યહોવાહ રાજા છે
વીસમું પ્રકરણ
યહોવાહ રાજા છે
૧, ૨. (ક) કોણ યહોવાહનો કોપ અનુભવશે? (ખ) શું યહુદાહ એની સજામાંથી છટકી જશે, શા માટે?
બાબેલોન, પલિસ્તીઓનો દેશ, મોઆબ, સીરિયા, કૂશ, મિસર, અદોમ, તૂર અને આશ્શૂર, આ બધા યહોવાહનો કોપ અનુભવશે. યશાયાહે ભાખ્યું કે આ દુશ્મનો પર કેવી આફતો આવી પડશે. જો કે યહુદાહ વિષે શું? શું યહુદાહના લોકો પોતાના પાપી માર્ગોની સજામાંથી છટકી જશે? ઇતિહાસ ચોખ્ખો જવાબ આપે છે, ના!
૨ ઈસ્રાએલના દસ કુળના રાજ્યના પાટનગર, સમરૂન પર જે વીત્યું તેનો વિચાર કરો. એ પ્રજાએ યહોવાહ પરમેશ્વર સાથે કરેલો કરાર પાળ્યો નહિ. આજુબાજુની પ્રજા જે દુષ્ટ માર્ગોમાં ચાલતી હતી, એના હાથમાં હાથ મીલાવી તેઓ ચાલ્યા. હા, સમરૂનના લોકો “દુષ્ટ કૃત્યો કરીને યહોવાહને રોષ ચઢાવતા હતા. . . . માટે યહોવાહે ઈસ્રાએલ પર અતિ કોપાયમાન થઇને તેમને પોતાની દૃષ્ટિ આગળથી દૂર કર્યા.” આમ, બળજબરીથી ઈસ્રાએલીઓને “તેમના પોતાના દેશમાંથી આશ્શૂરમાં લઈ જવામાં આવ્યા.” (૨ રાજાઓ ૧૭:૯-૧૨, ૧૬-૧૮, ૨૩; હોશીયા ૪:૧૨-૧૪) ઈસ્રાએલીઓ પર જે આવી પડ્યું, એ યહુદાહ માટે આફતના અણસાર લાવતું હતું.
યશાયાહ યહુદાહનો વિનાશ ભાખે છે
૩. (ક) યહોવાહ શા માટે યહુદાહના બે કુળના રાજ્યને ત્યજી દેશે? (ખ) યહોવાહે શું કરવાનો નિર્ણય લીધો છે?
૩ યહુદાહના કેટલાક રાજાઓ વિશ્વાસુ હતા, પણ મોટા ભાગના ન હતા. અરે, યોથામ જેવા વિશ્વાસુ રાજાઓના રાજમાં પણ લોકોએ જૂઠી ઉપાસના પૂરેપૂરી છોડી દીધી ન હતી. (૨ રાજાઓ ૧૫:૩૨-૩૫) ખુની રાજા મનાશ્શેહના રાજમાં તો જાણે યહુદાહની દુષ્ટતા હદ વટાવી ગઈ હતી. યહુદી લખાણો પ્રમાણે, એ રાજાએ વિશ્વાસુ પ્રબોધક યશાયાહનું ખૂન કર્યું હતું. તેણે આજ્ઞા આપી હતી કે યશાયાહને કરવતથી વહેરવામાં આવે. (હેબ્રી ૧૧:૩૭ સરખાવો.) આ દુષ્ટ રાજાએ “યહુદાહને તથા યરૂશાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચઢાવીને જે પ્રજાઓનો યહોવાહે ઈસ્રાએલપુત્રો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી.” (૨ કાળવૃત્તાંત ૩૩:૯) કનાનીઓ કરતાં, મનાશ્શેહના રાજમાં દેશની દુષ્ટતા વધારે હતી. તેથી, યહોવાહે જાહેર કર્યું: “હું યરૂશાલેમ તથા યહુદાહ પર એવી આપત્તિ લાવવાનો છું, કે તે વિષે દરેક સાંભળનારના બન્ને કાન ઝણઝણશે. . . . જેમ કોઈ માણસ થાળી લૂછે, તેમ હું યરૂશાલેમને લૂછી નાખીશ, ને તેને લૂછીને ઊંધું વાળીશ. મારા વારસાના બચી રહેલા ભાગને હું તજી દઈને તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપીશ; તેઓ તેઓના સર્વ શત્રુઓનો ભક્ષ તથા લૂટ થઇ પડશે. કેમકે તેઓએ મારી દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું છે, . . . તેઓ મને રોષ ચઢાવતા આવ્યા છે.”—૨ રાજાઓ ૨૧:૧૧-૧૫.
૪. યહોવાહ યહુદાહની કેવી હાલત કરશે અને કઈ રીતે આ ભવિષ્યવાણી પૂરી થઈ?
૪ જેમ થાળી ઊંધી વાળવાથી એમાં જે કંઈ હોય એ પડી જાય, એમ જ યહુદાહના દેશને ખાલી કરવામાં આવશે, એમાં કોઈ રહેવાસી રહેશે નહિ. ફરીથી, યહુદાહ અને યરૂશાલેમ પર આવનાર વિનાશ, યશાયાહની ભવિષ્યવાણીનો વિષય બને છે. તે કહે છે: “જુઓ, યહોવાહ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે, ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણખેરણ કરી નાખે છે.” (યશાયાહ ૨૪:૧) જ્યારે નબૂખાદનેસ્સાર રાજા અને તેના બાબેલોની લશ્કરે યરૂશાલેમ અને તેના મંદિરનો નાશ કર્યો, ત્યારે આ ભવિષ્યવાણી પૂરી થઈ હતી. તેમ જ, યહુદાહના મોટા ભાગના લોકો તરવાર, દુકાળ અને બીમારીથી માર્યા જાય છે. જે કોઈ યહુદીઓ બચી ગયા, તેઓને બાબેલોનની ગુલામીમાં લઈ જવાયા અને અમુક મિસર નાસી છૂટ્યા. આમ, યહુદાહ સાવ ઉજ્જડ થઈ ગયું અને એમાં કોઈ વસતી રહી નહિ. અરે, પ્રાણીઓ પણ ત્યાં ન હતા. આ દેશ એવો ઉજ્જડ બની ગયો હતો, જેમાં ખંડેર જ બાકી હતું અને ફક્ત જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ ત્યાં રહેતા હતા.
૫. શું કોઈ પણ યહોવાહના ન્યાયચુકાદાથી બચી જશે? સમજાવો.
૫ શું આવનાર ન્યાયચુકાદામાં દરેકની સરખી જ હાલત થશે? યશાયાહ જવાબ આપે છે: “જેવી લોકની તેવી યાજકની, જેવી ચાકરની તેવી જ તેના શેઠની, જેવી દાસીની તેવી જ તેની શેઠાણીની, જેવી ખરીદનારની તેવી જ વેચનારની, જેવી ઉછીનું આપનારની તેવી જ ઉછીનું લેનારની, જેવી લેણદારની તેવી જ તેના દેણદારની સ્થિતિ થશે. પૃથ્વી ખાલી કરાશે જ કરાશે, ને લૂંટાશે જ લૂંટાશે; કેમકે યહોવાહ એ વચન બોલ્યો છે.” (યશાયાહ ૨૪:૨, ૩) ધનદોલત કે મંદિરમાં સેવા આપવાના લહાવાથી કોઈ ફેર નહિ પડે. કોઈ પક્ષપાત બતાવવામાં નહિ આવે. દેશની પ્રજામાં એટલી બધી ખરાબી છે કે જે કોઈ બચશે, એ બધા જ ગુલામીમાં જશે, ભલે યાજક, ચાકર કે શેઠ, ખરીદનાર કે વેચનાર હોય.
૬. યહોવાહે શા માટે એ દેશને આશીર્વાદ ન આપ્યા?
૬ કોઈ ગેરસમજણ ન થાય એ માટે, યશાયાહ આવનાર આફત કેવી હશે એની પૂરી સમજણ આપી, એનું કારણ પણ જણાવે છે. “પૃથ્વી શોક કરે છે ને સુકાઈ જાય છે, દુનિયા ચીમળાઈને સુકાઈ જાય છે, પૃથ્વીના ખાનદાન માણસો સુકાઈ જાય છે. વળી પૃથ્વી તેના રહેવાસીઓનાં પાપને લીધે ભ્રષ્ટ થઈ છે; કેમકે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડ્યો છે. તેથી શાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે, ને તેના રહેવાસીઓ અપરાધી ઠર્યા છે; તેથી દેશના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે, અને ઘણાં થોડાં જ માણસ બાકી રહ્યાં છે.” (યશાયાહ ૨૪:૪-૬) ઈસ્રાએલીઓને કનાન દેશ આપવામાં આવ્યો ત્યારે, એ તો “દૂધમધની રેલછેલવાળો દેશ” હતો. (પુનર્નિયમ ૨૭:૩) તેમ છતાં, તેઓએ યહોવાહના આશીર્વાદ પર આધાર રાખવાનો હતો. તેઓ વફાદાર રહીને યહોવાહની આજ્ઞાઓ પાળશે તો, ભૂમિ “પોતાની ઉપજ આપશે.” પરંતુ, જો તેઓ તેમની આજ્ઞાઓ ન પાળે, તો ભૂમિ ખેડવાની તેઓની “શક્તિ વ્યર્થ વપરાશે” અને જમીન “પોતાની ઉપજ આપશે નહિ.” (લેવીય ૨૬:૩-૫, ૧૪, ૧૫, ૨૦) યહોવાહનો શાપ ‘ભૂમિને ખાઈ જશે.’ (પુનર્નિયમ ૨૮:૧૫-૨૦, ૩૮-૪૨, ૬૨, ૬૩) હવે એ શાપ યહુદાહ પર આવી પડવાનો હતો.
૭. ઈસ્રાએલી લોકો માટે નિયમ કરાર કઈ રીતે આશીર્વાદ હતો?
૭ યશાયાહથી કંઈક ૮૦૦ વર્ષ પહેલાં, ઈસ્રાએલી લોકોએ પોતાની મરજીથી યહોવાહ સાથે કરાર કર્યો અને એ પ્રમાણે જીવવા સહમત થયા. (નિર્ગમન ૨૪:૩-૮) નિયમ કરારની શરત હતી કે જો લોકો યહોવાહની આજ્ઞાઓ પાળશે, તો જરૂર તેઓ પુષ્કળ આશીર્વાદ પામશે. પરંતુ, જો તેઓ કરાર તોડશે, તો તેઓ આશીર્વાદ ગુમાવશે અને પોતાના દુશ્મનોની ગુલામીમાં જશે. (નિર્ગમન ૧૯:૫, ૬; પુનર્નિયમ ૨૮:૧-૬૮) મુસા દ્વારા આપેલો આ નિયમ કરાર હંમેશ માટે લાગુ પાડવાનો હતો. મસીહ આવે ત્યાં સુધી, એનાથી તેઓને રક્ષણ મળવાનું હતું.—ગલાતી ૩:૧૯, ૨૪.
૮. (ક) કઈ રીતે લોકોએ “નિયમનું ઉલ્લંઘન કર્યું” અને “વિધિનો અનાદર કર્યો”? (ખ) કઈ રીતે “ખાનદાન માણસો” સૌ પ્રથમ “સુકાઈ જાય છે”?
૮ પરંતુ, લોકોએ “સનાતન કરાર તોડ્યો છે.” તેઓએ પરમેશ્વરની આજ્ઞા માની નથી. તેઓએ યહોવાહે આપેલા નિયમ પ્રમાણે ન વર્તીને, “વિધિનો અનાદર કર્યો છે.” (નિર્ગમન ૨૨:૨૫; હઝકીએલ ૨૨:૧૨) તેથી, લોકોને પોતાના દેશમાંથી કાઢી મૂકવામાં આવશે. આવનાર ન્યાયચુકાદામાં કોઈ દયા બતાવાશે નહિ. યહોવાહ પોતાનું રક્ષણ અને કૃપા નહિ આપે, એનાથી પ્રથમ “સુકાઈ” જનારામાં “ખાનદાન માણસો” હશે. એની પરિપૂર્ણતામાં, યરૂશાલેમનો વિનાશ નજીક આવી રહ્યો હતો. પ્રથમ, મિસરીઓએ અને પછી બાબેલોનીઓએ યહુદાહના રાજાઓને પોતાના તાબેદાર રાજા બનાવ્યા. તેથી, યહોયાખીન અને તેના રાજવંશના બીજાને સૌ પ્રથમ બાબેલોનના બંદીવાન બનાવી લઈ જવામાં આવ્યા.—૨ કાળવૃત્તાંત ૩૬:૪, ૯, ૧૦.
એ દેશમાંથી ખુશી જતી રહે છે
૯, ૧૦. (ક) ઈસ્રાએલમાં ખેતીવાડીનું શું મહત્ત્વ હતું? (ખ) ‘દરેક પોતપોતાના દ્રાક્ષાવેલા અને અંજીરી તળે બેસશે,’ એનો શું અર્થ થતો હતો?
૯ ઈસ્રાએલના લોકો ખેડૂતો હતા. ઈસ્રાએલીઓ વચનના દેશમાં ગયા ત્યારથી, તેઓ ખેતીવાડી કરતા અને ઢોરઢાંક ઉછેરતા હતા. આમ, ઈસ્રાએલને જે કાયદા-કાનૂન આપવામાં આવ્યા હતા, એમાં ખેતીવાડી બહુ મહત્ત્વનો ભાગ ભજવતી હતી. દર સાતમે વર્ષે ખેતરોમાં કંઈ ઉગાડવામાં ન આવતું, જેથી જમીનને આરામ મળે અને એ ફળદ્રુપ થાય. (નિર્ગમન ૨૩:૧૦, ૧૧; લેવીય ૨૫:૩-૭) એ દેશમાં દર વર્ષે ઉજવાતા ત્રણ તહેવારો ખેતીવાડીની મોસમ સાથે સંકળાયેલા હતા.—નિર્ગમન ૨૩:૧૪-૧૬.
૧૦ આખા દેશમાં દ્રાક્ષાવાડીઓ સામાન્ય હતી. શાસ્ત્રવચનો દ્રાક્ષાદારુ અને એનાથી બનેલી વસ્તુઓને યહોવાહ પાસેથી ભેટ ગણતા, જે “માણસના હૃદયને આનંદ આપનાર” છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૫) ‘દરેક પોતપોતાના દ્રાક્ષાવેલા તથા અંજીરી તળે બેસશે,’ એ યહોવાહના ન્યાયી રાજમાં સુખ-શાંતિ અને સલામતી દર્શાવે છે. (૧ રાજાઓ ૪:૨૫; મીખાહ ૪:૪) જે મોસમમાં ભરપૂર પાક મળ્યો હોય, એને આશીર્વાદ ગણાવામાં આવતો અને એ કારણે લોકો ગાતા અને ખુશી મનાવતા. (ન્યાયાધીશ ૯:૨૭; યિર્મેયાહ ૨૫:૩૦) પરંતુ, એનાથી વિરુદ્ધની બાબત પણ બની શકે. જ્યારે દ્રાક્ષાવાડીઓ સૂકાઈ જાય અને દ્રાક્ષો ન થાય, તથા દ્રાક્ષાવાડીઓ ઉજ્જડ થઈને, કાંટાળી જગ્યા બની જાય, ત્યારે એ બતાવતું કે યહોવાહનો આશીર્વાદ તેઓ પર નથી, અને એ શોક કરવાનો વખત હતો.
૧૧, ૧૨. (ક) યહોવાહના ન્યાયકરણથી જે બનશે, એનું યશાયાહ કેવું ઉદાહરણ આપે છે? (ખ) યશાયાહ કેવા ભાવિ વિષે વર્ણન કરે છે?
૧૧ તેથી, યોગ્ય રીતે જ યશાયાહ હવે દ્રાક્ષાવાડીઓ અને એની પેદાશનો ઉપયોગ કરીને જણાવે છે કે, યહોવાહ એ દેશમાંથી પોતાનો આશીર્વાદ લઈ લેશે ત્યારે તેઓની કેવી હાલત થશે: “નવો દ્રાક્ષારસ શોક કરે છે, દ્રાક્ષાવેલો સુકાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. ડફોનો હર્ષ બંધ થાય છે, હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી, વીણાનો હર્ખ બંધ પડે છે. તેઓ ગાયન કરતાં કરતાં દ્રાક્ષારસ પીશે નહિ; દારૂ પીનારાને કડવો લાગશે. ઉજ્જડ નગર પાયમાલ થયું છે; સર્વ ઘરો બંધ કરવામાં આવ્યાં છે, તેથી કોઈ અંદર પેસે નહિ. ગલીઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે; સર્વ હર્ષ અંધરાએલો છે, પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે. નગરમાં પાયમાલી થઈ રહેલી છે, ને ભાગળમાં વિનાશ થઈ રહ્યો છે.”—યશાયાહ ૨૪:૭-૧૨.
૧૨ ડફલી અને વીણા યહોવાહની સ્તુતિ કરવા અને આનંદ વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવાતા વાજિંત્રો છે. (૨ કાળવૃત્તાંત ૨૯:૨૫; ગીતશાસ્ત્ર ૮૧:૨) પરમેશ્વર જ્યારે સજા કરશે, ત્યારે આ સંગીત સંભળાશે નહિ. દ્રાક્ષાના પાકનો આનંદ પણ જણાશે નહિ. ઉજ્જડ યરૂશાલેમમાં કોઈ ખુશી મનાવશે નહિ, કેમ કે એના દરવાજા ‘વિનાશ પામ્યા છે’ અને એના ‘ઘરો બંધ થયા છે,’ જેથી કોઈ અંદર પેસી શકે નહિ. એ દેશ માટે કેટલો ઉદાસીનો સમય હશે, જેની જમીન કુદરતી રીતે જ પુષ્કળ પેદાશ આપતી હતી!
બચી ગયેલા ‘મોટે સાદે પોકારશે’
૧૩, ૧૪. (ક) ખેતીવાડી વિષે યહોવાહની કઈ આજ્ઞાઓ હતી? (ખ) એ આજ્ઞાઓનો ઉપયોગ કરીને, કઈ રીતે યશાયાહ બતાવે છે કે, યહોવાહના ન્યાયચુકાદામાંથી અમુક જણ બચી જશે? (ગ) ખરું કે કસોટીઓ આવવાની હતી, પણ યહુદાહના વિશ્વાસુ લોકો શાની ખાતરી રાખી શકે?
૧૩ ઈસ્રાએલીઓ જેતુનના ફળ ઝૂડવા, ઝાડને લાકડીથી ઝૂડતા, જેથી ફળો નીચે પડે. યહોવાહ પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે, તેઓને જેતુનના ઝાડની ડાળીઓ પર ચડીને, બાકી રહેલા ફળ વીણવાની મનાઈ હતી. તેમ જ, તેઓને દ્રાક્ષાવેલા પરથી દ્રાક્ષો વીણી લીધા પછી, બાકી રહી ગયેલી દ્રાક્ષો વીણવા જવાની પણ મનાઈ હતી. પાક વીણાઈ ગયા પછી, જે કંઈ બાકી રહે, એ ગરીબ લોકો માટે રહેવા દેવાનું હતું. જેથી, ‘પરદેશી તથા અનાથ તથા વિધવા’ જઈને પોતાને માટે વીણી શકે. (પુનર્નિયમ ૨૪:૧૯-૨૧) આ જાણીતા નિયમ દ્વારા, યશાયાહ દિલાસો આપતી હકીકત વર્ણવે છે કે યહોવાહના આવનાર ન્યાયકરણમાંથી બચી જનારા હશે: “પૃથ્વીમાં લોકો ઝૂડાએલા જૈતવૃક્ષ જેવા, દ્રાક્ષાની મોસમ થઈ રહ્યા પછી બાકી રહેલી દ્રાક્ષા જેવા થશે. તેઓ મોટે સાદે બૂમ પાડશે, યહોવાહના મહિમાને લીધે તેઓ સમુદ્રને સામે પારથી પોકારશે. તેથી તમે પૂર્વથી યહોવાહનો મહિમા ગાઓ, સમુદ્રના બેટોમાં ઈસ્રાએલના દેવ યહોવાહના નામનો મહિમા ગાઓ. પૃથ્વીને છેડેથી આપણે, ‘ન્યાયીઓનો [‘ન્યાયી ઈશ્વરનો,’ IBSI] મહિમા થાઓ.’ એવાં ગીત સાંભળ્યાં છે.”—યશાયાહ ૨૪:૧૩-૧૬ ક.
૧૪ ફળો વીણી લેવાયા પછી, જેતુનના ઝાડ પર કે દ્રાક્ષાવેલા પર અમુક ફળો રહી જાય છે. એમ જ, યહોવાહનું ન્યાયકરણ અમલમાં આવ્યા પછી, અમુક લોકો બચી જશે, તેઓ જાણે કે “દ્રાક્ષાની મોસમ થઈ રહ્યા પછી બાકી રહેલી દ્રાક્ષા જેવા થશે.” છઠ્ઠી કલમ પ્રમાણે, પ્રબોધક આ વિષે જણાવી ચૂક્યા છે કે, “ઘણાં થોડાં જ માણસ બાકી રહ્યાં છે.” તેમ છતાં, ભલે થોડા જ હોય, પણ યરૂશાલેમ અને યહુદાહના વિનાશમાંથી બચી જનારા જરૂર હશે. પછીથી, આ શેષભાગ ગુલામીમાંથી પાછો ફરીને પોતાના વતનને વસ્તીવાળું બનાવશે. (યશાયાહ ૪:૨, ૩; ૧૪:૧-૫) ખરું કે ન્યાયી લોકોને પણ કસોટીઓનો અનુભવ કરવો પડશે, છતાં તેઓ ખાતરી રાખી શકે કે જલદી જ છૂટકારો અને ખુશી તેઓની રાહ જુએ છે. બચી જનારાઓ યહોવાહની ભવિષ્યવાણી પૂરી થતી જોશે, અને પારખશે કે ખરેખર યશાયાહનો પ્રબોધ ખુદ પરમેશ્વર તરફથી હતો. તેઓ પાછા પોતાના વતનમાં સુખેથી રહેવાની ભવિષ્યવાણી પૂરી થતા જોશે ત્યારે, ખૂબ આનંદ કરશે. તેઓ ગમે ત્યાંથી વિખેરાઈ ગયા હોય, પછી ભલે એ પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્રના ટાપુઓ હોય, “પૂર્વ” તરફ બાબેલોનમાંથી હોય કે બીજી કોઈ દૂર દૂરની જગ્યાએથી હોય, તેઓ યહોવાહની સ્તુતિ કરશે કેમ કે તેઓને બચાવવામાં આવ્યા છે. તેઓ ગાઈ ઊઠશે: ‘ન્યાયી ઈશ્વરનો મહિમા થાઓ’!
યહોવાહના ન્યાયમાંથી છટકાશે નહિ
૧૫, ૧૬. (ક) યશાયાહના લોકો પર જે આવી પડવાનું હતું, એ વિષે તેમને કેવું લાગે છે? (ખ) દેશના અવિશ્વાસુ લોકો પર શું આવી પડશે?
૧૫ જો કે હમણાંથી ખુશીના સપનાં જોવા યોગ્ય નથી. યશાયાહ પોતાના લોકોને ફરીથી તેમના સમયની હકીકત બતાવતા કહે છે: “પણ મેં કહ્યું, હું સુકાઈ જાઉં છું, હું સુકાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે. હે જગતના વાસી, ભય, ખાડો તથા ફાંદો તારા પર આવી પડ્યાં છે. વળી એમ થશે કે જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે; જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંદામાં પકડાશે; કેમકે આકાશની બારીઓ ઉઘડેલી છે, અને પૃથ્વીના પાયા હાલે છે. પૃથ્વી તદ્ન તૂટી ગએલી છે, પૃથ્વીના ચૂરેચૂરા કરવામાં આવ્યા છે, પૃથ્વી છેક ડોલી ઊઠી છે. પૃથ્વી પીધેલાની પેઠે લથડિયાં ખાશે, ને ઝૂંપડીની પેઠે આમતેમ હાલી જશે; તેનો અપરાધ તે પર ભારરૂપ થઈ પડશે, તે પડશે ને ફરી ઊઠશે નહિ.”—યશાયાહ ૨૪: ૧૬ ખ-૨૦.
૧૬ યશાયાહ પોતાના લોક પર આવનાર આફતો વિષે જાણીને, ભારે શોકમાં ડૂબી ગયા છે. તેમની આજુબાજુ જે બની રહ્યું હતું, એ જોઈને તેમને એમ લાગે છે કે હવે કોઈ જ આશા રહી નથી. ઠગનારા વધારે ચાલાક બનીને લોકો પર વધારે જુલમ કરે છે. હા, જ્યારે યહોવાહ પોતાનું રક્ષણ લઈ લેશે, ત્યારે યહુદાહના અવિશ્વાસુ લોકો દિવસ-રાત ભયમાં જીવશે. તેઓનું જીવન જોખમમાં હશે. યહોવાહની આજ્ઞા અને શિખામણ માની નહિ, એ કારણે તેઓની જે હાલત થશે, એમાંથી તેઓ બચી શકશે નહિ. (નીતિવચનો ૧:૨૪-૨૭) દેશ પર આફત જરૂર આવશે, ભલેને લુચ્ચા માણસો લોકોને ભમાવે કે બધું બરાબર છે. આમ, તેઓ જૂઠાણું અને કપટ વાપરીને લોકોને વિનાશના મોંમાં લઈ જશે. (યિર્મેયાહ ૨૭:૯-૧૫) બહારના દુશ્મનો જરૂર આવશે અને તેઓને લૂંટીને ગુલામીમાં લઈ જશે. આ બધું યશાયાહને બહુ જ દુઃખી કરે છે.
૧૭. (ક) શા માટે કોઈ છટકી શકશે નહિ? (ખ) યહોવાહનું ન્યાયકરણ સ્વર્ગમાંથી આવશે ત્યારે, દેશનું શું થશે?
૧૭ તોપણ, પ્રબોધકે જાહેર કરવાનું જ હતું કે કોઈ છટકી શકશે નહિ. લોકો ભલે ગમે ત્યાંથી છટકવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પકડાશે. કેટલાક એક આફતમાંથી બચી જશે તો, બીજી તેમની રાહ જોઈને બેઠી હશે. તેઓ ઊલમાંથી ચૂલમાં પડશે, પણ છટકી શકશે નહિ. (આમોસ ૫:૧૮, ૧૯ સરખાવો.) યહોવાહ સ્વર્ગમાંથી ન્યાય કરવા આવશે અને પૃથ્વીના પાયા હલાવી નાખશે. કોઈ પીધેલા માણસની જેમ, તે લથડિયાં ખાય અને પડી જાય, તેમ તેનો અપરાધ એટલો ભારે થઈ પડશે કે તે ફરીથી ઊઠી શકશે નહિ. (આમોસ ૫:૨) યહોવાહનો ન્યાય બદલાતો નથી. એ દેશ પર પૂરેપૂરો વિનાશ આવી પડશે.
યહોવાહ ગૌરવથી રાજ કરશે
૧૮, ૧૯. (ક) ‘ઉચ્ચસ્થાનનું સૈન્ય’ કોણ હોય શકે અને કઈ રીતે તેઓને “બંદીખાનામાં બંધ કરવામાં આવશે? (ખ) મોટા ભાગે કઈ રીતે ‘ઉચ્ચસ્થાનના સૈન્યને’ “ઘણા દિવસ પછી” શિક્ષા થશે? (ગ) કઈ રીતે યહોવાહ “પૃથ્વીના રાજાઓને જોઈ લેશે”?
૧૮ હવે, યશાયાહની ભવિષ્યવાણી યહોવાહના હેતુનું આખરી પરિણામ પણ બતાવે છે: “તે દિવસે યહોવાહ આકાશમાં ઉચ્ચસ્થાનના સૈન્યને, તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને જોઈ લેશે. જેમ કારાગૃહમાં બંદીવાનોને એકઠા કરવામાં આવે છે, તેમ તેઓને એકઠા કરવામાં આવશે, ને તેઓને બંદીખાનામાં બંધ કરવામાં આવશે, અને ઘણા દિવસ પછી તેઓનો ન્યાય કરવામાં આવશે. ત્યારે ચંદ્રને લાજ લાગશે, ને સૂર્ય શરમાશે; કેમકે સૈન્યોનો દેવ યહોવાહ સિયોન પર્વત પર તથા યરૂશાલેમમાં રાજ કરશે, અને તેના વડીલોની આગળ તેનું ગૌરવ દેખાશે.”—યશાયાહ ૨૪:૨૧-૨૩.
૧૯ ‘ઉચ્ચસ્થાનનું સૈન્ય’ કદાચ શેતાની ‘અંધકારરૂપી જગતના સત્તાધારીઓ, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોને’ સૂચવતું હોય શકે. (એફેસી ૬:૧૨) તેઓ જગતના સત્તાધારીઓ પર સારો એવો કાબૂ ધરાવે છે. (દાનીયેલ ૧૦:૧૩, ૨૦; ૧ યોહાન ૫:૧૯) તેઓનો ધ્યેય લોકોને યહોવાહ પરમેશ્વર અને તેમની શુદ્ધ ભક્તિથી દૂર લઈ જવાનો છે. ઈસ્રાએલી લોકોની આજુબાજુ રહેતી પ્રજાના ગંદા આચરણોમાં લલચાવવા તેઓ કેટલા સફળ થયા હતા, એ વિચારો. તેથી, યહોવાહનો કોપ ઈસ્રાએલીઓ પર આવી પડ્યો હતો! પરંતુ, શેતાન અને તેના ભૂતોને તો યહોવાહ પરમેશ્વરને જવાબ આપવો જ પડશે. તેમ જ, “આખા જગતના રાજાઓને” પણ જવાબ આપવો પડશે, જેઓને શેતાન અને તેના ભૂતોએ યહોવાહની વિરુદ્ધ ભમાવ્યા છે અને તેમના નિયમોનો ભંગ કરાવ્યો છે. (પ્રકટીકરણ ૧૬:૧૩, ૧૪) સાંકેતિક રીતે, યશાયાહ કહે છે કે તેઓને ભેગા કરીને “બંદીખાનામાં બંધ કરવામાં આવશે.” “ઘણા દિવસ પછી,” એટલે કે કદાચ ઈસુ ખ્રિસ્તના હજાર વર્ષના રાજને અંતે, શેતાન અને ફક્ત તેના ભૂતોને જ (પણ “પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને” નહિ) થોડા સમય માટે છોડવામાં આવશે. એ સમયે, યહોવાહ તેઓ પર આખરી શિક્ષા ફટકારશે.—પ્રકટીકરણ ૨૦:૩, ૭-૧૦.
૨૦. પ્રાચીન સમયમાં અને આપણા સમયમાં, ક્યારે અને કઈ રીતે યહોવાહે બતાવ્યું કે પોતે રાજ કરે છે?
૨૦ આમ, યશાયાહની ભવિષ્યવાણીનો આ ભાગ યહુદીઓને અદ્ભુત આશા આપે છે. યહોવાહના પોતાના સમયે, તે પ્રાચીન બાબેલોનનો વિનાશ કરશે અને યહુદીઓને વતનમાં પાછા લાવશે. જ્યારે ૫૩૭ બી.સી.ઈ.માં યહોવાહે પોતાના લોકો માટે પોતાની શક્તિ અને સર્વોપરિતા બતાવશે, ત્યારે ખરેખર તેઓ વિષે કહી શકાશે કે, “તારો દેવ રાજ કરે છે.” (યશાયાહ ૫૨:૭) આજના સમયમાં, યહોવાહ ૧૯૧૪માં રાજા બન્યા, જ્યારે તેમણે પોતાના સ્વર્ગના રાજ્યમાં ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે નીમ્યા. (ગીતશાસ્ત્ર ૯૬:૧૦) તે ૧૯૧૯માં પણ રાજા બન્યા, જ્યારે તેમણે મહાન બાબેલોનના બંધનમાંથી આત્મિક ઈસ્રાએલને છોડાવ્યા અને એ રીતે બતાવી આપ્યું કે પોતે રાજ કરે છે.
૨૧. (ક) કઈ રીતે “ચંદ્રને લાજ લાગશે, ને સૂર્ય શરમાશે”? (ખ) એ મહાન પરિપૂર્ણતા માટે શું કહેવામાં આવશે?
૨૧ યહોવાહ જ્યારે મહાન બાબેલોન અને સમગ્ર દુષ્ટ જગતનો અંત લાવશે, ત્યારે ફરીથી તે “રાજા થશે.” (ઝખાર્યાહ ૧૪:૯; પ્રકટીકરણ ૧૯:૧, ૨, ૧૯-૨૧) પછીથી, યહોવાહનું રાજ એટલું ભવ્ય હશે કે રાત્રે ચાંદનું અજવાળું કે બપોરના સૂર્યના પ્રકાશનું તેજ પણ એના ગૌરવ આગળ ઝાંખું પડશે. (પ્રકટીકરણ ૨૨:૫ સરખાવો.) તેઓ જાણે કે યહોવાહ પરમેશ્વરની આગળ શરમાશે. યહોવાહ સર્વોપરી તરીકે રાજ કરશે. તેમની મહાન શક્તિ અને ગૌરવ બધે જ દેખાઈ આવશે. (પ્રકટીકરણ ૪:૮-૧૧; ૫:૧૩, ૧૪) કેવું સુંદર ભાવિ! એ સમયે, આખી પૃથ્વી પર એની મહાન પરિપૂર્ણતા માટે કહેવાશે: “યહોવાહ રાજ કરે છે; પૃથ્વીના લોકો હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.”—ગીતશાસ્ત્ર ૯૭:૧.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૬૨ પર ચિત્ર]
હવેથી દેશમાં સંગીત કે ખુશીનો અવાજ સંભળાશે નહિ
[પાન ૨૬૫ પર ચિત્ર]
ફળો ઝૂડી લેવાયા પછી અમુક ફળો રહી જાય છે, તેમ જ યહોવાહના ન્યાયચુકાદામાંથી અમુક બચી જશે
[પાન ૨૬૭ પર ચિત્ર]
યશાયાહના લોકો પર જે આવી પડવાનું હતું એનાથી તે ખૂબ જ દુઃખી થઈ ગયા
[પાન ૨૬૯ પર ચિત્ર]
સૂર્ય કે ચંદ્ર બંને યહોવાહના ગૌરવ આગળ ઝાંખા પડશે