શાંતિના સરદાર માટેનું વચન
દસમું પ્રકરણ
શાંતિના સરદાર માટેનું વચન
૧. કાઈનના સમયથી મનુષ્યોની કઈ હાલત થઈ છે?
લગભગ છ હજાર વર્ષ પહેલાં, પ્રથમ બાળકનો જન્મ થયો હતો. તેનું નામ કાઈન હતું, અને તેનો જન્મ એક રોમાંચક બનાવ હતો. તેના માબાપ, સ્વર્ગદૂતો, અરે ઉત્પન્ન કરનારે પણ જન્મેલું બાળક કદી જોયું ન હતું. આ બાળક પાપી મનુષ્યો માટે આશાનું કિરણ બની શક્યું હોત. પરંતુ અફસોસ! એ બાળક તો મોટું થયા પછી ખૂની બન્યું! (૧ યોહાન ૩:૧૨) એ પછી તો ઘણાં ખૂન થતાં રહ્યાં છે. માનવીઓ ખોટું કરવા તરફ ઢળેલા હોવાથી, એકબીજા સાથે કે પરમેશ્વર સાથે શાંતિમાં નથી.—ઉત્પત્તિ ૬:૫; યશાયાહ ૪૮:૨૨.
૨, ૩. ઈસુ ખ્રિસ્ત વડે કયું ભાવિ શક્ય બન્યું, અને એ આશીર્વાદો માટે આપણે શું કરવું જ જોઈએ?
૨ કાઈન જન્મ્યો એના ચારેક હજાર વર્ષ પછી, બીજું એક બાળક જન્મ્યું. તેનું નામ ઈસુ હતું. વળી, તેનો જન્મ પણ અદ્ભુત અને મહત્ત્વનો હતો. તેનો જન્મ પવિત્ર આત્માની શક્તિથી, કુમારિકાના પેટે થયો એ જે અજોડ બનાવ હતો. તેના જન્મ વખતે, અસંખ્ય દૂતોએ આનંદથી યહોવાહની સ્તુતિ કરી: “પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ.” (લુક ૨:૧૩, ૧૪) નિશ્ચે, ખૂની તો નહિ જ, પરંતુ ઈસુએ મનુષ્યો માટે પરમેશ્વર સાથે શાંતિ મેળવી, અને અનંતજીવનના માર્ગનું દ્વાર ખોલ્યું.—યોહાન ૩:૧૬; ૧ કોરીંથી ૧૫:૫૫.
૩ યશાયાહે ભાખ્યું કે ઈસુ ‘શાંતિના સરદાર’ કહેવાશે. (યશાયાહ ૯:૬) તે માનવીઓ માટે જીવન આપીને, પાપોની માફી શક્ય બનાવશે. (યશાયાહ ૫૩:૧૧) આજે, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવાથી જ પરમેશ્વર સાથે શાંતિ, અને પાપોની માફી મળી શકે છે. પરંતુ, આ આશીર્વાદો કંઈ આપમેળે આવી જતા નથી. (કોલોસી ૧:૨૧-૨૩) એ આશીર્વાદોની ઝંખના રાખનારે યહોવાહની આજ્ઞાઓ પાળતા શીખવું જ જોઈએ. (૧ પીતર ૩:૧૧; સરખાવો હેબ્રી ૫:૮, ૯.) યશાયાહના સમયમાં, ઈસ્રાએલ અને યહુદાહે એનાથી તદ્દન અલગ જ માર્ગ લીધો.
ભૂત-ભૂવાઓની મદદ લીધી
૪, ૫. યશાયાહના સમયના લોકોની હાલત કેવી છે, અને કેટલાક કોની પાસે મદદ શોધે છે?
૪ યશાયાહના સમયના લોકોએ આજ્ઞાપાલન કર્યું નહિ. તેથી, તેઓ નૈતિક રીતે દુઃખદ અને ધાર્મિક રીતે અંધકારમય પરિસ્થિતિમાં આવી પડ્યા. યહોવાહનું મંદિર જ્યાં હતું, એ યહુદાહના દક્ષિણના રાજ્યમાં પણ શાંતિ ન હતી. અવિશ્વાસુ બનવાને કારણે, યહુદાહના લોકો પર આશ્શૂરીઓનું આક્રમણ ઝઝૂમી રહ્યું હતું, અને હજુ અઘરો સમય તો આવી રહ્યો હતો. તેઓ કોની પાસે મદદ માંગશે? દુઃખદપણે, તેઓ યહોવાહની નહિ, પરંતુ શેતાનની મદદ માંગે છે. તેઓ શેતાન પાસે સીધેસીધા જતા નથી. એને બદલે, રાજા શાઊલની જેમ, તેઓ મેલી વિદ્યામાં સંડોવાય છે. તેઓ પર આવી પડેલાં દુઃખ વિષે મૂએલાં સાથે વાતચીત કરી, તરત જ મદદ શોધવાનો પ્રયત્ન કરે છે.—૧ શમૂએલ ૨૮:૧-૨૦.
૫ અમુક જણ તો વળી બીજાઓને પણ સાથે ખેંચી જાય છે. યશાયાહ આવા ધર્મત્યાગીઓ વિષે કહે છે: “જ્યારે તેઓ તમને કહે, કે ભૂવાઓ પાસે, ને ઝીણે સાદે બડબડનાર ધંતરમંતર કરનારની પાસે જઈને ખબર કાઢો; ત્યારે તારે કહેવું, કે લોકોએ પોતાના દેવની પાસે જઈને ખબર નહિ કાઢવી? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?” (યશાયાહ ૮:૧૯) “ઝીણે સાદે બડબડનાર ધંતરમંતર કરનાર,” ભૂવાઓ મેલી વિદ્યાથી લોકોને છેતરી શકે છે. મેલી વિદ્યાથી, મૂએલાંના અવાજ કાઢીને, ખરેખર એ જ વ્યક્તિ વાત કરે છે એમ છેતરી શકાય. જો કે ઘણી વખત મેલી વિદ્યામાં ભૂતોનો સીધે સીધો સમાવેશ થાય છે, જેઓ મૂએલાં વ્યક્તિની નકલ કરે છે. શાઊલના કિસ્સામાં એવું જ બને છે, જ્યારે તે એન-દોરમાંની મેલી વિદ્યા જાણનારી સ્ત્રી પાસે પૂછપરછ કરવા જાય છે.—૧ શમૂએલ ૨૮:૮-૧૯.
૬. ખાસ કરીને, મેલી વિદ્યા તરફ ફરેલા ઈસ્રાએલીઓ શા માટે દોષિત છે?
૬ યહોવાહે મેલી વિદ્યાની મનાઈ ફરમાવી હોવા છતાં, યહુદાહમાં આ બધું જ ચાલી રહ્યું છે. મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, એની સજા મોત હતી. (લેવીય ૧૯:૩૧; ૨૦:૬, ૨૭; પુનર્નિયમ ૧૮:૯-૧૨) યહોવાહની ખાસ પ્રજા શા માટે આવા ઘોર પાપમાં પડે છે? એનું કારણ એ કે, તેઓ યહોવાહના નિયમશાસ્ત્ર અને સલાહથી દૂર ચાલ્યા ગયા હતા. તેમ જ, તેઓ ‘પાપના કપટથી કઠણ હૃદયના થઈ ગયા’ હતા. (હેબ્રી ૩:૧૩) “તેઓનું અંતઃકરણ સ્થૂળ” થયું હતું, અને પોતાના પરમેશ્વરથી પારકાં થઈ ગયા હતા.—ગીતશાસ્ત્ર ૧૧૯:૭૦. *
૭. યશાયાહના સમયના ઈસ્રાએલીઓની જેમ આજે ઘણા લોકો શું કરે છે, અને પસ્તાવો કરીને પાછા ન ફરે તો, તેઓનું ભાવિ શું છે?
૭ તેઓએ વિચાર્યું હોય શકે, ‘આશ્શૂરીઓ માથે આવીને ઊભા છે, ત્યાં યહોવાહનું નિયમશાસ્ત્ર શું કામ આવવાનું હતું?’ તેઓ તો ઝડપી અને સહેલો ઉકેલ શોધતા હતા. તેઓ યહોવાહની ઇચ્છા પૂરી કરી, તેમની રાહ જોવા તૈયાર ન હતા. આજે પણ, ઘણા યહોવાહનો નિયમ તોડીને મેલી વિદ્યામાં સંડોવાય છે, જોષ જોવડાવે છે, અને બીજા અનેક જાતના મંત્રતંત્રથી પોતાની સમસ્યાનો ઉકેલ શોધે છે. જો કે એ સમયની જેમ જ, આજે પણ લોકો મૂએલાં પાસે ઉકેલ શોધવા જાય એ મૂર્ખતા છે. જે કોઈ જાણીજોઈને એમ કરવાનું ચાલુ જ રાખે છે, તેઓનું ભાવિ “ખૂનીઓ, વ્યભિચારીઓ, . . . મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠાઓ” જેવું જ છે. તેઓને ભાવિ જીવનની કોઈ જ આશા નથી.—પ્રકટીકરણ ૨૧:૮.
યહોવાહનું ‘શિક્ષણ તથા સાક્ષી’
૮. એ “શિક્ષણ તથા સાક્ષી” શું છે, જેમાંથી આજે આપણે માર્ગદર્શન મેળવવું જોઈએ?
૮ યહોવાહના નિયમો જેમાં મેલી વિદ્યાની મનાઈ હતી, એ યહુદાહમાં સંતાડી રાખવામાં આવ્યા નથી. એ લખી લેવામાં આવ્યા છે. આજે, યહોવાહનો શબ્દ પૂરેપૂરા લખાણમાં મળી આવે છે. એ બાઇબલ છે, જેમાં પરમેશ્વરના નિયમો જ નહિ, પણ તેમણે પોતાના લોકો સાથે જે રીતે વ્યવહાર કર્યો, એના અહેવાલો પણ મળી આવે છે. યહોવાહના વ્યવહારના એ બાઇબલ અહેવાલો સાક્ષીરૂપ છે. તેમ જ, એ આપણને યહોવાહ અને તેમના ગુણો વિષે શીખવે છે. મૂએલાં પાસે જવાને બદલે, ઈસ્રાએલીઓએ માર્ગદર્શન માટે ક્યાં જવાની જરૂર હતી? “શિક્ષણ તથા સાક્ષીની પાસે,” યશાયાહ જવાબ આપે છે. (યશાયાહ ૮:૨૦ ક) ખરેખર, સાચું શિક્ષણ મેળવવા ચાહનારે યહોવાહના લેખિત શબ્દમાં જોવાની જરૂર છે.
૯. પસ્તાવો ન કરનારાઓ બાઇબલનો ઉપયોગ કરે એનો કોઈ ફાયદો છે?
૯ મેલી વિદ્યામાં સંડોવાયા હતા એવા અમુક ઈસ્રાએલીઓએ દાવો પણ કર્યો હોય શકે કે, તેઓને યહોવાહના લેખિત શબ્દ માટે માન હતું. પરંતુ એવા દાવાઓ પોકળ અને ઢોંગી હતા. યશાયાહ કહે છે: “જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.” (યશાયાહ ૮:૨૦ ખ) યશાયાહ અહીં શાનો ઉલ્લેખ કરે છે? “શિક્ષણ અને સાક્ષી” પ્રમાણે તેઓ બોલશે, એમ કહેતા હોય શકે. એમ બની શકે કે, અમુક ધર્મત્યાગી ઈસ્રાએલીઓ યહોવાહના શબ્દનો ઉપયોગ કરતા હતા. આજે પણ ધર્મત્યાગીઓ અને બીજાઓ બાઇબલમાંથી વચનો ટાંકતા હોય છે. પરંતુ એ ફક્ત કહેવા પૂરતું જ રહે છે. યહોવાહની ઇચ્છા પૂરી કરતા ન હોય, અને ખોટાં આચરણોમાં ચાલુ જ રહેતા હોય તો, બાઇબલના વચનો ટાંકવાથી, યહોવાહ પાસેથી કંઈ “સૂર્યોદય” થવાનો નથી કે જ્ઞાન મળવાનું નથી. *
“અન્નનો દુકાળ નહિ”
૧૦. યહોવાહને છોડી દેવાથી, યહુદાહના લોકોની હાલત કેવી થઈ છે?
૧૦ યહોવાહની આજ્ઞા ન પાળવાથી બુદ્ધિ બહેર મારી જાય છે. (એફેસી ૪:૧૭, ૧૮) એ જ રીતે, યહુદાહના લોકો આત્મિક રીતે ‘અંધ’ બની ગયા હોવાથી, તેઓને સમજણ નથી. (૧ કોરીંથી ૨:૧૪) યશાયાહ તેઓની હાલતનું વર્ણન કરે છે: “દુઃખી તથા ભૂખ્યા થઈને, તેઓ દેશમાં ભટકશે.” (યશાયાહ ૮:૨૧ ક) ખાસ કરીને આહાઝના રાજમાં, દેશની બેવફાઈને કારણે, સ્વતંત્ર દેશ તરીકે યહુદાહનું ટકી રહેવું મુશ્કેલ થઈ પડ્યું. દેશ દુશ્મનોથી ઘેરાઈ ગયો. આશ્શૂરનાં લશ્કરોએ યહુદાહનાં એક પછી બીજાં શહેર પર હુમલો કર્યો. દુશ્મનોએ ફળદ્રુપ દેશને ખેદાનમેદાન કરી નાખ્યો, એટલે ખોરાકની તંગી આવી પડી. ઘણા “દુઃખી તથા ભૂખ્યા” હતા. પરંતુ, દેશ પર બીજા પ્રકારની ભૂખ પણ આવી પડી હતી. થોડાં વર્ષો પહેલાં આમોસે ભાખ્યું હતું: “પ્રભુ યહોવાહ કહે છે, જુઓ, એવા દિવસો આવે છે, કે જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.” (આમોસ ૮:૧૧) હવે યહુદાહ એવા જ દુકાળમાં આવી પડ્યું હતું!
૧૧. યહુદાહને મળેલી શિસ્તથી, એના લોકોમાં કંઈ સુધારો થયો?
૧૧ શું યહુદાહ પસ્તાવો કરીને યહોવાહ તરફ ફરશે? શું એના લોકો મેલી વિદ્યા અને મૂર્તિપૂજા છોડીને “શિક્ષણ તથા સાક્ષી” તરફ ફરશે? યહોવાહ તેઓનું વર્તન પારખી શકે છે: “ભૂખ્યા થઈને તેઓ ક્રોધાયમાન થશે, ને પોતાના રાજાને તથા પોતાના દેવને શાપ દેશે, તેઓ આકાશ તરફ જોશે.” (યશાયાહ ૮:૨૧ ખ) ઘણા પોતાની આ સ્થિતિ માટે રાજાને શાપ આપશે. વળી, ઘણા તો આ આફત માટે યહોવાહને શાપ દેવાની મૂર્ખતા પણ કરશે! (યિર્મેયાહ ૪૪:૧૫-૧૮ સરખાવો.) આજે, મનુષ્યોની દુષ્ટતાને કારણે આવતી આફતો માટે યહોવાહને દોષ આપીને, ઘણા એવું જ કરે છે.
૧૨. (ક) યહુદાહ માટે યહોવાહથી દૂર જવાનું પરિણામ શું આવ્યું? (ખ) કયા મહત્ત્વના પ્રશ્નો ઊભા થાય છે?
૧૨ યહોવાહને શાપ આપવાથી, શું યહુદાહના લોકોમાં શાંતિ આવી? ના. યશાયાહે ભાખ્યું: “વળી પૃથ્વી પર નજર કરશે, તો જુઓ, વિપત્તિ તથા અંધકાર અને વેદનાની ગ્લાનિ દેખાશે; અને ઘોર અંધકારમાં તેઓને હાંકી કાઢવામાં આવશે.” (યશાયાહ ૮:૨૨) તેઓએ આકાશ તરફ જોઈને યહોવાહને શાપ દીધા પછી, ફરીથી પૃથ્વી પર આશારહિત ભાવિ તરફ નજર કરે છે. યહોવાહથી દૂર જવાથી, તેઓ પર આફત આવી પડી છે. (નીતિવચનો ૧૯:૩) જો કે યહોવાહ પરમેશ્વરે ઈબ્રાહીમ, ઇસ્હાક, અને યાકૂબને વચનો આપ્યાં હતાં એનું શું? (ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮; ૨૮:૧૪, ૧૫) શું યહોવાહનાં વચનો નિષ્ફળ જશે? શું આશ્શૂરીઓ કે બીજાં કોઈ સૈન્યો યહુદાહ અને દાઊદને વચન અપાયેલા રાજવી વંશનો અંત લાવશે? (ઉત્પત્તિ ૪૯:૮-૧૦; ૨ શમૂએલ ૭:૧૧-૧૬) શું ઈસ્રાએલીઓ કાયમ માટે સજા ભોગવશે?
દેશ ‘તિરસ્કારપાત્ર થયો’
૧૩. “વિદેશીઓનો પ્રાંત” ગાલીલ શું છે, અને કઈ રીતે એ ‘તિરસ્કારપાત્ર થયો’?
૧૩ હવે, યશાયાહ ઈબ્રાહીમના વંશજો પર આવી પડનાર મોટી આફતોનું વર્ણન કરે છે: “જે ભૂમિ પર સંકટ પડ્યું હતું, તેમાં અંધારૂં રહેશે નહિ. પ્રથમ તેણે ઝબુલૂન તથા નાફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યરદનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત [અથવા, ગાલીલ] છે તેને, તેણે પ્રતિષ્ઠિત કર્યો છે.” (યશાયાહ ૯:૧) ગાલીલ ઈસ્રાએલના ઉત્તર રાજ્યમાંનો વિસ્તાર છે. યશાયાહની ભવિષ્યવાણીમાં, ગાલીલમાં ‘ઝબુલૂન તથા નાફતાલીના દેશનો’ અને ગાલીલના સમુદ્ર પાસેથી ભૂમધ્ય સમુદ્ર તરફ દોરી જતા જૂના માર્ગ, ‘સમુદ્ર તરફના રસ્તાનો’ પણ સમાવેશ થાય છે. યશાયાહના સમયમાં, એ “વિદેશીઓનો પ્રાંત,” ગાલીલ પણ કહેવાતો, કેમ કે એનાં ઘણાં શહેરોમાં વિદેશીઓ વસતા હતા. * આ દેશ કઈ રીતે ‘તિરસ્કારપાત્ર થયો હતો’? વિદેશી આશ્શૂરીઓએ એ દેશ જીતી લીધો, અને ઈસ્રાએલીઓને બંદીવાન બનાવી લઈ ગયા. વળી, આખો દેશ વિદેશીઓથી ભરી દીધો, જેઓ કંઈ ઈબ્રાહીમના વંશજ ન હતા. આમ ઉત્તરનું દશ-કુળનું રાજ્ય એક જુદા દેશ તરીકે, ઇતિહાસમાંથી ભૂંસાઈ ગયું!—૨ રાજાઓ ૧૭:૫, ૬, ૧૮, ૨૩, ૨૪.
૧૪. કઈ રીતે દશ-કુળના રાજ્ય કરતાં, યહુદાહનું “અંધારૂં” ઓછું હશે?
૧૪ યહુદાહ પર પણ આશ્શૂરીઓ તરફથી દબાણ છે. ઝબુલૂન અને નાફતાલીથી રજૂ થતા દસ-કુળના રાજ્યની જેમ જ, શું એમાં કાયમ માટે “અંધારૂં” છવાઈ જશે? ના. “છેવટે” યહોવાહ પરમેશ્વર યહુદાહનું દક્ષિણનું રાજ્ય અને અગાઉ ઉત્તરના રાજ્યના શાસન હેઠળ હતો, એ દેશ પર પણ આશીર્વાદ લાવશે. કઈ રીતે?
૧૫, ૧૬. (ક) કયા ‘છેવટના’ સમયે “ઝબુલૂન તથા નાફતાલીના દેશને” માટે ફેરફાર આવશે? (ખ) કઈ રીતે તિરસ્કારપાત્ર ગણાતા દેશને આદર આપવામાં આવ્યો?
૧૫ પ્રેષિત માત્થી, ઈસુની પૃથ્વી પરની સેવાના પ્રેરિત અહેવાલમાં આ પ્રશ્નનો જવાબ આપે છે. એ સેવાના શરૂઆતના દિવસો વિષે માત્થી કહે છે: “નાઝારેથ મૂકીને ઝબુલોનની તથા નફથાલીમની સીમમાંના સમુદ્ર પાસેના કાપરનાહુમમાં [ઈસુ] આવી રહ્યો: એ માટે કે યશાયાહ પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરૂં થાય, કે ઝબુલોનના પ્રાંતના તથા નફથાલીમના પ્રાંતના, યરદન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલીલમાંના જે લોક અંધારામાં બેઠેલા હતા, તેઓએ મોટું અજવાળું દીઠું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”—માત્થી ૪:૧૩-૧૬.
૧૬ યશાયાહે ભાખેલો ‘છેવટનો’ સમય ખ્રિસ્તનું સેવાકાર્ય છે. ઈસુનું પૃથ્વી પરનું મોટા ભાગનું જીવન ગાલીલમાં પસાર થયું હતું. ગાલીલમાં જ, તેમણે આમ કહીને પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું: “આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.” (માત્થી ૪:૧૭) ગાલીલમાં, તેમણે પ્રખ્યાત પહાડ પરનું ભાષણ આપ્યું, પ્રેષિતોને પસંદ કર્યા, પ્રથમ ચમત્કાર કર્યો, અને મરણમાંથી સજીવન પામ્યા પછી, લગભગ ૫૦૦ જેટલા શિષ્યોને દેખાયા. (માત્થી ૫:૧–૭:૨૭; ૨૮:૧૬-૨૦; માર્ક ૩:૧૩, ૧૪; યોહાન ૨:૮-૧૧; ૧ કોરીંથી ૧૫:૬) આમ, ઈસુએ “ઝબુલૂન તથા નાફતાલીના દેશને” આદર આપવાની યશાયાહની ભવિષ્યવાણી પૂરી કરી. જો કે ઈસુએ કંઈ પોતાનું સેવાકાર્ય ગાલીલના લોકો પૂરતું જ રાખ્યું નહિ. આખા દેશમાં સંદેશો પ્રગટ કરીને, ઈસુએ યહુદાહ સહિત, આખા ઈસ્રાએલને “પ્રતિષ્ઠિત કર્યો.”
“મહાન પ્રકાશ”
૧૭. કઈ રીતે ગાલીલમાં “મહાન પ્રકાશ” પ્રકાશ્યો?
૧૭ જો કે માત્થીએ જણાવેલું ગાલીલમાંનું “મોટું અજવાળું” શું છે? એ પણ યશાયાહની ભવિષ્યવાણીનો ભાગ છે. યશાયાહે લખ્યું: “અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે; મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.” (યશાયાહ ૯:૨) પ્રથમ સદી સુધીમાં તો સત્યનો પ્રકાશ ધાર્મિક જૂઠાણાં તળે ઢંકાઈ ગયો. યહુદી આગેવાનોએ ‘દેવની આજ્ઞા રદ કરતા’ પોતાના રિવાજોને વળગી રહીને, બળતામાં ઘી રેડ્યું. (માત્થી ૧૫:૬) નમ્ર લોકોનું કંઈ ચાલતું નહિ, અને તેઓ “આંધળા દોરનારાઓ” પાછળ ચાલવાથી ભટકી ગયા હતા. (માત્થી ૨૩:૨-૪, ૧૬) ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે, અદ્ભુત બાબતો વિષે ઘણા નમ્ર જનોની આંખ ઊઘડી. (યોહાન ૧:૯, ૧૨) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે કરેલાં કાર્યો અને તેમના બલિદાનના આશીર્વાદો ખરેખર યશાયાહની ભવિષ્યવાણીનો “મહાન પ્રકાશ” દર્શાવે છે.—યોહાન ૮:૧૨.
૧૮, ૧૯. શા માટે પ્રકાશમાં ચાલનારા લોકો આનંદ માણતા હતા?
૧૮ એ પ્રકાશમાં ચાલનારાઓને આનંદ કરવાનું કારણ હતું. યશાયાહે આગળ કહ્યું: “તેં પ્રજાની વૃદ્ધિ કરી છે, તેં તેમનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતા આનંદ પ્રમાણે, તેમજ લોક લૂંટ વહેંચતાં હરખાય છે તે પ્રમાણે તેઓ તારી સંમુખ આનંદ કરે છે.” (યશાયાહ ૯:૩) ઈસુ અને તેમના શિષ્યોએ કરેલા પ્રચારના પરિણામે, નમ્ર જનો યહોવાહની પૂરા દિલથી અને સત્યતાથી ભક્તિ કરવા ભેગા થયા હતા. (યોહાન ૪:૨૪) લગભગ ચાર વર્ષમાં, હજારો લોકો ખ્રિસ્તી બન્યા. ત્રણ હજાર વ્યક્તિઓ ૩૩ની સાલમાં પેન્તેકોસ્તના દિવસે બાપ્તિસ્મા પામ્યા. ટૂંક સમય બાદ, “વિશ્વાસ કરનારાની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧; ૪:૪) શિષ્યોએ ઉત્સાહથી અજવાળું પ્રકાશવા દીધું તેમ, “યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.”—પ્રેરિતોનાં કૃત્યો ૬:૭.
૧૯ પુષ્કળ પાકની કાપણીથી, અથવા મોટી જીત પછી લૂંટ વહેંચતાં જે આનંદ થાય એની જેમ, ઈસુના શિષ્યોએ વૃદ્ધિથી આનંદ માણ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૬, ૪૭) સમય જતાં, યહોવાહે એ અજવાળું વિદેશીઓમાં પણ પ્રકાશવા દીધું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૭) જેથી, સર્વ જાતિના લોકોએ આનંદ માણ્યો અને તેઓ માટે પણ યહોવાહ પાસે પહોંચવાનો માર્ગ ખુલ્લો થયો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.
‘મિદ્યાનના દિવસ પ્રમાણે’
૨૦. (ક) મિદ્યાનીઓ કઈ રીતે ઈસ્રાએલના દુશ્મન બન્યા, અને કઈ રીતે યહોવાહ તેઓનો અંત લાવ્યા? (ખ) ભાવિમાં, ઈસુ કઈ રીતે “મિદ્યાનના દિવસે” પરમેશ્વરના લોકોના દુશ્મનોનો અંત લઈ આવશે?
૨૦ મસીહનાં કાર્યોની અસર કાયમી હતી, એ યશાયાહ હવે પછીના શબ્દોમાં બતાવે છે: “મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ઝૂંસરીને, તેની ખાંધ પરની કાઠીને ને તેના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે.” (યશાયાહ ૯:૪) યશાયાહના સમયથી સદીઓ અગાઉ, ઈસ્રાએલીઓને પાપ કરાવવા, મિદ્યાનીઓએ મોઆબીઓ સાથે મળી કાવતરું કર્યું. (ગણના ૨૫:૧-૯, ૧૪-૧૮; ૩૧:૧૫, ૧૬) પછીથી, મિદ્યાનીઓએ ઈસ્રાએલીઓ પર ત્રાસ વર્તાવ્યો. સાત વર્ષ સુધી, તેઓએ ઈસ્રાએલીઓનાં ગામો અને ખેતરો પર હુમલો કરી લૂંટી લીધા. (ન્યાયાધીશો ૬:૧-૬) પરંતુ, યહોવાહે પોતાના સેવક ગિદઓન દ્વારા મિદ્યાની સૈન્યને હરાવ્યું. એ ‘મિદ્યાનના દિવસ’ પછી, તેઓએ ભૂલેચૂકે પણ યહોવાહના લોકોને હેરાન કર્યા હોય, એવી કોઈ સાબિતી નથી. (ન્યાયાધીશો ૬:૭-૧૬; ૮:૨૮) જલદી જ, મહાન ગિદઓન, ઈસુ ખ્રિસ્ત યહોવાહના લોકોના દુશ્મનોનું નામનિશાન મીટાવી દેશે. (પ્રકટીકરણ ૧૭:૧૪; ૧૯:૧૧-૨૧) પછી, “મિદ્યાનના દિવસે થયું તે પ્રમાણે,” માનવ બળથી નહિ, પણ યહોવાહની શક્તિથી પૂરેપૂરી અને કાયમી જીત થશે. (ન્યાયાધીશો ૭:૨-૨૨) પરમેશ્વરના લોકોને ફરી કદી પણ ઝૂંસરી તળે જીવવું પડશે નહિ!
૨૧. યશાયાહની ભવિષ્યવાણી પ્રમાણે, લડાઈઓનું શું થશે?
૨૧ આ રીતે પરમેશ્વરનાં પરાક્રમો કંઈ લડાઈને પ્રોત્સાહન આપતા નથી. સજીવન થયેલા ઈસુ શાંતિના સરદાર છે, અને દુશ્મનોનો વિનાશ કરીને, તે ફરીથી કાયમી શાંતિ લઈ આવશે. હવે, યશાયાહ લશ્કરી સાધનો જાણે કે બળીને રાખ થઈ જશે, એમ જણાવે છે: “સૈનિકોના ધબકારા કરતા જોડા, ને રક્તમાં બોળેલાં વસ્ત્ર, તે સર્વ બળતણની પેઠે અગ્નિમાં બાળી નાખવામાં આવશે.” (યશાયાહ ૯:૫) સૈનિકોની કૂચથી વધી જતા ધબકારા ફરી કદી પણ સાંભળવા નહિ મળે. લડવા ટેવાયેલા સૈનિકોના રક્તથી રંગાયેલાં વસ્ત્ર ફરી કદી પણ જોવા નહિ મળે. હવેથી લડાઈઓ હશે નહિ!—ગીતશાસ્ત્ર ૪૬:૯.
“અદ્ભુત મંત્રી”
૨૨. યશાયાહના પુસ્તકમાં ઈસુને કયાં પ્રબોધકીય નામ આપવામાં આવ્યાં છે?
૨૨ મસીહ બનનાર બાળકના ચમત્કારિક જન્મ વખતે, તેને ઈસુ નામ મળ્યું, જેનો અર્થ થાય, “યહોવાહ તારણ છે.” પરંતુ તેમને પ્રબોધકીય નામો પણ છે, જે તેમની મહત્ત્વની ભૂમિકા અને તેમનું ઊંચું સ્થાન બતાવતા હતા. એમાંનું એક નામ ઈમાનુએલ હતું, જેનો અર્થ થાય “દેવ આપણી સાથે છે.” (યશાયાહ ૭:૧૪) હવે યશાયાહ બીજાં પ્રબોધકીય નામનું વર્ણન કરે છે: “આપણે સારૂ છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, એ નામ આપવામાં આવશે.” (યશાયાહ ૯:૬) આ પ્રબોધકીય નામોના ઊંડા અર્થની વિચારણા કરો.
૨૩, ૨૪. (ક) ઈસુ કઈ રીતે “અદ્ભુત મંત્રી” છે? (ખ) આજે ખ્રિસ્તી સલાહકારો કઈ રીતે ઈસુનું ઉદાહરણ અનુસરી શકે?
૨૩ મંત્રીનું કામ સલાહ-સૂચન આપવાનું છે. ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે અદ્ભુત સલાહ આપી હતી. બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે, “લોકો તેના ઉપદેશથી અચરત થયા.” (માત્થી ૭:૨૮) તે બહુ જ અનુભવી અને સમજુ સલાહકાર છે, જેમને માનવીઓ માટે ઊંડી લાગણી છે. તેમની સલાહમાં કંઈ ઠપકો અને શિક્ષા જ નથી, મોટા ભાગે એમાં શિક્ષણ અને પ્રેમાળ સલાહ પણ હોય છે. ઈસુની સલાહ અદ્ભુત છે, કારણ કે એ હંમેશા લાભકારક, સંપૂર્ણ, અને સફળ હોય છે. લાગુ પાડવામાં આવે તો, એ અનંતજીવન તરફ દોરી જાય છે.—યોહાન ૬:૬૮.
૨૪ ઈસુની સલાહ કંઈ તેમના ચતુર મનમાંથી જ આવતી નથી. એને બદલે, તે કહે છે: “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો તેનો છે.” (યોહાન ૭:૧૬) સુલેમાનની જેમ, ઈસુનું ડહાપણ યહોવાહ પાસેથી છે. (૧ રાજાઓ ૩:૭-૧૪; માત્થી ૧૨:૪૨) ખ્રિસ્તી મંડળના શિક્ષકો અને સલાહકારોને ઈસુના ઉદાહરણમાંથી પ્રેરણા મળવી જોઈએ કે, તેઓ હંમેશા પોતાનું શિક્ષણ પરમેશ્વરના શબ્દ પર આધારિત રાખે.—નીતિવચનો ૨૧:૩૦.
“પરાક્રમી દેવ” અને “સનાતન પિતા”
૨૫. “પરાક્રમી દેવ” નામ આપણને સ્વર્ગમાંના ઈસુ વિષે શું જણાવે છે?
૨૫ ઈસુ “પરાક્રમી દેવ” અને “સનાતન પિતા” પણ છે. એનો અર્થ એવો નથી કે, તે યહોવાહ “દેવ આપણા બાપ” પાસેથી સત્તા પડાવી લે છે. (૨ કોરીંથી ૧:૨) “તેણે [ઈસુએ] દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છયું નહિ.” (ફિલિપી ૨:૬) તેમને “પરાક્રમી દેવ” કહેવાય છે, સર્વશક્તિમાન પરમેશ્વર નહિ. ઈસુએ કદી પણ સર્વશક્તિમાન પરમેશ્વર હોવાનો દાવો કર્યો નહિ, કેમ કે તેમણે પોતાના પિતાને “એકલા ખરા દેવ” કહ્યા, જે એક માત્ર પરમેશ્વરની ભક્તિ થવી જોઈએ. (યોહાન ૧૭:૩; પ્રકટીકરણ ૪:૧૧) શાસ્ત્રમાં, “દેવ” શબ્દનો અર્થ “શક્તિશાળી” અથવા “બળવાન” થઈ શકે. (નિર્ગમન ૧૨:૧૨; ગીતશાસ્ત્ર ૮:૫; ૨ કોરીંથી ૪:૪) ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં, તે એક “દેવ” હતા, એટલે કે “દેવના રૂપમાં” હતા. ઈસુ મરણમાંથી ઉઠાડાયા પછી, તે સ્વર્ગમાં એનાથી પણ ઊંચા સ્થાને પાછા ફર્યા. (યોહાન ૧:૧; ફિલિપી ૨:૬-૧૧) વધુમાં, “દેવ” ખિતાબ બીજા અર્થમાં પણ લાગુ પડે છે. એક વખત ખુદ ઈસુએ, ઈસ્રાએલના ન્યાયાધીશોને “દેવો” કહ્યા હતા. (ગીતશાસ્ત્ર ૮૨:૬; યોહાન ૧૦:૩૫) ઈસુ યહોવાહથી નીમાયેલા ન્યાયાધીશ છે, ‘જે જીવતાં તથા મૂએલાંનો ન્યાય કરવાના છે.’ (૨ તીમોથી ૪:૧; યોહાન ૫:૩૦) તેથી, તેમનું “પરાક્રમી દેવ” નામ યોગ્ય જ છે.
૨૬. શા માટે ઈસુને “સનાતન પિતા” કહેવામાં આવ્યા?
૨૬ “સનાતન પિતા” મસીહી રાજાની સત્તાને દર્શાવે છે, જેનાથી તે મનુષ્યોને પૃથ્વી પર અનંતજીવનનું ભાવિ આપે છે. (યોહાન ૧૧:૨૫, ૨૬) આપણા પ્રથમ પિતા, આદમે વારસામાં મરણ આપ્યું. છેલ્લા આદમ ઈસુ, “જીવન આપનાર” બન્યા. (૧ કોરીંથી ૧૫:૨૨, ૪૫; રૂમી ૫:૧૨, ૧૮) ઈસુ, સનાતન પિતા હંમેશ માટે જીવશે. તેમ જ, આજ્ઞા પાળનારા લોકો પણ પિતાની જેમ અનંતજીવનના લાભનો આનંદ માણી શકશે.—રૂમી ૬:૯.
“શાંતિનો સરદાર”
૨૭, ૨૮. ‘શાંતિના સરદારની’ પ્રજા બનવાના હમણાં અને ભાવિમાં કયા લાભ છે?
૨૭ અનંતજીવન સિવાય, માનવીઓને પરમેશ્વર અને એકબીજા સાથે પણ શાંતિની જરૂર છે. ‘શાંતિના સરદારનું’ શાસન સ્વીકારનારાઓ આજે પણ ‘પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવે’ છે. (યશાયાહ ૨:૨-૪) તેઓ રાજકીય, રાષ્ટ્રીય, જાતિ, અથવા આર્થિક રીતે અલગ હોવાને કારણે, એકબીજાને ધિક્કારતા નથી. તેઓ એક જ પરમેશ્વર, યહોવાહની ભક્તિમાં ભેગા થયા છે. તેમ જ, તેઓ મંડળની અંદર અને બહાર પોતાના પડોશી સાથે હળીમળીને રહેવાનો પ્રયત્ન કરે છે.—ગલાતી ૬:૧૦; એફેસી ૪:૨, ૩; ૨ તીમોથી ૨:૨૪.
૨૮ પરમેશ્વરના સમયે, ખ્રિસ્ત એવી શાંતિ લઈ આવશે, જે આખી પૃથ્વી પર કાયમ રહેશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૭) “દાઊદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેને ઈન્સાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા તથા દૃઢ કરવા સારૂ તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ.” (યશાયાહ ૯:૭ ક) ઈસુ શાંતિના સરદાર તરીકે સત્તા ચલાવશે, એનો અર્થ એ નથી કે તે જુલમ ગુજારશે. પરંતુ, તેમની પ્રજા પોતાની પસંદગી કરી શકશે; તેમના પર કોઈ બળજબરી કરવામાં આવશે નહિ. એને બદલે, ઈસુ જે કંઈ કરશે, એ “ઈન્સાફ તથા ન્યાયીપણાથી” કરશે. ખરેખર, કેવો મોટો ફેરફાર!
૨૯. અનંત શાંતિના આશીર્વાદનો આનંદ માણવા, આપણે શું કરવું જોઈએ?
૨૯ ઈસુના પ્રબોધકીય નામોનો અર્થ જોતાં, યશાયાહની ભવિષ્યવાણીના આ ભાગની સમાપ્તિ ખરેખર રોમાંચ પમાડનારી છે: “સૈન્યોના દેવ યહોવાહની ઉત્કંઠાથી આ થશે.” (યશાયાહ ૯:૭ ખ) નિશ્ચે, યહોવાહ ઉત્સાહથી પગલાં લે છે. તે સર્વ બાબતો પૂરા દિલથી કરે છે. આપણે પૂરેપૂરો ભરોસો રાખી શકીએ કે, તેમણે આપેલાં સર્વ વચનો જરૂર પૂરાં થશે. તેથી, અનંત શાંતિના સર્વ ચાહકો યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરો. યહોવાહ પરમેશ્વર અને શાંતિના સરદાર, ઈસુની જેમ તેમના સર્વ ભક્તો “સારાં કામ કરવાને આતુર” બનો.—તીતસ ૨:૧૪.
[ફુટનોટ્સ]
^ ઘણા માને છે કે, હિઝકીયાહ રાજા બન્યા એ પહેલાં, તેમણે ૧૧૯મું ગીત લખ્યું હતું. એમ હોય તો, યશાયાહ પ્રબોધક તરીકે સેવા આપતા હતા, એ સમયે લખાયું હોવું જોઈએ.
^ યશાયાહ ૮:૨૦માંના “એ પ્રમાણે” બોલશે એ શબ્દો, યશાયાહ ૮:૧૯માં મેલી વિદ્યા વિષે જે કહેવામાં આવ્યું છે, એને પણ દર્શાવતા હોય શકે. એમ હોય તો, યશાયાહ કહે છે કે યહુદાહમાં મેલી વિદ્યાનો પ્રચાર કરનારાઓ એમ કરવાનું ચાલુ જ રાખશે, અને યહોવાહ પાસેથી કોઈ જ્ઞાન મેળવશે નહિ.
^ કેટલાકનું માનવું છે કે, તૂરના રાજા હીરામને, રાજા સુલેમાને આપેલાં ગાલીલનાં વીસ શહેરોમાં બિન-ઈસ્રાએલીઓની વસતી હોય શકે.—૧ રાજાઓ ૯:૧૦-૧૩.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૨૨ પર નકશા/ચિત્ર]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
ખોરાઝીન
કાપરનાહુમ
બેથસાઈદા
ગનાસરેથનો દેશ
ગાલીલનો સમુદ્ર
મગદોન
તાઈબેરિયસ
યરદન નદી
ગાડરા
ગાડરા
[પાન ૧૧૯ પર ચિત્રો]
કાઈન અને ઈસુ બંનેનો જન્મ ખાસ પ્રસંગ હતો. પરંતુ, ફક્ત ઈસુના જન્મનું પરિણામ સારું હતું
[પાન ૧૨૧ પર ચિત્ર]
દુકાળ પડશે એ રોટલીની ભૂખ અને પાણીની તરસ કરતાં ઘણો જ આકરો હશે
[પાન ૧૨૭ પર ચિત્ર]
ઈસુ દેશમાં અજવાળું હતા