સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિયામક જૂથ તરફથી પત્ર

નિયામક જૂથ તરફથી પત્ર

યહોવાને પ્રેમ કરનારાં વહાલાં ભાઈ-બહેનો,

આ ૧૯૭૧ની વાત છે. એ વખતે એક સંમેલન રાખવામાં આવેલું હતું. એનો વિષય હતો, “ઈશ્વરનું નામ.” એ સંમેલનમાં બધા લોકો ઘણા ખુશ હતા, કેમ કે એમાં નવાં નવાં પુસ્તકો બહાર પાડવામાં આવ્યાં હતાં. આટલાં સરસ પુસ્તકો મળશે એવું કોઈએ ધાર્યું ન હતું! એમાંથી એક પુસ્તક વિશે એક ભાઈએ કહ્યું: “ભાવિની ઝલક આપતું આટલું જોરદાર પુસ્તક આપણને કદી મળ્યું નથી!” એ ભાઈ કયા પુસ્તકની વાત કરતા હતા? એ પુસ્તકનું નામ છે, “ધ નેશન્સ શેલ નો ધેટ આઈ એમ જેહોવા”—હાઉ? એ પુસ્તક ભાઈ-બહેનોને કેમ એટલું ગમ્યું? એમાં હઝકિયેલના પુસ્તકની અમુક ભવિષ્યવાણીઓની તાજી સમજણ હતી, જેની અસર બધા માણસોના ભાવિ પર થવાની હતી.

‘નો જેહોવા’ પુસ્તક બહાર પાડવામાં આવ્યું ત્યારે ઈશ્વરભક્તોની સંખ્યા આશરે ૧૫ લાખ હતી. પછી એ સંખ્યા વધતી ને વધતી ગઈ. આજે તો આપણે ૮૦ લાખથી પણ વધારે ભાઈ-બહેનો છીએ. (યશા. ૬૦:૨૨) યહોવાના લાખો ભક્તો આજે ૧,૦૦૦થી વધારે ભાષાઓ બોલે છે. (ઝખા. ૮:૨૩) એ સમયના મોટા ભાગના લોકોએ ક્યારેય એવું પુસ્તક વાંચ્યું ન હતું, જેમાં પ્રબોધક હઝકિયેલની ભવિષ્યવાણીઓની આટલી સારી સમજણ આપવામાં આવી હોય.

સત્યની આપણી સમજણ દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે ૧૯૭૧ પછીનાં વર્ષોમાં બાઇબલમાંથી આપણને સત્યની વધારે સમજણ મળી. (નીતિ. ૪:૧૮) ૧૯૮૫માં આપણને વધારે સમજણ મળી કે કઈ રીતે “બીજાં ઘેટાં” નેક ગણાય છે અને ઈશ્વરના મિત્ર બને છે. (યોહા. ૧૦:૧૬; રોમ. ૫:૧૮; યાકૂ. ૨:૨૩) ૧૯૯૫માં આપણને પહેલી વાર સમજણ મળી કે “ઘેટાં” અને ‘બકરાંનો’ આખરી ન્યાય “મોટી વિપત્તિ” દરમિયાન કરવામાં આવશે. (માથ. ૨૪:૨૧; ૨૫:૩૧, ૩૨) આપણી સમજણમાં થયેલા આવા ફેરફારોને લીધે હઝકિયેલના પુસ્તક વિશે પણ આપણને નવી નવી વાતો જાણવા મળી છે.

“હે માણસના દીકરા, ધ્યાનથી જો, કાન દઈને સાંભળ અને હું જે બતાવું એ બધા પર ધ્યાન આપ. તને એ જ કારણે અહીં લાવવામાં આવ્યો છે.”​—હઝકિયેલ ૪૦:૪

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સત્યનો પ્રકાશ હજુ વધારે ઝળહળી ઊઠ્યો છે. ઈસુએ આપેલાં ઉદાહરણોનો વિચાર કરો. એ આપણને કેટલું બધું શીખવે છે! ઈસુએ શીખવેલી વાતો આપણાં મનમાં સારી રીતે છપાઈ ગઈ છે, આપણાં દિલમાં ઊતરી ગઈ છે. ઈસુનાં અનેક ઉદાહરણોમાં જે બનાવોની વાત કરવામાં આવી છે, એ બહુ જલદી જ મોટી વિપત્તિ વખતે બનશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, આપણે હઝકિયેલની અમુક ભવિષ્યવાણીઓનો ખરો અર્થ સમજી શક્યા. જેમ કે, માગોગ દેશના ગોગ વિશે (અધ્યાય ૩૮ અને ૩૯), મંત્રીના શાહીના ખડિયાવાળા માણસ વિશે (અધ્યાય ૯), સુકાઈ ગયેલાં હાડકાંથી ભરેલી ખીણ વિશે અને બે લાકડીઓને એક કરવા વિશે (અધ્યાય ૩૭). ‘નો જેહોવા’ પુસ્તકમાં જે માહિતી આપવામાં આવી હતી, એના કરતાં આજે આપણી પાસે ઘણી નવી માહિતી છે.

એટલે ઘણાં ભાઈ-બહેનો પૂછે એમાં નવાઈ નથી કે “હઝકિયેલની ભવિષ્યવાણીઓની નવી જાણકારી આપતું પુસ્તક ક્યારે મળશે?” તેઓના સવાલનો જવાબ આ નવું પુસ્તક છે: આખી ધરતી પર યહોવાની ભક્તિ! આ પુસ્તકમાં ૨૨ પ્રકરણો છે અને સુંદર ચિત્રો પણ છે. જેમ તમે પ્રકરણો વાંચશો અને ચિત્રો ધ્યાનથી જોશો, તેમ દંગ રહી જશો. તમે વિચારશો કે આ પુસ્તક તૈયાર કરવામાં કેટલી બધી મહેનત લાગી છે અને કેટલું બધું સંશોધન થયું છે! યહોવાએ હઝકિયેલ નામનું જોરદાર પુસ્તક કેમ લખાવ્યું હતું, એ સમજવા ઘણી પ્રાર્થના કરવામાં આવી અને ઘણો વિચાર કરવામાં આવ્યો. એ માટે આવા સવાલોનો વિચાર કરવામાં આવ્યો: હઝકિયેલના પુસ્તકમાંથી તેમના જમાનાના લોકોને શું શીખવા મળ્યું અને આપણને શું શીખવા મળે છે? એ પુસ્તકની કઈ ભવિષ્યવાણીઓ ભાવિમાં પૂરી થશે? શું એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે હઝકિયેલની ભવિષ્યવાણીમાં લખેલી ઝીણામાં ઝીણી માહિતી શાને રજૂ કરે છે? એ સવાલોના જવાબ આ પુસ્તકમાં મળશે. એ જાણીને તમે હઝકિયેલના જોરદાર પુસ્તકને વધારે સારી રીતે સમજી શકશો.

હઝકિયેલના પુસ્તકમાં યહોવાના સંગઠનના સ્વર્ગના ભાગ વિશે જણાવવામાં આવ્યું છે. આ પુસ્તક વાંચશો તેમ તમારી નવાઈનો કોઈ પાર નહિ રહે. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે યહોવાએ સ્વર્ગના અને ધરતીના પોતાના ભક્તો માટે કેટલાં ઊંચાં ધોરણો બેસાડ્યાં છે! યહોવાની ભક્તિ પુસ્તકમાંથી તમને જાણવા મળશે કે યહોવાએ પોતાના ભક્તો માટે કેટલું બધું કર્યું છે અને જલદી જ બીજું શું કરવાના છે. તમે યહોવાનો લાખ લાખ આભાર માનશો! તમને જોવા મળશે કે આ પુસ્તકમાં બે મુદ્દા પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે. પહેલો, યહોવાની કૃપા મેળવવા આપણે દિલથી સ્વીકારવું જોઈએ કે ફક્ત યહોવા જ આખા વિશ્વના માલિક છે. બીજો, યહોવા જે રીતે ચાહે છે, એ જ રીતે આપણે તેમની ભક્તિ કરવી જોઈએ અને તેમનાં ઊચાં ધોરણો પ્રમાણે જીવવું જોઈએ.

અમે દિલથી ચાહીએ છીએ કે શુદ્ધ ભક્તિ કરવાનો તમારો નિર્ણય આ પુસ્તકની મદદથી હજુ વધારે મક્કમ થાય. એનાથી યહોવાના મહાન અને પવિત્ર નામનો જયજયકાર થાય. તમારાં દિલમાં એ સમય જોવાની આશા જાગે, જ્યારે બધી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે યહોવા જ વિશ્વના માલિક છે!—હઝકિ. ૩૬:૨૩; ૩૮:૨૩.

આપણા પિતા યહોવાએ પ્રબોધક હઝકિયેલ પાસે જે પુસ્તક લખાવ્યું, એ સમજવા તે તમને મદદ કરે અને આશીર્વાદ આપે એવી અમે દિલથી પ્રાર્થના કરીએ છીએ.

તમારા ભાઈઓ,

યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ