સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨

‘ઈશ્વરે તેઓની ભેટો સ્વીકારી’

‘ઈશ્વરે તેઓની ભેટો સ્વીકારી’

હિબ્રૂઓ ૧૧:૪

ઝલક: યહોવાએ શરૂઆતમાં શુદ્ધ ભક્તિ માટે કઈ ગોઠવણ કરી હતી?

૧-૩. (ક) આપણે કયા સવાલોનો વિચાર કરીશું? (ખ) યહોવાની ભક્તિ કરવા માટે કયા ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

 હાબેલ પોતાનાં ઘેટાંને ધ્યાનથી જુએ છે. તેમણે ઘેટાંને ખૂબ પ્રેમથી મોટાં કર્યાં છે. એમાંનાં અમુકને તે પસંદ કરે છે અને કાપે છે. હાબેલ એ બલિદાન યહોવાને ભેટ તરીકે ચઢાવે છે. એમ કરીને તે યહોવાની ભક્તિ કરે છે. શું યહોવા એક પાપી માણસે ચઢાવેલું બલિદાન સ્વીકાર કરશે?

પ્રેરિત પાઉલે હાબેલ વિશે લખ્યું: “ઈશ્વરે તેમની ભેટો સ્વીકારી.” પણ ઈશ્વર યહોવાએ કાઈનની ભેટો ન સ્વીકારી. (હિબ્રૂઓ ૧૧:૪ વાંચો.) એનાથી આ સવાલો ઊભા થાય છે: યહોવાએ કેમ હાબેલની ભેટ સ્વીકારી અને કાઈનની ભેટ ન સ્વીકારી? કાઈન, હાબેલ અને બીજા લોકો પાસેથી આપણે શું શીખી શકીએ, જેઓ વિશે હિબ્રૂઓનો ૧૧મો અધ્યાય જણાવે છે? એના જવાબોથી આપણે સારી રીતે સમજી શકીશું કે શુદ્ધ ભક્તિ કોને કહેવાય.

હવે આપણે હાબેલના સમયથી હઝકિયેલના સમય સુધીના અમુક બનાવો વિશે જોઈશું. આપણે શીખીશું કે કયા ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, જેથી યહોવા આપણી ભક્તિ સ્વીકારે. એ ચાર મુદ્દા આ છે: આપણે ફક્ત યહોવાની ભક્તિ કરવી જોઈએ, ભક્તિ સૌથી સારી હોવી જોઈએ, યહોવા સ્વીકારે એ રીતે ભક્તિ કરવી જોઈએ અને સારા ઇરાદાથી ભક્તિ કરવી જોઈએ.

કાઈને કરેલી ભક્તિનો સ્વીકાર કેમ ન થયો?

૪, ૫. કાઈને કયાં કારણોને લીધે યહોવાને બલિદાન ચઢાવ્યું?

ઉત્પત્તિ ૪:૨-૫ વાંચો. કાઈન જાણતો હતો કે ફક્ત યહોવાની ભક્તિ કરવી જોઈએ અને તેમને જ ભેટ ચઢાવવી જોઈએ. કાઈન પાસે યહોવા વિશે શીખવાનો ઘણો સમય હતો અને મોકો પણ હતો. જ્યારે તેણે અને તેના ભાઈ હાબેલે યહોવાને ભેટ ચઢાવી, ત્યારે તેઓ લગભગ ૧૦૦ વર્ષના હશે. * બંને છોકરાઓ નાનપણથી જાણતા હતા કે એદન બાગમાં શું થયું હતું. તેઓએ દૂરથી એદન બાગનો સુંદર નજારો જોયો હશે. તેઓએ એ પણ જોયું હશે કે કરૂબો એદન બાગની બહાર ચોકી કરતા હતા. (ઉત. ૩:૨૪) તેઓનાં માબાપે જણાવ્યું હશે કે બધું જ યહોવાએ બનાવ્યું છે. તેઓએ એ પણ જણાવ્યું હશે કે યહોવા ચાહતા ન હતા કે માણસો પર આટલી બધી દુઃખ-તકલીફો આવે અને આખરે એક દિવસ તેઓ મોતના મોંમાં ચાલ્યા જાય. (ઉત. ૧:૨૪-૨૮) કાઈન એ બધું જાણતો હતો. એટલે તેને ખાતરી હતી કે ભેટ તો યહોવાને જ ચઢાવવી જોઈએ.

કાઈને બીજા કયા કારણને લીધે બલિદાન ચઢાવ્યું હશે? યહોવાએ ભવિષ્યવાણી કરી હતી કે એક “વંશજ” આવશે. એ વંશજ ‘સાપનું’ માથું કચડી નાખશે. એ સાપે હવાને લાલચ આપીને છેતરી હતી. (ઉત. ૩:૪-૬, ૧૪, ૧૫) કાઈન આદમ-હવાનો મોટો દીકરો હોવાથી, તેણે વિચાર્યું હશે કે પોતે જ એ “વંશજ” છે. (ઉત. ૪:૧) યહોવાએ પાપી માણસો સાથે વાતચીત કરવાનું બંધ કર્યું ન હતું. આદમે પાપ કર્યું પછી પણ યહોવાએ સ્વર્ગદૂત દ્વારા તેની સાથે વાત કરી હતી. (ઉત. ૩:૮-૧૦) કાઈને બલિદાન ચઢાવ્યું એ પછી પણ યહોવાએ તેની સાથે વાત કરી હતી. (ઉત. ૪:૬) આના પરથી જાણવા મળે છે કે કાઈનને ખબર હતી કે ફક્ત યહોવાની જ ભક્તિ થવી જોઈએ.

૬, ૭. શું કાઈને ચઢાવેલી ભેટ સૌથી સારી ન હતી? કાઈને જે રીતે ભેટ ચઢાવી હતી, એમાં શું કોઈ ખોટ હતી? સમજાવો.

તો પછી, યહોવાએ કાઈનની ભેટ કેમ ન સ્વીકારી? શું કાઈને ચઢાવેલી ભેટ સૌથી સારી ન હતી? બાઇબલ એ વિશે કંઈ કહેતું નથી. એમાં ફક્ત એટલું જ જણાવ્યું છે કે કાઈને ‘જમીનની ઊપજમાંથી’ અર્પણ ચઢાવ્યું. પછીથી યહોવાએ મૂસાના નિયમોમાં લખાવ્યું કે તે એવાં બલિદાનો સ્વીકારે છે. (ગણ. ૧૫:૮, ૯) વિચાર કરો કે એ સમય કેવો હતો. એ વખતે માણસો ફક્ત શાકભાજી ખાતા હતા. (ઉત. ૧:૨૯) એ સમયે શાકભાજી ઉગાડવા માટે સખત મહેનત કરવી પડતી હતી, કેમ કે એદન બાગની બહારની જમીનને શ્રાપ આપવામાં આવ્યો હતો. (ઉત. ૩:૧૭-૧૯) કાઈને પરસેવો પાડીને પોતાના માટે જે શાકભાજી ઉગાડી હતી, એમાંથી બલિદાન ચઢાવ્યું. તોપણ, યહોવાએ એ બલિદાનનો સ્વીકાર કર્યો નહિ.

શું કાઈને યહોવા સ્વીકારે એ રીતે ભેટ ચઢાવી ન હતી? શું યહોવાને તેની ભેટ ચઢાવવાની રીત ન ગમી? એવું નથી. યહોવાએ કાઈનની ભેટનો સ્વીકાર ન કર્યો ત્યારે, તેમણે એવું ન કહ્યું કે તેની અર્પણ ચઢાવવાની રીત ખોટી હતી. બાઇબલમાં એવું લખ્યું નથી કે કાઈન અને હાબેલે કઈ રીતે અર્પણ ચઢાવ્યાં હતાં. તો પછી, યહોવાએ કાઈનના અર્પણનો કેમ સ્વીકાર ન કર્યો?

કાઈનનો ઇરાદો સારો ન હતો (ફકરા ૮, ૯ જુઓ)

૮, ૯. (ક) યહોવાએ કાઈન અને તેના બલિદાનનો સ્વીકાર કેમ ન કર્યો? (ખ) બાઇબલમાં કાઈન અને હાબેલ વિશે જે લખ્યું છે, એમાંથી તમને શું ગમ્યું?

હિબ્રૂઓના પુસ્તકમાં પાઉલે જે લખ્યું એના પરથી ખબર પડે છે કે કાઈને સારા ઇરાદાથી અર્પણ ચઢાવ્યું ન હતું. તેને ઈશ્વરમાં શ્રદ્ધા ન હતી. (હિબ્રૂ. ૧૧:૪; ૧ યોહા. ૩:૧૧, ૧૨) યહોવાએ કાઈનના બલિદાનનો સ્વીકાર ન કર્યો. એટલું જ નહિ, યહોવાએ કાઈનનો પણ સ્વીકાર ન કર્યો. (ઉત. ૪:૫-૮) યહોવાએ એક પિતાની જેમ પ્રેમથી પોતાના દીકરાને સુધારવાની કોશિશ કરી. તેમણે જાણે તેના ખભે હાથ મૂકીને તેને સમજાવ્યો. પણ કાઈને યહોવાનો હાથ ઝાટકી નાખ્યો. કાઈનનું દિલ ‘વેરભાવ, ઝઘડા અને ઈર્ષાથી’ ભરેલું હતું. (ગલા. ૫:૧૯, ૨૦) કાઈનનું દિલ સારું ન હતું. ભલે કાઈને ફક્ત યહોવાને બલિદાન ચઢાવ્યું, તેનું બલિદાન સૌથી સારું હતું અને યહોવા સ્વીકારે એ રીતે બલિદાન ચઢાવ્યું. તોપણ યહોવાએ તેનું બલિદાન સ્વીકાર્યું નહિ. કાઈનના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? યહોવાની ભક્તિમાં દેખાડો ન હોવો જોઈએ, પણ આપણો ઇરાદો સારો હોવો જોઈએ.

બાઇબલ કાઈન વિશે ઘણું જણાવે છે. જેમ કે, યહોવાએ તેની સાથે વાત કરી હતી. તેણે યહોવાના સવાલોના જવાબ પણ આપ્યા હતા. અરે, તેનાં બાળકોનાં નામ અને તેઓએ કેવાં કામો કર્યાં એ પણ જણાવવામાં આવ્યું છે. (ઉત. ૪:૧૭-૨૪) પણ હાબેલે કહેલી એક પણ વાત બાઇબલમાં લખેલી નથી. તેમને બાળકો હતાં કે નહિ એ પણ બાઇબલ જણાવતું નથી. તોપણ, હાબેલનાં કામોથી આજે આપણને ઘણું બધું શીખવા મળે છે. કેવી રીતે?

શુદ્ધ ભક્તિ માટે હાબેલનો દાખલો

૧૦. શુદ્ધ ભક્તિ માટે હાબેલે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?

૧૦ હાબેલે યહોવાને ભેટ ચઢાવી, કેમ કે તે જાણતા હતા કે ફક્ત યહોવાની ભક્તિ કરવી જોઈએ. હાબેલે ચઢાવેલી ભેટ સૌથી સારી હતી. તેમણે “પોતાનાં ટોળાંમાંથી ઘેટાંનાં પ્રથમ જન્મેલાં અમુક બચ્ચાં” ભેટ તરીકે ચઢાવ્યાં. બાઇબલ એ નથી જણાવતું કે હાબેલે બલિદાન કોઈ વેદી પર ચઢાવ્યું હતું કે નહિ. પણ તેમણે યહોવા સ્વીકારે એ રીતે ભેટ ચઢાવી હતી. હાબેલના બલિદાન પર વિચાર કરવાથી જાણવા મળે છે કે તેમણે સારા ઇરાદાથી ભેટ ચઢાવી હતી. એટલે છ હજાર વર્ષ પછી પણ હાબેલનો દાખલો આપણને ઘણું શીખવી જાય છે. હાબેલને યહોવા પર ઘણી શ્રદ્ધા હતી. તે યહોવાનાં ખરાં ધોરણોને ખૂબ પ્રેમ કરતા હતા. આપણે એ કેવી રીતે જાણી શકીએ?

યહોવાની ભક્તિ માટે જરૂરી ચાર મુદ્દા હાબેલે ધ્યાનમાં રાખ્યા (ફકરો ૧૦ જુઓ)

૧૧. ઈસુએ શા માટે હાબેલને નેક માણસ કહ્યા?

૧૧ ચાલો પહેલા જોઈએ કે ઈસુએ હાબેલ વિશે શું કહ્યું. ઈસુએ સ્વર્ગમાંથી ધરતી પર હાબેલને જોયા હતા. એટલે ઈસુ તેમને સારી રીતે ઓળખતા હતા. ઈસુને હાબેલ વિશે જાણવાનું ખૂબ ગમતું હતું. (નીતિ. ૮:૨૨, ૩૦, ૩૧; યોહા. ૮:૫૮; કોલો. ૧:૧૫, ૧૬) ઈસુએ જોયું હતું કે હાબેલ નેક માણસ હતા. ઈસુએ પોતાની નજરે તેમનાં નેક કામો જોયાં હતાં. (માથ. ૨૩:૩૫) નેક માણસ કોને કહેવાય? નેક માણસ માને છે કે ખરું-ખોટું નક્કી કરવાનો હક ફક્ત યહોવાને છે. એટલું જ નહિ, તે યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે ચાલે પણ છે. તેનાં વાણી-વર્તનથી એ સાફ દેખાઈ આવે છે. (લૂક ૧:૫, ૬ સરખાવો.) નેક માણસ કંઈ રાતોરાત બની જવાતું નથી, એને સમય લાગે છે. હાબેલે યહોવાને બલિદાન ચઢાવ્યું એના પહેલાંથી જ તે યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલીને સારું નામ કમાયા હતા. એમ કરવું તેમના માટે સહેલું નહિ હોય. તેમના મોટા ભાઈ કાઈને સારો દાખલો બેસાડ્યો ન હતો. તેના દિલમાં દુષ્ટતા ભરેલી હતી. (૧ યોહા. ૩:૧૨) હાબેલની માતાએ યહોવાની આજ્ઞા તોડી હતી. તેમના પિતાએ યહોવા સામે બળવો કર્યો હતો. હા, આદમ પોતાના માટે ખરું-ખોટું જાતે નક્કી કરવા માંગતો હતો. (ઉત. ૨:૧૬, ૧૭; ૩:૬) હાબેલના કુટુંબમાં કોઈ પણ સાચા માર્ગે ચાલતું ન હતું. એવા કુટુંબમાં રહીને સારાં કામો કરવા હાબેલને કેટલી હિંમતની જરૂર પડી હશે!

૧૨. કાઈન અને હાબેલ કઈ રીતે એકબીજાથી અલગ હતા?

૧૨ હવે વિચારો, પ્રેરિત પાઉલે કઈ રીતે બતાવ્યું કે શ્રદ્ધા અને નેક કામો એકબીજા સાથે જોડાયેલાં છે. તેમણે લખ્યું: “શ્રદ્ધાને લીધે હાબેલે કાઈન કરતાં વધારે મૂલ્યવાન બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. એ શ્રદ્ધા દ્વારા તેમના વિશે સાક્ષી આપવામાં આવી કે તે નેક છે.” (હિબ્રૂ. ૧૧:૪) પાઉલના શબ્દો બતાવે છે કે હાબેલ તો કાઈનથી અલગ હતા. હાબેલે આખી જિંદગી પૂરા દિલથી શ્રદ્ધા રાખી. તેમને ભરોસો હતો કે યહોવા જે કરે છે એ એકદમ બરાબર હોય છે.

૧૩. હાબેલના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

૧૩ હાબેલના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? એ જ કે યહોવાની ભક્તિ પૂરાં દિલથી કરવી જોઈએ. આપણો ઇરાદો પણ સારો હોવો જોઈએ. આપણને યહોવામાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. આપણને ભરોસો હોવો જોઈએ કે તેમનાં ધોરણો ખરાં છે. યહોવાની ભક્તિ માટે ફક્ત કોઈ એક કામ કરવું પૂરતું નથી. આપણાં આખાં જીવનથી અને વાણી-વર્તનથી દેખાઈ આવવું જોઈએ કે આપણે તેમની ભક્તિ કરીએ છીએ.

આપણા પૂર્વજો હાબેલના પગલે ચાલ્યા

૧૪. યહોવાએ નૂહ, ઇબ્રાહિમ અને યાકૂબનાં બલિદાનોનો કેમ સ્વીકાર કર્યો?

૧૪ યહોવાની ભક્તિ કરનારા પાપી માણસોમાં હાબેલ સૌથી પહેલા હતા. એ પછી બીજા ઘણા ભક્તોએ યહોવાની ભક્તિ કરી. પ્રેરિત પાઉલે એવા ઘણા લોકો વિશે લખ્યું હતું. જેમ કે, નૂહ, ઇબ્રાહિમ અને યાકૂબ. (હિબ્રૂઓ ૧૧:૭, ૮, ૧૭-૨૧ વાંચો.) જીવનમાં કોઈક ને કોઈક સમયે એ દરેક ઈશ્વરભક્તે યહોવાને બલિદાનો ચઢાવ્યાં. યહોવાએ તેઓનાં બલિદાનોનો સ્વીકાર કર્યો. એનું કારણ એ છે કે તેઓએ ફક્ત ચઢાવવા ખાતર બલિદાનો ચઢાવ્યાં ન હતાં. તેઓએ એ બધું જ કર્યું હતું, જે શુદ્ધ ભક્તિ માટે જરૂરી હતું. ચાલો તેઓના વિશે જોઈએ.

નૂહે ચઢાવેલાં બલિદાનોથી ખાસ વાત શીખવા મળી (ફકરા ૧૫, ૧૬ જુઓ)

૧૫, ૧૬. નૂહે કઈ રીતે યહોવાની ભક્તિ માટે જરૂરી ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા?

૧૫ આદમનું મરણ થયું એના ફક્ત ૧૨૬ વર્ષ પછી નૂહનો જન્મ થયો. પણ એટલા સમયમાં જ આખી દુનિયામાં લોકો એવી ભક્તિ કરવા લાગ્યા, જે યહોવા ક્યારેય ન સ્વીકારે. * (ઉત. ૬:૧૧) નૂહના સમયમાં પૂર આવ્યું. એ અગાઉ ફક્ત નૂહ અને તેમનું કુટુંબ જ યહોવા સ્વીકારે એ રીતે ભક્તિ કરતાં હતાં. (૨ પિત. ૨:૫) નૂહ અને તેમનું કુટુંબ પૂરમાંથી બચી ગયાં. નૂહે યહોવાને બલિદાનો ચઢાવવા વેદી બાંધી. બાઇબલમાં અહીં પહેલી વાર વેદી વિશે જણાવ્યું છે. નૂહે પૂરા દિલથી યહોવાને બલિદાનો ચઢાવ્યાં. એમ કરીને નૂહે પોતાના કુટુંબ અને આવનાર પેઢીઓને શું શીખવ્યું? એ જ કે ફક્ત યહોવાની ભક્તિ કરવી જોઈએ. બલિદાનો ચઢાવવા નૂહ પાસે ઘણાં પશુ-પંખીઓ હતાં. તેમણે “શુદ્ધ પ્રાણીઓમાંથી અને શુદ્ધ પક્ષીઓમાંથી અમુક” પસંદ કર્યાં. (ઉત. ૮:૨૦) યહોવાએ જ તેઓને શુદ્ધ ગણ્યાં હતાં. એટલે નૂહે ચઢાવેલાં બલિદાનો સૌથી સારાં હતાં.—ઉત. ૭:૨.

૧૬ નૂહે યહોવાને વેદી પર અગ્‍નિ-અર્પણો ચઢાવ્યાં. શું તેમણે યહોવા સ્વીકારે એ રીતે અર્પણો ચઢાવ્યાં? હા. બાઇબલ જણાવે છે કે એ અર્પણોની સુગંધથી યહોવાનું દિલ ખુશ થઈ ગયું. તેમણે નૂહ અને તેમના દીકરાઓને આશીર્વાદ આપ્યો. (ઉત. ૮:૨૧; ૯:૧) નૂહે ચઢાવેલાં બલિદાનો યહોવાએ સ્વીકાર્યાં, એનું મહત્ત્વનું કારણ શું હતું? એ જ કે નૂહે સારા ઇરાદાથી એ અર્પણો ચઢાવ્યાં હતાં. નૂહે ચઢાવેલાં બલિદાનોથી તેમની શ્રદ્ધાની એક વધારે સાબિતી મળી. નૂહને પૂરો ભરોસો હતો કે યહોવાનાં ધોરણો હંમેશાં ખરાં હોય છે અને તે જે કરે છે એ એકદમ બરાબર હોય છે. નૂહે પોતાની આખી જિંદગી યહોવાની આજ્ઞાઓ પાળી. તે યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે ચાલ્યા. બાઇબલ જણાવે છે કે “નૂહ સાચા ઈશ્વર સાથે ચાલ્યો.” એટલે તે નેક માણસ તરીકે જાણીતા થયા.—ઉત. ૬:૯; હઝકિ. ૧૪:૧૪; હિબ્રૂ. ૧૧:૭.

૧૭, ૧૮. ઇબ્રાહિમે કઈ રીતે યહોવાની ભક્તિ માટે જરૂરી ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા?

૧૭ ઇબ્રાહિમ ઉર શહેરમાં રહેતા હતા. એ શહેરમાં યહોવાની નહિ, પણ બીજા દેવોની ભક્તિ થતી હતી. ત્યાં ચંદ્રદેવ નન્‍ના માટે એક મોટું મંદિર બાંધવામાં આવ્યું હતું. * અરે, એક સમયે ઇબ્રાહિમના પિતા પણ બીજા દેવોને પૂજતા હતા. (યહો. ૨૪:૨) પણ ઇબ્રાહિમે તો યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું હતું. તેમના પૂર્વજ શેમ પાસેથી તેમને સાચા ઈશ્વર યહોવા વિશે શીખવા મળ્યું હશે. શેમ નૂહના દીકરા હતા. શેમ અને ઇબ્રાહિમે પોતાનાં જીવનના ૧૫૦ વર્ષ સાથે વિતાવ્યાં હતાં.

૧૮ ઇબ્રાહિમે પોતાના આખા જીવન દરમિયાન ઘણાં બલિદાનો ચઢાવ્યાં. તે જાણતા હતા કે ફક્ત યહોવાની ભક્તિ કરવી જોઈએ. એટલે તેમણે દર વખતે ફક્ત યહોવાને બલિદાનો ચઢાવ્યાં. (ઉત. ૧૨:૮; ૧૩:૧૮; ૧૫:૮-૧૦) ઇબ્રાહિમે હંમેશાં સૌથી સારું બલિદાન ચઢાવ્યું હતું. આપણે પૂરી ખાતરીથી એવું કહીએ છીએ, કેમ કે એક વાર તો તે પોતાના વહાલા દીકરા ઇસહાકનું બલિદાન આપવા પણ તૈયાર થઈ ગયા હતા. એ વખતે યહોવાએ શું કર્યું? તેમણે ઇબ્રાહિમને જણાવ્યું કે યહોવા સ્વીકારે એ રીતે બલિદાનો ચઢાવવા શું કરવું. (ઉત. ૨૨:૧, ૨) યહોવાએ કહેલી એકેએક વાત ઇબ્રાહિમે માની. તે પોતાના દીકરાનું બલિદાન આપવાના જ હતા, એટલામાં યહોવાએ તેમને રોકી લીધા. (ઉત. ૨૨:૯-૧૨) ઇબ્રાહિમે હંમેશાં સારા ઇરાદાથી બલિદાન ચઢાવ્યું. એટલે યહોવાએ ઇબ્રાહિમે કરેલી ભક્તિ સ્વીકારી. પ્રેરિત પાઉલે લખ્યું: “ઇબ્રાહિમે યહોવામાં શ્રદ્ધા મૂકી અને તે નેક ગણાયો.”—રોમ. ૪:૩.

યાકૂબે પોતાના કુટુંબ માટે દાખલો બેસાડ્યો (ફકરા ૧૯, ૨૦ જુઓ)

૧૯, ૨૦. યાકૂબે કઈ રીતે યહોવાની ભક્તિ માટે જરૂરી ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા?

૧૯ યાકૂબ ઘણાં વર્ષો કનાનમાં રહ્યા. યહોવાએ ઇબ્રાહિમ અને તેમના વંશજોને વચન આપ્યું હતું કે કનાન દેશ તેઓને આપશે. (ઉત. ૧૭:૧, ૮) કનાન દેશના લોકો યહોવાની નહિ, પણ બીજા દેવોની ભક્તિમાં ડૂબેલા હતા. એ ભક્તિ એકદમ ખરાબ અને નફરત થાય એવી હતી. એટલે યહોવાએ કહ્યું કે એ દેશ “પોતાના રહેવાસીઓને ઓકી કાઢશે.” (લેવી. ૧૮:૨૪, ૨૫) યાકૂબ ૭૭ વર્ષના હતા ત્યારે તે કનાન છોડીને ગયા હતા. પછી તેમણે લગ્‍ન કર્યા. સમય જતાં, તે પોતાના મોટા કુટુંબને લઈને કનાન દેશ પાછા આવ્યા. (ઉત. ૨૮:૧, ૨; ૩૩:૧૮) પણ યાકૂબના કુટુંબમાંથી અમુકને કનાનમાં થતી બીજા દેવોની ભક્તિનો રંગ લાગી ગયો હતો. યહોવાએ યાકૂબને કહ્યું કે તે બેથેલ જઈને એક વેદી બાંધે. યાકૂબે તરત પગલાં ભર્યાં. પહેલા તેમણે શું કર્યું? તેમણે પોતાના કુટુંબને કહ્યું: “તમારી વચ્ચેથી જૂઠા દેવોની મૂર્તિઓને દૂર કરો. પોતાને શુદ્ધ કરો.” પછી તેમણે યહોવાના કહેવા પ્રમાણે જ કર્યું.—ઉત. ૩૫:૧-૭.

૨૦ વચનના દેશમાં યાકૂબે ઘણી વેદીઓ બાંધી. તે જાણતા હતા કે ફક્ત યહોવાની ભક્તિ કરવી જોઈએ. એટલે તેમણે દર વખતે યહોવાને જ બલિદાનો ચઢાવ્યાં. (ઉત. ૩૫:૧૪; ૪૬:૧) યાકૂબ સૌથી સારું બલિદાન ચઢાવતા હતા. યહોવા સ્વીકારે એ રીતે અને સારા ઇરાદાથી તે બલિદાન ચઢાવતા હતા. બાઇબલ જણાવે છે કે યાકૂબ “નિષ્કલંક” કે નિર્દોષ માણસ હતા. એટલે જ યહોવાએ તેમની ભક્તિનો સ્વીકાર કર્યો હતો. (ઉત. ૨૫:૨૭, ફૂટનોટ) યાકૂબે આખી જિંદગી યહોવાની ભક્તિ કરી. તેમણે પોતાના વંશજો માટે, એટલે કે ઇઝરાયેલી પ્રજા માટે એક સારો દાખલો બેસાડ્યો.—ઉત. ૩૫:૯-૧૨.

૨૧. યહોવાની ભક્તિ વિશે આપણને નૂહ, ઇબ્રાહિમ અને યાકૂબ પાસેથી શું શીખવા મળે છે?

૨૧ યહોવાની ભક્તિ વિશે આપણને નૂહ, ઇબ્રાહિમ અને યાકૂબ પાસેથી શું શીખવા મળે છે? તેઓની જેમ આપણે પણ એવા લોકો વચ્ચે રહીએ છીએ, જેઓ યહોવાની ભક્તિ તરફથી આપણું ધ્યાન ફંટાવવા માંગે છે. જો આપણે તેઓની વાતોમાં આવી જઈશું તો પૂરાં દિલથી યહોવાની ભક્તિ નહિ કરી શકીએ. આપણું કુટુંબ પણ યહોવાની ભક્તિમાંથી આપણું ધ્યાન ફંટાવી શકે છે. આપણે યહોવા પરની આપણી શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ. આપણને ભરોસો હોવો જોઈએ કે તેમનાં ધોરણો ખરાં છે. એમ કરીશું તો આપણે તેઓની વાતોમાં નહિ આવી જઈએ. આપણી શ્રદ્ધા મક્કમ હશે તો યહોવાની આજ્ઞાઓ પાળીશું. આપણાં સમય-શક્તિ અને ચીજવસ્તુઓ તેમની ભક્તિમાં વાપરીશું. (માથ. ૨૨:૩૭-૪૦; ૧ કોરીં. ૧૦:૩૧) ચાલો આપણે યહોવાની ભક્તિમાં બનતું બધું જ કરીએ. તે સ્વીકારે એ રીતે અને સારા ઇરાદાથી તેમની ભક્તિ કરીએ. આપણે એવું કરીશું તો તે આપણને નેક ગણશે. એ કેટલી ખુશીની વાત કહેવાય!—યાકૂબ ૨:૧૮-૨૪ વાંચો.

યહોવાની ભક્તિ અને ઇઝરાયેલી પ્રજા

૨૨-૨૪. નિયમશાસ્ત્ર કઈ રીતે ભાર મૂકતું હતું કે (ક) ફક્ત યહોવાની ભક્તિ કરવી જોઈએ? (ખ) બલિદાનો સૌથી સારાં હોવાં જોઈએ? (ગ) યહોવા સ્વીકારે એ રીતે ભક્તિ કરવી જોઈએ?

૨૨ યહોવાએ યાકૂબના વંશજોને નિયમશાસ્ત્ર આપ્યું. એટલે તેઓને કોઈ શંકા ન રહી કે યહોવા તેઓ પાસેથી કેવી ભક્તિ ચાહે છે. જો તેઓએ નિયમશાસ્ત્ર પાળ્યું હોત, તો તેઓ યહોવાની “ખાસ સંપત્તિ” અને “પવિત્ર પ્રજા” બન્યા હોત. (નિર્ગ. ૧૯:૫, ૬) ચાલો જોઈએ કે યહોવાએ આપેલું નિયમશાસ્ત્ર શુદ્ધ ભક્તિ માટે જરૂરી ચાર મુદ્દા પર કઈ રીતે ભાર મૂકતું હતું.

૨૩ ઇઝરાયેલીઓને સાફ સાફ કહેવામાં આવ્યું હતું કે ફક્ત યહોવાની ભક્તિ કરવી જોઈએ. યહોવાએ તેઓને કહ્યું હતું, “મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.” (નિર્ગ. ૨૦:૩-૫) તેઓ યહોવાને જે બલિદાનો ચઢાવે એ સૌથી સારાં હોવાં જોઈએ. દાખલા તરીકે, એક ઇઝરાયેલી કોઈ પ્રાણીનું બલિદાન ચઢાવે તો એ એકદમ સારું હોવું જોઈએ. એમાં કોઈ જાતની ખામી ન હોવી જોઈએ. (લેવી. ૧:૩; પુન. ૧૫:૨૧; માલાખી ૧:૬-૮ સરખાવો.) યહોવાને જે બલિદાનો ચઢાવવામાં આવતાં, એમાંથી અમુક હિસ્સો લેવીઓને પણ મળતો. તેઓએ પણ યહોવાને બલિદાન ચઢાવવાનું હતું. તેઓને ‘જે ભેટો મળી હોય એમાંથી સૌથી ઉત્તમ’ ભાગ યહોવાને આપવાનો હતો. (ગણ. ૧૮:૨૯) યહોવા સ્વીકારે એ રીતે ભક્તિ કરવા ઇઝરાયેલીઓએ શું કરવાનું હતું? તેઓને સાફ સાફ જણાવવામાં આવ્યું હતું કે તેઓએ શાનું બલિદાન ચઢાવવાનું હતું, કઈ રીતે ચઢાવવાનું હતું અને ક્યાં ચઢાવવાનું હતું. ઇઝરાયેલીઓએ કઈ રીતે જીવન જીવવાનું હતું, એ વિશે તેઓને ૬૦૦થી વધારે નિયમો આપવામાં આવ્યા હતા. તેઓને કહેવામાં આવ્યું હતું: “યહોવા તમારા ઈશ્વરે તમને જે આજ્ઞાઓ આપી છે, એને તમે ધ્યાનથી પાળજો. એનાથી ડાબે કે જમણે જશો નહિ.”—પુન. ૫:૩૨.

૨૪ શું ઇઝરાયેલીઓ મન ફાવે એ જગ્યાએ બલિદાન ચઢાવી શકતા હતા? ના. યહોવાએ તેઓને જણાવ્યું કે એક મુલાકાતમંડપ બનાવવામાં આવે. પછી ત્યાં યહોવાની ભક્તિ થવા લાગી. (નિર્ગ. ૪૦:૧-૩, ૨૯, ૩૪) જો ઇઝરાયેલીઓ ચાહે કે યહોવા તેઓનાં બલિદાનો સ્વીકારે, તો તેઓએ એ મંડપ સુધી લાવવાનાં હતાં. *પુન. ૧૨:૧૭, ૧૮.

૨૫. યહોવાની ભક્તિ માટે સૌથી મહત્ત્વનું શું હતું? સમજાવો.

૨૫ સૌથી મહત્ત્વનું તો એ હતું કે એક ઇઝરાયેલી સારા ઇરાદાથી બલિદાન ચઢાવે. તે યહોવાને અને તેમનાં ધોરણોને પૂરા દિલથી ચાહે. (પુનર્નિયમ ૬:૪-૬ વાંચો.) જ્યારે ઇઝરાયેલીઓ યહોવાની ભક્તિ નામ પૂરતી કરતા, ત્યારે યહોવા તેઓનાં બલિદાનો સ્વીકારતા નહિ. (યશા. ૧:૧૦-૧૩) પ્રબોધક યશાયા દ્વારા યહોવાએ જણાવ્યું કે ભક્તિનો દેખાડો કરીને કોઈ તેમને છેતરી શકતું નથી. તેમણે કહ્યું: ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર છે.’—યશા. ૨૯:૧૩.

મંદિરમાં થતી ભક્તિ

૨૬. સુલેમાનના મંદિરમાં પહેલા કઈ રીતે શુદ્ધ ભક્તિ થતી હતી?

૨૬ ઇઝરાયેલીઓ વચનના દેશમાં રહેવા લાગ્યા. એના ૪૦૦ કરતાં વધારે વર્ષો પછી રાજા સુલેમાને એક મંદિર બાંધ્યું. એ મંદિર શુદ્ધ ભક્તિની જગ્યા હતું. મંડપ કરતાં એ મંદિર એકદમ આલીશાન હતું. (૧ રાજા. ૭:૫૧; ૨ કાળ. ૩:૧, ૬, ૭) એ મંદિરમાં પહેલા તો ફક્ત યહોવાની ભક્તિ થતી હતી. એ મંદિરના ઉદ્‍ઘાટન વખતે રાજા સુલેમાન અને તેમની પ્રજાએ ઘણાં બધાં બલિદાનો ચઢાવ્યાં હતાં. એ બધાં બલિદાનો સૌથી સારાં હતાં. એ બલિદાનો યહોવા સ્વીકારે એ રીતે તેમના નિયમ પ્રમાણે ચઢાવવામાં આવ્યાં હતાં. (૧ રાજા. ૮:૬૩) યહોવાએ તેઓની ભક્તિ સ્વીકારી. એનું કારણ એ ન હતું કે મંદિર બાંધવામાં ઘણા પૈસા વાપરવામાં આવ્યા હતા. અથવા એ પણ ન હતું કે ઘણાં બધાં બલિદાનો ચઢાવવામાં આવ્યાં હતાં. પણ ખરું કારણ તો એ હતું કે એ બલિદાનો સારા ઇરાદાથી ચઢાવવામાં આવ્યાં હતાં. મંદિરના ઉદ્‍ઘાટન વખતે સુલેમાને એ જ વાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, “તમે આજે કરો છો તેમ, આપણા ઈશ્વર યહોવાના કાયદા-કાનૂન પ્રમાણે ચાલીને અને તેમની આજ્ઞાઓ પાળીને પૂરાં દિલથી તેમને ભજો.”—૧ રાજા. ૮:૫૭-૬૧.

૨૭. (ક) ઇઝરાયેલી રાજાઓ અને તેઓની પ્રજાઓએ શું કર્યું? (ખ) યહોવાએ શું કર્યું?

૨૭ અફસોસ કે ઇઝરાયેલી લોકોએ સુલેમાન રાજાની સલાહ પાળવાનું છોડી દીધું. યહોવાની ભક્તિ માટે જે જરૂરી હતું એ કરવાનું તેઓ ચૂકી ગયા. ઇઝરાયેલી રાજાઓ અને તેઓની પ્રજાઓનાં દિલ સાવ ભ્રષ્ટ થઈ ગયાં હતાં. તેઓએ યહોવા પર શ્રદ્ધા રાખવાનું છોડી દીધું. તેઓએ તેમનાં ખરાં ધોરણો પ્રમાણે ચાલવાનું બંધ કરી દીધું. યહોવા ઇઝરાયેલી લોકોને બહુ પ્રેમ કરતા હતા. એટલે તેમણે લોકોને મદદ કરવા વારંવાર પોતાના પ્રબોધકો મોકલ્યા. પ્રબોધકોએ તેઓને ચેતવણી આપી કે જો તેઓ નહિ સુધરે, તો એનાં પરિણામો ભોગવવાં પડશે. (યર્મિ. ૭:૧૩-૧૫, ૨૩-૨૬) એવા જ એક વફાદાર પ્રબોધક હતા હઝકિયેલ. તેમના જમાનામાં લોકો યહોવાની ભક્તિ કરવા ખાતર કરતા હતા.

હઝકિયેલે શુદ્ધ ભક્તિ અશુદ્ધ થતા જોઈ

૨૮, ૨૯. હઝકિયેલ વિશે આપણે શું જાણીએ છીએ? (“હઝકિયેલ—તેમનું જીવન અને તેમનો જમાનો” બૉક્સ જુઓ.)

૨૮ સુલેમાનના મંદિરમાં થતી યહોવાની ભક્તિ વિશે હઝકિયેલ સારી રીતે જાણતા હતા. તેમના પિતા યાજક હતા અને તેમનો વારો આવે ત્યારે, મંદિરમાં સેવા આપવા જતા હતા. (હઝકિ. ૧:૩) હઝકિયેલનું બાળપણ મજાનું રહ્યું હતું. હઝકિયેલના પિતાએ તેમને યહોવા અને તેમના નિયમશાસ્ત્ર વિશે શીખવ્યું હશે, એમાં કોઈ શંકા નથી. હઝકિયેલના જન્મના થોડા સમય પછી મંદિરમાંથી “નિયમશાસ્ત્ર” મળી આવ્યું. * એ સમયે યોશિયાનું રાજ ચાલતું હતું. તે એક સારા રાજા હતા. યોશિયાએ નિયમશાસ્ત્રમાં લખેલી વાતો સાંભળી અને એ તેમના દિલમાં ઊતરી ગઈ. એટલે તેમણે શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરાવવા જોરશોરથી કામ શરૂ કરી દીધું.—૨ રાજા. ૨૨:૮-૧૩.

હઝકિયેલના પિતાએ તેમને યહોવા અને નિયમશાસ્ત્ર વિશે શીખવ્યું હશે, એમાં કોઈ શંકા નથી (ફકરો ૨૮ જુઓ)

૨૯ હઝકિયેલ પોતાના સમય અગાઉ થઈ ગયેલા ઈશ્વરભક્તોને પગલે ચાલ્યા. તે યહોવાની ભક્તિ માટે જરૂરી ચાર મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જીવ્યા. આપણે હઝકિયેલના પુસ્તક પર વિચાર કરીએ તેમ જોઈશું કે તેમણે ફક્ત યહોવાની ભક્તિ કરી. તેમણે યહોવાને સૌથી સારું આપ્યું, પૂરા દિલથી તેમની દરેક આજ્ઞા પાળી અને તે સ્વીકારે એ રીતે ભક્તિ કરી. હઝકિયેલે આ બધું સારા ઇરાદાથી કર્યું. તેમને યહોવામાં પૂરી શ્રદ્ધા હતી. તેમના સમયના મોટા ભાગના લોકો આવા ન હતા. હઝકિયેલ નાનપણથી યર્મિયાની ભવિષ્યવાણીઓ સાંભળતા આવ્યા હતા. યર્મિયાએ ઈ.સ. પૂર્વે ૬૪૭માં ભવિષ્યવાણીઓ જણાવવાનું શરૂ કર્યું. યહોવા લોકો પર જે સજા લાવવાના હતા એ વિશે તેમણે પૂરા જોશથી ચેતવણી આપી.

૩૦. (ક) હઝકિયેલની ભવિષ્યવાણીઓ પરથી આપણને શું જાણવા મળે છે? (ખ) ભવિષ્યવાણી એટલે શું? હઝકિયેલની ભવિષ્યવાણીઓ કઈ રીતે સમજવી જોઈએ? (“હઝકિયેલની ભવિષ્યવાણીઓની સમજણ” બૉક્સ જુઓ.)

૩૦ યહોવાની શક્તિથી હઝકિયેલે પુસ્તક લખ્યું. એ પુસ્તક બતાવે છે કે ઈશ્વરના લોકો તેમની ભક્તિથી કેટલા દૂર ચાલ્યા ગયા હતા. (હઝકિયેલ ૮:૬ વાંચો.) એટલે યહોવાએ યહૂદાના લોકોને સજા કરી. તેમણે તેઓને બાબેલોનની ગુલામીમાં જવા દીધા. એમાં હઝકિયેલ પણ હતા. (૨ રાજા. ૨૪:૧૧-૧૭) હઝકિયેલને ગુલામ તરીકે લઈ જવાયા, એનો અર્થ એ ન હતો કે તેમને સજા કરવામાં આવી. ગુલામીમાં ગયેલા યહોવાના લોકો વચ્ચે રહીને તેમણે યહોવાનું કામ કરવાનું હતું. હઝકિયેલે પોતાના પુસ્તકમાં જોરદાર દર્શનો અને ભવિષ્યવાણીઓ લખી લીધાં. એ બતાવતા હતા કે કઈ રીતે યરૂશાલેમમાં યહોવાની ભક્તિ ફરીથી શરૂ થશે. એટલું જ નહિ, એ પણ જોવા મળે છે કે કઈ રીતે આખી ધરતી પર એક દિવસ યહોવાની ભક્તિ થશે. યહોવાને ચાહનારા બધા જ ફક્ત તેમની ભક્તિ કરશે.

૩૧. આ પુસ્તકમાંથી આપણે શું શીખીશું?

૩૧ આ પુસ્તકના હવે પછીના ભાગોમાં આપણને સ્વર્ગની એક ઝલક મળશે. આપણે જાણે મનની આંખોથી જોઈ શકીશું કે યહોવા ક્યાં રહે છે. આપણે જોઈશું કે શુદ્ધ ભક્તિ કઈ હદે ભ્રષ્ટ થઈ ગઈ હતી. એ પણ શીખીશું કે યહોવાએ કઈ રીતે શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરાવી અને પોતાના લોકોનું રક્ષણ કર્યું. આપણે ભાવિ પર એક નજર નાખીશું જ્યારે દરેક લોકો યહોવાની ભક્તિ કરતા હશે. હવે પછીના પ્રકરણમાં આપણે હઝકિયેલે લખેલા પહેલા દર્શનની વાત કરીશું. એનાથી આપણે કલ્પના કરી શકીશું કે યહોવા કેવા છે. તેમના સંગઠનનો સ્વર્ગમાંનો ભાગ કેવો છે. એ જાણવાથી આપણે સારી રીતે સમજી શકીશું કે કેમ એકલા યહોવા જ શુદ્ધ ભક્તિના હકદાર છે.

^ આદમ અને હવાને એદન બાગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યાં હતાં. એના થોડા સમય પછી હાબેલનો જન્મ થયો હશે. (ઉત. ૪:૧, ૨) ઉત્પત્તિ ૪:૨૫ જણાવે છે કે ઈશ્વરે “હાબેલની જગ્યાએ” શેથ આપ્યો. હાબેલના ખૂન પછી જ્યારે શેથનો જન્મ થયો, ત્યારે આદમ ૧૩૦ વર્ષનો હતો. (ઉત. ૫:૩) એટલે જ્યારે કાઈને હાબેલને મારી નાખ્યા, ત્યારે હાબેલની ઉંમર ૧૦૦ વર્ષની હશે.

^ ઉત્પત્તિ ૪:૨૬ જણાવે છે, આદમના પૌત્ર અનોશના સમયમાં લોકો “યહોવાના નામે પોકાર કરવા લાગ્યા.” તેઓ યહોવાનું અપમાન કરવા તેમના નામે પોકાર કરતા હતા. કદાચ તેઓએ પોતાની મૂર્તિઓનું નામ યહોવા રાખ્યું હોય શકે.

^ નન્‍ના દેવનું બીજું નામ સીન હતું. એ શહેરના લોકો બીજા ઘણા દેવોને પૂજતા હતા. પણ ત્યાં મોટા ભાગનાં મંદિરો અને વેદીઓ નન્‍ના માટે હતાં.

^ મંડપમાંથી કરારકોશ લઈ લેવામાં આવ્યા પછી, એવું લાગે છે કે મંડપ સિવાય બીજી જગ્યાએ ચઢાવેલાં બલિદાનો પણ યહોવાએ સ્વીકાર્યાં.​—૧ શમુ. ૪:૩, ૧૧; ૭:૭-૯; ૧૦:૮; ૧૧:૧૪, ૧૫; ૧૬:૪, ૫; ૧ કાળ. ૨૧:૨૬-૩૦.

^ હઝકિયેલે ઈ.સ. પૂર્વે ૬૧૩માં ભવિષ્યવાણી કરવાની શરૂઆત કરી. એ સમયે તે કદાચ ૩૦ વર્ષના હતા. એનો અર્થ એ થયો કે તેમનો જન્મ લગભગ ઈ.સ. પૂર્વે ૬૪૩માં થયો હશે. (હઝકિ. ૧:૧) યોશિયાએ ઈ.સ. પૂર્વે ૬૫૯માં રાજ કરવાનું શરૂ કર્યું. તેમના રાજના લગભગ ૧૮મા વર્ષે, એટલે કે ઈ.સ. પૂર્વે ૬૪૨-૬૪૧માં નિયમશાસ્ત્ર મળી આવ્યું. એ કદાચ ખુદ મૂસાએ લખેલું પુસ્તક હતું.