સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘હું માંદો છું, એવું કોઈ કહેશે નહિ’

‘હું માંદો છું, એવું કોઈ કહેશે નહિ’

છવ્વીસમું પ્રકરણ

‘હું માંદો છું, એવું કોઈ કહેશે નહિ’

યશાયાહ ૩૩:૧-૨૪

૧. યશાયાહ ૩૩:૨૪ના શબ્દો શા માટે ખૂબ દિલાસો આપે છે?

 “એત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે,” પ્રેષિત પાઊલે કહ્યું. (રૂમી ૮:૨૨) મેડિકલ વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી હોવા છતાં, બીમારી અને મરણ માનવ જીવનનો ભોગ લેતા જ જાય છે. તેથી, આ ભવિષ્યવાણીના અંતે આપવામાં આવેલું વચન કેટલું અદ્‍ભુત છે! એવા સમયની કલ્પના કરો, જ્યારે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) ક્યારે અને કઈ રીતે આ વચન પૂરું થશે?

૨, ૩. (ક) ઈસ્રાએલની પ્રજા કઈ રીતે બીમાર છે? (ખ) કઈ રીતે યહોવાહ આશ્શૂરનો ઉપયોગ શિસ્ત આપવા માટે કરે છે?

યશાયાહ એવા સમયે લખે છે, જ્યારે યહોવાહની સાથે કરાર કરેલા, ખાસ લોકો આત્મિક રીતે બીમાર છે. (યશાયાહ ૧:૫, ૬) તેઓ ધર્મત્યાગ અને અનૈતિકતામાં એટલા ડૂબી ગયા છે કે તેઓને યહોવાહ પરમેશ્વર તરફથી કડક શિસ્તની જરૂર છે. યહોવાહ તેઓને શિસ્ત આપવાના સાધન તરીકે આશ્શૂરનો ઉપયોગ કરે છે. (યશાયાહ ૭:૧૭; ૧૦:૫, ૧૫) પહેલા, ૭૪૦ બી.સી.ઈ.માં ઈસ્રાએલનું ઉત્તરનું દસ કુળનું રાજ્ય આશ્શૂરના હાથમાં પડે છે. (૨ રાજાઓ ૧૭:૧-૧૮; ૧૮:૯-૧૧) થોડાં વર્ષ પછી, આશ્શૂરનો રાજા સાન્હેરીબ દક્ષિણના યહુદાહના રાજ્ય પર પૂરઝડપે ચડી આવે છે. (૨ રાજાઓ ૧૮:૧૩; યશાયાહ ૩૬:૧) આશ્શૂરનું હઠીલું લશ્કર આખા દેશ પર ફરી વળે છે તેમ, યહુદાહનો પૂરેપૂરો વિનાશ જાણે કે બારણે આવી ઊભો છે.

પરંતુ, આશ્શૂર ચાલાક બનવાનો પ્રયત્ન કરે છે. તેને યહોવાહના લોકોને શિસ્ત આપવાનું કામ સોંપાયું હતું, એનાથી તે વધારે લાલચું બનીને પોતાનું જગત સામ્રાજ્ય ઊભું કરવાના સપનાં જોવા લાગે છે. (યશાયાહ ૧૦:૭-૧૧) શું યહોવાહ પોતાના લોકો પર એનો જુલમ સહન કરી લેશે? શું એ લોકોની આત્મિક બીમારી સાજી કરવામાં આવશે? યશાયાહના ૩૩માં અધ્યાયમાં, યહોવાહ આપણને આ પ્રશ્નોના જવાબ આપે છે.

લૂંટારાને લૂંટવો

૪, ૫. (ક) આશ્શૂરને કેવો અનુભવ કરવો પડશે? (ખ) યહોવાહના લોકો માટે યશાયાહ કેવી પ્રાર્થના કરે છે?

ભવિષ્યવાણીની શરૂઆત આમ થાય છે: “અફસોસ છે તને! તું લૂંટે છે, પણ પોતે લૂંટાયો નહિ; તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ! તું લૂંટી રહીશ, ત્યારે તું લૂંટાશે; અને તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.” (યશાયાહ ૩૩:૧) યશાયાહ સીધેસીધા, લૂંટારા આશ્શૂરને સંબોધે છે. હમણાં શક્તિશાળી હોવાથી, એને લાગે છે કે કોઈ એનું કંઈ બગાડી શકશે નહિ. તે ‘લૂંટાયા વિના લૂંટતું’ જાય છે, યહુદાહના એક પછી એક શહેરો લૂંટતું જાય છે. અરે, યહોવાહના મંદિરની કિંમતી ચીજો પણ જાણે કંઈ ન હોય, એમ લૂંટી લીધી! (૨ રાજાઓ ૧૮:૧૪-૧૬; ૨ કાળવૃત્તાંત ૨૮:૨૧) જો કે હવે બાજી બદલાશે. યશાયાહ હિંમતથી ભાખે છે કે, “તું લૂંટાશે.” વિશ્વાસુ જનો માટે આ ભવિષ્યવાણી કેટલી દિલાસો આપનારી છે!

એ કપરા સમયમાં, યહોવાહના વફાદાર ઉપાસકોએ તેમની મદદ માંગવાની જરૂર છે. તેથી, યશાયાહ પ્રાર્થના કરે છે: “હે યહોવાહ, અમારા પર કૃપા કર; અમે તારી વાટ જોયા કરી છે; દર સવાર તું તેમનો ભુજ [બળ અને ટેકો], અને દુઃખની વેળાએ અમારો પણ તારક થા. હંગામાના કોલાહલથી લોકો નાઠા છે; તું ઊઠ્યો તેથી વિદેશીઓ વિખેરાયા છે.” (યશાયાહ ૩૩:૨, ૩) યોગ્ય રીતે જ, યશાયાહ યહોવાહને પ્રાર્થના કરે છે કે તેમણે અગાઉ ઘણી વાર કર્યું છે તેમ, તેમના લોકોને છોડાવે. (ગીતશાસ્ત્ર ૪૪:૩; ૬૮:૧) યશાયાહ આ પ્રાર્થના પૂરી કરીને, તરત જ એ માટે યહોવાહનો જવાબ ભાખે છે!

૬. આશ્શૂરને શું અનુભવ થશે અને શા માટે એ યોગ્ય છે?

“જેમ માણસો કાતરા એકઠા કરે છે, તેમ તમારી [આશ્શૂરીઓની] લૂંટ એકઠી કરવામાં આવશે; તીડો ધસી આવે છે તે પ્રમાણે તેઓ તે પર ધસી આવશે.” (યશાયાહ ૩૩:૪) યહુદાહ જંતુઓના હુમલાથી થતા વિનાશથી સારી રીતે પરિચિત છે. જો કે આ વખતે યહુદાહના દુશ્મનોનો વારો છે, જેઓ એનાથી વિનાશ પામશે. આશ્શૂર સખત હાર પામશે, અને એના સૈનિકોને નાસી છૂટવું પડશે. તેઓ પોતાની પુષ્કળ લૂંટ મૂકીને નાસી છૂટશે, જે યહુદાહના લોકો લઈ લેશે! એ યોગ્ય જ છે કે નિર્દયતા માટે પંકાયેલા આશ્શૂરને પણ લૂંટાઈ જવાનો અનુભવ થાય.—યશાયાહ ૩૭:૩૬.

આજનું આશ્શૂર

૭. (ક) આજે આત્મિક રીતે બીમાર ઈસ્રાએલની સાથે કોને સરખાવી શકાય? (ખ) ખ્રિસ્તીરાષ્ટ્રને શિસ્ત આપવા યહોવાહ કોનો ઉપયોગ કરશે?

યશાયાહની ભવિષ્યવાણી આજે કઈ રીતે લાગુ પડે છે? આત્મિક રીતે બીમાર ઈસ્રાએલને અવિશ્વાસુ ખ્રિસ્તીરાષ્ટ્ર સાથે સરખાવી શકાય. યહોવાહે ઈસ્રાએલને શિસ્ત આપવા આશ્શૂરનો ઉપયોગ કર્યો હતો, તેમ તે ખ્રિસ્તીરાષ્ટ્રને અને જૂઠા ધર્મોના બાકીના જગત સામ્રાજ્યને શિસ્ત આપવા એક સાધનનો ઉપયોગ કરશે. (યશાયાહ ૧૦:૫; પ્રકટીકરણ ૧૮:૨-૮) એ સાધન અલગ અલગ દેશોના સભ્યોનું બનેલું યુનાઇટેડ નેશન્સ છે, જે સંગઠનને પ્રકટીકરણનું પુસ્તક સાત માથાં અને દસ શિંગડાંવાળું કિરમજી રંગનું જંગલી શ્વાપદ કહે છે.—પ્રકટીકરણ ૧૭:૩, ૧૫-૧૭.

૮. (ક) આજે સાન્હેરીબ સાથે કોની સરખામણી કરી શકાય? (ખ) આજે સાન્હેરીબની જેમ હુમલો કરવાની હિંમત કોણ કરશે અને શું પરિણામ આવશે?

આજનું આશ્શૂર જ્યારે જૂઠા ધર્મોના જગતને લૂંટી લેશે, ત્યારે એવું લાગશે કે એને કોઈ રોકી શકશે નહિ. સાન્હેરીબના જેવું વલણ રાખીને, શેતાન ફક્ત જેઓને શિસ્તની જરૂર છે, એવા ધર્મત્યાગી સંગઠનો પર જ નહિ, પરંતુ સાચા ખ્રિસ્તીઓ પર પણ હુમલો કરશે. યહોવાહના અભિષિક્ત પુત્રો યહોવાહના રાજ્ય માટે મક્કમ રહે છે. તેઓની સાથે, મહાન બાબેલોન સહિત, શેતાનના જગતમાંથી નીકળી આવેલા લાખો બીજા સેવકો પણ મક્કમ રહે છે. સાચા ખ્રિસ્તીઓ ‘આ જગતનો દેવ’ શેતાનની આગળ નમતું જોખવાની ના પાડશે, એનાથી ગુસ્સે ભરાઈને તે તેઓ પર હુમલો કરશે. (૨ કોરીંથી ૪:૪; હઝકીએલ ૩૮:૧૦-૧૬) ખરું કે એ હુમલો બીક લાગે એવો હશે છતાં, યહોવાહના લોકોએ ગભરાઈ જવાની જરૂર નથી. (યશાયાહ ૧૦:૨૪, ૨૫) તેઓને યહોવાહે વચન આપ્યું છે કે, તે તેઓના ‘દુઃખની વેળાએ તારક’ બનશે. તે જરૂર મદદે આવશે, અને શેતાન તથા તેના ચેલાઓનો વિનાશ કરશે. (હઝકીએલ ૩૮:૧૮-૨૩) અગાઉના સમયમાં બન્યું હતું તેમ જ, યહોવાહના લોકોને લૂંટવા ચાહનાર પોતે જ લૂંટાઈ જશે! (નીતિવચનો ૧૩:૨૨ ખ સરખાવો.) યહોવાહનું નામ પવિત્ર મનાશે અને બચી જનારાઓને તેઓનું ઇનામ મળશે, કેમ કે તેઓએ ‘સુબુદ્ધિ, જ્ઞાન તથા યહોવાહનું ભયનો’ આશરો લીધો છેયશાયાહ ૩૩:૫, ૬ વાંચો.

અવિશ્વાસુને ચેતવણી

૯. (ક) યહુદાહના “શૂરવીરો” અને “એલચીઓ” શું કરશે? (ખ) યહુદાહની સુલેહ-શાંતિ માટેની વિનંતીનું આશ્શૂરીઓ શું કરશે?

જો કે યહુદાહમાંના અવિશ્વાસુઓનું શું થશે? યશાયાહ તેઓ વિષે દુઃખી વર્ણન કરે છે, જે આશ્શૂરના હાથે તેઓના આવનાર વિનાશનું છે. (યશાયાહ ૩૩:૭ વાંચો.) યહુદાહના લશ્કરના “શૂરવીરો” આશ્શૂરને નજીક આવતા જોઈને વિલાપ કરે છે. આશ્શૂરીઓ સાથે સુલેહ-શાંતિ કરવા ગયેલા ‘એલચીઓની’ મશ્કરી થાય છે અને તેઓ શરમિંદા બનીને પાછા ચાલ્યા આવે છે. તેઓ પોતાની નિષ્ફળતા પર પોક મૂકીને રડે છે. (યિર્મેયાહ ૮:૧૫ સરખાવો.) નિર્દય આશ્શૂરીઓ તેઓ પર દયા બતાવશે નહિ. (યશાયાહ ૩૩:૮, ૯ વાંચો.) આશ્શૂરીઓ કઠોર થઈને યહુદાહના લોકો સાથે કરેલા બધા કરાર કે શરતો ભૂલી જશે. (૨ રાજાઓ ૧૮:૧૪-૧૬) આશ્શૂરીઓ યહુદાહના ‘નગરોને ધિક્કારશે,’ તેઓનું અપમાન કરીને નિર્દયતાથી કોઈ માનવ જીવની પરવા કરશે નહિ. દેશની હાલત એટલી ખરાબ થઈ જશે કે જાણે આખો દેશ વિલાપ કરશે. લબાનોન, શારોન, બાશાન અને કાર્મેલ બધા જ વિનાશ પર વિલાપ કરશે.

૧૦. (ક) ખ્રિસ્તીરાષ્ટ્રના “શૂરવીરો” કઈ રીતે નકામા સાબિત થશે? (ખ) ખ્રિસ્તીરાષ્ટ્રના વિનાશને દિવસે, સાચા ખ્રિસ્તીઓનું રક્ષણ કોણ કરશે?

૧૦ જલદી જ, દેશો ધર્મો પર હુમલો કરશે ત્યારે, આવા જ સંજોગો ઊભા થશે એમાં કોઈ શંકા નથી. હિઝકીયાહના સમયમાં થયું હતું તેમ, આ વિનાશક લશ્કરો સામે લડવા જવાથી કંઈ વળવાનું નથી. ખ્રિસ્તીરાષ્ટ્રના “શૂરવીરો” એટલે કે તેના રાજકારણીઓ, એને દાન આપનારાઓ અને બીજા લાગવગ ધરાવનારા લોકો તેને મદદ કરી શકશે નહિ. ખ્રિસ્તીરાષ્ટ્રનું રક્ષણ કરવા થયેલા રાજકીય અને નાણાકીય ‘કરારો’ અથવા શરતો તોડવામાં આવશે. (યશાયાહ ૨૮:૧૫-૧૮) વિનાશમાંથી છટકવા એલચીઓ દ્વારા કોઈ પણ પ્રયત્નો કરવામાં આવશે, એ નિષ્ફળ જશે. ખ્રિસ્તીરાષ્ટ્રની માલમિલકત અને ધનદોલત જપ્ત કરીને નાશ કરી નંખાશે તેમ, વેપારધંધા બંધ પડી જશે. હજુ પણ ખ્રિસ્તીરાષ્ટ્ર પ્રત્યે મિત્રતા રાખનાર, ફક્ત દૂર ઊભા રહીને તેનો નાશ જોશે અને શોક કરશે. (પ્રકટીકરણ ૧૮:૯-૧૯) શું સાચો ખ્રિસ્તી ધર્મ પણ જૂઠા સાથે નાશ પામશે? ના, કેમ કે યહોવાહે પોતે કહ્યું છે કે “હમણાં હું ઊઠીશ; હમણાં હું પોતાને ઊંચો કરીશ; હમણાં હું મોટો મનાઈશ.” (યશાયાહ ૩૩:૧૦) છેવટે, યહોવાહ પરમેશ્વર હિઝકીયાહ જેવા વિશ્વાસુ જનો માટે પગલાં લેશે, અને આશ્શૂરીઓને રોકશે.—ગીતશાસ્ત્ર ૧૨:૫.

૧૧, ૧૨. (ક) યશાયાહ ૩૩:૧૧-૧૪ના શબ્દો ક્યારે અને કઈ રીતે પૂરા થાય છે? (ખ) યહોવાહના શબ્દો આજને માટે કઈ ચેતવણી આપે છે?

૧૧ અવિશ્વાસુ લોકો આવા રક્ષણની આશા રાખી શકે નહિ. યહોવાહ કહે છે: “તમે ફોતરાંનો ગર્ભ ધરશો, તમે ખૂંપરા જણશો; તમારો શ્વાસ તમને બાળી નાખનાર અગ્‍નિ જેવો છે. અને લોકો ભઠ્ઠીના ચૂના જેવા, અગ્‍નિમાં બાળી નાખેલા કાપેલા કાંટા જેવા થશે. હે આઘેના લોક, મેં જે કર્યું છે તે તમે સાંભળો; અને પાસે રહેનારાઓ, તમે મારૂં પરાક્રમ જાણો. સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે; અધર્મીઓને ધૂજારી ચઢી છે. આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્‍નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?” (યશાયાહ ૩૩:૧૧-૧૪) યહુદાહ પોતાના નવા દુશ્મન, બાબેલોનનો સામનો કરે છે, ત્યારે આ શબ્દો લાગુ પડે છે. હિઝકીયાહના મરણ પછી, યહુદાહ પાછું પોતાના દુષ્ટ કામોમાં ડૂબી જાય છે. એ પછીના થોડા દાયકાઓ સુધી, યહુદાહની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે આખા દેશને યહોવાહના કોપની અગ્‍નિનો સામનો કરવો પડે છે.—પુનર્નિયમ ૩૨:૨૨.

૧૨ બંડખોર લોકો દુષ્ટ યોજના ઘડે છે, જેથી યહોવાહની શિક્ષામાંથી છટકી જઈ શકે. પરંતુ, એ બધું નકામું જાય છે. એને બદલે, દેશનું ઘમંડી, બંડખોર વલણ હકીકતમાં તેઓને એવા કામો કરવા દોરે છે, જે તેઓને વિનાશના મોંમાં ધકેલે છે. (યિર્મેયાહ ૫૨:૩-૧૧) દુષ્ટો ‘ભઠ્ઠીના ચૂના જેવા થશે,’ એટલે કે પૂરેપૂરા વિનાશ પામશે! આ આવનાર વિનાશની રાહ જુએ છે ત્યારે, બંડખોર યહુદાહના લોકોમાં ભય ફેલાય જાય છે. અવિશ્વાસુ યહુદાહને કહેલા યહોવાહના શબ્દો, આજે ખ્રિસ્તીરાષ્ટ્રના સભ્યોની હાલતનું વર્ણન કરે છે. તેઓ પણ યહોવાહની ચેતવણી નહિ સાંભળે તો, વિનાશક ભાવિ તેઓની રાહ જોઈ રહ્યું છે.

‘ન્યાયને માર્ગે ચાલતા રહેવું’

૧૩. ‘ન્યાયને માર્ગે ચાલતા રહેનારાને’ કયું વચન આપવામાં આવ્યું છે, અને કઈ રીતે એ પૂરું થયું?

૧૩ હવે યહોવાહ તફાવત બતાવતા કહે છે: “જે ન્યાયને માર્ગે ચાલે છે ને સત્ય બોલે છે, જે જુલમની કમાઈને ધિક્કારે છે, જે લાંચને હાથમાં ન પકડતાં તરછોડી નાખે છે, જે ખૂન વિષે સાંભળવું ન પડે માટે પોતાના કાન બંધ કરી દે છે, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે તેજ વાસો કરશે. ઉચ્ચસ્થાનમાં તેજ રહેશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેની રોટલી તેને આપવામાં આવશે; તેને પાણી ખચીત મળશે.” (યશાયાહ ૩૩:૧૫, ૧૬) પ્રેષિત પીતરે પછીથી જણાવ્યું હતું તેમ, “પ્રભુ તે ભકતોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને . . . ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે.” (૨ પીતર ૨:૯, ૧૦) યિર્મેયાહે આવા છુટકારાનો અનુભવ કર્યો હતો. બાબેલોનીઓએ તેઓને ઘેરી લીધા ત્યારે, લોકોએ “તોળીને તથા સંભાળ રાખીને રોટલી” ખાવાની હતી. (હઝકીએલ ૪:૧૬) અમુક સ્ત્રીઓ તો ખુદ પોતાના બાળકોનું માંસ ખાતી હતી. (યિર્મેયાહનો વિલાપ ૨:૨૦) તેમ છતાં, યહોવાહે યિર્મેયાહને સલામત રાખ્યા હતા.

૧૪. આજે આપણે કઈ રીતે ‘ન્યાયને માર્ગે ચાલતા રહી’ શકીએ?

૧૪ આજે પણ આપણે દરરોજ ‘ન્યાયને માર્ગે ચાલતા રહીને’ યહોવાહના ધોરણો પાળીએ. (ગીતશાસ્ત્ર ૧૫:૧-૫) આપણે “પ્રામાણિક” બનીને સત્ય બોલીએ, જૂઠું ધિક્કારીએ. (નીતિવચનો ૩:૩૨) ભલે ઘણા દેશોમાં છેતરપીંડી અને લાંચ સામાન્ય હોય, પણ ‘ન્યાયને માર્ગે ચાલતા રહેનાર’ માટે એ ધિક્કારપાત્ર છે. ખ્રિસ્તીઓએ વેપારધંધામાં પણ “અંતઃકરણ નિર્મળ” રાખવું, છેતરપીંડી કરીને કંઈ પણ કાળા-ધોળા કરવા નહિ. (હેબ્રી ૧૩:૧૮; ૧ તીમોથી ૬:૯, ૧૦) તેમ જ, એક વ્યક્તિ “જે ખૂન વિષે સાંભળવું ન પડે માટે પોતાના કાન બંધ કરી દે, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે,” એના જેવું વલણ આપણે રાખવું હોય તો, સંગીત અને મોજશોખની બાબતે આપણે સારી પસંદગી કરવી પડશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭) યહોવાહ, ન્યાયચુકાદાના દિવસે પોતાના ધોરણો પ્રમાણે જીવનાર ઉપાસકોનું રક્ષણ કરશે અને તેઓને ટકાવી રાખશે.—સફાન્યાહ ૨:૩.

તેઓના રાજાને જોવા

૧૫. વિશ્વાસુ યહુદી બંદીવાનોને કયું વચન ટકાવી રાખશે?

૧૫ યશાયાહ હવે ભાવિનું આ સુંદર વર્ણન કરે છે: “તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં દેખશે; તેઓ વિશાળ દેશને જોશે. તારા હૃદયમાં ભય વિષે વિચાર જ આવશે; ખંડણી ગણી લેનાર ક્યાં છે? તોળનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે? જે લોકોની બોલી કળી શકાય નહિ એવી ગૂઢ છે, જેઓની ભાષા સમજાય નહિ એવી બોબડી છે, તે ક્રૂર લોકને તું જોશે નહિ.” (યશાયાહ ૩૩:૧૭-૧૯) ભાવિ મસીહી રાજા અને તેમના રાજ્યનું વચન, વિશ્વાસુ યહુદીઓને બાબેલોનની ગુલામીના લાંબા વર્ષોમાં ટકાવી રાખશે, ભલે એ રાજ્ય ઘણા સમય પછી આવવાનું હતું. (હેબ્રી ૧૧:૧૩) મસીહનું રાજ્ય આખરે હકીકત બનશે ત્યારે, બાબેલોનનો જુલમ ગયા જમાનાની વાત થઈ ગઈ હશે. આશ્શૂરીઓના હુમલાથી બચી ગયેલા ખુશીથી પૂછશે: “પેલા જુલમીના અધિકારીઓ ક્યાં ગયા, જેઓ અમારા પાસેથી કર ઉઘરાવતા હતા, મૂલ્ય માગતા હતા, ખંડણી લેતા હતા?”—યશાયાહ ૩૩:૧૮, મોફ્ફેટ.

૧૬. યહોવાહના લોકો કયા સમયથી મસીહી રાજાને જોઈ શક્યા છે, અને એનું પરિણામ શું આવ્યું?

૧૬ યશાયાહના શબ્દો બાબેલોનની ગુલામીમાંથી પાછા ફરીને પોતાના વતનમાં સુખેથી જીવવાની ગેરંટી આપતા હતા. તેમ છતાં, આ આખી ભવિષ્યવાણી પૂરી થયેલી જોવાનો આનંદ માણવા, એ યહુદી ગુલામોએ સજીવન થવાની રાહ જોવી પડશે. આજે યહોવાહના સેવકો વિષે શું? યહોવાહના લોકોએ ૧૯૧૪થી મસીહી રાજા, ઈસુ ખ્રિસ્તને તેમના આત્મિક સૌંદર્યમાં જોયા, અથવા પારખ્યા છે. (ગીતશાસ્ત્ર ૪૫:૨; ૧૧૮:૨૨-૨૬) તેથી, તેઓએ શેતાનના દુષ્ટ જગતના જુલમથી છુટકારાનો અનુભવ કર્યો છે. તેઓ યહોવાહના રાજ્યના રાજ્યાસન, સિયોન હેઠળ, સાચી આત્મિક સલામતીનો આનંદ માણે છે.

૧૭. (ક) સિયોન વિષે કયા વચનો આપવામાં આવ્યા છે? (ખ) સિયોન વિષેના યહોવાહના વચનો કઈ રીતે મસીહી રાજ્ય અને પૃથ્વી પર તેમના નાગરિકોમાં પૂરાં થયા છે?

૧૭ યશાયાહ આગળ કહે છે: “સિયોન જે આપણાં પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરૂશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જે તંબુ ઊખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ સુધી કઢાશે નહિ, ને જેની સર્વ દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું જોશે. ત્યાં તો યહોવાહ જે મહિમાવાન છે તે આપણી સાથે હશે, તે પહોળી નદીઓ તથા નાળાંને ઠેકાણે થશે; હલેસાંવાળી નાવ તેમાં જનાર નથી, ને શોભાયમાન વહાણ તેની પાર જનાર નથી.” (યશાયાહ ૩૩:૨૦, ૨૧) યશાયાહ આપણને ખાતરી આપે છે કે યહોવાહનું મસીહી રાજ્ય કદી પણ ઉથલાવી નંખાશે નહિ કે નાશ કરી શકાશે નહિ. તેમ જ, એ રક્ષણ આજે પૃથ્વી પર રાજ્યને ટેકો આપનારા વિશ્વાસુ જનોને પણ મળે છે. ભલે ઘણાને વ્યક્તિગત રીતે કપરી કસોટીઓ સહેવી પડે, છતાં, યહોવાહના રાજ્યની પ્રજા ખાતરી રાખી શકે કે, દુનિયાની કોઈ પણ તાકાત એક સંગઠન તરીકે તેઓનો નાશ કરી શકશે નહિ. (યશાયાહ ૫૪:૧૭) યહોવાહ પોતાના લોકોનું એ રીતે રક્ષણ કરશે, જેમ જૂના જમાનામાં નદી-નાળાંથી નગરોનું રક્ષણ થતું હતું. ભલે કોઈ પણ “હલેસાંવાળી નાવ” કે “શોભાયમાન વહાણ” જેવા શક્તિશાળી દુશ્મન તેઓની વિરુદ્ધ આવે તો, તે દુશ્મનોનો વિનાશ થશે!

૧૮. યહોવાહ કઈ જવાબદારી સ્વીકારે છે?

૧૮ જો કે શા માટે યહોવાહના રાજ્યને ચાહનારા તેમના રક્ષણમાં આટલો બધો ભરોસો મૂકી શકે છે? યશાયાહ સમજાવે છે: “યહોવાહ આપણો ન્યાયાધીશ, યહોવાહ આપણો નિયંતા, યહોવાહ આપણો રાજા છે; તે આપણને તારશે.” (યશાયાહ ૩૩:૨૨) યહોવાહને જેઓ એક માત્ર સર્વોપરી તરીકે સ્વીકારે છે, તેઓને રક્ષણ અને માર્ગદર્શન આપવાની જવાબદારી તે સ્વીકારે છે. એ લોકો પોતાની મરજીથી તેમના મસીહી રાજા દ્વારા તેમના રાજ્યને આધીન રહે છે. તેમ જ તેઓ સ્વીકારે છે કે યહોવાહને સત્તા છે કે તે નિયમો બનાવે અને તેનું પાલન કરાવે. જો કે યહોવાહ પોતે ન્યાય ચાહનાર છે, તેથી તેમનું રાજ, તેમના ઉપાસકો માટે બોજો નથી. એને બદલે, તેઓ યહોવાહની સત્તાને આધીન થઈને, ‘પોતે લાભ’ પામે છે. (યશાયાહ ૪૮:૧૭) તે પોતાના વફાદાર ભક્તોને કદી પણ તજી દેતા નથી.—ગીતશાસ્ત્ર ૩૭:૨૮.

૧૯. યહોવાહના વિશ્વાસુ લોકોના દુશ્મનોની હાલત વિષે યશાયાહ કેવું વર્ણન કરે છે?

૧૯ યહોવાહના વિશ્વાસુ ભક્તોના દુશ્મનોને યશાયાહ જણાવે છે: “તારાં દોરડાં ઢીલાં પડી ગયાં છે; તેઓના ડોલને બરોબર સજ્જડ રાખી શક્યા નહિ, તેઓ સઢ પ્રસારી શક્યા નહિ; ત્યારે લુંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાઈ; જે લંગડા હતા તેઓને પણ લુંટ મળી.” (યશાયાહ ૩૩:૨૩) યહોવાહની સામે આવનાર કોઈ પણ દુશ્મન જાણે કે ઢીલાં દોરડાં અને સઢ ફેલાવી ન શકાયા હોય એવા ડગમગતા જહાજ જેવા થશે. યહોવાહના દુશ્મનોના વિનાશની લૂંટ એટલી બધી હશે કે, અપંગો પણ એ લૂંટમાં ભાગ લેશે. તેથી, આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે આવનાર ‘મોટી વિપત્તિ’ વખતે, રાજા ઈસુ ખ્રિસ્ત દ્વારા, યહોવાહ જરૂર પોતાના દુશ્મનો પર વિજયી થશે.—પ્રકટીકરણ ૭:૧૪.

સાજાપણું

૨૦. યહોવાહના લોકો કેવું સાજાપણું અનુભવશે અને ક્યારે?

૨૦ આ ભવિષ્યવાણી દિલને ટાઢક આપતા વચન સાથે પૂરી થાય છે: “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે.” (યશાયાહ ૩૩:૨૪) યશાયાહ અહીં જણાવે છે એ બીમારી પ્રથમ તો આત્મિક છે, કેમ કે એ પાપ અથવા “દુષ્ટતા” સાથે સંબંધ ધરાવે છે. એ શબ્દોની પ્રથમ પરિપૂર્ણતામાં, યહોવાહ વચન આપે છે કે, બાબેલોનની ગુલામીમાંથી પાછા ફર્યા પછી, તેમના લોકો આત્મિક સાજાપણું અનુભવશે. (યશાયાહ ૩૫:૫, ૬; યિર્મેયાહ ૩૩:૬; સરખાવો ગીતશાસ્ત્ર ૧૦૩:૧-૫.) હવે, તેઓના આગળનાં પાપ માફ થયા હોવાથી, પાછા ફરેલા યહુદીઓ શુદ્ધ ઉપાસના ફરીથી યરૂશાલેમમાં શરૂ કરશે.

૨૧. કઈ રીતે આજે યહોવાહના ભક્તો આત્મિક સાજાપણું અનુભવી રહ્યા છે?

૨૧ જો કે યશાયાહની ભવિષ્યવાણી આજે પણ પૂરી થાય છે. યહોવાહના લોકો હમણાં પણ આત્મિક સાજાપણાનો આનંદ માણી રહ્યા છે. અમર જીવ, ત્રૈક્ય અને નરક જેવા જૂઠા શિક્ષણોના બંધનમાંથી તેઓને છુટકારો મળ્યો છે. તેઓને નૈતિક માર્ગદર્શન મળે છે, જે તેઓને અનૈતિક વર્તણૂકથી બચાવે છે, અને તેઓને સારા નિર્ણયો કરવા મદદ કરે છે. વળી, ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાનની આપણે ખૂબ જ કદર કરીએ છીએ, કેમ કે એ દ્વારા જ આપણે યહોવાહ પરમેશ્વર સામે શુદ્ધ અંતઃકરણથી જઈ શકીએ છીએ અને તેમના સાથે સારા સંબંધનો આનંદ માણીએ છીએ. (કોલોસી ૧:૧૩, ૧૪; ૧ પીતર ૨:૨૪; ૧ યોહાન ૪:૧૦) આ આત્મિક સાજાપણાથી શારીરિક લાભો પણ થાય છે. દાખલા તરીકે, અનૈતિક જાતીયતાથી દૂર રહેવાથી અને કોઈ પણ રીતે તમાકુનો ઉપયોગ ન કરવાથી, આપણને જાતીયતાથી થતા ચેપી રોગો અને અમુક પ્રકારના કેન્સરથી રક્ષણ મળે છે.—૧ કોરીંથી ૬:૧૮; ૨ કોરીંથી ૭:૧.

૨૨, ૨૩. (ક) યશાયાહ ૩૩:૨૪ની કઈ મહાન પરિપૂર્ણતા ભાવિમાં થશે? (ખ) આજે સાચા ઉપાસકોનો કયો નિર્ણય છે?

૨૨ તેમ જ, યશાયાહ ૩૩:૨૪ની હજુ મહાન પરિપૂર્ણતા આર્માગેદોન પછી, યહોવાહની નવી દુનિયામાં થશે. મસીહી રાજ્ય હેઠળ, મનુષ્યો આત્મિક સાજાપણાની સાથે સાથે મોટા શારીરિક ફેરફારો પણ જોશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) શેતાનના જગતનો વિનાશ થયા પછી, થોડા જ સમયમાં ઈસુએ કર્યા હતા એવા ચમત્કારો આખી પૃથ્વી પર જોવા મળશે, એમાં કંઈ જ શંકા નથી. આંધળા દેખશે, બહેરાં સાંભળશે, લંગડા ચાલશે! (યશાયાહ ૩૫:૫, ૬) એમ થવાથી, મોટી વિપત્તિમાંથી બચી જનારા બધા જ આ પૃથ્વીને સુંદર-સુખી બગીચા જેવી બનાવવામાં ભાગ લઈ શકશે.

૨૩ પછીથી, જ્યારે લોકોને સજીવન કરવામાં આવશે, ત્યારે કોઈ શંકા નથી કે તેઓને સારી તંદુરસ્તીમાં સજીવન કરવામાં આવશે. પરંતુ, ખંડણી બલિદાનનું મૂલ્ય હજુ વધારે પ્રમાણમાં લાગુ પડશે. મનુષ્યો સંપૂર્ણ બનશે ત્યાં સુધી, વધારેને વધારે શારીરિક લાભો મળતા રહેશે. એ પછી જ, ન્યાયીઓ પૂરેપૂરા “જીવતાં થશે.” (પ્રકટીકરણ ૨૦:૫, ૬) એ સમયે આત્મિક અને શારીરિક બંને રીતે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” એ કેટલું રોમાંચક વચન છે! ચાલો આજે સર્વ સાચા ઉપાસકો નિર્ણય લઈએ કે, એ અનુભવનો આનંદ માણનારા સેવકોમાં આપણે પણ હોઈએ!

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૪૪ પર ચિત્ર]

યહોવાહમાં પૂરો ભરોસો મૂકીને યશાયાહ પ્રાર્થના કરે છે

[પાન ૩૫૩ પર ચિત્રો]

ખંડણી બલિદાનને કારણે જ યહોવાહના લોકો તેમની સામે શુદ્ધ સ્થાન લે છે

[પાન ૩૫૪ પર ચિત્ર]

નવી દુનિયામાં, મહાન શારીરિક સાજાપણું થશે