિષે પણ વિચારીશું: “તેનાં નાળાં ડામર થઈ જશે, તેની ધૂળ ગંધક થશે, ને તેની ભૂમિ બળતો ડામર થશે. રાત ને દિવસ તે કદી હોલવાશે નહિ; તેનો ધુમાડો પેઢી દરપેઢી ઊંચે ચઢશે.” (યશાયાહ ૩૪:૯, ૧૦ ક) અદોમનો દેશ એટલો સૂકાઈ જશે કે જાણે તેની ધૂળ ગંધક અને તેના નાળાં પાણીથી નહિ, પણ ડામરથી ભરાઈ જશે. પછી, આ ઝડપથી સળગી ઊઠે એવા ડામર અને ગંધક આગથી ભડકે બળશે!—પ્રકટીકરણ ૧૭:૧૬ સરખાવો.
૧૫ કેટલાકનું કહેવું છે કે ડામર, ગંધક અને અગ્નિનો ઉલ્લેખ બળતા નરકનો પુરાવો આપે છે. પરંતુ, અદોમને કંઈ દંતકથાના નરકમાં હંમેશ માટે બાળવામાં આવતું નથી. એને બદલે, એનો પૂરો નાશ કરવામાં આવશે. જાણે કે આગ અને ગંધકથી બળીને ભસ્મ થઈ ગયું હોય એમ, એ જગતમાંથી અદૃશ્ય થઈ ગયું. ભવિષ્યવાણી આગળ બતાવે છે તેમ, અંતે હંમેશ માટે રિબામણી નહિ હોય, પણ ‘ખાલી . . . નકામું . . . નહિ જેવું થશે.’ (યશાયાહ ૩૪:૧૧, ૧૨) ધુમાડો “પેઢી દરપેઢી ઊંચે ચઢશે,” એ આબેહૂબ રીતે આ વર્ણવે છે. જો કોઈ ઘર બળીને રાખ થઈ જાય તો, અગ્નિની જ્વાળાઓ હોલવાઈ ગયા પછી પણ, રાખમાંથી અમુક સમય સુધી ધુમાડો નીકળ્યા કરશે, જે જોનારાઓને સાબિતી આપે છે કે અહીં મોટી આગ લાગી હતી. જેમ આપણે આજે અદોમના વિનાશમાંથી શીખીએ છીએ, તેમ જાણે કે હજુ અદોમની આગનો ધુમાડો ઊંચે ચઢતો દેખાય છે.
૧૬, ૧૭. અદોમનું શું થશે અને કેટલા સમય સુધી તેની એ જ હાલત રહેશે?
૧૬ યશાયાહ અદોમના આવી રહેલા વિનાશ વિષે, ભાખવાનું ચાલુ રાખતા જણાવે છે કે અદોમના મનુષ્યો કરતાં, જંગલી પ્રાણીઓની વસ્તી વધી જશે: “તે સર્વકાળ ઉજ્જડ રહેશે; તેમાં થઈને કોઈ જશે નહિ. તે બગલા તથા શાહુડીનું વતન થશે; ઘુવડ તથા કાગડા તેમાં વસશે; અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે. વળી રાજ્ય પ્રગટ કરવાને માટે તેનો કોઈ અમીર ત્યાં હશે નહિ; અને તેના સર્વ સરદારો નહિ જેવા થશે. તેના રાજમહેલોમાં કાંટા, ને તેના કિલ્લાઓમાં કૌવચ તથા ઝાંખરાં ઊગશે; તે શિયાળોનું રહેઠાણ, ને શાહમૃગનો વાડો થશે. જંગલી જનાવરો વરુઓને મળશે, ને રાની બકરો પોતાના સાથીને પોકારશે; નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે, ને પોતાને સારૂ વિશ્રામસ્થાન પ્રાપ્ત કરશે. ઊડણ સાપ ત્યાં દર કરશે, ઈંડાં મૂકશે.”—યશાયાહ ૩૪:૧૦ ખ-૧૫. *
૧૭ હા, અદોમ ખાલી થઈ જશે. એ ફક્ત જંગલી પ્રાણીઓ, પક્ષીઓ અને સાપોથી ભરેલો ઉજ્જડ દેશ બની જશે. દસમી કલમ કહે છે તેમ, અદોમનો “સર્વકાળ” માટે અંત આવી જશે. એનું કોઈ વંશજ બાકી રહેશે નહિ.—ઓબાદ્યાહ ૧૮.
યહોવાહના શબ્દો જરૂર પૂરા થશે
૧૮, ૧૯. ‘યહોવાહનું પુસ્તક’ શું છે, અને આ “પુસ્તકમાં” ખ્રિસ્તીરાષ્ટ્ર માટે શું રહેલું છે?
૧૮ આજના અદોમ, ખ્રિસ્તીરાષ્ટ્ર માટે એ કેટલું અંધકારમય ભાવિ ભાખે છે! તે યહોવાહનું કટ્ટર દુશ્મન સાબિત થયું છે, જેમના લોકો પર તે ઘણી જ સતાવણી લાવે છે. એમાં કોઈ શંકા નથી કે યહોવાહ પોતાના શબ્દો જરૂર પૂરા કરશે. જ્યારે કોઈ આ ભવિષ્યવાણીને એની પરિપૂર્ણતા સાથે સરખાવશે, ત્યારે બંને એકબીજાના સુમેળમાં હશે. એની એટલી ખાતરી છે, જેટલી ઉજ્જડ અદોમમાં રહેનારા પ્રાણીઓને દરેકને “પોતાના સાથી” હશે, એની ખાતરી હતી. બાઇબલ ભવિષ્યવાણીના ભાવિ વિદ્યાર્થીઓને સંબોધીને યશાયાહ કહે છે: “યહોવાહના પુસ્તકમાં શોધ કરો ને વાંચો: એઓમાંથી એક પણ ખૂટશે નહિ, એઓમાંનું કોઈ પણ પોતાના સાથી વગરનું માલૂમ પડશે નહિ; કેમકે યહોવાહના મુખે તો આજ્ઞા આપી છે, ને તેના આત્માએ તો તેમને એકઠાં કર્યાં છે. તેણે તેમને સારૂ ચિઠ્ઠી નાખી છે, ને તેના હાથે દોરીથી માપીને તેમને તે વહેંચી આપ્યું છે; તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે, પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે.”—યશાયાહ ૩૪:૧૬, ૧૭.
૧૯ ખ્રિસ્તીરાષ્ટ્ર પર આવી પડનાર વિનાશ “યહોવાહના પુસ્તકમાં” ભાખવામાં આવ્યો છે. ‘યહોવાહનું પુસ્તક’ એવા અહેવાલોની માહિતી આપે છે, જે બતાવે છે કે યહોવાહ કઈ રીતે પોતાના લોકો પર જુલમ કરનારા હઠીલા દુશ્મનો સાથે હિસાબ ચૂકતે કરશે. અગાઉના અદોમ વિષે જે લખવામાં આવ્યું હતું, એ સાચું પડ્યું. એ આપણો ભરોસો હજુ દૃઢ કરે છે કે આજના અદોમ, ખ્રિસ્તીરાષ્ટ્ર વિષે જે ભવિષ્યવાણી થઈ છે, એ જરૂર પૂરી થશે. એ ‘માપવાની દોરી,’ અથવા યહોવાહના કાર્યોની ઢબ ગેરંટી આપે છે કે આ આત્મિક રીતે મરી રહેલું સંગઠન જરૂર વિનાશ પામી ઉજ્જડ બનશે.
૨૦. અગાઉના અદોમની જેમ, ખ્રિસ્તીરાષ્ટ્ર શાનો અનુભવ કરશે?
૨૦ ખ્રિસ્તીરાષ્ટ્ર પોતાના રાજકારણી મિત્રોને મશ્કા મારવા બધું જ કરે છે, પણ એ બધુ જ નિષ્ફળ જશે! પ્રકટીકરણના ૧૭ અને ૧૮માં અધ્યાય પ્રમાણે, સર્વશક્તિમાન યહોવાહ પરમેશ્વર તેઓના હૃદયમાં વિચાર મૂકશે. અને તેઓ ખ્રિસ્તીરાષ્ટ્ર સહિત, મહાન બાબેલોનની વિરુદ્ધ પગલાં લેશે. તેઓ આખી પૃથ્વી પરથી જૂઠા ખ્રિસ્તી ધર્મને કાઢી નાખશે. ખ્રિસ્તીરાષ્ટ્રની હાલત યશાયાહના ૩૪માં અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે થશે. અરે, એ તો મહત્ત્વની લડાઈ “શર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈને” જોવા હાજર પણ નહિ હોય! (પ્રકટીકરણ ૧૬:૧૪) અગાઉના અદોમની જેમ, ખ્રિસ્તીરાષ્ટ્ર “સર્વકાળ” માટે, પૃથ્વી પરથી અદૃશ્ય થઈને એક ઇતિહાસ બની જશે!
[ફુટનોટ]
^ માલાખીના સમય સુધીમાં, આ ભવિષ્યવાણી પૂરી થઈ હતી. (માલાખી ૧:૩) માલાખી કહે છે કે અદોમીઓ આશા રાખતા હતા કે એ ઉજ્જડ દેશમાં ફરીથી તેઓ વસશે. (માલાખી ૧:૪) જો કે યહોવાહની ઇચ્છા એ ન હતી. તેથી, પછીથી બીજી પ્રજા નબાટીયનોએ અદોમનો દેશ લઈ લીધો.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૩૬૩ પર બોક્સ]
શું યહોવાહ ક્રોધી છે
યશાયાહ ૩૪:૨-૭માં મળી આવતું વર્ણન વાંચીને, ઘણા એવું વિચારે છે કે હેબ્રી શાસ્ત્રવચનો પ્રમાણે યહોવાહ ક્રૂર, ક્રોધી પરમેશ્વર છે. પરંતુ, શું એ ખરું છે?
ના. ખરું કે યહોવાહ પોતાના ગુસ્સો વ્યક્ત કરે છે, પણ એ હંમેશા ન્યાયી હોય છે. એ હંમેશા સિદ્ધાંતો પ્રમાણે હોય છે, કોઈ બેકાબૂ લાગણી નહિ. તેમ જ, ઉત્પન્નકર્તા તરીકે એ એમનો હક્ક છે કે તેમની જ ભક્તિ કરવામાં આવે અને તે સત્યના ધોરણો સતત જાળવી રાખે. યહોવાહનો ગુસ્સો બે બાબતો પર આધારિત હોય છે. એક ન્યાયીપણા માટે તેમનો પ્રેમ અને બીજું, ન્યાયીપણાને ચાહનારા માટેનો તેમનો પ્રેમ. યહોવાહ પરમેશ્વર સર્વ બાબતો જોઈ શકે છે અને પરિસ્થિતિ વિષે તેમને પૂરેપૂરી માહિતી હોય છે. (હેબ્રી ૪:૧૩) તે હૃદય વાંચ શકે છે; તે જોઈ શકે છે કે કઈ બાબત અજાણતા કે બેદરકારીને લીધે કે જાણીજોઈને કરેલા પાપથી બની છે; પછી, તે પક્ષપાત કર્યા વિના પગલાં લે છે.—પુનર્નિયમ ૧૦:૧૭, ૧૮; ૧ શમૂએલ ૧૬:૭; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.
જો કે યહોવાહ ‘કોપ કરવામાં મંદ અને પ્રેમથી ભરપૂર’ છે. (નિર્ગમન ૩૪:૬, IBSI) જેઓ તેમનો ભય રાખે છે અને ન્યાયીપણામાં ચાલવા પ્રયત્ન કરે છે. તેઓ તેમની દયા પામશે, કેમ કે સર્વોપરી યહોવાહ જાણે છે કે આપણે વારસામાં અપૂર્ણતા મેળવી છે અને એ માટે તે દયા બતાવશે. આજે યહોવાહ એ ઈસુના બલિદાનને આધારે કરે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪) જેઓ પોતાનાં પાપ કબૂલ કરી, પસ્તાવો કરીને ખરેખર યહોવાહની સેવા કરે છે, તેઓ પરથી યોગ્ય સમયે તેમનો ગુસ્સો ઊતરી જાય છે. (યશાયાહ ૧૨:૧) ખરું જોતા, યહોવાહ ક્રોધી નહિ પણ આનંદના અને શાંતિના પરમેશ્વર છે. જે કોઈ તેમની ઇચ્છા પ્રમાણે વર્તે છે, તે કોઈ પણ તેમની સાથે ગાઢ સંબંધ બાંધી શકે છે. (૧ તીમોથી ૧:૧૧) યહોવાહ ખરેખર બીજા દેવોથી તદ્દન જુદા જ છે. જ્યારે જૂઠા દેવોની મૂર્તિઓ અથવા ચિત્રો જોઈએ, જે તેઓને નિર્દયી, ક્રૂર બતાવતા હોય છે.
[પાન ૩૬૨ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
મોટો સમુદ્ર
દમસ્ક
સીદોન
તૂર
ઈસ્રાએલ
દાન
ગાલીલનો સમુદ્ર
યરદન નદી
મગિદ્દો
રેમોથ-ગિલયડ
સમરૂન
પલિસ્તી
યહુદાહ
યરૂશાલેમ
લીબ્નાહ
લાખીશ
બેર-શેબા
કાદેશ-બાર્નિયા
ખારો સમુદ્ર
આમ્મોન
રેબાહ
મોઆબ
કીર-હારેસેથ
અદોમ
બોસ્રાહ
તેમાન
[પાન ૩૫૯ પર ચિત્રો]
ખ્રિસ્તીરાષ્ટ્રએ પૃથ્વીને લોહીથી ભરી દીધી છે
[પાન ૩૬૦ પર ચિત્ર]
“આકાશો ઓળિયાની પેઠે લપેટાશે”