સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૫

‘જો, તેઓ કેવાં દુષ્ટ અને અધમ કામો કરે છે!’

‘જો, તેઓ કેવાં દુષ્ટ અને અધમ કામો કરે છે!’

હઝકિયેલ ૮:૯

ઝલક: યહૂદાના બંડખોર લોકો બેવફા બન્યા અને તેઓએ ખોટાં કામો કર્યાં

૧-૩. યહોવા યરૂશાલેમના મંદિરમાં હઝકિયેલને શું બતાવવા ચાહતા હતા અને શા માટે? (ભાગ ૨ના શરૂઆતનાં શબ્દો અને ચિત્ર જુઓ.)

 પ્રબોધક હઝકિયેલ યાજકના દીકરા હતા. તે મૂસાના નિયમો સારી રીતે જાણતા હતા. તેમને યરૂશાલેમના મંદિર વિશે પણ બરાબર ખબર હતી. તે જાણતા હતા કે મંદિરમાં ફક્ત યહોવાની જ શુદ્ધ ભક્તિ થવી જોઈએ. (હઝકિ. ૧:૩; માલા. ૨:૭) પણ ઈ.સ. પૂર્વે ૬૧૨માં યહોવાના મંદિરમાં એવાં કામો થતાં હતાં, જે જોઈને હઝકિયેલના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હશે! અરે, પૂરા દિલથી યહોવાની ભક્તિ કરનાર કોઈ પણ યહૂદીને એ જોઈને આંચકો લાગ્યો હશે!

યહોવા ચાહતા હતા કે મંદિરમાં થઈ રહેલાં અધમ કામો હઝકિયેલ જુએ. એટલું જ નહિ, ‘યહૂદાના વડીલોને’ એ વિશે જણાવે. તેઓ હઝકિયેલના ઘરે આવ્યા હતા. હઝકિયેલની સાથે તેઓ પણ બાબેલોનની ગુલામીમાં હતા. (હઝકિયેલ ૮:૧-૪ વાંચો; હઝકિ. ૧૧:૨૪, ૨૫; ૨૦:૧-૩) હઝકિયેલ બાબેલોનમાં કબાર નદી પાસે તેલ-આબીબમાં રહેતા હતા. યહોવા તેમને પવિત્ર શક્તિથી (દર્શનમાં) બાબેલોનની પશ્ચિમે યરૂશાલેમ લઈ ગયા, જે સેંકડો કિલોમીટર દૂર હતું. યહોવા તેમને મંદિરના અંદરના આંગણામાં ઉત્તરના દરવાજા પાસે લઈ ગયા. અહીંથી શરૂ કરીને યહોવાએ બતાવ્યું કે મંદિરમાં કેવાં કેવાં કામો થતાં હતાં.

હઝકિયેલે ચાર અલગ અલગ દૃશ્યો જોયાં. એ જોઈને તે હેરાન-પરેશાન થઈ ગયા. એમાં તેમણે જોયું કે યહૂદાના લોકોએ શુદ્ધ ભક્તિ કેટલી હદે અશુદ્ધ કરી નાખી હતી. યહોવાની ભક્તિ કઈ રીતે આટલી હદે અશુદ્ધ થઈ ગઈ? આ દર્શનમાંથી આપણને કઈ ચેતવણી મળે છે? આવો, આપણે પણ હઝકિયેલ સાથે જઈએ અને જોઈએ કે મંદિરમાં કેવાં કામો થતાં હતાં. પણ પહેલા જોઈએ કે યહોવા પોતાના ભક્તો પાસેથી કેવી ભક્તિ ચાહે છે, જેનો તેમને હક છે.

‘હું ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે’

૪. યહોવા પોતાના ભક્તો પાસેથી શું ચાહે છે?

હઝકિયેલના જમાનાથી આશરે ૯૦૦ વર્ષ પહેલાં, યહોવાએ પોતાના લોકોને સાફ સાફ જણાવ્યું હતું કે પોતે શું ચાહે છે. તેમણે ઇઝરાયેલીઓને * દસ આજ્ઞાઓ આપી હતી. એમાંની બીજી આજ્ઞા આ હતી: “હું તમારો ઈશ્વર યહોવા ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.” (નિર્ગ. ૨૦:૫) યહોવાએ જણાવ્યું કે “ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.” એમ કહીને યહોવા જણાવતા હતા કે જો લોકો બીજા દેવોની ભક્તિ કરશે તો તેમનો રોષ ભભૂકી ઊઠશે. આ પુસ્તકના બીજા પ્રકરણમાં જોયું કે શુદ્ધ ભક્તિ માટે સૌથી મહત્ત્વનું છે કે આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવી જોઈએ. ઈશ્વરભક્તોનાં જીવનમાં યહોવા સૌથી પહેલા હોવા જોઈએ. (નિર્ગ. ૨૦:૩) સાદા શબ્દોમાં કહીએ તો યહોવા ચાહે છે કે પોતાના ભક્તો શુદ્ધ ભક્તિ કરે. તેઓ એમાં બીજી કોઈ ભક્તિની ભેળસેળ ન કરે. ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં યહોવાએ ઇઝરાયેલીઓ સાથે નિયમ કરાર કર્યો ત્યારે, તેઓ રાજીખુશીથી એ કરાર પાળવા તૈયાર થયા હતા. તેઓએ વચન આપ્યું હતું કે તેઓ ફક્ત યહોવાની જ ભક્તિ કરશે, બીજા કોઈની નહિ. (નિર્ગ. ૨૪:૩-૮) યહોવા જે કરાર કરે છે એ પાળે છે. એટલે તે ચાહે છે કે પોતાના ભક્તો પણ કરાર પાળે અને એમાં લીધેલાં વચનો પૂરાં કરે.—પુન. ૭:૯, ૧૦; ૨ શમુ. ૨૨:૨૬.

૫, ૬. યહોવા કેમ એવું ચાહતા હતા કે ઇઝરાયેલીઓ ફક્ત તેમની જ ભક્તિ કરે?

યહોવા ઇઝરાયેલીઓ પાસેથી ચાહતા હતા કે તેઓ ફક્ત તેમની જ ભક્તિ કરે, એમાં કંઈ ખોટું ન હતું. યહોવા તો સર્વશક્તિમાન ઈશ્વર છે. તે આખા વિશ્વના માલિક છે. તેમણે બધાને જીવન આપ્યું છે અને બધા તેમના લીધે જ જીવે છે. (ગીત. ૩૬:૯; પ્રે.કા. ૧૭:૨૮) યહોવાએ ઇઝરાયેલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા. તેમણે દસ આજ્ઞાઓ આપતી વખતે તેઓને યાદ કરાવ્યું હતું: “હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો છું.” (નિર્ગ. ૨૦:૨) આ બધું જોતાં એક વાત સાફ છે કે ઇઝરાયેલીઓની ભક્તિના ખરા હકદાર ફક્ત અને ફક્ત યહોવા જ હતા.

યહોવા કદી બદલાતા નથી. (માલા. ૩:૬) યહોવા હંમેશાં ચાહે છે કે પોતાના ભક્તો ફક્ત તેમની જ ભક્તિ કરે. જરા વિચાર કરો કે યહોવાએ નીચ કામો થતાં એ ચાર દૃશ્યો જોયાં ત્યારે તેમને કેવું લાગ્યું હશે! પછીથી યહોવાએ હઝકિયેલને એ દૃશ્યો દર્શનમાં બતાવ્યાં.

પહેલું દૃશ્ય: રોષ ચઢે એવી મૂર્તિ

૭. (ક) મંદિરના ઉત્તરના દરવાજે બંડખોર યહૂદીઓ શું કરતા હતા? એ જોઈને યહોવાને કેવું લાગ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) યહોવાને શા માટે રોષ ચઢ્યો? (ફૂટનોટ જુઓ.)

હઝકિયેલ ૮:૫, ૬ વાંચો. મંદિરના ઉત્તરના દરવાજે હઝકિયેલે એવું કંઈક જોયું, જેનાથી તેમનાં રુંવાટાં ઊભાં થઈ ગયાં. ત્યાં બંડખોર યહૂદીઓ એક મૂર્તિની પૂજા કરતા હતા. એ કદાચ અશેરાહ નામની દેવીને રજૂ કરતો ભક્તિ-થાંભલો હતો. કનાની લોકો માનતા હતા કે અશેરાહ બઆલની પત્ની હતી. એ મૂર્તિ ભલે ગમે એ હોય, પણ એની પૂજા કરીને ઇઝરાયેલીઓએ યહોવા સાથે કરેલો કરાર તોડી નાખ્યો. તેઓએ યહોવાને આપેલાં વચનો તોડી નાખ્યાં. શુદ્ધ ભક્તિના હકદાર તો યહોવા છે. પણ એ મૂર્તિની પૂજા કરીને ઇઝરાયેલીઓએ તેમને ભારે રોષ ચઢાવ્યો. * એ વાજબી હતું કે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠે. (પુન. ૩૨:૧૬; હઝકિ. ૫:૧૩) વિચાર કરો કે ૪૦૦ કરતાં વધારે વર્ષોથી એ મંદિર જાણે યહોવાનું ઘર હતું. એ મંદિરમાં યહોવાનું ગૌરવ હતું. (૧ રાજા. ૮:૧૦-૧૩) પણ ઇઝરાયેલીઓ મંદિરના આંગણામાં જ મૂર્તિપૂજા કરતા હતા. તેઓએ આટલું નીચ કામ કર્યું. એટલે ‘યહોવા પોતાના મંદિરથી દૂર ને દૂર ચાલ્યા ગયા.’

૮. હઝકિયેલે દર્શનમાં રોષ ચઢે એવી મૂર્તિ જોઈ, એનો આજે શું અર્થ થાય?

હઝકિયેલે દર્શનમાં રોષ ચઢે એવી મૂર્તિ જોઈ, એનો આજે શું અર્થ થાય? ચર્ચના લોકો યહૂદાના બંડખોર લોકો જેવા છે. યહૂદાના લોકોની જેમ તેઓ મૂર્તિપૂજામાં ડૂબેલા રહે છે. તેઓ ભલે ઈશ્વરની ગમે એટલી ભક્તિ કરે, પણ એ બધું નકામું છે. બંડખોર યહૂદીઓની જેમ ચર્ચના લોકોએ પણ ચોક્કસ યહોવાને ભારે રોષ ચઢાવ્યો હશે, કેમ કે યહોવા કદી બદલાતા નથી. (યાકૂ. ૧:૧૭) તેઓએ શુદ્ધ ભક્તિને અશુદ્ધ કરી છે. એટલે જ યહોવા તેઓથી ઘણા દૂર થઈ ગયા છે.

૯, ૧૦. મંદિરમાં મૂર્તિની પૂજા કરનારા લોકો પાસેથી આપણને કઈ ચેતવણી મળે છે?

મંદિરમાં મૂર્તિની પૂજા કરનારા લોકો પાસેથી આપણને કઈ ચેતવણી મળે છે? જો આપણે ફક્ત યહોવાની ભક્તિ કરવી હોય, તો ‘મૂર્તિપૂજાથી દૂર રહેવું જોઈએ.’ (૧ કોરીં. ૧૦:૧૪) કદાચ આપણે કહીએ કે ‘યહોવાની ભક્તિમાં મૂર્તિઓ કે બીજી ચીજવસ્તુઓ વાપરવાનું સપનામાં પણ ન વિચારીએ.’ પણ મૂર્તિપૂજા એક રીતે નહિ, અનેક રીતે થઈ શકે છે. એ કદાચ આપણને મૂર્તિપૂજા ન લાગે. બાઇબલ વિશે જણાવતું એક પુસ્તક કહે છે: “આપણાં જીવનમાં કોઈ ચીજવસ્તુ ભગવાન કરતાં પહેલા આવતી હોય, જેમ કે પૈસા, માન-મોભો અને સત્તા, તો એ મૂર્તિપૂજા કહેવાય.” તો પછી આપણાં જીવનમાં ધનદોલત, મનોરંજન, જાતીય સંબંધ કે બીજું કંઈ પણ પહેલા આવતું હોય અને યહોવા પછી આવતા હોય તો એ મૂર્તિપૂજા છે. એ બતાવે છે કે આપણે યહોવા સિવાય બીજા કશાની પણ ભક્તિ કરીએ છીએ. સાચી ભક્તિના હકદાર તો ફક્ત યહોવા છે. (માથ. ૬:૧૯-૨૧, ૨૪; એફે. ૫:૫; કોલો. ૩:૫) આપણે દરેક પ્રકારની મૂર્તિપૂજાથી સાવચેત રહેવું જોઈએ. આપણાં દિલોદિમાગમાં યહોવા સૌથી પહેલા હોવા જોઈએ. આપણે ફક્ત તેમની જ ભક્તિ કરવી જોઈએ.—૧ યોહા. ૫:૨૧.

૧૦ યહોવાએ હઝકિયેલને પહેલા દૃશ્યમાં બતાવ્યું કે લોકો “અધમ અને નીચ કામો” કરતા હતા. પણ યહોવાએ તેમને કહ્યું, “તું હજુ એનાથી પણ વધારે નીચ કામો જોઈશ.” મંદિરના આંગણામાં રોષ ચઢાવે એવી મૂર્તિની પૂજાથી પણ વધારે ખરાબ બીજું શું હોય શકે?

બીજું દૃશ્ય: બીજા દેવોને ધૂપ ચઢાવતા ૭૦ વડીલો

૧૧. અંદરના આંગણામાં જઈને હઝકિયેલે શું જોયું?

૧૧ હઝકિયેલ ૮:૭-૧૨ વાંચો. હઝકિયેલ દીવાલમાં ગાબડું પાડીને મંદિરના અંદરના આંગણામાં ગયા. એની પાસે જ મંદિરની વેદી હતી. ત્યાં તેમણે જોયું કે દીવાલ પર ‘પેટે ચાલનારા અને ચીતરી ચઢે એવાં જાનવરો’ કોતરેલાં હતાં. ત્યાં “બધી ધિક્કારપાત્ર મૂર્તિઓ” પણ કોતરેલી હતી. * એ બધું તો બીજા દેવોને રજૂ કરતું હતું. હઝકિયેલે જોયું કે તેઓ મૂર્તિપૂજામાં એટલા ડૂબેલા હતા કે જેની કોઈ હદ ન હતી. “ઇઝરાયેલના ૭૦ વડીલો” “અંધકારમાં” ઊભા હતા. તેઓ બીજા દેવોને ધૂપ ચઢાવતા હતા. અગાઉ મૂસાના નિયમ પ્રમાણે ઇઝરાયેલીઓ સુગંધી ધૂપ ચઢાવતા હતા. એ જાણે તેઓની પ્રાર્થનાઓ હતી, જે યહોવા સાંભળતા હતા. (ગીત. ૧૪૧:૨) પણ આ ૭૦ વડીલો તો બીજા દેવોને ધૂપ ચઢાવતા હતા. એ ધૂપની વાસથી યહોવાને સખત નફરત થતી હતી. તેઓની પ્રાર્થનાઓમાંથી જાણે એટલી ગંધ આવતી હતી કે વાત જ ન પૂછો! (નીતિ. ૧૫:૮) વડીલો કહેતા હતા કે “યહોવા આપણને નથી જોતા.” કેટલી મોટી મૂર્ખાઈ! યહોવા તો તેઓને જોતા હતા. તેમણે હઝકિયેલને પણ બતાવ્યું કે મંદિરમાં વડીલો કેવાં કામો કરતા હતા.

યહોવા જુએ છે કે “અંધકારમાં” કેવાં નીચ કામો થાય છે (ફકરો ૧૧ જુઓ)

૧૨. (ક) આપણે કેમ “અંધકારમાં” પણ યહોવાને ગમે એવાં કામો કરવાં જોઈએ? (ખ) આ વિશે ખાસ કરીને કોણે સારો દાખલો બેસાડવો જોઈએ?

૧૨ મંદિરમાં ૭૦ વડીલો બીજા દેવોને ધૂપ ચઢાવતા હતા, એ વિશે હઝકિયેલે જણાવ્યું. એમાંથી આપણને કઈ ચેતવણી મળે છે? જો આપણે ચાહતા હોઈએ કે યહોવા આપણી પ્રાર્થના સાંભળે અને આપણી ભક્તિને શુદ્ધ ગણે, તો આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે કામ કરવાં જોઈએ. ભલે આપણે “અંધકારમાં” હોઈએ તોપણ આપણે વફાદાર રહેવું જોઈએ. (નીતિ. ૧૫:૨૯) આપણે ભૂલીએ નહિ કે કશું જ યહોવાની નજર બહાર રહેતું નથી. તે બધું જ જુએ છે. જો આપણે સાચે જ માનતા હોઈએ કે યહોવા બધું જ જોઈ શકે છે, તો આપણે એકલા હોઈએ ત્યારે પણ એવું કંઈ નહિ કરીએ જે તેમને ન ગમે. (હિબ્રૂ. ૪:૧૩) ખાસ કરીને વડીલોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. એ તેઓનાં જીવનમાં દેખાય આવવું જોઈએ. (૧ પિત. ૫:૨, ૩) વડીલો મંડળમાં શીખવે છે. એટલે ભાઈ-બહેનો એવી જ આશા રાખશે કે વડીલો બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવે. વડીલો “અંધકારમાં” પણ, એટલે કે જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે પણ એ સિદ્ધાંતો પ્રમાણે જીવે.—ગીત. ૧૦૧:૨, ૩.

ત્રીજું દૃશ્ય: ‘સ્ત્રીઓ તામ્મૂઝ દેવ માટે રડતી હતી’

૧૩. મંદિરના એક દરવાજા પાસે સ્ત્રીઓ શું કરતી હતી?

૧૩ હઝકિયેલ ૮:૧૩, ૧૪ વાંચો. અધમ કામોનાં બે દૃશ્યો બતાવ્યા પછી, યહોવાએ હઝકિયેલને કહ્યું કે “તું તેઓને હજુ પણ વધારે નીચ કામો કરતા જોઈશ.” એના પછી પ્રબોધક હઝકિયેલે જોયું કે ‘યહોવાના મંદિરના ઉત્તરના દરવાજા પાસે સ્ત્રીઓ બેઠી બેઠી તામ્મૂઝ દેવ માટે રડતી હતી.’ તે મેસોપોટેમિયાનો એક દેવ છે, જેને સુમેરી લખાણોમાં દૂમૂઝી કહેવામાં આવ્યો છે. * લોકો માને છે કે તે ઈશ્તાર દેવીનો પતિ છે. એ દેવી પ્રજનન દેવી તરીકે ઓળખાય છે. ઇઝરાયેલી સ્ત્રીઓ તામ્મૂઝના મરણ પર શોક મનાવવા કોઈ ધાર્મિક રિવાજ પાળતી હતી. યહોવાના મંદિરમાં તો શુદ્ધ ભક્તિ થવી જોઈએ. પણ આ સ્ત્રીઓ મંદિરમાં તામ્મૂઝ માટે રડતી હતી અને કોઈ ધાર્મિક રિવાજ પાળતી હતી. યહોવાના મંદિરમાં એવો કોઈ રિવાજ પાળવાથી એ કંઈ પવિત્ર થઈ જવાનો ન હતો. એટલે જ યહોવાએ કહ્યું કે એ સ્ત્રીઓ “નીચ કામો” કરતી હતી.

૧૪. એ સ્ત્રીઓ મંદિરમાં જે કરતી હતી, એનાથી આપણને શું ચેતવણી મળે છે?

૧૪ આપણે જોયું કે સ્ત્રીઓ મંદિરમાં જે કરતી હતી એનાથી યહોવાને કેવું લાગ્યું. એના પરથી આપણને શું ચેતવણી મળે છે? આપણે યહોવાની ભક્તિમાં બીજા કોઈ પણ ધર્મના રીતરિવાજોની ભેળસેળ ન કરવી જોઈએ. આપણે એવા તહેવારો ન ઊજવવા જોઈએ, જેની શરૂઆત બીજા કોઈ ધર્મમાંથી થઈ હોય. એનાથી શું કોઈ ફરક પડે છે? હા, ચોક્કસ પડે છે! આપણને કદાચ થાય કે નાતાલ, ઈસ્ટર, નવું વર્ષ અને જન્મદિવસ જેવી ઉજવણીઓ કરવામાં શું ખોટું છે? પણ આપણે આ વાત યાદ રાખીએ: યહોવાએ જોયું છે કે આ બધી ઉજવણીઓ ક્યાંથી આવી હતી. એ હવે તહેવારો તરીકે ઊજવવામાં આવે છે. એવાં રિવાજો અને ઉજવણીઓ હજારો વર્ષોથી થાય છે. એ બધું શુદ્ધ ભક્તિમાં ભેળસેળ કરી દેવામાં આવ્યું છે. પણ યહોવા એ બધાને હજુયે સખત નફરત કરે છે.—૨ કોરીં. ૬:૧૭; પ્રકટી. ૧૮:૨, ૪.

ચોથું દૃશ્ય: ૨૫ માણસો “સૂર્યને નમન કરતા હતા”

૧૫, ૧૬. (ક) મંદિરના અંદરના આંગણામાં ૨૫ માણસો શું કરતા હતા? (ખ) એ માણસોએ કેવી રીતે યહોવાનું ઘોર અપમાન કર્યું?

૧૫ હઝકિયેલ ૮:૧૫-૧૮ વાંચો. યહોવાએ હઝકિયેલને ચોથું અને છેલ્લું દૃશ્ય બતાવ્યું. એના પહેલાં તેમણે ફરીથી આ શબ્દો જણાવ્યા: “તું એનાથી પણ વધારે નીચ કામો જોઈશ.” એ સાંભળીને પ્રબોધકે વિચાર્યું હશે, ‘અત્યાર સુધી મેં જે કામો જોયાં, એનાથી પણ વધારે નીચ કામો બીજાં શું હોય શકે?’ હઝકિયેલ મંદિરના અંદરના આંગણામાં હતા. ત્યાં મંદિરના દરવાજે તેમણે ૨૫ માણસોને ‘પૂર્વ તરફ સૂર્યને નમન કરતા’ જોયા. તેઓએ યહોવાનું ઘોર અપમાન કર્યું. એ કેવી રીતે?

૧૬ જરા કલ્પના કરો: મંદિર એ રીતે બનાવવામાં આવ્યું હતું કે એનો દરવાજો પૂર્વ તરફ હોય. લોકો મંદિરમાં ભક્તિ કરવા જતા ત્યારે, તેઓનું મોં પશ્ચિમ તરફ અને પીઠ પૂર્વ તરફ રહેતી હતી. પણ અહીં દર્શનમાં ૨૫ માણસો શું કરતા હતા? તેઓનું મોં પૂર્વ તરફ હતું, જેથી તેઓ સૂર્યની ભક્તિ કરી શકે. ‘તેઓની પીઠ મંદિર તરફ હતી.’ એમ કરીને તેઓ જાણે યહોવાને પીઠ બતાવતા હતા. એ મંદિર તો “યહોવાનું મંદિર” હતું. (૧ રાજા. ૮:૧૦-૧૩) એ ૨૫ માણસો તો એવી ભક્તિ કરતા હતા, જે યહોવાને પસંદ ન હતી. તેઓને તેમની કંઈ પડી ન હતી. તેઓએ પુનર્નિયમ ૪:૧૫-૧૯માં બતાવેલી આજ્ઞા તોડી. ફક્ત યહોવા જ ભક્તિના હકદાર છે. પણ એ માણસોએ તેમની ભક્તિ ન કરી. યહોવાનું કેટલું ઘોર અપમાન!

યહોવાના ભક્તોએ ફક્ત તેમની જ ભક્તિ કરવી જોઈએ, જેના તે હકદાર છે

૧૭, ૧૮. (ક) સૂર્યની પૂજા કરનારા માણસોના દૃશ્યથી શું શીખવા મળે છે? (ખ) બંડખોર ઇઝરાયેલીઓએ કોની કોની સાથેના સંબંધો બગાડી નાખ્યા અને કેવી રીતે?

૧૭ સૂર્યની પૂજા કરનારા એ ૨૫ માણસોના દૃશ્યથી શું શીખવા મળે છે? આપણે સત્યનું જ્ઞાન અને સમજણ ફક્ત યહોવા પાસેથી જ મેળવીએ. એમ કરીશું તો યહોવાને કરેલી આપણી ભક્તિ શુદ્ધ રહેશે. આપણે ભૂલીએ નહિ કે ‘યહોવા ઈશ્વર સૂર્ય છે.’ તેમણે આપેલું બાઇબલ આપણા માર્ગોમાં “પ્રકાશ” પાથરે છે. (ગીત. ૮૪:૧૧; ૧૧૯:૧૦૫) યહોવા પોતાના સંગઠન દ્વારા આપણને બાઇબલ અને એના વિશેનું સાહિત્ય આપે છે. એનાથી તે આપણાં દિલોદિમાગમાં સત્યની રોશની ફેલાવે છે, જેથી આપણે સમજી-વિચારીને સારા નિર્ણયો લઈ શકીએ. એની મદદથી આપણે હમણાં પણ સુખચેનથી જીવી શકીએ છીએ. એ આપણને સોનેરી ભાવિની આશા પણ આપે છે, જેમાં આપણે કાયમ માટે જીવીશું. જો આપણે સુખી થવા આ અંધારી દુનિયામાં ફાંફાં મારીએ, તો આપણે જાણે યહોવાને પીઠ બતાવીએ છીએ. એનાથી યહોવાનું કેટલું અપમાન થશે, યહોવાને કેટલું બધું દુઃખ લાગશે! આપણે કદી પણ આપણા ઈશ્વર યહોવાને એવો દગો નહિ દઈએ. હઝકિયેલના આ દર્શનમાંથી એ ચેતવણી પણ મળે છે કે આપણે યહોવાને પીઠ બતાવનારા લોકોથી બાર ગાઉ દૂર રહીએ. તેઓ તો દગાખોર છે, બંડખોર છે!—નીતિ. ૧૧:૯.

૧૮ આપણે અત્યાર સુધી શું જોયું? એ જ કે હઝકિયેલે ચાર દૃશ્યો જોયાં, જે સખત નફરત થાય એવાં હતાં. એમાં તેમણે જોયું કે યહૂદાના બંડખોર લોકો જે ભક્તિ કરતા હતા, એ કેટલી દૂષિત થઈ ગઈ હતી. અરે, તેઓ તો મૂર્તિપૂજા કરતા હતા! આ રીતે તેઓએ યહોવાની ભક્તિ અશુદ્ધ કરી નાખી. એના લીધે યહોવા સાથેના તેઓના સંબંધમાં મોટી તિરાડ પડી. જ્યારે કોઈ પ્રજા યહોવાની ભક્તિમાં ભેળસેળ કરે છે અને એને અશુદ્ધ કરી નાખે છે, ત્યારે તેઓ ભગવાનના નીતિ-નિયમો ભૂલી જાય છે. એટલે કંઈ નવાઈ નથી કે બંડખોર ઇઝરાયેલીઓ એકદમ નીચ કામો કરવા લાગ્યા. તેઓના વિચારોમાં ઝેર ફેલાઈ ગયું. તેઓએ યહોવા સાથેના સંબંધને જ નહિ, એકબીજા સાથેના સંબંધોને પણ મામૂલી ગણ્યા. હઝકિયેલ પવિત્ર શક્તિની મદદથી જણાવે છે કે યહૂદાના બંડખોર લોકો કેટલી હદે નીચ કામોમાં ડૂબી ગયા હતા. ચાલો જોઈએ.

તેઓ “અધમ કામોમાં ડૂબેલા રહે છે”

૧૯. યહોવાના લોકો કેવાં નીચ કામો કરતા હતા?

૧૯ હઝકિયેલ ૨૨:૩-૧૨ વાંચો. યહૂદાના લોકો સાવ નકામા થઈ ગયા હતા, ભલે પછી એ રાજા હોય કે પ્રજા. તેઓ યહોવાના નિયમોને ધોઈને પી ગયા હતા. દરેક “મુખી” કે આગેવાન પોતાની સત્તા વાપરીને નિર્દોષ લોકોનું લોહી વહાવતા. અરે, લોકો પણ પોતાના આગેવાનોની જેમ યહોવાના નિયમો તોડતા હતા. તેઓને જરા પણ ડર લાગતો ન હતો. કુટુંબમાં પણ બાળકો પોતાનાં માતા-પિતાનું ‘અપમાન કરતા હતા.’ પરિવારમાં લોકો અંદરોઅંદર વ્યભિચાર કરતા જરાય શરમાતા ન હતા. દેશમાં બંડખોર ઇઝરાયેલીઓ પરદેશીઓનો ફાયદો ઉઠાવીને તેઓને છેતરતા હતા. તેઓ અનાથો અને વિધવાઓ પર જુલમ ગુજારતા હતા. ઇઝરાયેલી માણસો પોતાના પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરતા હતા. લોકો એકદમ લોભિયા બની ગયા હતા. તેઓ લાંચ લેતા, પૈસા પડાવતા અને લોકોનાં માથે ભારે વ્યાજ ચઢાવતા હતા. યહોવા ઇઝરાયેલી લોકોને ખૂબ પ્રેમ કરતા હતા. એટલે તેમણે તેઓ સાથે કરાર કર્યો હતો. તેમણે તેઓના ભલા માટે પોતાના નીતિ-નિયમો આપ્યા હતા. પણ આ લોકોએ એ નીતિ-નિયમો ધૂળમાં મેળવી દીધા. એ જોઈને યહોવાનું કાળજું કપાઈ ગયું હશે! યહોવાએ પોતાના લોકોનાં આવાં નીચ કામો જોયાં. એનાથી તેમના દુઃખનો કોઈ પાર ન રહ્યો. યહોવાએ હઝકિયેલને જણાવ્યું કે એ બેશરમ લોકોને કહે કે ‘તમે મને સાવ ભૂલી ગયા છો.’

પાદરીઓનાં કરતૂતોને લીધે આ દુનિયા હિંસા અને નીચ કામોના કાદવમાં આળોટે છે (ફકરો ૨૦ જુઓ)

૨૦. હઝકિયેલે યહૂદાના લોકોનાં અધમ કામો વિશે જણાવ્યું, એમાંથી કઈ ચેતવણી મળે છે?

૨૦ હઝકિયેલે યહૂદાના લોકોનાં અધમ કામો વિશે જણાવ્યું, એમાંથી કઈ ચેતવણી મળે છે? બંડખોર યહૂદાના લોકોની જેમ આજની દુનિયા પણ ગંદકીથી ખદબદે છે. નેતાઓ અને અધિકારીઓ પોતાની સત્તાનો ફાયદો ઉઠાવે છે. તેઓ મામૂલી માણસ પર જુલમ કરે છે. ધર્મગુરુઓ વિશે શું? તેઓ, ખાસ કરીને પાદરીઓ યુદ્ધમાં જતા સૈનિકોને આશીર્વાદ આપે છે. યુદ્ધોમાં લાખો લોકો માર્યા જાય છે અને લોહીની નદીઓ વહે છે. લગ્‍ન વિશે બાઇબલ સાફ સાફ જણાવે છે કે યહોવાની નજરે એ એક પવિત્ર બંધન છે. એના માટે બાઇબલ ઊંચાં ધોરણો બેસાડે છે. પણ પાદરીઓ એ ધોરણો તરફ આંખ આડા કાન કરે છે. એટલે આજની દુનિયાની હાલત તો જુઓ! લોકો લગ્‍ન-બંધનને સાવ મામૂલી ગણે છે. તેઓ નીચ કામોના કાદવમાં આળોટે છે. યહોવાએ બંડખોર યહૂદાને જે કહ્યું હતું, એ જ ચર્ચના લોકોને પણ કહેશે: ‘તમે મને સાવ ભૂલી ગયા છો.’

૨૧. યહૂદાનાં નીચ કામો પરથી આપણે કઈ ચેતવણી લેવી જોઈએ?

૨૧ યહોવાના લોકો તરીકે આપણે યહૂદાનાં નીચ કામો પરથી કઈ ચેતવણી લેવી જોઈએ? યહોવા આપણી ભક્તિ સ્વીકારે એ માટે આપણે બધી રીતે શુદ્ધ રહેવું જોઈએ. દુષ્ટ કામોથી ખદબદતી આ દુનિયામાં શુદ્ધ રહેવું લોઢાના ચણા ચાવવા જેવું છે. (૨ તિમો. ૩:૧-૫) પણ આપણે જાણીએ છીએ કે યહોવાને એ બધાં નીચ કામો વિશે કેવું લાગે છે. (૧ કોરીં. ૬:૯, ૧૦) આપણે યહોવાનાં ઊંચાં ધોરણો પાળીએ છીએ, કેમ કે આપણે તેમના નિયમો પર ખૂબ પ્રેમ રાખીએ છીએ. આપણે યહોવાને દિલોજાનથી ચાહીએ છીએ. (ગીત. ૧૧૯:૯૭; ૧ યોહા. ૫:૩) આપણા ઈશ્વર યહોવા તો એકદમ પવિત્ર અને શુદ્ધ ઈશ્વર છે. જો આપણે દુષ્ટ કામો કરીએ તો એવું બતાવીએ છીએ કે આપણે તેમને પ્રેમ કરતા નથી. આપણે કદી પણ એવું કોઈ કામ કરવા માંગતા નથી, જેના લીધે યહોવાએ કહેવું પડે: ‘તમે મને સાવ ભૂલી ગયા છો.’

૨૨. (ક) યહોવાએ ખુલ્લા પાડેલા યહૂદાનાં કરતૂતો વિશે જાણીને આપણે શું કરવાનો પાકો નિર્ણય લઈએ છીએ? (ખ) આપણે હવે પછીના પ્રકરણમાં શાના વિશે જોઈશું?

૨૨ યહોવાએ અગાઉના યહૂદાનાં કરતૂતો ખુલ્લાં પાડ્યાં. તેઓ ભક્તિના નામે મૂર્તિપૂજા કરતા હતા. અરે, તેઓ એકદમ નીચ અને અધમ કામોમાં ડૂબી ગયા હતા! એના પરથી આપણને જોરદાર ચેતવણી મળે છે. આપણે પાકો નિર્ણય લઈએ કે ફક્ત યહોવાની જ ભક્તિ કરીશું. તે જ એના હકદાર છે. ધ્યાન રાખીએ કે આપણે કોઈ પણ પ્રકારની મૂર્તિપૂજામાં ફસાઈએ નહિ. આપણે સાવચેત રહીએ કે કોઈ પણ ખરાબ કામ ન કરીએ અને બધી રીતે શુદ્ધ રહીએ. યહોવાએ બેવફા યહૂદા વિશે શું કહ્યું? તેમણે હઝકિયેલને મંદિરનું દર્શન બતાવ્યું એના અંતે જણાવ્યું: “મારો ક્રોધ સળગી ઊઠશે.” (હઝકિ. ૮:૧૭, ૧૮) આપણે જાણવું છે કે યહોવાએ બેવફા યહૂદાને કેવી સજા કરી. આ દુનિયાના દુષ્ટ લોકોના પણ એવા જ હાલ થશે. ચાલો હવે પછીના પ્રકરણમાં જોઈએ કે યહોવાના કહેવા પ્રમાણે યહૂદાને કેવી શિક્ષા થઈ.

^ હઝકિયેલના પુસ્તકમાં “ઇઝરાયેલ” શબ્દ મોટા ભાગે યહૂદા અને યરૂશાલેમના લોકોને રજૂ કરે છે.—હઝકિ. ૧૨:૧૯, ૨૨; ૧૮:૨; ૨૧:૨, ૩.

^ “રોષ” શબ્દ બતાવે છે કે યહોવા માટે એ ખૂબ મહત્ત્વનું છે કે તેમના લોકો પૂરાં દિલથી તેમની ભક્તિ કરે. દાખલા તરીકે, જો કોઈ પત્ની પોતાના પતિને બેવફા બને, તો તેના પતિનો ગુસ્સો ભડકી ઊઠશે. (નીતિ. ૬:૩૪) એવી જ રીતે, યહોવાએ જે લોકો સાથે કરાર કર્યો હતો, તેઓ મૂર્તિપૂજા કરવા લાગ્યા. તેઓ યહોવાને બેવફા બન્યા. એટલે તેમને ભારે રોષ ચઢ્યો. બાઇબલ વિશેનું એક પુસ્તક જણાવે છે: ‘ઈશ્વરને રોષ ચઢે છે, કેમ કે તે પવિત્ર ઈશ્વર છે. ફક્ત તે જ પવિત્ર ઈશ્વર છે. એટલે તેમના સિવાય બીજા કોઈની પણ ભક્તિ થાય, એ તે જરાય ચલાવી લેતા નથી.’—નિર્ગ. ૩૪:૧૪.

^ “ધિક્કારપાત્ર મૂર્તિઓ” માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

^ અમુક લોકોનું માનવું છે કે તામ્મૂઝ એ નિમ્રોદનું બીજું એક નામ છે. પણ એ વાતનો કોઈ પુરાવો નથી.